તમારા માટે, તમારી સાથે, સતત…

સાદ પાડી મૌનને નજીક બોલાવો…

વાણી જો કળા છે તો મૌન પણ પ્રતિકળા છે!

0 143

હૃદયકુંજ – દિલીપ ભટ્ટ

ભોજન એક કળા છે તો ઉપવાસ એક પ્રતિકળા છે. વાણી જો કળા છે તો મૌન પણ પ્રતિકળા છે! કળા તો છે જ. વળી વધુ ઉચ્ચ દરજ્જાની કળા છે, કારણ કે એમાં ત્યાગ ઉમેરાય છે. ત્યાગની આભા જ જુદા પ્રકારની હોય છે. ત્યાગ આપણા અંતઃકરણમાં વિશુદ્ધિનો અવસર લાવી આપે છે. મૌનના મહિમાનું આપણે કદાચ બહુ કામ નથી અને હકીકત એ છે કે સાવ મૌનની પણ વ્યવહારલોકમાં ક્યાં જરૃર છે? સવાલ છે કે ઓછું કેમ બોલવું? એ દુરારાધ્ય વિદ્યા છે. એક જ વાક્યની વાત ફોનમાં સો વાક્યથી કહી આપનારા લોકો સહુને કાને આત્યાચારિક અભિગમથી પડ્યા હોય છે. આ જગતમાં શોકગ્રસ્તોને આપણે આશ્વાસન આપીએ છીએ તે રીતે ધરાર જેમના પર વધારાનું સાંભળવાનું સંકટ આવી પહોંચ્યું હોય તેઓને પણ આશ્વાસન આપવું જોઈએ. ઓછું બોલવાનું આભૂષણ સહુના કંઠમાં ધારણ કરેલું હોતું નથી.

જેઓ વધુ બોલતા હોય છે અને પોતાની વાત પુરાવર્તિત રીતે કહ્યે જ જતા હોય છે તેઓનામાં આત્મવિશ્વાસની ઓછપ હોય છે. સમય નામક મહામૂલા પ્રવાહનો તેમને આંશિક જ પરિચય હોય છે. ઉપરાંત વધુ બોલતા -વધુ એટલે નિવાર્ય હોય તે પણ બોલવું- લોકો પ્રવૃત્તિશૂન્ય હોવાની છાપ ઉપસાવે છે, તેઓ તો એવા હોય, શ્રોતાને પણ એવા જ કરી મૂકે. મૌનનો સૌથી વધુ નિકટનો પરિચય વક્તાઓને હોય છે. એટલે જ ઉત્તમ વક્તાઓ વાણીના સ્વાધ્યાય માટે જ મૌનના સંયમસાગરમાં ડૂબકી લગાવતા રહે છે.

મૌનનો પ્રમુખ પ્રભાવ વિચારોના વ્યવસ્થાપન પર છે. મૌનથી વિચારોના વાઘા ઊતરી જતાં નથી ને અસલ સ્વ-રૃપ દેખાતું નથી તો પણ એ દિશાની શરૃઆત થાય છે. મૌન એક સંપૂર્ણ બાહ્યાચાર છે છતાં એનાથી વૈચારિક શિસ્તની શરૃઆત થાય છે. સત્યપ્રિય લોકો અલ્પવાક્ ધરાવે છે. તર્કબાજોની જીભ પર શબ્દપંખીઓનાં ટોળેટોળાં અવતરે છે અને એમાં કાગડો-કબૂતર સાથે જ હોય છે. આપણે એક એવા યુગમાં છીએ જેમાં કશું પણ બોલ્યા કે સાંભળ્યા વિના બધા બધું સમજે છે. સામાન્ય રીતે લોકો બીજાઓનાં કર્મોનો ન્યાય તોળવામાં ફસાઈ જાય છે. કર્મ જેનું છે તેને ફળ આપે જ છે.

દરેક સત્કર્મનાં અને દુષ્કર્મનાં ફળથી મુક્ત રહેવા માટે અકર્મણ્યતાનો માર્ગ કેટલાક લોકોએ ઉચ્ચાર્યો છે – કુછ લેના ન દેના, મગન રહેના! પરંતુ એ વ્યાવહારિક કે સહજ સંભવ નથી. સરકારી અને ખાનગી સંસ્થાઓમાં અનેક લોકો બીજાઓનાં કર્મોનો ન્યાય તોળતા જોવા મળે છે જેને ‘પંચાત’ કહેવામાં આવે છે. તેઓ એક જ આયુષ્યકાળમાં મૌનનો પરિચય પામી શકતા નથી. વધારે પડતી વાણીને કેટલાક લોકો દુર્જનતાની નજીકની લાક્ષણિકતા પણ માની લે છે. સ્વયં બોલીને સ્વયંનું મૂલ્ય ઘટાડવાનો આ એક આત્મહાનિ માર્ગ છે.

સમગ્ર ઊભરાતું મૂળ દૂધની તપેલીના મૂળમાં એટલે કે નીચેના અગ્નિમાં હોય છે. એ અગ્નિ એટલે ઊંડે છૂપાયેલું અભિમાન. બોલબોલ કરનારા લોકો કદાચ પોતાને શ્રેષ્ઠ નહીં તોય સામેના શ્રોતાથી તો વધુ હોશિયાર માનતા હોય છે. એમની એ હોશિયારી દર ત્રીજા વાક્યે દાવા સાથે રજૂ થતી હોય છે. ચાલાકી, છેતરપિંડી અને લુચ્ચાઈ – આ બધા એવા ગુણો છે જેનો પ્રયોગ કરનારને સપને પણ ખ્યાલ હોતો નથી કે તેઓ ધારે છે તેવું મૂર્ખ, અંધ કે બહેરું આ જગત નથી. જેઓ ખોટું કરવા ચાહતા હોય તેઓની દેવોને એક જ પ્રાર્થના હોય છે કે મન ‘જાણી’ ન જાય એવા મૂર્ખ અને ભોળા સાથીદારો મને આપજો.

Related Posts
1 of 35

બહુ બોલનારાઓ મહદ્અંશે પોતાની ચતુરાઈના ઠેર ઠેર વનમેન શૉ યોજતા હોય છે. જોકે તેમને તેમના પરિવારજનોએ ઓછું બોલવાનું વારંવાર કહ્યું હોય છે છતાં એ શૉ ભાગ્યે જ અટકવાનું નામ લે છે. સભારંજનનો સ્વભાવ વાણીને એટલી અધિક છુટ્ટી મૂકી દે છે કે પછી એમાંથી જ મનદુઃખ ઊભા થાય છે. બહુ બોલનારા લોકો પણ સજ્જન તો હોઈ જ શકે છે, પરંતુ તેઓને એ ખ્યાલ જ હોતો નથી કે ઓછું બોલનારા સજ્જનો વધુ શોભાયમાન હોય છે. કેટલાક વ્યવસાયો જ એવા છે જે વ્યક્તિને બોલકી બનાવી દે છે. વ્યવસાય પછીના કલાકોમાં પણ એ લાક્ષણિકતા જળવાય છે અને એમાંથી જ કોઈ જ કારણ વિના માનવ સંબંધોને હાનિ પહોંચે છે.

છતાં બહુ બોલ બોલ કરતા લોકોને માફ કરી શકાય, તેમનો તો સ્વભાવ છે, ભલે ને બોલે! આ માફી તો જ આપી શકાય જો તેઓને કઠોર વચન બોલવાની કુટેવ ન હોય. આ સંસારમાં કોઈને પણ માટે કઠોર વચનો ઉચ્ચારવાનો કોઈને અધિકાર નથી.

સામાજિક જીવનમાં તો આ સિદ્ધાંત છે. ૧રમી સદી પછીના મધ્યકાળમાં અનેક નિયમોની આડશ લઈને કઠોર વચનો ઉચ્ચારનારાઓ એટલી મોટી સંખ્યામાં આ પૃથ્વી પર અવતર્યા હતા અને દરેક ધર્મમાં હતા કે તેઓએ મધ્યકાળનું જીવનસુખ દોહ્યલું કરી નાંખ્યું હતું. ઘણી સમસ્યાઓ આદર્શવાદના ફળિયામાં થઈને આવે છેે. આદર્શની ઇચ્છા જ જિંદગીમાં કડવાશ સંક્રાન્ત કરે છે. જેને આદર્શ પતિ કે આદર્શ પત્નીની કલ્પના હોય તેઓને લગ્ન ન કરવાની સલાહ છે!

આ સંસારમાં આદર્શ માતા કે આદર્શ પિતાની પણ હવે અપેક્ષા રાખી શકાય નહીં. તેઓના જે જે સદ્દગુણોનો છાંયો મળે તેનો આનંદ લઈને આ પૃથ્વી પરથી કોઈ જ કોલાહલ કર્યા વિના પસાર થઈ જવાનો આ યુગ છે. અરે! તમારે ભાગે આવેલાં તમામ સારાં કામો એક પછી એક પાર પાડતાં જાઓ તો બીજાઓનો ન્યાય તોળવાનો સમય ક્યાંથી બચે? જેઓ પોતાને કરવાનાં કામો પેન્ડિંગ રાખી અકારણ નવરાશ લેવા જાય છે તેઓનામાં જ કલબલ કલબલ અધિક જોવા મળે છે. પોતાના સમયે બોલે તે વાણી મોર અથવા કોયલની છે એ સિવાય તો સર્વત્ર કાગસ્વરનો ઊહાપોહ છે.

ચિત્તની પરમ શાંતિ અને પોતાના વ્યક્તિગત જીવનની નિરાંત સિવાય માણસજાતનો વ્યર્થ વાક્મોહ અટકે તેમ નથી. જેઓ બહુ બોલે છે તેઓ એક વરસમાં એક લાઇબ્રેરી જેટલું બોલતા હોય છે. વળી, એમાંથી કંઈક જ્ઞાન આપણે પ્રાપ્ત કરવું હોય તો ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું છે. વિદ્યાચતુર ને વાક્ચતુરમાં બહુ તફાવત છે. ધારણ કરવા જેવી વિદ્યા જ છે, ચતુરાઈ નથી!

મૌન એમને એમ આપણી વાણીમાં માળો બનાવે નહીં! એને સાદ કરીને બોલાવવું પડે અને પછી પણ આવે તો આવે! સાદ એટલે સંકલ્પ. પ્રતિજ્ઞા. વટ. જિદ. પૂર્ણાગ્રહ. ઓછું બોલવું એ વ્યવહારજગતમાં તો મૌનની લગોલગ છે! મૌન તો સંતોને આસાન છે, આપણે અસંભવ, આપણે તો ઓછું બોલ્યા એ જ નહીં બોલ્યાને પરમાણ…!

રિમાર્ક – The more you speak, you will misunderstood by all, And including you !
——————

Leave A Reply

Your email address will not be published.

Translate »