તમારા માટે, તમારી સાથે, સતત…

પહેલીવાર કશિશ અને ધ્યેયના હૃદયમાં એક અલગ જ લાગણી જન્મી

'કદાચ પોતે કશિશને મનોમન ખૂબ પસંદ કરતો હતો

0 377

‘રાઇટ એન્ગલ’    નવલકથા પ્રકરણ – ૨૨

– કામિની સંઘવી

ધ્યેયે કશિશને ફોન કરી અખબારમાં આવેલા સમાચાર તેના એડિટર મિત્રે છાપ્યા હોવાની માહિતી આપી. વર્ષાે પછી કોઈએ પોતાની હિંમત અને સિદ્ધિનાં વખાણ કર્યાં તે વાત કશિશને ગમી. કશિશે એક મૅગેઝિનને ઇન્ટરવ્યૂ માટે હા પાડી તે જાણી ધ્યેયે એને પત્રકાર સાથે કેવી રીતે વાત કરવી એનું માર્ગદર્શન આપ્યું. બીજી તરફ અખબારમાં કશિશનું કવરેજ આવ્યું હોઈ કૉફી હાઉસમાં તેને જિજ્ઞાસાથી જોવા માગતા લોકોની અવરજવર વધી. થોડા સમયમાં એનું કૉફી હાઉસ શહેરમાં જાણીતું થઈ ગયું. સ્થાનિક અખબાર-મૅગેઝિનમાં એના નિખાલસ ઇન્ટરવ્યૂથી લોકોમાં તેના માટે સહાનુભૂતિ વધી. મહિલાઓ માટે કામ કરતી સંસ્થાઓએ પણ તેના સપોર્ટમાં સરઘસ કાઢ્યું. પોતાના મિશનના કારણે લોકોમાં જાગૃતિ આવી તે જાણી કશિશને આનંદ થયો. બીજી તરફ સમાજમાં ઉદયની ભારે બદનામી થઈ. વકીલ નીતિન લાકડાવાલા કેસ ઉદયની તરફેણમાં કરવા કાયદાનાં પુસ્તકો ફેંદવા લાગ્યા. અતુલભાઈએ મીડિયામાં કશિશને અપાયેલું કવરેજ કૌશલને બતાવ્યું, પણ કૌશલે બધું બાજુ પર મુકી દીધું. અતુલભાઈએ હવા પારખી કશિશને પરત ઘેર લાવવાનો પ્રસ્તાવ મુક્યો. પોતે હવે ક્યા મોઢે કશિશ પાસે જાય તેમ જણાવી કૌશલ પિતાના ત્યાંથી પોતાના ઘેર આવી ગયો. દરમિયાન કૉફી હાઉસ શરૃ કર્યે સમય થતાં કશિશ પાસે થોડી રકમ આવી જેનાથી તેની હિંમત વધી. મોડી રાત્રે ફ્લેટમાં અવાજ થતા તે ચોરની આશંકાથી જાગી ગઈ, પરંતુ ધ્યેયનો અવાજ સાંભળી તેને રાહત થઈ. ધ્યેયે કેક લાવી કશિશની બર્થ-ડે સેલિબ્રેટ કરી. આ જોઈ ધ્યેય પોતાનો સુખ-દુઃખનો સાથી હોવાનો કશિશને અહેસાસ થયો. વર્ષાેની દોસ્તી બાદ પહેલીવાર બંનેના હૃદયમાં એક અલગ પ્રકારની લાગણીએ જન્મ લીધો. કશિશ પાસેથી ધ્યેયે જાણી લીધું કે તેને ઘર છોડવાનો કોઈ અફસોસ નથી. ધ્યેયના મનમાં શું હશે તેવા વિચારોમાં રાત્રે કશિશને સપનું આવ્યું અને તે જાગી ગઈ. જોયું તો સવાર પડી હતી. પોતાની જાતને જાણે કહેતી હોય તેમ કશિશ બોલી, આઈ લાઇક ધ્યેય.                     હવે આગળ વાંચો…

‘કશિશ પ્રત્યે પોતાને પહેલેથી જ લાગણી હતી? એક ફ્રેન્ડ નહીં, પણ એથી વિશેષ?’ ધ્યેયે પોતાના મનને સવાલ પૂછ્યો.

કાલથી એના મનમાં કશિશના વિચારોએ કબજો જમાવ્યો હતો. કશિશને એ બહુ નાની હતી ત્યારથી ઓળખે છે. રાધર એની નજર સામે જ મોટી થઈ છે. ઉદય અને એ પહેલાં ધોરણમાં સાથે ભણતા હતા ત્યારે જ દોસ્તી થઈ હતી ત્યારે કશિશ ખૂબ નાની હતી એટલે ઉદય સાથે એ રમવા આવતી. ત્રણેય સાથે રમતાં-લડતાં-ઝઘડતાં અને પાછા ફરી રમતાં. તે ક્રમ લગભગ બે-ત્રણ વર્ષ ચાલ્યો. કશિશ સાત-આઠ વર્ષની થઈ તે પછી આ ક્રમમાં ફેરફાર થયો. કશિશ એમની સાથે રમવાના બદલે એની બહેનપણીઓ સાથે રમતી થઈ. છતાં ધ્યેય ઘરે આવે ત્યારે એની સાથે જ્ઞાન-વિજ્ઞાનની વાતો થતી. બંને વચ્ચે માહિતીની આપ લેનો ક્રમ જળવાઈ રહ્યો. હા, કશિશ એના મિત્ર ઉદયની બહેન હતી, પણ એ સિવાય એના માટે એક દોસ્ત તરીકે વધુ મહત્ત્વ ધરાવતી હતી. કશિશ સાથે બુદ્ધિશાળી દલીલો-વાતો કરવી એને ખૂબ ગમતી.

‘કદાચ પોતે કશિશને મનોમન ખૂબ પસંદ કરતો હતો. એટલે જ આજ સુધી કોઈના પ્રેમમાં એ પડ્યો નથી કે લગ્ન નથી કર્યાં. કદાચ એટલે જ એ કશિશના દરેક સુખ-દુઃખમાં એ સાથે રહ્યો છે.’ આ વિચાર ચોકલેટ ચગળતો હોય તેમ ધ્યેયે ચગળ્યા કર્યો.

‘હકીકત જે હોય તે, પણ આજે એ કશિશને પ્રેમ કરે છે. માત્ર એક મિત્રની જેમ નહીં, પણ કોઈ પુરુષ કોઈ સ્ત્રીને ચાહે એ રીતે એને ચાહે છે.’ ધ્યેયે મનોમન આ કબૂલાત કરી લીધી. ડ્રોઇંગરૃમના ટેબલ પર ફલાવરવાઝમાં ગોઠવાયેલા રજનીગંધાના ફ્રેશ ફૂલોને એ જોઈ રહ્યો. વર્ષોથી એના ઘરે આ ફૂલો રોજ આવે છે, રોજ રોજ સાંજે મહેંકતા ફૂલોથી એનું ઘર મહેંકે છે તે ગમે છે, પણ આજે ખબર પડી કે એને શું કામ આ ફૂલો ગમે છે, કારણ કે આ ફૂલ કશિશને પસંદ  છે. ધ્યેય ફૂલોની નજીક આવ્યો અને હાથમાં પકડીને હળવેથી સૂંઘ્યા.

* * *

બીજે દિવસે રાતે નવ વાગે કશિશ કૉફી હાઉસ બંધ કરી રહી હતી અને ધ્યેય આવ્યો. મનોમન એકબીજાને પ્રેમ કરતાં હતાં, પણ બંને વચ્ચે રૃબરૃ પ્રેમની કબૂલાત થઈ ન હતી. જ્યાં શબ્દ બોલતા નથી હોતા ત્યાં આંખો બોલતી હોય છે, પણ દિલ તો ચાહતું જ હોય છે કે દિલમાં જે લાગણી છે તે હોઠ પર આવે, પણ જ્યારે બે જણા વર્ષોથી મિત્ર હોય ત્યારે એ અઘરું થઈ જાય છે, કદાચ સામેવાળી વ્યક્તિના મનમાં એ લાગણી ના હોય તો મિત્ર પણ ગુમાવવાનો વારો આવે.

‘હાય…ઘરે જવાની તૈયારી?’ કશિશને બધું સમેટતા જોઈને બોલ્યો.

‘હા, યાર સવારે આઠ વાગ્યાથી આવું છું.. એટલે થાકી જાઉં છું.’ કશિશ બોલી. ધ્યેય એની સામે પ્રશંસાથી જોઈ રહ્યો. કાલ સુધી આ છોકરી પાણીનો એક ગ્લાસ ભરતી ન હતી અને આજે રોજ બાર કલાક કામ કરે છે.

‘કૉફી પીશ?’ કશિશે પૂછ્યું,

‘એક શરત પર..હું બનાવું?’ કશિશ થાકી ગઈ હતી એટલે એને વધુ તકલીફ ના પડે એટલે ધ્યેયે જાતે કૉફી બનાવવાની ઑફર કરી.

કશિશ હસી પડી,

‘જા…બનાવ..!’ ધ્યેયે હેલ્પરની મદદથી મશીનમાં કૉફી બનાવી. પછી કશિશે હેલ્પરને ઘરે જવા રજા આપી દીધી. ધ્યેય અને કશિશ રોડ પર પડતી મોટી વિન્ડો સામેની ચૅર પર બેઠાં. જ્યાંથી આખો રસ્તો દેખાતો હતો. દિવસ દરમિયાન અહીં કૉલેજ કેમ્પસ હોવાથી  બહુ ચહલપહલ રહેતી હતી, પણ અત્યારે પ્રમાણમાં ટ્રાફિક ઓછો રહેતો. લોકો રાતે ફરવા આ બાજુ આવતા. બંને ચુપચાપ રસ્તા પર હરતાં ફરતાં લોકોને જોઈ રહ્યાં. આજ સુધી બંને દુનિયાભરની વાતો કરતાં હતાં, પણ બંને વચ્ચે એક અણકહ્યા સંબંધની શરૃઆતે બંનેને બોલતાં બંધ કરી દીધા હતા. એકબીજાની હાજરીને મનોમન બંને માણતાં રહ્યાં અને કૉફી સીપ કરતાં રહ્યાં. ત્યાં ધ્યેયને યાદ આવ્યું, કશિશને ડિનર કરવાનું બાકી હશે,

‘ડિનર બાકી છે ને?’

કશિશે હકારમાં માથું હલાવ્યું,

‘ચાલ જમવા જઈએ!’

જમતાં-જમતાં બંને જણાં ખાસ કશું બોલ્યા નહીં. ધ્યેય નજર ચૂરાવીને એને તાકતો રહેતો. કેટલી બ્યુટીફુલ દેખાય છે. પોનિટેલમાંથી છૂટા પડી ગયેલા વાળ કશિશના ખભા પર પથરાયા હતા. આંખોમાં અને ચહેરા પર થાક હતો છતાં એના શાર્પ ફીચર્સ ચહેરાને અનોખું સૌંદર્ય બક્ષતા હતા. કોટનની સીધી સાદી કુરતી અને જિન્સમાં કશિશ મોહક દેખાતી હતી.

આ બાજુ કશિશ પણ ધ્યેયની નજર ચૂકવીને એને જોતી હતી. બ્લુ જિન્સ અને ઓફ વ્હાઇટ શર્ટ. માથા પરના જથ્થાબંધ વાળને બહુ સફાઈથી જેલથી ચીપકાવીને ઓળ્યા હતા. ક્લિન શૅવ્ડ ચહેરામાં એની ફૅર સ્કિન વધુ ચમકતી હતી. કૌશલ કરતાં ધ્યેય ખૂબ હેન્ડસમ છે. એટલું જ નહીં, કૌશલ કરતાં ધ્યેય એની વધુ કૅર કરે છે. કશિશથી મનોમન સરખામણી થઈ ગઈ.

‘ડેઝર્ટમાં કશું મંગાવંુ?’ ધ્યેયે એને પૂછ્યું અને કશિશ પોતાના વિચારમાંથી બહાર આવી,

Related Posts
1 of 279

‘નો.નો…બહુ હેવી થઈ જશે. આમે ય બહુ લેઇટ થઈ ગયું છે.’

‘ઓ..કે.’

કશિશના ઘર પાસે ગાડી ઊભી રાખીને ધ્યેય જરા સંકોચથી બોલ્યો,

‘કિશુ, રોજ આપણે ડિનર સાથે કરી શકીએ?’

‘સ્યોર, પણ મારા ઘરે.’ કશિશે એકદમ સાહજિકતાથી હા કહી દીધી એટલે ધ્યેયનો સંકોચ દૂર થયો.

‘ઓ.કે. ડન…’ હંમેશાં બંને વચ્ચે વાતચીત કરવામાં કોઈ સંકોચ-ક્ષોભ નડ્યો ન હતો, પણ એક નવા સંબંધે બંને વચ્ચે સંકોચ ઊભો કરી દીધો હતો. બંને મિત્ર તરીકે એકબીજાને ખૂબ પસંદ કરતાં હતાં, પણ હવે એકબીજા પ્રત્યે આ નવી લાગણી જન્મી તેના કારણે બંને સ્તબ્ધ હતાં. બંને આ નવી લાગણી સાથે સંબંધ જોડવાની મથામણ કરી રહ્યા હતા. બંને ઉંમરલાયક હતા. તેથી જે લાગણી જન્મી છે તે યોગ્ય છે કે નહીં એના સંદર્ભ પણ વિચારતા હતા અને સંકોચ કદાચ એને કારણે જ હતો.

બીજે દિવસે સમયસર કશિશના ઘરે ધ્યેય પહોંચ્યો ત્યારે કશિશનું ઘર ફ્રેશ રસોઈની સુગંધથી મહેકતું હતું. કશિશે ટેબલ સજાવી રાખ્યું હતું, એટલે બંને સીધા જમવા જ બેઠાં,

‘વાઉ…વર્ષો પછી આવી ટેસ્ટી રસોઈ જમ્યો હો…!’ ભાખરી-સેવ ટમેટાંનું શાક, વઘારેલા ભાત-દહીં અને સલાડના ભોજનને ન્યાય આપીને ખુશ થતાં ધ્યેય બોલ્યો. કાયમ રસોઇયાના હાથનું ખાવા ટેવાયેલા ધ્યેયને આજે ગૃહિણીના હાથનું જમવાનું નસીબ થયું હતું.

‘સાચું કહું તો મેં પણ ઘર છોડ્યા પછી આજે પહેલીવાર આટલું બધું બનાવ્યું. બાકી એકાદ વાનગી બનાવીને ખાઈ લઉં છું..કૉફી હાઉસ પર મોડું થાય તો મેગી બનાવીને જ ખાઈ લઉં. આજે થોડી વહેલી આવી એટલે આ બધું બનાવી શકી.’

‘મને લાગે છે કે મારે પણ કૂકિંગ શીખવું જોઈએ.’ ધ્યેયે કહ્યું એટલે કશિશ હસી.

‘કેમ વકીલગીરી છોડવી છે?’ કશિશે મજાક કરી,

‘હવે તું કૉફી હાઉસ ખોલે તો મારે ય વિચારવું પડે ને?’ અને એ વાત પર બંને હસી પડ્યા.

‘સારું તો કાલથી વહેલો આવતો જા…હું તને શીખવાડી દઈશ.’

‘ડન..’ ધ્યેયે તરત હા પાડી દીધી. હકીકત તો એ હતી કે કશિશ થાકીને કૉફી હાઉસથી આવે અને પછી ઘરે આવીને આટલી બધી મહેનત કરે તેથી ધ્યેયને લાગ્યું કે એણે રસોઈ બનાવવામાં મદદ કરવી જોઈએ. જેથી કશિશનો ભાર ઓછો થાય. તેથી જ એણે રસોઈ શીખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

બીજા દિવસથી કશિશ કૉફી હાઉસથી ઘરે આવે તે સમયે જ ધ્યેય એના ઘરે આવવા લાગ્યો. એ કશિશને થાય તેટલી મદદ કરતો. બંને સાથે મળીને જમવાનું બનાવતાં અને જમતાં. જાત-જાતની વાનગી બનાવવાની ટ્રાય કરતાં, ધ્યેય કોર્ટની વાત કરતો, કશિશ કૉફી હાઉસ વિશે વાત કરતી, પણ બંને એકબીજાને ચાહે છે તે શાબ્દિક કબૂલાત કરતાં ન હતાં, પણ બંનેને એકબીજાની કંપની ગમતી હતી અને બંને એથી ખુશ હતાં.

એક દિવસ બંને રસોઈ કરતાં હતાં અને રાહુલનો ફોન આવ્યો, કશિશને યાદ કરાવવા માટે કે ચોવીસ ઑગસ્ટે કોર્ટમાં ડેટ છે અને આપણે પુરાવા રૃપે મેડિકલ કૉલેજના પ્રિન્સિપાલની સરતપાસ લેવાની છે, તેથી એકવાર એમની સાથે ડિટેલમાં ગાઇડન્સ આપવું જરૃરી છે, તેથી પ્રિન્સિપાલ ત્રેવીસ તારીખે જ આવી જવાના છે ત્યારે કશિશે હાજર રહેવું જેથી કશિશ અને પ્રિન્સિપાલ બંનેને સાથે બધું સમજાવી શકાય. રાહુલે ઇન્ફો આપીને ફોન મૂકી દીધો. બંને જમવા બેઠાં એટલે કશિશે પૂછ્યું,

‘તને શું લાગે છે, હું કેસ જીતી જઈશ?’

‘હમણાં કશું કહેવાય નહીં, પણ હાલ જે રીતે કેસ જાય છે તું જીતી શકે, સિવાય કે સામેવાળા કોઈ એવા પુરાવા રજૂ કરે જેથી કોર્ટને ખાતરી થઈ જાય કે તે માત્ર સંપત્તિ માટે કેસ રજૂ કર્યો છે તો કદાચ ઉપર નીચે થઈ શકે.’ ધ્યેયે એક વકીલને છાજે તે રીતે આખી પરિસ્થિતિ ક્લિયર કરી. કશિશ આ સાંભળીને ખુશ થઈ. એ કશું કહે તે પહેલાં ધ્યેયના મોબાઇલ પર એના અસીલનો ફોન આવ્યો એ વાત કરવા લાગ્યો ત્યાં,

‘હમમ…હું કેસ જીતી જવાની!’ કશિશ બોલી તે ધ્યેયે સાંભળ્યું નહીં. કદાચ સાંભળ્યું હોત તો સારું હતું!

* * *

અભિયાન સબસ્ક્રાઇ કરો…….

Leave A Reply

Your email address will not be published.

Translate »