તમારા માટે, તમારી સાથે, સતત…

છોડમાં રણછોડ – હસતાં રહેજો રાજ

છોકરાને મારવાને બદલે વૃક્ષનો મહિમા સમજાવો.

0 422

– જગદીશ ત્રિવેદી

‘ભોગીલાલ મને કહે, ગણપતિએ ઝાડ કાપ્યું ત્યારે મહાદેવ ઝાડ ઉપર બેઠા નહોતા આણે હું ઝાડ ઉપર હતો અને કાપ્યું.’ ‘તો પછી મારવો જ જોઈએ.’ અંબાલાલે ટેકો જાહેર કર્યો. ‘જો અંબાલાલ, છોકરાને મારવાને બદલે વૃક્ષનો મહિમા સમજાવો.

ડૉ.જગદીશચંદ્ર બોઝ નામના વૈજ્ઞાનિકે શોધ કરીને સાબિત કરી દીધું છે કે વનસ્પતિમાં પણ જીવ છે. મેં ક્યાંક એવું વાંચ્યું હતું કે અમુક છોડ પાસે નિયમિત રીતે સુરીલા સંગીતના સૂર છેડવામાં આવ્યા તો સામાન્ય છોડ કરતાં મ્યુઝિક થેરેપી દ્વારા ઉછરેલા છોડનો વિકાસ વધુ જોવા મળ્યો હતો.

ભારતમાં વૃક્ષની પૂજાનો મહિમા છે. વડ અને પીપળાનાં વૃક્ષનું ધાર્મિક મહત્ત્વ ઘણુ છે. આપણે ત્યાં તુલસીને માતાનો દરજજો આપી તેની પૂજા, પ્રદક્ષિણા સાથે ‘તુલસીવિવાહ’ જેવા ઉત્સવો ઊજવાય છે. કોઈકે ખરું કહ્યું છે કે જગતની એક પણ વનસ્પતિ નકામી નથી, પરંતુ દરેક વનસ્પતિ દવા છે.

હું વૃક્ષ વિશે વિચારતો હતો ત્યાં અંબાલાલ આવી પડ્યો. ‘શું ઝાડની જેમ ઊભો છે?’ એણે પ્રવેશ અને પ્રશ્ન બંને સાથે કર્યા. મારી વિચારધારા તૂટી ગઈ.

‘માણસ ગમે તેટલું ઇચ્છે તો પણ ઝાડની માફક ઊભો ન રહી શકે.’ મેં કહ્યું.

‘કેમ?’

‘કારણ ટાઢ, તડકો અને વરસાદ મૂંગા મોઢે સહન કરવાનું માણસના લોહીમાં નથી.’ મેં સોલિડ મહેતા નામના કવિની સોલિડ અછાંદસ કવિતા પૂરી કરી.

‘તારી વાત વિચારવા જેવી છે, વૃક્ષો સહનશીલ પણ ખરા અને પરોપકારી પણ ખરા.’

‘વૃક્ષોના ઉપકારની અને માણસના અપકારની વાત કરું?’

‘તારી વાત સાંભળવા જ આવ્યો છું.’ અંબાલાલે અડિંગો જમાવ્યો.

‘એક માણસ ઝાડ નીચે આવીને શીતળ છાંયડામાં સૂતો. એ જાગ્યો એટલે ઝાડને કહ્યંુ કે મારે રહેવા મકાન નથી. વૃક્ષે કહ્યું કે મારી ડાળીઓ કાપીને ઘર બનાવ. ઘર તૈયાર થયંુ એટલે માણસે કહ્યું કે મને ભૂખ લાગી છે.

વૃક્ષે કહ્યંુ કે મારા ફળ અને ડોડાનું ભોજન બનાવ. મફતમાં મળ્યું એટલે માણસે અતિશય આરોગી લીધું. પેટમાં પીડા ઉપડી એટલે વૃક્ષ પાસે આવ્યો. વૃક્ષે કહ્યું કે મારા મૂળ ઔષધી છે એ ખાઈશ તો અપચો મટી જશે. માણસ પોતાના સ્વાર્થ માટે ડાળી લઈ ગયો, ફળ લઈ ગયો, પરંતુ જ્યારે મૂળ ખોદવા લાગ્યો ત્યારે વિદ્યારામ હરિયાણી નામના કવિએ દુહો લખ્યો.’ હું અટકયો.

‘જલ્દી દુહો સંભળાવ.’ અંબાલાલ અધીરો થયો.

‘દીધાં ફળ ને ડોડવા, અમારી કાયા કપાણી

હદ છે હરિયાણી, મૂળિયા ખોદે માનવી’

‘વાહ.. સવાર સવારમાં બહુ સરસ વાત કરી.’

‘ઝાડવા પોતે પોતાનાં ફળ નથી ખાતાં અને જગતને ખવડાવે છે. પોતે તડકો ખમી જગતને છાંયો કરે છે. પોતે બળી બીજાને પોષણ આપે છે અને માણસ એવો સ્વાર્થી છે કે જેની પાસેથી પોષણ મળે છે એનું જ સતત શોષણ કરે છે.’ મેં વાત પૂરી કરી.

‘થોડા દિવસ પહેલાં પથુભા પપૈયાના ઝાડ ઉપર ચડી ગયા.’

‘પપૈયો તો બટકણો હોય.’

‘મેં કહ્યું કે બાપુ… પપૈયો તરત બટકી જશે. તમે નીચે પડશો તો દવાખાને લઈ જવા પડશે, તો બાપુ શું બોલ્યા તે ખબર છે?’

‘મને ક્યાંથી ખબર હોય.’

‘બાપુ મને કહે, દવાખાનેથી આવીને તો પપૈયા ઉપર ચડ્યો છું..’

‘દવાખાનેથી આવીને ચડ્યા?’

‘હા.. મને કહે કે હું દવાખાને ગયો હતો. ત્યાં દાક્તરે મને સલાહ આપી કે આપને તાવ આવ્યો છે એટલે ત્રણ દિવસ પપૈયા ઉપર રહેજો.’

‘વાહ પથુભા વાહ… દાક્તરે પપૈયું ખાઈને રહેવાનું કહ્યું અને બાપુ ઝાડ ઉપર ચડી ગયા.’

‘આવી જ રીતે એકવાર મયાશંકર લીમડાના ઝાડ ઉપર ચડી ગયા હતા.’

‘લીમડો સારો.. એ બટકી ન પડે.’ મેં કહ્યું.

‘એ બટકી ન પડે, પણ મયાશંકર જેવો ભરથાર બટકી ગયો હોય એનો આખો સંસાર અટકી પડે એનું શું?’

‘પછી શું થયું?’

‘મયાશંકર લીમડા ઉપર શાંતિથી બેઠો હોત તો મને વાંધો નહોતો.’

‘તો શું કરતા હતા?’

‘એમણે કાગડાનો માળો લઈને કબૂતરના માળાની જગ્યાએ મુક્યો. ત્યાંથી કબૂતરનો માળો લઈને પોપટના માળા પાસે મુક્યો.’

‘કેમ?’

‘મેં પણ એમ જ પૂછ્યું કે આવું કેમ કરો છો? તો મયાશંકર મને કહે, હું ગઈકાલે કથા સાંભળવા ગયો હતો ત્યારે કથાકારે કહ્યું કે મયાશંકર તમે કાલથી દરરોજ ત્રણ માળા ફેરવજો.’

Related Posts
1 of 277

‘ઓહ માય ગોડ… ભગવાનના નામની માળા ફેરવવાનું કહ્યું અને મૂરખ મયાશંકર કાગડા અને કબૂતરના માળા ફેરવવા લાગ્યા?’

‘હા…’

‘આને કહેવાય કહ્યું કશું અને સાંભળ્યંુ કશું. આંખનું કાજળ ગાલે ઘસ્યું.’

‘આ જગતમાં મારા અને તારા જેવા મૂરખ માણસોનો તોટો નથી.’

‘તારી સાથે મને પણ કેમ મૂરખ ગણે છે?’

‘એ મારો નહીં, પરંતુ ગામનો અભિપ્રાય છે.’ અંબાલાલે ચોગ્ગો માર્યો.

અમારી વાત અહીં સુધી પહોંચી ત્યાં પત્ની ચા લઈ આવી. અમે ચાય પે ચર્ચા શરૃ કરી.

‘જો અંબાલાલ, ઝાડની જ વાત નીકળી છે તો હું તને એક વાત કરું, પણ તું કોઈને કહેતો નહીં.’ મેં પાળ બાંધી.

‘નહીં કહું…બસ?’

‘હું એક વાર ભોગીલાલના ઘેર ગયો ‘તો. એનો છોકરો ભેંકડો તાણીને રડતો હતો. મેં ભોગીલાલને કારણ પૂછ્યું તો મને કહે કે અમારા ફળિયામાં એક ઝાડ હતું તે નાલાયકે કાપી નાખ્યું.’

‘ઝાડ કાપ્યું તે ખોટું કર્યું કહેવાય. અત્યારે આખું વિશ્વ ગ્લોબલ વોર્મિંગનો ભોગ બન્યું છે એનું કારણ વૃક્ષો છે. નિર્દયતાથી જંગલો કપાઈ રહ્યાં છે તેથી વરસાદ પણ ઓછો વરસે છે.’ અંબાલાલે વૈશ્વિક પ્રશ્ન ચર્ચી લીધો.

‘એક નેતાજી તો જાહેર પ્રવચનમાં એવું બોલ્યા કે, ‘વૃક્ષ વાવો અને રૃપિયાનો વરસાદ લાવો.’ આ સાંભળી એમના પી.એ.એ કાનમાં કહ્યું કે સાહેબ માત્ર ‘વરસાદ’ બોલો, ‘રૃપિયાનો વરસાદ’ નહીં.

‘બરાબર છે.’

‘તો નેતાજી બોલ્યા કે હું ખૂબ જ સમજી વિચારીને બોલ્યો છું. જો વૃક્ષ વાવશો તો લાકડું થશે. જો લાકડું થશે તો એમાંથી ખુરશી થશે. એક વાર ખુરશી મળશે એટલે રૃપિયાનો વરસાદ આપોઆપ થશે.’

‘વાહ… નેતાજી વાહ…’

‘આપણે નેતાજીની નહીં, પરંતુ કંડક્ટર ભોગીલાલની વાત કરતા હતા.’

‘હા… ભોગીલાલના દીકરાએ ઝાડ કાપી નાખ્યું પછી શું થયું?’

‘ભોગીલાલે દીકરાને ખૂબ માર્યો એટલે મેં ભોગીલાલને દૃષ્ટાંત આપી સમજાવ્યો કે જ્યારે ગણપતિ નાના હતા ત્યારે એમણે પણ રમત-રમતમાં એક વૃક્ષ કાપી નાખ્યું હતું ત્યારે મહાદેવે ગણપતિને માર્યા નહોતા.’

‘બરાબર છે.’ અંબાલાલ બોલ્યો.

‘ભોગીલાલ મને કહે, ગણપતિએ ઝાડ કાપ્યું ત્યારે મહાદેવ ઝાડ ઉપર બેઠા નહોતા આણે હું ઝાડ ઉપર હતો અને કાપ્યું.’

‘તો પછી મારવો જ જોઈએ.’ અંબાલાલે ટેકો જાહેર કર્યો.

‘જો અંબાલાલ… છોકરાને મારવાને બદલે વૃક્ષનો મહિમા સમજાવવો જોઈએ.

વૃક્ષ માનવજાત માટે મસીહા સમાન છે.

વૃક્ષ માત્ર છાંયો, લાકડું, ફળ, ફૂલ, જડીબુટ્ટી જ આપતાં નથી, પરંતુ વરસાદ પણ વૃક્ષો જ આપે છે. આપણો કાર્બન ડાયોક્સાઇડ પોતે લે છે અને પ્રાણવાયુ પણ વૃક્ષો જ આપે છે.’

‘તારી વાત સાવ સાચી છે.’

‘માણસને જન્મથી લઈને મૃત્યુ સુધી

વૃક્ષની જરૃર પડે છે, લાકડાંની જરૃર પડે છે.’

‘આપણે નાના હતા ત્યારે ટ્રેનમાં કવ્વાલી ગાઈને ભિક્ષા માગતાં કલાકારો એક કવ્વાલી ખાસ ગાતા હતા એ યાદ છે?’

‘ના’ મેં કહ્યું.

‘ચાંદ કો છૂને વાલે ઇન્સાન, દેખ તમાશા લકડી કા…’ અંબાલાલે કહ્યું.

‘હા. યાદ આવ્યું. એ ડફલી વગાડતાં વગાડતાં ગાતા હતા.’

‘હા. એ જ… એ કવ્વાલીમાં કેટલી સાચી વાત કરી છે?’

‘હા. આજનો માણસ ચંદ્ર સુધી પહોંચી શક્યો, પરંતુ પૃથ્વી ઉપર ઊભેલા ગરીબના આંસુ સુધી પહોંચી ન શક્યો. એણે મંગળ ઉપર માનવજીવન છે કે નહીં એની ચિંતા કરી, પરંતુ જીવનમાં શું મંગળ છે એ ભૂલી ગયો.’

‘શું મંગળ છે?’ અંબાલાલે પૂછ્યું.

‘વૃક્ષો સૌથી વધુ મંગળ છે, છોડમાં રણછોડ છે.’ મેં કહ્યું.

‘લાખ રૃપિયાની વાત કરી દોસ્ત.’ પરમ પૂજ્ય પાંડુરંગદાદાના સૂત્ર સાથે અમારી ચર્ચા અને ચા બંને સાથે પૂરા થયા.
——————-

Leave A Reply

Your email address will not be published.

Translate »