તમારા માટે, તમારી સાથે, સતત…

ઘોસ્ટ સ્ટોરીઝ મારી પહેલી અને છેલ્લી હોરર ફિલ્મઃ કરણ જોહર

ગ્લેમર કરતાં અભિનયને મહત્ત્વ

0 193
  • મુવીટીવી  –  હેતલ રાવ

નવા વર્ષની શરૃઆત થતાં જ ડિજિટલ પ્લેટફોર્મ પર વેબ સિરીઝની ભરમાર શરૃ થઈ ગઈ છે. જેમાં સૌથી વધુ ચર્ચા ચાલી રહી છે, જાહ્નવી કપૂરની ઘોસ્ટ સ્ટોરીઝની. જેની એક સ્ટોરીનું નિર્દેશન બોલિવૂડના જાણીતા નિર્માતા કરણ જોહરે કર્યું છે, પરંતુ તેના નિર્દેશન પછી તેમણે નક્કી કર્યું કે આ તેમની પહેલી અને છેલ્લી હોરર ફિલ્મ છે. હવે ક્યારેય તે ભૂત-પ્રેતની ફિલ્મો પર કામ નહીં કરે.

ફિલ્મો હોય કે પછી શાહરુખ ખાન સાથેની અંગત મિત્રતાની વાત હોય, કરણ જોહર હંમેશાં ચર્ચાનો વિષય બને છે. સામાન્ય રીતે વ્યાવસાયિક અને રોમેન્ટિક ફિલ્મો બનાવવા માટે જાણીતા કરણ કોઈ અલગ વિષયને લઈને ફિલ્મનું વિચારી શકે તે વાત માન્યામાં ન આવે, પરંતુ વેબ સિરીઝ ઘોસ્ટ સ્ટોરીઝના નિર્દેશનનું કામ જ્યારે તેમણે કર્યું ત્યારે એ વાત સૌના માટે બ્રેકિંગ ન્યૂઝ જેવી બની રહી, પરંતુ તેનાથી પણ વધારે બોલિવૂડ સહિત પ્રેક્ષકોને એ વાતની નવાઈ લાગી જ્યારે કરણે જાહેર કર્યું કે હવે તે ક્યારેય હોરર ફિલ્મ નહીં બનાવે.

ડિજિટલ પ્લેટફોર્મને લઈને પોતાના વિચારો પર વાત કરતા કરણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, ડિજિટલ દુનિયામાં ધમાકેદાર બદલાવ થઈ રહ્યા છે. વિવિધતા પીરસતું કન્ટેન જુદાં-જુદાં પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. લેખકો માટે વેબ ઉત્સાહવર્ધન માધ્યમ બની રહ્યું છે, જેની મને ખુશી છે, કારણ કે સારા લેખકોને લખવાની તક મળી રહી છે. લેખકોની ખુશી સતત વધી રહી છે જેની માટે તે મહેનત પણ કરી રહ્યા છે. આ બદલાવથી બોલિવૂડ પણ ખુશ છે. ઘોસ્ટ સ્ટોરીઝ પહેલાં ડ્રાઇવનું પણ નિર્માણ કરણે કર્યું હતું, પરંતુ તે ઝાઝી સફળ ના રહી. તેને યાદ કરતા કરણ કહે છે, ડ્રાઇવને સિનેમાઘરોમાં રિલીઝ કરવાનું વિચાર્યું હતું, પરંતુ પાછળથી મને અહેસાસ થયો કે આ ફિલ્મ જેવી બની છે, તેને વેબ પર રિલીઝ કરવી વધુ યોગ્ય રહેશે. જોકે એક વાત એ પણ છે કે આવી સિરીઝોને રજૂ કરવાનું જોખમ વેબ પ્લેટફોર્મ (નેટફ્લિક્સ) ઉઠાવે છે તે માટે તેમને પણ દાદ આપવા જેવી છે. ફિલ્મની ગુણવત્તા વિશે હું વધારે કશું જ કહેવાનું પસંદ નહીં કરું, કારણ કે આ નિર્ણય દર્શકોનો છે.

Related Posts
1 of 258

ઘોસ્ટ સ્ટોરીઝ જેનું નિર્દેશન કરણ કરશે તેવી આશા લગભગ કોઈ દર્શકને ન હોય, પરંતુ જ્યારે કરણે આ સિરીઝ બનાવવાનું નક્કી કર્યું ત્યારે લાગ્યું કે કદાચ, હોરર ફિલ્મો સાથે પણ તેનો લગાવ હશે, પરંતુ આ વાતને નકારતા કરણ કહે છે, હોરર સાથે હું ક્યારેય જોડાણ અનુભવતો નથી. ઇમાનદારીપૂર્વક વાત કરું તો આ સિરીઝ પછી હું ક્યારેય હોરર ફિલ્મ નહીં બનાવું. આ મારી પહેલી અને છેલ્લી હોરર ફિલ્મ છે જે મેં નેટફ્લિક્સ માટે બનાવી છે. મને હોરર ફિલ્મો જોવી પણ પસંદ નથી તો તેના નિર્માણમાં મને કેવી રીતે મજા આવી શકે અને જે ફિલ્મ બનાવવી હું પસંદ ન કરું તે ફિલ્મો દર્શકોને જોવાની પણ ના ગમે.

કરણ જોહરને બોલિવૂડનો દિગ્ગજ નિર્માતા કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં કહેવાય. છતાં પણ તેને જે ફિલ્મો જોવી પસંદ નથી તે બનાવવાની પણ તેને મજા નથી આવતી. જો આવી જ રીતે બોલિવૂડના અને ટેલિવૂડના નિર્માતાઓ વિચારતા થાય તો આવનારા સમયમાં એવી ઘણી અણગમતી ફિલ્મો અને ટેલી સિરિયલોથી દર્શકો બચી શકે છે. જોકે દરેક નિર્દેશક માટે કરણ જોહર બનવું શક્ય પણ નથી, પણ કરણના વિચારોને તો અનુસરી જ શકાય. પ્રશ્ન હજુ પણ ત્યાંનો ત્યાં જ છે કે કરણને હોરર ફિલ્મો જોવી કેમ પસંદ નથી.
———.

ગ્લેમર કરતાં અભિનયને મહત્ત્વ
ટેલિવૂડમાં આદર્શ અભિનય કરી બિગબોસમાં હટકે અંદાજ બતાવનારી હિના ખાન વેબ સિરીઝ અને ફિલ્મોમાં પણ પોતાનો જાદુ ચલાવવામાં સફળ નિવડી છે. માત્ર ગ્લેમરસની છબીમાં બંધાઈ રહેવાની જગ્યાએ દરેક ભૂમિકા નિભાવવાની ચાહ રાખતી હિના માટે ડેમેજ્ડની બીજી સિઝન આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. હિનાનું માનવું છે કે માત્ર ગ્લેમર નહીં, પણ એક્ટિંગ પણ મહત્ત્વની છે. પોતાની કારકિર્દીની સફળને સુંદર ગણતી હિના કહે છે, ‘મને અત્યાર સુધીમાં અનેક પ્રકારની ભૂમિકા નિભાવવાની તક મળી છે.’ થ્રીલ, ડ્રામા અને સુપરનેચરલ તત્ત્વોથી ભરપૂર ડેમેજ્ડ-ટુમાં તેના અભિનયના દર્શકો મન ખોલીને વખાણ કરી રહ્યા છે. લાઇન્સ નામની શોર્ટ ફિલ્મ પણ તેણે કરી છે. ટૂંકમાં એમ કહી શકાય કે તેણે જે આશય સાથે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સિરિયલને અલવિદા કહી હતી તે હેતુ અત્યારે પૂર્ણ થઈ રહ્યો છે. હિનાના ચાહકોએ પણ સ્વીકાર્યું છે કે તે માત્ર ગ્લેમર લુકથી જ નહીં, પરંતુ પોતાની જાનદાર એક્ટિંગથી લોકોના દિલને સ્પર્શી રહી છે.
———-.

જેક્લીન ફર્નાન્ડિઝ બિઝી અભિનેત્રીઓના લિસ્ટમાં
ફિલ્મોમાં ડાન્સ કરવો અને એક્ટર સાથે અફેર કરવા સિવાય અભિનેત્રીઓનું કોઈ કામ જ નથી, આ વાત ઘણી જૂની થઈ. છતાં ઘણી ફિલ્મોમાં અભિનેત્રીઓના ફાળે એક્ટિંગના નામે વધુ કશું જ નથી હોતું. આવી જ અભિનેત્રીઓમાં એક છે જેક્લીન ફર્નાન્ડિઝ. ૨૦૦૯થી ફિલ્મ કરિયરની શરૃઆત કરનારી જેક્લીનની ઇમેજ પણ કંઈક આવી જ હતી, પરંતુ હવે તેના અભિનય અને ગ્લેમર લુકના કારણે બોલિવૂડમાં તે જમાવટ કરી રહી છે. ફિલ્મોની સાથે-સાથે વેબ સિરીઝ કરવામાં પણ જેક્લીન વ્યસ્ત સાથે કિકની સિક્વલમાં પણ તે જોવા મળશે. આ ઉપરાંત પણ અનેક પ્રોજેક્ટ તેની પાસે છે. ટૂંકમાં જેક્લીનનો હવે બિઝી અભિનેત્રીઓના લિસ્ટમાં સમાવેશ થઈ ગયો છે. એક સમયે માત્ર સલમાનના કારણે જ બોલિવૂડમાં ટકી રહેનારી કેટરીના કૈફે પણ અક્ષયકુમાર સાથે અનેક હિટ ફિલ્મો આપી હતી. તેવી જ રીતે જેક્લીન ફર્નાન્ડિઝ પણ અનેક હિટ પ્રોજેક્ટ આપવા માટે તૈયાર છે.
———–

Leave A Reply

Your email address will not be published.

Translate »