તમારા માટે, તમારી સાથે, સતત…

કોલાકાતાના કોઠારી બંધુઓનાં બલિદાનની યાદ તાજી થઈ

વિષ્ણુકાન્ત શાસ્ત્રી જ કહેતા, 'આંદોલન વિરાટ ધ્યેય કે લિયે હોતા હૈ, જો સરલ હો વો આંદોલન નહીં હોતા!'

0 172
  • કવર સ્ટોરી – મુકેશ ઠક્કર

સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો ત્યારે કોલકાતામાં ઘણા લોકોની આંખ સામે રામ અને શરદના ઉત્સાહી ચહેરાઓ તરવરી ઊઠ્યા. બાળપણથી સંઘથી ઓતપ્રોત આ ભાઈઓએ કારસેવામાં બલિદાન આપ્યુ હતું.

આખા દેશમાં ત્યારે શ્રીરામ જન્મભૂમિ પર ભગવો ફરકાવવાની હોંશ યુવાનોમાં હતી.કોલકાતામાં પણ સંઘની શાખાઓમાં તરવરિયા સેવકો જૂથ બનાવી અયોધ્યા તરફ કૂચ કરવાની યોજના ઘડી રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના આહ્વાન પર સોમનાથ મંદિરથી ૨૫ સપ્ટેમ્બર, ૧૯૯૦ના રામ રથયાત્રા લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાંં આરંભ થઈ અયોધ્યા પહોંચવાની હતી. રથયાત્રા સમગ્ર દેશમાં આંદોલનનું સ્વરૃપ લઈ ચૂકી હતી.

૨૦ વરસના શરદ અને ૨૩ વરસના રામ કોઠારીએ પણ પિતા હીરાલાલ કોઠારી અને માતા સુમિત્રાદેવી કોઠારી સમક્ષ કારસેવા કરવા અયોધ્યા જવાની પરવાનગી માગી. તે જ વર્ષે બહેન પૂર્ણિમાનાં લગ્ન થવાનાં હતાં. મૂળ બિકાનેરના હીરાલાલ કોઠારીએ મોટા પુત્ર રામને રજા આપી. શરદને બહેનનાં લગ્નના કામકાજ અંગે રોકાવા કહ્યું, પણ શરદની જલ્દી પાછા ફરવાની વિનંતી પછી બંને ભાઈઓને રજા મળી. શરત હતી કે દરરોજ એક પોસ્ટકાર્ડ લખી મોકલી આપવું.

Related Posts
1 of 142

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના બીજા સાથીઓ સાથે ૨૨ ઑક્ટોબરના કોલકાતાથી ટ્રેન પકડી. તે વખતે ઉત્તર પ્રદેશમાં કારસેવકોને રોકવા માટે તત્કાલીન મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવે આકરાં પગલાં ભરવામાં કંઈ બાકી રાખ્યું નહોતું. કારસેવકોને ફરજિયાત બનારસ ઊતરવું પડ્યું. ત્યાંથી રામ અને શરદ ટેક્સી મારફત આઝમગઢના ફૂલપુર કસ્બા સુધી પહોંચ્યા. ૨૫ ઑક્ટોબરના પગપાળા પ્રવાસ કરતા ૨૦૦ કિલોમીટર ચાલીને ૩૦ ઑક્ટોબરના વહેલી સવારે અયોધ્યા પહોંચ્યા ત્યારે અશોક સિંઘલ, ઉમા ભારતી, વિનય કટિયાર જેવા મંદિર આંદોલનના નેતાઓ સહિત લાખો કારસેવકો અયોધ્યા અને આસપાસ પહોંચી ચૂક્યા હતાં. પોલીસનો જબરજસ્ત બંદોબસ્ત હતો, પણ રામ સેવકો પણ મક્કમ હતા. તે સમયે ત્યાં ઉપસ્થિત સેવકોના જણાવ્યા મુજબ રામ અને શરદ વિવાદાસ્પદ ઢાંચા સુધી પહોંચનારામાં અગે્રસર હતા. કોઠારી બંધુઓએ ગુંબજ પર સૌ પ્રથમ ભગવો ફરકાવ્યો હતો. મુલાયમસિંહ યાદવે પુરી તાકાત કારસેવકોને રોકવામાં લગાડી હતી તો બિહારમાં તત્કાલીન મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવે સમસ્તીપુરમાં રથયાત્રાની આગેવાની કરતા લાલકૃષ્ણ અડવાણીને રોક્યા.

અયોધ્યામાં કરફ્યુ લાદવામાં આવ્યો હતો. તે દરમિયાન વિનય કટિયારના નેતૃત્વમાં કારસેવકો બે નવેમ્બર, ૧૯૯૦ના હનુમાન ગઢી તરફ વધી રહ્યા હતા. પોલીસે લાઠીઓ વરસાવી, ગોળીબાર કર્યો જેમાં રામ અને શરદ રામ મંદિર આંદોલન કરતાં શહીદ થયા. ૪ નવેમ્બરના સરયુ નદીના તીરે ઘાટ પર ભારત માતાનાં બે સંતાનોના એકસાથે અંતિમ સંસ્કાર થયા ત્યારે હજારો લોકો સજળ નયને હાજર રહ્યા હતા.

સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો ત્યારે કોલકાતામાં ઘણા લોકોની આંખ સામે રામ અને શરદના ઉત્સાહી ચહેરાઓ તરવરી ઊઠ્યા. બાળપણથી સંઘથી ઓતપ્રોત આ ભાઈઓની બહેન પૂર્ણિમાના ઘેર પણ લોકો પહોંચ્યા. રામ અને શરદનાં માતાપિતા હવે હયાત નથી. બહેન પૂર્ણિમાને પણ સમજાતું નહોતું કે શું પ્રક્રિયા પ્રગટ કરવી, ભાઈઓની છબી સમક્ષ લોકોએ પુષ્પાંજલિ અર્પી તેમની શહાદત યાદ કરી. રામ અને શરદ કોઠારીની બહેન પૂર્ણિમાના એક આંખમાં દુઃખ તો બીજી આંખમાં હર્ષ છલકાતો હતો. તેમણે સવિનય એક જ વાત કહી, મારા ભાઈઓને અયોધ્યામાં જ્યાં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનો જન્મ થયો તે પાવન શ્રીરામ જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિર નિર્માણ પામે એ જ ભાવભરી અંજલિ અર્પણ ગણાશે. ૨૯ વરસ સુધી અમે રાહ જોઈ, છેવટે ખુશીનો દિવસ આવ્યો. તેમાં મારા ભાઈઓ સહિત ઘણા રામ ભક્તોનું બલિદાન પણ લેખે લાગ્યું છે.

કોલકાતામાં ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા વિષ્ણુકાન્ત શાસ્ત્રી હતા. શિક્ષક, વિદ્વાન અને કવિ હતા, વેરઝેરના રાજકારણથી અલગ રહેવાની સલાહ આપતાં, દ્વારે દ્વારે પ્રચાર કરતા, મૂળ કવિ સ્વભાવના હોવાથી ચૂંટણી સમયે પણ શિષ્ટાચાર ચૂકતા નહીં. શ્રીરામ ચરિત માનસના અભ્યાસુ હતા. રામ મંદિર સાથે રામના આદર્શો પણ સમજાવતા. આવી ચાલતી ફરતી શાળાઓમાં રામ અને શરદને પ્રેરણા મળતી. વિષ્ણુકાન્ત શાસ્ત્રી જ કહેતા, ‘આંદોલન વિરાટ ધ્યેય કે લિયે હોતા હૈ, જો સરલ હો વો આંદોલન નહીં હોતા!’
——————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »