તમારા માટે, તમારી સાથે, સતત…

ચારિત્ર્ય પર સવાલો ઉઠતા કશિશ કોર્ટમાં ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી

આજથી એની આ અન્યાય સામેની લડતમાં ધ્યેય એની સાથે છે

0 381

‘રાઇટ એન્ગલ’    નવલકથા: પ્રકરણ – ૨૩

  • કામિની સંઘવી

કશિશ માટે પોતાને પહેલેથી જ લાગણી હતી? તેવા વિચારોએ ધ્યેયના મન પર કબજો જમાવ્યો. કશિશને પોતે એક મિત્રની જેમ નહીં, પણ કોઈ પુરુષ કોઈ સ્ત્રીને ચાહે એ રીતે જ એને ચાહતો હોવાની ધ્યેયે મનોમન કબૂલાત કરી. દરમિયાન કૉફી હાઉસ પર પહોંચેલા ધ્યેયને કશિશે કૉફીની ઑફર કરી. બંને મનોમન એકબીજાને પ્રેમ કરતાં હતાં, પણ પ્રેમની કબૂલાત થઈ ન હતી. સાથે ડિનર કરવા ગયેલા ધ્યેય અને કશિશ નજર ચૂકવી એકબીજાને જોતાં રહ્યાં. કૌશલ કરતાં ધ્યેય વધુ હેન્ડસમ હોવાનું અને ધ્યેય તેની વધુ ફિકર કરતો હોવાનું કશિશે અનુભવ્યું. એકબીજા માટે જન્મેલી આ નવી લાગણી યોગ્ય છે કે કેમ એ વિશે બંને વિચારતા રહ્યાં. બીજા દિવસે કશિશના ઘેર પહોંચેલા ધ્યેયે એના હાથની બનાવેલી રસોઈનાં વખાણ કર્યાં. કશિશ કૉફી હાઉસથી ઘેર આવે તે સમયે જ ધ્યેય એના ઘેર જવા લાગ્યો. બંનેને એકબીજાની કંપની ગમવા લાગી. દરમિયાન રાહુલે કશિશને ફોન કરી કોર્ટમાં મેડિકલ કૉલેજના પ્રિન્સિપાલની સરતપાસની માહિતી આપી.  કશિશના પિતા મહેન્દ્રભાઈ અને ભાઈ ઉદયે લેખિતમાં ઍડ્મિશન ન જોઈતું હોવાની લેખિત બાંયધરી આપી હોઈ માર્ક્સ હોવા છતાં કશિશને ઍડ્મિશન આપ્યું ન હોવાની વિગતો પ્રિન્સિપાલે કોર્ટમાં રજૂ કરી. ઉદયના વકીલ નીતિન લાકડાવાલાએ વર્ષાે જૂની ઘટના કેવી રીતે યાદ રહી તેવા સવાલ ઉઠાવતાં પ્રિન્સિપાલ મૂંઝાયા. લાકડાવાલાએ તેના ચારિત્ર્ય પર શંકા કરતા સવાલો ઉઠાવતા કશિશ હચમચી ગઈ અને કોર્ટમાં ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. મહેન્દ્રભાઈએ પોતાની દીકરી પર આવા આરોપ ન લગાવવા અનુરોધ કર્યાે. જજે પણ પુરાવા રજૂ કરવાનું કહી ઠપકો આપતાં લાકડાવાલાએ આરોપ પાછા ખેંચ્યા. કોર્ટ કાર્યવાહી પૂરી થતાં જ કશિશ દોડીને ધ્યેયની ઑફિસ પર પહોંચી પોતે કેસ પાછો ખેંચવા માગતી હોવાનું જણાવ્યું…….

હવે આગળ વાંચો…

‘મારે કેસ પાછો ખેંચવો છે.’ કશિશ બોલતાં બોલતાં રડી પડી. કાલ સુધી વજ્ર જેવા સખત મનોબળવાળી કશિશ આજે એકાએક આમ સાવ પડી ભાંગી તેથી ધ્યેય અચરજથી એને તાકી રહ્યો. એ કશું કહે ત્યાં તો શ્વાસભેર દોડતો દોડતો રાહુલ ત્યાં આવ્યો અને એણે કોર્ટરૃમમાં જે બન્યું હતું તે કહ્યું.

આ સાંભળીને ધ્યેયનો ચહેરો ગુસ્સાથી તમતમી ગયો, એણે ઉદયને ફોન કર્યો,

‘મેં તને કહ્યું હતું કે લિમિટમાં રહેજે…પણ તારા વકીલે આજે બધી લિમિટ ક્રોસ કરી નાંખી છે. આજ સુધી આપણી દોસ્તીની શરમ મેં રાખી હતી, પણ તું કેસ જીતવાના મોહમાં એ ભૂલી ગયો કે સામે તારી બહેન છે. એટલે હવે આજથી હું ભૂલી જાઉં છું કે તું મારો દોસ્ત છે. ઉદય શાહ…હવે હારવા માટે તૈયાર રહેજો, કારણ કે આ કેસ હવે હું લડીશ.’ ઉદય કશો જવાબ આપે તે પહેલાં તો ધ્યેયે ફોન કાપી નાંખ્યો.

ધ્યેયનો રોષ જોઈને કશિશ રડવાનું ભૂલી ગઈ. એણે જે રીતે ઉદયને ક્લિયર કટ સંભળાવી દીધું તેથી કશિશને થોડી માનસિક રાહત મળી. સાથે-સાથે ધ્યેયનો નિર્ણય સાંભળીને કશિશ તાજુબ થઈ હતી તો રાહુલ આશ્ચર્યચકિત થઈને પૂછી બેઠો,

‘પણ સર તમે તો કહેતા હતા ને કે તમે આ કેસ કદી નહીં લડો?’

‘રાહુલ જો સામેવાળા બધી હદ વટાવી જતાં હોય તો મારે મારા વચન યાદ રાખવાની જરૃર નથી. કૃષ્ણ ભગવાને પણ મહાભારતના યુદ્ધમાં હથિયાર હાથમાં નહીં ઉઠાવવાનું વચન તોડ્યું હતું, કારણ કે કૌરવોએ યુદ્ધના નિયમનું ઉલ્લંઘન કરીને અભિમન્યુને ખોટી રીતે મારી નાંખ્યો હતો. હવે જો ઉદયના વકીલ કેસ જીતવા માટે કશિશની ઇજ્જત સાથે ચેડાં કરે તે હું કેવી રીતે જોઈ શકું?’

ધ્યેયનો જવાબ સાંભળીને રાહુલ બોલ્યો,

‘હવે તો કોર્ટમાં ખરાખરીનો ખેલ લડાશે. સર હું પણ તમારી સાથે કોર્ટમાં કાર્યવાહી જોવા આવીશ.’

હતાશ કશિશની આંખમાં આશાનો ચમકારો થયો. બસ, હવે ગમે તેવા આક્ષેપ થાય કે એના ચારિત્ર્ય પર આંગળી ચીંધાય એ હિંમત નહીં હારે, કારણ કે આજથી એની આ અન્યાય સામેની લડતમાં ધ્યેય એની સાથે છે. કદાચ અત્યારે રાહુલ ન હોત તો એ ધ્યેયને ભેટી પડી હોત!

‘નેકસ્ટ ડેટ કંઈ છે?’ ધ્યેયે રાહુલને પૂછ્યું,

‘જી…દસ સપ્ટેમ્બર..’

‘ઓ.કે. તેં અત્યાર સુધીમાં જે કાંઈ નોટ્સ કે ફાઇલ તૈયાર કરી છે તે બધી મારા ટેબલ પર મૂકી દે જે…હું કાલથી જ તૈયારી શરૃ કરી દઈશ.’

બીજા દિવસથી જ ધ્યેયે લડાયક મૂડમાં એની તૈયારી શરૃ કરી દીધી. પહેલાં તો એણે રાહુલે આ કેસ વિશે જે નોટ્સ તૈયાર કરી હતી તે પર નજર ફેરવી લીધી. આમ તો રાહુલ એની સલાહ મુજબ જ કામ કરતો હતો, પણ અત્યાર સુધી ધ્યેયને આશા હતી કે કોઈક ને કોઈક રીતે કેસમાં સમાધાન થશે, કશિશ કદાચ એમને માફ કરી દેશે અથવા તો ઉદય કે મહેન્દ્રભાઈ કોઈક રીતે સમાધાનની ભૂમિકા પર આવશે, પણ કાલે જે ઘટના બની તે પછી આ બધા સમાધાન કરવા તૈયાર થાય તો પણ હવે ધ્યેય જ સમાધાન કરવાના મૂડમાં ન હતો. એ બધું સહી શકે, પણ કશિશના ચરિત્ર પર કોઈ શંકા કરે તો કોઈ કાળે એમને માફ ન કરે.

રાહુલે કરેલી બધી નોટ્સ અને ફાઇલ ધ્યેય જોઈ ગયો. બધા પર વિચાર કરીને એણે એક-બે મુદ્દા તારવ્યા. પછી કશિશને ફોન કર્યો,

‘હાય..તું ફ્રી છે તો હું કૉફી હાઉસ આવું?’

કશિશને નવાઈ લાગી, કારણ કે બંને જણાં ડિનર તો સાથે જ કરતાં હોય છે એટલે રાતે તો મળવાના જ છે, અત્યારે ધ્યેય કેમ કૉફી હાઉસ આવે છે?

‘હા…ખાસ રશ નથી…આવી જા.’

કોર્ટમાં ઉદયના વકીલે કશિશ પર આડેધડ આરોપ લગાવ્યા અને તે પછી ધ્યેયે કેસ પોતાના હાથમાં લઈ લીધો, કશિશને તે જોઈને ધ્યેય પર પહેલાંથી ખૂબ માન અને વિશ્વાસ હતો, હવે તેમાં લાગણી પણ ભળી હતી. ધ્યેય આવે તે પહેલાં કશિશે વૉશરૃમમાં જઈને ચહેરા પર પાણીની છાલક મારી. સહેજ ક્રીમ લગાવી, હોઠ પર લાઇટ લિપસ્ટિક લગાવી. આંખોમાં સવારે લગાવેલી આઈલાઇનર ઝાંખી થઈ ન હતી છતાં એના પર હળવેથી એક કોટ લગાવી દીધો. વાળ ખોલીને ફરી ઓળી લીધા. લાઈટ યલો ટી શર્ટ અને ઓલિવ ગ્રીન પેન્ટ પર સહેજ-સાજ હાથ ફેરવી લીધો એટલે એકદમ ઇસ્ત્રી ટાઇટ દેખાય. આજ સુધી એ આવી રીતે કદી ધ્યેય માટે તૈયાર થઈ ન હતી, પણ એને આજે આમ તૈયાર થવાનું ગમ્યું. મિરરમાં જોઈને પોતાના પ્રતિબિંબ સામે એક કોન્ફિડન્સ સ્માઇલ ફરકાવતી એ બહાર આવી ત્યારે ધ્યેય આવી ગયો હતો. ધ્યેય વૉશરૃમ તરફથી કશિશને આવતી જોઈ રહ્યો.

‘હાય!’ કશિશ ટહુકી એટલે ધ્યેય સહેજ શરમાઈને નીચે જોઈ ગયો. પોતે કેવો બાઘાની જેમ કશિશને તાકી રહ્યો હતો તેની કશિશને જાણ થઈ ગઈ. કશિશને એનું આમ નીરખી નીરખીને જોવું ખૂબ ગમ્યું.

‘માલા…બે કપ નેસકેફી લાવજે ને પ્લીઝ!’

કશિશે પોતાની હેલ્પરને કહીને ધ્યેયને રિલેક્સ થવાનો સમય આપ્યો. કૉફી સીપ કરતાં કરતાં કશિશ બોલી,

‘તારે કશું કામ હતું ને?’

‘યાહ…’ ધ્યેયે પોતાની વાત શરૃ કરી,

‘હું રાહુલે તૈયાર કરેલી નોટ્સ જોઈ ગયો. બધી વિગતમાં એક કડી ખૂટે છે. આઇ થિન્ક દરેક વ્યક્તિએ એક તો પોતાના ડૉક્ટર અને બીજા વકીલ, આ બંનેથી કશું છુપાવવું ન જોઈએ.’ ધ્યેયે કૉફીનો કપ બાજુમાં મુક્યો.

‘હા…તો પૂછ ને…હું કશું છુપાવીશ નહીં.’ કશિશ કૉફી સીપ કરતાં ધ્યેય સામે જોઈ રહી.

‘કિશુ…આટલાં બધાં વર્ષો પછી તને કેવી રીતે જાણ થઈ કે તને મેડિકલમાં ઍડ્મિશન મળ્યું હતું, પણ તારા ભાઈના કારણે તું મેડિકલમાં જઈ ન શકી?’

ધ્યેયના સવાલથી કશિશને તે દિવસ યાદ આવી ગયો. કૌશલ ટૂર પર હતો અને પોતે એક દિવસ પિયર રહેવા ગઈ હતી અને…

કશિશે કપ મોઢે માંડ્યો, પણ કૉફી પૂરી થઈ ગઈ હતી. એણે કપ ટેબલ પર મૂકી દીધો. એણે ઊંડો શ્વાસ લીધો, બારીની બહારથી નજર ફેરવીને ધ્યેય પર ટેકવી,

‘હું કશું છુપાવવા ઇચ્છતી નથી..પણ આજ સુધી મને કોઈએ આ વિશે પૂછ્યું નથી.’

‘હમમ…’ ધ્યેયે એની સાથે સહમત થતાં માથું હલાવ્યું, કશિશે ઊંડો નિઃસાસો નાંખ્યો,

Related Posts
1 of 279

‘તેર વર્ષ હું ભ્રમમાં જ જીવી કે મને મેરિટ ઊંચું ગયું હોવાના કારણે ઍડ્મિશન નહોતું મળ્યું. કૌશલ ટૂર પર હતો…હું પપ્પાને ત્યાં રહેવા ગઈ હતી. ઉદયભાઈની દીકરી નવ્યા એઇટથ સ્ટાન્ડર્ડમાં ભણે છે. બપોરે હું એની સાથે પપ્પાના રૃમમાં બેસીને વાતો કરતી હતી અને એણે કહ્યું કે એને ડૉક્ટર બનવું છે. ત્યારે હું બોલી ગઈ કે મારે પણ મેડિકલમાં જવું હતું, મારા માક્ર્સ પણ સારા આવ્યા હતા, પણ હું ડૉક્ટર બની ન શકી..ત્યારે નવ્યા બોલી કે, ફિયા, તમારો સ્કોર તમે કહો છો તેટલો હોય તો તમને ઍડ્મિશન મળે જ, કારણ કે મારી ફ્રેન્ડના અંકલને તમારી જેટલા પરસેન્ટેજમાં અમદાવાદની કૉલેજમાં ઍડ્મિશન મળ્યું હતું. અને હાલ એ અંકલ અમદાવાદમાં જ હાર્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરે છે. મેં એને કહ્યું કે મને કૉલ લેટર જ આવ્યો ન હતો. ત્યારે નવ્યાએ દલીલ કરી કે તમારે કૉલેજમાં તપાસ કરવી જોઈતી હતી. મેં કહ્યું કે પપ્પા અને ઉદયભાઇએ તપાસ કરી હતી, પણ તે સમયે મેરિટ ઊંચું ગયું હતું એટલે ઍડ્મિશન નહીં મળે તેવું કૉલેજવાળાએ કહ્યું હતું. એટલે નવ્યાએ પપ્પાને પૂછ્યું કે તમે સી.જે. મેડિકલ કૉલેજમાં પ્રિન્સિપાલને મળ્યા હતા? નવ્યાએ આ સવાલ પૂછ્યો અને મેં પપ્પા સામે જોયું તો એમના ચહેરા પર અજીબ ભાવ હતા.’

કશિશ બોલતાં બોલતાં થાકી ગઈ. આ હકીકત એને અપાર દુઃખ આપતી હતી, પણ કહેવી જરૃરી હતી. ધ્યેયે એના હાથ પર સહાનુભૂતિ ભર્યો હાથ મુક્યો. એના સ્પર્શથી કશિશના બદનમાં ઝણઝણાટી ફેલાઈ ગઈ. આજ સુધીમાં બંનેએ અનેકવાર હાથ મેળવ્યા હતા, એકબીજાને ભેટ્યા હતા, પણ હવે સંબંધોના પરિમાણ બદલાઈ ગયા છે. ધ્યેયના સ્પર્શથી એને પોતાની વાત પૂરી કરવાનું જોમ આવ્યું,

‘મેં જાણી જોઈને નવ્યાને કહ્યું કે ઍડ્મિશન લેવા ઉદયભાઈ ગયા હતા, કારણ કે હું જોવા માંગતી હતી કે પપ્પા શું રિએક્શન આપે છે. પપ્પા કશું બોલતાં ન હતા, પણ એમના મૌનમાં ઘણાબધા ભાવ હતા. બસ, તે પછી નવ્યાને મેં બીજા કામમાં બિઝી કરી દીધી અને મને પહેલીવાર ડાઉટ ગયો કે મને મેડિકલમાં ઍડ્મિશન ન મળ્યું તેમાં કશુંક રહસ્ય છે. બપોરે પપ્પાને ચા આપતાં મેં પૂછ્યું,

‘પપ્પા, મને મેડિકલમાં ઍડ્મિશન મળ્યું હતું?’

‘અને પપ્પા કશો જવાબ આપવાના બદલે નીચું જોઈ ગયા. મેં બે-ત્રણવાર પૂછ્યું તો એમની આંખમાંથી આંસુ આવી ગયા. એટલે મેં વધુ કશું પૂછ્યું નહીં. પપ્પા બહાર સાંજે વૉક પર ગયા, નવ્યા એની ફ્રેન્ડ સાથે ગઈ હતી, ઘરમાં કોઈ ન હતું ત્યારે મેં પપ્પાનો વૉર્ડરોબ ખોલ્યો. ખોલીને બધાં ખાનાં, ડ્રોઅર વગેરે ચેક કર્યું, પણ કશું મળ્યું નહીં. ત્યાં મારું ધ્યાન મમ્મીના જ્વેલરી બોક્સ પર ગયું. મેં તે ખોલ્યું તો એમાંથી મારો ઍડ્મિશન લેટર મળ્યો.’

‘વ્હોટ?’ ધ્યેય બોલી પડ્યો. ‘એ ઍડ્મિશન લેટર ક્યાં છે?’ ધ્યેયના અવાજમાં ઉત્તેજના હતી.

‘જ્વેલરી બોક્સમાં જ… લેટર મેં વાંચીને ત્યાં જ પાછો મૂકી દીધો.’

‘વ્હોટ? અરે યાર, આ તું મને આજે કહે છે? અરે તારે મને પહેલાં કહેવું જોઈએ. એ સૌથી મોટો પુરાવો છે. તું કેમ ગાફેલ રહી શકે? હું ય સાવ ડફર છું કે મેં આ બાબત પર ધ્યાન ન આપ્યું.’ ધ્યેયે ટેબલ પર મુઠ્ઠી પછાડી. ધ્યેયને પણ પોતાના પર ગુસ્સો આવતો હતો. પોતે પણ કેમ આટલી મહત્ત્વની વાત રાહુલને કહેવાનું ચૂકી ગયો?

‘અરે, મેં ત્યારે થોડું વિચાર્યું હતું કે હું કેસ કરવાની છું?’ કશિશે પોતાનો બચાવ કર્યો.

‘હવે એ લેટર મારે કોઈક રીતે મેળવવો પડશે, પણ મેળવવો કેમ? હવે તો હું પણ તારા ઘરે જઈ ન શકું અને તું પણ જઈ ન શકે.’ ધ્યેયે થોડીવાર જોયા કર્યું, વિચાર્યા કર્યું, પછી ચપટી વગાડીને બોલ્યો,

‘તારા પપ્પા ઘરે એકલા ક્યારે હોય?’

‘એવું તો ખાસ બને નહીં…આખો દિવસ ઉદયભાઈ શોપ પર હોય અને નવ્યા સ્કૂલે હોય, પણ ભાભી તો ઘરે જ હોય ને…’

‘એ બહાર તો જતાં હશે ને…કશે ફ્રેન્ડને મળવા કે કિટ્ટી પાર્ટીમાં?’ ધ્યેય બોલવાનું પૂરું કરી રહે તે પહેલાં જ કશિશ બોલી પડી,

‘યસ, દર બુધવારે બપોરે બેથી પાંચ ભાભી કિટ્ટીમાં જાય છે.’

‘ઓ.કે.’ આ માહિતી ધ્યેયના કામની હતી.

પછી ધ્યેયે કશિશ પાસેથી બધી માહિતી મેળવી લીધી. મહેન્દ્રભાઈના રૃમમાં કયા કબાટમાં કંઈ જગ્યાએ જ્વેલરી બોક્સ મૂકેલું હોય છે, એણે કેલેન્ડરમાં ચેક કરી લીધું કે આવતો બુધવાર ઓગણત્રીસ તારીખે છે. આ કામ પતાવતા પહેલાં એક-બે બીજા મહત્ત્વના કામ પતાવવાના છે.

‘હું ડિનર માટે નવ વાગે આવું છું, તે પહેલાં એક-બે કામ પતાવી દઉં.’ ધ્યેયે ઊભા થતા કહ્યું,

‘ઓ.કે..’ કશિશને બાય કહી ધ્યેય નીકળી ગયો.

ગાડીમાં બેસીને ધ્યેયે પહેલું કામ ન્યૂઝપેપરના એડિટરને ફોન કરવાનું કર્યું,

‘તમારી ગુજરાતી ટી.વી. ચેનલમાં કોઈ ઓળખાણ છે?’ કશિશના કેસના ખબર છાપવામાં પહેલીવાર એડિટરે છબરડો વાળ્યો હતો ત્યારે ધ્યેયે આટલો નામાંકિત વકીલ હોવા છતાં એના પર કેસ ઠોક્યો ન હતો તે યાદ રાખીને એડિટર એની સાથે બહુ સલૂકાઈભર્યું વર્તન કરતો હતો,

‘હા…એક બે ચેનલમાં ઓળખાણ છે.’ એડિટરના જવાબથી ધ્યેય મલક્યો,

‘એક કામ કરી આપો ને…આપણો જે કેસ ચાલે છે ને…એના વિશે થોડો પોઝિટિવ પ્રચાર થઈ શકે? આ ઘટનાને તમે દરેક સામાન્ય સ્ત્રી સુધી પહોંચતી થાય તેવું કરી શકો?’ ધ્યેયની વાત ધ્યાનથી એડિટર સાંભળતા હતા.

‘હા…ચોક્કસ થઈ શકે…’

‘બસ તો આવતી દસ તારીખ પહેલાં આ કામ કરી નાંખો…બસ આખા રાજ્યમાં આ કેસ છવાઈ જવો જોઈએ.’

‘જી…હું મારાથી થાય તેટલા પ્રયત્ન કરીશ.’

‘થેન્ક્યુ સો મચ..!’ ધ્યેય ફોન મૂકતાં પહેલાં એડિટરનો આભાર માનવાનું ચૂક્યો નહીં.

એક કામ પત્યું. હવે બીજું કામ… તે થોડું અઘરું તો છે જ, પણ સાથે થોડું સંવેદનશીલ પણ છે. ખબર નહીં કેવી રીતે થશે? હમણાં એ કામ કરવા કરતાં કશિશની ફેવરમાં વાતાવરણ જામે પછી કરવું સારું. તો ધાર્યું નિશાન લાગશે.

ધ્યેયે ડ્રાઇવ કરતાં કરતાં વિચાર્યા કર્યું. પછી એણે નિર્ણય લઈ લીધો. હમણાં આ કામ રહેવા દેવું, પણ એ પહેલાં કાલના પેપરમાં એક સમાચાર આવવા જોઈએ. જેથી કરીને એણે જે કામ કરવાનું છે તેમાં સો ટકા સફળતા મળે. એણે ફરી એડિટરને ફોન કર્યો અને કેટલીક માહિતી આપી. ખાસ કહ્યું કે કાલે આવે તેમ કરજો.

* * *

સવારે બ્રેકફાસ્ટ કરતાં કૌશલ ન્યૂઝપેપરનાં પાનાં ફેરવતો હતો અને એની નજર સિટી ન્યૂઝ પેજ પર પડી, હેડલાઇન જોઈને એ ચોંકી ગયો.

‘કશિશ નાણાવટીના ચારિત્ર્ય સામે આંગળી ચીંધવા માટે કોર્ટનો વકીલને ઠપકો!’ કૌશલ ઝડપથી બધા સમાચાર પર નજર ફેરવી ગયો. કેસની બધી વિગત સાથે એ પણ માહિતી હતી કે નેકસ્ટ ડેટ દસ સપ્ટેમ્બર છે.

‘ઉદયનો વકીલ આટલી હદ સુધી પહોંચી ગયો? હદ થઈ ગઈ. એ કશિશને સમજે છે શું?’ એણે ઉદયને ધમકાવવા માટે ફોન હાથમાં લીધો અને એ અટકી ગયો. કયા હક્કથી એ ઉદયને ઠપકો આપી શકે? એણે ખુદ પણ કશિશને ઘરમાંથી કાઢી મૂકી છે. તો એના અને ઉદયમાં ફેર શું? કૌશલને પહેલીવાર ખૂબ પસ્તાવો થયો. પોતે કશિશ સાથે યોગ્ય વ્યવહાર નથી કર્યો. થોડી ધીરજ રાખીને કશિશને સમજવાનો પ્રયત્ન કર્યો હોત તો આજે આ દિવસ જોવો પડ્યો ન હોત. પોતે આજે આમ એકલો ન હોત.

કૌશલ નાસ્તો પડતો મૂકીને ડાઇનિંગ ટેબલ પરથી ઊભો થઈ ગયો અને ઑફિસ જવા નીકળ્યો. ગાડીમાં બેઠો કે એની નજર ડેસ્ક પર પડેલા એના અને કશિશના ફોટો પર નજર પડી.

‘હવે હું બીજું કશું કરી ન શકું, પણ કશિશને સપોર્ટ તો કરી શકું ને?’ બસ, આ વિચારથી કૌશલને પોતાના પ્રાયશ્ચિતનો રસ્તો મળી ગયો.

* * * અભિયાન સબસ્ક્રાઇબ કરી નવલકથાના નિયમિત પ્રકરણો વાંચવામાં આનંદ માણો….

Leave A Reply

Your email address will not be published.

Translate »