તમારા માટે, તમારી સાથે, સતત…

વૈરાગ્યપાવર, વુમનપાવર અને વિલપાવરનો  ત્રિવેણીસંગમઃ સાધ્વીશ્રી ગિરાંશુશ્રીજી મહારાજ

ક્યારેક ભાગ્ય આપણી સચ્ચાઈની તથા આપણી ખુમારીની કપરી કસોટી કરે છે

0 113
  • અનુમોદના  – રોહિત શાહ

આમ તો જૈન ધર્મમાં કઠિન અને ઉગ્ર તપસ્યાઓની કોઈ નવાઈ નથી. વિશ્વના તમામ ધર્મો કરતાં જૈન ધર્મની તપસ્યાઓ અત્યંત કઠિન અને છતાં શ્રદ્ધાસમૃદ્ધ છે. જૈન ધર્મમાં માત્ર એક જ દિવસનો ઉપવાસ કરવાનો હોય તો એ ઉપવાસ પણ માત્ર ચોવીસ કલાકનો નથી હોતો, આગળના દિવસના સૂર્યાસ્તથી શરૃ થયેલો ઉપવાસ પછીના દિવસના સૂર્યોદય પછી પૂર્ણ થતો હોય છે. એટલે કે મિનિમમ ૩૬ કલાકનો ઉપવાસ હોય છે. આ ઉપવાસ દરમિયાન કોઈ પણ પ્રકારનો આહાર લેવાનો હોતો નથી. સવારે ટૂથબ્રશ પણ કરવાનો નહીં! બહુબહુ તો કોગળા કરી શકાય. ઉપવાસ દરમિયાન પાણી વાપરવું હોય તો માત્ર ઉકાળેલું પાણી વાપરવાની છૂટ હોય છે.  કેટલાક લોકો તો પાણી પણ વાપરતા નથી, એટલે કે ચૌવિહારો ઉપવાસ કરતા હોય છે. આ માત્ર એક ઉપવાસની વાત થઈ. આવા સળંગ અનેક ઉપવાસ કરનારા આબાલવૃદ્ધ અનેક તપસ્વીઓ જૈન શાસનમાં છે. એ જ રીતે એક દિવસના ઉપવાસથી લઈને સળંગ એક વર્ષ કે તેથી પણ વધુ સમયની તપ-આરાધનાઓ જૈન ધર્મની આગવી વિશેષતા છે.

આજે અહીં મારે જૈન ધર્મના એક વિરલ અને વિશિષ્ટ તપની વાત કરવી છે. એ તપનું નામ છે ગુણરત્ન સંવત્સર તપ. ભગવાન મહાવીરના સમયમાં તેમના શિષ્ય સ્કંદર્પ મુનિએ આ વ્રત કર્યું હતું. આત્મગુણો ખીલવવા માટે થતું આ કઠિન તપ ત્યાર પછી લગભગ અઢી હજાર વર્ષમાં કદાચ કુલ દસ વ્યક્તિઓ પણ પૂર્ણ રૃપે સંપન્ન કરી શકી નથી! આગમોદ્ધારક આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજની પરંપરામાં, આચાર્યશ્રી દોલતસાગરસૂરીશ્વરજી મહારાજનાં આજ્ઞાંકિની સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજનાં શિષ્યા, સાધ્વીશ્રી ગિરાંશુશ્રીજી મહારાજ અત્યારે સાબરમતી, અમદાવાદમાં ગુણરત્ન સંવત્સર તપની આરાધના કરી રહ્યાં છે. એમની આ તપસ્યા તા.૨૧ ફેબ્રઆરી, ૨૦૧૯થી શરૃ થયેલી છે અને આગામી તા.૧૪ જૂન, ૨૦૨૦ના રોજ પારણા દ્વારા એ સંપન્ન થશે. ૪૮૦ દિવસની આ દીર્ઘ તપસ્યામાં કુલ ૪૦૮ ઉપવાસ અને ૭૨ બેસણા કરવાનાં હોય છે. સાધ્વીશ્રી ગિરાંશુશ્રીજી મહારાજે ગુણરત્ન તપનો પ્રારંભ કર્યો ત્યારે તેમનું વજન ૭૨ કિલો હતું, જે અત્યારે લગભગ ૪૨ કિલો થઈ ગયું છે.

સાધ્વીશ્રી ગિરાંશુશ્રીજી મહારાજ કહે છે કે, ક્યારેક ભાગ્ય આપણી સચ્ચાઈની તથા આપણી ખુમારીની કપરી કસોટી કરે છે. આ મહાન તપ દરમિયાન ૧૧મા મહિનાની પહેલી બારીમાં મારાં ગુરુજી સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજ કાળધર્મ પામ્યાં. ગંભીર અને લાંબી બીમારીને કારણે મારી તપશ્ચર્યા દરમિયાન તેમને ૧૩ વખત હૉસ્પિટલાઈઝ કરવા પડ્યાં હતાં. એમની વૈયાવચ્ચ અને તેમની સારવાર માટે મારે તેમની નિકટ રહીને સૌથી વધુ જવાબદારી નિભાવવાની હતી. અલબત્ત, એમની આ લાંબી બીમારી બીજા અર્થમાં મારા માટે આશીર્વાદ રૃપ બની હતી! કારણ કે એમની બીમારીને કારણે અમારે સાબરમતીમાં સ્થિરવાસ કરવો અનિવાર્ય હતો. મેં વિચાર કર્યો કે ઘણા સમયથી ગુણરત્ન સંવત્સર તપની આરાધના કરવાની મારી ભાવના છે. એ માટે આ સૌથી વિશેષ અનુકૂળ સંયોગ છે, કારણ કે આટલી લાંબી તપશ્ચર્યા વખતે વિહારયાત્રાઓ મુશ્કેલ બને. મેં આ સ્થિરવાસના ‘ઉપાધિયોગ’ને ‘સમાધિયોગ’ તરફ વાળી દીધો. મારા ગુરુજીના કાળધર્મ પ્રસંગે અમારા સમુદાયમાં તથા સંઘના કેટલાક શુભેચ્છકોને એમ લાગ્યું હતું કે, એકલાં પડેલાં આ સાધ્વી હવે ગુણરત્ન સંવત્સર તપની બાકીની આરાધના પૂર્ણ નહીં કરી શકે, પણ એ જ વખતે મને મારાં સ્વર્ગસ્થ ગુરુજીના શબ્દો યાદ આવ્યા કે, ‘ગમે તેવી પરિસ્થિતિમાં પણ તારું આદરેલું આ તપ પૂર્ણ કરજે. તારે એ અધૂરું ન છોડવું જોઈએ.’ એમની એ ભાવનાસભર આજ્ઞા મારું નૈતિક બળ બની ગઈ. મારા દીક્ષાગુરુ આચાર્યશ્રી અશોકસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના શુભ આશીર્વાદ અને પ્રોત્સાહન મારા સાહસની વાટને સતત સંકોરતાં હતાં.

આ પહેલાં, પાલિતાણા તીર્થમાં આચાર્યશ્રી અશોકસાગરસૂરીશ્વરજી મહારાજ પ્રેરિત ૧૦૮ ફીટની આદીશ્વર દાદાની પ્રતિમાના પ્રતિષ્ઠા પ્રસંગે સાધ્વીશ્રી ગિરાંશુશ્રીજી મહારાજે ૧૦૮ ઉપવાસની તપસ્યા કરી હતી. એના પારણાના પ્રસંગે આ.શ્રી હંસરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબે ગુણરત્ન સંવત્સર તપ શરૃ કર્યું હતું. ભગવાન મહાવીરના શાસનકાળની અઢી હજાર કરતાં વધારે વર્ષની પરંપરામાં, વર્તમાનમાં આ કઠોર તપ કરનાર તેઓ કદાચ પ્રથમ તપસ્વી હતા. આ સિવાય આચાર્યશ્રી યશોવર્મસૂરીશ્વરજી મહારાજના એક શિષ્યા સાધ્વીજીએ નવસારી મુકામે અને આ.શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજનાં શિષ્યા એક સાધ્વીજીએ પાલિતાણામાં આ ગુણરત્ન સંવત્સર તપની આરાધના કરી હોવાનું જાણવા મળે છે. તે ઉપરાંત સાગરસમુદાયનાં એક સાધ્વીશ્રી ગુણરત્નાશ્રીજી મહારાજે આ તપની આરાધના શરૃ કરી હતી, પરંતુ તેઓ તપની પૂર્ણાહુતિ થાય તે પૂર્વે જ કાળધર્મ પામ્યાં હતાં.

સાધ્વીશ્રી ગિરાંશુશ્રીજી મહારાજે જણાવ્યું કે કોઈ પણ તપનો ખોરાક જાપ છે. અનેક દોષોથી ભરેલા જીવનને કારણે આત્મા સતત પ્રદૂષિત થાય છે. આત્માને વળગેલા પ્રદૂષણ દૂર કરીને એમાં આધ્યાત્મિક ગુણો પ્રગટાવવા માટે તપ સૌથી મોટું આલંબન છે એમ હું માનું છું. વળી દરેક વ્યક્તિ તપ કરવા માટે સમર્થ નથી હોતી. ક્યારેક વ્યક્તિ સમર્થ હોય, પણ એને સંજોગોની અનુકૂળતા નથી મળતી. અનેક પ્રકારની અનુકૂળતાઓ સાથે મળે ત્યારે આવા તપની આરાધના સંપન્ન થઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું કે સામાન્ય રીતે પરંપરા અનુસાર ગુણરત્ન સંવત્સર તપની આરાધના બીજ કે અગિયારસના દિવસથી શરૃ કરવા વડીલો આગ્રહ રાખે છે, પરંતુ એવો કોઈ સ્પષ્ટ નિયમ નથી. આ વ્રત કોઈ પણ દિવસથી શરૃ કરી શકાય છે. વધુમાં તેમણે એમ પણ જણાવ્યું કે મને મારા કોઈ કઠિન તપના પારણા પ્રસંગે ઉછામણી-ચઢાવા બોલાવીને આર્થિક ઉપાર્જન કરવાનું બિલકુલ પસંદ નથી. હું તપસ્યાના પારણા નિમિત્તે તપસ્યા કરવાના ચઢાવા બોલવા સિવાય બીજી કોઈ અનુમતિ આપતી નથી. એક પ્રશ્નના જવાબમાં સાધ્વીશ્રીએ કહ્યું કે હવે ભવિષ્યમાં ૧૮૦ ઉપવાસ કરવાની તથા સળંગ વીસસ્થાનક તપ કરવાની ભાવના છે. અત્યાર સુધીમાં તેમણે ૮૯ ઓળી કરી છે અને ૧૦૦ ઓળી પૂર્ણ કરવાની પણ તેમની ભાવના છે. ગુણરત્ન સંવત્સર તપ ફરીથી કરવાની તક મળે તો તમે કરશો? એવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, હા… હા… એક-બે વખત નહીં, પણ અનેક વખત આ તપ કરવાની મારી ભાવના છે!

Related Posts
1 of 319

લગભગ અઢી હજાર વર્ષના ઇતિહાસમાં કુલ દસ વ્યક્તિ પણ જે તપ પૂર્ણ કરી શકી નથી, એવું કઠિન તપ સંપન્ન થવા આવ્યું છે ત્યારે તપસ્વી સાધ્વીશ્રી ગિરાંશુશ્રીજી મહારાજને અત્યારે હર્ષોલ્લાસનો અનુભવ થવો સ્વાભાવિક છે. એમના ૨૨ વર્ષના સંયમજીવન દરમિયાન આવા હર્ષોલ્લાસની અન્ય કેવીકેવી ઘટનાઓ બની છે, એવા સવાલના જવાબમાં એમણે જણાવ્યું કે, આમ તો મને સંયમજીવન મળ્યું એ જ મારા જીવનની પરમ હર્ષોલ્લાસની ઘટના છે. દીક્ષા પછી મને લગભગ સાડા પાંચ વર્ષ સુધી મારાં ગુરુ સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજની સેવા કરવાનો ઉત્તમ સંયોગ મળ્યો એનો હર્ષ અપાર છે. એ જ રીતે મારા આયોજનમાં ઉન્હેલ-નાગદા (મધ્યપ્રદેશ)થી ઉન્હેલ-નાગેશ્વર (રાજસ્થાન)ના છ’રિ પાલિત સંઘયાત્રાનું

ઉત્કૃષ્ટ આયોજન થયું હતું, એ પણ મારા જીવનની સુખદ સિદ્ધિ હું માનું છું. એ યાત્રામાં ૫૦૪ યાત્રિકો અને ૨૪૦ વ્યક્તિઓનો સ્ટાફ સાથે હતો. પાલિતાણામાં ૧૦૮ ઉપવાસની તપસ્યા દરમિયાન એક વખત શત્રુંજય પર જિનાલયના મૂળનાયક આદીશ્વર દાદાની પ્રતિમાના ખોળામાં સ્પર્શનાપૂર્વક મસ્તક નમાવવાનો અવસર મળ્યો હતો, એક ક્ષણ પણ મારા જીવનની ધન્ય ક્ષણ મને લાગે છે.

જૈન સાધુ-સાધ્વીજી મહારાજે ચાતુર્માસ સ્થિરતા સિવાય સામાન્ય રીતે સતત વિહારયાત્રાઓ કરવાની હોય છે. એટલે સાધ્વીશ્રી ગિરાંશુશ્રીજી મહારાજે તેમના સંયમજીવનમાં સૌથી લાંબી વિહારયાત્રા કેટલા કિલોમીટરની કરી છે એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, તેઓ નાગેશ્વર તીર્થ (રાજસ્થાન)માં હતાં અને તેમના ગુરુવર આચાર્યશ્રી અશોકસાગરસૂરીશ્વરજી મહારાજની સાબરમતીમાં તબિયત બગડી હતી, ત્યારે એમનાં રૃબરૃ દર્શન કરીને શાતા પૂછવા માટે તેમણે ઉગ્ર વિહાર કરીને અમદાવાદ આવવાનું શરૃ કર્યું હતું. એ વખતે એક જ દિવસમાં ૪૨ કિલોમીટરની પદયાત્રા કરી હતી.

સાધ્વીશ્રી ગિરાંશુશ્રીજી મહારાજને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં જૈન ધર્મ વિષયક વિવિધ કાર્યો સંપન્ન કરવા બદલ ‘પ્રવચન શિરોમણિ પદ અલંકરણ’ અને ‘ક્રાંતિકારી સાધ્વી પદ અલંકરણ’ એનાયત થયેલાં છે.

સાધ્વીશ્રી ગિરાંશુશ્રીજી મહારાજને રૃબરૃ મળીને આ બધી વિગતો જાણવા માટે હું સાબરમતી ગયો હતો ત્યારે ત્યાં ઉપસ્થિત હર્ષદભાઈ શાહ, તેમનાં જીવનસંગિની પારૃલબહેન શાહ, અરવિંદભાઈ દલાલ અને કાનનબહેન વગેરેએ સાધ્વીશ્રી ગિરાંશુશ્રીજી મહારાજ પ્રત્યે અનન્ય આસ્થાભાવ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આ સાધ્વીજી મહારાજ અમારા માટે તો જીવતો-જાગતો ચમત્કાર જ છે. તેઓ અમારી પરમ શ્રદ્ધાના શિખર પર બિરાજમાન છે. તેમની આ કઠિન તેમ જ દીર્ઘ તપસ્યાની અમે હૃદયપૂર્વક વંદના અને અનુમોદના કરીએ છીએ.

વૈરાગ્યપાવર, વુમનપાવર અને વિલપાવરના ત્રિવેણીસંગમ રૃપ તપસ્વી સાધ્વીશ્રી ગિરાંશુશ્રીજી મહારાજને આપણે પણ બિરદાવીએ.
—————–

Leave A Reply

Your email address will not be published.

Translate »