તમારા માટે, તમારી સાથે, સતત…

કૉફીના કપમાં ડૂબી જતી સાંજ  અને ડૂબી જતી જિંદગી…

કેટલાક લોકો દામ્પત્યજીવનની ભુલભુલામણીમાં અટવાઈ જાય છે.

0 490
  • હૃદયકુંજ – દિલીપ ભટ્ટ

જે ઘરમાં પતિ અને પત્ની ઉંદર-બિલાડીની રમત રમતાં હોય એ ઘરનો વિનાશ નક્કી હોય છે…

કેટલાક લોકો સુખને માણી શકતા નથી. અપાર સુખની વચ્ચે પણ તેઓ જાણે કે ખુદ નવા દુઃખને શોધવા નીકળે છે. સુખમાં તેઓ જંપીને રહેતા જ નથી. એમના મનમાં સળવળ થયા જ કરે છે. ક્યારેક એમ થાય કે અરે, આટલું બધું સુખ છે તો આ લોકો નવા ઉત્પાત શા માટે મચાવતા હશે? પરંતુ આ દુનિયામાં એવા પણ લોકો છે કે જેમને દુઃખનું વ્યસન થઈ ગયું હોય છે. તેઓનું કામ ભોંમાંથી ભાલા શોધવાનું એટલે કે ન હોય એમાંથી આપત્તિ ઊભી કરવાનું છે. તેઓ એક સરસ મજાની જાળ ગુંથવામાં વ્યસ્ત હોય છે, પરંતુ એ જાળનો છેડો આવવાનો થાય ત્યારે એમને ખ્યાલ આવે છે કે આપણે પોતે જ આ જાળમાં ફસાઈ ગયા છીએ. પછી એમાંથી બહાર આવવાનું કામ અસંભવ હોય છે. જાણીતી કથા છે કે સોક્રેટિસને રાજાએ જેલમાં પૂર્યા ત્યારે એના કેટલાક શિષ્યો અને ચાહકોને પણ સાથોસાથ પૂર્યા. એમાં એક લુહાર પણ હતો. એણે કહ્યું કે દુનિયાની કોઈ પણ હાથકડી હું રમત રમતમાં ખોલી શકું છું.

પછી જ્યારે ચન્દ્ર ઉપર આવ્યો અને જેલમાં અજવાળું થયું ત્યારે સાથીઓએ કહ્યું કે હવે તો હાથકડી ખોલી બતાવ. અજવાળામાં હાથકડી જોઈને લુહારે કહ્યું કે આ તો મારી જ બનાવેલી હાથકડી છે, આ મારાથી નહીં ખૂલે. પોતાની બનાવેલી હાથકડી જ્યારે પોતાના જ હાથમાં આવે છે ત્યારે મુક્તિનો કોઈ માર્ગ મળતો નથી. દેશની વિખ્યાત કૉફી બ્રાન્ડ સીસીડી એટલે કે કૉફી કાફે ડેના સર્વેસર્વા મિસ્ટર વી.જી. સિદ્ધાર્થ ગયા વરસે એકાએક ગુમ થઈ ગયા અને પછીથી ખ્યાલ આવ્યો કે એમણે જાતે જ સ્વનિર્ણયથી આ દુનિયા છોડી દીધી છે. તેઓ દેશની સૌથી પ્રતિષ્ઠિત કાફે ચેઇનના માલિક હતા. જે લોકો અનેક પ્રકારનાં સુખ વચ્ચે આળોટતા હોય તેમને એ સુખ લેતાં ન આવડતું હોવાના દાખલાઓ આ સંસારમાં ઓછા નથી. સિદ્ધાર્થ એનો એક વધારાનો નમૂનો છે.

કેટલાક લોકો દામ્પત્યજીવનની ભુલભુલામણીમાં અટવાઈ જાય છે. જે ઘરમાં પતિ અને પત્ની ઉંદર-બિલાડીની રમત રમતાં હોય એ ઘરનો વિનાશ નક્કી હોય છે. સિદ્ધાર્થની પત્ની માલવિકા પર કોઈને શંકા જાય એમ નથી, કારણ કે પાછળથી મળી આવેલા કેટલાક પત્રોમાં સિદ્ધાર્થે કંપનીની નબળી આર્થિક પરિસ્થિતિની વાતો લખી છે. સિદ્ધાર્થને બે બાળકો છે. માલવિકા એક ચાલાક સ્ત્રી છે. દામ્પત્યમાં ચાલાકી જીવલેણ નીવડે છે. સિદ્ધાર્થના કેટલાક અંતરંગ મિત્રોએ સોશિયલ મીડિયામાં પરોક્ષ રીતે સિદ્ધાર્થનાં આત્મઘાતી પગલાંના કારણ તરીકે તેની પત્ની માલવિકા તરફ આંગળી ચીંધી છે. માલવિકા કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એસ.એમ. ક્રિષ્નાની લાડકી પુત્રી છે.

Related Posts
1 of 57

કેટલીક સ્ત્રીઓ એમની સખીઓને કહે છે અને સોશિયલ મીડિયામાં જાહેર કરે છે કે અમારા ઘરમાં તો રાજકારણ બહુ છે. જેના ઘરમાં રાજકારણ પ્રવેશી જાય એમણે એ ઘર પછીથી ખાલી કરવાનો વારો આવે છે. મિસ્ટર વી.જી. સિદ્ધાર્થ અબજો રૃપિયાની સંપત્તિના માલિક હતા. હજારો એકર જમીનમાં કૉફી વાવીને ઉછેરતા હતા. સીસીડી દ્વારા દેશભરમાં તેમણે એક રીતે કૉફીપ્રિય લોકોને પોતાના રેસ્ટોરાંમાં એકત્રિત કર્યા હતા. કૉફી કલ્ચરની તેમણે ભારતમાં શરૃઆત કરી હતી, પરંતુ તેમના ઘરમાં શાંતિ ન હતી. એમનાં પત્ની માલવિકા નાની-નાની વાતમાં ખોટું બોલતાં અને વારંવાર કલહ કરતાં. માલવિકા સદાય તેમના પતિ એટલે કે સિદ્ધાર્થનો વાંક શોધતાં. સિદ્ધાર્થને બૂટ, ચપ્પલ, ચશ્મા, કપડાં, પેન… એમ તમામ બાબતો અંગે માલવિકા ટકટક કરતા હોય. મિસ્ટર સિદ્ધાર્થ પોતાની જ ક્ષમતા બહારની મહત્ત્વાકાંક્ષાઓનો શિકાર બન્યા. તેમણે પછેડી પ્રમાણે સોડ તાણવાને બદલે એટલો મોટો પથારો કર્યો કે છેવટે આ જગતમાં એમની કંપનીઓ તો રહી, પણ તેઓ પોતે જ ન રહ્યા.

સિદ્ધાર્થ આખા દેશના આંતરપ્રિનિયોર યુવાનો માટે એક દીવાદાંડી છે. એ સહુને એક ઉચ્ચાર્યા વિનાનું ભાષણ આપતા ગયા છે જે સમજનારાઓએ સમજવાનું છે, ના સમજે વો અનાડી હૈ…! સિદ્ધાર્થનું કહેવું એમ છે કે તમારાં સપનાંઓને એટલાં બધાં ન વિસ્તારો કે તમે પહોંચી ન વળો. તમારી પોતાની પાંખે જેટલું ઊડી શકાય એટલું ઊડો. પરંતુ જે કદી ભરપાઈ કરી ન શકાય એવા બીજાઓની પિચ્છકલા કે બીજાઓની પાંખે ઊડવાના મનોરથો કરવાનો આ સમય નથી. એવો સમય આવે ત્યારની વાત ત્યારે. અટાણે તો ઘર-પરિવારને સંભાળીને જિંદગીને શાંત સાગર પર વહેતી કુશળ ખલાસીની નૌકાની જેમ કિનારા તરફ વહેવા દો. આર્થિક સંસાધનો વિનાની વિકાસની હરણફાળ કંપનીને અને એના માલિકને પછાડે છે.

ગામડાંગામના લોકો લાખો રૃપિયા ભલે કમાતા નથી, પરંતુ એમની જિંદગી એમના હાથમાં છે ને પરિવારના સાથમાં છે. આ જગતમાં પરિવારનો મોભી ચિરવિદાય લઈ લે એટલે એ પરિવારની માથેથી છત્ર ખસી જાય છે. આ છત્રભંગ યોગ છે. ઘરનો મોભી ન હોય એ ઘરને ચારેય દિશાના વા વાય એમ અમથું તો નહિ કહેવાયું હોય. કિંમત મનુષ્યના પોતાના અસ્તિત્વની છે. બધું જ નિરર્થક થઈ જાય છે જ્યારે એક આખેઆખો ઇન્સાન જ જતો રહે છે. એમાંય કુદરતી કે આકસ્મિક કારણોસરનું ગમન તો માણસના કાબૂ બહારની વાત છે, પરંતુ આત્મઘાતક રીતે જવું એ પાછળ રહેલા પરિવાર માટે અસહ્ય આઘાતની વાત છે.

સીસીડી એટલે કે કૉફી કાફે ડે એ ભારતનાં તમામ શહેરોમાં ફેલાયેલી વિખ્યાત કૉફી ચેઇન છે. દિવસે અને રાતે મોડે સુધી બુદ્ધિજીવીઓ ત્યાં ટોળે વળે છે. કોલકાતામાં એક કૉફી હાઉસ છે. એક જમાનામાં એટલે કે આઝાદી પહેલાંનાં વરસોમાં કોલકાતા ભારતનું પાટનગર કક્ષાનું કેન્દ્ર હતું. રવીન્દ્રનાથ ટાગોર અને વિભૂતિભૂષણ બંદોપાધ્યાય, શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય અને બંકિમ ચંદ્ર સહિતના તમામ કલા-સાહિત્ય-સંગીતના જ્યોતિર્ધરો એ કૉફી હાઉસમાં કલાકો સુધી ચર્ચા કરવા બેસતા. એના પરથી જ સિદ્ધાર્થે કૉફીની ચેઇન બનાવી અને તેમણે સફળતા પણ મેળવી, પરંતુ એ દેખીતી ચમકની પાછળ તેમણે કંઈ કેટલાય અંધારાઓ છુપાવી રાખ્યા હતા જે આખરે હવે જાહેર થયા. કોઈ પણ ઘા છુપાવવાથી વધે જ છે.

જિંદગી આ સમગ્ર બ્રહ્માંડમાં કુદરતે વ્યક્તિગત રીતે આપણને આપેલો અનુપમ ઉપહાર છે. એ જરા પણ વેડફાઈ ન જાય એની મનુષ્યમાત્રે સાવધાની રાખવાની હોય છે. ઉત્તરકાણ્ડમાં અયોધ્યાનો કારભાર ચલાવતા અલિપ્તભાવના ધરાવતા ભરત, રામની રાહ જોઈ જોઈને થાકી ગયા હતા, કારણ કે ૧૪ વરસની મુદત પૂરી થઈ ગઈ હતી, ત્યારે તેઓ જાતે તૈયાર કરેલી ચિતામાં કૂદી પડવા ચાહતા હતા, ત્યારે વશિષ્ઠ મુનિએ એમને રોક્યા અને કહ્યું કે, હે ભરત, ભાવિ પ્રબળ હોય છે. જીવન પર વિશ્વાસ રાખ. ભવિષ્યના ઉજ્જ્વળ દિવસો માટે તારા અસ્તિત્વને ટકાવી રાખ. એટલે ભરત અટકી ગયા. પછીની થોડીક જ વારમાં રામ, લક્ષ્મણ, જાનકી પુષ્પક વિમાનમાં સવાર થઈ અયોધ્યા આવી પહોંચ્યાં. સાથે હનુમાનજી પણ હતા. જિંદગીમાં શુભ મંગલ તત્ત્વના આગમનની પ્રતીક્ષા અને ધીરજ એ વશિષ્ઠ મુનિએ આપેલો બોધ છે.

રિમાર્ક When you start to expect sympathy, your dreams down to a new end. Never expect sympathy but you may perform to few others.
—————————

Leave A Reply

Your email address will not be published.

Translate »