તમારા માટે, તમારી સાથે, સતત…

‘પ્રેમ અમર છે’નો સંદેશ આપે છે હીઝ ફાધર્સ વોઇસ

અહીંનું કલ્ચર યુનિક છે.

0 264
  • મુકામ મુંબઈ – લતિકા સુમન

Even, after all this time
The sun never says to the earth.
You owe me
Look,what happens
With a love like that,
It lights the whole sky.-( Hafiz )

પ્રેમની અભિવ્યક્તિ માટે શું કોઈ એક દિવસ હોઈ શકે. દરેક દિવસ પ્રેમ અને રોમાન્સ માટે ઉપલબ્ધ છે. પતિપત્ની જેમ જેમ એકબીજાને સમજવા લાગે છે, એકબીજાની વાતોને સમજવા લાગે છે તેમ બંને વચ્ચે પ્રેમ વધતો જાય છે. પછી તેમના માટે કોઈ એક દિવસ વૅલેન્ટાઇન ડે નથી હોતો, તેમના માટે રોજ વૅલેન્ટાઇન ડે જ હોય છે. પતિપત્નીએ દરેક દિવસને ઉત્સાહ અને રોમાન્સ સાથે જ જીવવો જોઈએ. ખબર નહીં, આવતી કાલે શું પરિસ્થિતિ હોય. ફિલ્મ દિગ્દર્શક કાર્તિકેયન કિરુભાકરનનું આમ માનવું છે. તો તેમની પ્રોડ્યુસર પત્ની અને ફિલ્મ અભિનેત્રી અશ્વિની પ્રતાપ પવારે ઉપર લખેલી હાફિઝની કવિતા સંભળાવતા પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યું કે, આજ દિન સુધી સૂર્યએ ક્યારેય પૃથ્વીને નથી કહ્યું કે તું મારી ઋણી છે. એ સૂર્ય જેણે સમગ્ર આકાશને પ્રકાશિત કર્યું છે તેનો પ્રેમ જુઓ. આમ કહેતાં અશ્વિની વધુમાં ઉમેરે છે કે શું પતિપત્ની વચ્ચેના પ્રેમનો ક્યારેય હિસાબ માંડી શકાય.

કાર્તિકેયન કિરુભાકરન અને અશ્વિની પવારની ફિલ્મ હીઝ ફાધર્સ વોઇસ જલદી જ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ જે કારણોથી ચર્ચામાં છે તે ઘણા રસપ્રદ છે. ફિલ્મમાં ભારતીય અને પશ્ચિમી સંગીતનો સુભગ સમન્વય છે, પેઇન્ટિંગ્સ, ભરતનાટ્યમ જેવું ક્લાસિકલ નૃત્ય, સાથે ગિટારની ધૂન ‘ને આ બધા સાથે જોડાયેલો વિદેશી પરિવાર – ફિલ્મને રસપ્રદ બનાવી રહ્યા છે. ફિલ્મની કથા પિતા-પુત્રના સંબંધો પર આધારિત છે. આ ફિલ્મને જોવા માટે મુંબઈના ઓપેરા થિયેટરમાં ફિલ્મ જગત સાથે સંકળાયેલા કેટલાક વિચારવંત દિગ્દર્શકો, ક્લાસિકલ ડાન્સરો, વિદેશી મહેમાનો અને કેટલાક જાણીતા લોકોની સાથે દર્શકો પણ ઉપસ્થિત હતા. ફિલ્મ ખૂબ સુંદર રીતે ફિલ્માવવામાં આવી છે એવું કેટલાક લોકોનું કહેવું છે. દિગ્દર્શક આશુતોષ ગોવારીકર, ટીનુ આનંદ, ગૌરી શિંદે, એડગુરુ પ્રહલાદ કક્કડ ઉપરાંત ઉપસ્થિત દેશી-વિદેશી દર્શકોએ ફિલ્મના ભરપૂર વખાણ કર્યા. એક દર્શકે તો ઉત્સાહમાં આવીને એમ પણ કહી દીધું કે આ ફિલ્મ ઓસ્કાર ઍવૉર્ડથી ચોક્કસ સન્માનિત થશે.

ફિલ્મ ભલે પિતા-પુત્રના સંબંધ પર આધારિત હોય, પણ તેમાં બે જુદા જુદા સંબંધોને પણ ચિત્રિત કરવામાં આવ્યા છે. એક છે ભારતીય દંપતી અને બીજું છે વિદેશી દંપતી. ફિલ્મમાં એક નૃત્ય નાટિકા પણ છે, જે ભગવાન શ્રીરામ અને સીતાના પ્રેમને સમજવાના પ્રયત્ન પણ આધારિત છે. ફિલ્મ ખૂબ સંુદર રીતે બનાવવામાં આવી છે. સ્ક્રીન પર જોવા મળી રહેલાં દૃશ્યો પણ આપણી નજર સામે આકાર લઈ રહ્યા હોય એવો અનુભવ કરાવે છે. ફિલ્મ જોઈ રહ્યા હોઈએ ત્યારે તેનાં દૃશ્યો કલ્પના સમાન જ લાગે છે, કેટલી સુંદર રીતે કલાકૃતિઓ, ચિત્રો, નૃત્ય, સંગીત અને ભારતીય સંસ્કૃતિને ફિલ્મમાં દર્શાવવામાં આવી છે.

‘અભિયાને’ ફિલ્મના દિગ્દર્શક કાર્તિકેયનને ફિલ્મ બનાવવાના વિચાર અને ઉદ્દેશ્ય અંગે પૂછ્યું ત્યારે તેમનો જવાબ હતો કે, આજે આપણી આસપાસ એક એવો માહોલ રચાયેલો અનુભવીએ છીએ, જેમાં એક દરાર જોવા મળી રહી છે. આ તારું છે આ મારું છે -ની ભાવનાને કારણે સમાજમાં અથવા બે વ્યક્તિઓ વચ્ચે પણ એક દીવાલ ઊભી થઈ ગઈ છે અને તેની શરૃઆત આપણા ઘરથી જ થાય છે. તેની પાછળનું કારણ એ છે કે પતિપત્ની વચ્ચે સંવાદ જ ખતમ થઈ ગયો છે. એકબીજા પ્રત્યેની ભાવનાઓને મહેસૂસ કરવાની સંવેદનામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. આપણે કોઈ પણ પ્રકારની વાત કર્યા વિના જ એક નિષ્કર્ષ પર પહોંચી જઈએ છીએ, જેના કારણે સંબંધો સુધરવાને બદલે બગડતા જાય છે.

Related Posts
1 of 262

કાર્તિકેયન પોતાની વાત આગળ વધારતા કહે છે – ફિલ્મમાં એક વિદેશી કપલ છે – ક્લારા અને જોન. આ પરિવાર ભારતમાં પોતાના પુત્ર ક્રિશ સાથે રહેતો હોય છે. તેમને ભારતીય સંગીત અને સંસ્કૃતિ માટે ખૂબ જ પ્રેમ અને માન છે. ક્લારા અનુભવે છે કે તેમનો પુત્ર ક્રિશ પણ ભારતીય સંસ્કૃતિ, સંગીત, કલા સાથે જોડાઈ ગયો છે. તે નૃત્ય શીખી રહ્યો છે, ગીતો ગાઈ રહ્યો છે. જોન પણ ભારતીય સંગીત સાથે ઓતપ્રોત થઈ જાય છે. હવે શું પુત્ર પણ પિતાના પગલે જ ચાલવા લાગશે એવી ચિંતા ક્લારાને સતાવવા લાગે છે. ક્લારા જોનને છોડી ક્રિશને લઈને વિદેશ ચાલી જાય છે. હવે ઝઘડો તો નાની વાતનો જ છે કે કોને શું પસંદ છે અને શું નાપસંદ છે. એકબીજા સાથે વાત કરીને આ ઝઘડાનું સમાધાન લાવી શકાતું હતું, પણ સમાધાનના બદલે આ ઝઘડો મોટું સ્વરૃપ ધારણ કરી લે છે અને સંબંધો સુધરવાને બદલે બગડી જાય છે. એકબીજાને સમજવાની ક્ષમતા ઓછી થઈ રહી છે. જોનને ક્લારા માટે પ્રેમ છે, પણ તે પોતાનો પ્રેેમ તેના સુધી પહોંચાડી નથી શકતો કારણ કે જોનની વાત કરવાનો લહેજો જ ખોટો છે. જોન ક્લારાને કહે છે – કેમ જઈ રહી છે. ના જઈશ. આપણી બે વચ્ચે ઝઘડો છે તો તું બાળકને પાર્વતી(જોનની ગુરુ)પાસે છોડીને જા. બાળક પાર્વતી પાસે રહેશે તો તે આપણી વચ્ચે જે રોજ ઝઘડા થાય છે તે નહીં સાંભળે. જોનના આ શબ્દોને કારણે ક્લારાને આઘાત લાગે છે અને તે પોતે માની ભૂમિકા અને તેના અધિકાર અંગે વિચારવા લાગે છે. તે પોતાના પતિ સાથે વાત કર્યા વિના જ વિદેશ ચાલી જાય છે. વાત સાવ નાની છે, પણ આ નાની વાતે બે વ્યક્તિઓ વચ્ચે દીવાલ ઊભી કરી દીધી છે. કોઈ પણ સંબંધને નિખારવા માટે અને તેને ટકાવી રાખવા માટે મહેનત કરવી પડે છે. એ સંબંધને સમય આપવો પડે છે. જે આજે લોકો પાસે નથી. તેથી જ પરિવારો તૂટી રહ્યા છે. તેની ઊંડી અસર આપણા સમાજ પર પડી રહી છે અને જોવા પણ મળે છે. માતાપિતા બાળકોના રોલ મૉડેલ બનવાને બદલે ખરાબ ઉદાહરણરૃપ બની રહ્યાં છે.

ફિલ્મ લખતી વખતે આ પ્રકારની કોઈ ઘટના તમારી આસપાસ ઘટી રહી હતી કે કેમ તેનો જવાબ આપતા કાર્તિકેયન કહે છે કે સમાજમાં આવાં અનેક ઉદાહરણ જોવા મળશે. રોજ આવી ઘટનાઓ આપણી આસપાસ ઘટે છે. એકબીજાને સમજ્યા વિના, વાત કર્યા વિના ઈર્ષ્યાભાવ અનુભવવો. આપણે રોજ આવા લોકો અને ઉદાહરણો જોઈએ જ છીએ. આપણે ફિલ્મમાં જોયું કે ક્લારાને પાર્વતી પર ગુસ્સો આવે છે. પાર્વતી જોનની ગુરુ છે, પણ ક્લારા એ સંબંધને સમજી નથી શકતી, કારણ કે તેણે વાતચીતને અવકાશ નથી આપ્યો. હવે જોનને એવી વ્યક્તિની જરૃરત છે જે એને સમજે. જેના પર તે વિશ્વાસ મૂકી શકે. આવા સમયે તેને એક જ વ્યક્તિ એવી દેખાય છે અને તે છે તેની ગુરુ પાર્વતી, પણ પાર્વતીને પણ તે પોતાના મનની વાત કેવી રીતે જણાવે. તે પોતાની પત્નીના વ્યવહારથી દુઃખી છે. તે અડધી રાત્રે ગિટાર લઈને નીકળી પડ્યો છે. પાર્વતી ચાંદની રાતમાં ચંદ્રમાને જોવાનો આનંદ ઉઠાવતી બેઠી છે. તે ગિટાર પર રાગ હેમાવતીની ધૂન સાંભળે છે અને આ ધૂન છેડી રહ્યો છે જોન. જોન ગાઈ પણ રહ્યો છે અને પાર્વતી તેના પર ભરતનાટ્યમ કરી રહી છે, કારણ કે પાર્વતીએ કલાને ઈશ્વરની આરાધના સાથે જોડી છે. તે જોનને એમ નથી કહેતી કે તું ના ગાઈશ, કારણ કે તે જોનના દર્દને સમજી રહી છે. ગુરુ છે. જાણે છે પણ તે જોનને કેવી રીતે જણાવે છે કે હું તારું દુઃખ સમજું છું, અનુભવું છું. આથી તે જોનને પોતાની સામે ઊભો રાખીને તેનું ચિત્ર બનાવે છે. ક્લારાને આ વાત ખટકે છે. પાર્વતીનો પતિ જ્યારે આ ચિત્ર જુએ છે ત્યારે તે જોન અને પાર્વતી વચ્ચેના સંબંધને સમજે છે, કારણ કે તે પણ કલાકાર છે – ડાન્સર છે. તેનામાં કોઈ ઈર્ષ્યા ભાવના નથી, પણ ક્લારા જોનને છોડીને ક્રિશને લઈને વિદેશ ચાલી જાય છે. જોન ક્લારાને રોકી શકતો હતો, કારણ કે તે તેને પ્રેમ કરે છે, પણ ક્લારાને પોતે પ્રેમ કરે છે તેવું જોન જણાવી નથી શકતો. તેની વાતો અને વર્તન થકી ક્લારાને પોતાનો પ્રેમ પહોંચાડવામાં જોન નિષ્ફળ જાય છે. પતિપત્ની વચ્ચેના સંવાદના અભાવનું ફળ બાળક ભોગવે છે. બાળક માતાપિતા વચ્ચે રહેલી ગલતફેમીનો શિકાર બને છે. તે પણ દુઃખી છે. માતાપિતાના વિચારો બાળકની સામે પ્રશ્નો બની ઊભા રહીગયા છે. આપણી આસપાસ આ પ્રકારના ઘણા બાળકો જીવી રહ્યાં છે, જેઓ ક્રિશ જેવી જ માનસિકતા અને મનોવ્યથા અનુભવી રહ્યા છે અને આ જ વાત અને માનસિકતા મેં ફિલ્મમાં દર્શાવી છે.

શું તમે એવો કોઈ સંગીતકાર જોયો છે જે વિદેશથી ભારત આવે અને પછી અહીંની જ સંસ્કૃતિ સાથે જોડાઈ જાય. આ પ્રશ્નના જવાબમાં કાર્તિકેયન કહે છે કે હા, ચેન્નઇ અને કર્ણાટકમાં આ પ્રકારના ઘણા સંગીતકારો વસે છે. કાર્તિકેયને એક નામ આપતાં કહ્યું કે જોન હિગિન્સનું નામ બહુ મોટું છે. તેઓ અમેરિકાથી ભારત આવ્યા અને તેમને કર્ણાટકી મ્યુઝિકમાં રસ પડ્યો. તેઓ જ્યારે કર્ણાટકી સંગીતમાં ગણેશસ્તુતિ કે શિવસ્તુતિ ગાય છે ત્યારે આંખોથી પાણી વહેવા લાગે છે. તેઓ કોઈ પણ રાગ છેડે, ખબર જ નહીં પડે કે કોઈ ભારતીય ગાયક ગાઈ રહ્યો છે કે વિદેશી ગાયક.

ભારતીય સંસ્કૃતિની શું વિશેષતા છે, તેનો જવાબ આપતાં કાર્તિકેયન કહે છે, અહીંનું કલ્ચર યુનિક છે. જો તમારા ઘરે કોઈ આવશે તો સૌથી પહેલાં તમે તેને પાણીનું પૂછશો.  પ્રેમથી આવકારશો, બેસાડશો. તેઓ અજાણ્યા હશે તો પણ તમે તેની સાથે પ્રેમથી વર્તશો. જો તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હો તો તમારી સાથે બેઠેલા અજાણ્યા લોકો પણ યાત્રા પૂરી થાય તે પહેલાં પરિવાર જેવા બની જતા હોય છે. તમે તેમની સાથે એટલી બધી વાતો કરો છો કે તમારી સફર સહેલાઈથી સંપન્ન થઈ જાય છે. આપણા ઘરે કોઈ વિદેશી આવશે તો આપણે એમને ઉપર બેસાડીશું. તેને જમવાનું આપીશું. જો તેને હાથથી ખાતા નહીં આવડતું હોય તો તેને ચમચી આપીશું. આપણે પોતાની વાતો કોઈની પર થોપતા નથી. આ જ આપણી સંસ્કૃતિની વિશેષતા છે.

કાર્તિકેયન અને અશ્વિની બંને કલા સાથે જોડાયેલા છે. જેવી ફિલ્મ બનાવવા અંગે વિચાર્યું હતું તેમાં બજેટની રકમ ખૂબ વધી જતી હતી. ફાઇનાન્સર શોધવામાં પણ સમય લાગતો તેથી ઓછા બજેટમાં અને તે પણ પોંડિચેરીની પાસે પોતાના નાનકડા ઘરમાં ટીમની સાથે મળીને પ્રેમથી એક મોટી કલાકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું. આ પણ પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ જ છે, જેણે એક સુંદર કલાકૃતિને જન્મ આપ્યો છે. ખૂબ જ સમજી-વિચારીને ભારતીય કલા અને સંસ્કૃતિને ફિલ્મના માધ્યમથી દુનિયા સામે રજૂ કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ફિલ્મ હોવાને કારણે ફિલ્મની ભાષા અંગ્રેજી છે. ફિલ્મમાં દેશી-વિદેશી કલાકારો છે, પણ કાર્તિકેયનનું કહેવું છે કે અહીં દેશી-વિદેશીનો પ્રશ્ન જ નથી ઊભો થતો. આ બધા કલાકારો માનવતા અને કલાની દૃષ્ટિએ એકબીજા સાથે જોડાયેલા છે. તેથી અમે આ ફિલ્મને ભારતીય ફિલ્મના દૃષ્ટિકોણથી જ જોઈશું. ફિલ્મમાં જેટલા પણ લોકોએ કામ કર્યું છે તેઓ અમારા હૃદય સાથે જોડાયેલા છે. આ ફિલ્મમાં અમેરિકન કલાકાર જેરેમી રોસ્કે, સ્વીસ કલાકાર જુલિયા કોચ, ઇઝરાયેલના બાળ કલાકારો, ગુજરાતી બાળ કલાકાર આશા ભોલાએ ફિલ્મમાં દીકરીનું પાત્ર ભજવ્યું છે. પી.ટી. નરેન્દ્રન કેરળના છે તો અન્ય કલાકાર ચેન્નઈના છે. અશ્વિની પવાર મહારાષ્ટ્રના છે. કલા અને કલાકારની કોઈ સીમા નથી હોતી.

વાતનું અનુસંધાન આગળ ચલાવતા પાર્વતી પવારે કહ્યું કે અમે જે પણ કામ કરીએ છીએ તે દિલથી કરીએ છીએ. અમારે કંઈક અલગ કરવું હતું, જેને અમે આકાર આપ્યો. પતિપત્ની વચ્ચેનો પ્રેમ તેમના કામને આદર આપવાથી પણ વધે છે. અમે હંમેશાં કામને કારણે સાથે રહેતા હતા. એવું નથી હોતું કે ક્યારેય પતિપત્ની વચ્ચે ઝઘડા નથી થતા કે મતભેદો નથી સર્જાતા, પણ જો એકબીજા સાથે જોડાઈ રહેવું હોય તો એ જ સમયે સમજી જવું જોઈએ કે સંબંધ પર કોઈ ધૂળ જામી રહી છે. જો એ જ ક્ષણે એ ધૂળને સાફ કરવામાં આવે તો પ્રેમ વધતો જ જાય છે.

ફિલ્મમાં શ્રીરામ અને સીતાની નૃત્યનાટિકા બતાવવાનું કારણ આપતાં કાર્તિકેયન કહે છે, નૃત્યનાટિકાના માધ્યમ દ્વારા રામ-સીતાના સંબંધમાં રહેલી વિશાળતા બતાવવામાં આવી છે. જ્યારે મેં કવિ ભવભૂતીનું ઉત્તર રામચરિત માનસ વાંચ્યું તો તેમાં સીતાના પાત્રનું જે ચિત્રણ કરવામાં આવ્યું છે તે મને ખૂબ જ પાવરફુલ લાગ્યું. જ્યારે રામે સીતાજીને વનમાં એકલા છોડી દીધા ત્યારે તેઓ ગર્ભવતી હતાં. રામને કેટલી તકલીફ પડી હશે, પણ તેમણે એવું ના વિચાર્યું કે હું મારી પત્નીને એકલી વનમાં કેવી રીતે છોડી દઉં. તેની સાથે કંઈ પણ ઘટી શકતું હતું. રામે પ્રજાની વાત સાંભળીને આ નિર્ણય લીધો હતો. દુનિયાને રામના વ્યવહારમાં ભૂલ દેખાઈ રહી છે કે તેમણે એક સ્ત્રી સાથે આવો વ્યવહાર કર્યો, પણ સીતાજીને રામનો વ્યવહાર ખોટો ન લાગ્યો, કારણ કે જ્યારે શ્રીરામ સીતા અને લવકુશને અયોધ્યા પાછા લાવ્યા ત્યારે પ્રજાએ એ બધાનું દિલથી સ્વાગત કર્યું. હવે આ વાત પર પણ પ્રશ્ન ઊઠે છે કે સીતાએ રામને ક્ષમા નહોતી આપવા જેવી, પણ સીતાજીને રામના વ્યવહારમાં કશું ખોટું દેખાતું જ નથી. તો ક્ષમા આપવાનો કે માગવાનો કોઈ પ્રશ્ન જ નથી ઊઠતો. સીતાજી કહે છે,  રામને પ્રજાના હિતમાં જે પગલું યોગ્ય લાગ્યું તે લીધું. રામ ‘ને સીતાના પ્રેમમાં એટલી બધી તાકાત હતી કે આજે પણ આપણે સીતારામ સીતારામ જપીએ છીએ. રામની પહેલાં સીતાજીનું નામ આવે છે. તેમનો પ્રેમ આજે પણ અમર છે.
—————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »