તમારા માટે, તમારી સાથે, સતત…

‘કોરોના-કહેર’ વચ્ચે વિશ્વપ્રસિદ્ધ ચીની પ્રેમકથાની વાત…

તારી તુચ્છ સંપત્તિથી મને ખરીદી શકીશ એમ તું માનતો હતો, નહિ?

0 234
  • રસાસ્વાદ – પરીક્ષિત જોશી

વિશ્વપ્રસિદ્ધ ચાઇનીઝ નવલકથા ‘કુમારી તુ’ લેખક લિન યુટાંગની યશદા કૃતિ છે. વર્ષ ૧૯૫૨માં સૌ પહેલીવાર પ્રકાશિત થયેલી આ કૃતિને પ્રકાશકે આ કૃતિના અનુવાદક અને ગુજરાતી ભાષાને અનેકવિધ ભારતીય ભાષાઓમાંથી સરળ સ્પષ્ટ અને ચોખ્ખા અનુવાદ આપનારા નવનીતલાલ મદ્રાસીની જન્મશતાબ્દી નિમિત્તે પુનર્મુદ્રિત કરી છે. નવનીતભાઈએ તમિળમાંથી ૩૦, મલયાલમમાંથી ૮, કન્નડમાંથી ૯, તેલુગુમાંથી ૧૦, ઉર્દૂમાંથી ૩, અંગ્રેજીમાંથી ૧૫, ઊડિયા-ડોગરી-હિન્દીમાંથી એક-એક અનુદિત કૃતિ આપવા સાથે ૧૦ મૌલિક કૃતિઓ તથા અન્યો સાથે ૮ સહલેખન પણ કર્યા છે. બિલકુલ શોખના સ્તરે, પોતાના માટે કરેલું આ કાર્ય એક અર્થમાં સમાજપયોગી કાર્ય પણ નીવડ્યું છે છતાં ગુજરાતી સાહિત્યમાં એની ઝાઝી નોંધ લેવાઈ નથી.

અત્યારે ચીનમાં પેદા થયેલો ‘કોરોના’ વાઇરસ વૈશ્વિક સ્તરે ત્રાહિમામ્ પોકારાવી રહ્યો છે ત્યારે આપણે જે લઘુનવલની વાત કરી રહ્યા છીએ એ, ચીની ભાષાના એક સમર્થ સર્જક લિન યુટાંગની લઘુનવલ ‘મીસ તુ’નો વિશ્વની અનેકવિધ ભાષાઓમાં અનુવાદ થયો છે. અનુવાદ માટે અંગ્રેજી પરથી થયેલા મરાઠી અનુવાદનો આધાર લેવામાં આવ્યો છે. ચીની ભાષા વિશ્વની અન્ય ભાષાઓની તુલનામાં લિપિ અને ઉચ્ચારણની દૃષ્ટિએ જુદી પડી જાય છે. એટલે એ ભાષામાં લખાયેલી કૃતિઓના બીજી ભાષામાં અનુવાદો સરળતાથી ઉપલબ્ધ હોતા નથી. આવી પરિસ્થિતિ વચ્ચે છેક ૧૯૫૨માં આ કૃતિનો અનુવાદ ગુજરાતીમાં આપવાનું કાર્ય કરનારા અનુવાદકને સલામ જ કરવા પડે.

કુલ ૧૪૨ પાનાંના પટલ પર પથરાયેલી આ કથામાં બે યુવાન હૈયાં શામિંગ અને કુમારી તુ વચ્ચેના તીવ્ર પ્રણય, તદ્જન્ય સંઘર્ષ અને કરુણ અંતની વાત છે. વાર્તાકથક દ્વારા કહેવાયેલી આ કથાનાં મુખ્ય પાત્રો શામિંગ અને કુમારી તુ ઉર્ફે વૈનિયાંગ વચ્ચે ઘણી મોટી સામાજિક ખાઈ છે, કારણ કે શામિંગ ઉચ્ચ વર્ગના કમિશનરનો પુત્ર છે અને કુમારી તુ નગરની પ્રસિદ્ધ ગણિકા છે, જે એની માતા ગણાતી ‘બાઈ તુ’ સાથે રહે છે. કોઈક એક ક્ષણે આકસ્મિક મિલનથી આ બે યુવા હૈયાં વચ્ચે પ્રણયનો સંબંધ રચાય છે અને પછી એ સહજીવનનાં સપનાં સાથે લગ્ન કરવાના નિર્ણય તરફ આગળ વધે છે. જોકે હકીકતમાં એ શક્ય ન બનતાં પ્રેમીપંખીડા પોતાના જીવનનો કરુણ અંત આણે છે.

Related Posts
1 of 55

કથાની શરૃઆત વર્તમાનકાળથી થાય છે. નવવધૂના વેશમાં સજ્જ એક પ્રખ્યાત ગણિકાએ નદીમાં પડતું મૂક્યું અને લઘુનવલ શરૃ થાય છે. વાર્તાકથકને પણ આપઘાત પાછળનું કારણ જાણવામાં રસ પડે છે અને પછી આખો ઘટનાક્રમ ચાલે છે. રૃપવતી ગણિકા કુમારી તુને કાયમ માટે પોતાના ‘ઉપવસ્ત્ર’ તરીકે રાખવા ઇચ્છતો શ્રીમંત વેપારી મોં માંગી કિંમત ચૂકવવા તૈયાર હોય છે, પરંતુ શામિંગના પ્રેમમાં ડૂબી ગયેલી કુમારી તુ સ્પષ્ટ નનૈયો ભણે છે અને પ્રેમની વાર્તામાં સંઘર્ષબીજ રોપાય છે. શામિંગ મિત્ર દ્વારા એક હજાર ડૉલર બાઈ તુને આપી, કુમારી તુને છોડાવે છે. જોકે બીજી બાજુ વેપારી પ્રપંચ રચી શામિંગના ઘરે સંદેશો મોકલે છે કે એણે કુમારી તુને ખરીદી લીધી છે. આ બધા ઘટનાક્રમ વચ્ચે પ્રેમના પારખાં થતાં રહે છે.

કુમારી તુ વેપારી માવ્ ને કહે છે કે, ‘..તારી તુચ્છ સંપત્તિથી મને ખરીદી શકીશ એમ તું માનતો હતો, નહિ?..અમો પ્રેમીઓની જોડીમાં ભંગાણ પાડવા માટે તે ષડ્યંત્ર રચ્યું અને તને લાગે છે કે તેમાં તું સફળ થયો તે પણ હું જોઉં છું.’ (પા.૧૩૬)

ભગ્નહૃદયી કુમારી તુ શામિંગને ઠપકો આપતાં કહે છે કે, ‘શામિંગ, મેં તમને મારું હૃદય, મારો આત્મા, મારું સર્વસ્વ અર્પણ કર્યું હતું. તમારી સાથે રહેવા માટે મેં આ બધું સહન કર્યું અને આટલે દૂર આવી..મેં તમારા પર ભરોસો મૂક્યો, પણ હવે મને લાગે છે કે તેમાં હું થાપ ખાઈ ગઈ છું. વધુ બીજું શું કહું ?’ (પા. ૧૩૭) ..અને કુમારી તુ નદીમાં કૂદી પડે છે. તરવૈયાઓ એને બચાવવા આખી નદીમાં શોધ આદરે છે, પણ અંતે માત્ર એની વાદળી ઓઢણી આવે છે. કથાનો એક ભાગ અહીં પૂર્ણ થાય છે. કથાનો ઉત્તરાર્ધ બે દાયકા પછીના દૃશ્ય સાથે શરૃ થાય છે. વાર્તાકથકના ગામમાં કુમારી તુના સ્મરણાર્થે બંધાયેલા મંદિરમાં એક ભિક્ષુક જેવો જણ આવે છે. ઘાસની પથારીમાં સૂઈ જાય છે. અચાનક આગ લાગતાં ઘાસની પથારીમાં જ એ ભિક્ષુક પણ સળગી મરે છે.

ચીની ભાષાની હજુય લોકપ્રિય અને સતત વંચાતી રહેતી આ પ્રેમકથાનો જો કોઈ વિશેષ છે તો એ કે એનું ગુજરાતીમાં અવતરણ. કદાચ આ પહેલાં, ૧૯૫૨ પહેલાં, કોઈ ચીની કથા ગુજરાતી ભાષામાં આવી હોય એવું જણાતું નથી. જોકે, આ કથા સીધી ચીની કે એના અંગ્રેજી અનુવાદ પર નહીં, પરંતુ એના આધારે થયેલા મરાઠી અનુવાદ આધારિત છે. છતાં વિશ્વપ્રસિદ્ધ પ્રેમકથાને આપણી ભાષામાં સાત દાયકા પહેલાં આવી, વંચાઈ અને આજે ફરીથી પ્રકાશિત થઈ છે એ માટે એની સાથે સંકળાયેલા સૌ કોઈને અભિનંદન.
——————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »