તમારા માટે, તમારી સાથે, સતત…

વૈધાનિક, તાર્કિક અને બૌદ્ધિક રીતે શ્રેષ્ઠ કહી શકાય તેવો ચુકાદો

અયોધ્યાનો ચુકાદો સમાજમાં પારસ્પરિક સંતુલનની સાથે-સાથે ભવિષ્યમાં થનારી સામાજિક પ્રગતિ, સૌહાર્દ અને એકમેક પ્રત્યેના પ્રેમ માટેની આધારશિલા પણ બની શકે છે,

0 128
  • કવર સ્ટોરી – જસ્ટિસ પીયૂષ માથુર

લાંબા સમયથી ચાલી રહેલા અયોધ્યા વિવાદનો નિવેડો લાવવા દેશની સુપ્રીમ કોર્ટે એટલો બુદ્ધિમત્તાપૂર્ણ ચુકાદો આપ્યો છે કે જેને વૈધાનિક, તાર્કિક અને બૌદ્ધિક રીતે શ્રેષ્ઠ કહી શકાય તેમ છે. બંધારણીય બેંચના ચીફ જસ્ટિસ સહિત પાંચેય જજ તમામ તથ્યો અને કાયદાકીય બાબતો પર લાંબી દલીલો સાંભળ્યા પછી પહેલા તો તેઓ એકમત પર આવ્યા તે આ ચુકાદાની સૌથી સારી બાબત છે. જે ન્યાયપાલિકાની નિષ્પક્ષતા અને સકારાત્મકતાને પ્રસ્થાપિત કરે છે. કેસ કોઈ પણ હોય, દરેક પક્ષકાર વ્યક્તિગત પસંદ-નાપસંદ અને વિચારધારાને અલગ રાખીને ન્યાયાધીશ ચુકાદો આપે તેવી અપેક્ષા રાખતા હોય છે. ઉપરાંત કોર્ટ સમક્ષનાં તથ્યો અને પુરાવાને પણ ધ્યાનમાં લેવા જોઈએ.સુપ્રીમ કોર્ટે પણ પ્રત્યેક વિવાદિત બાબતોને ધ્યાનમાં રાખીને ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો જોકે કયા જજે લખ્યો છે તેનો ચુકાદાની શરૃઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સામાન્ય રીતે કોઈ પણ ચુકાદામાં જજનું નામ ‘ઓથર ઓફ જજમેન્ટ’ તરીકે લખાય છે. જજમેન્ટના આખરે પાંચેય જજના નામ લખવામાં આવ્યા છે જે દર્શાવે છે કે પાંચેય જજે આ ચુકાદો સર્વસંમતિથી આપ્યો છે. તમામ માપદંડને ધ્યાનમાં રાખવામાં આવે તો ટાઇટલ સૂટ એટલે કે માલિકી હક્ક પર આ એક સંતુલિત નિર્ણય છે. ‘ઇટ્સ અ ડિસિજન ઓન મેરિટ્સ ઓફ ધી કેસ’ એટલે કે સામાન્ય રીતે જે રીતે કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવે છે તેવો તથ્યોના મેરિટ્સ પર અપાયેલો આ ચુકાદો છે.

Related Posts
1 of 319

પરમપૂજ્ય રામલલ્લાને એક જ્યુરિસ્ટિક પર્સનની માન્યતા આપવી, આ વિવાદિત પ્રશ્નના નિરાકારણનો અંશ જ છે, જે બાબત પર એ વાત નિર્ધારિત કરવામાં આવી કે ભગવાન રામનું જન્મસ્થાન હોવાના કારણે  અને તે સ્થાન પર મંદિરના અવશેષો મળ્યા હોવાના પુરાતત્ત્વ વિભાગના પુરાવાને ધ્યાનમાં લેતા રામલલ્લાને વૈધાનિક વ્યક્તિ તરીકે કોર્ટે માન્ય રાખ્યા છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે અલગ-અલગ અપેક્ષા રાખતા પહેલાં એ પણ યાદ રાખવું જોઈએ કે સુપ્રીમ કોર્ટમાં અલ્હાબાદ હાઈકોર્ટે આપેલા ટાઇટલ સૂટના ચુકાદા સામે સુનાવણી ચાલી રહી હતી. હાઈકોર્ટ કોર્ટ ઓફ ફેક્ટ અને કોર્ટ ઓફ લૉ તેમ બંને હોય છે, જ્યારે સુપ્રીમ કોર્ટને કોર્ટ ઓફ લૉ માનવામાં આવે છે. કેમ કે ત્યાં માત્ર કાનૂની પ્રક્રિયાનું યોગ્ય અનુસરણ કરાયું છે કે કેમ તેની સુનાવણી થતી હોય છે. જોકે અયોધ્યા મામલે તથ્યાત્મક તથા વૈધાનિક સહિત તમામ બાબતો પર સુનાવણી થઈ હતી. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે સંવિધાનના અનુચ્છેદ ૧૪૨ હેઠળ મળેલી અમર્યાદ સત્તા (એકસ્ટ્રા ઓર્ડિનરી પાવર્સ)નો ઉપયોગ કરીને ૫ એકર જમીન સુન્ની વકફ બોર્ડને મસ્જિદ બનાવવા આપવા માટે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારને આદેશ કર્યો છે, જે સંપૂર્ણ રીતે સંવૈધાનિક અને ન્યાયિક જણાય છે. સુપ્રીમ કોર્ટનો સંપુર્ણ ચુકાદો જો વાંચવામાં આવે તો તમામ પાંચેય જજ સામે આદર અને સન્માનની લાગણી જાગે છે. કેમ કે લગભગ તમામ પેરેગ્રાફમાં એકદમ સંતુલિત ન્યાયિક અને તથ્યો આધારિત વિવેચન જોવા મળે છે. તેમજ વિદ્વતાપૂર્ણ નિષ્કર્ષ પર પહોંચવાનો પ્રયાસ જોવા મળે છે.

ચુકાદાના અંતિમ પેરેગ્રાફમાં પાંચમાંથી એક જજના અલગ રીતે ટાંકવામાં આવેલા નિર્ણયમાં સંસ્કૃતના શ્લોકોની અદ્ભુત વ્યાખ્યા કરવામાં આવી છે જે ચુકાદાને વધુ તર્કસંબદ્ધ અને વિશ્વસનીય બનાવે છે. જજના આ નિર્ણયને ચુકાદાના મુખ્ય ભાગનો અંશ પણ બનાવી શકાતો હતો, પરંતુ અહીં પણ જજો દ્વારા ઉચ્ચ પ્રકારના વિવેકનું ઉદાહરણ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. તેથી એવું પ્રતીત ન થાય કે ચુકાદો તથ્યોના બદલે વેદ-પુરાણો આધારિત બૌદ્ધિક તર્ક-વિતર્કના સિદ્ધાંતો આધારિત હતો.ચુકાદાના અંતમાં પેરેગ્રાફ ૩૨માં પુરાણનો ઉલ્લેખ કરીને સંસ્કૃત શ્લોક ‘અયોધ્યા મથુરા માયા કાશી કા ચી હયવહનિકા, પુરી દ્વારાવતી ચૈવ સપતેતા મોક્ષદાયિકા’ પણ ટાંકવામાં આવ્યો છે, જે દેશનાં સાત સૌથી પવિત્ર નગરો અને તેના મહત્ત્વને દર્શાવે છે. સમગ્ર રીતે જોતા અયોધ્યાનો ચુકાદો સમાજમાં પારસ્પરિક સંતુલનની સાથે-સાથે ભવિષ્યમાં થનારી સામાજિક પ્રગતિ, સૌહાર્દ અને એકમેક પ્રત્યેના પ્રેમ માટેની આધારશિલા પણ બની શકે છે, જે આ ચુકાદો વાંચતા ચોક્કસપણે લાગે છે.

(જસ્ટિસ પીયૂષ માથુર મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ છે)
———————————————

Leave A Reply

Your email address will not be published.

Translate »