તમારા માટે, તમારી સાથે, સતત…

ઇવાનું કુલદીપે વિસર્જન કરી નાખ્યું એટલે હુમલો અટકી ગયો…

આતંકવાદી કાવતરાઓ પકડવા, રોકવા વગેરે કામ સરકારનું છે.

0 157
  • નીલમ દોશી   હરીશ થાનકી

‘એક અધૂરી વાર્તા’ નવલકથા – પ્રકરણ-૧૮

વહી ગયેલી વાર્તા

 દેશના અગ્રગણ્ય વિજ્ઞાની ડૉ. કુલદીપ આબેહૂબ માનવ જેવી ઇવા રૉબોટનું સર્જન કરે છે. ઇવાને લાગે છે કે કુલદીપ તેના પ્રેમમાં છે. ઇવાના મનમાં પણ કુલદીપ માટે પ્રેમના અંકુર ફૂટે છે. કુલદીપ ઇવાના પ્રેમને નકારી દે છે તેથી ઇવા તેને છોડીને ચાલી જાય છે. ઇવા ઉશ્કેરાઈને ગેરકાનૂની કામ કરતા આરીફ નામના માણસના સંપર્કમાં આવે છે. આરીફ ઇવાના નામે નકલી દવાનો બિઝનેસ શરૃ કરે છે. આરીફ અને તેના સાગરીતો ઇવાનું અપહરણ કરી તેની પાસે બોમ્બ વિસ્ફોટ કરાવવાનું કાવતરું ઘડે છે. ડૉ. કુલદીપ ડૉ. રંગનાથનની મદદથી ઇવાના સોફ્ટવેર દ્વારા ઇવાના મનના વિચારો જાણે છે. કુલદીપ ઇવાના સિસ્ટમને ડિફ્યુઝ કરી દે છે. ડૉ. કુલદીપ ઘણા દિવસો બાદ ઑફિસ જાય છે. મન હળવું કરવા કુલદીપ તેની સેક્રેટરી આયના સાથે ડિનર પર જાય છે. બીજી બાજુ ઝાયેદ નામનો શખ્સ મુંબઈ પહોંચે છે. ઝાયેદ મોના નામની યુવતીને મળે છે. મોના રાજેન વકીલ નામની વ્યક્તિને પ્રેમ કરે છે. રાજેન ગુપ્ત રીતે આતંકવાદીઓની માહિતી એકઠી કરી ઇન્ટેલિજન્સ બ્યુરોને આપવાનું કામ કરતો હોય છે. મોના રાજેનને તેના આ કામમાં સાથ આપે છે. રાજેન અને મોના વચ્ચે ઝાયેદને લઈને વાત થાય છે. મોેના ઝાયેદની રાહ જુએ છે, પણ ઝાયેદ બોમ્બ વિસ્ફોટ કરવાના કાવતરાના પ્લાનિંગમાં વ્યસ્ત હોય છે. ઝાયેદ બોમ્બ વિસ્ફોટ માટે મોનાનો ઉપયોગ કરવાનું નક્કી કરે છે. આ તરફ કુલદીપ આયનાને ઇવાના સર્જન અને વિસર્જનની વાત કરે છે. આ વાતની જાણ થતાં આયના કુલદીપને સાંત્વના આપે છે સાથે જ આતંકવાદીઓના ષડયંત્રને રોકવા માટે પ્રયત્ન કરવાનું કહે છે. જો પોલીસમાં સીધી માહિતી આપવા જાય તો ડૉ.કુલદીપ અને આયનાની કોઈ વાત તેઓ ન માને તેથી તેઓ મોનાની મદદ લે છે. મોના કુલદીપ અને આયનાની ઓળખાણ રાજેન સાથે કરાવે છે. કુલદીપ અને આયના રાજેનને ઇવા અને આતંકવાદી કાવતરાની વાત કરે છે. રાજેનને તેમની વાત સાંભળી થોડો ઝટકો લાગે છે, પણ તે કુલદીપને વધુ માહિતી લાવી આપવાનું સૂચન કરે છે. બીજી બાજુ રાજેન જે ગ્રૂપ સાથે સંકળાયેલો હોય છે તેના વડા કામ્બલી રાજેનને અમદાવાદમાં આતંકવાદીઓ બોમ્બ વિસ્ફોટ કરવાનું કાવતરું ઘડી રહ્યા હોવાની વાત કરે છે. ઝાયેદ પણ મોનાને બોમ્બ વિસ્ફોટમાં મદદ કરવાની વાત કરે છે.  – હવે આગળ વાંચો…

પણ..ઝાયેદ મોનાને અત્યારથી જ આખો પ્લાન કહી દે તેવો મૂર્ખ નહોતો. એ આતંકવાદી ગ્રૂપનો એક તાલીમબદ્ધ નેતા હતો. અત્યાર સુધી એ અનેક ખોફનાક કામોને અંજામ આપી ચૂક્યો હતો. આ પ્રકારની પ્રવૃત્તિમાં ગુપ્તતાનું મહત્ત્વ કેટલું હોય છે એનો તેને બરાબર ખ્યાલ હતો. જ્યાં સુધી કામની તારીખ નક્કી ન થાય ત્યાં સુધી મોનાને કશું જ કહેવાની જરૃર નહોતી  અને કામ પતી ગયા પછી મોનાનો કઈ રીતે નિકાલ કરવો એ પણ તેણે વિચારવાનું બાકી હતું.

‘શું વિચારમાં પડી ગયા સરકાર? મને વાત કરવી કે ન કરવી એનો વિચાર ચાલુ છે? મારા આટલા સમર્પણ પછી પણ તને મારા પર વિશ્વાસ નથી? જો વાત ન કરવી હોય તો મને કશું જાણવામાં પણ રસ નથી. હું તો ફક્ત તારા કામમાં મદદ કરી તારું ટેન્શન ઓછું કરવાનો પ્રયત્ન કરતી હતી, પણ તને જો હજુયે આશંકા હોય તો..’

ખોટું લાગ્યું હોય તેમ મોનાએ થોડી રીસથી કહ્યું.

‘અરે, મેરી જાન, તને તો ખરાબ લાગી ગયું? તારા પર વિશ્વાસ ન હોય એવું બને ખરું? પણ સાચી વાત એ છે કે હજુ મને પણ પૂરી વાતની ખબર નથી. હું જ્યાં સુધી એ કામ હાથ પર લેવાનું પ્રોમિસ ન આપું ત્યાં સુધી એ લોકો મને એમનો પ્લાન ન કહે તે સ્વાભાવિક છે. છેલ્લે વાત થઈ ત્યારે એમની વાતનો અર્થ એટલો સમજાયો કે એ કામને અંજામ આપવા માટે મારી સાથે કોઈ ચપળ અને બહાદુર યુવતીનું હોવું જરૃરી છે. તું જ કહે, જ્યાં સુધી તું હા ન કહે ત્યાં સુધી હું પ્રોમિસ આપું કઈ રીતે? ‘ને તું જાણે છે કે અમારી અંધારી આલમમાં એક વખત પ્રોમિસ અપાઈ જાય પછી તેમાંથી પીછેહઠ થઈ ન શકે.’

ઝાયેદ આ કહી રહ્યો હતો ત્યારે તેને ખ્યાલ નહોતો કે તેના કરતાં બમણી ઝડપે મોનાનું મગજ પણ દોડી રહ્યું હતું.

‘ઓ.કે. તું એને કહી દે કે આપણે તૈયાર છીએ.’

‘થેન્ક્યુ ડાર્લિંગ..’ કહી ઝાયેદે જોશથી મોનાને બાહોમાં ભીંસી દીધી અને તેના પરવાળા જેવા હોઠને ચૂમી લીધા. મોનાને ખ્યાલ આવી ગયો કે ઝાયેદની ઉજવણી હવે મોડી રાત સુધી ચાલશે.

બીજા દિવસે સવારે તે જાગી ત્યારે દસ વાગી ચૂક્યા હતા. તેણે પોતાનો મોબાઇલ જોયો. તેમાં ઝાયેદનો મેસેજ હતો કે એક જરૃરી કામ આવી જવાથી તે ક્યાંક બહાર ગયો હતો. મોનાએ થોડી રાહત અનુભવી. તેણે મોબાઇલ હાથમાં લીધો. ઝાયેદ અવારનવાર તેનો ફોન ચેક કરતો હતો એ વાતથી તે અજાણ નહોતી. એથી જ તેણે  સૂચના આપી રાખી હતી કે કોઈ તેને ફોન કે મેસેજ ન કરે. પોતે જ અનુકૂળતા મળતા સામેથી ફોન કરશે એ વણલખ્યો નિયમ પાળવો જરૃરી હતો. અત્યારે તક મળતા જ મોનાને રાજેન સાથે વાત કરવાનું મન થયું. જેને માટે એ પોતાનું સર્વસ્વ લૂટાવી રહી હતી. રાજેનની યાદ સાથે જ મોનાને રૃંવે રૃંવે જાણે ઉજાસ પ્રગટ્યો.

અધીરી બનેલી મોનાએ માંડ મળેલી તકનો લાભ લઈ જલદીથી રાજેનનો નંબર લગાડ્યો.

* * *

ઝાયેદની ગેરહાજરીનો લાભ લઈ મોનાએ આતુરતાથી રાજેનને ફોન જોડ્યો. રિંગ વાગતી રહી, પણ તેનો સાદ અનુત્તર જ રહ્યો. બે વાર પ્રયાસ પછી પણ ફોનમાં નોટ રીચેબલનો જવાબ સાંભળી મોના થોડી નિરાશ થઈ. નક્કી કોઈ અગત્યના કામ માટે ક્યાંક ગયો હશે. નહીંતર એ ફોન ન ઉપાડે એ બને જ નહીં. એને ખબર છે કે મોનાને ફોન કરવાની તક વારંવાર નથી મળતી. ખેર! ઝાયેદના આવતા પહેલાં ફરી એકવાર પ્રયત્ન કરવો રહ્યો. રાજેનનો હૂંફાળો સાદ મોનાને અહીં ટકી રહેવાની શક્તિ આપતો હતો. એ વાતથી રાજેન પણ ક્યાં અજાણ હતો?

બરાબર ત્યારે રાજેન મેજર કામ્બલીની ચેમ્બરમાં આયના અને કુલદીપ સાથે બેઠો હતો.

મેજર કામ્બલીને મળવા ગયેલ રાજનની સાથે બે અજાણી વ્યક્તિને જોઈ શરૃઆતમાં તો મેજરના ચહેરા પર થોડા નારાજગીના ભાવ ઉપસ્યા.

મેજર પોતાની નારાજગી વ્યક્ત કરે કે પછી આ લોકો કોણ છે તેવો પ્રશ્ન પૂછે તે પહેલાં જ એમનો પરિચય કરાવતા રાજન બોલ્યો,

‘સર, આ છે ડૉ. કુલદીપ, જેનું નામ ભારતીય વૈજ્ઞાનિક જગતમાં ખૂબ આદરપૂર્વક લેવાય છે. જે ઇરો જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના હેડ છે અને આ છે એમના આસિસ્ટન્ટ મિસ આયના.’

પછી કુલદીપ અને આયના સામે જોઈ વાત આગળ ચલાવતા કહ્યું,

‘આ છે અમારા બોસ રઘુનાથ કામ્બલીજી..’

ત્રણેય જણાએ હસ્તધૂનન કર્યું. કુલદીપ અને આયનાનો પરિચય થતાં મેજર થોડા શાંત થયા. રાજેન કોઈ ફાલતુ માણસોને નથી લાવ્યો એ જાણ થતાં એમના ચહેરા પર હળવાશ ઊભરી આવી.

‘સર, માફ કરજો, તમારી પરમિશન વગર જ આ બંનેને આપની મુલાકાતે લઈ આવ્યો છું. વાત એમ છે કે આ લોકો પાસે એક ખૂબ જ અગત્યની બાતમી છે. મેં ધાર્યું હોત તો એમની પાસેથી જે માહિતી મને મળી તે હું સીધો જ આપને પહોંચાડી શક્યો હોત, પણ એમની માહિતીનો જે સોર્સ છે તે એકદમ અલગ, આપણી કલ્પના બહારનો છે. એ સોર્સ વિશે મેં પહેલી વખત એમની પાસેથી સાંભળ્યું ત્યારે મને પણ એમની વાત પર વિશ્વાસ નહોતો આવ્યો, પણ ઇટ્સ અ ફેક્ટ… લાંબી ગડમથલ બાદ મને લાગ્યું કે આપ જ આ બંને સાથે સીધી જ વાત કરો તે વધુ યોગ્ય રહેશે.’

મેજરે હકારમાં ડોકું ધુણાવ્યું અને ડૉ. કુલદીપને પોતાની વાત કહેવા હાથ વડે ઇશારો કર્યો એટલે કુલદીપે ઇવાના સર્જનથી લઈને ગઈકાલે પોતાના લેપટોપ પર મેળવેલ ગાડી નંબર સુધીની આખી વાત કરી. મેજર વિસ્ફારિત નયને એની સામે તાકી રહ્યા.

વાત પૂરી થતાં મેજર પોતાની ખુરશીમાંથી ઊભા થઈ ગયા.

‘આ મજાક છે? કે કોઈ કલ્પના છે? કે પછી…’

તેમને વચ્ચે જ અટકાવી કુલદીપે પૂછ્યું,

‘સર, આપને કોઈ શંકા છે? જોકે એમાં કદાચ આપનો દોષ નથી. તમને જ નહીં, કોઈ પણને આ વાત પહેલી નજરે એવી જ લાગે… પણ…’

ડૉ. કુલદીપ અટક્યા. એના અવાજમાં સ્પષ્ટ નારાજગી વર્તાતી હતી.

‘સોરી..નો નો, એવી કોઈ વાત નથી. તમારા જેવી જવાબદાર વ્યક્તિ ખોટી વાત કરવા અહીં આ રીતે ન જ આવે.

‘ઇફ યુ હેવ રીયલી ડન ધીસ, આઇ મસ્ટ એપ્રિસીએટ, પણ આખી ઘટના ચોંકાવનારી તો ખરી જ ને? આવું ખરેખર બની શકે એ વાત પચાવવી થોડી અઘરી તો પડે જ ને?’

‘એ ખરું..પણ એમ તો અગાઉના સમયમાં કોઈ આજની ટૅક્નોલોજીની, અરે, આજે સામાન્ય ગણાતા ટી.વી.ની વાત કરે તો પણ એમને એ અશક્ય જ લાગવાની ને?’

‘યેસ..એગ્રીડ..એન્ડ લેટ મી ટેલ યુ ડૉ. કુલદીપ, યુ આર રિયલી જિનિયસ..મને ઇવાના સર્જનની વાત તો સ્પર્શી જ.

‘અલબત્ત, તમે જે રીતે ‘ઇરો’ને અંધારામાં રાખીને, અજાણ રાખીને તમારા હોદ્દાની રૃએ જે કામ કર્યું છે એ કાયદાની દ્રષ્ટિએ અનુચિત જ કહેવાય, પરંતુ એ પછી તમે દેશ માટે થઈને ઇવાનું તમારે હાથે જ વિસર્જન કરી નાખ્યું એ બદલ તમે અભિનંદનના હક્કદાર અને એ તમારા અનુચિત કાર્યની સજા કે પસ્તાવો જે નામ આપો તે.’

‘બહુ જ મુશ્કેલ હોય છે પોતાની વર્ષોની તપસ્યાને દેશ માટે ફના કરી દેવાનું કામ..એટલે અત્યારે આપણે યોગ્ય, અયોગ્ય કે એવી બીજી કોઈ વાત ભૂલી જઈએ અને મુખ્ય ચિંતા પર ધ્યાન આપીએ.’

‘થેન્ક્સ સર.’

‘પણ છતાં ડૉ. કુલદીપ, મને લાગે છે કે તમે એક ભૂલ ચોક્કસપણે કરી.’

કુલદીપ અને આયના મેજર કાંબલી  સામે તાકી રહ્યા.

‘ડૉ. તમે આવેશમાં આવી જઈ અને ઇવાનું વિસર્જન કરી નાખ્યું તેના કરતાં તે વખતે સરકારને આની જાણ કરી હોત તો બે કામ થાત, એક આખું ઑપરેશન રંગે હાથ પકડાઈ જાત અને કદાચ તમારું સર્જન પણ બચી જાત. એટલું જ નહીં, વૈશ્વિક ફલક પર તમારી અને આપણા આખા દેશની નામના થઈ શકત.’

‘સર, કદાચ તમારી વાત સાચી હોઈ શકે, પણ ઇવામાં સક્રિય થયેલી નેગેટિવ ફીલિંગ્સ ભયાનક પરિણામ લાવી શકે એમ હતી. એ વિચારે જ એનું વિસર્જન કરવું પડ્યું. અનેક લોકોની જિંદગીનો સવાલ હતો અને એમાં રાહ જોઈ શકાય એવા સંજોગો, એટલો સમય નહોતો.’

‘ યેસ..રાઇટ.. આઈ એગ્રી. આઇ એમ રિયલી પ્રાઉડ ઓફ યુ..’

મેજરે હવે ઊભા થઈને કુલદીપ સાથે ફરી એકવાર હાથ મેળવ્યા.

આગળ વાતચીત ચાલે એ પહેલાં જ રાજેનના મોબાઇલમાં રિંગ વાગી…ફોન મોનાનો હતો.

‘સોરી સર, અગત્યનો ફોન છે.’

કહી રાજેન બહાર નીકળ્યો. મોનાનો ફોન મિસ કરવો પોસાય એમ નહોતો. નક્કી કોઈ અગત્યની વાત હોવી જોઈએ.

‘ફોન ઉપાડવામાં કેમ વાર લાગી? હું તો ફોન કાપવા જતી હતી.’

‘અત્યારે કામ્બલી સર સાથે કુલદીપ અને આયનાની મુલાકાત કરાવી રહ્યો છું. એમની પાસે પેલો ગાડી નંબર આવી ગયો છે. તું બોલ, કેમ અત્યારે ફોન કર્યો? ઝાયેદ પાસેથી કઈ નવું જાણવા મળ્યું?’

‘હા, તારી શંકા સાચી છે. એ અને એમના સાથીઓ એક પ્લાન કરી રહ્યા છે.’

‘શું પ્લાન..?’

‘એ બધું ફોન પર કહેવાય એમ નથી. તું  ક્યારે ફ્રી થઈશ?’ મોનાના અવાજમાં થોડી ઉતાવળ ભળી.

‘હું ગમે ત્યારે ફ્રી થઈ શકીશ, પણ તારા પર ઝાયેદને કે કોઈને જરા પણ શંકા ન જાય એ માટે બી કૅરફુલ.’

Related Posts
1 of 34

રાજેનના અવાજમાં રહેલી ચિંતા પારખી મોનાને સારું લાગ્યું. રાજેન પોતાની કૅર લે છે એ જાણતી જ હતી. છતાં સાંભળવું સારું લાગ્યું. આ જ બાબત તેને અહીં, આ દલદલમાં ટકી રહેવાનું બળ પૂરું પાડતી હતી.

‘કેમ બોલી નહીં? એની પ્રોબ્લેમ?’

‘નો..નો પ્રોબ્લેમ, બટ સમ ટાઇમ્સ આઈ રિયલી મિસ યુ.’

‘આઇ નો મોના..પણ અત્યારે..’

‘યેસ..નો નીડ ટુ ગીવ એની એક્સ્પ્લેનેશન..આઈ નો ધ સિચ્યુએશન. બાય..ફરી ચાન્સ મળશે ત્યારે ફોન કરીશ.’

અને મોનાએ ઝડપથી ફોન કાપી નાખ્યો. કૉલ લોગમાં જઈ બધી માહિતી ડિલિટ કરવી જરૃરી હતી.

આ છોકરી મારે ખાતર કેવા ખતરનાક કામમાં જોડાઈ છે કેવું સમર્પણ કરી રહી છે, એ વિચાર સાથે રાજેન ફરીથી મેજરની ચેમ્બરમાં પ્રવેશ્યો. ત્યારે મેજર પેલી ગાડી કોના નામે રજિસ્ટર થયેલી છે તે જાણવા અમદાવાદ કોઈને ફોન લગાવી રહ્યા હતા.

‘એ માહિતી થોડી જ વારમાં આપણને મળી જશે.’

કહી કામ્બલીએ રાજેન તરફ ફરી વાત આગળ ચલાવી,

‘રાજેન, મેં આપણા વડોદરાના એજન્ટ સાથે વાત કરી છે. એ એના આર.ટી.ઓ.ના કોઈ સોર્સ પાસેથી ગાડી વિષે માહિતી લઈને કહેશે. કુલદીપજી, થેન્ક્યુ વેરી મચ ફોર ધીસ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન.’

જાણે વાત પુરી થઈ ગઈ હોય અને તેમને જવાનો સંકેત કરતા હોય તેમ મેજર કામ્બલીએ બંને સાથે હાથ મિલાવ્યા અને કુલદીપને વિદાય આપવાની હોય તેમ પોતાની ખુરશી પરથી ઊભા થઈ ગયા.

કુલદીપ અને ખાસ તો આયનાને એ થોડું વિચિત્ર લાગ્યું. તેને હતું કે એમને પણ આ આખા મામલામાં ઇન્વોલ્વ કરવામાં આવશે, પરંતુ ગાડી નંબર મળતાની સાથે જ જાણે એમનું કામ પૂરું થઈ ગયું હોય તેવું મેજરનું વર્તન બંનેને અજુગતું લાગ્યું, પણ કશું બોલવાનો કોઈ અર્થ નહોતો. બંને બહાર નીકળ્યા.

પણ હકીકત એ હતી કે મેજર આવા પ્રખર વૈજ્ઞાનિકને કોઈ જોખમમાં મૂકવા નહોતા માગતા. દેશને આવા દેશદાઝથી ભરપૂર વૈજ્ઞાનિકોની જ જરૃર છે. એવા કોઈ વિચારે તેમણે જાણી જોઈને તેમને રવાના કર્યા હતા.

રાજેન એમને દરવાજા સુધી મૂકવા જતો હતો ત્યાં મેજરે તેને રોકતા કહ્યું,

‘રાજેનજી તમે થોડીવાર રોકાજો. મારે તમારું થોડું કામ છે.’

‘યસ સર, હું આમને ગેઈટ સુધી છોડીને આવું છું.’

રાજેન બંનેને લઈને બહારના દરવાજા સુધી આવ્યો.

‘કુલદીપજી, તમે જે માહિતી આપી તે બહુમૂલ્ય છે, થેન્ક્સ..પ્લીઝ તમે સરની છેલ્લી વર્તણૂક વિષે માઇન્ડ નહીં કરતા. એમના સ્વભાવથી હું પરિચિત છું. એમના દરેક વર્તન પાછળ કોઈ ચોક્કસ કારણ અવશ્ય હોય છે. આ બાબતમાં આગળ જે કઈ થશે તે હું તમને ચોક્કસ જણાવીશ.’

રાજેનના ખુલાસાથી કુલદીપને થોડો સંતોષ થયો, પણ આયનાનો ધૂંધવાટ ઓછો ન થયો.

‘આ લોકો આપણને સમજે છે શું..?’

ગાડી સ્ટાર્ટ થઈ એટલે આયનાનો ઊભરો બહાર આવી ગયો,

‘રાજેન ઇઝ ગૂડ પર્સન, પણ મને મેજરનું વર્તન ન સમજાયું. એમને જોઈતી માહિતી મળી ગઈ એટલે આપણને તુરત વિદાય કરી દીધા.. જાણે ગરજ સરી એટલે વૈદ વેરી..’

‘રીલેક્સ આયના, આપણે આપણું કામ પતાવી દીધું, હવે એ લોકોને જેમ કરવું હોય તેમ કરે.’

કુલદીપે એક બેલેન્સ્ડ વ્યક્તિની માફક આયનાને સમજાવવાનો પ્રયત્ન કર્યો.

‘નો, બિલકુલ નહિ..આપણુ કામ પૂરું નથી થયું કુલદીપ, બલકે શરૃ થયું છે.’

કુલદીપ ચોંક્યો.

‘કામ શરૃ થયું છે ંમીન્સ વોટ? સાંભળ આયના, હું પહેલાંથી જ કહેતો આવ્યો છું કે આતંકવાદી કાવતરાઓ પકડવા, રોકવા વગેરે કામ સરકારનું છે. આપણે સિવિલિયન લોકો છીએ. આપણી અમુક મર્યાદા હોય, રાઇટ? તું કહેતી હતી કે ઇવાનું બલિદાન એળે ન જવું જોઈએ એટલે મેં બનતો પ્રયત્ન કરી જે કઈ મારાથી થઈ શકે તે કર્યું. હવેનું કામ મેજર અને એનું ગ્રૂપ કરશે. સરકારને આતંકવાદી લોકો સુધી પહોંચાડવાની જવાબદારી એમની છે. તું સમજે છે ને કે હું શું કહું છું?’

આયના જાણે કે કુલદીપની વાત જ ન સાંભળતી હોય તેમ કશુંક વિચારી રહી હતી. ધીમે ધીમે તેના મનમાં એક જબરદસ્ત આયોજન ઘડાઈ રહ્યું હતું.

‘હું તને પૂછું છું આયના.’ કુલદીપના અવાજથી આયના વર્તમાનમાં પછી ફરી.

‘કરવાનું તો ઘણુ છે કુલદીપ, હું તારી માફક આટલેથી સંતુષ્ટ નથી. એ લોકો સાથે આ લડાઈ હવે ફક્ત સરકારની જ નથી, આપણી પણ છે. એમણે જાણ્યે અજાણ્યે તારી વરસોની જહેમત પર પાણી ફેરવી દીધું છે. એની કીમત તો એમણે ચૂકવવી જ રહી.’

કુલદીપ વિચારમાં પડ્યો. આયનાની ભાવના સારી છે, પણ કામ એ ધારે છે તેટલું સહેલું નથી. આ કઈ શેરીના એકાદ ગુંડા કે મવાલી સાથે લડવાનું નહોતું. આયના કાં તો એ લોકોને અન્ડરએસ્ટીમેટ કરી રહી છે કાં તો એની પાસે કોઈ ચોક્કસ પ્લાન છે.

મેજર સાથે મુલાકાત સમાપ્ત કરી રાજેન રવાના થયો ત્યારે તેને એક વાત બહુ સ્પષ્ટ સમજાઈ ગઈ હતી કે ગુજરાતમાં ટૂંક સમયમાં આતંકવાદી હુમલો થવાનો હતો. એટલું જ નહીં, સમગ્ર દેશ પર તેની માઠી અસર થઈ શકે તેવડો હુમલો થવાનો હતો. સરકારી તંત્રને એટલી ખબર પડી ગઈ હતી હુમલો થશે, પણ તે ક્યાં થવાનો છે, ક્યારે થવાનો છે, કોણ કરવાનું છે? તે અંગે કોઈ જ માહિતી સરકાર કે ભારતીય ગુપ્તચર વિભાગ પાસે નહોતી.

રાજેનને એક વાતનું બહુ મોટું આશ્ચર્ય થયું કે કુલદીપની વાત પરથી એક વાત નિશ્ચિત થઈ ગઈ કે આતંકવાદી લોકો આ પહેલાં અમદાવાદને ટાર્ગેટ બનાવી બોમ્બ વિસ્ફોટ કરવાના હતા. છેક છેલ્લી ઘડીએ ઇવાનું કુલદીપે વિસર્જન કરી નાખ્યું એટલે હુમલો અટકી ગયો. એનો અર્થ એ કે હવે નવા હુમલાનું એપી સેન્ટર પણ અમદાવાદ જ બનશે. હુમલાના આયોજકો વડોદરાની આસપાસ ક્યાંક છે. આટલી જબરદસ્ત માહિતી આપનાર કુલદીપ અને આયના પ્રત્યે મેજરનું વર્તન એકદમ રુક્ષ કેમ રહ્યું?

અચાનક તેને મોનાની યાદ આવી ગઈ. મોના સાથે વાત કરવાનું મન થયું, પણ કદાચ ઝાયેદ આવી ગયો હશે એથી જ મોનાએ અચાનક ફોન કાપી નાખવો પડ્યો હશે. બની શકે એટલી જલ્દી પોતે મોનાને આ દલદલમાંથી બહાર કાઢી શકે તો સારું.

રાજેનની ધારણા સાચી હતી. મોના અત્યારે ઝાયેદની સાથે હતી. બંને જણા અમદાવાદ જવાની ફ્લાઈટ પકડવા ઍરપોર્ટ પર બેઠાં હતાં.

‘ઝાયેદ સરકાર, આપણે અત્યારે અમદાવાદ શા માટે જઈ રહ્યાં છીએ?’ છેલ્લા એક કલાકમાં હોટેલ પરથી ઍરપોર્ટ પહોંચવા સુધીમાં પાંચેક વખત આ પ્રશ્ન પૂછી ચૂકેલી મોનાને અત્યારે છઠી વખત એ પ્રશ્ન હોઠ પર આવી રહ્યો હતો, પણ સામેથી તેનો ઉત્તર નહિ જ મળે તેની તેને ખાતરી હોવાથી માંડી વાળ્યું.

મોનાને ખ્યાલ આવી ગયો કે હવે કાઉન્ટ ડાઉન શરૃ થવા જઈ રહ્યું છે. તેની કોઈ પણ નાનકડી ગફલત આખો ખેલ બગાડી શકે એમ હતું. મોના એ પણ જાણતી હતી કે ઝાયેદ જેવા લોકો પોતાના મિશનની આડે આવનાર કોઈ પણ વ્યક્તિનું નામો-નિશાન મિટાવી દે તે હદે જઈ શકે છે.

મૃત્યુથી ડરે છે? તેણે જાતને પ્રશ્ન કર્યો..

નહિ, મૃત્યુથી ડરતી હોત તો આવા ખતરનાક કામમાં જોડાત જ નહીં ને? શું મળવાનું છે આ બધું કરવાથી? કોના માટે આ બધું કરી રહી હતી એ? રાજેન માટે, કુલદીપ માટે, કે પછી દેશ માટે?

તે રાજેનને પ્રેમ કરતી હતી. અસીમ પ્રેમ. એટલા માટે તો તેણે એટલું વેઠ્યું. ઝાયેદ જેવા નાપાક પુરુષ સામે જાત ધરી દીધી. અનેક રીતે રીઝવી તેનો વિશ્વાસ સંપાદન કર્યો. તેનું કામ હતું ઝાયેદના અભેદ્ય ગઢમાં તેની પ્રેમિકા તરીકે પ્રવેશી, તેની તમામ હિલચાલ અને આગામી યોજનાઓ વિષે રાજેનને જણાવતા રહેવાનું.

આ પળે મોનાને લાગ્યું કે તેની આંખ ભીની થઈ રહી હતી. દિલનું દર્દ આંખ વાટે વહેવાનું શરૃ કરે તે પહેલાં જ તેણે જાતને સંભાળી લીધી.

થોડીવાર પછી એક ટેક્સી અમદાવાદ શહેર તરફ જઈ રહેલા રસ્તા તરફ દોડી રહી હતી જેમાં મોના અને ઝાયેદ બેઠાં હતાં. આશ્રમ રોડને છેવાડે આવેલી એક ભવ્ય હોટેલના ગેટમાં ટેક્સી પ્રવેશી એટલે બંને તેમાંથી ઊતરી કાઉન્ટર પર ગયાં.

‘તું ફ્રેશ થઈ જા. હું થોડો નાસ્તો મંગાવું છું. એકાદ કલાક પછી અફઝલ ખાન આવશે તેની ગાડીમાં આપણે સિટીમાં જવાનું છે. એ આપણને ચાર સ્થળોએ લઈ જશે. તારે એ બધી જ જગ્યાનો તારા દિમાગમાં ફોટો પડી લેવાનો છે. આપણને જે કામ મળવાનું છે તે માટે તારે આ ચારેય જગ્યા યાદ રાખી લેવી બહુ જરૃરી છે. એક દિવસ તારે એકલીએ કોઈ કામસર ત્યાં જવાનું કદાચ થાય. એ દિવસે કોઈ ભૂલ ન થાય તે માટે એ સ્થળ તારા મગજમાં છપાઈ જવા જોઈએ.

સમજી?’ રૃમમાં પ્રવેશતાની સાથે જ ઝાયેદે મોનાને સૂચના આપી.

અફઝલ કોણ છે? પોતાને કઈ-કઈ જગ્યાએ જવાનું છે? શા માટે જવાનું છે? આવા અનેક પ્રશ્નો મોનાના મનમાં આવ્યા, પણ તે ચૂપચાપ પોતાની બેગ ખોલી ટોવેલ લઈ બાથરૃમ તરફ ચાલી.

એ સાથે જ ઝાયેદ મોનાના પર્સ તરફ લપક્યો. તેનો મોબાઇલ કાઢ્યો. લાસ્ટ કોલ રજિસ્ટર જોયું. રાજેશ્રીનું નામ વાંચ્યું. મોના સાચી હતી. કશું વાંધાજનક ન દેખાયું. રાજેશ્રી તેની રૃમ પાર્ટનર હતી. એની તેને જાણ હતી જ. છેલ્લા મેસેજ ચેક કર્યા. બધું બરાબર હતું. આ બધામાં થોડો સમય લાગ્યો એવામાં બાથરૃમમાંથી શાવર બંધ થવાનો અવાજ આવ્યો એટલે ઝાયેદે ઝડપથી મોબાઇલ બંધ કરી પર્સમાં મૂકી સોફા પર જઈને બેસી ગયો. આમ પણ મોનાએ શું કરવાનું છે તેની જાણ હજુ સુધી તેને નહોતી એટલે બહુ ચિંતા જેવું નહોતું છતાં પણ તે સચેત હતો.

મોના સ્નાન કરી શરીર પર માત્ર ટોવેલ વીંટાળી બાથરૃમમાંથી બહાર આવી. સદ્યઃસ્નાતા મોનાના મખમલી બદનને જોઈ ઝાયેદની વાસના ફરી એકવાર સળવળી ઊઠી. તેણે ઊભા થઈ મોનાને બાહોમાં ભરી લીધી અને એક તસતસતું ચુંબન ચોડી દીધું. તેના હાથ મોનાના શરીર પર ફરી વળે તે પહેલાં મોનાએ જાતને છોડાવતા કહ્યું,

‘સરકાર, તમારા કહ્યા મુજબ અફઝલ ખાન  હમણા  આવશે. આપણે તૈયાર રહેવાનું છે તે યાદ છે ને?’

અફઝલ ખાનનો ઉલ્લેખ થતાં જ ઝાયેદની કામજ્વાળા શાંત થઈ ગઈ. તે પણ સ્નાન માટે બાથરૃમમાં ઘૂસ્યો.

બરાબર ચાલીસ મિનિટ પછી એક મારુતિ ઝેન ગાડી કાલુપુર રેલવે સ્ટેશન તરફ દોડી રહી હતી. અમદાવાદ શહેરનો એક જાણીતો ઉદ્યોગપતિ અફઝલ ખાન ખુદ ગાડી ચલાવી રહ્યો હતો. પાછળની સીટ પર ઝાયેદ અને મોના બેઠાં હતાં.

કોણ હતો આ અફઝલ ખાન? અને તે બંનેને ક્યાં અને શા માટે લઈ જઈ રહ્યો હતો..?

(ક્રમશઃ)
————————

Leave A Reply

Your email address will not be published.

Translate »