તમારા માટે, તમારી સાથે, સતત…

શિલ્પશાસ્ત્રથી વિરુદ્ધ પ્રસ્તાવ હશે તો હું પ્રોજેક્ટ છોડી દઈશઃ ચન્દ્રકાંત સોમપુરા

જૂની યોજના મુજબ ભગવાન શ્રીરામનું આ મંદિર નાગર શૈલીનું અષ્ટકોણીય મંદિર હશે.

0 621
  • કવર સ્ટોરી – હિંમત કાતરિયા

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા સ્થપતિ ચન્દ્રકાંત સોમપુરા અને તેમના પરિવારે પ્રખ્યાત સોમપુરા સ્થાપત્ય શૈલીમાં સિદ્ધતા હાંસલ કરી છે. ૭૭ વર્ષીય ચન્દ્રકાંત સોમપુરા ૧૦૦થી વધુ મંદિરો બનાવી ચૂક્યા છે. સોમનાથ મંદિર તેમના દાદાએ બનાવ્યું હતું. કૃષ્ણ-જન્મભૂમિ મથુરાનું મંદિર પણ તેમના દાદાએ બનાવ્યું હતું અને શ્રીરામનું મંદિર પૌત્ર બનાવી રહ્યા છે. અક્ષરધામ, અંબાજી મંદિર, જૈનોના શંખેશ્વર, પાલિતાણાનાં મોટાં મંદિરો સોમપુરા પરિવારે બનાવ્યા છે. ચન્દ્રકાંત સોમપુરાને તેમના બે પુત્રો નિખિલ અને આશિષ મદદ કરી રહ્યા છે.

અયોધ્યામાં મંદિર બનાવવાનો ચુકાદો ભલે અત્યારે આવ્યો, મંદિર છેલ્લાં ૩૦ વર્ષથી બની રહ્યંુ હતું. ગુજરાત માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે આ મંદિરના સ્થપતિ જાણીતી સોમપુરા સ્થાપત્ય શૈલીના ચન્દ્રકાંત સોમપુરા છે. ચન્દ્રકાન્તભાઈ કહે છે, ૩૦ વર્ષ પહેલાં વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ સ્વ. અશોક સિંઘલજી મને મંદિરની રચનાનું કામ સોંપ્યંુ હતું. આટલાં વર્ષો વહી ગયાં, અશોક સિંઘલજીએ કદી રામ મંદિર નિર્માણ માટે શંકા સેવી નથી. તેઓ મને સધિયારો આપતા કહેતા કે મંદિર સો ટકા બનશે અને ખર્ચની પણ ચિંતા ન કરશો. ભારતના તમામ હિન્દુઓ પાસેથી મંદિર નિર્માણ માટે એક-એક રૃપિયો ઉઘરાવીશું તો પણ સો કરોડ રૃપિયા ભેગા થઈ જશે. જોકે હવે જ્યારે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે ત્યારે ચારેકોરથી મંદિર નિર્માણમાં દાનનો પ્રવાહ ચાલુ થઈ ગયો છે. સમાચારો પ્રમાણે, તિરુપતિ બાલાજી મંદિર દ્વારા શ્રીરામ મંદિર નિર્માણ માટે ૧૦૦ કરોડ રૃપિયા આપવાની જાહેરાત થઈ છે, પટનાના મહાવીર ટ્રસ્ટે ૧૦ કરોડ રૃપિયા આપવાની જાહેરાત કરી છે.

ખેર, આપણે મંદિર નિર્માણના એ શરૃઆતના દિવસો તરફ પાછા ફરીએ. મંદિરના સ્થાપત્યને લગતા કામ માટે ચોક્કસાઈપૂર્વકનું માપ લેવું જરૃરી છે. મામલો ન્યાયાલયને આધીન હતો તો તમે જગ્યાનું માપ કઈ રીતે લઈ શક્યા? પ્રશ્નના જવાબમાં ચન્દ્રકાંતભાઈ કહે છે, અશોક સિંઘલ મને તે વખતે સાઇટ ઉપર લઈ ગયા હતા અને મને કહે કે તમે ચુપચાપ અંદર જઈને ડગલાથી માપ લઈ લો. હું તમારી સાથે આવીશું તો તમને ડગલાથી પણ માપ લેવા નહીં દે. મેં  ત્રણ રૃમમાં અંદર જઈને ૧૫થી ૨૦ મિનિટ ચાલીને ડગલાથી માપ લીધંુ અને તેને યાદ રાખીને એક ડગલું બરાબર દોઢ ફૂટ લેખે ગણતરી કરીને નકશા અને ડિઝાઇન તૈયાર કરી. કેમ કે તે સમયે પેન પણ સાથે લઈ જવા દેતા નહોતા. પ્રયાગરાજ મહાકુંભમાં સાધુ-સંતો વચ્ચે એ ડિઝાઇન મુકાઈ અને મંજૂર થઈ. મહાકુંભમાં બે ડિઝાઇન મૂકવામાં આવી હતી જેમાંથી એક ડિઝાઇન પાસ થઈ હતી.

શરૃઆતમાં કામ ધીમી ગતિએ થયંુ હતું, પરંતુ ૧૯૯૨ પછી કામમાં ગતિ આવી હતી. ચન્દ્રકાંતભાઈ કહે છે, ‘મંદિરના પથ્થર તરાશવાનું કામ અયોધ્યાના કારસેવકપુરમ્ માં શરૃ થયું હતું, પરંતુ ત્યાં જગ્યાની સંકડાશને કારણે અમે રાજસ્થાનના શિરોહી જિલ્લાના પિંડવારામાં અને બાજુના અજારી અને કોજરા ગામમાં ત્રણ કાર્યશાળા ઊભી કરી હતી. અહીં પથ્થરો તરાશીને અયોધ્યા મોકલવામાં આવતા હતા. રાજસ્થાનમાં કામ કરવામાં ઘણી સગવડતા રહેતી હતી.સ્થાનિક કારીગરો સરળતાથી મળી રહેતા અને પથ્થર રાજસ્થાનના ભરતપુરમાંથી આવતો હતો એટલે તેને અહીં ઘડવામાં સુગમતા રહેતી હતી. રાજસ્થાનમાં પથ્થરોનું કોતરણી કામ ૧૯૯૬થી ૨૦૦૨ સુધી એટલે કે ૬ વર્ષ ચાલ્યું હતું. કુલ મળીને ૪૦૦ જેટલા કારીગરો કામ કરતા હતા. ત્યારબાદ ફરી કારીગરોને અયોધ્યા લઈ જવામાં આવ્યા હતા. શરૃઆતમાં ૪૦ કારીગરો સાથે કામ શરૃ કર્યું હતું.’

બે માળના ભવ્ય રામ મંદિરના પથ્થરોનું કોતરકામ આજથી ૩૦ વર્ષ પહેલાં ચાલુ કરી દેવામાં આવ્યંુ હતું. કોતરકામ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને દેશના અન્ય પ્રદેશોમાં થયું છે. જૂની યોજના મુજબ ભગવાન શ્રીરામનું આ મંદિર નાગર શૈલીનું અષ્ટકોણીય મંદિર હશે. ચારેય દિશામાં ચાર પ્રવેશદ્વારો હશે. દક્ષિણ દિશાનો પ્રવેશદ્વાર દક્ષિણ ભારતના સ્થાપત્ય મુજબનો અને એ જ રીતે પશ્ચિમ, પૂર્વ અને ઉત્તર દિશાના પ્રવેશદ્વાર ભારતના તે પ્રદેશના સ્થાપત્ય પ્રમાણેના હશે. મંદિરના પાંચ દ્વાર હશે, સિંહ દ્વાર, નૃત્ય મંડપ, રંગ મંડપ, ગર્ભ ગૃહ અને પરિક્રમા માર્ગ. મંદિરનો મુખ્ય દરવાજો મકરાણાના સફેદ મારબલથી બનાવવામાં આવશે. ચન્દ્રકાંતભાઈ કહે છે, ‘દરવાજાને વારંવાર સ્પર્શથી નુકસાન થાય છે. તે માટે મારબલનો દરવાજો બનાવવાનું નક્કી થયંુ છે.’ અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ૨૭૦ ફૂટ લાંબું, ૧૪૫ ફૂટ પહોળું અને ૧૪૧ ફૂટ ઊંચું મંદિર બનવા જઈ રહ્યંુ છે અને પથ્થરોનું કંડારકામ ૪૫ ટકા પૂરું થઈ ગયું છે. મંદિર ઘણુ ભવ્ય બનશે. મંદિરનું ગર્ભગૃહ સોમનાથના મંદિર કરતાં પણ મોટું હશે. અત્યાર સુધીમાં ૧ લાખ ઘનફૂટ પથ્થર વપરાયો છે અને હજુ ૧.૫ લાખ ઘનફૂટ જેટલો પથ્થર વપરાશે. મંદિર નિર્માણમાં ક્યાંય સિમેન્ટ કે લોખંડનો ઉપયોગ કરવામાં નહીં આવે. મંદિરમાં કુલ ૨૧૨ પિલર લાગશે. પહેલા માળે ૧૦૬ અને બીજા માળે ૧૦૬ પિલર લાગશે. આ એક-એક સ્તંભ ઉપર રામના જીવન ચરિત્રને લગતી ૧૬-૧૬ મૂર્તિઓ કંડારવામાં આવશે. સ્તંભો ઉપર ત્રણ ફૂટની પહોળાઈના બીમ હશે અને બીમ ઉપરનું ભોયતળિયું એક ફૂટ જાડા પથ્થરમાંથી બનાવવામાં આવશે. મંદિર બે માળનું હશે અને નીચલા માળે ૧૦ ફૂટ પહોળું પરિક્રમા સ્થળ પણ હશે. જ્યાં ભક્તો મંદિરની પરિક્રમા કરશે. બે માળના આ મંદિરમાં નીચલા માળે રામ ભગવાનની મૂર્તિ હશે અને ઉપરના માળે રામ દરબાર હશે. બંને માળે એક ગર્ભગૃહ હશે જેમાં પૂજારીની બેસવાની જગ્યા હશે. આ મુખ્ય મંદિર ઉપરાંત મંદિર પરિસરમાં બીજા ચાર મંદિર બનાવવામાં આવશે. જેમાં સીતા, હનુમાન, ભરત અને ગણેશજીનાં મંદિર હશે. મંદિરમાં બે મંડપમાં પ્રત્યેકમાં ૫૦૦ લોકો બેસી શકે તેટલી ક્ષમતા છે.

સોમપુરા બંધુઓને તત્કાલીન વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ સ્વ. અશોક સિંઘલે મંદિર નિર્માણનું કામ સોંપ્યું તે વખતની સ્થિતિ અને વર્તમાન સ્થિતિ વચ્ચે ત્રણ દાયકાના વહાણા વાઈ ગયા છે. બધું જ બદલાઈ ગયું છે. કાનૂની રીતે જોઈએ તો વિશ્વ હિન્દુ પરિષદ શ્રીરામ મંદિરના ચિત્રમાંથી બહાર છે અને સુપ્રીમ કોર્ટે સરકારને મંદિરની કમિટી નિમવાનો આદેશ કર્યો છે. મંદિરની રૃપરેખા ઘડ્યાના ત્રણ દાયકા બાદ આજે તમને એવું લાગે છે કે સમગ્ર આયોજન બદલાઈ શકે? વધુ ભવ્ય અને વધુ મોટું મંદિર બનાવવાનો નિર્ણય થઈ શકે? આ પ્રશ્નના જવાબમાં ચન્દ્રકાંત સોમપુરા કહે છે, આ જ મુદ્દા ઉપર અયોધ્યાના ચુકાદા બાદ બે દિવસ પહેલાં વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ વિષ્ણુ કોકજેજી મને મળવા આવ્યા ત્યારે મેં વાત કરી હતી. મેં તેમને પ્રશ્ન કર્યો હતો કે નવી કમિટી આવે અને એ એમ કહે કે અમારે મંદિરની ડિઝાઇનમાં ધરમૂળથી ફેરફાર કરવો છે. આજે રેકોર્ડ સર્જવાની હોડ જામી છે. એમ કહે કે ૨૫૦ નહીં, પણ ૫૦૦ ફૂટનું મંદિર બનાવવું છે તો? મારા આ પ્રશ્નના જવાબમાં કોકજેજીએ મને જવાબમાં સ્પષ્ટ કહ્યું છે કે લોકો સામે રામમંદિરના ૧૦૦ ફોટા મુકો અને કહો કે આમાંથી રામમંદિરનો ફોટો અલગ કાઢી દે તો આ જ ફોટો કાઢશે. લોકોના મગજમાં આ ફોટો જ બેસી ગયો છે. આમાં કોઈ આઘંુપાછું કરશે નહીં અને કરશે તો જનમાનસ તેને સ્વીકારશે નહીં. લોકોના ઘરોમાં આ મંદિરના ફોટા મૂકવામાં આવ્યા છે અને લોકો તે ફોટાની પૂજા કરે છે એટલે મંદિરનું સ્વરૃપ બદલવાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો. હું નથી માનતો કે કંઈ ફેરફાર થાય. છતાં આ તો સરકાર છે.’

સરકારને વધુ મોટું મંદિર બનાવવું હોય તો આ કોતરકામ કરેલા પથ્થરો કોઈ કામના નહીં રહે. નવેસરથી બિંબ માટે જરૃરી મોટા પથ્થરો નિકળે તેવી ખાણો શોધવી પડે. ચન્દ્રકાંતભાઈ કહે છે, ‘માનો કે બિંબ ૧૫- ૨૦ ફૂટ લાંબા નાખવાનું નક્કી થાય તો તેવા માપના પથ્થરો ખાણોમાંથી મેળવતાં જ બે વર્ષ નીકળી જઈ શકે. જોકે શિલ્પ શાસ્ત્રથી વિરુદ્ધ પ્રસ્તાવ હશે તો હું પ્રોજેક્ટ છોડી દઈશ.’
———-.

૫૦ રૃપિયાનો ઘનફૂટ પથ્થર આજે ૭૦૦ રૃપિયાનો થઈ ગયો છેઃ ચન્દ્રકાંત સોમપુરા

પ્રસ્તુત છે શ્રીરામ મંદિર, અયોધ્યાના સ્થપતિ ચન્દ્રકાંત સોમપુરા સાથેની અભિયાનની વાતચીતના કેટલાક અંશોઃ

અભિયાનઃ પહેલેથી જ ભવ્ય મંદિર બનાવવાનું નક્કી હતું કે પાછળથી તમને તેમની ભવ્યતામાં ઉમેરો કરવાનું કહેવાયું?
ચન્દ્રકાંત સોમપુરાઃ ના, પહેલેથી જ મંદિરની ડિઝાઇનમાં ભવ્યતા હતી. આ અષ્ટકોણીય મંદિર છે અને તે એટલા માટે કે વિષ્ણુ ભગવાનના આઠ અવતારો છે. મંદિરનું શિખર પણ અષ્ટકોણીય છે. શ્રીરામ મંદિરનું ગર્ભગૃહ ૨૦ ફૂટનું રહેશે જે સોમનાથ મંદિર કરતાં પણ મોટું છે.

Related Posts
1 of 70

આ મંદિરના સ્થાપત્ય માટે તમે કોઈ અન્ય મંદિરમાંથી પ્રેરણા લીધી કે તમને કહેવામાં આવેલું?
ના, આ મંદિરની સાથે અન્ય કોઈ મંદિરને સરખાવી શકાય તેમ નથી. કોઈ પણ બાબતે નકલ કરવામાં નથી આવી. આમ જુઓ તો તમને બધાં મંદિરો એકસરખાં જ લાગે, પરંતુ દરેકની વિશેષતા જુદી જુદી હોય છે. અષ્ટકોણીય મંદિરો જવલ્લે જ જોવા મળે છે.

આવાં અષ્ટકોણીય મંદિરો તમારા અંદાજ ભારતમાં ક્યાં અને કેટલાં હશે?
આવાં બહુ જૂના મંદિર ક્યાંક હશે. મેં તો એક-બે મંદિર જ આવા જોયા છે. આવું એક અષ્ટકોણીય મંદિર ઉદયપુરથી ૯૮ કિલોમીટર દૂર રાણકપુરનું સૂર્યમંદિર છે. જે ૧૩મી સદીમાં બંધાયું હતું.

૩૦ વર્ષ પહેલાં મંદિર નિર્માણનું કામ ચાલુ કરી દીધું હતું, તો તે વખતે મનમાં એવો સંશય હતો કે કોર્ટમાં કેસ ચાલે છે, તો મંદિર ન પણ બને?
સદીઓથી આ વિવાદિત સ્થળ હતું એટલે મંદિર નિર્માણ થશે કે નહીં એને લઈને બધાને સંશય હતો, પરંતુ અશોકજીએ હિંમતભેર કહ્યું હતું કે આપણે મંદિર નિર્માણ કરવાનું જ છે અને રામજન્મ ભૂમિની જગ્યાએ મંદિર ઊભું થશે જ. મંદિર વહી બનાયેંગે… અશોકજીએ કહ્યું કે આપણે કામ શરૃ કરીએ અને કામ કરેલું હશે તો કામ આવશે. એટલે જ આજે ૪૫ ટકા જેટલી ઘડાઈ થઈ ગઈ છે.

વહેલું મંદિર નિર્માણ કાર્ય શરૃ કરી દેવાના ફાયદાઓ કયા છે?
મંદિર નિર્માણનું કામ શરૃ કર્યું ત્યારે ૫૦ રૃપિયે ઘનફૂટ પથ્થર મળતો હતો આજે એ જ પથ્થરના ૭૦૦ રૃપિયા છે. જો આ પથ્થર ઘડાયા ન હોત તો બજેટ ઘણુ વધી જાત અને સમય પણ ઘણો જાત.

વચ્ચે ક્યારેય નાસીપાસ થઈને કામ અટકાવ્યંુ હતું?
ના, કામ સતત ચાલતું હતું, છેલ્લા ચારેક વર્ષથી કામ ધીમંુ પડ્યંુ હતું પરંતુ છેલ્લા બે વર્ષથી કામ સાવ બંધ કરવામાં આવ્યંુ હતું. કેમ કે આ કેસમાં ઘણા પક્ષો કૂદી પડ્યા હતા. એટલે જલ્દી આ કેસનો નિવેડો આવશે એવી શક્યતા લાગતી નહોતી. એટલે છેલ્લે બે કારીગરો કામ કરતા હતા તેમને પણ રજા આપી દીધી હતી.

મંદિર નિર્માણમાં કયુ કામ પૂરું થયું છે અને કયુ બાકી છે?
નીચેના મજલાની પ્લીન્થ, પિલર, બીમ અને છત ઘડાઈ ગયા છે. ઉપરના મજલાના અમુક પિલર અને અમુક બીમ ઘડાઈ ગયા છે. શિખર અને ઘુમ્મટ બાકી છે.

પરિસરમાં બીજી કઈ સુવિધાઓ ઊભી કરવાનું આયોજન છે?
સંકુલમાં મંદિરની સામે ૭૧ ફૂટનો કીર્તિસ્તંભ બનશે. સંકુલમાં ભોજનશાળા, રિસર્ચ રૃમ, કથા મંડપ, લાઇબ્રેરી, સંત નિવાસ, સ્ટાફ ક્વાર્ર્ટ્સ વગેરે ઘણી સુવિધાઓ છે. આ સુવિધામાં અનેક સુધારા વધારા થઈ શકે છે. અમારો વિચાર ૨.૬ એકરની સીમિત જગ્યા પૂરતો હતો. સરકાર આસપાસની જમીન હસ્તગત કરીને તિરુપતિની જેમ ટાઉન પણ બનાવી શકે છે.

તમે જ મંદિર બનાવશો એમાં તમને કોઈ શંકા?
સરકાર ટ્રસ્ટ બનાવશે. એ ટ્રસ્ટમાં કેવા માણસો આવે છે અને તે કેવા ફેરફારો સૂચવે છે તેના ઉપર બધો આધાર છે. અમે માત્ર શાસ્ત્ર સંમત મંદિરો બનાવીએ છીએ. ગર્ભગૃહના માપની સાથે રંગમંડપનું માપ સંકળાયેલું હોય છે અને શિખરની ઊંચાઈ સંકળાયેલી હોય છે. સ્તંભની ઊંચાઈ સંકળાયેલી હોય છે. તેમાં શાસ્ત્રોક્ત પ્રમાણથી અમે હટતા નથી. માત્ર મંદિરમાં શિખર બહુ ઊંચું કરી દેવાનું અમને કહેવામાં આવે તો અમારે પ્રોજેક્ટમાંથી નિકળી જવું પડે. અમે ભૂતકાળમાં એવા ઘણા પ્રોજેક્ટમાંથી નિકળી ગયા છીએ.

તમને શાસ્ત્રોક્ત રીતે પણ આનાથી વધુ મોટું મંદિર બનાવવાનું કહેવામાં આવે તો તમે સંમત થાવ?
હા, મારો તો આ વ્યવસાય છે. સરકાર એમ કહે કે પથ્થર પાછળ અત્યાર સુધીમાં વાપરેલા ૧૫-૨૦ કરોડ ભલે બગડતા વધુ મોટું મંદિર બનાવવું છે તો અમે પથ્થરો ફેંકી દઈએ અને નવેસરથી બનાવીએ, પરંતુ હું માનું છું કે એમ થશે નહીં, કારણ કે ૩૦ વર્ષથી લોકોના મનમાં આ મંદિરની જ કલ્પના બેસેલી છે. વચ્ચે ચન્દ્રકાંતભાઈના પુત્ર નિખિલભાઈ એક પ્રસંગ વર્ણવતા કહે છે કે,  વૃંદાવનમાં કૃપાળુ મહારાજના શિષ્ય પ્રકાશાનંદજી મહારાજે(જેમને અમેરિકન સરકારે ૮૦૦ વર્ષની જેલની સજા ફટકારી છે) વિશ્વ વિખ્યાત પ્રેમ મંદિર બનાવ્યું તેની પહેલી ડિઝાઇન અમે તૈયાર કરી હતી. તેમણે ડિઝાઇનમાં ફેરફાર સૂચવ્યો અને હઠાગ્રહ રાખ્યો તો પપ્પાએ એ જ ક્ષણે ડિઝાઇન, નકશા મુકીને ચાલતી પકડી હતી.

અશોક સિંઘલ સાથેના તમારા સંસ્મરણો કેવા રહ્યા છે?
તે મને બહુ માન આપતા હતા. એવડા મોટા માણસ આગળ તો હું સામાન્ય માણસ કહેવાઉ, પણ જ્યારે પણ હું અયોધ્યા જાઉ ત્યારે તેઓ મને ઍરપોર્ટ લેવા-મૂકવા આવતા હતા. હું જેટલા દિવસ ત્યાં રોકાઉ તેટલો સમય મારી સાથે રહેતા હતા. કાલે જ એક જૂનો ફોટો જોયો. જેમાં તેઓ પલંગ ઉપર મને વચ્ચે બેસાડવા માટે સાઇડમાં બેસી ગયા હતા. આવા માણસ સાથે કામ કરવામાં આનંદ આવે.

કામગીરી સત્વરે આગળ ધપાવવાનું તમને કહેવામાં આવે તો પૂર્ણ થતા કેટલો સમય લાગે?
બેથી અઢી વર્ષ.
———————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »