તમારા માટે, તમારી સાથે, સતત…

‘તું જીવે છે’ કહીને લોકવાણી  લોકોને આપે છે સધિયારો

આ પ્રયાસને અત્યાર સુધી ખૂબ જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે.'

0 599
  • પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર

કોવિડ-૧૯ના આ કપરા સમયમાં કોરોના વાઇરસથી બચીને કેવી રીતે જીવવું, તે અંગે સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અનેક માર્ગદર્શિકાઓ બહાર પડાઈ છે. શહેરીજનો તે સમજે છે, પરંતુ ગામડાંમાં ખાસ કરીને કચ્છનાં ગામડાંમાં વસનારા લોકો કોરોના અંગેની વિવિધ વાતોથી અજાણ છે, ત્યારે ભુજની એક સંસ્થા લોકવાણીલોકો સહેલાઈથી સમજી શકે તેવી ભાષામાં ૧૦-૧૦ મિનિટના કાર્યક્રમો બનાવીને વૉટ્સઍપના માધ્યમથી ગામેગામ જાગૃતિ ફેલાવી રહી છે.

કોરોનાના આ કપરા કાળમાં લોકોની જીવનશૈલી ધીરે ધીરે બદલાઈ રહી છે. માસ્ક અને સેનિટાઇઝરે માનવ જીવનમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. સોશિયલ ડિસ્ટન્સિંગ આજે પળેપળે પાળવું પડે છે. કોરોના વાઇરસના કારણે થનારા કોવિડ-૧૯ રોગથી બચવા શું કરવું જોઈએ તે અંગેની માર્ગદર્શિકાઓ જારી થઈ છે. લોકો તેને અનુસરવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે. જોકે ગામડાંમાં રહેનારા અને તેમાં પણ કચ્છના અંતરિયાળ ગામડાંમાં રહેનારા લોકો આ વાઇરસ, આ રોગ અને તે માટેના નવા નવા સાંભળેલા શબ્દપ્રયોગથી તદ્દન અજાણ છે. તેના કારણે તેમનામાં વધુ ગભરાટ વ્યાપ્યો છે.

લોકો ડરે નહીં પરંતુ પૂરતી તકેદારી રાખે, સચેત રહે તે જરૃરી છે. મુંબઈગરા કચ્છીઓ વતન આવ્યા પછી કોરોનાનો કહેર કચ્છનાં ગામડાં સુધી વ્યાપકપણે ફેલાઈ રહ્યો છે ત્યારે ત્યાં રહેનારા લોકો કોરોના પછીની જીવનપદ્ધતિ, કોરોનાના કારણે ઉદ્ભવનારી બીજી અનેક સમસ્યાઓ વગેરેથી વાકેફ થાય અને તે અંગે સાવચેતીનાં પગલાં લે તે જરૃરી છે. આથી જ ભુજની એક સ્વૈચ્છિક સંસ્થા ‘લોકવાણી’ દ્વારા વૉટ્સઍપ જેવા ખૂબ લોકપ્રિય અને ગામડાંમાં સહેલાઈથી લોકો સુધી પહોંચેલા માધ્યમની મદદથી કોરોના સંબંધિત વિષયો પરની નિષ્ણાતો સાથેની ચર્ચા ગામડાંમાં પહોંચાડાઈ રહી છે. લોકો તેને ખૂબ રસપૂર્વક સાંભળે છે, મનમાં ઊઠતા પ્રશ્નો અંગે કાર્યક્રમના સંચાલકો સાથે વાતચીત કરે છે અને આ કાર્યક્રમની ઓડિયો ક્લિપ્સ વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા મદદરૃપ બને છે.

‘લોકવાણી’ના આ નવા પ્રયોગની કલ્પના કેવી રીતે ઉદ્ભવી તે અંગે વાત કરતાં સ્થાપક પ્રીતિ સોની જણાવે છે કે, ‘હું વર્ષોથી કચ્છનાં ગામડાંના લોકો સાથે કામ કરું છું. મોટા ભાગનાં ગામોના લોકોને ઓળખું છું. કોરોનાનો પ્રકોપ ડામવાના હેતુથી લાગુ કરાયેલા લૉકડાઉન-૧ના થોડા જ દિવસો પછી હું અલગ-અલગ ગામોના લોકો સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમના ખબર પૂછતી હતી. આ વાતચીત દરમિયાન મને ખ્યાલ આવ્યો કે આ લોકો કોરોના અને કોવિડ-૧૯થી જરા પણ વાકેફ નથી. આ રોગ શું છે, તેની ગંભીરતા શું છે, તે અટકાવવા કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ વગેરેના વ્યાપક પ્રચાર છતાં મોટા ભાગના લોકો તે વિશે વિશેષ કશું જાણતા નથી અને જે જાણે છે તેનાથી તેમનામાં સાવચેતીની ભાવનાને બદલે ડરની ભાવના વધી રહી છે. આથી જ આ રોગ વિશે તેમની જ ભાષામાં, તેઓ સરળતાથી સમજી શકે તેવી રીતે સમજણ આપવી જરૃરી હોવાનું મને જણાયું હતું. લૉકડાઉનના સમયગાળામાં વધુ ને વધુ લોકો સુધી પહોંચી શકાય તેવું માધ્યમ વૉટ્સઍપ હોવાનું લાગતાં લાંબા સલાહસૂચનના બદલે માત્ર ૧૦-૧૦ મિનિટની ઓડિયો ક્લિપ્સ કચ્છી અને ગુજરાતી ભાષામાં તૈયાર કરી, તેને વાયરલ કરવા પ્રયાસો કર્યા હતા. આ પ્રયાસને અત્યાર સુધી ખૂબ જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે.’

