તમારા માટે, તમારી સાથે, સતત…

ભગવાન રામઃ હરિ અનંત હરિકથા અનંતા

વિશ્વભરમાં પ્રાચીન કાળથી રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનનાં લાખો મંદિરો બંધાયેલાં છે અને હજી બંધાઈ રહ્યાં છે.

0 632
  • કવર સ્ટોરી – વિનોદ પંડ્યા

આજના મીડિયાના સમયમાં કોઈ ધર્મ, વાનગી, ફેશન અને વિચાર એક ફેડની માફક જોત જોતામાં જગતભરમાં ફેલાઈ જાય અને જોતજોતામાં એ બધું ગાયબ થઈ જાય. તેની જગ્યાએ કંઈક નવું અને ઈન્સ્ટન્ટ આવી જાય, પણ રામનો પ્રભાવ માત્ર ભારતમાં જ નહીં, દુનિયામાં હજારો વરસ સુધી ચાલ્યો અને હજી ચાલી રહ્યો છે. અદનાથી અમીર સુધીના લોકોના હૈયામાં રામ વસેલા છે અથવા વસવા જોઈએ એવું તમામ હિન્દુઓ અને બીજાઓ પણ માને છે. રામ એમના ચારિત્ર્ય, સ્વભાવ અને કર્તવ્યોથી લોકહૃદયમાં પ્રવેશ્યા છે.

આ વખતે પણ નવમી તિથિ હતી, પણ અંગ્રેજી હતી. આ નવમીએ પણ દેશમાં રામ જન્મોત્સવ કરતાં વિશેષ હર્ષોલ્લાસ ફેલાયા હતા, પરંતુ તે પ્રગટ કરવા પર સંયમ જાળવવાનો હતો. રાજકીય અને તમામ ધર્મોના ગુરુઓ અને આગેવાનોએ પ્રજાને સંયત માત્રામાં આનંદ મનાવવાની ખાસ સલાહો આપી હતી અને ભારતની સમજદાર પ્રજા, જે હંમેશાં મર્યાદા પુરુષોત્તમ રામના જીવન અને કવનથી પ્રેરાયેલી રહી છે, તેણે એ મર્યાદા પાળી બતાવી, કે જેથી બીજા ધર્મોના લોકોની લાગણીઓ ના દુભાય!

તુલસીદાસજીએ રામના જન્મ સમયે નવમી તિથિનું સુંદર વર્ણન કર્યું છે જ્યારે શ્રીરામનો જન્મ થયો હતો. બાલ કાંડમાં તુલસીદાસજી લખે છે,

નવમી તિથિ મધુ માસ પુનીતા
સુકલ પરછ અભિજિત હરિપ્રીતા
।।
મધ્ય દિવસ અતિ સીત ન ધામા

પાવન કાલ લોક વિશ્રામા
।।

અનુવાદઃ પવિત્ર ચૈત્ર મહિનો હતો. નવમી તિથિ હતી. શુકલ પક્ષ (સુદ પક્ષ) હતો અને ભગવાનનું પ્રિય અભિજિત મુહૂર્ત હતું. બપોરનો સમય હતો. ન તો વધુ ઠંડી હતી કે ન તો વધુ ગરમી હતી. એ પવિત્ર સમય તમામ લોકોને શાંતિ અને વિશ્રામ આપનારો હતો.

સીતલ મંદ સુરભિ બહુ બાઉ
હરષિત સુર સંતન મન ચાઉ
।।
બન કુસુમિત ગિરિગન મનિઆરા

સ્ત્રવહિં સકલ સરિતામૃતધારા
।।

અનુવાદઃ શીતલ, મંદ અને સુગંધિત પવન વહી રહ્યો હતો. દેવતા હર્ષિત હતા અને સંતોનાં મનમાં ઉમંગ હતો. વનરાજી ખીલી હતી. પર્વતોનો સમૂહ મણિની માફક ઝગમગી રહ્યો હતો અને તમામ નદીઓમાં અમૃત જેવું મીઠું પાણી વહી રહ્યું હતું.

સો અવસર બિરંચિ જબ જાના
ચલે સકલ સુર સાજિ બિમાના
।।
ગગન બિમલ સંકુલ સુર જૂથા

ગાવહિં ગુન ગંધર્વ બહુયા
।।

અનુવાદ ઃ જ્યારે બ્રહ્માજીને ભગવાન રામના જન્મના અવસરની જાણ થઈ તો તમામ દેવતાઓ વિમાન સજાવીને (કૌશલ દેશ ઃ અયોધ્યા) શ્રીરામનાં દર્શન માટે નીકળી પડ્યા. નિર્મલ આકાશ દેવતાઓના સમૂહથી ભરાઈ ગયું. ગંધર્વો પ્રભુના ગુણગાન ગાવા લાગ્યા.

બરષહિં સુમન સુઅંજલિ સાજી
ગહગહિ ગગન દંુદુુભિ બાજી
।।
અસ્તુતિ કરહિં નાગ મુનિ દેવા

બહુબિધિ લાવહિં નિજ નિજ સેવા
।।

અનુવાદ ઃ સંુદર અંજલિઓમાં સજાવીને દેવતાઓ પુષ્પવૃષ્ટિ, ફૂલોનો વરસાદ કરવા લાગ્યા. આકાશમાં દુંદુભિ અને નગારાં વાગી ઊઠ્યાં. નાગ, મુનિઓ અને દેવતાઓ શ્રીરામની સ્તુતિ કરવા માંડ્યા અને અલગ-અલગ પ્રકારે પોતાની સેવા ભેટ કરવા માંડ્યા.

હમણાના ઉત્સવમાં આમાંની કેટલીક સ્થિતિઓ રહી નથી અને કેટલીક નવી પેદા થઈ છે. નદીઓમાં નિર્મળ જળ રહ્યાં નથી, વનરાજી નથી, શીતલ, મંદ, સુગંધિત પવનને બદલે પ્રદૂષણ પુરબહાર છે, રામના જન્મ સમયે ઇસ્લામ, ખ્રિસ્તી અને શીખ ધર્મો ન હતા. અનેક નાના મોટા સંપ્રદાયો ન હતા તેથી ધાર્મિક વિવાદો ન હતા, પરંતુ લોકોની આસ્થા યથાવત્ છે. રામના જન્મને સાત હજારની આસપાસ વરસ થયાં તેમ અમુક વિદ્વાનો માને છે, આટલાં વરસો પછી રામમાં શ્રદ્ધા વધી છે. ભારતીય જનમાનસમાં રામ એવા ઓતપ્રોત થઈ ગયા છે કે રામ વગરનું જીવન હિન્દુઓને જીવન ના લાગે.

ઇતિહાસ જુઓ તો રામ માત્ર ભારતવર્ષના અને હિન્દુ ધર્મના સીમાડાઓ સુધી મર્યાદિત રહ્યા નથી. શીખ ધર્મના ગુરુ ગ્રંથ સાહેબમાં રામ એ નિરાકાર ઈશ્વરનું પર્યાયવાચી નામ છે. ગુરુ ગોવિંદ સિંહ અને નાનક દેવજી પોતાને લવ અને કુશના વંશજો માનતા હતા. ગુરુ ગ્રંથ સાહેબમાં હરિ શબ્દનો સાત હજારથી વધુ વખત અને રામ શબ્દનો ૨૫૦૦ વખત ઉલ્લેખ જોવા મળે છે. શીખ ધર્મના ચિંતકો કહે છે કે શીખ ધર્મ માનવી જેવા દેખાતા કોઈને પણ ભગવાન તરીકે સ્વીકારતો નથી. આથી રામનો એ ઉલ્લેખ નિરાકાર, નિર્ગુણ પ્રભુ તરીકે થયો છે. આ બાબતમાં અનુયાયીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. એમ કહી શકાય કે શીખ ધર્મમાં રામ નામને વધુ ઊંચું સ્વરૃપ અને સ્થાન અપાયું છે, પણ અંતે તો હિન્દુ ધર્મના રામ નામની આ અસર છે.

અયોધ્યા મંદિરનો ચુકાદો આવ્યો ત્યારે નવમી તારીખના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાનના કરતારપુર જવા માટેની કોરીડોરનું ઉદ્ઘાટન કરવામાં વ્યસ્ત હતા. એ દિવસે ગુરુ નાનક દેવજીની ૫૫૦મી જન્મ જયંતીની પણ ઉજવણી ચાલી રહી હતી. રામને ઇમામ-એ-હિન્દ તરીકે ઓળખાવનાર કવિ અલામા ઈકબાલનો પણ નવમી નવેમ્બરના રોજ જન્મ દિવસ હતો. કરતારપુરમાં નાનક દેવજીએ એમનું મહત્ત્વનું જીવન વિતાવ્યું હતું. ભારત-પાકિસ્તાન ભાગલા પડ્યા અને કરતારપુર પાકિસ્તાનની સરહદમાં ગયું ત્યારથી શીખો ત્યાં જઈ શકતા ન હતા. સરહદથી માત્ર ચાર કિલોમીટર દૂર આવેલા કરતારપુર સાહેબનાં દર્શન ભારતના શીખો હમણા સુધી દૂરબીન વડે કરતા હતા. સિત્તેર વરસના વહાણા બાદ શીખો હવે કરતારપુર જઈ શકે છે અને સદીઓના વહાણા અને ૧૩૬ વરસની કાનૂની લડાઈને અંતે હિન્દુઓ હવે રામજન્મભૂમિ ખાતે રામનું ભવ્ય મંદિર બાંધી એમની પૂજા અર્ચના કરી શકશે. બંને ઘટનાઓની શુભ શરૃઆત એક જ દિવસે થઈ.

આજના મીડિયાના સમયમાં કોઈ ધર્મ, વાનગી, ફેશન અને વિચાર એક ફેડની માફક જોત જોતામાં જગતભરમાં ફેલાઈ જાય અને જોતજોતામાં એ બધું ગાયબ થઈ જાય. તેની જગ્યાએ કંઈક નવું અને ઈન્સ્ટન્ટ આવી જાય, પણ રામનો પ્રભાવ માત્ર ભારતમાં જ નહીં, દુનિયામાં હજારો વરસ સુધી ચાલ્યો અને હજી ચાલી રહ્યો છે. અદનાથી અમીર સુધીના લોકોના હૈયામાં રામ વસેલા છે અથવા વસવા જોઈએ એવું તમામ હિન્દુઓ અને બીજાઓ પણ માને છે. રામ એમના ચારિત્ર્ય, સ્વભાવ અને કર્તવ્યોથી લોકહૃદયમાં પ્રવેશ્યા છે. કહે છે રામના સમયમાં આટલી ભાષાઓ ન હતી. માત્ર એક જ ભાષા હતી અને આજની માફક જગત હિન્દુઓ, ખ્રિસ્તીઓ, શીખો, જૈનો, મુસલમાનો વગેરેમાં વહેંચાયેલું ન હતું. કેન્દ્રમાં, મોદી સરકારમાં પાંચ વરસ પ્રધાન રહી ચૂકેલા અને અગાઉ મુંબઈના પોલીસ કમિશનર હતા તે વર્તમાન સાંસદ સત્યપાલ સિંહે રામ વિષે ઘણા સંશોધનો અને વિવેચનો લખ્યાં છે. એમના મતે રામના સમયમાં પ્રજામાં માત્ર બે વિભાજન હતા, આર્યો અને અનાર્યો, જે અસુર કે રાક્ષસ તરીકે પણ ઓળખાતા. એ તમામ લોકોની માત્ર એક જ સંસ્કૃતિ હતી.

સત્યપાલ સિંહના મતે શ્રીરામ વિશેના જ્ઞાનનો મૂળ અને આધારભૂત સ્ત્રોત વાલ્મીકિ રામાયણ છે. વાલ્મીકિએ જે ઉમદા કાર્ય કર્યું છે તે એમને જગતના પ્રથમ કવિ તરીકેની માન્યતા બક્ષે છે. જોકે શ્રીરામની કથા માત્ર રામાયણનાં પાનાંઓ પૂરતી સીમિત રહી નથી. વિશ્વના પ્રાચીન સાહિત્ય અને ઐતિહાસિક ગ્રંથો, લખાણોમાં અનેક સ્થળે શ્રીરામ વિશેના ઉલ્લેખો અને વૃત્તાંતો જોવા મળે છે.

વ્યાસના મહાભારતમાં ચાર સ્થળે, રામોપાખ્યાન, આરણ્યક પર્વ, દ્રોણ પર્વ અને દશરથ કથાનકમાં રામ વિષે વાલ્મીકિએ ચર્ચા કરી છે. બૌદ્ધ સાહિત્યની ત્રણ જાત કથાઓ, દશરથ જાતક, અનામક જાતક અને દશરથ અનામકમાં રામના ઉલ્લેખો છે. જૈન ગ્રંથો અને સાહિત્યમાં રામ વિષે સવિસ્તર લખાયું છે. જેમ કે વિમલ સૂરી દ્વારા રચિત પદ્મ ચરિત્ર (પ્રાકૃત), રવિ સેન આચાર્ય દ્વારા રચિત પદ્મ પુરાણ (સંસ્કૃત), પદ્મ ચરિત્ર (અપભ્રંશ) સ્વાંભુ દ્વારા રચિત ચરિત્ર પુરાણ (સંસ્કૃત) તેમ જ ગુણભદ્ર રચિત ઉત્તર પુરાણ (સંસ્કૃત)માં રામ વિષેની સવિસ્તર વિગતો છે. જૈન પરંપરા મુજબ રામનું મૂળ નામ ‘પદમ’ અથવા ‘પદ્મ’ છે.

Related Posts
1 of 326

ભારતની સ્થાનિક અને લોકભાષાઓમાં પણ રામ વિશેનું અઢળક સાહિત્ય લખાયેલું છે. હિન્દીમાં રામાયણનાં ૧૧ અલગ-અલગ સંસ્કરણો છે. મરાઠીમાં આઠ, બંગાળીમાં ૨૫, તમિળમાં ૧૨, તેલુગુમાં પાંચ, ઓડિયામાં છ સંસ્કરણો છે. આ ઉપરાંત સંસ્કૃત, ગુજરાતી, મલયાલમ, કન્નડ, આસામી, ઉર્દૂ, અરેબિક, પર્શિયન, અંગ્રેજી, રશિયન વગેરે ભાષાઓમાં રામાયણ પ્રગટ થઈ છે. તુલસીદાસજી રચિત રામચરિતમાનસે ઉત્તર ભારતનાં ઘરોમાં આગવી લોકપ્રિયતા મેળવી છે. સત્યપાલ સિંહના કહેવા પ્રમાણે ચારસોથી વધુ મહાન સંતો અને કવિઓ જેવા કે કાલિદાસ, ભાસ, ભટ્ટી, પ્રવેરસેન, ભવભુતિ, ક્ષેમેન્દ્રા, રાજશેખર, કુમારદાસ, વિશ્વનાથ, સોમદેવ, ગુણદત્ત, નારદ, લોમેશ, ગુરુ ગોવિંદ સિંહ, સમર્થ ગુરુ રામદાસ, મૈથિલી શરણ ગુપ્ત, કેશવદાસ, સંત તુકડોજી, કવિ કાગ વગેરેએ રામ અને રામાયણનાં અન્ય પાત્રોની પ્રશંસામાં ગદ્ય, પદ્ય અને અન્ય સાહિત્યની રચના કરી છે. પ્રાચીન કાળથી ગામોગામ અને શહેરોમાં રામાયણના પ્રસંગો પર ભવાઈ, નાટકો, હરિકથાઓ અને પારાયણો યોજાય છે. આપણા મોરારિબાપુ એ પરંપરા આગળ વધારી છે. અન્ય પ્રાન્તોમાં બીજા કથાકારો રામકથાઓ પોતપોતાની ભાષામાં રજૂ કરે છે. ભારતનાં નાનાં મોટાં તમામ ગામોમાં રામમંદિરો છે. ટીવીના આગમન બાદ રામાનંદ સાગરની ‘રામાયણ’નંુ પ્રોડક્શન સાવ નબળું હતું છતાં તે સિરીઝે ભારતમાં જે લોકપ્રિયતા મેળવી હતી તેના આ દેશના વડીલો અને વયસ્કો સાક્ષી છે. આ લખનારને યાદ છે કે એક રવિવાર સવારે તામિલનાડુના રેણુગુંટા ટાઉનમાં ઊતરવાનું થયું હતું. હોટલના તમામ તમિળ કર્મચારીઓ ટીવીની આસપાસ ગોઠવાઈ ગયા હતા. અમે પૂછ્યું કે આ લોકો (કર્મચારીઓ) હિન્દી સમજે છે ખરા? તો હોટલના મેનેજરે કહ્યું કે કોઈ હિન્દી જાણતું નથી, પણ પાત્રો અને એમના હાવભાવ જોઈને રામાયણ સમજી જાય છે.

પેરિસના લુવ્ર મ્યુઝિયમમાં રોમાનિયાના એક સજ્જન મળી ગયા હતા. આ લખનાર ભારતનો છે એ જાણ્યા બાદ એ અમારી સાથે રામાયણ અને ગંગા નદીની ચર્ચા કરવા માંડ્યા હતા. ભારત ઉપરાંત વિદેશોમાં એમની ભાષાઓમાં રામાયણનાં સંસ્કરણો લખાયાં છે. જેમ કે તિબેટમાં તિબેટન રામાયણ, તુર્કીસ્તાનમાં ખોતાની રામાયણ, ઇન્ડોનેશિયામાં કાકબીન રામાયણ, જાવા (ઇન્ડોનેશિયા)માં સેરાત્રમ, સાઈરીરામ (શ્રીરામ), રામકેલિંગ, પટણી રામકથા વગેરે, કમ્બોડિયામાં ખમેર રામાયણ, બર્મા (મ્યાનમાર)માં યુટોની રામયગન રામાયણ, હિન્દ-ચીનની રામકેરતી (રામકીર્તિ) થાઈલેન્ડની રામકિયેન વગેરે તમામમાં રામની કથાઓ તાદ્રશ અને બહુવિધ શબ્દોમાં વર્ણવામાં આવી છે. ઇન્ડોનેશિયામાં સુંદર અને કલાત્મક વેશભૂષામાં આજે પણ રામાયણના પ્રસંગો ભજવવામાં આવે છે. વિદ્વાનો માને છે કે હોમરનું મહાકાવ્ય ઇલિયાડ, રોમના કવિ નોનસની રચના ડોયોનિસિયા અને આપણા રામાયણમાં વિસ્મય પમાડે એટલી સામ્યતા જોવા મળે છે. ઇલિયાડ અને ડાયોનિસિયા, પ્રમાણમાં હમણાની રચનાઓ છે. રામાયણ જેટલી પ્રાચીન નથી. જગતભરના અથવા વિશ્વના સાહિત્યમાં જે ભક્તિભાવપૂર્વક વ્યાપક અને ભવ્ય રીતે રામકથાનું વર્ણન થયું છે એવી કોઈ અન્ય ઐતિહાસિક ઘટના કે વ્યક્તિનું થયું નથી. દુનિયાના પ્રાચીન અને વર્તમાન લેખકો, કવિઓ, ચિંતકો પોતપોતાની સમૃદ્ધ ભાષામાં રામ અને એમના ચરિત્રનું વર્ણન કરતા હતા અને કરે છે.

વિશ્વભરમાં પ્રાચીન કાળથી રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનનાં લાખો મંદિરો બંધાયેલાં છે અને હજી બંધાઈ રહ્યાં છે. મસ્જિદો પણ લાખોની સંખ્યામાં છે, પણ અયોધ્યાના રામમંદિરનું મહત્ત્વ અને હિન્દુઓનો હઠાગ્રહ એટલા માટે હતો કે એ રામનું જન્મસ્થાન છે. કમ સે કમ હિન્દુઓ એ વાતને આસ્થાપૂર્વક માને છે. ઇન્ડોનેશિયા અને તેના જાવા દ્વીપ પર નવમી સદીમાં પરમબનન (પરમબ્રહ્મ) નામથી શિવનું વિશાળ મંદિર બાંધવામાં આવ્યું હતું. તેની દીવાલો પર રામાયણ અને મહાભારતના પ્રસંગોની શિલ્પકૃતિઓ મઢેલી છે. અગિયારમી સદીમાં કમ્બોડિયામાં બંધાયેલા અંગકોરવાટ મંદિર કોમ્પ્લેક્સમાં પણ રામાયણ અને મહાભારતના પ્રસંગો વર્ણવતી મૂર્તિઓ અને શિલ્પકૃતિઓ પ્રચૂર માત્રામાં છે. એ સમયમાં અંગકોરવાટનું સંપૂર્ણ ચોરસ મંદિર ક્ષેત્ર કિલોમીટરના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલું હતું.

ભારતભરમાં અને પ્રાચીન ભારતવર્ષના પ્રદેશોમાં આજે પણ રામ, સીતા, લક્ષ્મણની અને રામાયણના પ્રસંગોની પ્રાચીન પાકી માટીની મૂર્તિઓ, તેના અવશેષો અને પથ્થરનાં શિલ્પો મળી રહે છે. હરિયાણાના હિસાર, જિન્દ અને યમુનાનગર જિલ્લામાં સિરમા, હાટ, નાચરખેડા વગેરે ગામોમાં, ઉત્તર પ્રદેશના કોશાબી (અલાહાબાદ), આહીછત્ર (બરેલી), કટિહાર (ઈટા) અને રાજસ્થાનના શ્રીગંગાનગર ખાતે હજારોની સંખ્યામાં પાકી માટીની મૂર્તિઓ મળી આવી છે. તેમાં રામ વનવાસ માટે જઈ રહ્યા છે તે પ્રસંગ, રામ, સીતા, લક્ષ્મણનું પંચવટી ગમન, સોનાના મરીચ હરણની ઘટના, ત્રિશિરા અને ખર-દૂષણ વચ્ચેના સંવાદો, રામ દ્વારા ચૌદ રાક્ષસોનું નિકંદન, રાવણ દ્વારા સીતા-હરણ, રાવણના વિમાનમાંથી સીતાજી પોતાનાં આભૂષણો જમીન પર ફેંકે છે અને સુગ્રીવ તે ઘટનાને નિહાળે છે તે, સુગ્રીવ પોતાના આવાસમાં રામનો આદર સત્કાર કરે છે તે, સુગ્રીવ-બાલી વચ્ચેનું યુદ્ધ, રામ દ્વારા વાલીનો (બાલીનો) વધ, હનુમાન દ્વારા અશોક વાટિકાનું દહન, ત્રિશિરા રાક્ષસનો વધ, રાવણના પુત્ર ઇન્દ્રજિતનું યુદ્ધમાં જોડાવું તે વગેરે અનેક પ્રસંગો પાકી માટીનાં શિલ્પોમાં ઢાળવામાં આવ્યાં છે. જે મુખ્ય છે તેનાં કરતાં વધુ માત્રામાં જમીનમાં દટાયેલું હશે. આ બતાવે છે કે રામ ચરિત્ર અને રામાયણનો સામાન્ય જનમાનસ પર પ્રાચીન કાળથી કેવડો વ્યાપક પ્રભાવ હતો. પાકી માટીનાં શિલ્પો (ટેરાકોટા) પર ગુપ્ત વંશ પૂર્વેની ભાષામાં વાલ્મીકિ રામાયણના શ્લોક અને કાવ્યો લખાયેલાં છે. ઝજ્જર, હરિયાણા ખાતેના ગુરુકુળ આર્કિયોલોજિકલ મ્યુઝિયમમાં આ શિલ્પો જોઈ શકાય છે. આ સિવાય, ભારતનાં, લંડનનાં અને દુનિયાનાં મ્યુઝિયમોમાં સેંકડો અને હજારો ટેરાકોટા શિલ્પો આજે જોઈ શકાય છે.

સત્યપાલ સિંહના સંશોધન મુજબ કુશાણ દેશના સમ્રાટ કનિષ્કના રાજ્યચિહ્નમાં પવનપુત્ર હનુમાનની છબિ કોતરેલી હતી. સમ્રાટ અકબરે પોતાના શાસનમાં રામ-સીતાની પ્રતિકૃતિ ધરાવતાં સોનાના સિક્કા બહાર પાડ્યા હતા. હાલમાં સુપ્રીમ કોર્ટ અકબર દ્વારા તૈયાર કરાવાયેલા આઈને અકબરી ગ્રંથના રેફરન્સોને, સંદર્ભોને આધારભૂત માની રામજન્મભૂમિ વિવાદમાં નિષ્કર્ષ પર આવી શક્યા છે. અબુ ફઝલ દ્વારા લખાયેલા આ ગ્રંથમાં અયોધ્યા શહેરનું વિગતવાર વર્ણન છે. આ સિવાય દિલ્હીની સફદરગંજ મદરેસામાં દીવાલો પર રામાયણના પ્રસંગોનું ચિત્રણ થયું હતંુ. કુશાણ સમ્રાટની માફક મધ્ય પ્રદેશના ધાર અને રતલામના રાજાઓએ પોતાનાં રાજ્યચિહ્નમાં હનુમાનજીને સ્થાન આપ્યું હતું. અમુક શાસનોએ રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, સીતા અને હનુમાનની છબિ ધરાવતાં પિત્તળ અને તાંબાના સિક્કા બહાર પાડ્યા હતા. ડૉક્ટર સિંહને ખેદ છે કે શ્રીરામ વિષે આટલા પુરાતાત્ત્વિક પુરાવા અને વિપુલ સાહિત્ય ઉપલબ્ધ હોવા છતાં એમને એક ઐતિહાસિક વ્યક્તિ તરીકે અમુક વિશ્વ સ્વીકારતું નથી.

એક વિશાળ ઉપખંડના જનમાનસમાં આટલી જગ્યા બનાવવા માટે હજારો વરસ જોઈએ, પછી ભલે રામ કાલ્પનિક કે વાસ્તવિક પાત્ર હોય. તે ચર્ચા ખૂબ થઈ છે અને તેનું વારંવાર પુનરાવર્તન કરવાનો કોઈ મતલબ નથી, પરંતુ લોકો ઊઠતા, બેસતાં, સુખમાં, દુઃખમાં, અજાણ્યા કે જાણીતાને મળે ત્યારે, જુદા પડે ત્યારે રામ નામનું જ સ્મરણ કરે. આ વ્યાપક ઊંચાઈ પ્રાપ્ત થવામાં હજારો વરસ લાગી જાય. તુલસીદાસજી લખે છે;

જોગ, લગન, ગ્રહ, બાર, તિથિ
સકલ ભયે અનુકૂલ

ચર અરુ અચર હર્ષજુત રામ જનમ સુખમૂલ
।।

અનુવાદ ઃ કારણ કે શ્રીરામ જન્મ સુખનું મૂળ છે તેથી યોગ, લગ્ન, ગ્રહ, વાર, તિથિ વગેરે તમામ અનુકૂળ બન્યાં હતાં. જડ અને ચેતન દરેકમાં હર્ષ વ્યાપી ગયો હતો.

શ્રીરામના જન્મના ચોક્કસ સમય અને વરસના નિષ્કર્ષ પર આવવાનું અશક્ય છે, પરંતુ આસપાસના બીજા સંદર્ભોને જોડીને અમુક સંશોધકો અને વિદ્વાનોએ શ્રીરામનો સમય નક્કી કર્યો છે. જોકે તેને પણ આધારભૂત ગણી ના શકાય છતાં કાચું ચિત્ર મળી રહે. પ્રાચીન ભારતના કાળક્રમ અથવા ઘટનાક્રમ અનુસાર તેમ જ પુરાણોની પરંપરા મુજબ શ્રીરામનો જન્મ ૨૪મા ત્રેતા યુગમાં થયો હતો. વાલ્મીકિ રામાયણ અને રામના જીવનચરિત્રના અન્ય કથાનકોને બાજુએ રાખીએ તો પ્રાચીન ગ્રંથોમાં રામ-રાવણના ચાર મહત્ત્વના ઉલ્લેખો જોવા મળે છે. એક વાયુ પુરાણ (૭૦ ઃ ૮૮)માં, ૨૪મા ત્રેતા યુગમાં રાવણે તપ કર્યું હતું તેમ જણાવ્યું છે. મહાભારત (૩૪૮ ઃ ૧૯)માં ત્રેતા યુગમાં રામનો ઉલ્લેખ છે. હરિવંશ (૨૪ ઃ ૧૦૪)માં ૨૪મા ત્રેતા યુગનો અને બ્રહ્માંડ પુરાણ (૨. ૨. ૩૬. ૩૦)માં પણ ૨૪મા ત્રેતા યુગમાં રામ થઈ ગયા તેમ જણાવ્યું છે. આ દરેકમાં તે માટે ખાસ શ્લોક રચાયેલા છે. તે બધાનો એક સાર નીકળે છે કે રામ, રાવણ, વિશ્વામિત્ર વગેરે ૨૪મા ત્રેતા યુગમાં હયાતી ધરાવતા હતા. મહાભારત મુજબ શ્રીરામ ત્રેતા અને દ્વાપર યુગના સંધિકાળમાં થઈ ગયા, પરંતુ ત્રેતા યુગનો ક્રમ તેમાં જણાવ્યો નથી. શ્રી સત્યપાલ સિંહના લખવા મુજબ સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ એમ ચાર યુગોનું ચક્ર સતત ચાલતું રહે છે. હાલમાં કળિયુગ ચાલી રહ્યો છે. તેનો સમય ચારેયમાં સૌથી ટૂંકો એટલે કે ચાર લાખ ૩૨ હજાર વરસનો હોય છે. કળિયુગ કરતાં દ્વાપર યુગ બમણો એટલે કે આઠ લાખ ૬૪ હજાર વરસ ટકે, ત્રેતા યુગ ત્રણ ગણો એટલે કે ૧૨ લાખ ૯૬ હજાર વરસ અને સતયુગ ચારગણો એટલે કે ૧૭ લાખ ૨૮ હજાર વરસ ચાલે. ચાર યુગના આ ચક્રનું હાલમાં ૨૨મું શરણ કે ચક્ર ચાલી રહ્યું છે. આ ૨૮મા કળિયુગના ૫૧૧૯ વરસ પૂરાં થઈ ચૂક્યાં છે.

છેલ્લાં છોડાં વરસોમાં કોમ્પ્યુટર વિશારદોએ ‘પ્લેનેટિરિયમ ગોલ્ડ’ નામનું એક સોફ્ટવેર ડેવલપ કર્યું છે. વિજ્ઞાનીઓ અને ખગોળવેત્તાઓ આ સોફ્ટવેર વડે ગ્રહો અને પૃથ્વી વચ્ચેનું જે-તે સમયનું અંતર માપીને તેના આધારે થનારા સૂર્ય કે ચન્દ્ર ગ્રહણની આગાહી કરી શકે છે. વાલ્મીકિ રામાયણના બાલકાંડ (૧૮. ૮. ૯)માં શ્રીરામના જન્મ સમયે ગ્રહો અને નક્ષત્રોની જે-જે સ્થિતિ હતી તે દર્શાવવામાં આવી છે. આગળ જણાવ્યું તે મુજબ શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નોમના દિવસે થયો ત્યારે પુનર્વસુ નામક નક્ષત્ર પ્રબળ અથવા શક્તિશાળી, પ્રભાવી તબક્કામાં હતું અને બીજા પાંચ ગ્રહો સૂર્ય, મંગળ, શનિ, ગુરુ અને શુક્ર પણ ઊંચ સ્થાને હતા. તેઓ અનુક્રમે મેષ, મકર, તુલા, કર્ક અને મીન રાશિમાં હતા. તેમજ ગુરુનો ગ્રહ ચન્દ્ર સાથે સંયુક્તપણે કર્ક રાશિમાં હતો.

આ વિગતો પ્લેનેટેરિયમ ગોલ્ડ નામના સોફ્ટવેરમાં ફીડ કરવામાં આવી અને શ્રીરામના જીવનકાળ અને વર્તમાનમાં ગ્રહ, નક્ષત્રો અને રાશિની સ્થિતિ વચ્ચેનો સમયગાળો માપવામાં આવ્યો. તે મુજબ એ પરિણામ મળ્યું કે શ્રીરામનો જન્મ દસ જાન્યુઆરી, ૫૧૧૪ બી.સી.ના રોજ થયો હતો. બી.સી. એટલે ‘બિફોર ક્રાઈસ્ટ’. મતલબ ખ્રિસ્તી સંવત શરૃ થયા તેના ૫૧૧૪ વરસ પહેલાં (ઈસવી સન પૂર્વે) રામ જન્મ્યા હતા. તેમાં હાલના ખ્રિસ્તી સંવતના ૨૦૧૯ વરસ ઉમેરો તો શ્રીરામનો જન્મ ૭૧૩૩ વરસ પૂર્વે થયો હતો. જોકે આ મુદ્દે અને તેની સચ્ચાઈ વિષે પણ વિવાદ પ્રવર્તે છે. શક્ય છે કે ભવિષ્યનું વિજ્ઞાન વધુ પુરાવા સાથે સચોટ વિગતો આપશે. બે હજાર વરસ પૂર્વે થયેલા ઈશુ ખ્રિસ્તના સમયકાળ બાબતમાં હજી પાકા નિર્ણય પર આવી શકાયું નથી ત્યારે સાત હજાર વર્ષ એ કોઈ નાનો સૂનો ગાળો નથી. ધરાતળ, ચળ, અચળ બધું બદલાઈ જાય. સોફ્ટવેરના આ વિજ્ઞાનીઓ એમના પ્રયત્નો માટે અભિનંદનના અધિકારી છે.

ભારત અને શ્રીલંકા વચ્ચેનો રામ સેતુ એટલો પ્રાચીન છે કે વૈશ્વિક ભૌગોલિક ભાષામાં તે એદમ્સ બ્રિજ તરીકે ઓળખાય છે. આદમને પૃથ્વીનો પ્રથમ માનવી ગણાય છે, પણ વિજ્ઞાન તેને સમર્થન આપતું નથી. વરસ ૨૦૦૨માં નાસાના જેમિનિ-૧૧ અવકાશે રામસેતુની તસવીરો ખેંચી હતી. તે વખતે જાહેર કરવામાં આવ્યું હતું કે રામ સેતુ માનવ નિર્મિત છે અને તે ૧૭ લાખ ૫૦ હજાર વરસ જૂનો છે. જુલાઈ ૨૦૦૭માં નાસાએ પોતાનું જૂનું અર્થઘટન બદલાવી નાખ્યું હતું અને સેતુ કુદરતી ઘટનાનું પરિણામ હોઈ શકે તેમ ભારતના ‘સેતુ સમુદ્રમ શિપ કેનાલ પ્રોજેક્ટ’ના ચૅરમેન એન.કે. રઘુપતિને લખીને જણાવ્યું હતું. કોંગ્રેસની તત્કાલીન કેન્દ્ર સરકાર સેતુને તોડીને કેનાલ બનાવવા માગતી હતી જેથી ભારતીય જહાજો શ્રીલંકા ટાપુની પ્રદક્ષિણા ફર્યા વગર મુંબઈ, ચેન્નઈ, વિશાખા પટ્ટનમ અને કોલકાતા વચ્ચે આવજા કરી શકે. વિવાદ અદાલતે ગયો હતો અને કોંગ્રેસના વકીલે શ્રીરામ થયા હતા કે નહીં તે વિષે જ સવાલ ઉઠાવ્યો હતો. કોંગ્રેસનો તર્ક હતો કે રામ થયા જ નથી. અનુસંધાને કોંગ્રેસ પર રાજકીય માછલાં ધોવાયાં હતાં. ધારી લઈએ કે રામસેતુ કુદરતી રચનાનું પરિણામ છે તો પણ શ્રીરામની સેના અને વાનરસેના તેનો અસરકારક ઉપયોગ કરી શકી હતી અને તેઓ શ્રીલંકામાં પ્રવેશી શક્યા હતા.

મોટા ભાગના વિદેશી વિદ્વાનો અને ભારતવેતાઓ (ઈનોલોજિસ્ટ) આ બધી બાબતોને કવિની કલ્પના ગણાવે છે. તેઓ માને છે કે એ સમયે ભારતીયો લખી કે વાંચી શકતા ન હતા. કોઈ ઘટનાની ઐતિહાસિક નોંધો રાખતા ન હતા. તેઓ ઘટનાઓને ક્રમમાં ગોઠવી શકતા ન હતા. વિદેશી વિદ્વાનો માને છે કે દેશના ઉત્તર અને ઈશાન ભાગેથી આર્યો ભારતમાં આવ્યા હતા અને સ્થાનિક દ્રવિડ પ્રજાને હરાવીને ભારતમાં સ્થાયી થયા હતા. ભારતના ઘણા વિદ્વાનો વિદેશીઓની આ વાત સાચી માનતા નથી. વિગતો અને સમયકાળની એટલી સેળભેળ થયેલી છે કે સાચું શું તે નક્કી કરવું મુશ્કેલ છે. શ્રીરામ પોતે આર્ય હતા તેમ કહેવાય છે. થતાં વિદેશી વિદ્વાનો સાચા જ હોય તે જરૃરી નથી. મેકસ મૂલર, એચ.એચ. વિલસન, મેકડોનેલ, વિન્ટરનીત્ઝ, મોનિયર વિલિયમ્સ પર ખોટા આશયથી ભારતની પ્રજાને નીચી દેખાડવાનો આરોપ છે. મેક્સ મૂલરે એમની પત્નીને લખેલા પત્રમાં એમના ખરાબ ઇરાદાની બૂ આવે છે. ભારતના પ્રાચીન ગ્રંથોનું અંગ્રેજીમાં ભાષાંતર કરવાના ઇરાદાથી કર્નલ બોદેને ‘બોદેન ચેર’ની ખાસ દાન આપીને સ્થાપના કરી હતી. સત્યપાલ સિંહના કહેવા મુજબ ૧૫ ઑગસ્ટ, ૧૮૧૧ના રોજ કરેલા પોતાના વસિયતનામામાં કર્નલ બોદેને લખાવ્યું હતું કે ભારતના સ્થાનિકોનું ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતર કરી શકવામાં બ્રિટિશરોને મદદ મળી રહે એવા હેતુથી એમણે ભારતીય ગ્રંથોનો અનુવાદ કરવા માટે દાન આપ્યું છે.  સત્ય હકીકત એ પણ છે કે ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા છૂટાછવાયા ધર્માંતરો થયા તે સિવાય બ્રિટિશ હકૂમત દ્વારા ધર્માંતરની કોઈ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી નથી. હા, એ થયું કે મારીને મુસ્લિમ બનાવવાની પ્રવૃત્તિ બેફામ ચાલી રહી હતી તે બ્રિટિશરો આવ્યા બાદ અટકી ગઈ હતી. જો તે અટકી ન હોત તો આજે ભારતના મોટા ભાગના લોકો રામજન્મભૂમિને બદલે બાબરી મસ્જિદના રક્ષણ માટે ઊભા હોત. જો ના સમજે વો અનાડી હૈ!

શ્રી સત્યપાલ સિંહ કહે છે કે મેક્કોલે ભારતની એક પણ ભાષા જાણતો ન હતો, પરંતુ તે પૂર્વના જ્ઞાનનો વિદ્વાન થઈ બેઠો હતો. જેમ્સ મિલ ક્યારેય ભારતની મુલાકાતે આવ્યો ન હતો, પણ એણે ભારતનો ઇતિહાસ લખ્યો. મેક્સ મૂલર, વિન્ટરનીત્ઝ, ગ્રિફિથ જેવા તથાકથિત ભારતવેત્તાઓને વૈદિક વ્યાકરણ, છંદ કે ખગોળનું કોઈ જ્ઞાન ન હતું, પરંતુ તેઓ બધાએ વેદોનો અનુવાદ કર્યો અને વેદો પરના વિદ્વાનોનું સ્ટેટસ ધારણ કરી લીધું. જોકે ભારતીય જનતા પક્ષ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા ચિંતકોને વેદિક વિચારધારા તરફ પક્ષપાત છે. તેનો અર્થ એ નથી કે તેઓ ખોટા છે, પણ સાવ સાચા હોય તે પણ જરૃરી નથી. ડૉક્ટર સત્યપાલ સિંહ હવે જે દલીલ કરે છે તે સાવ સાચી અને વાજબી છે. એમના લખવા પ્રમાણે ભારતીયો આદિ કાળથી વાંચવા, લખવાનું જાણતાં હતાં. ઋગ્વેદ કહે છે કે ભાષા અથવા વાણીનાં બે સ્વરૃપ છે. એક, જે સાંભળી શકાય (શ્રાવ્ય) અને બીજી જે જોઈ શકાય (દ્રશ્ય). પ્રાચીન સમયથી ભારતમાં લિપિઓ અસ્તિત્વ ધરાવે છે. દેશમાં મબલખ પ્રમાણમાં ભોજનપત્ર અને તાડપત્રો પાકતાં રહ્યાં છે. એ પત્તાંઓ પરનું લખાણ પણ સદાકાળ માટે સલામત ન હતું તો તે ગ્રંથો ખરાબ થવા માંડે તો તેની નકલો લખાતી હતી. જો એમ ના હોય તો ભારતમાં આટલી મોટી સંખ્યામાં પ્રાચીન હસ્તપ્રતો કેવી રીતે મળી આવે? જો લખતાં વાંચતા આવડતું ના હોત તો વેદો, મહાકાવ્યો, પુરાણો, મીમાંસાઓ, ખગોળ અને જ્યોતિષ વિદ્યા વગેરેનું જ્ઞાન માત્ર સાંભળીને કેવી રીતે યાદ રાખી શકાય. એ ખરું કે અમુક લોકો એક કે બે વેદ સુવાંગ કંઠસ્થ કરી શકતા હતા, પણ ગણિતશાસ્ત્ર વગેરેનું બધું જ્ઞાન બધા જ કંઠસ્થ કરી ના શકે. સાચી વાત એ છે કે ભારતીયો એ સમયે લખી, વાંચી શકતા હતા અને પુષ્કળ લખતા હતા. દુનિયાના બીજા કોઈ દેશ પાસે આટલો પ્રાચીન અને વિપુલ જ્ઞાન અને સાહિત્ય ખજાનો અને વારસો નથી. આ સિવાય બીજા ક્યા પુરાવા જોઈએ કે જેથી સાબિત કરી શકાય કે ભારતીયો વાંચી, લખી શકતા હતા અને વિદ્વાનો હતા.

સત્યપાલ સિંહ હવે જે કંઈ કહે છે તે ધ્યાન આપવા જેવું છે. એ લખે છે કે આપણા ભારતીય કવિઓ અને લેખકોએ, ઉપદેશકોએ આંધળી ભક્તિ, અનાયાસ અને અજ્ઞાનતાના પ્રતાપે એવી કથાઓ રચી અને વણી કાઢી, કેટલીક પેટા કથાઓ રચીને મુખ્યકથાઓમાં જોડી કાઢી રામની હયાતીના ખરાપણા વિષે શંકાઓ પેદા થઈ. આપણા કવિ, લેખકો, ઉપદેશકોએ સાચી શ્રદ્ધાના અભાવમાં અને સાચા ઈશ્વરને જાણ્યા વગર શ્રીરામને ભગવાનમાં અને ભગવાનના અવતાર તરીકે ફેરવી નાખ્યા. પંચતંત્રની વાર્તાઓની માફક આપણે વેદો અને વ્યાકરણના ગુરુ શ્રી હનુમાનને એક વાનરનું રૃપ આપી દીધું. રામ સેતુના સ્થાપત્યકાર જાંબવનને રીંછ બનાવી દીધા. પ્રસિદ્ધ શલ્ય ચિકિત્સક (સર્જ્યન ડૉક્ટર) સુશેન અને એમના સાથીઓ અંગદ, વાલી વગેરેને પણ વાનરોનું રૃપ આપી દીધું. બહાદુર જટાયુ, જે અગાઉ ગ્રીધ કૂટનો રાજા હતો અને જે સીતાનું અપહરણ કરીને જઈ રહેલા રાવણ સામે લડ્યો હતો તેને કપોળકલ્પિત વાર્તાકારોએ ગીધ બનાવી દીધો. વાર્તાઓને રોચક બનાવવા આવું કરવામાં આવ્યું જે હાલમાં ડિઝની સ્ટુડિયો દ્વારા કરવામાં આવે છે. ત્યાં સુધી કે સ્વરૃપવાન અને વિદૂષી સ્ત્રી તારાને બાલી નામના વાનર સાથે પરણાવી દેવામાં આવી. સીતાનો જન્મ પૃથ્વીમાંથી થયો અને આખરે પૃથ્વીમાં સમાઈ ગયાં. કલ્પનાને કોઈ સરહદો હોતી નથી, પરંતુ તેનાથી નવી રૃઢિઓ, નવા ભગવાનો પેદા થાય. કબીર, નાનક આવી ખોટી વાતો સામે જ લડ્યા હતા.

શ્રી સિંહના કહેવા પ્રમાણે વાલ્મીકિ જાણતા હતા કે શ્રીરામ એક માનવી હતા. એક ઉમદા માણસ, જે એના સમયમાં સર્વશ્રેષ્ઠ હતા. વાલ્મીકિ પણ એમના સમકાલીન હતા અને એમણે પોતાની નજરે જોયેલી ઘટનાઓની રામાયણ લખી. વાલ્મીકિએ એ પણ દર્શાવ્યું છે કે શ્રીરામ કેટલીક માનવીય વૃત્તિઓ ધરાવતા હતા અને બીજા કોઈ પણ સામાન્ય માનવીની માફક ભાવનાશીલ હતા. આપણે રામાયણનાં પાત્રોને પક્ષીઓ અને પ્રાણીઓનું સ્વરૃપ આપી દીધું અને રામાયણને એક દંતકથા બનાવી દીધી અને એ પ્રયાસમાં રામ અને રામાયણનું ઐતિહાસિક મૂલ્ય ખોઈ બેઠા. રામાના ચરિત્રને અકારણ હાનિ પહોંચાડે એવી વિચિત્ર વાતો ઘડી કાઢીને આપણે તેમાં જોડી દીધી. શ્રીરામે ક્યારેય સીતાનો ત્યાગ કર્યો નથી કે એમને ક્યારેય ગર્ભાવસ્થામાં વનમાં મોકલ્યા નથી. વાલ્મીકિએ રામાયણમાં આવું ક્યાંય લખ્યું નથી. એવી વાતો પણ ચાલી કે સંતપુરુષ શંબૂક શૂદ્ર હતા તે જાણીને શ્રીરામે એમનો વધ કર્યો હતો. વાલ્મીકિએ આવો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. વેદિક સમયમાં કોઈ વિદ્વાન કે તપસ્વીને શૂદ્ર માનવામાં આવતા જ ન હતા, પરંતુ વાર્તામાં ટ્વિસ્ટ આણવા સારુ નવા પ્રસંગો ઘડી કાઢવામાં આવ્યા. પરિણામે મર્યાદા પુરુષોત્તમ રામને અનાયાસે એવા ચિતરવામાં આવ્યા જે બીજાને શારીરિક કષ્ટો આપતા હતા અને સ્ત્રીઓને તેમ જ દલિતો, શૂદ્રોને રંજાડતા હતા. વાલ્મીકિના રામ બહાદુરોમાં પણ સૌથી બહાદુર હતા. ઉમદા લોકોમાં પણ સૌથી ઉમદા હતા, પણ ભગવાન ન હતા.

ભગવાનો, પ્રભુઓ અને એમની આજ્ઞાઓ વિષે દુનિયામાં સૌથી વધુ વિવાદો, યુદ્ધો ચાલે છે. અનેક યુદ્ધોના મુખ્ય કારણ ભગવાન હોય છે. ક્યારેક એમ થાય કે નીચે ઊતરીને ભગવાન અદાલતમાં જુબાની આપી જતો હોય તો ઘણા વિવાદો શમી જાય. હમણા દક્ષિણમાં કલ્કિ ભગવાન પધાર્યા છે જે વિષ્ણુના દસમા અને આખરી અવતારરૃપ છે. એમને અદાલતમાં બોલાવીને પૂછી શકાય કે પ્રભુ, તમે સાતમા અવતારમાં, રામ તરીકેના અવતારમાં અયોધ્યામાં ક્યાં જન્મ્યા હતા? પણ આ નવા કલ્કિ ભગવાનને તો ૮૦૦ કરોડ અને હજાર કરોડ રૃપિયા, ડૉલર કમાવામાં રસ છે. કળિયુગમાં કલ્કિ પણ બનાવટી જન્મ્યા છે. હવે સાચાની રાહ જુઓ.

ભગવાન વિશેની આટલી મલ્લિનાથી, તાત્ત્વિક ચર્ચાઓ કરવાથી થાકી જવાય છે અને વળતું કંઈ નથી. માટે ગુરુ નાનક કહેતા કે ચર્ચાઓ ટાળો અને ભક્તિનો કર્મ માર્ગ અપનાવો. સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયાધીશોએ રામજન્મભૂમિ વિષે એક મતે ચુકાદો આપ્યો. તે અગાઉ સતત ચાલીસ ચાલીસ દિવસ સુધી દલીલો સાંભળી. ચુકાદો આવ્યા બાદ ન્યાયમૂર્તિઓ સર્વશ્રી રંજન ગોગોઈ (સીજેઆઈ), અશોક ભૂષણ, એસ.એ. બોબડે, ડી.વાય. ચન્દ્રચૂડ અને અબ્દુલ નઝીરે શું કર્યું ખબર છે? સર્વોચ્ચ અદાલતની બાજુની એક પંચતારક હોટેલની રેસ્ટોરાંમાં જઈને સાથે ડિનર લીધું. ચીફ જસ્ટિસે એ ડિનર આપ્યું હતું. બધું જ મહત્ત્વનું છે, પણ દરેક માટે ડિનર સૌથી મહત્ત્વનું છે. હવે બધંુ ભૂલીને ડિનર માટે લાગી પડો. લ્યો ત્યારે, રામ રામ.
———————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »