તમારા માટે, તમારી સાથે, સતત…

દત્તક બાળક માટે અમેરિકન સિટીઝન યા ગ્રીનકાર્ડધારક દત્તક મા-પિતા ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કરી શકે છે.

0 120

વિઝા વિમર્શ – ડૉ.સુધીર શાહ

એડોપ્શનનો વાયરો

‘હલ્લો… કોણ? દીપિકા? હું ન્યૂ યૉર્કથી, તારી જેઠાણી, નિરંજના બોલી રહી છું.’

‘નિરંજનાભાભી, આમ અચાનક? તમારે ત્યાં તો રાત્રિના બે વાગ્યા હશે, નહીંં?’

‘હા. દીપિકા, મને ઊંઘ જ નથી આવતી.’

‘કેમ?’

‘રિન્કુની યાદ સતાવ્યા કરે છે. આંખ મીંચું છું ને તારી એ નટખટ છોકરી ચાળા પાડતી દેખાય છે. જ્યારથી અમેરિકા આવી છું ત્યારથી રિન્કુની યાદ મારો પીછો છોડતી નથી.’

‘ભાભી, રિન્કુની હાલત પણ એવી જ છે. ‘મારે ભાભુ પાસે જવું છે.’ એવી હઠ એ દિવસના દસ વાર કરે છે. ભાભી, તમે રિન્કુને અમેરિકા બોલાવી લો ને? મને અને તમારા દિયર, દેવેન્દ્રને તો એમ જ લાગે છે કે રિન્કુ અમારી નહીં, તમારી જ દીકરી છે. ઉછેરીને છ વર્ષની તમે જ એને કરી છે.’

‘દીપિકા, રિન્કુ વગર મને અમેરિકામાં ગમતું જ નથી. અહીંના કાયદાઓ એવા છે કે રિન્કુ મારા પેટે જન્મી નથી એટલે એને હું મારી સાથે અમેરિકા લાવી નથી શકી.’

‘તમે જો રિન્કુને એડોપ્ટ કરો તો અમેરિકાના કાયદા મુજબ એ તમારું સંતાન ગણાય.’

‘હેં! શું વાત કરે છે?’

‘હા, ભાભી. દેવેન્દ્રએ અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાના નિષ્ણાત મુંબઈના ઍડ્વોકેટ પાસે જાણકારી મેળવી છે.’

‘રિન્કુને એડોપ્ટ કરવા મારે શું કરવાનું?’

Related Posts
1 of 319

‘તમારે ને મોટા ભાઈએ ઇન્ડિયા આવવાનું. હિન્દુ ધાર્મિક વિધિ પ્રમાણે ‘દત્તાહોમ’ વિધિ કરાવવાની. એમાં હું અને દેવેન્દ્ર રિન્કુને તમને અને મોટા ભાઈને દત્તક આપશું. તમે બંને એને દત્તક લેશો. ત્યાર બાદ આપણે અહીંના ઍડ્વોકેટ પાસે ‘ડીડ ઑફ એડોપ્શન’ તૈયાર કરાવશું.’

‘હા… ભાભી, આ એડોપ્શન ડીડમાં જણાવવાનું કે રિન્કુ તમારા અને ભાઈના કબજામાં બે વર્ષથી વધુ સમય રહી છે. એનો ભરણપોષણનો ખર્ચો તમે કર્યો છે. અમેરિકામાં એને પાળી-પોષી શકો એવી તમારી આર્થિક સ્થિતિ છે. અમે રાજીખુશીથી રિન્કુને તમને દત્તક આપીએ છીએ. તમે એને રાજીખુશીથી દત્તક દીકરી તરીકે સ્વીકારી છે. રિન્કુની ઉંમર અત્યારના સોળ વર્ષથી ઓછી ફક્ત છ વર્ષની છે.’

‘પછી?’

‘એ ડીડ ઑફ એડોપ્શનને સબ રજિસ્ટરની ઑફિસમાં રજિસ્ટર કરાવવાનું રહેશે. ત્યાર બાદ ગવર્મેન્ટ ગેઝેટ તેમ જ બે લોકલ ન્યૂઝપેપરમાં અમે રિન્કુને તમને દત્તક આપી છે અને તમે એને સ્વીકારી છે એવી જાહેરખબર આપવાની.’

‘અરે, આ તો બધું બે દિવસનું કામ છે. હું ઉમેશને હમણા ઉઠાડું છું અને જે ફર્સ્ટ ફ્લાઈટ અવેલેબલ હોય એમાં ઇન્ડિયા આવી પહોંચીએ છીએ.’

‘ભાભી, આમ ઉતાવળે આ બધું ન થાય. જુઓ, સૌપ્રથમ દત્તાહોમ વિધિ ધાર્મિક રીતે કરી શકે એવા મહારાજને શોધવો પડશે. એડોપ્શન ડીડ હોશિયાર વકીલ આગળ બનાવવું પડશે. તમારે રિન્કુ માટે ફૅમિલી સેક્ધડ એ પ્રેફરન્સ કૅટેગરી હેઠળ જરૃરી દસ્તાવેજો આપીને ઇમિગ્રન્ટ વિઝાની પિટિશન દાખલ કરવી પડશે. એ પ્રોસેસ થઈને એપ્રૂવ્ડ થાય, ત્યાર બાદ એની હેઠળ વિઝા ઉપલબ્ધ થાય ત્યારે રિન્કુએ મુંબઈ કૉન્સ્યુલેટમાં અરજી કરીને ઇમિગ્રન્ટ વિઝા મેળવવાના રહેશે.’

‘ઓહ! એટલે રિન્કુ અમેરિકા આવે એ માટે મારે બે-ત્રણ વર્ષની વાટ જોવી પડશે?’

‘હા, ભાભી. તમારે ધીરજ તો ધરવી જ પડશે, પણ બધું જ કાયદેસર કરીએ તો પછી રિન્કુ અમારી મટીને તમારી દીકરી થઈ જશે અને તમારી સાથે હંમેશ માટે અમેરિકામાં રહી શકશે.’

‘વાહ… તો દીપિકા, તું આ બધી તૈયારીઓ શરૃ કરી દે.’

‘ભાભી, બાળકોને ગ્રીનકાર્ડ અપાવવા માટે અનેકો બનાવટી એડોપ્શન કરે છે. હમણા-હમણા આવો એડોપ્શનનો વાયરો વાવા માંડ્યો છે. જેમ અમેરિકન સિટીઝન યા ગ્રીનકાર્ડધારકોને લાખો રૃપિયા આપીને એમની જોડે બનાવટી લગ્ન કરીને લોકો ગ્રીનકાર્ડ મેળવવા ચાહે છે તેમ જ હમણાથી લોકો એમનાં સંતાનોને દત્તક આપીને એમના માટે ગ્રીનકાર્ડ મેળવવા ચાહે છે. આ માટે તેઓ દત્તક લેનાર મા-બાપોને પૈસાની લાલચ આપે છે.’

‘અમેરિકાનું ઇમિગ્રેશન ખાતું જો કોઈ દત્તક બાળક માટે ગ્રીનકાર્ડની અરજી કરે તો એ અરજી ઊંડાણપૂર્વક ચકાસે છે. એની સાથે જે બાતમી આપી હોય, જે પુરાવાઓ રજૂ કર્યા હોય એ સાચા છે કે ખોટા એની તેઓ તપાસ કરે છે. ઘણી વાર એડોપ્શન સાચું હોય તો પણ એને લગતી બધી પ્રક્રિયાઓ જો યોગ્ય રીતે કરવામાં આવી ન હોય, જો પુરાવાઓ જોઈએ તેવા ન હોય તો બાળકને ખરેખર પ્રેમખાતર, લાગણીખાતર દત્તક લીધું હોય તોયે એવા એડોપ્ટેડ બાળકોની ઇમિગ્રન્ટ વિઝાની અરજી નકારાય છે.’

‘તારી વાત સાચી છે, દીપિકા. દેવેન્દ્રને કહે કે પેલા ઇમિગ્રેશનના કાયદાના એક્સ્પર્ટ આગળથી બધી જ જાણકારી મેળવી લે. એમના થકી જ રિન્કુને દત્તક લઈને ગ્રીનકાર્ડની પિટિશન દાખલ કરાવીશું. જેથી આપણે કોઈ ભૂલ ન કરીએ અને પિટિશન એપ્રૂવ્ડ થઈ જાય અને રિન્કુને ગ્રીનકાર્ડ મળી જાય.’

અમેરિકાના ‘ધ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ, ૧૯૫૨’ની કલમ ૧૦૧ (બી)(૧) હેઠળ ‘બાળક’ (ચાઇલ્ડ)ની વ્યાખ્યા આપવામાં આવી છે. આ વ્યાખ્યા હેઠળ સોળ વર્ષની ઉંમર પહેલાં દત્તક લીધેલા બાળકની ગણના પણ ‘ચાઇલ્ડ’ તરીકે કરવામાં આવી છે. જો અમેરિકન સિટીઝન યા ગ્રીનકાર્ડધારક કોઈ બાળકને એ સોળ વર્ષની ઉંમરનો થાય એ પહેલાં દત્તક લે તો તેઓ એ બાળકને પોતાનું ચાઇલ્ડ ગણાવીને ઇમિજિયેટ રિલેટિવ યા ફેમિલી સેક્ધડ એ પ્રેફરન્સ કેટેગરી હેઠળ અમેરિકામાં રહેવા આમંત્રી શકે છે. અમેરિકાના ઇમિગ્રેશનના કાયદામાં દત્તક લીધેલા બાળકને અમેરિકામાં આમંત્રવા માટે અનેક બીજી જરૃરિયાતો પણ રહેલી છે. એ સર્વે પૂરી કરતાં દત્તક બાળક માટે અમેરિકન સિટીઝન યા ગ્રીનકાર્ડધારક દત્તક મા-પિતા ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કરી શકે છે.

———————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »