તમારા માટે, તમારી સાથે, સતત…

જે ભૂલી શકે છે તે જીવી શકે છે

માંદગીની નોંધ જિંદગીના પાકા ચોપડામાં કદી કરવી નહીં.

0 652
  • ભૂપત વડોદરિયા

‘એકઃ હું શું માંદો હતો? હું સાજો થઈ ગયો છું? મારો દાક્તર કોણ હતો? તમે કહી શકશો? ઓહ, મારી યાદદાસ્ત ખરાબ છે!

બીજો –  હવે જ તમે ખરેખર સાજા થઈ ગયા છો. જે ભૂલી શકે છે તે જ સારા સાજા થાય છે.

આ પંક્તિઓ જર્મન ફિલસૂફ ફ્રેડરિક નિત્સેની છે. આ પંક્તિ અને આવી અનેક પંક્તિઓ નિત્સેના પુસ્તક ‘ધી ગે સાયન્સ’માં છે. અત્યારે તો અમેરિકામાં અને અન્યત્ર ‘ગે’ શબ્દનો જુદો અર્થ કરવામાં આવે છે, પણ ન્ત્સિેને તો તેનો અર્થ જૂનો અને જાણીતો જ અભિપ્રેત છે. નિત્સેના આ પુસ્તકનું નામ છે ‘લા ગેયા સાયન્ઝા.’ ફિલસૂફ નિત્સેના આ પુસ્તકમાં જાતજાતની વાનગીઓ છે. કવિતાઓ છે – કવિતા કહો કે ગીતો કહો કે જોડકણાં કહો, પણ કોઈ એક જ પુસ્તકમાં નિત્સેની ફિલસૂફી અને વિચારો પૂરેપૂરાં પ્રગટ થતાં હોય તો તે આ પુસ્તકમાં પ્રગટ થાય છે.

Related Posts
1 of 255

નિત્સે અમેરિકાના મહાત્મા એમર્સનનો ચાહક હતો. એમર્સને પોતાને ‘આનંદના વિજ્ઞાનના પ્રાધ્યાપક’ તરીકે ઓળખાવેલ છે. અહીં શાણપણ (વિઝડમ)ની વાત નથી – આનંદની વિદ્યા કે વિજ્ઞાનની વાત છે. નિત્સેના આ પુસ્તકમાં મુખ્યત્વે આનંદનું વિજ્ઞાન છે. તે એમ કહેવા માગે છે કે, ભારેખમ ન બનો. જ્ઞાનનો બોજો એટલો બધો ધારણ ન કરો કે તમે હસવાનું અને જિંદગીને માણવાનું ભૂલી જાઓ! દુનિયાદારીના સંજોગોની રીતે જોઈએ તો નિત્સે બહુ જ ‘દુઃખી’ માણસ ગણાય. તેણે જાતજાતની માંદગીઓ વેઠી હતી. તે અત્યંત ગરીબ હતો. ઘરનું ભાડું ભરવાના પૈસા ન હોય એવા દિવસો એણે જોયા હતા. આંખે પૂરું દેખાતું નહોતું. માથાનો અસહ્ય દુખાવો રહ્યા કરતો હતો, પણ આ બધી પીડાઓ અને માંદગીઓ કે નિર્ધનતા તેના આત્મવિશ્વાસમાં ગાબડાં પાડી શકતી નથી. તેની જિંદગીના સંજોગો તેની મસ્તમિજાજીને ઢાંકી દઈ શકતા નથી. આ માણસ ઘણુબધું વાંચે છે – ઘણુબધું વિચારે છે અને ઘણુબધું લખે છે. દુનિયા જેને ‘સુખ’ કહે છે એવા સુખની પરવા તેને નથી.

નિત્સે કહે છે કે, મેં મારી માંદગીઓ ખૂબ માણી છે. તબિયત સારી હોય ત્યારે મેં મારી સારી તબિયત પણ માણી છે. હું એમ માનું છું કે, માંદગીની નોંધ જિંદગીના પાકા ચોપડામાં કદી કરવી નહીં. માંદગી આવે અને જાય – તે તમારી યાદદાસ્તમાં માળો ન બાંધે. તે કહે છે કે જે ભૂલી શકે છે તે જ સાજો માણસ છે. માંદગીને જે રૃમાલની ગાંઠે બાંધી રાખે છે તે સાજો થયા પછી પણ માંદી મનોદશામાં જીવે છે.

નિત્સે કહે છે કે મેં જિંદગીમાં ઘણીબધી પીડાઓ ભોગવી છે, પણ તેથી કરીને હું જિંદગીની વિરુદ્ધ કોઈ જુબાની નહીં આપું! નિત્સે ખરેખર નાસ્તિક હતો? ‘ઈશ્વર મરી ગયો છે’ એવું કહેનારો નિત્સે ‘નાસ્તિક’ જ કહેવાય ને? પણ એનાં લખાણોમાં તેનો વિશેષ રોષ તો ધર્મના નામે ચાલતી ચુસ્ત સંસ્થાઓ અને સંપ્રદાયો સામે છે. તે માણસમાં માને છે અને તે માને છે કે, ‘અનંત પુનરાવર્તન’ ચાલ્યા કરે છે. ‘અનંત પુનરાવર્તન’નો ખ્યાલ મૂળ તો જર્મન કવિ હેનરીક હેઇને રજૂ કરેલો છે. નિત્સેને તે ગમી ગયો હોય તેવું લાગે છે. હેઇને એવું કહેલું છે કે ‘સમય અનંત છે અને સમયમાં આકાર લેતી બધી ચીજો અને નક્કર પદાર્થો મુકરર નિશ્ચિત છે. આ બધી ચીજો – નક્કર આકૃતિઓ નાના-નાના ટુકડામાં, અણુઓમાં વિસર્જન પામે, પણ તેની જે કોઈ સંખ્યા હોય તે સંખ્યા મુકરર રહે છે. ગમે તેટલો લાંબો સમય વીતે, પુનરાવર્તનની અનંત લીલામાં આ બધાનું પુનરાવર્તન થાય છે! અગાઉ હસ્તીમાં હોય તે બધું જ પુનઃ હસ્તી પામે છે. આ પૃથ્વી ઉપર અગાઉ જે હસ્તી ધરાવતા હતા તે બધા ફરી મળવાના, એકબીજાને આકર્ષવાના કે એકબીજાને તિરસ્કારવાના, ફરી ચુંબન કરવાના, ફરી એકબીજાને ભોગવવાના!’ નિત્સેનો ખ્યાલ હેઇનના વિચાર સાથે ખૂબ મળતો આવે છે. જોકે નિત્સેએ હેઇનના ખ્યાલની માત્ર નકલ જ કરી છે એમ ન કહેવાય.

નિત્સે કોઈ પણ વિચારનો સામનો કરવા તૈયાર છે, તે કોઈ પણ વિચારથી ડરી જતો નથી. એનો અભિગમ મૌલિક છે. તે પૂછે છે કે માણસ આટલું બધું જાણવાની જિજ્ઞાસા કેમ કરે છે? કેમ કે તે અજાણી વસ્તુથી ડરે છે. જે વસ્તુ તે જાણે છે, જે વસ્તુથી તે પરિચિત બને છે તેનો ડર તેને ઓછો લાગે છે. આ રીતે તે વધુ સલામતીની લાગણી જ શોધી રહ્યો નથી હોતો?

સાચી વાત એ છે કે માણસ પૂરેપૂરું જાણ્યા વિના પણ પોતાની સલામતીની લાગણીને ટકાવી શકે છે. જાણવાની સામે બિલકુલ વાંધો નથી, પણ પૂરેપૂરું જાણવાનું તો મુશ્કેલ છે એટલે તેની મર્યાદા સ્વીકારવી પડે છે અને જાણવાના નિમિત્તે તમે કોઈ બાબતમાં વધુ પડતા ઊંડા ઊતરો તો તેમાં તમે ભૂલા પડી જવાનો સંભવ રહે છે. નિત્સેની જિંદગીમાંથી એટલું જોઈ શકાય છે કે તેણે એક પ્રકારની નીડરતા કેળવી છે અને તે કશાથી ડર પામવાની ના પાડે છે. બીજું કે ગમે તેવા ઊના પવનની સામે પોતાની ખુશમિજાજીને ભીની રાખી શકે છે, ટકાવી શકે છે. તેની પાસે આનંદનું એક વિજ્ઞાન છે. યાદ રાખવા જેવું કેટલુંક યાદ રાખવાનું એ કહે છે અને ઘણુબધું ભૂલી જવાનું પણ કહે છે. યાદ રાખોે કે ભૂલી જાઓ – પણ જિંદગીને બરાબર માણો એ જ એનો મંત્ર છે.
————————————————.

Leave A Reply

Your email address will not be published.

Translate »