તમારા માટે, તમારી સાથે, સતત…

સાઇબર સ્ટોકિંગના કડવા અનુભવને વર્ણવતી ફિલ્મ ‘હૅક્ડ’

હિનાની ફિલ્મ હેક્ડ સમાજની વરવી વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરે છે

0 268
  • મૂવીટીવી    – હેતલ રાવ

એકાઉન્ટ હૅક થવું, સાઇબર ગુનામાં વધારો, આવા સમાચાર રોજબરોજ સાંભળવા મળે છે, પરંતુ બોલિવૂડ કલાકારો જ્યારે આવી સમસ્યાનો ભોગ બને ત્યારે તે ન્યૂઝ ટોપ ઓફ ધ ટાઉન બની જતા હોય છે. જોકે આપણે વાત કરવી છે આવા જ વિષય સાથે આવનારી હિના ખાનની ફિલ્મ હેક્ડની. જેમાં આ સબ્જેક્ટની ઘણી વાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

હિના ખાન ડિજિટલ પ્લેટફોર્મ સાથે બોલિવૂડમાં પણ ડેબ્યુ કરી રહી છે. તેની અપ કમિંગ ફિલ્મે ચર્ચા જગાવી છે, કારણ કે ક્યાંક ને ક્યાંક દર્શકોથી લઈને ફિલ્મી કલાકારોને પણ આ સ્ટોરી પોતાની લાગી રહી છે. આ સમસ્યાનો સામનો લગભગ આજની દરેક વ્યક્તિ કરી રહી છે અને તે છે સાઇબર સ્ટોકિંગ. બીજા શબ્દોમાં કહીએ તો હેક્ડ. આ સબ્જેક્ટ પર થ્રીલર, સસ્પેન્સ અને ડ્રામાથી ભરપૂર ફિલ્મ બનાવવાનો પ્રયત્ન વિક્રમ ભટ્ટે કર્યો છે. ફિલ્મમાં હિના ખાનની સાથે રોહન શાહ મુખ્ય રોલમાં છે. રોહન હિનાને પસંદ કરે છે, પરંતુ એજ-ગેપના કારણે હિના તેનાથી દૂર રહે છે. સનકી આશિક હોવાના કારણે રોહન હિનાનો સંપૂર્ણ ડેટા હેક કરે છે અને પછી તેને બ્લેકમેલ કરવાનો સિલસિલો શરૃ થાય છે. હિનાના મેલ આઇડીથી લઈને મોબાઇલ સુધી દરેક વસ્તુ હેક થઈ જાય છે. ફિલ્મમાં વાસ્તવિકતાને દર્શાવવાનો પૂર્ણ પ્રયાસ કર્યો હોય તેવું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે, પરંતુ હકીકતમાં આ ફિલ્મ માટે હિનાએ પણ ઘણી મહેનત કરી છે.

Related Posts
1 of 258

પોતાના અનુભવને વાગોળતા કહે છે, સાઇબર સ્ટોકિંગનો સામનો કરી ચૂકેલી મહિલાઓને મળીને તેમના અનુભવો સાંભળ્યા. ઘણા અનુભવો ડરામણા હતા, જેમાંથી એક યુવતીના ફોટા ખોટી રીતે શેઅર કરવામાં આવ્યા. તેણે કંટાળીને સોશિયલ મીડિયા છોડી દીધું. તો એક યુવતીએ લગ્નની ના કહેતા યુવકે તેને સાઇબર સ્ટોકિંગ પર ખૂબ જ ટ્રોલ કરી. તેણે મરવા સુધીનો વિચાર કરી લીધો. આવા એક-બે નહીં, ઘણા બધા કિસ્સાઓ હતા. ઘણી મહિલાઓએ મને મેસેજ કર્યા તો ઘણી યુવતીઓએ મારી સાથે વાત કરી સાઇબર સ્ટોકિંગની દર્દનાક પીડાને વાગોળી. હું ઇચ્છંુ છું કે આ વિશે તમામ લોકોને જાણ થાય, જેનાથી સ્ટોકર્સના મનમાં ડર ઉદ્ભવે.

હિનાની ફિલ્મ હેક્ડ સમાજની વરવી વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરે છે, કારણ કે સાઇબર સ્ટોકિંગનો સામનો ભૂતકાળમાં બોલિવૂડ સ્ટાર્સે પણ કર્યો છે. જેમાં અમિતાભ બચ્ચનનું નામ મોખરે છે. બિગ-બીનું ટ્વિટર એકાઉન્ટ હેક કરી તેના પરથી ખોટા મેસેજ વાઇરલ કરવામાં આવ્યા હતા. જ્યારે અભિષેક બચ્ચન, કરણ જોહર, રિશી કપૂર, શ્રુતિ હસન, શાહિદ કપૂર, બોની કપૂર જેવા અનેક કલાકારો છે જે સાઇબર સ્ટોકિંગનો ભોગ બન્યાં છે. અભિનેત્રીઓમાં આ લિસ્ટ ઘણુ લાંબંુ છે. ધક ધક ગર્લ માધુરી દીક્ષિતનો મોબાઇલ હેક કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે તેણે ફરિયાદ કરી તત્કાલ નંબર બંધ કરાવ્યો હતો. આવા ઘણા બધા કિસ્સાઓ બોલિવૂડમાં બનતા રહે છે.

હવે વાત કરીએ હિનાની ફિલ્મની તો તેના ચાહકોને આ હટકે વિષય અને તેની દમદાર એક્ટિંગ જરૃરથી પસંદ આવશે. હિનાનું બોલિવૂડ ડેબ્યુ કેટલું સફળ નિવડે છે તે આવનારો સમય જ કહી શકે.

સાઇબર સ્ટોકિંગ શું છે?
સાઇબર ક્રાઇમ અંતર્ગત જ સાઇબર સ્ટોકિંગ છે. જેમાં કોઈ એક વ્યક્તિ અથવા ઘણી બધી વ્યક્તિઓ સાથે મળીને ઇન્ટરનેટ દ્વારા અન્ય વ્યક્તિની દેખરેખ રાખે છે. તે વ્યક્તિના ડેટા હૅક કરે છે અને તેને નુકસાન પહોંચાડે છે ઉપરાંત હેરાન કરવાનો પ્રયત્ન કરે છે.
—————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »