તમારા માટે, તમારી સાથે, સતત…

કલાના આશ્રયે જીવનનું સૌંદર્ય

આનંદ અને સુંદરતાના ચાહક માણસની અભિવ્યક્તિનાં બે અત્યંત પ્રભાવક પરિણામો એટલે કલા અને કસબ.

0 130
  • નિસર્ગ આહીર

એવી માન્યતા હતી કે ઘરને આંગણે ઈશ્વર આવે તો આંગણુ અડવું ન લાગવું જોઈએ. એટલે સદીઓથી ઘરને રૃપરસથી જીવંત બનાવી દેવામાં આવતું હતું. કલાકસબથી શોભતાં ભાતીગળ રંગરાગવાળાં પરંપરાગત ઘર તો હવે ગયાં. અફસોસ શો કરવો? પણ નિરાશ થવાનીયે જરૃર નથી. આવાસને કલાકૃતિઓથી સજાવીને અસ્તિત્વને સુંદરતા અને સંતોષથી મધુર કરી શકાય છે. કલા સાથે નિસબત ધરાવતા કે કલામાં ઓતપ્રોત લોકોનાં ઘર વિશે જાણી કલાને જીવનનો હિસ્સો બનાવી શકાય છે. કલાકારોના કલા વિશેના મતને અનુસરવામાં કોણ રોકે? જરૃર છે પ્રેરણાની, સકારાત્મક અભિગમની. ઘરની જડ દીવાલોને રસઝરતી કરવામાં વાર કેટલી?

માણસની કોઈ પણ પ્રવૃત્તિના કેન્દ્રમાં હોય છે આનંદ. સૌંદર્ય છે આનંદ આપનારું મુખ્ય કારણ. માણસ સૌંદર્યનો ચાહક છે, સર્જક પણ છે. પોતાનો દેહ, કપડાં, ઘરેણાં, ઘર, કાયમી વપરાશની ચીજવસ્તુઓ, ઘરની આસપાસનું વાતાવરણ એવું બધું સુંદરતાથી ભરી દે છે માણસ. કુદરતે આપેલી સૃષ્ટિને વધારે સુંદરતમ બનાવવાની એને ઇચ્છા થાય તો એ ઇચ્છા પૂરી કરી શકવાની આવડત છે એની પાસે. સુંદરતા પ્રાપ્ત કરીને આનંદમય જીવન જીવવાનું એને વરદાન મળેલું છે.

આનંદ અને સુંદરતાના ચાહક માણસની અભિવ્યક્તિનાં બે અત્યંત પ્રભાવક પરિણામો એટલે કલા અને કસબ. કલા એટલે સાહિત્ય, સંગીત, ચિત્ર, શિલ્પ અને સ્થાપત્યના રૃપે ભૌતિક હેતુ વગરનું સુંદરતમ સર્જન. કસબ એટલે ભરતગુંથણ, માટીકલા, કાષ્ઠકલા, આભૂષણ, ચર્મકલા, સીવણકલા એમ ઉપયોગમાં લઈ શકાય એવી, હેતુ સાથેની ચીજવસ્તુઓનું નિર્માણ. માણસે કલા-કસબની અપરંપાર સૃષ્ટિ રચીને એકધારા, અભાવગ્રસ્ત, સુખદુઃખની તડકી-છાંયડીવાળા જીવનને સુંદરતમ કરી દીધું છે.

કલાકસબનું દેખીતું રૃપ તો ઘરમાં અવતરે. સામાન્યતઃ માણસ મોટા ભાગનો સમય તો ઘરમાં વીતાવે છે. ઘર આશરો આપે છે એવું નથી, એ તો પરિવારની હૂંફ, સુખદુઃખનું સાથી અને રાતદિવસનું સાક્ષી એક આત્મીય અંગ હોય છે. ઘર એના રહેવાસીના વ્યક્તિત્વ અને સંસ્કૃતિનું પ્રતિબિંબ હોય છે. પરંપરિત ઘરમાં સાંસ્કૃતિક પરિબળો બાંધકામની રીતમાં, કલાકૃતિઓની શૈલીમાં, રાચરચીલાના ઘાટમાં અવતરે, પરંતુ વિશિષ્ટ પ્રતિભા ધરાવતો માણસ પરંપરામાં પણ આગવું ઉમેરણ કરીને કશુંક નવું સિદ્ધ કરે. એટલે, પરંપરાગત ઘરમાં સંસ્કૃતિ અને વ્યક્તિગત રસરુચિ એ બંનેનો સમન્વય જોવા મળે. કલા આનંદ આપનારી અત્યંત સુંદર સિદ્ધિ છે. માણસે એવી કલાકૃતિઓથી એકરૃપ થયેલા ઘરમાં રહેવું જોઈએ જેથી આનંદ અને સુંદરતાની ચેતના ચિત્તને પ્રફુલ્લિત રાખે. કલાકૃતિઓથી સુંદર ઘર દરેકની ઓળખરૃપ, વ્યક્તિત્વની વિશિષ્ટતા દર્શાવનારું હોવું જોઈએ. બીજાના ઉછીના લીધેલા વિચારો કે અભિપ્રાયોથી અંગતતા આવતી નથી. મોંઘું કે સસ્તું એવું ગણિત પણ એમાં હોતું નથી. અત્યારે આર્કિટેક્ટ અને ઈન્ટીરિયર ડિઝાઇનર તરીકેની એક ધંધાદારી નાત પેદા થઈ છે, જે તગડી ફી લઈને ઘર બનાવી આપે કે સજાવી આપે. દરેક સ્થપતિ કે ઈન્ટીરિયર ડિઝાઇનર કંઈ એવા માત્ર ધંધાદારી નથી હોતા. નિસબતથી અને લોકોની રચરુચિને, વ્યક્તિત્વને ધ્યાનમાં રાખીને કલાની રીતે સાધના કરનારા લોકો છે, પણ એવા ઓછા છે. માત્ર ધંધાદારી રીતે કામ કરનારા લોકોએ કલા, સંસ્કૃતિ, પરંપરા, હસ્તકલાની સિદ્ધિઓ એ સૌનો દાટ વાળ્યો છે. એવા લોકોએ તૈયાર કરેલાં ઘર જીવંત નથી હોતાં, સંવાદી નથી હોતાં કે એમાં રહેનારા લોકોના અંગરૃપ નથી હોતાં. આ પ્રકારની અરાજકતા આનંદ ન આપે. કદાચ અભિમાન આપે, ભભકો આપે, બીજાને ઈર્ષ્યા કરવા પ્રેરે પણ રહેનાર સાથે આત્મીયતા ન સ્થાપી શકે.

એટલે, કલાના આશ્રયે જીવનને ધબકતું કરવા માટેના પદાર્થપાઠ શીખવા જરૃરી છે. સ્થાપત્ય કલા એટલે ભવનના બાંધકામની કલા. આ એવી કલા છે જેની વચ્ચે જીવી શકાય. એમાં હરફર કરી શકાય. દીવાલ, બારીબારણા, છત, ભૂમિતલ, જાત જાતના ખંડ દ્વારા વાતાવરણ, ઋતુઓ અને સમય સમયના રંગો સાથે માણસનો સંબંધ રચાય છે. ઘર અને અન્ય સ્થાપત્યમાં આ જ તફાવત છે કે ઘર જીવનનો અંતરંગ હિસ્સો છે. એ આશ્રય આપવાની સાથે સાથે આત્મીયતા, હૂંફ, આનંદ આપે છે. એવું ઘર જ્યારે સ્વયં કલા હોય ત્યારે એનું પરિમાણ બદલાઈ જાય છે. એ બની જાય છે કાયમી આનંદની વર્ષા.

વિશ્વના ઉત્તમ સ્થપતિ, આર્કિટેક્ટ તરીકેનો પુરસ્કાર પ્રાપ્ત કરનાર બાલકૃષ્ણ દોશીના સ્થપતિ તરીકેના ખ્યાલો વિચારણીય છે. તેઓ માને છે કલાકૃતિઓની સજાવટથી જો ઘર પોતે જ એક કલાકૃતિ બની જાય તો એ અત્યંત આનંંદ આપે, સુરતિ આપે. એમાં અચંબો હોય, વિસ્મય હોય. એવું લાગ્યા કરે કે આ તો અદ્ભુત છે. ચિત્ર બે ડાઈમેન્શનમાં હોય, શિલ્પ ત્રણ ડાઈમેન્શનમાં હોય પણ સ્થાપત્ય જ એવું છે જે મલ્ટિડાઈમેન્શલ હોય. એમાં અંદર પ્રવેશી તો શકાય, અલગ-અલગ સ્થિતિ અનુભવી પણ શકાય. સ્થપતિ દ્વારા ઘર બનાવવામાં આવે તો જાણે ફિલ્મ જોતાં જોતાં કોઈ દૃશ્ય સ્થગિત, ફ્રીઝ થઈ ગયું હોય એમ લાગે. સામાન્યતઃ સ્થપતિ બાંધકામ રચે પછી એને છોડી દે છે. એમાં તો બાંધકામ બહારથી કેવું લાગે એ મહત્ત્વનું બની જતું હોય છે એટલે જીવંતતા નથી આવતી. આમ પણ, હવે તો બધું જીવનથી છૂટતું જાય છે. ખાસ તો માણસ બીજાને પ્રભાવિત કરવા બધું કરતો હોય એમ લાગે. ક્યાંય પોતાનો હાથ ન વરતાય, હૈયું ન વરતાય. એટલે કશું પોતાનું ન બને. હું સ્થપતિ તરીકે મારો પ્રાણ મારા સ્થાપત્યમાં વહેતો મૂકું. મારું ધાર્યું કરું. બીજાની ઇચ્છા પ્રમાણે રચના કરું ત્યારેય એમાં મારાપણુ જ વધારે અવતરે એનું ધ્યાન રાખું. મારા ઘરમાં મારી તમામ ચીજવસ્તુઓ સાથે મારો સંવાદ હોય છે. એ મારું પ્રતિબિંબ હોય છે એટલે અરસપરસ જીવંત લગાવ રહે છે. હું મારું મોટા ભાગનું કામ મારી ઑફિસમાં જ કરું છું, જેથી આખી ઑફિસમાં આત્મીયતા પ્રસરે. મારા બનાવેલા ઘરમાં રહું છું, મારી પ્રિય કલાકૃતિઓ સાથે રહું છું એટલે એમાં ઓતપ્રોત રહું છું.

કલાકાર, કલાવિદ્, કલાચાહક અનિલ રેલિયાની કલાપ્રીતિ ખૂબ ધ્યાન ખેંચે એવી છે. એમનું નિવાસસ્થાન ‘અમરત’ સ્થાપત્ય અને દ્રશ્યકલાનો બેજોડ નમૂનો છે. આ એવું ઘર છે જે કલાકૃતિઓના સંયોજન, સમાયોજનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. ઘર એટલે જ જાણે કલાકૃતિની વિશાળ ફ્રેમ. એમાં રહેનારાઓ કલાની સાથે સંવાદ સાધીને કલાનો જ એક ભાગ બની જાય છે. ઘરની દીવાલો ચિત્રોને અનુરૃપ જ બનાવવામાં આવી છે. એમાં એમ. એફ. હુસેનનું વીસ ફૂટ લાંબું ચિત્ર પણ લગાવી શકાય અને મિનિએચર પૅઈન્ટિંગ પણ. ચિત્રકલાને અનુરૃપ ઘર બન્યું તેમ ખાસ ઘરને અનુરૃપ હોય એ પ્રમાણે ચિત્રકારોએ કલાકૃતિઓ બનાવી આપી છે. આ અર્થમાં કેવળ કલાને ધ્યાનમાં રાખીને બનેલું અનિલ રેલિયાનું ઘર વિશેષ નોંધપાત્ર છે.

અનિલ રેલિયાની આશરે ચાર હજાર જેટલી કલાકૃતિઓમાંથી ત્રણસો જેટલી કલાકૃતિઓ તો ઘરમાં કાયમીપણે પ્રદર્શિત કરવામાં આવી છે. એમાંથી ઘણી બધી કૃતિઓ વર્ષમાં વારંવાર બદલવામાં આવે છે, જેથી મોટા ભાગનો કલાસંગ્રહ ઘરનો હિસ્સો બને. એમણે ખાસ પ્રકારની ખોલી શકાય એવી ફ્રેમ બનાવી છે, જેમાં ચિત્રો આરામથી બદલી શકાય.

ઈ.સ.પૂ. ર૦૦થી લઈને સાંપ્રત કલાકાર સુધીનો સમૃદ્ધ કલાવારસો ધબકે છે એકસાથે. નાના માપનાં લઘુચિત્રો કે મિનિએચર પૅઈન્ટિંગથી લઈને વીસ વીસ ફૂટનાં વિશાળકાય ચિત્રો ત્યાં છે. કાષ્ઠ, પાષાણ, ધાતુનાં શિલ્પો છે; ઑઈલ, ઍક્રેલિક, કાગળ પરનાં આધુનિક ચિત્રો છે; કાષ્ઠ, કાગળ, કાપડ પરનાં પરંપરિત ચિત્રો છે; ચિનાઈ માટીની તાસકો છે એમ કલાકૃતિઓમાં પાર વગરનું વૈવિધ્ય છે. એમ. એફ. હુસેન, એસ. એચ. રઝા, અમિત અંબાલાલના સતત સંપર્ક-સંસર્ગને કારણે એમની કૃતિઓની અધિકતા દેખાય છે. સૌથી વધારે તો ધ્યાન ખેંચે એમ. એફ. હુસેનનાં અનેક કદમાપનાં અને અનેક શૈલીનાં ચિત્રો. આમ છતાં એમ કહેવું પડે કે વ્યક્તિચિત્રો, પૉર્ટ્રેઈટ એમનો પ્રાણપ્રદ વિષય છે, પ્રથમ પ્રેમ છે. ભારતીય વ્યક્તિચિત્રોનો એમની પાસે વિશ્વપ્રસિદ્ધ બેનમૂન ખજાનો છે. સમય કે વિષય આધારિત પૉર્ટ્રેઈટનાં દસ માતબર પ્રદર્શનો એમણે યોજ્યાં છે. ભારતીય વ્યક્તિચિત્રોનું અદ્વિતીય મ્યુઝિયમ સ્થાપવાની એમની ખેવના છે.

અનિલ રેલિયા ઘરમાંની કલાકૃતિઓની ઊર્જા બાબતે પોતાના વિચારો વ્યક્ત કરતાં કહે છે કે મારે મન દરેક કલાકૃતિ શ્વાસ લે છે. એ જીવંત છે. એની સાથેનો મારો સંબંધ અંગત છે – વેરી પર્સનલ. ચિત્રો માટે જ ઘર બનાવ્યું છે એમ કહું તો ચાલે. મારા પરિવાર જેટલી જ અંગત લાગણીઓ એના માટે છે. ત્રણસો જેટલાં ચિત્રો દીવાલો પર કે અહીંતહીં મૂકેલાં છે, પરંતુ બાકીનાં ચિત્રોને વર્ષમાં એક વાર તો ધરાઈને જોઈ જ લઉં છું. વળી, હાથમાં લઈ સ્પર્શું. મિનિએચર પૅઈન્ટિંગને વર્ષમાં એક વખત તડકો આપું. ચિત્ર ખરાબ હોય તો એનું સંરક્ષણ કરું, કાળજી લઉં. અને, આમ ચિત્રો સાથે સતત રહેવાને કારણે એની સાથેનો નાતો મજબૂત બને છે.

સુપ્રસિદ્ધ ચિત્રકાર અને કલામર્મજ્ઞ અમિત અંબાલાલ કલાજગતની આદરણીય વ્યક્તિ છે. કલાના આશ્રયે જીવાતા જીવનનાં અનેક સુંદર અને ભવ્ય પાસાંઓ એમના કલાકૃતિઓથી ખચિત ઘરમાં અનુભવી શકાય છે. દીવાનખંડમાં પોતાની સામે રહેલી ગોપાષ્ટમીની એક સુંદર પિછવાઈ દર્શાવીને તેઓ કહે છે કે આ ઘરમાં રહેવા આવ્યા ત્યારથી, ૧૯૭૧થી આ પિછવાઈ અહીં છે. મને આશ્ચર્ય થાય છે કે પ્રત્યેક દર્શને મારો એની સાથેનો સંબંધ બદલાતો રહે છે. એના માટેનો મારો ભાવ નવા નવા રૃપે આવ્યા જ કરે છે.

વળી, સામે રહેલા એમ. એફ. હુસેનના ગણપતિ દર્શાવીને કહે છે કે હુસેને જતાં જતાં આ ગણપતિ મને બનાવી આપ્યા. એમાં ગણપતિ છે તે ત્રાંસી આંખે જુએ છે. મારા ચિત્રોમાં ત્રાંસી આંખે જોતી આકૃતિઓ મુખ્ય હોય છે તો એ હુસેને બરાબર પકડયું. તો, મારા સંગ્રહમાં, મારી આસપાસની કલાકૃતિઓમાં તો આવી અનેક બાબતો સંકળાયેલી છે, જે મને સતત વાર્તાઓ કહેતી હોય એવું લાગે.

અમિત અંબાલાલ પોતાના અનુપમ કલાસંગ્રહ વિશે કહે છે કે મારા સંગ્રહ વિશે એવું છે કે જે મને ગમે, આકર્ષે કે અંદરથી અવાજ આવે તેને જ હું લઉં. હું કદી કિંમત વધશે એટલા માટે કે ઈન્વેસ્ટમેન્ટ માટે કલાકૃતિને ધ્યાનમાં નથી લેતો. મારા અંદરના અવાજ, મારા ઘરના વાતાવરણમાં ચોક્કસ એકરસ થાય એવું હું વસાવતો હોઉં છું. કલાકૃતિ મારી સાથે વાત કરવી જોઈએ. કોઈની સલાહથી કલાકૃતિ ન લેવાય. એ માટે તો અંદરની ચેતના જાગૃત થવા દેવી જોઈએ.

Related Posts
1 of 299

અમિત અંબાલાલના ‘સુમેરુ’માં કલાનું એવું તો સામ્રાજ્ય છે કે પ્રત્યેક કલાકૃતિ જોવા માટે આકર્ષે. પ્રત્યેક દર્શને નવાં રૃપો ધારણ કરે. જોનારને ભાતભાતની કથાઓ સંભળાવવા આતુર બની જાય. એક પ્રકારની દ્રશ્યોથી સભર સભર આનંદદાયી અજાયબ સૃષ્ટિ જાણે. ધન્યતાની ક્ષણો…!! દેશપરદેશથી અનેક કલાકારો સતત આવે, કલાની અદ્ભુતરસિક વાતો થાય, કલાકૃતિઓની સમીક્ષા થાય એ બધાની મજા તો શું કહેવી? આ ઘર જાણે કલાનું એક અદ્ભુત તીર્થ છે.

સૌંદર્યથી ભર્યાભર્યા ઘરની કલા સમૃદ્ધિ વિશે અમિત અંબાલાલ કહે છે કે મને કલાની બાબતે ઘણી વાર અંદરથી અવાજ આવતો હોય છે. કોઈ કલાકૃતિ મારી પાછળ પડી જાય. એને પ્રાપ્ત કરું પછી જ ધરપત થાય. મને સ્પર્શે અને જેમાં કલાકારનો આત્મા હોય એ જ હું વસાવું. હું માનું છું કે કલાકૃતિમાં કલાકારની પ્રાણપ્રતિષ્ઠા થઈ હોય તે જ કૃતિ મહાન બને. આ પ્રાણપ્રતિષ્ઠા એટલે બાહ્ય વિધિવિધાન નહિ, કલાકારના આત્માએ કલાકૃતિમાં કરેલો પ્રવેશ. હું માનું છું કે એને જ કલા કહેવાય, બાકી તો કસબ જ હોય છે. એક બાબત એવી પણ છે કે જે લોકો દુર્ગાપૂજા વગેરે ભક્તિભાવપૂર્વક કરતા હોય તો તેનામાં માતાજી પ્રવેશ કરે છે. આપણે અને ‘ધૂણવું’ કહીએ છીએ. કલામાં પણ એવું જ છે. કલાકારને આવાં ‘માતાજી’ આવવાં જોઈએ. જે લોકો કલાના પ્રચલિત ટ્રેન્ડ પ્રમાણે કામ કરે છે તેમને માતાજી નથી આવતાં! અને એટલે જ ચિત્તને સ્પર્શી શકતાં નથી.

હું પૂછું છું કે ધાર્મિક કલાકૃતિઓ અને શુદ્ધ કલાકૃતિઓ વચ્ચે કયો ભેદ હોય છે? અમિતભાઈ એમની લાક્ષણિક, ગંભીર છતાં મધુર ભાષામાં ઉત્તર આપે છે ઃ કલાકૃતિ એટલે કલાકૃતિ જ. એ કલાકૃતિ છે કે નહિ એ મહત્ત્વનું છે. એ ઉત્તમ જ હોવી જોઈએ. કેમકે, ઉત્તમ કલાકૃતિઓમાં કોઈક આંતરિક તત્ત્વ કામ કરે જ છે, એટલે એ ‘શુદ્ધ’ જ હોય. કોઈ એક ક્ષણે ઉત્તમ કલાકૃતિમાં સર્જકનું શુદ્ધ ચિત્ત પ્રવેશી જ જતું હોય છે. જેમ કે, અજંતાની કલાકૃતિઓમાં જાતકકથાઓનું નિરૃપણ છે. હવે, જે લોકો એવી કથા નથી જાણતા તેઓ પણ કલાની ઉત્તમતા તો માણી જ શકે છે. વિધિવિધાનની કલાકૃતિ પણ જો ઉત્તમ રીતે ન થઈ હોય તો એમાં કશુંક ખૂટતું લાગે. જે કલાકૃતિ ચિત્તને સ્પર્શે તે જ મહાન બને.

સમગ્ર ઘર એક જીવંત કલાકૃતિ છે. જ્યાં જુઓ ત્યાં કલાની સુંદરતા પથરાઈ છે. વિશાળ બગીચામાં શિલ્પકૃતિઓ છે, તો સ્ટુડિયોમાં અનેક પ્રકારની કલાકૃતિઓ છે. સૌથી વધારે તો નોંધનીય છે કાષ્ઠની અદ્ભુત હવેલી. કાષ્ઠકલાના અત્યંત સુંદર નમૂનારૃપ હવેલીને પુનઃ સ્થાપિત કરવામાં આવી છે અને એમાં ઉત્તમ પિછવાઈઓનો સંગ્રહ પ્રદર્શિત કરવામાં આવ્યો  છે. કમલની પિછવાઈની અધિકતાને કારણે એને ‘કમલ ચૌક’ પણ કહે છે. કાષ્ઠકલા અને ચિત્રકલાનો આ અત્યંત કલાત્મક સંગમ છે.

‘વિશાલા’ થીમ રૅસ્ટોરન્ટ અને ‘વિચાર’ ધાતુપાત્રના અનુપમ સંગ્રહાલયના સ્થાપક સુરેન્દ્ર પટેલ કલાકાર, સ્થપતિ અને ઈન્ટીરિયર ડિઝાઇનર તરીકે પ્રસિદ્ધ છે. એમના આવાસમાં ઉત્તમ કલાકૃતિઓની અદ્ભુત એકતા સિદ્ધ થઈ છે. આર્કિટેક્ટ અને ઈન્ટીરિયર ડિઝાઇનર તરીકે તેઓ માને છે કે હું પરંપરિત કલા અને સાંપ્રત કલાના સમન્વય દ્વારા એક જુદું જ પરિમાણ સિદ્ધ કરું છું. ભારતીય કલામાં શિલ્પ કે ચિત્ર આગંતુક નથી, પણ બધું એકરૃપ થઈને આવે છે. જ્યાં મોકો મળે ત્યાં કહેતો પણ ફરું છું કે ભારતીય કલા-કારીગરીમાં ખૂબ જ વિવિધતા છે તો તેનો સારા પ્રમાણમાં અને યોગ્ય રીતે ઘરમાં સમાવેશ કરવો જ જોઈએ. કલા માત્ર આનંદ નથી આપતી, વ્યક્તિત્વનો વિકાસ પણ કરે છે.

સમારા આર્ટ ગૅલેરી દ્વારા કલાની અનેકવિધ પ્રવૃત્તિ કરતાં અને કલાકાર તરીકે પ્રસિદ્ધ સોનલ અંબાણીનું નિવાસસ્થાન કલાનો અદ્ભુત વારસો સંગ્રહીને બેઠું છે. દેશવિદેશની કલાકૃતિઓ પાસપાસે હોય ત્યારે એમાં સૌંદર્યનાં સ્તર કઈ રીતે સિદ્ધ કરી શકાય એ સોનલ અંબાણી પાસેથી શીખવા જેવું છે.

પદ્મશ્રી પુરસ્કારથી વિભૂષિત પ્રસિદ્ધ લોકકલાવિદ્ જોરાવરસિંહ જાદવ લોકકલાના સુંદર વારસાથી શોભતા પોતાના ઘર વિશે કહે છે કે વર્ષોથી લોકકલા માટે કાર્યક્રમો, લેખન અને સંશોધન કરું છું. લોકકલાની એ જીવંત અને વિવિધતાભરી કલાકૃતિઓ મારી ઓળખ છે અને મારા ઘરને બધી ધારાઓથી સમૃદ્ધ કરી દે છે. લોકચેતનાને જો પૂરેપૂરી અનુભવવી હોય તો એનો આદર કરતાં શીખવું જોઈએ. સદીઓથી સામૂહિક રીતે સિદ્ધ થયેલી કલાની ઊર્જા કંઈ જેવી તેવી નથી હોતી.

વિશ્વવિખ્યાત ચિત્રકાર વૃંદાવન સોલંકીનું ઘર ધબકતી ચિત્રવીથિકા જેવું છે. એમના સુંદર ઘરમાં કોઈ પ્રવેશ કરે એટલે એક વિસ્મયસભર અનુભવ થયા વગર ન રહે. ચિત્રકાર કહે છે ઃ વૈભવી નહિ પરંતુ સાદગીસભર આ ઘર અને એની દીવાલો રચાયાં છે, સાવ સહજ રીતે. પ્રથમ વખત પ્રવેશ કરનાર હરકોઈ ઉમળકાભેર ભીતરનો ઉદ્ગાર પ્રગટ કરતાં ‘વાહ’ તો બોલી ઊઠે છે, પણ એનો વિસ્મય અંગેઅંગમાંથી પ્રગટતો જોઈ શકાય છે.

સાચે જ, કલાકૃતિઓથી સજ્જ અને ધબકતું રૃડુંરૃપાળું ઘર એમાં રહેનારને અને આવનાર અતિથિને પણ નિરંતર આનંદ આપ્યા જ કરે છે. ઘણીવાર કલાકૃતિ સમગ્ર પરિવારની ચેતનાને ફૂટેલા ફૂલ જેવી હોય છે. શેઠ સી. એન. કૉલેજ ઑફ ફાઈન આર્ટ્સના આચાર્ય અને સુખ્યાત શિલ્પી રતિલાલ કાંસોદરિયા માને છે કે ઘરમાં અથવા વસવાટના સ્થાનમાં પ્રસ્થાપિત શિલ્પકૃતિ તેની આસપાસ વસનારાંઓ, નાનાં કે મોટાંનો ઑરા બદલી નાખે છે. શિલ્પકૃતિમાં સમાવિષ્ટ ગુણો મુજબ તે તેના સંપર્કમાં આવનારાંઓની માનસિકતા સુધારે છે. આમ, છેવટે તો શિલ્પ વ્યક્તિને સંસ્કૃતિ કે પ્રકૃતિ તરફ દોરી જાય છે.

ગાંધીનગરસ્થિત પ્રતિષ્ઠિત ચિત્રકાર નબીબખ્શ મનસૂરી કહે છે કે મારાં ચિત્રો કુદરતના સર્જનથી પ્રેરિત છે, જેમાં એક ધબકાર છે, એક જીવંતતા છે, એટલે ચિત્રો માણનાર વ્યક્તિ એક સકારાત્મક અનુભૂતિનો અહેસાસ કરે છે, જીવન જીવવા જેવું લાગે છે. ઈશ્વરની નજીક ઊભા હોઈએ એવું લાગે છે, કારણ કે મારાં ચિત્રો હંમેશાં અધ્યાત્મને વરેલાં છે!

વિદ્યાનગરના પ્રસિદ્ધ ચિત્રકાર અને બહુમુખી પ્રતિભાશાળી કલાવિદ્ કનુ પટેલ સામાન્ય માણસ અને કલાના સંગે શ્વસતા માણસ વચ્ચેના તફાવતને સ્પષ્ટ કરતાં કહે છે કે કલાના આશ્રયે જીવતો માણસ જીવનસંઘર્ષની પેલે પારની ઊર્જાની પ્રતીતિ કરી શકે છે. સામાન્ય માણસ જીવનની સમસ્યાઓનો ઉકેલ શોધવા મથતો હોય છે.

સુરતમાં આવેલી ગુજરાત કલા પ્રતિષ્ઠાન સંસ્થાના મહામંત્રી, કલા માટે સતત સેવારત રમણિક ઝાપડિયા લોકોમાં કલા માટે સભાનતા આવે તેવા સકારાત્મક પ્રયાસો કરે છે. કલાપ્રીતિ સંદર્ભે તેઓ માને છે કે જેમનું જીવન કલાની આસપાસ ગૂંથાયેલું હશે તે સંવેદનશીલ બનશે. લોકોને અને જગતને જોવા માટેનો તેમનો અભિગમ સકારાત્મક બની રહેશે. આજની આપણી ઘણી બધી સમસ્યાઓ ટળી જશે. અરાજકતા અને વિસંવાદ પણ ઓછાં થતાં જશે. કલાના આશ્રયે જીવવું એટલે જીવન અને જગતના સુંદરતમ રહસ્યનો પળેપળ અહેસાસ કરવો.

રાજકોટ પાસે ‘સંપદા’માં અમૂલ્ય કલાવારસો સંગ્રહનાર કલાવિદ્ ઘનશ્યામ ગઢવી માને છે કે ગામડાનાં ઘરોમાં કલાકસબ હોય એ માનવીના અભાવને સભાવથી ભરી દે. વળી, આસપાસનો ને જીવાતા જીવનનો હિસ્સો પ્રતીકાત્મક રીતે એમાં આલેખાયો હોય છે. જે-તે પ્રદેશનો પરિવેશ કે આબોહવા પણ એમાં આકારિત થાય. ભરતગૂંથણ કે ભીંતચિત્ર તો લોકશિક્ષણનું કામ કરે. એમાં આવતાં પાત્રોથી બાળક નાનપણથી જ પરિચિત થઈ જાય અને પરંપરા આગળ વધે.

વડોદરાસ્થિત કવિ, ચિત્રકાર, કલાવિદ્ પીયૂષ ઠક્કર માને છે કે કલાકાર અને કારીગર પોતાની આસપાસની સૃષ્ટિને અનેક રીતે પ્રભાવિત કરતો હોય છે. જે છે તે વધારે સુંદર કરી દે અથવા તો જે નથી તે પણ પોતાની કલ્પનાથી હાજરાહજૂર કરી દે.

સાચે જ, કલા માટેની પ્રીતિ અને દ્રષ્ટિ કેળવવાથી જીવન બદલાઈ જાય. ઘરમાં કલાકૃતિ હોવી કે કલાકૃતિરૃપે જ ઘર હોવું એ માણસ તરીકેની વિશેષતા બની રહે છે. કલાના આશ્રયે જીવનને સુંદરતમ બનાવવા માટે નાની-નાની બાબતોથી શરૃઆત કરી શકાય. જેમ કે, ઘરને આપણી વ્યક્તિગત રસરુચિ અનુસાર સજાવીએ. પરંપરાગત કલા અને કસબને મહત્ત્વ આપીએ. સતત કલા વિશે જાણીને આંખ અને સૂઝ કેળવીએ. શક્ય હોય ત્યાં હસ્તકલાની ચીજવસ્તુઓ વસાવીએ. રંગોળી જાતે કરીએ, ગરબા જાતે સજાવીએ, ગણપતિ જાતે બનાવીએ. કલા અને કસબમાં હાથ કેળવીએ. ઘરની સજાવટમાં પ્રિન્ટને બદલે કલાકારોની કૃતિઓ ખરીદીને મૂકીએ. હસ્તકલાના મેળાઓ ભરાતા હોય એમાંથી પોતાની પસંદ પ્રમાણેની વસ્તુઓ ખરીદી ઘરને સજાવીએ. આરંભ આ રીતે થાય ને પછીથી તો કલાના સતત સંપર્કથી ‘ટૅસ્ટ’ ઘડાતો જાય. શિષ્ટ અને આધુનિક કલા પછીથી ગમવા લાગશે. ઘર એક વિશાળ કૅન્વાસ બની જાય. અનેક રીતે પોતાને શણગારવા માટે ઘર જ આમંત્રણ આપશે. ઘર આત્મીય લાગશે, સ્વજન જેમ સંવાદ કરશે. એમ, પોતાનો જ સંસ્પર્શ પામેલી વસ્તુઓથી ઘરને પોતીકી ઓળખ મળશે. કલાની સાથે જીવવામાં, કલાના અંતરંગ ભાગ થઈને જીવવામાં જે સૌંદર્યબોધ અને આનંદપ્રાપ્તિ થાય છે એ અવર્ણનીય હોય છે એની પ્રતીતિ થયા વગર નહીં રહે.
————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »