તમારા માટે, તમારી સાથે, સતત…

ભૂકંપના ૨૦ વર્ષે કચ્છ બદલાયું, પણ સમસ્યાઓ યથાવત્ રહી

ભૂકંપ પછી કચ્છમાં અનેક નવા ઉદ્યોગો આવ્યા છે

0 1,243

૨૦ વર્ષ પહેલાં જાન્યુઆરી મહિનાની ૨૬મી તારીખે જ્યારે લોકો રજાની મજા માણતા હતા, કોઈ પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં વ્યસ્ત હતા ને ધરા ધણધણી. કોઈને કલ્પના પણ આવે તે પહેલાં ઘણુબધું ખલાસ થઈ ગયું. એક ક્ષણ પહેલાં ઊભેલાં મકાનો કાટમાળમાં ફેરવાયાં તો પળ પહેલાંનો હસતો રમતો ચહેરો નિષ્પ્રાણ બની ગયો. કોઈ કાટમાળ નીચે દબાયા તો કોઈ પડેલા મકાનની વચમાં ફસાયા. ભૂકંપની ઘટનાને ૨૦ વરસ પૂરાં થઈ રહ્યાં છે. એક આખી પેઢી મોટી થઈ ગઈ છે. લોકો ગોઝારી યાદને ભૂલી રહ્યા છે. કચ્છનો ભૂકંપ પહેલાંનો માહોલ પણ આજે શોધ્યો જડે તેમ નથી. તેમાં પણ ભુજ, ગાંધીધામ, અંજાર જેવાં મોટાં શહેરોની તો સંપૂર્ણ કાયાપલટ થઈ ગઈ છે. વર્ષો પહેલાંનું પરંપરાને વળગીને રહેલું કચ્છ આજે કોસ્મોપોલિટિયન બનીને ગુજરાતના મુખ્ય પ્રવાહમાં ભળવા અગ્રેસર થઈ રહ્યું છે. જ્યાં ખેતી અને પશુપાલન સિવાય કોઈ ઉદ્યોગો જ ન હતા તે કચ્છમાં તમામ દિશામાં નવા નવા ઉદ્યોગો ઊભા થયા છે અને થઈ રહ્યા છે. કચ્છનું રણ પહેલાં તો જાણે તેના બદનસીબનું ચિહ્ન મનાતું હતું તે રણ આજે દેશ વિદેશના પ્રવાસીઓને ખેંચી લાવીને પ્રવાસનને એક ઉદ્યોગનો દરજ્જો આપી રહ્યું છે. છેલ્લાં ૨૦ વર્ષમાં કચ્છનો અકલ્પનીય વિકાસ થયો છે. તેની સાથે-સાથે કચ્છવાસીઓને સતાવતી અમુક સમસ્યાઓ હળવી થઈ છે તો અમુક સમસ્યાએ સ્વરૃપ બદલ્યું છે. કચ્છનો સમસ્યાઓથી છુટકારો થયો નથી.

ભૂકંપ પહેલાં ૨૦મી સદીના અંતિમ દાયકામાં કચ્છને પાણી, શિક્ષણ, રોજગારી, રસ્તા જેવી પાયાની સમસ્યાઓ ખૂબ સતાવતી હતી. આજે નર્મદાના પાણીનું કચ્છમાં અવતરણ થયું છે. મોટા ભાગનાં ગામોમાં નર્મદા પહોંચી હોવા છતાં પાણી સમસ્યા ઉકલી નથી. ભૂકંપ પહેલાં શાળાકીય શિક્ષણ માટે પૂરતી શાળાઓ ઉપલબ્ધ ન હતી, આજે છે. છતાં નથી ભણતરની ગુણવત્તા સુધરી કે નથી વિદ્યાર્થીઓની મનોદશા સુધરી. તેવી જ સ્થિતિ ઉચ્ચ શિક્ષણમાં પણ છે. કચ્છની પોતાની યુનિવર્સિટી હોવા છતાં ને કૉલેજોની સંખ્યા વધી હોવા છતાં યુવાનોને ઇચ્છિત ઉચ્ચ શિક્ષણ મેળવવા કચ્છ બહાર જવું પડે છે.

ભૂકંપ પછી કચ્છમાં અનેક નવા ઉદ્યોગો આવ્યા છે. કરોડોનું રોકાણ થયું છે, તેથી રોજગારીનું સર્જન થવું સ્વાભાવિક છે, પરંતુ કચ્છના જ યુવાનોને કચ્છમાં જ નોકરી મળવામાં મુશ્કેલી ઊભી થાય છે. યુવાનો પાસે જે લાયકાત છે, તેનો ઉપયોગ ઉદ્યોગોમાં નહીંવત છે, જ્યારે ઉદ્યોગો ઇચ્છે છે તેવી લાયકાત યુવાનોમાં નથી. તેથી સરવાળે બંને પક્ષે મુશ્કેલીઓ વધે છે.

છેલ્લાં ૨૦ વર્ષમાં કચ્છમાં મોટા ભાગના રસ્તાઓ નવા બન્યા છે. જે ગામો સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, ત્યાં હવે સહેલાઈથી પહોંચી શકાય છે, પરંતુ નવા આવેલા ઉદ્યોગોના કારણે વધેલા વાહનવ્યવહાર માટે નવા બનેલા રસ્તાઓ પણ ઉપયોગી નથી રહ્યા. કચ્છમાં પ્રવેશવાના માર્ગો પરનો ટ્રાફિક જામ હંમેશનો પ્રશ્ન બન્યો છે. તો ભુજોડીના વર્ષોથી અધૂરા રહેલા ઓવરબ્રિજના કારણે પણ રોજના સેંકડો માનવકલાકો અને મહામૂલું ઈંધણ ટ્રાફિક જામના કારણે વેડફાય છે.

ભૂકંપ પછી આરોગ્યની સેવાઓમાં વધારો થયો છે. મેડિકલ કૉલેજ પણ કચ્છમાં શરૃ થઈ છે. ગામડાંમાં પણ સરકારી કે ખાનગી તબીબોની હાજરી હોય છે. જેના કારણે લોકોને હેરાન ઓછું થવું પડે છે તે હકીકત હોવા છતાં આરોગ્યની સમસ્યા જરા પણ ગંભીર બને કે લોકોને ભુજ, ગાંધીધામ તરફ દોડવું જ પડે છે અને ત્યાંથી પણ અમદાવાદ સુધી દર્દીને લઈ જવા પડે છે. આમ પ્રાથમિક સુવિધાઓ ગામડાંમાં પણ મળી જતી હોવા છતાં વધુ જટિલ કેસની સારવાર કચ્છનાં શહેરોમાં પણ દોહ્યલી છે.

પ્રવાસન ભૂકંપ પછી કચ્છ મહત્ત્વના ઉદ્યોગ તરીકે વિકસ્યું છે. ભૂકંપના ૨૦ વર્ષે પણ પ્રવાસનની સમસ્યાઓ ઘટી નથી. છેલ્લાં ૨૦-૨૫ વર્ષમાં કચ્છની સંપૂર્ણ કાયાપલટ થઈ હોવા છતાં, જૂની સમસ્યાઓ ઉકેલાઈ ગઈ કે હળવી થઈ હોવા છતાં નવી-નવી ઉદ્ભવતી સમસ્યાઓનો સામનો કચ્છના લોકોને કરવો પડી રહ્યો છે.

ઉદ્યોગો

ભૂકંપ પછી કચ્છમાં આવેલા બદલાવમાં સૌથી પહેલી નજર ઔદ્યોગિક વિકાસ પર પડે છે. પહેલા મીઠા ઉદ્યોગ, ટિમ્બર ઉદ્યોગ, ખાણ-ખનીજ આધારિત ઉદ્યોગો, કંડલા જેવા ધમધમતા અને મુન્દ્રા- અદાણી જેવા વિકસી રહેલાં બંદરો હતાં. ટિમ્બર અને મીઠાનો ઉદ્યોગ તો તે સમયે પણ ખૂબ સારી રીતે ધમધમતો હતો. પાનન્ધ્રોની ખાણોના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ સારી રીતે ખીલ્યો હતો. બધું મળીને તે વખતે અંદાજે ૨૫૦૦થી ૩૦૦૦ કરોડનું મૂડી રોકાણ કચ્છમાં હતું. આ ઉદ્યોગોના કારણે લોકોને રોજી પણ મળતી હતી, પરંતુ આ ઉદ્યોગો અમુક જ વિસ્તાર પૂરતા મર્યાદિત હતા. તેમાં કચ્છના યુવાનોને પૂરતા પ્રમાણમાં રોજગારી મળતી ન હતી. જે વિસ્તારમાં ઉદ્યોગો ન હતા તે વિસ્તારની પ્રજાને અવકાશી મહેર પર જ ખેતી અને પશુપાલન માટે આધાર રાખવો પડતો હતો. આજે ઉદ્યોગો અકલ્પનીય રીતે વિકસ્યા છે. લગભગ દોઢ લાખ કરોડનું રોકાણ કચ્છમાં કરવામાં આવ્યું છે. રોજગારીનું પ્રમાણ વધ્યું છે, પરંતુ સાથે સાથે ઉદ્યોગોની અને કચ્છના લોકોની સમસ્યાઓ પણ વિકસી છે.

આ અંગે વાત કરતાં ‘ફોકિયા’ (ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન) મેનેજિંગ ડાયરેક્ટર નિમિષ ફડકે જણાવે છે કે, ‘ભૂકંપ પહેલાં કચ્છમાં વધુ ઉદ્યોગો ન હતા. મીઠાના અગરો અને મીઠા આધારિત ઉદ્યોગો, કંડલા બંદરે ટિમ્બરની આયાત થતી અને તેની પર પ્રોસેસિંગના યુનિટ હતા. તેવી જ રીતે ખનીજ આધારિત ઉદ્યોગો હતા, પરંતુ ખૂબ જ ઓછા. મુન્દ્રા-  અદાણી બંદર અને સિમેન્ટ ઉદ્યોગની શરૃઆત હતી. સરકારી સાહસો તરીકે ઇફકો, પાનન્ધ્રોની ખાણો, જી.એમ.ડી.સી.ના ઉદ્યોગો હતા. કોલસા આધારિત વીજ ઉત્પાદન પણ ખૂબ જ નાના પાયે થતું હતું.

જોકે તે સમયની સ્થિતિ પ્રમાણે કચ્છના ઉદ્યોગોનું કદ સારું એવું હતું. લિગ્નાઇટની ખાણોના કારણે પરિવહન ઉદ્યોગ ખૂબ જ ફૂલ્યોફાલ્યો હતો. લગભગ ૨૫૦૦થી ૩૦૦૦ કરોડનું રોકાણ ઈ.સ. ૨૦૦૦ની આસપાસ હતું. જ્યારે આજે ભૂકંપના ૨૦ વર્ષ પછી કચ્છમાં ઉદ્યોગોનું રોકાણ દોઢ લાખ કરોડથી વધ્યું છે. જેમાં સ્ટીલ, ખાદ્ય તેલ, શુગર રિફાઇનરી, ઑટોમોબાઇલ, ટેક્સટાઇલ્સ, સૉ પાઇપ જેવા વિવિધ પ્રકારના ઉદ્યોગો છે. ઉપરાંત બિનપરંપરાગત ઊર્જા ઉત્પાદન ક્ષેત્ર પણ કચ્છમાં ખૂબ મોટું છે. કોલસા આધારિત ૯૬૦૦ મેગાવૉટ વીજ ઉત્પાદન થાય છે અને સોલાર તથા પવન ઊર્જાથી ૨૦૦૦થી વધુ મેગાવૉટ ઊર્જાનું ઉત્પાદન થાય છે. લગભગ બધા જ પ્રકારના ઉદ્યોગો અત્યારે કચ્છમાં મોજૂદ છે. આ ઉદ્યોગોના કારણે સીધી અને આડકતરી રીતે લગભગ ૪ લાખ વ્યક્તિઓને રોજગારી મળી રહી છે.’

ઉદ્યોગો આવ્યા પછી કચ્છની બિનઉપયોગી પડી રહેલી જમીનના ભાવ પણ ખૂબ જ ઊંચકાયા છે. જે જમીન ૨૦ વર્ષ પહેલાં રૃ. ૫૦ હજારમાં પણ લેવા માટે કોઈ ભાગ્યે જ તૈયાર થતું તે આજે ૨૦ લાખ દેતા પણ મળવી મુશ્કેલ બની છે. લગભગ ૪૦થી ૫૦ ગણાનો ભાવ વધારો આવ્યો છે. તેવી જ રીતે સરકારને વિવિધ ટેક્સ અને અન્ય રીતે મળતી આવકમાં પણ ધરખમ વધારો થયો છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ વેરાઓ જેવા કે જી.એસ.ટી., સ્ટેમ્પ ડ્યુટી, કસ્ટમ, રેલવે વગેરે મળીને વર્ષે ૪૦થી ૫૦ હજાર કરોડની આવક કચ્છના ઉદ્યોગો થકી થાય છે.

ફડકે વધુમાં જણાવે છે કે, ‘જોકે ઉદ્યોગોને પાણીનો પ્રશ્ન પહેલાંથી જ સતાવે છે. કચ્છને નર્મદાનું પાણી આપવાની વિચારણા તો ભૂકંપ પહેલાં જ થઈ હતી અને તેનું તે મુજબ પ્લાનિંગ પણ થઈ ગયું હતું, પરંતુ ભૂકંપ પછી અચાનક જ આવેલા અનેક ઉદ્યોગોની પાણીની જરૃરિયાતની કોઈ જ વિચારણા કરાઈ ન હતી. ઉદ્યોગોને પાણી પૂરું પાડવા માટેનું કોઈ જ વ્યવસ્થિત નેટવર્ક ઊભું કરી શકાયું નથી. અત્યારે પાણીનો એક માત્ર સોર્સ નર્મદા જ છે. તેની વૈકલ્પિક વ્યવસ્થા જરૃરી છે. અત્યારે ડિસેલિનેશન પ્લાન્ટની કામગીરી ચાલી રહી છે, પરંતુ તે ઝડપથી અને ઉદ્યોગોને ઉપયોગી થાય તે રીતે કરવી જરૃરી છે. પાણીના પ્રશ્ન ઉપરાંત ઉદ્યોગોને વ્યવસ્થિત રોડ નેટવર્ક, રેલવે અને હવાઈ ઉડાનોના નેટવર્કની જરૃરિયાત છે. ઉદ્યોગો માટે વધુ ફાયદાકારક એવા ઘડુલી- સાંતલપુર માર્ગને સત્વરે પૂરો કરવો જોઈએ. તેમ જ અત્યારે માળિયા પાસે જે રોજિંદો ટ્રાફિક જામ સર્જાય છે, તે ન થાય તે માટે તેનો પણ વૈકલ્પિક માર્ગ બનાવવો જોઈએ. ગાંધીધામ સુધી આવતી ટ્રેનોને ભુજ સુધી લંબાવવા, નલિયા સુધી બ્રોડગેજ લાઇન બિછાવવા, રેલવે કનેક્ટિવિટી વધારવાની પણ તાતી જરૃરિયાત છે. તેવી જ રીતે ભુજમાં ઇન્ટરનેશનલ ઍરપોર્ટ બનાવવા, ભુજ સુધી વધુ ઉડાનો શરૃ કરવાની પણ જરૃર છે. કંડલાનું ઍરપોર્ટ મોટું બનાવવું પણ જરૃરી છે.’

કચ્છને વિશાળ દરિયા કિનારો અને બે મહાબંદરો મળ્યાં છે. તેનો ફાયદો ઉઠાવીને મુન્દ્રા- ચેન્નઇ વચ્ચે દરિયાઈ પરિવહન, રો-રો સર્વિસ ચાલુ કરાય તો ઉદ્યોગોના માલસામાનની અવરજવર ઝડપી બને, તેનો ખર્ચ પણ ઘટી જાય. આ ઉપરાંત કોવિડ ૧૯ની મહામારીના સમય પહેલાં કચ્છમાં પ્રવાસન એક ઉદ્યોગ તરીકે વિકસ્યું હતું. ત્યારે અહીં દરિયાઈ પટ્ટી પર, બીચ પર વૉટર સ્પોટ્ર્સ પણ વિકસાવી શકાય તેમ છે. તેવી જ રીતે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ પણ વિકસાવવા જોઈએ.

પાણી

Related Posts
1 of 142

કચ્છમાં હંમેશાં પાણીની તંગી રહી છે. તેથી ખેતી અને પશુપાલનને મુશ્કેલીનો અનુભવ કરવો પડ્યો છે. હવે નર્મદાના પાણી કચ્છને મળવા લાગ્યા છે. જિલ્લાના અમુક વિસ્તારમાં સિંચાઈ માટે પણ નર્મદાના પાણી મળે છે. છતાં પાણીની મુશ્કેલી તો પહેલાં જેટલી જ કે તેથી વધી ગઈ છે. આ અંગે જણાવતાં કચ્છની પાણીની સમસ્યાના અભ્યાસુ અને માજી ધારાસભ્ય મહેશભાઈ ઠક્કર જણાવે છે કે, ‘ભૂકંપ પહેલાં અને પછીના સમયમાં પાણીની સમસ્યામાં કોઈ ફરક પડ્યો નથી. ઊલટાની અત્યારે પાણીની સમસ્યા વધુ વિકટ થતી જાય છે. ભૂકંપ પહેલાંના સમયમાં ગામડાં અને શહેરોમાં પાણીની પોતાની આગવી વ્યવસ્થા હતી. બોર, કૂવા આધારિત વ્યવસ્થા ગામના આગેવાનો જ સંભાળતા હતા તેથી સમસ્યા વધુ વકરતી ન હતી, પરંતુ જ્યારથી નર્મદાનું પાણી કચ્છમાં આવ્યું છે ત્યારથી સ્થાનિક સોર્સ તરફ સદંતર દુર્લક્ષ થયું છે. નગરપાલિકા કે ગ્રામપંચાયત હસ્તકના બોરની સારસંભાળ લેવાતી નથી. તેથી જ્યારે નર્મદાનું પાણી કચ્છ પહોંચવામાં મુશ્કેલી ઊભી થાય ત્યારે સમગ્ર કચ્છને ખાસ કરીને પશ્ચિમ કચ્છને તરસ્યા જ રહેવું પડે છે. સિંધુના પાણી પર કચ્છનો અધિકાર હતો, તે પાણી તો અપાતા જ નથી. ભૂકંપ પછી થયેલા વસતી વધારાના કારણે તથા નવા આવેલા ઉદ્યોગોના કારણે પાણીની માગ વધી છે, પરંતુ નર્મદાના પાણીનું પીવાનું પાણી અને ઉદ્યોગોનું પાણી એમ યોગ્ય રીતે વિભાજન ન થતાં પીવાના પાણીની મુશ્કેલી વધી છે. ઉદ્યોગો માટે ડિસેલિનેશ કરીને ખારું પાણી વાપરવાની વાત હતી, પરંતુ તેના પર અમલ ન થયો. આ ઉપરાંત શહેરી વિસ્તારમાં પાણીનો ખૂબ વેડફાટ થાય છે. જો વાપરવાના ખારા- ભાંભરા પાણીની અલગ અને પીવાના પાણીની અલગ પાઇપ લાઇન નખાય તો વેડફાતું પાણી બચી શકે. કચ્છને નર્મદાનું પાણી નિયમિત રીતે મળતું નથી. અનેક વખત રસ્તામાં ખેડૂતો પાણી ખેંચી લે છે તો અનેક વખત કેનાલના બાંધકામમાં ગાબડાં પડવાથી પાણી વેડફાય છે. જો કચ્છની પાણી સમસ્યા નિવારવી હોય તો પંજાબના હરીકે બેરેજની જે ઇંદિરા નહેર જેસલમેર સુધી લંબાવાઈ છે તેને કંડલા સુધી લંબાવીને તેનું પાણી કચ્છને પીવા માટે આપી શકાય તેમ છે. નર્મદાના દરિયામાં વહી જતાં પાણી પર કચ્છનો અધિકાર હોવા છતાં તેના માટે બજેટમાં કોઈ જોગવાઈ કરાતી નથી. આથી કચ્છની પાણીની સમસ્યા નિવારવા માટે અન્ય સ્ત્રોત પર જ નજર નાખવી પડશે.’

આરોગ્ય

ભૂકંપ પછી કચ્છની આરોગ્યની સેવાઓ વિસ્તરી હોવા છતાં જટિલ આરોગ્ય સમસ્યાના  નિષ્ણાતોની સેવાઓ હજુ આખા કચ્છમાં પહોંચી નથી. જોકે ભૂકંપ પહેલાં નાનાં ગામડાંમાં એમ.બી.બી.એસ. થયેલા તબીબોની સેવા પણ ઉપલબ્ધ ન હતી. જે આજે મોટા ભાગનાં તમામ ગામો સુધી પહોંચી છે. જ્યારે સ્ત્રીરોગ નિષ્ણાતો જેવા દ્વિતીય કક્ષાના તબીબો પણ નાનાં ગામડાં કે નગરોમાં હોય છે. આમ ભૂકંપ પહેલાં જે સેવા ખૂબ મુશ્કેલીથી ગામડાંના લોકોને મળતી હતી તે આજે સહેલાઈથી મળી શકે છે, પરંતુ જટિલ સમસ્યા માટે તો દર્દીને લઈને શહેરો તરફ દોડવું જ પડે છે. જટિલ આરોગ્ય સમસ્યાના નિષ્ણાતો હજુ નાનાં નગરોમાં પહોંચી શક્યા નથી. આ અંગે વાત કરતાં ભુજના ડૉ. જ્ઞાનેશ્વર રાવ જણાવે છે કે, ‘કચ્છમાં વિસ્તારના પ્રમાણમાં વસતી ઓછી છે. તેથી જોકે વિશેષજ્ઞ અત્યંત મોંઘાં સાધનો સાથેની જટિલ આરોગ્ય સમસ્યા માટેની હૉસ્પિટલ ગામડાંમાં શરૃ કરે તો તેને પૂરતા દર્દીઓ મળી શકે નહીં અને તેથી તે આર્થિક રીતે પોસાય નહીં. આ સ્થિતિને નિવારવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકાર, ખાનગી સંસ્થાઓ, રોકાણકારો અને બે- ચાર નિષ્ણાત તબીબો વગેરેએ સાથે મળીને મલ્ટિ સ્પેશિયાલિટી હૉસ્પિટલ નાનાં શહેરોમાં શરૃ કરવી પડે. એક જ સાધનનો અલગ-અલગ તબીબના પેશન્ટો માટે ઉપયોગ થાય તો તે આર્થિક રીતે પોસાઈ શકે અથવા સરકારે પોતે જ સાધનો સાથેની હૉસ્પિટલો વિકસાવવી જોઈએ. આ ઉપરાંત ગામડાંમાં તબીબો જઈને ત્યાં સારવાર આપે તે માટે તેને પૂરતી માળખાકીય સુવિધા આપવી પડે. જેમાં સારી હૉસ્પિટલ, સારા સાધનો ઉપરાંત લેબોરેટરી, નર્સિંગ સ્ટાફ, એક્સ- રૅ, સી.ટી. સ્કેન જેવી સુવિધા પણ તેને પૂરી પાડવી પડે. અત્યારે કચ્છમાં નાનાં ગામોમાં માળખાકીય સુવિધાઓ, સાધનો, નર્સિંગ સ્ટાફ અને તબીબો બધું જ વધારવાની જરૃર છે. આ ઉપરાંત કચ્છમાં અકસ્માતોનું પ્રમાણ વધુ હોવાથી ઇમરજન્સી મેડિકલ સર્વિસ શરૃ કરવાની પણ જરૃર છે. જોકે કચ્છમાં મેડિકલ કૉલેજ શરૃ થયા પછી આરોગ્ય સેવાઓમાં ફાયદો થયો છે. જો આરોગ્ય સુવિધા વધારવી હોય સરકાર અને સ્વૈચ્છિક, ખાનગી સંસ્થાઓએ હાથ મિલાવીને કામ કરવું પડશે.’

પ્રવાસન

ભૂકંપ પહેલાં વિદેશી લોકોમાં કચ્છ પ્રત્યે આકર્ષણ હતું, પરંતુ ભારતના લોકોના ધ્યાનમાં કચ્છનું મહત્ત્વ આવ્યું ન હતું. ભૂકંપ પછી પ્રવાસન એક ઉદ્યોગની જેમ જ વિકસ્યું છે. અનેક પ્રકારની રોજગારીનું નિર્માણ પ્રવાસનના કારણે થયું છે, પરંતુ દેશ વિદેશથી આવનારા પ્રવાસીઓને નડતી મુશ્કેલીઓ દૂર કરવાના પ્રયત્ન કરાતા નથી. આ અંગે વાત કરતાં કચ્છ ટૂરિસ્ટ ગાઇડ વેલફેર એસોસિયેશનના પ્રમુખ પ્રવીણ ડાંગેરા જણાવે છે કે, ‘ભૂકંપ પહેલાં કચ્છની કલા, સંસ્કૃતિ અને પક્ષીઓ વિદેશના લોકોને આકર્ષતા હતા. ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને ઇટાલીથી પ્રવાસીઓ આવતા. આ લોકો ખાસ કરીને બન્ની, ભુજોડી, ધમડકા જેવાં ગામડાંની ટૂર કરતાં. તે સમયે રસ્તા કે રહેવાની જગ્યા જેવી માળખાકીય સુવિધા ખૂબ ઓછી, નહીંવત હોવા છતાં જેને ખરેખર રસ હોય તે લોકો મુશ્કેલીઓ વેઠીને પણ આવતા. તે સમયે આર્ટિસ્ટ, ફોટોગ્રાફર, ચિત્રકારો, વણકરો વગેરે આવતા. ૧૯૯૨ની આસપાસ રાજ્ય સરકારે કચ્છ ઉત્સવ શરૃ કર્યો હતો. તે ૨૦૦૫ સુધી ચાલ્યો હતો. ૨૦૦૮ સુધી કચ્છનું વિખ્યાત સફેદ રણ દેશની સુરક્ષાના ભાગરૃપે પ્રવાસીઓ માટે બંધ હતું. ૨૦૦૮માં રણોત્સવ શરૃ થયો ત્યારે રણ ખૂલ્યું હતું. ભૂકંપ પહેલાં ભારતના પ્રવાસીઓ બહુ થોડા આવતા અને જે આવતા તે ધાર્મિક જગ્યાએ જ જતા. ક્યારેક ફેશન ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટવાળા પોતાના વિદ્યાર્થીઓને લઈને આવતા. ભૂકંપ પછી ૨૦૦૮ની આસપાસ કચ્છની સુંદર જગ્યાઓનો ખૂબ પ્રચાર કરાતાં ભારતના પ્રવાસીઓનું ધ્યાન પણ ખેંચાયું અને માત્ર ફરવાના હેતુસર આવનારા લોકો કચ્છ તરફ વળવા લાગ્યા. જોકે ૨૦૧૫ની આસપાસથી દરેક સ્થળ પર પ્રવાસીઓની ભારે ભીડ થવાથી વિદેશી પ્રવાસીઓનું આવવાનું ઘટવા લાગ્યું છે. અનેક વિદેશી ટૂર ઓપરેટર્સ કચ્છને બાકાત રાખવા લાગ્યા છે.’

ભૂકંપ પછી કચ્છના રસ્તાઓ સુધર્યા છે. અનેક રસ્તાઓ ફોરલેન બની ગયા છે. વાહનોની અવરજવર વધી છે. ટ્રેનો પહેલાંના પ્રમાણમાં વધી છે. તેવી જ રીતે ફ્લાઇટ પણ વધી હતી. (જોકે થોડા સમયથી ભુજને જોડતી હવાઈ સેવા કથળી ગઈ છે.) તેના કારણે કચ્છ વિશે જેને કંઈ જ ખ્યાલ ન હોય, કચ્છ એટલે માત્ર રણ એવી કલ્પના ધરાવતાં લોકો પણ કચ્છ આવતાં થયા છે.

પ્રવાસન અત્યારે ઉદ્યોગ બન્યું છે ત્યારે તેને સ્પર્શતા સવાલો અંગે વાત કરતાં ડાંગેરા કહે છે, ‘કચ્છના લોકો પ્રવાસીઓ પ્રત્યે વધુ સભાન બને તે જરૃરી છે. રોજગારીનું નિર્માણ પ્રવાસીઓ થકી થાય છે ત્યારે તેમના પ્રત્યે માન પણ રાખવું પડશે. અલગ-અલગ કક્ષાની હોટેલો પણ વધારવી પડશે. કચ્છમાં થ્રી સ્ટારથી માંડીને ફાઇવ સ્ટાર સુધીની હોટેલો વધુ હોવી જોઈએ. પશ્ચિમ કચ્છ કે ભુજમાં વધુ સારી હોટેલની સંખ્યા ખૂબ જ ઓછી છે. તેમ જ મધ્યમ ભાવની પણ સારી કક્ષાની હોટેલની જરૃરિયાત ઘણી વધુ છે. ઉપરાંત હોટેલમાં ટૂરિઝમ અને હૉસ્પિટાલિટીનો ટ્રેન્ડ સ્ટાફ હોવો પણ જરૃરી છે. કચ્છના મહત્ત્વના આર્કિયોલોજિકલ મોન્યુમેન્ટની દશા સુધારવી જોઈએ. કચ્છ મ્યુઝિયમ, આયના મહેલ કે પ્રાગમહેલ જેવી પ્રવાસીઓના આકર્ષણની જગ્યાઓ તેનું આકર્ષણ ટકાવી શકે તેવી રીતે તેની દેખરેખ થવી જોઈએ. ક્રૂઝ ટૂરિઝમ અને સિને ટૂરિઝમ પણ વિકસાવવું જોઈએ. ટૂરિસ્ટ ગાઇડને નિયમિત રોજગારી મળે તે માટે પણ સરકારે કંઈક કરવું જોઈએ.’

શાળાકીય શિક્ષણ

કચ્છમાં શાળાકીય શિક્ષણની સ્થિતિ અત્યારે ભૂકંપ પહેલાંના સમય કરતાં પ્રમાણમાં સારી હોવા છતાં શિક્ષણની ગુણવત્તાનો પ્રશ્ન તો યથાવત્ જ છે. ભૂકંપ પહેલાં ગામડાંમાં કે શહેરોમાં ખાનગી શાળાઓ ન હતી. માત્ર સરકારી કે ટ્રસ્ટની સ્કૂલો જ હતી. ગામડાંમાં તો દસ- દસ કિ.મી.ના અંતરે શાળાઓ હતી. તેના કારણે અનેક વિદ્યાર્થીઓ શાળાકીય ભણતર પૂરું કરી શકતા ન હતા અને કન્યા કેળવણીનું પ્રમાણ પણ ઓછું હતું. અત્યારે શાળાઓની સંખ્યા વધી હોવા છતાં સ્થાનિક શિક્ષકો ન હોવાના કારણે શિક્ષણની ગુણવત્તા પર અસર થાય છે. આ અંગે વાત કરતાં ભાડાઇ માધ્યમિક શાળાના આચાર્ય અને શ્રેષ્ઠ શિક્ષકનો ઍવૉર્ડ મેળવનારા કીર્તિભાઈ ઠક્કર જણાવે છે કે, ‘ભૂકંપ પહેલાં ખાનગી શાળાઓ જૂજ હતી. અંગ્રેજી મીડિયમની શાળાઓ પણ શહેરી વિસ્તારમાં હતી, તે પણ બહુ ઓછી. અપડાઉન કરીને કે હોસ્ટેલમાં રહીને ભણતાં વિદ્યાર્થીઓને શિક્ષણની કિંમત હતી અને તે સમયે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે ભાવનાત્મક સંબંધો રહેતા. ત્યારે શાળામાં ખાસ કરીને ટ્રસ્ટની શાળાઓમાં શિક્ષકોની ઘટ ન રહેતી. જ્યારે આજે શિક્ષકોની ઘટ જોવા મળે છે. શિક્ષકોની ભરતી ગાંધીનગરથી થતી હોવાથી કચ્છમાં જિલ્લા બહારના શિક્ષકોને મૂકવામાં આવે છે. જેમને કચ્છી બોલતાં આવડતું નથી. ગામડાંનાં બાળકો ગુજરાતી બોલનારા શિક્ષકો સાથે તાદાત્મ્ય સાધી શકતા નથી. આ ઉપરાંત બહારના શિક્ષકો વહેલાસર પોતાની બદલી કરાવવામાં રસ ધરાવતા હોય છે. તેની સીધી અસર શિક્ષણની ગુણવત્તા પર પડે છે. આજે શાળાનાં મકાનો સારા થયા છે, શાળાની સંખ્યા વધી છે. ખાનગી, અંગ્રેજી શાળાઓ ગામડાંમાં પણ શરૃ થઈ ગઈ છે, પરંતુ શિક્ષકોનો પ્રશ્ન બધાને જ સરખો નડે છે. જો કચ્છમાં કચ્છી શિક્ષકોની નિમણૂક થાય તો જ આ પ્રશ્ન હલ થઈ શકે તેમ છે.’

ઉચ્ચ શિક્ષણ

કચ્છમાં શાળાઓની જેમ જ કૉલેજોની સંખ્યા પણ વધી છે. કચ્છને પોતાની યુનિવર્સિટી મળી છે, પરંતુ અહીં પણ શિક્ષણની ગુણવત્તા પર સવાલ ઊઠે છે. કચ્છના ઉચ્ચ શિક્ષણ વિશે વાત કરતાં કચ્છ યુનિવર્સિટીનાં માજી ઇન્ચાર્જ કુલપતિ ડૉ. દર્શનાબહેન ધોળકિયા જણાવે છે કે, ‘ભૂકંપ પહેલાં સેલ્ફ ફાઇનાન્સ કૉલેજો ન હતી. સરકારી કૉલેજો પણ બહુ ઓછી હતી. ભૂકંપ પછી કૉલેજોની સંખ્યા વધી છે. નવી કૉલેજોમાં સિનિયરો પ્રાધ્યાપકોને ખસેડાતા, જૂની સરકારી કૉલેજોમાં નવા ભરતી થનારા પ્રોફેસર વધ્યા, જ્યારે અનેક સિનિયર પ્રાધ્યાપકો નવી કૉલેજમાં બદલાઈને ગયા જ નહીં આથી ત્યાં પણ નવા પ્રાધ્યાપકો જ રહ્યા, તેની સીધી અસર શિક્ષણની ગુણવત્તા પર પડી. ૨૦૦૮માં કચ્છ યુનિ. શરૃ થઈ પછી કચ્છમાં કૉલેજોની સંખ્યા વધી. પહેલાંના સમયમાં બી.એ., બી.કોમ., બી.એસસી. જેવા જ કોર્સ હતા. એન્જિનિયરિંગ અને પોલિટેકનિક કૉલેજો હતી, પરંતુ વિષયો ખૂબ જ મર્યાદિત હતા. જેના કારણે વધુ અથવા વિશેષ અભ્યાસ માટે કચ્છ બહાર જ જવું પડતું. અત્યારે કોમ્પ્યુટર, જીઓલોજી, આર્કિયોલોજી, એમ.એસ.ડબ્લ્યુ. જેવા વિષયો કચ્છમાં ભણી શકાય છે. કચ્છ યુનિ. આવ્યા બાદ એમ.ફિલ કે પીએચ.ડી. અહીં જ થઈ શકાતું હોવાથી નવા અધ્યાપકો તૈયાર થઈ શક્યા છે. અત્યારે શિક્ષણ ઘણુ અદ્યતન મળી રહ્યું છે, પરંતુ વિદ્યાર્થીઓને તેની કિંમત નથી. તેઓ જે સગવડતાઓ છે તેનો પૂરતો લાભ લેતા નથી. જો પૂરતો લાભ લે તો કચ્છમાં જ તેઓને સારામાં સારી ડિગ્રી સહેલાઈથી મળી શકે છે.’

સામાન્ય લોકોનું જીવન

પહેલાં કચ્છના લોકોનું જીવન પરંપરાગત જીવનશૈલીવાળું હતું, પરંતુ હવે તેમાં કોસ્મોપોલિટિયન રંગ ઉમેરાયો છે. ઓછી આવક ધરાવતા કચ્છના લોકોની ભૂકંપ પહેલાં જરૃરિયાતો પણ ઓછી હતી. તેથી તેઓ સંતોષી જીવન જીવતા હતા. જ્યારે હવે પહેરવેશ, ખાનપાન અને બોલી બધામાં જ ફેરફાર જોવા મળે છે. ભુજના નોકરિયાત જયમીન વોરાના જણાવ્યાનુસાર, ‘પહેલાં કચ્છનો સામાન્ય માણસ શહેરમાં રહેતો હોય કે ગામડાંમાં, તે પોતાની પરંપરાને અનુસરતો જોવા મળતો. હવે આવું બહુ જોવા મળતું નથી. ભૂકંપ પછી લોકોની આવકમાં પણ વધારો થયો છે અને તેમની માનસિકતા પણ બદલાઈ છે. રબારી, આહીર જેવી જ્ઞાતિઓએ તેમના પારંપારિક પોશાક જાળવી રાખ્યા છે, પરંતુ બીજી જ્ઞાતિના લોકોના પોશાકમાં આધુનિકતાની છાંટ જોવા મળે છે. તેમ જ પહેલાં સાદું જમનારા ને ક્યારેક જ બહારનો નાસ્તો કરનારો કચ્છી આજે બહુ સહજતાથી ઘરે ઓનલાઇન મનપસંદ ફાસ્ટફૂડ મગાવતો થયો છે. પહેલાં બાગબગીચા કે ફિલ્મોનાં થિયેટરોમાં મનોરંજન મેળવતો યુવાન આજે મોબાઇલ, ઇન્ટરનેટથી મનોરંજન મેળવી લે છે, તેથી બગીચાઓ માત્ર નાનાં બાળકો માટે જ રહ્યા છે અને તેની હાલત ખરાબ થઈ ગઈ છે. થિયેટરો પણ બંધ થઈ રહ્યાં છે. મેળાઓની કે કોઈ તહેવારોની પહેલા જેવી રોનક જોવા મળતી નથી. આવકમાં વધારો થવાના કારણે લોકોનું જીવનધોરણ ઊંચું થયું છે. સુખસગવડ વધી છે. વાહનો પણ વધ્યા છે, પરંતુ તેના કારણે રોજિંદા ટ્રાફિકજામ જેવા પ્રશ્નો વધ્યા છે.’

આવી જ વાત કરતાં ભચાઉના વ્યવસાયી મહેશ શાહ કહે છે, ‘ધરતીકંપના સાત દિવસ પછી મારી સગાઈ અને મારાં બહેનનાં લગ્ન હતાં, પરંતુ ભૂકંપમાં અમે અમારો નાનો ભાઈ ખોયો અને માતા ગંભીર રીતે ઘાયલ થયાં. તે દિવસે મારી એક દુકાનનું ઉદ્ઘાટન પણ હતું, પરંતુ ગણતરીની પળોમાં જ આખા ભચાઉ સાથે મારો માળો અને મારા સપના પીંખાઈ ગયા. મારું ઘર, મકાન, દુકાન બધું જ જમીનદોસ્ત થઈ ગયું. શૂન્યમાંથી શરૃઆત કરવી પડી. જોકે જ્ઞાતિજનો અને સરકારના સહકારથી ભચાઉવાસીઓની જેમ હું પણ ફરી ઊભો થયો છું. આજે બે પાંદડે પણ થયો છું, પરંતુ તે દિવસના ઘાવ ભૂલી શકાતા નથી. તે સમયે અમે થોડા પૈસામાં પણ સુખી હતા, પરંતુ આજે ઘરની દરેક વ્યક્તિ કમાતી હોવા છતાં અને આવક ખૂબ વધી હોવા છતાં સંતોષ નથી. ભચાઉ જેવા નાનાં ગામડાંમાં મૉલ, મોટા સ્ટોર, હોટલ, ગેસ્ટહાઉસ, સમાજની વાડીઓ(ધામ) વગેરે બની ગયું હોવાના કારણે બહારથી આવનારાની તમામ સગવડો સચવાય છે. આજે સામાન્ય લોકોના ખાનપાન, રહેણીકરણીમાં જબ્બર ફરક પડી ગયો છે.’

ભૂકંપ પછી કચ્છનો ચહેરો બદલાયો છે, દરેક ક્ષેત્રે વિકાસ થયો છે, પરંતુ કોઈ પણ ક્ષેત્ર આજે પણ સમસ્યા વગરનું નથી. પહેલાની સમસ્યા આજે ૨૦ વર્ષે પણ સ્વરૃપ બદલાવી સામે ઊભી હોવાનું સામાન્ય કચ્છીજન અનુભવે છે.

Leave A Reply

Your email address will not be published.

Translate »