‘લોકવાણી’ સંસ્થા અંગે તેઓ કહે છે, ‘મને પહેલેથી જ કૉમ્યુનિકેશન, નોનફોર્મલ એજ્યુકેશન વગેરેમાં ભારે રસ હતો. સમુદાય કેન્દ્રિત હોય તે રીતે કામ કરવું મને ગમતું હતું. માનવતાવાદી અભિગમ સાથે લોકજાગૃતિનું કામ હું કરતી હતી. મારા રસના વિષયમાં વધુ કામ કરવાના હેતુથી ૨૦૧૮માં લોકવાણી- સેન્ટર ફોર ડેવલપમેન્ટ કોમ્યુનિકેશનની સ્થાપના કરી. ધીરે-ધીરે સેવાભાવનાથી કામ કરનારા સાથીઓ મળતાં ગયા.’

Related Posts
1 of 319

તેમણે લૉકડાઉનની શરૃઆતમાં જ જોયું કે ગામડાંમાં કોરોના અંગેની સમજણ અને સાવચેતીનો અભાવ છે. આથી તેમણેે કોરોના વાઇરસ અને કોવિડ-૧૯ને લગતાં અલગ અલગ વિષયો પર ઓડિયો ક્લિપ્સ આપવાનું નક્કી કર્યું. તેને નામ આપ્યું ‘તું જીયરો અંઇ’ એટલે ‘તું જીવે છે’. કચ્છી ભાષામાં ઓડિયો ક્લિપ્સ માંડવીનાં ભારતીબેન ગોર પાસે અને ગુજરાતી ભાષાની ક્લિપ્સ ભુજના ઉત્કંઠા ધોળકિયાના સ્વરમાં તૈયાર કરાવી. આ માટે તેમણે પહેલા વિષયો નક્કી કર્યા, તેને લગતી નાનકડી સ્ક્રિપ્ટ તૈયાર કરી. લૉકડાઉનના સમયગાળામાં આ કામ કરવાનું હોવાથી હાજર તે હથિયાર મુજબ તેમણે પોતાના હાથવગા સ્માર્ટફોનની મદદથી જ કામ કર્યું. સ્ક્રિપ્ટ તેઓ ભારતીબેન અને ઉત્કંઠાને મોકલી આપતા, પોતાને શું જોઈએ છે, કેવી રીતે સ્ક્રિપ્ટનું વાચન કરવાનું છે વગેરે અંગે તેમની સાથે ચર્ચા કરી લેતા. તેમણે પોતાના મોબાઇલમાં રેકોર્ડિંગ માટે ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તેના થકી લોકજાગૃતિનું આ કામ શરૃ કર્યું.

માત્ર માહિતીનું વાંચન જ આ ઓડિયો ક્લિપ્સમાં નથી. તેમાં સુમધુર સંગીત, સંવાદ, ગીતો, કવિતાઓ પણ હોય છે. તબીબો કે મનોચિકિત્સકોના ઇન્ટરવ્યૂ થકી પણ લોકોને માહિતી પૂરી પડાય છે. રોજિંદી જિંદગીની ઘટનાઓને વણી લઈને, ખાસ સીન ઊભો કરીને આખી વાત મૂકવામાં આવે છે. કચ્છના ઘણા કવિઓ કોરોનાને લગતાં ગીતો તૈયાર કરીને મોકલે છે, તો કચ્છી સંગીતકારો અને ગાયકો તે રેકોર્ડ કરીને મોકલે છે. અમુક ગીતો જે તેમના સંગ્રહમાં હતાં તેનો પણ ઉપયોગ ઓડિયોમાં કરે છે.

વૉટ્સઍપ જ શા માટે? અને ઓડિયો ક્લિપ્સ લોકો સુધી કેવી રીતે પહોંચાડી? તે બાબતે તેઓ કહે છે, ‘પહેલા તો આ આખી વાત કોમ્યુનિટી રેડિયો થકી લોકો સુધી પહોંચાડવાની ઇચ્છા હતી, પરંતુ કચ્છમાં વર્ષોથી ચાલતું આવું રેડિયો સ્ટેશન હાલમાં બંધ છે. તેથી મોટાપાયે લોકો સુધી પહોંચવા માટે વૉટ્સઍપ જ સહેલું અને સરળ સાધન લાગ્યું હતું. આજે તે એકદમ સફળ પુરવાર થયું છે. આ ઓડિયો ક્લિપ્સ લોકો સુધી પહોંચાડવા માટે સરપંચોના સંગઠન સાથે જોડાણ કર્યું, બન્ની પચ્છમના અમુક ઉત્સાહી યુવાનોએ મદદનો હાથ આગળ કર્યો. મહિલા સરપંચોના ગ્રૂપ સાથે પણ જોડાયાં. સરપંચો અને યુવાનોએ અમારી ક્લિપ્સ પોતાના અન્ય ગ્રૂપમાં અને કોન્ટેક્ટમાં પહોંચાડી. આમ ઓડિયો ક્લિપ્સને વિશાળ શ્રોતાવર્ગ મળ્યો.’

આ ઓડિયો ક્લિપ્સ સાંભળ્યા પછી અનેક લોકો અમારો સંપર્ક કરીને વિવિધ પ્રશ્નો પૂછે છે. પોતાને ન સમજાયું હોય તે જાણવા પ્રયત્ન કરે છે. અમુક લોકો લાઇક કરે છે તો અમુક પોતાનાં સૂચનો પણ આપે છે. અમુક લોકો તો ઓડિયોમાં મુકાયેલા સ્પેશિયલ ઇફેક્ટ અંગે પણ પૂછે છે. આમ આ ક્લિપ્સને ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.

શરૃઆતના બે એપિસોડ વાઇરલ થયા પછી પ્રીતિબહેનને યુનિસેફ, ગુજરાતમાંથી ફોન આવ્યો હતો. આ નવો પ્રયોગ તેમને ખૂબ ગમ્યો હતો અને તે માટે દોઢ- બે લાખનું ફન્ડિંગ આપવાની પણ ખાતરી તેઓએ આપી હતી. આ પ્રયોગને સેન્ટર ફોર એક્સલેન્સ, પત્રકારત્વ વિભાગ, ગુજરાત યુનિવર્સિટીનો પણ સહયોગ મળી રહ્યો છે.

અત્યાર સુધી કોરોના અંગેની સામાન્ય માહિતી, તે માટે જરૃરી તકેદારી, કોવિડ- ૧૯ના કારણે ઉદ્ભવતી અન્ય સમસ્યાઓ, મહિલાઓની સમસ્યાઓ વગેરે અંગે એપિસોડ તૈયાર કર્યા છે. હવે પછી કોરોના અને બાળકોને ધ્યાનમાં રાખીને એપિસોડ બનાવવાની ઇચ્છા છે. તેમ જ એન્કરિંગ સહિતનું તમામ કામ બાળકો જ સંભાળે તેવી બાળકો માટે એક ‘પાટી પેન’ નામની ઓડિયો સિરીઝ તૈયાર કરવી છે. શાળાઓ બંધ હોવાથી ગામડાંના બાળકો શિક્ષણથી વિમુખ ન થાય, જ્યારે શાળાઓ ખૂલે ત્યારે વાલીઓ તેમને ફરી શાળાએ મોકલે તે માટે પણ આવી ઓડિયો ક્લિપ્સથી તેઓ પ્રયત્ન કરવા માગે છે. તેમ જ જો પૂરતું ફંડ ઉપલબ્ધ થાય તો કચ્છમાં બંધ પડેલા કોમ્યુનિટી રેડિયો સ્ટેશનને પુનઃ ચાલુ કરવાની પણ તેમની ઇચ્છા છે.

ભુજની સંસ્થાના કોરોના અંગે જાગૃતિ માટેના આ નવતર પ્રયોગે વૉટ્સઍપ જેવા સોશિયલ મીડિયા કેટલું ઉપયોગી છે, બે-ચાર વ્યક્તિઓ જ ધારે તો લોકોમાં ફેલાયેલો ડર દૂર કરવામાં અને લોકોમાં જાગૃતિ ફેલાવવામાં કેવો ભાગ ભજવી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. સોશિયલ મીડિયા સમયની બરબાદી છે, તેનાથી ખોટી આદતો જન્મે છે, બાળકોનું ભણતર બગડે છે, તેવી ફરિયાદો અત્યાર સુધી થતી હતી, પરંતુ લૉકડાઉનના સમયમાં આ જ સોશિયલ મીડિયાનું બીજું રૃપ, વધુ શક્તિશાળી પાસું સામે આવ્યું છે.
————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »