તમારા માટે, તમારી સાથે, સતત…

મુખ્યમંત્રીની ખુરસી જશે અને બદનામી પણ વહોરવી પડશે…

દસ્તાવેજો કોઈએ ચોર્યા હોય એવું મને તો લાગતું નથી.

0 204

નવલિકા  – ટીના દોશી

પટારો

મુખ્યમંત્રી દેવદત્ત દેસાઈનું વ્યક્તિત્વ કોઈનેય આંજી નાખે એવું તો હતું જ. મહેનત, ધગશ અને લગનથી સૌથી નાની ઉંમરે મોટો હોદ્દો મળેલો. એ પદને એ લાયક પણ હતા જ એમાં બેમત નહીં. દૂરનું ભાળે. દીર્ઘદૃષ્ટા. ખંતીલા. પારદર્શક અને પ્રભાવશાળી પ્રતિભા. જાજરમાન વ્યક્તિત્વ. મોહક ચહેરો. આકર્ષક દેખાવ. વાન ઊજળો  ન કહી શકાય, પણ ઘઉંવર્ણા. માથે ઘટાદાર કાળા ચમકતા વાળ. તીક્ષ્ણ ‘ને ધારદાર આંખો. સામી વ્યક્તિને આરપાર જોવાની કાબેલિયત. કોઈને એમની નજરમાં કુમાશ દેખાતી, તો કોઈને કરડાકી. હોઠ પર રમતું સ્મિત. જીવનમાં અનેક ઉતારચડાવ અને તડકી છાયડીમાંથી પસાર થયેલા. કુશળ વહીવટર્તા હતા એમાં શંકાને સ્થાન નહીં. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવાની એમની કુનેહ કાબિલે તારીફ હતી. વિકટ સમયમાં પણ ધૈર્ય અને સંયમથી કામ લે. એમની કોઠાસૂઝને દાદ દેવી પડે.  રાજકારણના આટાપાટા હોય, વિપક્ષના આકરા સવાલો હોય કે રાજ્યમાં ઊભી થયેલી ગૂંચવણ, દરેકના ઉકેલની ગજબની સૂઝબૂઝ. આફતને અવસરમાં પલટવાની અજબની ક્ષમતા હતી એમનામાં.

પણ અત્યારે જે આફત માથે આવી પડી હતી એને અવસરમાં પલટવાનું શક્ય જ નહોતું. જો રસ્તો નહીં મળે તો ખુરસી જાય એમ હતું. કોઈ સૂઝબૂઝ કામે લાગતી નહોતી. કોઠાસૂઝ શોધી જડતી નહોતી. મગજ બહેર મારી ગયેલું. બુદ્ધિએ કમાડ બંધ કરી દીધેલાં.  દિમાગના દરવાજે તાળાં લાગી ગયેલાં. ધૈર્ય અને સંયમે હાથ ઊંચા કરી દીધેલા. દેવદત્ત દેસાઈ પોતાના નિવાસસ્થાનમાં  હાથ પાછળ રાખીને આંટાફેરા કરી રહ્યા હતા. આમથી તેમ અને તેમથી આમ. ચહેરા પર ચિંતાની લકીરો ખેંચાયેલી. મનમાં રહીરહીને એક જ પ્રશ્ન ઊઠતો હતો ઃ આખરે ક્યાં ગયા એ દસ્તાવેજો?

આ જ સવાલ મુખ્યમંત્રીને મૂંઝવતો હતો. દસ્તાવેજો અત્યંત મહત્ત્વના હતા અને હવે એ ગુમ થઈ ગયેલા. એનું મળવું અતિ આવશ્યક હતું. જો નહીં મળે તો… મુખ્યમંત્રીએ કડવો વિચાર મનમાં પ્રવેશવા ન દીધો, પણ હકીકત એ હતી કે પોતે સત્તા ગુમાવવી પડશે. વસવસો એ બાબતનો હતો કે આ વાત કોઈને કહેવાય એમ નહોતી.સહેવાય એમ પણ નહોતી. હા કહે તો હાથ કપાય અને ના કહે તો નાક કપાય. કારણ કે એ દસ્તાવેજો મહત્ત્વના હોવાની સાથે ગુપ્ત પણ હતા. કોઈને કહેવાનું જોખમ ખેડી શકાય એમ નહોતું. એમ કરવાથી પોતાની નામોશી થાય અને પોતાના પક્ષની નાલેશી!

આ પરિસ્થિતિમાં કોની પાસેથી સહાય માગવી એનો વિચાર કરતા-કરતા એમના મનમાં એક પછી એક એમ અનેક નામ ઊગ્યા ‘ને આથમ્યા. એમને એક નામ સૂઝ્યું. ઇન્સ્પેક્ટર કરણ બક્ષી! વિચાર્યું ઃ આ કરણ તેજસ્વી ‘ને તરવરિયો છે. બુદ્ધિશાળી ‘ને બાહોશ. અઠવાડિયા પહેલાં જ પોલીસના એક મેળાવડામાં મળેલો. પોલીસ કમિશનર શિવકુમારે પણ એના ખૂબ વખાણ કરેલા. મારા જેવાનેય એણે પ્રભાવિત કરેલો. એને અજમાવી જોઉં. મને લાગે છે એ મને નિરાશ નહીં કરે…!

સમગ્ર પ્રકરણમાં બીજા કોઈને સામેલ કરાય એમ નહોતું, એટલે દેવદત્ત દેસાઈએ ખુદ કરણ બક્ષીને ફોન જોડ્યો. પહેલી ઘંટડી પૂરી થાય એ પહેલાં જ કરણે ફોન ઉપાડી લીધો. સામેથી મુખ્યમંત્રીનો વ્યાકુળ અવાજ સંભળાયો ઃ ‘કરણ, હું દેવદત્ત દેસાઈ… એક અગત્યનું કામ છે. હમણા જ મારે ઘેર આવી જા અને હા, પોલીસ ડ્રેસમાં નહીં આવતો. સિવિલ ડ્રેસમાં..’

કરણ બક્ષીએ તરત જ જીપ મારી મૂકી. પચીસ મિનિટમાં મુખ્યમંત્રી નિવાસે. દેવદત્ત દેસાઈ સ્વયં વરંડામાં ઊભા રહીને એની પ્રતીક્ષા કરી રહ્યા હતા. ઔપચારિકતાઓમાં સમય વેડફવાને બદલે એ કરણનો હાથ પકડીને અંદર લઈ ગયા. વરંડો વટાવીએ એટલે એક લાંબો પહોળો પેસેજ આવે. પેસેજની બે બાજુ હરિયાળી. નાનકડો બગીચો. ફૂલછોડથી હર્યોભર્યો. વરંડાથી આ પેસેજ સુધી ઠેર-ઠેર સુરક્ષાકર્મીઓ ખડેપગે તહેનાત હતા. પેસેજ ઓળંગીએ એટલે ડાબી બાજુ ત્રણ ચાર કક્ષ દેખાય. થોડે આગળ જઈને જમણી બાજુના વળાંકે એક માળનો બેઠા ઘાટનો બંગલો. એ જ મુખ્ય આવાસ હતો મુખ્યમંત્રીનો. અહીં પણ સુરક્ષા ચોકિયાતો સાવધાન મુદ્રામાં હતા. એમની સલામી ઝીલીને, દેવદત્ત કરણને લઈને બંગલામાં દાખલ થયા. નાનકડું આંગણુ વટાવીને જમણી બાજુ જઈએ તો ઘરમાંથી સંચાલિત થતું મુખ્યમંત્રીનું કાર્યાલય આવે અને ડાબી બાજુના પહેલા ખંડમાં અલાયદી બેઠક. ખાસ મંત્રણાઓ માટેની.

દેવદત્ત દેસાઈ કરણને આ મંત્રણાકક્ષમાં લઈ ગયા. બંનેએ સુંવાળા સોફામાં બેઠક લીધી. દેવદત્ત સીધા મુદ્દા પર જ આવી ગયા ઃ ‘કરણ, આમ તો કોઈને કાંઈ કહેવાય એવું નથી. અત્યંત ખાનગી રાખવી પડે એવી આ વાત છે. એટલે જ તને બોલાવવો પડ્યો છે. સમજાય છે તને?’

‘જી સર..’ કરણ વિવેકપૂર્વક બોલ્યો ઃ ધ્આપે ખુદ ફોન કર્યો એટલે મને ખ્યાલ આવી ગયેલો કે જરૃર કોઈ ગંભીર ઘટના બની છે. આપ કહો, મારા માટે શું આદેશ છે?’

‘વાત એમ છે કે…’ દેવદત્ત હજુ કહેવું કે ન કહેવું એની ગડમથલમાં હતા. થોડી અવઢવ પછી લમણે હાથ ટેકવીને બોલ્યા ઃ ‘રાજ્યની સરહદના સંરક્ષણ સાથે જોડાયેલા અત્યંત ગુપ્ત દસ્તાવેજો મને મોકલવામાં આવેલા. મારે એનો અભ્યાસ કરીને બે દિવસમાં પાછા મોકલવાના હતા. વાત સમજાય છે ને તને?’

‘જી સર..’ કરણે માથું ધુણાવ્યું.

‘મેં એ દસ્તાવેજોનો અભ્યાસ કરી લીધો, પણ રાત પડી ગયેલી એટલે સાવચેતી ખાતર એને ઑફિસમાં ન રાખતાં હું ઘેર લઈ આવ્યો અને એક જૂના પટારામાં મૂકી દીધા.’ કહીને દેવદત્તે મંત્રણાકક્ષની જમણી બાજુની દીવાલ પર એક જગ્યાએ નરી નજરે દેખાય પણ નહીં એટલું સૂક્ષ્મ બટન દબાવ્યું. સરરર કરતું દ્વાર ખૂલી ગયું. કરણને સમજાઈ ગયું કે આ ભેદી પ્રવેશદ્વાર છે! બહાર બેઠા હો ત્યારે ખબર પણ ન પડે કે મંત્રણાકક્ષની અંદર એક છૂપો કમરો છે. વિશાળ  કક્ષમાં દેવદત્ત અને કરણ દાખલ થયા. અહીં ત્રણ દીવાલસરસા સાગના લાકડાના બનેલા કેબિનેટ હતા. એક ગોળાકાર મેજ અને ફરતે થોડીક ખુરસીઓ. અને ડાબા ખૂણામાં પિત્તળનો પટારો. અસલના વખતનો આકર્ષક કોતરણી કરેલો  એ પટારો ત્રણેક ફૂટ લાંબો અને એટલો જ પહોળો હતો.

‘આ પટારો મારી દાદીમાની નિશાની છે…’ કહીને કરણના મનોભાવ વાંચી લીધા હોય એમ દેવદત્ત બોલ્યા ઃ ‘આમ તો મારા બીજા કક્ષમાં આ પટારો પડ્યો રહે છે, પણ ત્યાં થોડું રંગરોગાનનું કામ ચાલતું હતું એથી આ પટારો મેં અહીં મુકાવ્યો. પહેલાં તો ખાલી એમ જ પડ્યો રહેતો. એમાં ખાસ કાંઈ છે પણ નહીં. માત્ર થોડી જૂની યાદો સંઘરીને બેઠો છે આ પટારો. જૂની તસવીરો, થોડાં કપડાં ને એવો જ ખાસ કામનો ન કહી શકાય એવો સામાન.. બીજાને મન પટારાની  ખાસ કિંમત નથી, પણ મારા માટે મૂલ્યવાન છે.’ કહીને દેવદત્ત મૂળ મુદ્દા પર આવી ગયાઃ ‘પેલા ગુપ્ત દસ્તાવેજો વાદળી રંગના  કવરમાં સીલબંધ કરીને મેં આ પટારામાં મૂકેલા. તાળું પણ મારેલું. મને એમ કે કોને ખબર પડવાની છે! જૂનો પટારો કોણ ખોલે? પણ સવારે જોયું તો દસ્તાવેજો ગાયબ. તાળું પણ તોડવામાં આવ્યું નથી. એટલે કોઈએ પટારો ખોલ્યો છે અને એ લઈ ગયું છે. જો એ દસ્તાવેજો કોઈ ખોટા હાથમાં જશે તો પાડોશી દેશો સાથે યુદ્ધ ફાટી નીકળતાં વાર નહીં લાગે. મારે આવતી કાલે સવારે એ દસ્તાવેજો પરત મોકલવાના છે, એટલે…’

‘એટલે મારી પાસે પૂરા ચોવીસ કલાક પણ નથી..’ કરણે આમ કહીને પૂછ્યું ઃ ‘તમને ખાતરી છે કે દસ્તાવેજો આ પટારામાં મૂકેલા એ વિશે કોઈ નહોતું જાણતું?’

‘હા, હા, મેં મિરાતને …મિરાત એટલે મારી પત્ની. મેં એને પણ નહોતું કહ્યું.’ દેવદત્તે કહ્યુંઃ ‘હું માનું છું કે આ દસ્તાવેજો અંગે કોઈ જાણતું નહોતું.’

કરણઃ ‘આ પટારાની ચાવી કોની કોની પાસે રહે છે?’

દેવદત્તઃ ‘ચાવી તો એક મારી પાસે, બીજી  મિરાત પાસે અને હા, એક માસ્ટર કીનો ઝૂડો છે, એમાં પણ રહે છે. એ ઝૂમખો ચાવીઓ મૂકવાની ખીંટીમાં લટકાવવામાં આવે છે.’

કરણ ઃ ‘આપને કોઈના પર શંકા કે એવું …’

Related Posts
1 of 255

દેવદત્ત ઃ ‘ના. કોઈ આ દસ્તાવેજો અંગે જાણતું જ નથી. તો શંકા કોના પર કરું?’

‘ભલે, હું તપાસ કરું છું.’ કહીને કરણ બહાર નીકળ્યો. કોઈની પૂછપરછ તો કરી શકાય એમ નહોતું. જીપમાં સવાર થયો ‘ને પોલીસ સ્ટેશન પહોંચ્યો. હજુ બધાંને આવવાની વાર હતી. એણે ખુરસીમાં  જમાવ્યું. એટલામાં એક ઘૂઘરી રણકી હોય એવો મંજુલ સ્વર સંભળાયો ઃ ‘કરણ, હું મિરાત..મિરાત દેવદત્ત દેસાઈ.!’ કરણ જોઈ રહ્યો. મિરાત ખૂબસૂરત હતી. લંબગોળ ભાવુક ચહેરો. લાંબા સુંવાળા કેશ. ભોળી આંખોમાં માસૂમિયત. લાલલીલી કિનારીવાળી શ્વેત સાડીમાં સુંદર લાગતી હતી. એ પૂછી રહી હતી ઃ ‘તમે અત્યારમાં ઘેર આવેલા એટલે કંઈ અજુગતું તો નથી બન્યું ને?’

‘સોરી મેડમ, હું કંઈ કહી શકું એમ નથી.’ કરણે વિનયથી કહ્યું. એટલે મિરાત ગંભીર બનીને બોલી ઃ ‘પેલા વાદળી કવરનું તો કાંઈ નથી ને?’

કરણ તાજુબીથી જોઈ રહ્યો ઃ ‘તમે એના વિશે જાણો છો?’

મિરાત ઃ ‘હા, હું જાણું છું. તમે મને એટલું જ કહો કે એ કવર ગુમ થવાથી મારા પતિને કાંઈ મુશ્કેલી તો નહીં પડે ને?’

‘મુશ્કેલી તો બહુ મોટી પડશે.’ કરણે કહ્યું ઃ ‘મુખ્યમંત્રીની ખુરસી જશે અને બદનામી પણ વહોરવી પડશે. એટલે સારું એ જ રહેશે કે તમે જે કાંઈ જાણતા હોય એ કહી દો.’

મિરાત નીચું જોઈને બેસી રહી. એનો રૃપાળો ચહેરો ફિક્કો અને નિસ્તેજ થઈ ગયેલો. રાતભર ઊંઘી નહીં હોય. એ વિમાસણમાં હતી કે શું કહેવું ને શું ન કહેવું. કરણે પાણીનો ગ્લાસ ધર્યો. મિરાતે એક ઘૂંટડો ભર્યો. પછી સ્વસ્થ થઈ. હોઠ ભીડ્યા. પછી મક્કમ થઈને બોલી ઃ ‘હું દેવદત્તને ખૂબ ચાહું છું. મારો જીવ દઈને પણ એમનું ભલું થતું હોય તો હું પ્રાણ આપવા તૈયાર છું, પણ એમ કરવાથી સંકટ ટળવાનું નથી. બલ્કે દેવદત્તની મુશ્કેલીઓ વધવાની જ છે. એટલે નાછૂટકે મારે એ કવર એને સોંપવું પડ્યું.’ મિરાત મૌન થઈ ગઈ, પણ કરણ બક્ષી શાંત રહ્યો. મિરાત પોતે જ ખૂલીને બોલે એ વધુ સારું!

‘એનું નામ સારંગ…’ મિરાતે ફરી પાણીનો ઘૂંટ પીધો. પછી  બોલી ઃ ‘કૉલેજના દિવસોની મારી ભૂલ એટલે સારંગ. મને એની સચ્ચાઈની ખબર પડી એટલે મેં એને છોડી દીધો. પછી એની સાથે કોઈ સંપર્ક નહોતો, પણ બે દિવસ પહેલાં અચાનક એનો ફોન આવ્યો. મને કહે કે તેં તો મીર માર્યો હોં. મુખ્યમંત્રીને પરણી ગઈ ને. હવે સાંભળ. તારા વર પાસે એક વાદળી કવર આવ્યું હશે. એ મને સોંપી દેજે નહીંતર…’ મિરાત વળી ચૂપ થઈ ગઈ. બોલીને થાકી, હાંફી ગઈ

હોય એમ શ્વાસ લીધો. ફરી બોલવાનું શરૃ કર્યું ઃ

‘સારંગની ધમકીથી હું ગભરાઈ ગઈ. એ ભસતો નહીં, કરડતો કૂતરો છે. બોલેલું પાળે એવો છે. શું કરું એ સમજાતું નહોતું. કોઈને કંઈ કહી શકાય એમ નહોતું. દેવદત્તને તો નહીં જ. મારી એક ભૂલને કારણે દેવદત્ત પર આંચ ન આવે એ હેતુથી મેં આપઘાત કરવાનું વિચાર્યું, પણ સારંગે કહેલું કે એ મારા લખેલા પ્રેમપત્રો અને અમારી તસવીરો વિપક્ષને સોંપી દેશે અને મીડિયામાં પણ જાહેર કરી દેશે. મારી આબરૃના લીરેલીરા થાય એનો મને વાંધો નહોતો, પણ દેવદત્તની પ્રતિષ્ઠાનું શું? એથી મેં દેવદત્તને ખબર ન પડે એમ એની પળેપળનો હિસાબ મેળવ્યો. ગઈ કાલે રાત્રે મેં દેવદત્તને પેલું કવર પટારામાં મૂકતા જોયો. એ બહાર નીકળ્યો એટલે મેં પટારો ખોલ્યો. મારી પાસે ચાવી તો હતી જ. કવર લીધું અને સારંગને આપી દીધું. હે ભગવાન, મેં આ શું કરી નાંખ્યું? હવે દેવદત્ત..પેલું કવર કઈ રીતે પાછું આવશે!’

‘તમે ચિંતા ન કરો..’ કરણ બોલ્યો ઃ ‘સારંગનો ફોન નંબર આપજોને જરા.. અને હા, આજે સાંજે પાંચ વાગ્યે ફરી આવજોને જરા.’

મિરાતની આંખોમાં ચમક આવી. આશા બંધાણી. એ ગઈ અને સાંજે પાંચ વાગે પાછી આવી. દરમિયાનમાં કરણે સારંગને સારો એવો પોલીસ પ્રસાદ ચખાડીને વાદળી કવર અને પેલા પુરાવાસમાં પ્રેમપત્રો અને ફોટા મેળવી લીધેલા. બેય વસ્તુ મિરાતને સોંપી. પછી કહ્યું ઃ ‘લ્યો તમારી થાપણ. તમે આ કવર પાછું પેલા પટારામાં મૂકી દેજો. મોડેથી હું સીએમ સાહેબને મળવા આવીશ.’ મિરાતે પ્રેમપત્રો અને ફોટા ત્યાં જ સળગાવી દીધા. પછી કરણનો આભાર માનીને કવર લઈને ચાલી નીકળી. એની ચાલમાં આત્મવિશ્વાસ છલકાતો હતો!

મોડેથી કરણ મુખ્યમંત્રી નિવાસે ગયો. દેવદત્ત દેસાઈ એની કાગડોળે રાહ જોતા બેઠેલા. કરણને જોઈને ઊભા થઈ ગયા ઃ ‘કંઈ ખબર પડી?’

‘સર, મેં બધે જ તપાસ કરી લીધી છે. દસ્તાવેજો કોઈએ ચોર્યા હોય એવું મને તો લાગતું નથી. જો કોઈએ ચોર્યા હોય તો અત્યાર સુધી એ સોનાની લગડી જેવા દસ્તાવેજો વેચાઈ ગયા હોય, પણ મારી પાસે પાકી બાતમી છે કે જે ટોળકી આ પ્રકારના કામ કરે છે તેમાંથી કોઈની પાસે એ દસ્તાવેજો નથી. તેમ જ દસ્તાવેજો રાજ્યની સરહદથી બહાર પણ ગયા  નથી…’

‘તો ક્યાં ગયા એ દસ્તાવેજો? પટારામાં તો નથી…’ દેવદત્ત દેસાઈ અકળાઈ ગયા. નજર સામે પોતાની ખુરસી ગબડતી  દેખાઈ. બદનામીનાં બેનર દેખાયાં અને હાય હાયના નારા સંભળાયા.

‘સર, ઘણો વિચાર કર્યા પછી હું એ તારણ પર પહોંચ્યો છું કે  દસ્તાવેજો બહાર ગયા જ નથી.’ કરણે હળવેકથી કહ્યું ઃ ‘એ કવર તમારા પટારામાં જ હોવું જોઈએ. ફરી એક વાર પટારાની તલાશી લઈ લ્યો ને!’

‘શું નાખી દેવા જેવી વાત કરે છે? કેટલી વાર તો તલાશી લીધી, મને લાગે છે કે તને કેસ સોંપીને મેં મૂર્ખામી કરી.’ દેવદત્તનું મગજ તપી ગયું. છતાં એમણે પટારો ઉઘાડ્યો. ‘લે તું પણ જોઈ લે..ક્યાં છે કવર?’ પણ બોલતાં બોલતાં અટકી ગયા. આ તો ખરેખર કમાલ થઈ ગઈ. ચમત્કાર જ કહેવાય! પટારામાં ઉપર જ પેલું વાદળી કવર પડેલું. જેવું પોતે મૂકેલું એવું જ, સીલબંધ.!’

દેવદત્તની ખુશીનો પાર ન રહ્યો. પોતે જે જુએ છે એ સાચું છે એ કેમે કરીને એમના માનવામાં આવતું નહોતું, પણ અગાઉ આ કવર ત્યાં નહોતું એ નક્કી. જો હોત તો પળોજણ શાની કરવી પડે! સામે ઊભેલો જુવાન હીરો છે હીરો. કોહિનૂર હીરો! એ હેતાળવા સ્વરે બોલ્યા ઃ ‘કરણ…સાચું કહે, તેં જ કોઈક  કરામત કરી છે ને!’

‘ના, સર…’ કરણ બોલ્યો ઃ ‘કવર ક્યાંય બહાર ગયું નહોતું. બીજા દેશ માટે જાસૂસી કરનારા શકમંદોની તપાસ પણ કરી લીધેલી. એમના સિવાય કોઈને આ કવર ખપ લાગે એવું નહોતું. એટલે મને વિચાર આવ્યો કે ખરેખર કવર ગુમ થયું જ નહોતું. જો ગુમ થયું ન હોય તો ક્યાં હોય? જ્યાં મૂક્યું હોય ત્યાં જ હોય! એટલે મેં એક સામાન્ય સિદ્ધાંત પર અમલ કર્યો. સર્વસામાન્ય નિયમ એવો છે કે જો કોઈ ચીજ ખોવાઈ જાય તો તપાસની શરૃઆત ત્યાંથી જ કરવી જોઈએ જ્યાંથી એ ખોવાઈ હોય મેં એ જ કર્યું અને જુઓ, કવર ત્યાંથી જ મળ્યું, જ્યાંથી ખોવાયેલું!’ કહીને કરણે રજા લીધી, ત્યારે દેવદત્તની આંખમાં આશ્ચર્ય હતું, એમનાથી થોડી પાછળ ઊભેલી મિરાતની આંખમાં આભાર અને કરણના હોઠે રહસ્યમય સ્મિત..!

Leave A Reply

Your email address will not be published.

Translate »