તમારા માટે, તમારી સાથે, સતત…

કચ્છનું વિખ્યાત ચાંદીકામ શું વિસ્મૃતિની ગર્તામાં ગર્ક થશે?

'આ કામમાં ઘર ચલાવવા પૂરતું જ વળતર મળે છે.

0 671

ભુજના શિવજીભાઈ ભુદુ પોમલના પરિવારના બે દીકરાઓ મગનભાઈ અને મનસુખભાઈનાં કુટુંબોના સભ્યો આ કામ કરે છે. જોકે પરિવારમાં આ કામ કરતાં સભ્યોની સંખ્યા માંડ ૮-૧૦ છે. નવી પેઢી ઓછું વળતર, વધુ મહેનત ‘ને હાડમારીના કારણે આ કામમાં આવવા તૈયાર થતી નથી.

છેલ્લાં ૪૦-૪૫ વર્ષથી ચાંદી પર નકશીકામ કરનારા કારીગર નવીનભાઈ પોમલ આ અંગે વાત કરતાં જણાવે છે કે, ‘અત્યારે આ કામમાં જેટલી મહેનત છે તેટલું વળતર મળતું નથી. તેથી નવી પેઢી આ કામ કરવા ઇચ્છતી નથી. તેમાં પણ છેલ્લા થોડા સમયથી ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા હોવાથી ઓછા વજનની વસ્તુઓ પર નકશીકામ કરવું પડે છે. તેથી મહેનત વધી જાય છે, પણ વળતર ઘટી જાય છે. ખૂબ જ હાડમારીવાળું આ કામ છે.’

આ કામ કઈ રીતે કરાય છે તે અંગે તેઓ વિસ્તૃત માહિતી આપે છે કે, ‘કોઈ પણ વાસણ, દરવાજા, ટ્રે કે કોઈ ટ્રોફી પર જ્યારે નકશીકામ કરવાનું હોય ત્યારે પહેલાં તે વસ્તુને ખૂબ તપાવવી પડે, તપીને ચાંદી નરમ થાય ત્યારે તેને એસિડમાં નાખીને એકદમ સફેદ બનાવવાની, પછી તેને પીળી માટી લગાવવાની, કોઈ વાસણ કે જગ હોય તો તેની અંદર ડામર ભરવાનો, બીજા દિવસે માટીને ધોઈ નાખીને ચાંદીની વસ્તુ પર ડિઝાઇન દોરવાની પછી ટાંકણાથી તે ડિઝાઇન પર કોતરકામ કરવાનું, બધું કોતરકામ થઈ જાય પછી તે વસ્તુને ગરમ કરીને તેમાં ભરેલો ડામર કાઢી નાખીને તેના પર પૉલિશ કરવાની. પૉલિશ કરેલી વસ્તુ પરની ડિઝાઇન નિખરી શકે. ચાંદી ખૂબ નરમ હોવાથી ડિઝાઇન કરતી વખતે તેમાં ગોબા ન પડે તે માટે તેમાં ડામર નાખવામાં આવે છે. આ બધું કામ કરવામાં નાની વસ્તુ

બનાવવામાં ૨-૪ દિવસ લાગે તો તલવાર જેવી વસ્તુ પર નકશી કરવામાં એકાદ અઠવાડિયાનો સમય લાગે છે. તો મંદિરના દરવાજા બનાવવામાં તો ૧૨ મહિનાનો સમય પણ ઓછો પડે છે. આમ વધુ સમય લાગે, ખૂબ મહેનત પડે, પરંતુ ૫૦ ટકા પણ વળતર મળતું નથી.’

Related Posts
1 of 142

નવીનભાઈના જણાવ્યા મુજબ, ‘આ કામમાં ઘર ચલાવવા પૂરતું જ વળતર મળે છે. વધારાની બચત કરવા જેટલું કે વધુ આવક થાય તેટલું વળતર તેમાંથી મળતું નથી. મેં અનેક વસ્તુઓ પર નકશીકામ કર્યું છે. ૫૧ શક્તિપીઠ પૈકીના એક એવા મહારાષ્ટ્રના નાશિક પાસે આવેલા સપ્તશૃંગી માતાના દાગીનાનું કરેલું કામ ખૂબ જ ઝીણવટપૂર્વક મેં કર્યું હતું. માતાજીનો ૪ ફૂટનો કમરપટ્ટો અને તેમના દોઢ-દોઢ ફૂટનાં પગલાંના માપનાં કડલાં બનાવ્યા હતાં. આ કામ જોકે શુદ્ધ સોનામાંથી કરેલું હતું, પરંતુ મંદિરના વહીવટદારોએ મેં ચાંદી પર કરેલું કામ જોઈને મને માતાજીનું કામ સોંપ્યું હતું. આ ઉપરાંત ગોધરાના અંબેધામના માતાજીનો મુગટ, ભગવાન શંકરની મૂર્તિ, શિવલિંગ, માંડવીના કોટેશ્વર અને મા આશાપુરા મંદિરના દરવાજા, જૈન દેરાસરના ૧૪ સપના, અનેક મૂર્તિઓના મુગટ, દેરાસરની મૂર્તિઓના મુગટો, આંગીઓ, જલમંદિર, ચાંદીની તલવાર, જગ, કળશ, નાળિયેર, ગરબા, આર્મીની વિવિધ ટ્રોફીઓ, આર્મીની વિઝિટિંગ બુકનું ઉપરનું ચાંદીનું કવર જેવી અનેક વસ્તુઓ મેં બનાવી છે. જે પૈકીની અમુક વસ્તુઓ તો દિલ્હીના આર્મી હેડક્વાર્ટરમાં રખાઈ છે. ભાવનગરના એક વ્યક્તિના ઓર્ડર મુજબ મસ્જિદ પણ બનાવી હતી.’

ચાંદી પરના નકશીકામ અંગે વાત કરતાં ભુજના ચાંદીના વેપારી કૌશિકભાઈ સોની કહે છે, ‘કચ્છમાં જે કામ થાય છે, તેમાં સો ટકા શુદ્ધ ચાંદી વપરાતી હોવાથી અને તેના પર હાથેથી બારીક કામ થતું હોવાથી તેની ભારે માગ રહેતી હતી. અહીંની ડિશ, ટ્રે, બાઉલ, ગ્લાસ, લેમન સેટ, ટ્રોફી, મૂર્તિના મુગટ, મંદિરના દરવાજા, તલવારો પરનું નકશીકામ વખણાય છે, પરંતુ અત્યારે માત્ર એક જ પરિવાર આ કામમાં છે. બીજા કોઈ આ કામ કરવા તૈયાર નથી. લૉકડાઉન પછી ચાંદીના ભાવમાં ભારે વધારો થયો છે. પહેલાં ચાંદીનો ભાવ ૩૯,૦૦૦ હતો તે અત્યારે ૬૬,૫૦૦ની આસપાસ છે. તેના કારણે જે ૫૦- ૬૦- ૭૦ ગ્રામના ગ્લાસની કિંમત ૧૫૦૦- ૨૦૦૦- ૨૫૦૦ હતી તે આજે ૪થી ૫ હજારની આસપાસ વેચવો પડે છે. ભાવ વધી ગયા હોવાના કારણે વસ્તુઓની ખપત પણ ઘટી છે. પહેલાં દોઢ- બે કિલોની વસ્તુઓ બનતી, પરંતુ હવે મહામુશ્કેલીથી ૫૦૦ ગ્રામ વજનની વસ્તુઓ બની રહી છે. વસ્તુઓનું વજન ઓછું હોય તો હાથેથી તેના પર સુંદર નકશીકામ કરવામાં ભારે મુશ્કેલી પડે. આમ વસ્તુનું વજન ઘટી જવાથી નકશીકામ પર તેની અસર પડી છે. વસ્તુના ભાવ પણ તેથી વધી જાય છે. જોકે સામે મશીનથી થતું નકશીકામ સસ્તું પડે છે, પરંતુ તેમાં ચાંદીની શુદ્ધતા જળવાતી નથી. ચાંદીના નકશીકામના કારીગરને મળતાં કામમાં પણ થોડા સમયથી ઘટાડો થયો છે. આ વર્ષની દિવાળીમાં જ દર વર્ષની તુલનાએ માત્ર ૨૦ ટકા જેટલું જ કામ હતું.’

તેઓ વિશેષમાં જણાવે છે કે, ‘પહેલાંના જમાનામાં ચાંદી પર કુદરતી દૃશ્યો, શિકારનાં ચિત્રો કંડારાતા, પરંતુ હવે માત્ર ફૂલવેલ જ થાય છે. ક્યારેક કોઈના ઓર્ડર પર જ આવી વસ્તુઓ બને છે, પરંતુ તે કામ નિયમિત રીતે થતું નથી. તેવી જ રીતે પહેલાં ગ્લાસ મીનાકારી થતી. હવે તે કામ જ બંધ થઈ ગયું છે. હવે ‘મીના’ના નામે માત્ર કલર જ આવે છે. વાસણ પર તો આવું કામ થતું જ નથી. માત્ર નકશીવાળા વાસણો જ બને છે. હવે તો લોકો પોતાના બજેટમાં બેસે તેવી ઓછા વજનની વસ્તુઓ જ માગે છે. વિશેષમાં તો ભેટમાં અપાય તેવી વસ્તુઓની માગ હોય છે, પરંતુ ક્યારેક ખાસ આકારના કે વિશેષ પ્રકારનાં વાસણોની માગણી આવે છે. એકાદ વખત પ્રાચીન વસ્તુના શોખીન તરફથી ભુજના પ્રખ્યાત પ્રવાસન સ્થળ આયના મહેલની પ્રતિકૃતિ બનાવવાની માગણી પણ આવી હતી, પરંતુ આવી પ્રતિકૃતિ આબેહૂબ બની શકતી નથી.’

આમ કચ્છની વિશેષતા એવી શુદ્ધ ચાંદી પરની નકશીકામની કલાના કારીગરો હવે ખૂબ ઓછા થઈ ગયા છે. જે કારીગરો છે તેઓ બીજાને શીખવવા તૈયાર છે, પરંતુ યુવા પેઢી જ તેમાં જવા માગતી નથી. તેમ જ ચાંદીના ભાવ વધવાથી લોકો પણ હાથથી બનાવેલી મોંઘા ભાવની વસ્તુઓ ખરીદવા તૈયાર થતા નથી. સામાન્ય લોકોની રુચિ પણ બદલાઈ ગઈ છે. આથી આ કલાનું ભવિષ્ય ધૂંધળું દેખાઈ રહ્યું છે.

Leave A Reply

Your email address will not be published.

Translate »