તમારા માટે, તમારી સાથે, સતત…

અંબાલાલની અવળવાણી

કોમ્પ્યુટરમાં water ટાઇપ કરે તો પણ ICE ટાઇપ થઈ જાય એટલી ઠંડી પડે છે.

0 220
  • હસતાં રહેજો રાજ  – જગદીશ ત્રિવેદી

૨૦૧૯નું વરસ આથમી ગયું અને ૨૦૨૦નું નવું વરસ ઊગી પણ ગયું. જીવનમાં વરસો ઉમેરાય, પરંતુ જો વરસોમાં જીવન ઉમેરાય નહીં, તો જીવતરનો થાક લાગે છે. કોઈની સ્મશાનયાત્રામાં ગયા હોય અને જો પોતાનું મૃત્યુ યાદ ન આવે તો માનવું કે એ પ્રકારના માણસની છાતીના પાંજરામાં ડાબી બાજું હૃદય નામનો સ્પેરપાર્ટ ભુલાઈ ગયો છે.

જીવનમાં એટેન્શન આપવું જોઈએ, પરંતુ કોઈ પણ જગ્યાએ જો જરૃરથી વધુ એટેન્શન આપશો તો એ આપણને ટેન્શન આપશે. સ્મશાનની રાખ જોઈને ખ્યાલ આવે કે રાખ થવા માટે માણસ આખી જિંદગી અન્યનું સુખ જોઈને બળતો રહે છે. આખા જીવનની બળતરા અંતે એને રાખ બનાવીને છોડે છે માટે ૨૦૨૦ના નવા વરસે નાનકડો સંકલ્પ લઈએ કે અન્યનું સુખ જોઈને દુઃખી થશું નહીં. આ સંસારમાં બીજાનું દુઃખ જોઈને દુઃખી થવું સહેલું છે, પરંતુ બીજાનું સુખ જોઈને સુખી થવું કઠિન છે.

‘ગુડ મોર્નિંગ ભાઈ….’ અંબાલાલ પોતાની આદત મુજબ અચાનક ટપકી પડ્યો.

‘આવ ભાઈ… ગુડ મોર્નિંગ.’ મેં આવકાર આપ્યો.

‘ઠંડી બહુ પડે છે કેમ?’

‘અત્યારે શિયાળો છે. શિયાળામાં ઠંડી ન પડે તો શું ગરમી પડે?’

‘કાશ્મીરમાં તો લોકો મોબાઇલ કે કોમ્પ્યુટરમાં water ટાઇપ કરે તો પણ ICE ટાઇપ થઈ જાય એટલી ઠંડી પડે છે.’

‘કેનેડામાં માઇનસ ત્રીસ ડિગ્રી પડે છે ભાઈ… અત્યારે ઠંડીની ઋતુ છે તો ઠંડી તો પડે ભાઈ…’

‘ભોગીલાલ કહેતો હતો કે આ વરસે જોઈએ એવી ઠંડી ન પડી.’

‘ભોગીલાલનું એવું છે કે એ સૌ પ્રથમ આખા શરીર ઉપર ઇનર વેર પહેરે. ત્યાર બાદ જૂનો શર્ટ અને લેંઘો પહેરે. એના ઉપર નવો શર્ટ અને પેન્ટ પહેરે. એના ઉપર લારીમાંથી લીધેલો સેકન્ડ હેન્ડ કોટ પહેરે. પહેલા કાન ઉપર રૃમાલ બાંધે. પછી એના ઉપર ગરમ ટોપી પહેરે. આખો ડામચિયો શરીર ઉપર ખડકીને કોઈ બસનું રિટાયર્ડ ટાયર સળગાવીને તાપણુ કરે અને પછી તાપતાં – તાપતાં કહે કે આ વરસે જોઈએ એવી ઠંડી પડી નહીં.’ મેં ભોગીલાલની વેશભૂષાનું વિગતવાર વર્ણન રજૂ કર્યું.

‘તારી વાત સાચી છે લેખક… આજનો માણસ શિયાળામાં એમ કહે છે કે, બધી ઋતુ સારી, પણ શિયાળો સારો નહીં. ઉનાળામાં એ જ માણસ એમ બોલે કે ગરમી પડે એ સારું નહીં. એનો એ જ માણસ ચોમાસામાં મોઢંુ બગાડીને બોલે કે, વરસાદના કારણે ગંદગી-કાદવ-કીચડ-મચ્છર બહુ થાય છે, એટલે ચોમાસું સારું નહીં. આપણને કહેવાનું મન થાય કે તને શિયાળો ન ગમે, ઉનાળો ન ગમે, ચોમાસંુ ન ગમે તો પછી તને શું ગમે છે?’

‘એને પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ એક જ ગમે.’

‘૨૦૨૦ શરૃ થઈ ગયું અને આ વરસે આખું વરસ ધ્યાન રાખવું પડશે. તારીખ સાથે સાલ લખીએ ત્યારે ૨૦૨૦ પૂરું લખવું પડશે. જો માત્ર ૨૦ લખીશું તો લોકો ૨૦૨૦થી ૨૦૯૯ સુધીની કોઈ પણ સાલ લખી શકશે.’

‘એમ તો ૨૦૦૧થી ૨૦૧૯ સુધીની ભૂતકાળની સાલ પણ લખી શકે માટે ૨૦૨૦ સ્પષ્ટ લખવું પડશે. ૨૦૨૦ એટલે ટ્વેન્ટી-ટ્વેન્ટી. હવે ટેસ્ટમાંથી વન-ડે અને વન-ડેમાંથી ટ્વેન્ટી-ટ્વેન્ટીનો જમાનો આવ્યો.

આપણા મુખ્યમંત્રી ગઈ ૨૭ ડિસેમ્બરે અમદાવાદ અને સુરેન્દ્રનગર એમ બે શહેરોની સભામાં બોલ્યા હતા કે, હું વન-ડે નહીં, પરંતુ ટ્વેન્ટી ટ્વેન્ટીનો ખેલાડી છું. હું અડધી પીચ પર આવીને રમું છું. હું ક્રીઝની ચિંતા કરતો નથી.’

‘અડધી પીચે રમવાનો એક ફાયદો છે અને એક નુકસાન પણ છે. ફાયદો એ કે બોલ સ્પીન થાય તે પહેલાં જ ફટકારી શકો. જો દડો બેટમાં આવી જાય તો ચોક્કો કે છગ્ગો મારી શકો, અને નુકસાન એ છે કે અડધી પીચે આવ્યા પછી જો દડો ચૂકી જાવ તો વિકેટકીપર તમને સ્ટમ્પિંગ આઉટ કરી શકે છે.’ મેં વાસ્તવિકતા રજૂ કરી.

‘રાજકારણમાં તો સામેની ટીમવાળો જ આઉટ કરે એવું નથી. ઘણીવાર પોતાની જ ટીમનો ખેલાડી તમને આઉટ કરી પોતે બેટિંગ કરવા મંડે એવું પણ બને છે.’

‘હા… ભૂતકાળમાં આપણા રાજ્યના એક મુખ્યમંત્રી પરદેશ ગયા એ ક્રીઝ છોડીને દૂર ગયા એમાં એમની જ ટીમના એક ખેલાડીએ સાહેબને આઉટ કરી નાખ્યા અને પોતે સિંહાસન ઉપર બિરાજમાન થઈ ગયા હતા.’

‘રાજકારણ અને યુદ્ધમાં કશું જ અસંભવ નથી.’

‘વગડે જતાં વળગે એને કારણ કહેવાય, પરંતુ વગર કારણે જે વળગે એને રાજકારણ કહેવાય.’

‘હવે તો પોલિટિક્સ પણ મોટો બિઝનેસ બની ગયો છે.’ અંબાલાલે કહ્યું. ‘વચ્ચે એક વાત કરી દઉં દોસ્ત. અત્યારે ક્યા ક્ષેત્રમાં બિઝનેસ નથી? રાજકારણ, શિક્ષણ, કલા, સાહિત્ય, ધર્મજગત અને રમત-જગત બધા જ ક્ષેત્રોમાં વ્યવસાય આવી ગયો છે.’ મેં તમામ ક્ષેત્રોના વેપારીકરણ તરફ આંગળી ચીંધી.

Related Posts
1 of 29

‘એક પેઇન્ટર રડતો-રડતો પોલીસ સ્ટેશન ગયો અને ફરિયાદ કરી કે, મારું ખિસ્સું કપાઈ ગયું છે. જમાદારે પૂછ્યું કે, ક્યાં કપાયું અને કેવી રીતે કપાયંુ? તો પેઇન્ટરે કહ્યું કે, હું એસ.ટી. ડેપોમાં સૂચના લખતો હતો કે

ખિસ્સાકાતરુથી સાવધાન અને મારું ખિસ્સું કપાઈ ગયું છે.’

‘અરે વાહ… આ તો જોરદાર ઘટના કહેવાય.’ મેં કહ્યું.

‘જમાદારે ખડખડાટ હસીને કહ્યું કે, તમે એના ધંધાને માઠી અસર પડે એવું કરો તો પછી એ તમને નુકસાન કરે એ સ્વાભાવિક છે.’

‘મને તારી વાત ઉપરથી એક વાત યાદ આવી. એકવાર એક ખિસ્સાકાતરુએ નિષ્ઠાથી કોઈનું ખિસ્સું કાપ્યું. પાકીટ તફડાવીને દૂર ગયો અને પાકીટ ખોલીને જોયું તો એમાં એક પણ રૃપિયો નહોતો.’

‘શું વાત કરે છે? એક રૃપિયો પણ નહીં?’

‘ના… એક પણ રૃપિયો નહોતો. એમાં એક બિલ હતંુ અને સાથે ચિઠ્ઠી હતી. એ  ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, તમને દયા આવે તો આ બિલ ભરી દેજો. ભગવાન તમારા ધંધામાં બરકત આપે એવી શુભકામના.’

‘વાહ.. કમાલનો માણસ કહેવાય.’

‘માણસની બેકારી વધતી જાય છે એમ હોશિયારી પણ વધતી જાય છે. માણસ છીંક ખાય, બગાસંુ ખાય, ઠેસ ખાય, ચાડી ખાય, કોઈની ગાળ ખાય, પરંતુ ખાવા જેવી ચીજ ગમ ખાતો નથી તેથી જીવનમાં વરસો ઉમેરાય છે, પરંતુ વરસોમાં જીવન ઉમેરાતું નથી.’

‘આ ૨૦૧૯ પૂરું થયું અને ૨૦૨૦ શરૃ થયું. ભલે નવા વરસે નફો ન વધે, પરંતુ સમજણ પણ ન વધે તો આ બધો વ્યર્થ વ્યાયામ છે.’

‘અંબાલાલ… તારી વાત સાવ સાચી છે. નવા વરસે બબ્બે શબ્દનાં માત્ર પાંચ સૂત્રોનો અમલ કરીએ તો પણ ખૂબ ફાયદો થાય એવું છે.’ મેં કહ્યું, ‘કયા પાંચ સૂત્રો…?’

‘વહેલા ઊઠો, હળવો વ્યાયામ, સાદો ખોરાક, વ્યસનનો ત્યાગ અને પરમમાં શ્રદ્ધા.’ મેં કહ્યું.

‘વાહ લેખક.. તેં તારી બાવન વરસની જિંદગીના નિચોડ જેવા આ પાંચ સૂત્રો આપી દીધા.’ અંબાલાલે કહ્યું.

‘એક વાર અમલમાં મુકો તો મઝા પડશે.’

‘મારે પહેલા જ સૂત્રમાં વાંધો પડે છે. એકવાર તારી ભાભીએ મને વહેલો પાંચ વાગ્યે જગાડ્યો. મેં ઘડિયાળમાં જોઈને મોઢું બગાડીને આમ કરવાનું કારણ પૂછ્યું તો બોલી કે, બાજુવાળા બાબુકાકાના ત્રીજી વખતનાં પત્ની ગુજરી ગયા છે. તમારે એની સ્મશાનયાત્રામાં જવાનું છે એટલે વહેલા જગાડ્યા છે.’

‘પછી?’

‘પછી મેં તારી ભાભીને તરત જ કહ્યું કે, હું બાબુકાકાના ઘેર બબ્બે વખત જઈ આવ્યો, પરંતુ એ હજુ સુધી આ પ્રકારના કામથી એક પણ વખત મારા ઘરે આવ્યો નથી.’

‘તેં તો ભારે કરી ભાઈ…’ મેં કહ્યું.

‘મારી વાત સાંભળીને તારી ભાભી બોલી કે, બાબુકાકાને એ કામથી આપણા ઘેર લઈ આવવાની તમારી ઇચ્છા ક્યારેય પુરી થશે નહીં, કારણ ભગવાને મારી પણ એક ઇચ્છા પુરી કરી નથી.’

‘કઈ ઇચ્છા?’ મેં પૂછ્યું.

‘અખિલ ગુજરાત વિધવા મંડળના સભ્ય થવાની ઇચ્છા.’ અંબાલાલે વાત પુરી કરી અને અમારા બંને મિત્રોના ખડખડાટ હાસ્યથી અમારા ઘરનો ડ્રોઇંગ રૃમ ભરાઈ ગયો.

——————————

Leave A Reply

Your email address will not be published.

Translate »