તમારા માટે, તમારી સાથે, સતત…

પર્યાવરણવાદીઓ માટે એક મર્યાદા અનિવાર્ય…!!!

આ પ્રોજેક્ટના કારણે જંગલો ખતમ થઈ જશે

0 299
  • સાંપ્રત – જયેશ શાહ

કોરોના વાઇરસના ‘પેનિક’માં અને તેની તકેદારીમાં એક અતિ મહત્ત્વના સમાચાર દબાઈ ગયા છે. હકીકતમાં આ સમાચાર પ્રત્યેક અખબારની હેડલાઈન બનવા જોઈતા હતા. માર્ચ ૧૧, ૨૦૨૦ના રોજ તેલંગાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રાઘવેન્દ્રસિંહ ચૌહાણ અને જસ્ટિસ અભિષેક રેડ્ડીની બેન્ચે ભારતની દરિયાઈ સીમાની સુરક્ષા માટે દેશની નૌસેના માટે બહુમૂલ્ય અને અનિવાર્ય એવા ઇએલએફ રડાર પ્રોજેક્ટ ઉપર સ્ટે આપ્યો છે. સાઈ ભાસ્કર રેડ્ડી જેવા પર્યાવરણવાદીઓ દ્વારા ‘દમ્માગુડમ ફોરેસ્ટ પ્રોટેક્શન જોઈન્ટ એક્શન કમિટી’ના નેજા હેઠળ કરાયેલી જાહેર હિતની અરજી તેલંગાણા હાઈકોર્ટમાં કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના સોલિસિટર જનરલ દ્વારા વિનંતી કરવામાં આવી કે કેસની આખી સુનાવણી ન થઈ જાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો સ્ટે આપવામાં ન આવે. તેમ છતાં તેમની દલીલોને માન્ય ન રાખીને સ્ટે આપીને બેન્ચે કહ્યું કે, ‘Centre and the Indian Navy can not cut a single tree till they filed their counters on what they are proposing to do with the fragile ecosystem at Damagundam forest. We understand the defence of the country is crucial and is an important aspect, but the environment is also our greatest concern. Everyone knows that low frequency affects the wildlife, the flora and fauna and the forest ecology adversely. It is surprising that the forest department agreed to the idea of ELF Radar in the area without Navy obtaining environment clearance.’ આ કેસમાં પર્યાવરણવાદીઓની મુખ્ય દલીલ છે કે આ પ્રોજેક્ટના કારણે જંગલો ખતમ થઈ જશે, માનવ શરીરને અને જંગલી પશુઓને ખૂબ જ લો ફ્રિક્વન્સી (ઈએલએફ)ના રડારના રેડિયેશનના કારણે નુકસાન થશે તથા આજુબાજુ રહેતા લોકોને અને વિશેષ કરીને બાળકો અને વૃદ્ધોને ખૂબ જ નુકસાન કરશે. ન્યાયતંત્ર પ્રત્યે પૂરેપૂરા સન્માન અને ગરિમા સાથે મારે એવું કહેવું છે કે શું હાઈકોર્ટ સ્ટે આપતા પહેલાં આ પ્રોજેક્ટના કારણે ખરેખર શું નુકસાન થવાનું છે અને આ પ્રકારનું રેડિયેશન માનવ જીવનને કેટલું નુકસાનકારક છે તેની વૈજ્ઞાનિક રીતે ચકાસણી ન કરાવી શકે?

હકીકતમાં ભારતીય નૌસેનાનો ઈએલએફ રડાર પ્રોજેક્ટ રંગારેડ્ડી જિલ્લામાં વિકારાબાદ નજીક આવેલા દમ્માગુડમ રિઝર્વ ફોરેસ્ટની જગ્યામાં થવાનો છે. આ માટે ૨,૯૦૦ એકર જમીન ભારતીય નૌસેનાને આપવામાં આવી છે. આ જગ્યામાંથી માત્ર ૧,૦૯૦ એકર જમીનમાં ઈએલએફ રડાર પ્રોજેક્ટ માટે બાંધકામ થવાનું છે. ૧,૫૦૦ એકર જગ્યામાં ‘ગ્રીનબેલ્ટ’ જ રાખવાનો છે. આટલી મોટી વિશાળ જગ્યા સલામતી અને સુરક્ષાનાં કારણો માટે સંપાદન કરવામાં આવી છે જેથી કોઈ આવી વ્યૂહાત્મક જગ્યામાં પ્રવેશ ન કરી શકે. આ પ્રોજેક્ટ માટેની જમીન સંપાદન કરવામાં આવી હતી તે માટે ભારતીય નૌસેનાએ ૧૩૦ કરોડ જમા કરાવી દીધા છે તથા ૧,૫૦૦ એકરમાં ગાઢ જંગલ જેવો ‘ગ્રીન બેલ્ટ’ બનાવવાના કરાર પણ કરવામાં આવ્યા છે. એક વાત તો છે જ કે જે જગ્યાએ ભારતીય સેનાનો પ્રોજેક્ટ હોય ત્યાં ‘ગ્રીન બેલ્ટ’ સવિશેષ જોવામાં આવે છે એટલે જ્યારે ભારતીય નૌસેનાને ૧,૫૦૦ એકરમાં ગાઢ જંગલ જેવો ‘ગ્રીન બેલ્ટ’ બનાવવાનો કરાર કર્યો હોય તો પછી તે અંગે કોઈને કોઈ પણ પ્રકારની શંકાનું કારણ ન હોઈ શકે.

નૌસેનાનો આ પ્રોજેક્ટ વર્ષ ૨૦૧૧માં મંજૂર કરવામાં આવ્યો હતો. આ જગ્યામાં પ્રાચીન રામલિંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, પરંતુ તેનું સમાધાન થઈ ગયું છે. આ મંદિરના વહીવટકર્તાઓને તેમની જે ૩૨ એકર જમીન સંપાદિત થતી હતી તેની સામે તેમને યોગ્ય વળતર આપી દેવામાં આવ્યું છે તથા મંદિર નવી જગ્યાએ ભવ્યતાથી બાંધવામાં આવશે તે અંગે પણ કરાર થઈ ગયા છે. તદુપરાંત મંદિરમાં આવતા ભક્તજનો માટે એક અલાયદો પેસેજ પણ ભારતીય નૌસેના બનાવી આપવાની છે. આથી અન્ય કોઈ વિવાદ હતો નહીં. આ સંપાદિત કરેલ જગ્યાની આજુબાજુના ગ્રામ્યજનો પણ ખુશ છે કે આ પ્રોજેક્ટના કારણે તેમના વિસ્તારમાં વિકાસ થશે અને અંતે તેનો લાભ તેમને મળશે.

ભારતીય નૌસેના માટે આ પ્રોજેક્ટ આ જ જગ્યાએ થવો એ દેશની સુરક્ષા અને સલામતી માટે ખૂબ જ અનિવાર્ય છે. આ જગ્યાએથી અરબી સમુદ્ર, બંગાળનો ઉપસાગર અને હિન્દ મહાસાગરમાં ફરતી અથવા તો પ્રવેશ કરતી સબમરીન ઉપર તથા તેની હેરફેર અને અવરજવર ઉપર નજર રાખવા માટે આ જગ્યા જ સૌથી વધુ યોગ્ય છે. તેવા સંજોગોમાં કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર દેશની સુરક્ષા અને સલામતી માટે ખૂબ જ અનિવાર્ય એવા આ પ્રોજેક્ટ માટે તેલંગાણા હાઈકોર્ટ દ્વારા સ્ટે કેવી રીતે આપવામાં આવ્યો તે સમજી શકાતું નથી.

ભારતીય નૌસેનાનો આવો જ એક ઈએલએફ રડાર પ્રોજેક્ટ તામિલનાડુના તિરુનવેલ્લી જિલ્લામાં આવેલ કટ્ટાબોમનમાં ૨૦૧૪થી સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ થઈ રહેલા ફેરફારો અને સાઉથ ચાઈના સી અને તેની આસપાસના દેશોમાં અંતે ટાપુઓમાં થઈ રહેલી ગતિવિધિઓના કારણે હવે આવા જ એક ઈએલએફ રડાર પ્રોજેક્ટની અનિવાર્યતા નૌસેનાને છે અને તેના માટે જ રંગારેડ્ડી જિલ્લામાં વિકારાબાદ નજીક આવેલા દમ્માગુડમ રિઝર્વ ફોરેસ્ટની જગ્યામાં ઊભો કરવામાં આવી રહેલ છે. આ નવું સ્થાપનાર રડાર મથકમાં અતિ આધુનિક સેટેલાઈટ કોમ્યુનિકેશનની સગવડો સાથેનું આખું કમાન્ડ સેન્ટર ઊભું થવાનું છે.

આવા દેશની સુરક્ષા અને સલામતી માટે અતિ આવશ્યક એવા પ્રોજેક્ટમાં રોડાં નાખવા પાછળનું સાચું કારણ સમજમાં આવતું નથી. કારણ કે તેઓની મુખ્ય ત્રણ દલીલ છે કે (૦૧) આ પ્રોજેક્ટના કારણે જંગલો ખતમ થઈ જશે, (૦૨) માનવ શરીરને અને જંગલી પશુઓને ખૂબ જ લો ફ્રિક્વન્સી (ઈએલએફ)ના રડારના રેડિયેશનના કારણે નુકસાન થશે તથા (૦૩) આજુબાજુ રહેતા લોકોને અને વિશેષ કરીને બાળકો અને વૃદ્ધોને ખૂબ જ નુકસાન કરશે. આમાંની પહેલી દલીલનો છેદ જ ઊડી જાય છે, કારણ કે સંપાદિત કુલ ૨,૯૦૦ એકરમાંથી ૧,૫૦૦ એકરમાં ગાઢ જંગલ જેવો ‘ગ્રીન બેલ્ટ’ બનાવવાનો જ છે અને તે જમીન સંપાદનના કરારનો એક ભાગ છે. બીજી બે દલીલો વાહિયાત છે.

આ બે દલીલો કેમ વાહિયાત છે હું તેની પાછળનાં કારણો આપું છું. દેશની સુરક્ષા અને સલામતી માટે તથા વ્યૂહાત્મક રીતે અનિવાર્ય એવા રડાર પ્રોજેક્ટ માટે એવી દલીલ કરવામાં આવે છે કે તેમાંથી નીકળનારા રેડિયેશનના કારણે માનવ શરીરને અને જંગલી પશુઓને તથા જંગલમાં રહેલાં વૃક્ષોને ખૂબ જ નુકસાન થશે. આ કહેવાતા પર્યાવરણવાદીઓને મારો ખુલ્લો પડકાર છે કે તમને જો રેડિયેશનની જ ચિંતા હોય અને તેને કારણે માનવ જીવન અને પશુ-પંખી ઉપર થનારી અસરોની ચિંતા હોય તો તમને ભરચક વસ્તીમાં થોડા થોડા અંતરે ઊભા થઈ રહેલા ‘મોબાઇલ ટાવર’ કેમ દેખાઈ નથી રહ્યા? તે અંગે કેમ કોઈ પર્યાવરણવાદીએ દેશની સર્વોચ્ચ અદાલતમાં માર્ગદર્શન માટે રિટ કરી નથી?

Related Posts
1 of 269

મોબાઇલના ટાવરના કારણે શહેરો અને ગામડામાં પ્રજાના આરોગ્યને નુકસાન થતું અટકાવે એવો કોઈ કાયદો નથી કે કેટલી ઊંચાઈએ આ ટાવર અને તેના એન્ટેના હોવા જોઈએ અને બે મોબાઇલ ટાવર વચ્ચે ઓછામાં ઓછું કેટલું અંતર હોવું જોઈએ. એક વાત ચોક્કસ છે કે મોબાઇલ ટાવરના એન્ટેનાની આજુબાજુ રહેતા લોકોમાં તેમાંથી નીકળતા રેડિયેશનના કારણે કૅન્સર તથા અન્ય રોગોનું જોખમ વધારે હોય છે. મોબાઇલ ટાવરથી પ૦થી ૩૦૦ મીટરના દાયરામાં રહેતાં લોકો એ બાબતથી તદ્દન અજાણ છે કે તેઓ કેટલા ઊંચા વિકરણવાળા વિસ્તારમાં રહે છે અને આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વિકિરણોની તેમને કેટલીક ઘાતક અસર થવાની છે.

વન અને પર્યાવરણ વિભાગ, ટેલિકોમ્યુનિકેશન વિભાગ તથા સરકારના અન્ય વિભાગોએ કેટલાક વિશેષ માપદંડ નક્કી કરેલા છે. જેમ કે શૈક્ષણિક સંસ્થાઓ અને હૉસ્પિટલથી ૧૦૦ મીટરના દાયરામાં કોઈ પણ મોબાઇલ ટાવર કે મોબાઇલ એન્ટેના ન હોવા જોઈએ. એક કિલોમીટરના દાયરામાં બીજો મોબાઇલ ટાવર ન હોવો જોઈએ. આસપાસના વિસ્તારમાં જે સૌથી ઊંચું બિલ્ડિંગ હોય તેના કરતાં મોબાઇલ ટાવરની ઊંચાઈ વધુ હોવી જોઈએ. એક મોબાઇલ ટાવરમાં બે કરતાં વધુ એન્ટેના ન હોવા જોઈએ. મોબાઇલ કંપનીઓ દ્વારા મોબાઇલ ટાવર કે મોબાઇલ એન્ટેના અંગેના એક પણ નિયમનું પાલન કરવામાં આવતું નથી.

આપણે ત્યાં તો ૧૨થી ૧પ જેટલા એન્ટેના ધરાવતાં ટાવર પણ છે. માત્ર ૨૦ મીટરના દાયરામાં પણ બીજું ટાવર જોવા મળે છે. સાથે જ નજીકમાં હયાત તમામ ઊંચા બિલ્ડિંગ કરતાં નીચેના ભાગમાં પણ મોબાઇલ ટાવર ફિટ કરવામાં આવ્યાં છે. નાગરિકોના આરોગ્યની ચિંતા તરફ સરકાર કે નગરપાલિકાની બેદરકારીને કારણે આજે આપણે લાલચુ વ્યક્તિઓ અને સંસ્થાઓની નાગચૂડમાં ફસાઈ ચૂક્યા છીએ અને તેઓ કૅન્સર, ટ્યૂમર અને એવા ગંભીર રોગના જોખમ હેઠળ આપણને સૌને મૂકી રહ્યા છે. આપણી જ્યાં પણ નજર ફરે ત્યાં આપણને મોબાઇલ ટાવર અને તેના એન્ટેના જોવા મળી રહ્યા છે.

પર્યાવરણવાદીઓની નજર આ મોબાઇલ ટાવર અને મોબાઇલ એન્ટેના અંગે કેમ કશું જોતી નથી? કેટલાક પર્યાવરણવાદીઓએ આ અંગે નાનું-મોટું કામ કરેલ છે, પરંતુ તે પરિણામલક્ષી નથી. માત્ર કહેવા પૂરતું જ કાર્ય કરેલ છે. તેવા સંજોગોમાં દેશની સુરક્ષા અને સલામતી માટે અતિ આવશ્યક એવા પ્રોજેક્ટમાં રોડાં કેમ નાખી રહ્યા છે? જ્યાં કરોડો નાગરિકોના સ્વાસ્થ્યનો સવાલ આવે છે ત્યાં કહેવા પૂરતી કામગીરી કરે છે અને જે પ્રોજેક્ટ દેશ માટે, દેશની સુરક્ષા અને સલામતી માટે ખૂબ જ અનિવાર્ય છે તેમાં જ કેમ આટલા ઊંચા લેવલ સુધી લડત આપે છે?

પર્યાવરણની સુરક્ષા એ સૌની ચિંતા હોવી જ જોઈએ તે અંગે હું પણ એકદમ સ્પષ્ટ જ છું, પરંતુ ‘સિલેક્ટેડ પ્રોજેક્ટ’ સામે વિરોધ કરવામાં આવે છે તેની સામે મારો વાંધો છે. વિરોધ હોય તો તમામ જગ્યાએ એકસરખો હોવો જોઈએ. ‘કાટલાં’ જુદાં કેમ એ સામે મારો પ્રશ્ન છે. રેડિયેશનનો પ્રશ્ન મોબાઇલ ટાવર અને મોબાઇલ એન્ટેનાના કારણે જેટલો વિકટ અને ગંભીર છે તેટલી વિકટતા ભારતીય નૌસેનાના ઈએલએફ રડાર પ્રોજેક્ટ રંગારેડ્ડી જિલ્લામાં વિકારાબાદ નજીક આવેલા દમ્માગુડમ રિઝર્વ ફોરેસ્ટની જગ્યામાં થનાર પ્રોજેક્ટમાં નથી.

ન્યાયતંત્ર પ્રત્યે પૂરેપૂરા આદર અને સન્માન સહિત મારો ન્યાયતંત્રને પ્રશ્ન છે કે, કોઈ પણ પ્રોજેક્ટ અંગે જ્યારે રિટ થાય ત્યારે તેના સર્વાંગી પાસાંઓ ઉપર ચર્ચા થવી જોઈએ. આ અંગે સામસામી દલીલો થવી જોઈએ. જરૃર પડે તો વિજ્ઞાન સુસંગત છે કે નહીં, તે અંગે નિષ્ણાતોની કમિટીની નિયુક્તિ કરીને તેમની પાસેથી તટસ્થ અહેવાલ મેળવવો જોઈએ અને ત્યાર બાદ જ કોઈ પણ નિર્ણય ઉપર કોર્ટે આવવું જોઈએ એવો મારો દ્રઢ મત છે.

મિત્રો…તમે શું માનો છો..?

———————

Leave A Reply

Your email address will not be published.

Translate »