તમારા માટે, તમારી સાથે, સતત…

ફૂડ સાયન્સઃ ઝડપથી વિસ્તરી રહેલા ક્ષેત્રમાં બનાવો કારકિર્દી

ફૂડ સાયન્સ અને ટૅક્નોલોજી ક્ષેત્રમાં લોકોની માગ વધી રહી છે.

0 71
  • નવી ક્ષિતિજ – હેતલ રાવ

કરિયરને લઈને આજના યુવાનો ગંભીર બની રહ્યા છે. સારા અભ્યાસ પછી યોગ્ય જોબ મેળવવી પણ પડકાર છે, પરંતુ અનેક સેક્ટરો યુવાનો માટે નવી તક ઊભી કરે છે. ફૂડ સાયન્સ અને ટૅક્નોલોજી ક્ષેત્રમાં લોકોની માગ વધી રહી છે. આ સેક્ટર હાલના સમયમાં કારકિર્દી માટે બેસ્ટ છે. ઝડપથી વધી રહેલા આ ક્ષેત્રમાં યુવાનો માટે અનેક વિકલ્પ રહેલા છે. 

આહાર દરેક વ્યક્તિના જીવનનો મહત્ત્વનો ભાગ છે. સારા સ્વાસ્થ્ય માટે યોગ્ય આહાર લેવો પણ જરૃરી છે. સ્વાસ્થ્ય જાગૃતિ અંતર્ગત વિશ્વભરમાં જંક ફૂડની ટીકા થઈ રહી છે. બર્ગર, પિત્ઝા જેવા ફૂડ અનેક રોગને નોતરે છે. ત્યારે ખાદ્ય ઉત્પાદનોનું નિર્માણ કરતી ઇન્ડસ્ટ્રી પોતાના ઉત્પાદનને સ્વાસ્થવર્ધક બનાવવાના પ્રયત્ન કરી રહી છે. જેના કારણે આ વિશેના જાણકારોની માગ પણ વધી રહી છે.

યોગ્યતા
આ ક્ષેત્રમાં અનેક તક ઉપલબ્ધ છે. જેમાં કારકિર્દી બનાવવા માટે ભૌતિકશાસ્ત્ર, રસાયણ વિજ્ઞાન, ગણિત સાથે ધોરણ ૧૨ પાસ કરવું અનિવાર્ય છે.  ત્યાર બાદ ફૂડ સાયન્સમાં કેમિસ્ટ્રી અથવા માઇક્રોબાયોલોજીમાં બેચરલ ડિગ્રી કરી શકાય છે. બેચરલ ડિગ્રી પછી ફૂડ કેમિસ્ટ્રી, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ અને અન્ય ક્ષેત્રોમાં એડવાન્સ ડિગ્રી પણ કરી શકાય છે. આ ઉપરાંત ડાયટેટિક્સ એન્ડ ન્યૂટ્રિશન અને ફૂડ સાયન્સ એન્ડ પબ્લિક હેલ્થ ન્યૂટ્રિશનમાં ડિપ્લોમા પણ કરી શકાય છે. જો તમે સ્નાતક કોર્સ પૂર્ણ કરી લીધો છે, તો ઉપર જણાવેલા કોર્સમાંથી કોઈ પણ કોર્સ કરી શકો છો. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં સંશોધન અભ્યાસ માટે સારો અવકાશ મળી રહે છે.

પ્રવેશ પરીક્ષા
ઓલ ઇન્ડિયા જોઇન્ટ એન્ટ્રેસ એક્ઝામ પાસ કરીને ઉમેદવાર ફૂડ ટૅક્નોલોજી અને બાયો કેમિકલ સાયન્સમાં બીટેકની ડિગ્રી કરી શકે છે. જ્યારે આઇઆઇટીમાં પ્રવેશ મેળવવા માટે જેઇઇ મેન અને જેઇઇ એડવાન્સ પરીક્ષા પાસ કરવી જરૃરી છે. ગેટ ફૂડ ટૅક્નોલોજી એન્ટ્રેન્સ એક્ઝામના માધ્યમથી આઇઆઇએસસી બેંગ્લુરુમાં ઍડમિશન મળી રહે છે. આ ઉપરાંત દરેક ખાનગી સંસ્થાઓ પોતાની રીતે પ્રવેશ પરીક્ષાઓનું આયોજન કરે છે.

કુશળતા
* પ્રોફેશનલ્સ પાસે ખાદ્ય વિજ્ઞાનની પૂર્ણ જાણકારી હોવી જરૃરી છે. સાથે જ ઉત્પાદન પ્રક્રિયા સમયે તેનો અમલ કરવાની કુશળતા પણ અનિવાર્ય છે.

* બિઝનેસની સારી જાણકારીની સાથે વિશ્લેષણાત્મક અને ગણિતનું જ્ઞાન ઉપયોગી બની રહેશે.

* આ ક્ષેત્રમાં કામ કરતા પ્રોફેશનલ્સ આત્મવિશ્વાસથી ભરપૂર હોવા જોઈએ, કારણ કે આ સેક્ટરમાં કામ કરનારા યુવાનોનો વધારે સમય સ્વતંત્ર રીતે કામ કરવામાં જ પસાર થાય છે.

* ખાદ્ય પદાર્થોનો અભ્યાસ વધારે કરવાનો હોવાથી પ્રોફેશનલ્સ પાસે કોમ્પ્યુટર સ્કિલ અને નવી તકનીક સાથે કામ કરવાની ક્ષમતા હોવી જોઈએ.

* ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા સારી હોવી જરૃરી છે. જેના કારણે ભોજન સાથે જોડાયેલી નાની-નાની જાણકારી પર સહેલાઈથી નજર રહે.

* સ્વાસ્થ્ય, સુરક્ષા અને સાફ-સફાઈ વિશેની માહિતી મહત્ત્વની છે.

* પ્રોફેશનલ્સે ઉત્પાદનકર્તાઓ માટે કામ કરવાનું હોય છે. તેમની સાથે સતત સંપર્કમાં રહેવાનું હોય છે, માટે સારી રીતે વાતચીત કરવાની કુનેહ અને ટીમમાં કામ કરવાની આવડત જરૃરી છે.

જવાબદારીઓ

Related Posts
1 of 289

*           ફૂડ લેબલિંગ માટે યોગ્ય પોષણ તત્ત્વોની માહિતી આપવી.

*           ખાદ્ય પદાર્થોને તાજા, સુરક્ષિત અને આકર્ષક બનાવી રાખવાની ટિપ્સ શોધવી.

*           ભોજન બનાવવામાં કેટલો સમય લાગશે, પૈસાની બચત કેવી રીતે કરી શકાય તે શોધવાનું કાર્ય.

* રોજબરોજના કામમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સુરક્ષાની પરખ કરવી.

*           નવી સામગ્રીનો પ્રયોગ કરવો અને નવા ખાદ્ય પદાર્થોનું નિર્માણ કરવાનું કામ.

* લેબમાં પ્રયોગ કરી, સેમ્પલ ઉત્પાદન તૈયાર કરવાનું રહે છે.

*           પ્રોડક્શનની પ્રક્રિયા પ્રમાણે ડિઝાઇન કરવી અને મશીનની તપાસ કરવાની જવાબદારી.

*           આ પ્રોફેશનલ્સે એન્જિનિયરિંગ, પ્રોડક્શન અને માર્કેટિંગના વિશેષજ્ઞોની સાથે મળીને ઉત્પાદનના નિર્માણમાં આવતી કોઈ પણ સમસ્યાનું સમાધાન કરવંુ પડશે.

*           ઘણા ફૂડ સાયન્ટિસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટમાં ક્વૉલિટી કન્ટ્રોલનું કામ કરે છે. સમગ્ર નિર્માણ પ્રક્રિયાનું ધ્યાન પણ રાખવાનું કામ.

*           ઉત્પાદન નિર્માણનું  શિડ્યુલ બનાવવું અને સાફ-સફાઈની વ્યવસ્થા તૈયાર કરવી.

આ પ્રોફેશનલ્સને મોટી કંપનીઓમાં સારી જોબ મળી રહે છે. સાથે જ ભારત સરકારના ખાદ્ય વિભાગમાં પણ અનેક તક છે.

પગાર ધોરણ
શરૃઆતમાં પ્રોફેશનલ્સને ૨૦થી ૨૫ હજાર રૃપિયા માસિક વેતન મળી રહે છે. ચાર-પાંચ વર્ષના અનુભવ પછી પાંચથી છ લાખ રૃપિયાનું વાર્ષિક પેકેજ મળે છે. અનુભવમાં વધારો થવાની સાથે વાર્ષિક પેકેજમાં ૯થી લઈને ૧૮ લાખ રૃપિયા સુધીનો વધારો થાય છે. આ ક્ષેત્રમાં આવનારા દસ વર્ષમાં સાત ટકાના આધારે નોકરીઓમાં વધારો થવાની સંભાવનાઓ છે.

ફૂડ સાયન્સ ઊભરતી કારકિર્દી છે. ઝડપથી વધી રહેલા શહેરીકરણ અને બદલાતી જીવનશૈલીના કારણે આ સેક્ટર નવી મંજિલ સુધી પહોંચ્યું છે. ફૂડ સાયન્સ મલ્ટિ-કન્ટ્રી વિષય છે. આ વિષયમાં આગળ વધવા માટે ખાદ્ય સામગ્રીની કેમેસ્ટ્રી અને બાયો કેમેસ્ટ્રીની જાણકારી હોવી અનિવાર્ય છે. પ્રોફેશનલ્સ તાલીમાર્થી હોય અને અનુભવી હોય તે પણ આ ક્ષેત્રમાં મહત્ત્વનું છે. સારી સંસ્થામાંથી ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓને સારી તક મળી રહે છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ૧૦થી ૧૫ ટકાના દરે આ ઇન્ડસ્ટ્રીમાં વધારો થઈ રહ્યો છે. સેક્ટરમાં પ્રોફેશનલ્સની ડિમાન્ડ વધુ છે, પરંતુ કામ કરનારા સારા લોકોની અછત છે. એફએમસીજી, ફાર્મા, એગ્રો, ડેરી, બેકરી અને ફૂડ પેકેજિંગ સહિત ઘણા ક્ષેત્રોમાં પ્રોફેશનલ્સને નોકરી મળી રહે છે.

—————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »