તમારા માટે, તમારી સાથે, સતત…

ક કરોળિયાનો ક

આ વર્ષના જુલાઈ મહિના સુધીમાં અડતાલીશ હજાર બસો પ્રકારના કરોળિયા જાણી શકાયા છે.

0 896
  • ગૌરાંગ અમીન

કાગડો કોયલ કે કબૂતર લખાયા વંચાયા ને છવાયા
સ્વર નહીં સ્પંદન જાણે એવાં કરોળિયા છતાં ગવાયા

મારા પેટમાં એવી લાળ, નીકળે એમાંથી લાંબા તાર, લાળ કેરા તાંતણીયે, બનાવું એવી જાળ, કે મચ્છર, માખી ને ફૂદી જાય એમાં ફસાઈ. આ સાવ સહેલા ઉખાણાંનો જવાબ છે કરોળિયો. દિવાળી આવે એટલે ગાંધીજી કે મોદીને યાદ કર્યા વિના સૌ પોતપોતાની પ્રોપર્ટી ચોખી કરવા લાગે. એવામાં ધૂળ, કચરા ‘ને નકામી ચીજ પછી, સૌ પ્રથમ ગૃહિણીની આંખ બાવાંઝાળાં શોધે છે. બાવા શબ્દનો જ્યાં બીજો અર્થ થાય એ સાધુઓના આશ્રમ ‘ને પારસીઓના ઘર ફક્ત જાળાં શોધતાં હશે. એક જમાનામાં ઉતરાણના ઝંડા તરીકે કામમાં આવતું ઝાડું ઉન્નત મસ્તકે માણસના હાથ કે વેક્યૂમ ક્લિનર ના પહોંચે ત્યાં પહોંચે છે. જે છત ‘ને ખૂણાં આખું વર્ષ અવગણના ભોગવે છે તે કરોળિયાને કારણે પોંખાય છે. નેચરલિ કે હ્યુમનલિ કરોળિયાને પારકાં ઘરમાં દસ્તાવેજ વગર પોતાનું ખોરડું બનાવવાની સજા મળે છે. માણસના જીવનમાં પ્રત્યક્ષ રીતે ગંદકીવાદીનો રોલ હોવાં છતાં કરોળિયા વંદા કે ગરોળી જેવો ધિક્કાર નથી પામ્યા. કારણ મચ્છર, માખી ‘ને કીડી જેટલું કરોળિયા નથી હેરાન કરતાં કે નથી નૂકસાન પહોંચાડતાં.

કરોળિયા માણસની ખુલ્લી આંખ સામે ભાગ્યે જ આવે છે. મુખની લાળના તંતુઓથી જાળું બાંધનારું તેમ જ ભીંત વગેરે ઉપર ઝીણા સફેદ પડનું રહેવાનું સ્થાન બનાવનારું જંતુ એટલે કરોળિયો. ઊર્ણનાભ કે ઊર્ણનાભિ. ઉર્ણાયુ, ઉર્ણાવ્રત, ઉર્ણપટ. એ કાંતે છે એટલે એે વણકર માટેના સંસ્કૃત શબ્દ કૌલીક કે કૌલિક તરીકે પણ ઓળખાય છે. મૂષિકા એટલે ઉંદરડી પણ થાય ‘ને કરોળિયણ પણ. લૂતા, લૂતિકા, શલક, કુશાક્ષ જેવા સમાનાર્થી જેનાં છે એ કરોળિયા જાળ રચે એટલે જાલિક ‘ને જાલકાર કહેવાય છે. તંતુનાભ ‘ને તંત્રવાય. વાંદરાની જેમ મર્કટ. માખીની જેમ માક્ષીક. મકોડાની જેમ મર્કડિકા. જીવડું એટલે કૃમિ. ટેક્નિકલ નામ છે અષ્ટાપદ. માનવજીવનને ધ્યાનમાં લઈને વૈનાશિક. અંગ્રેજી શબ્દ સ્પાઇડર કરોળિયા જાળું રચે ત્યારે પોતે ફરે ‘ને તંતુ ગોળગોળ ફેરવે તે પ્રક્રિયા પરથી આવ્યો છે. મૂળ ક્રિયાપદ સ્પિન. જેના પરથી સ્પિનિંગ મશીન ‘ને કાંતવાની ત્રાક કે ધરી અર્થાત સ્પિન્ડલ જેવાં શબ્દ આવ્યા. હિન્દી વા ઉર્દૂમાં મકડી કહે, જે શબ્દ પૂરી શક્યતા છે કે સંસ્કૃત મર્કડિકા પરથી આવ્યો હશે. કારણ કે સંસ્કૃત મકરી એટલે મગરી.

કરોળિયા શ્વાસ લેતાં આર્થ્રોપોડ છે. આર્થ્રોન અર્થાત સાંધા ‘ને પાઉસ અર્થાત પગ એમ બે ગ્રીક શબ્દથી બનેલ વર્ગ આર્થ્રોપોડ એટલે કરોડસ્તંભ વગરના એ જીવો જેમની ભીતર અસ્થિતંત્ર ના હોય, પણ મુખ્ય શરીરની બહાર કવચ કે કોચલાંની જેમ કોઈ હાડકાકીય માળખું હોય તથા જેમનું શરીર વિભાગમાં વહેંચાયેલું હોય જે શરીરના કોઈ બહારી હિસ્સા કે ઉપાંગ થકી જોડાયેલાં હોય. આર્થ્રોપોડ વર્ગમાં એક મિલીમીટરના દસમાં ભાગ જેટલાં કદના સ્ટાયગોટેન્ટ્યૂલસથી માંડીને ૧૮ ફૂટના પગ ધરાવતાં જાપાનિઝ સ્પાઇડર ક્રેબ જેવું વૈવિધ્ય જોવા મળે છે. આ વર્ગમાં જીવડાં આવે. પરંતુ, સ્પાઇડરના શરીરના બે જ ભાગ છે, એક તો માથું વત્તા છાતી ‘ને બીજું પેટ એટલે એ પણ વીંછીની જેમ ઇન્સેક્ટ નથી ગણાતાં. વળી સ્પાઇડર પોતાની નાની ‘ને નાજુક કેડ જે પેટ ‘ને શરીરના ઉપરના ભાગ સાથે જોડે છે તેને કારણે વીંછી કરતાં જુદા જૂથમાં છે. તેમનાં દરેક પગના સાત ભાગ હોય છે જેમાં છેડે પંજો હોય છે. હિમોસાયનીન નામક તત્ત્વને કારણે તેમનું લોહી આછાં વાદળી રંગનું હોય છે. વિશ્વમાં સાતમા ક્રમે એમની વસ્તી છે. એ સૌથી વધુ ઊંચાઈ પર રહેતો જીવ છે.

આ વર્ષના જુલાઈ મહિના સુધીમાં અડતાલીશ હજાર બસો પ્રકારના કરોળિયા જાણી શકાયા છે. એથી વિશેષ આશ્ચર્યની બાબત એ છે કે વૈજ્ઞાનિકોમાં ૧૯૦૦ની સાલથી મતભેદો ચાલે છે જેના પરિણામે કરોળિયાઓના વીસ પ્રકારના વર્ગીકરણ છે. જરૃર આપણને ફક્ત વેબ યા નેટ બાંધનારા લાગતાં આ પ્રાણીમાં એવી બારીક ખાસિયત ભરી પડી હશે. કહે છે કે વિશ્વના બે કરોડ પચાસ લાખ ટન કરોળિયા ચારથી આઠ અબજ ટન જીવ હજમ કરી જાય છે જેમાં નાના પક્ષી, ઉંદરડી  ‘ને ગરોળીઓ આવી જાય. બધાં કરોળિયા જ્યાદાતર માંસાહારી છે એવું નથી, મધ્ય ‘ને દક્ષિણ અમેરિકામાં જોવાં મળતાં બઘિરા કિપલિંગી નામના કરોળિયા મહદ શાકાહારી હોય છે. કરોળિયાની પ્રજાતિ એટલી હદે સામાજિક જોવા મળે છે કે તેમની અમુક વસાહતમાં પચાસ હજાર સુધી કરોળિયા એક સમાજની જેમ રહેતાં હોય છે. આખરે કરોળિયા પૃથ્વી ઉપર લગભગ ત્રણેક અબજ વર્ષથી જીવી રહ્યા છે. કરોળિયા આપણા વડીલ છે, પૃથ્વીના સીનિઅર સિટિઝન છે.

ટેરેન્ટ્યૂલા નામનો વાળવાળો કરોળિયો સૌથી મોટો હોય છે. દસ સેન્ટીમીટર લાંબો ‘ને પંદરેક સેન્ટીમીટર લાંબા પગ વાળો. દક્ષિણ અમેરિકામાં એ પ્રજાતિના અમુક કરોળિયા માણસ માટે ઝેરી હોય છે તો ઉત્તર અમેરિકાના એવા ઝેરી નથી હોતાં. આ પ્રજા જાળાં નથી રચતી. નર ટેરેન્ટ્યૂલા અમુક જ વર્ષ જ્યારે નારી ટેરેન્ટ્યૂલા પાંત્રીસ વર્ષ સુધી જીવી શકે છે. વૂલ્ફ સ્પાઇડર કાદવ કે ગંદકીમાં રહે ‘ને ખરેલા પર્ણ ‘ને કચરો ખાય. ટેરેન્ટ્યૂલાની જેમ આ પણ દર બનાવી રહે ‘ને માણસને કરડે તો હાનિ પહોંચે. ટ્રેપ-ડોર સ્પાઇડર નામ મુજબ દરના દ્વાર પાસે છટકું ગોઠવી રાખે ‘ને શિકાર કરે. જમ્પિંગ-સ્પાઇડર એમના શરીરથી ચાલીસ ગણો લાંબો કૂદકો મારી શિકાર પર ત્રાટકે. તેમાંથી ઘણાં રંગબેરંગી હોય. નર્સરી વેબ સ્પાઇડર તેમનાં બચ્ચાંની સંભાળ રાખવાં જાળું ગૂંથે. આમાંથી અમુક ફિશિંગ-સ્પાઇડર હોય, જે શાંત પાણી પર દોડી શકે ‘ને પાણીની સપાટીની નીચે જઈને ઝીણી માછલીઓ કે અન્ય જળચર જીવનું ભક્ષણ કરે. સ્પિટિંગ-સ્પાઇડર શિકાર પર થૂંકે એટલે ગુંદર જેવો પદાર્થ શિકારને સ્થિર કરી દે, પછી એ શાંતિથી તેને કરડે ‘ને મૃત્યુ પામે એટલે તેનું ભક્ષણ કરવું શરુ કરે. ફૂલોના રંગ સાથે ભળી જાય તેવાં કેબ-સ્પાઇડર ફૂલ પર બેસીને જીવડાં આવે તેની રાહ જુએ. ઓર્બ વેબ સ્પાઇડર ‘ને બાર્ન સ્પાઇડર જાળું બનાવી શિકાર કરે. ગાર્ડન-સ્પાઇડર દરરોજ પોતે બનાવેલું જાળું ખાઈ જાય ‘ને નવું બનાવે. ફનેલ વેબ સ્પાઇડર નામ અનુસાર ગરણી જેવું જાળું કાંતે. આ પ્રજાતિની પેટાપ્રજાતિ વોટર સ્પાઇડર જે પાણીમાં હવાનો પરપોટો રચી તેમાં રહે ‘ને ટચૂકડાં જળચર આરોગે.

કરોળિયા ભારત જેવાં દેશમાં સાફસફાઈ કરનારને આખું વરસ શિસ્તમાં રાખે છે. પ્રતિકૂળ કે વિરુદ્ધ આહાર ગ્રહણ કરવાની ગેરશિસ્તથી શરીરના અમુક ભાગની ચામડી પર ધોળા કે ભૂખરાં ચાંલ્લા યા ચક્કરોની ગંદકી દેખાય ત્યારે એ રોગને કરોળિયાનું નામ અપાય છે. આ રોગ પિત્તપ્રકોપથી થાય છે. તેમાં લોહીનો વિકાર થવાથી ઉપત્વચા ઉપરથી ઉખડી જાય અને નીચેથી ચાઠાં નીકળતાં જાય. આ કરોળિયાના હલકા સ્વરૃપને ચિત્રી કહે છે. ઘણી વખત આ ચાઠાં આખા શરીર ઉપર દેખાય છે. કાગડોળિયો કરીને એક આરોહી વનસ્પતિ છે. જેનાં કાળા બીજ પર સફેદ રંગનું ટપકુ હોય છે. એ બીજની માળા બનાવી પહેરવાથી શરીર ઉપર થયેલા કરોળિયા મટે છે એવું મનાય છે જેથી તેને કરોળિયાનો વેલો પણ કહે છે. કેરળમાં એ છોડ પવિત્ર ગણાય છે, તેનાં ફૂલ કેરળના અન્ય નવ ફૂલ સાથે દસ સવિશેષ પવિત્ર ફૂલની યાદીમાં સન્માન પામ્યા છે.

તુલસીદાસને જ્યારે પિત્ત કે એવાં કોઈ કારણસર ચામડી સહિત આખા શરીરમાં બળતરા થતી હતી ‘ને કોઈ રીતે મટતી નહોતી ત્યારે તેમણે ઈશ્વરને પ્રાર્થના કરતી હનુમાન બાહુક નામ સ્તુતિ રચેલી તેમ કહેવાય છે. તેમાં તેમણે ઈશ્વરના વખાણ કરતાં લખ્યું છે કે તમારું નામ લેવાથી સંપૂર્ણ સંકટ અને વિચારો કરોળિયાના જાળાંની જેમ ફાટી જાય છે. સો, કરોળિયાનું નામ દેવને કે મનુષ્યને ખુશ કરવા પરોક્ષ રીતે વપરાય છે. એક સ્પાઇડર લીલી કરીને છોડ છે જે સુંદર ‘ને સુગંધીદાર ફૂલ આપે છે. એ ફૂલોની ખાસિયત છે કે તે લાંબો સમય સુધી ખીલેલાં રહે છે ‘ને ભાવ પણ પોસાય તેવાં હોવાથી દેવને ‘ને તેમ જ વરરાજા કે વહુરાણીને ચઢાવવા માટે લોકપ્રિય છે. સ્પાઇડર લીલીની એક પ્રજાતિ તો બારેમાસ ફૂલ આપે છે. ના, આ છોડ જાળાં બાંધવા માટે કરોળિયામાં પ્રિય છે એવું કશું નથી. તેના ફૂલના આકારને કરોળિયાના આકાર સાથે સરખાવી સ્પાઇડર લીલી નામ અપાયું છે.

આપણે ગુજરાતીમાં કહેવત છે કે કરોળિયાનો એક ટાંગો તૂટ્યો તો યે શું અને ના તૂટ્યો તો યે શું. અર્થ છે કે જેની પાસે અતિ હોય તેણે થોડું ગુમાવવાનું આવે તો એ નગણ્ય નૂકસાન કહેવાય. યસ, માણસ પાસે વિચારોનો ભંડાર છે. ખાસિયતો દર્શાવતી ગુજરાતીમાં એક કહેવત છે. કરોળિયાને કેટલાં પડ, ખિસકોલીને કેટલાં ઘર, હરામીને કેટલાં ધડ, વેશ્યાને કેટલા વર? અહીં ઉમેરી શકાય કે માણસોને કેટલાં જાળાં? કબીર સંસારી જીવનની સામગ્રી કે આપણા શરીર માટે માટીનું પ્રતીક કામમાં લે છે. સાહેબ ઉર્ફે ઉપરવાળાને એ કુંભાર કહે છે. ગુજરાતીમાં કરોળિયો શબ્દ કરાળિયાની જેમ કુંભાર માટે પણ વપરાય છે. અને લગ્ન પ્રસંગમાં કુંભારને ત્યાંથી ઘડા, કૂંડાં, કોડિયાં વગેરે લાવવાના હોય છે તેને કરોળિયાનો સામાન કહેવાય છે. એમાં કાવ્યાત્મક દ્રષ્ટિ રાખીએ તો સંસારી માણસ એટલે કરોળિયો થાય. વળી ઊંટ ‘ને સાંઢિયો એટલે ગુજરાતીમાં કરોળિયો એ ઓછાંને ખબર હશે.

ઘરના અગોચર ખૂણામાં કરોળિયાનું જાળું હોય અને કરોળિયો એની ગુંથણી બેવડી કરવા મચી પડે તો નક્કી માનવું કે હવે વરસાદ પધારવાની તૈયારીમાં છે. સવારે ઉઠતાં સાથે જ જો કરોળિયાને ઉપરની દિશામાં જતા જુઓ તો માનજો કે તમે જલ્દી જ ઉંચાઈ તરફ આગળ વધવાના છો. જો દિવાળી પહેલાં કે દિવાળી દરમિયાન તમારા ઘરની બહાર કરોળિયો જાળ રચતો નજરે ચઢે તો એ સદભાગ્યનો સંકેત છે. સપનામાં બહુ બધાં કરોળિયા દેખાય તો સમજવું કે તમને સામાજિક રીતે એકલતાં અનુભવી રહ્યા છો. અરબસ્તાન બાજુ ઘણાં કહે કે સ્વપ્નમાં કરોળિયો એટલે કોઈ દુર્જન સ્ત્રી તમારી નજીક હશે કે આવશે. ચીનમાં ઘણાં માને કે કરોળિયો નીચે પડતાં જુઓ તે ગુડલકની નિશાની છે.  સફેદ કરોળિયા સિવાય ઝીણાં એવા મની-સ્પાઇડર ઘરમાં હોવાં કે તેનું કશે પણ દેખાવું એ નસીબ ખૂલવાનો સંકેત જાણવો. રોમન સામ્રાજ્યમાં કરોળિયા શુભ મનાતા, ઘણાં કરોળિયાની છાપ વાળા સિક્કા ગજવામાં રાખતાં. પોતાના વિષેની આવી કોઈ વાયકાનું કરોળિયાને જ્ઞાન નથી હોતું.

સંસ્કૃતિ, સમાજ ‘ને સારા-ખરાબની દ્રષ્ટિ બદલાય એમ કરોળિયાને લઈને વિભિન્ન વાતો છે. કરોળિયાને સાંકળતી સૂપર્સ્ટિશન કે ભવિષ્યવાણી સાથે સંબંધિત પ્રાચીન ‘ને આધુનિક જમાનાની વાતો કરીએ તો સરળતાથી પુસ્તિકા રચાઈ જાય. અને તેમાં પરસ્પર વિરોધાભાસી વિચારો પણ સ્પષ્ટ દેખાઈ જાય. કરોળિયાનું જાળું એ શીર્ષકની કવિતા ‘ને વાર્તા એકથી વધુ ભાષામાં સર્જન પામી ચૂકયાં છે. છતાં એ પુસ્તિકાનું નામ પણ એ જ આપવું પડે. ખેર કરોળિયાને મારી નાખવા વિષે વિશ્વભરમાં બહુમતી રહી છે કે એ ક્રિયા ખોટી ‘ને નડે. આપણે ત્યાં ગુજરાતીમાં એવી માહિતી સરળતાથી મળી જાય કે કરોળિયા દૂર રાખવાં લીમડો, ફુદીનો, તમાકુ, નીલગીરી જેવી વનસ્પતિના પાન કે કપૂર, લવિંગ જેવી ચીજ લાગતીવળગતી જગ્યાએ મૂકવાની. આપણે કરોળિયાને મારી નાખીએ તો શું કરોળિયા એન્ડેજર્ડ સ્પિસિઝમા આવી જશે? નેવર. માખી, મચ્છર ‘ને વંદા જીવે જ છે. મજાથી.

અમેરિકાના મૂળ નિવાસી રેડ ઇન્ડિયન્સની અમુક જાતિમાં કરોળિયો *ચિંતન કરતી સ્ત્રી* તરીકે માન પામેલો. ઘણાં *દાદી કરોળિયણ* તરીકે ઓળખતાં. એમની માન્યતા પ્રમાણે આપણે જે જાણીએ છીએ તે દુનિયા વત્તા સમસ્ત બ્રહ્માંડ તેણે સર્જેલું. એ દેવીને અસંતોષ થાય ત્યારે વિસર્જન કરી શકે છે. એમાંથી ઘણાંના મતે તેમની ધરતી દેવી કોક્યાન્ગ્વુતી એ જ આ કરોળિયણ. એમની ગાથા મુજબ નક્ષત્ર ઉર્સા મેજર ઉર્ફે ધ ગ્રેટ બેર અર્થાત સપ્તર્ષિ તારાવૃંદ એ સ્પાઇડર ગોડેસ સાથે જોડાયેલું છે. સાત પુરુષ તારા બની ગયેલાં અને સ્વર્ગમાં એ કરોળિયણના જાળાંનો વીંટો વાળતાં ચઢેલાં. અમેરિકામાં આવેલા એરિઝોનામાં સ્પાઇડર રોક છે તે એમની ગાથા અનુસાર સ્પાઇડર ગોડેસનું નિવાસસ્થાન. ઓસ્ટ્રેલીયા ‘ને નજીકના આદિવાસીઓની ચીજોમાં કરોળિયાના ઘણાં ચિત્રો જોવામાં આવ્યા છે. તેમના મતે નરિઉ કરીને કરોળિયા દેવે બ્રહ્માંડનું સર્જન કરેલું. અને એ જાળામાં રહેલો કરોળિયો તેમના મતે ત્યાં એક પવિત્ર ખડક છે તેની સાથે સંકળાયેલો છે.

Related Posts
1 of 281

કોઈ જાપાનિઝ લોકકથા મુજબ એક વેશ્યા કરોળિયણ એટલે જોરોગુમો નામની નારી છે જે બદલો લેવાં નજીકથી પસાર થતાં સામુરાઈ ઉર્ફે યોદ્ધા પર હાવિ થાય ‘ને તેની સાથે લગ્ન કરે. અન્ય પ્રકાર મુજબ તે એક દેવી છે જે જોરેન ધોધ પાસે રહે છે ‘ને લોકોને ડૂબતાં બચાવે છે. ઈજીપ્તની પુરાણકથા કહે છે કે નેઇથ દેવી કરોળિયા જેવી છે જે કિસ્મત વણવા ‘ને કાંતવાનું કાર્ય કરે છે. પહેલાં ગ્રીક ‘ને પછીથી રોમન દંતકથાઓ કહે છે કે અરાકની એક કુશળ વણાટકામ કરનારી મર્ત્ય સ્ત્રી હતી. તેણે વિદ્વતા ‘ને કારીગીરીની દેવી એથનાને વણાટકામ અંગે તેની સાથે સ્પર્ધા કરવા પડકાર ફેંકેલો. વૃતાન્ત એ પછી એકથી વધુ પ્રકારના વળાંક સાથે આગળ વધે છે. અમુક વર્ઝનમાં અરાકની તો અમુક વર્ઝનમાં એથના વિજય મેળવે છે. ઇટાલીમાં આજની તારીખે એક એવું લોકનૃત્ય છે જેમાં કરોળિયાના ડંખને કારણે પ્રચૂર વાસનામાં કેદ થયેલી જુવાન સ્ત્રીને મુક્ત કરવાનો પાઠ ભજવાય છે.

ઉત્તર ‘ને મધ્ય અમેરિકાની પુરાણી સંસ્કૃતિની મળી આવેલી ચીજોમાં કરોળિયાનું ખાસ સ્થાન છે. કરોળિયાને લઈને એમણે કરેલી કલાકારી દાદ માંગી લે તેવી છે. પેરુમાં કરોળિયા દેવનું મંદિર જડી આવેલું છે. ઇસુના જન્મથી સોથી સાતસો વર્ષ અગાઉ અત્યારે જ્યાં મેક્સિકો છે ત્યાં તીઓતિહુઆકાન મહાદેવીનું વર્ચસ્વ હતું, જે સ્પાઇડર-વુમન હતી. તેમનું ભીંત પર બનાવેલું એક જબરદસ્ત ચિત્ર પણ મળી આવેલું છે. ઉત્તુ નામની પ્રાચીન સુમેરિઅન દેવી જાળું ગુંથી તેમાં રહેતી એક કરોળિયણ તરીકે કલ્પવામાં આવતી. વિએટનામના ગામડાંમાં વડીલો કહેતાં કે જ્યારે માણસ સૂઈ ગયો હોય છે ત્યારે તેનો આત્મા કરોળિયો બનીને વિચરે છે. આફ્રિકાની પૌરાણિક કથા અનુસાર સર્જક દેવી અન્હાનસી એક કરોળિયણ છે. તે અતિચાલાક એવં છેતરનારી છે. આ દેવીની એકથી વધુ રસપ્રચૂર કિંવદંતી છે. તેની આસપાસ રચાયેલી સ્ટોરિઝ છે જેમાંથી લોકો વર્તમાનકાળમાં પણ સાર કે બોધ મેળવે છે. એ બધી વાતો વિશેષ રીતે ક્યારેક ફરી અહીં કરીશું.

જર્મની ‘ને યુક્રેનમાં ઘણાં ક્રિસમસ-ટ્રી કરોળિયાના આભૂષણથી શણગારે છે. કારણ *ધ સિલ્વર સ્પાઇડર* નામક દંતકથા છે. એક ગરીબ વિધવા હતી જે ક્રિસમસ માટે બધું ક્ષતિહીન ઇચ્છતી હતી. બાળકો માટે તે મા ભેટ ખરીદી શકે તેમ નહોતી, છતાં તે બાળકો માટે ક્રિસમસ ખાસ બનાવવા મક્કમ હતી. મહેનત કરી તેણે આખું ઘર સ્વચ્છ કર્યું. તેથી તે મકાનમાં રહેનારા કરોળિયા અકળાયા. તેમને શંકા પડેલી કે તે સ્ત્રી તેમને મારી નાખશે. કરોળિયાઓએ વિચાર્યું કે ક્રિસમસ પૂર્ણ થાય ત્યાં સુધી માળિયામાં સંતાઈ જવું. મહિલા બધી તૈયારી કરી આનંદથી સૂઈ ગઈ. કંગાળ કરોળિયા ક્રિસમસ ટ્રી જોવા ઝંખતા હતા. જ્યારે ઘર શાંત ‘ને અંધકારમય હતું ત્યારે તે નીચે ઊતર્યા. બીજા દિવસે વહેલી સવારે બાળઇસુ ઘરે આશીર્વાદ આપવા આવ્યા તો જાળાંથી બદ્ધ નાતાલના વૃક્ષને જોઇને સ્તબ્ધ થઈ ગયા. પણ, તે સમજી ગયા. તે જાણતા હતાં કે કરોળિયા ઈશ્વરના જ સંતાન છે. તેમને થયું કે ગૃહિણી કદાચ કરોળિયાના કામની કદર નહીં કરે. તેમણે જાળાંનો સ્પર્શ કર્યો. જાળાં સોના ચાંદીના થઈ ગયાં. નાતાલના દિવસે એ વિધવા સોનાચાંદીના દોરા વડે ઢંકાયેલા ક્રિસમસ-ટ્રી જોઈને મુગ્ધ થઈ ગઈ. આ કથાના સ્મરણાર્થે ઘણાં ક્રિસમસ-ટ્રી પર ટિન્સેલ યાને ચળકતી ધાતુના પતરાનાં કે દોરાનાં ઘરેણાં લટકાવે છે.

રશિયાની પરંપરાગત આખ્યાયિકાનો મત છે કે માનવજાતને કરોળિયાએ પ્લેગના રોગથી બચાવેલો, કેમ કે કરોળિયાના જાળામાં પ્લેગના જીવાણુ ફસાઈ ‘ને મૃત્યુ પામેલાં. બુદ્ધવાદમાં સરસ સંકીર્ણ વિભાવના છે. કલ્પના કરો કે કરોળિયાનું એક પ્રચંડ જાળું છે જે તમામ દિશામાં ગૂંથાયેલું છે. એ જાળાં પર સર્વે જગ્યાએ ઝાકળ બિંદુ ચોંટેલા છે. એ પ્રત્યેક બિંદુમાં બાકીના દરેક બિંદુનું પ્રતિબિંબ પડે છે. આવું અનંત કાળથી ચાલે છે ‘ને ચાલશે. એ દ્રશ્ય એટલે સંસારની હકીકત. કવિ દલપતરામ લખી ગયાં છે કે કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછડાય. વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય. મે’નત તેણે શરૃ કરી, ઉપર ચડવા માટ. પણ પાછો હેઠો પડયો, ફાવ્યો નહિ કો ઘાટ. એ રીતે મંડી રહ્યો, ફરી ફરી બે-ત્રણ વાર, પણ તેમાં નહિ ફાવતા, ફરી થયો તૈયાર. હિંમત રાખી હોંશથી, ભીડયો છઠ્ઠી વાર. ધીરજથી જાળે જઈ, પોં’ચ્યો તે નિર્ધાર. ફરી ફરીને ખંતથી, યત્ન કર્યો નહિ હોત. ચગદાઈ પગ તળે, મરી જાત વણમોત. એ રીતે જો માણસો, રાખી મનમાં ખંત. આળસ તજી, મે’નત કરે પામે લાભ અનંત. સો, રાજા રોબર્ટ બ્રુસની જેમ લાઇફ ગોઝ ઓન.

ઇસ્લામિક મૌખિક કથાની ટ્રેડિશનમાં એક ગાથા જાણીતી છે. ૬૨૨માં મહમદ સાહેબ જ્યારે તેમના અનુચર અબુ બક્ર સાથે મક્કાથી મદીના હિજરત કરતાં હતાં ત્યારે કુરેઇશ કોમના લોકો હથિયાર સાથે તેમની પાછળ પડેલાં. તેમણે થૌરની ગુફામાં આશ્રય લેવાનું નક્કી કરેલું. કથા આગળ વધે છે કે અલ્લાહ કોઈ કરોળિયાને ગુફાના દ્વાર પર જાળું કાંતવાનો હુકમ આપે છે. કુરેઇશ લોકો એ જાળું જોઈને સમજે છે કે જો મહમદ સાહેબ આ ગુફામાં પ્રવેશ્યા હોય તો આ જાળું અહીં ના હોય. અને એ લોકો આગળ જતાં રહે છે. ત્યારથી જાણકાર મુસ્લિમ કરોળિયાને કોઈ દૈવી જીવ તરીકે નહીં, પરંતુ કમ સે કમ માનની નજરે જુએ છે. યહુદીઓમાં પણ આવી જ ગાથા છે. સૌલ રાજા જ્યારે ડેવિડ પાછળ પડ્યા હોય છે ત્યારે ડેવિડ કોઈ ગુફામાં સંતાઈ જાય છે ‘ને સૈનિકો એ ગુફામાં શોધખોળ નથી કરતાં કારણ કે એ ગુફાના મુખ પર જાળું બાઝેલું હોય છે.

વૈદિક દર્શન અનુસાર કરોળિયો જાળાં સ્વરૃપ પડદાં પાછળ સત્ય છૂપાવનારનું પ્રતીક છે. શક્તિ અર્થાત હિંદુ દેવીઓની યાદીમાં એક ભ્રામરી દેવી છે. યોગિક ક્રિયા કે સ્થિતિ ભ્રામરી તેમની સાથે સંબંધિત છે. આદિ નર શિવ સાથે યોગ પામ્યાની કોઈ સ્થિતિમાં આદ્યા એવી નારી પાર્વતી જ્યારે આકાશ યાને સર્વે તત્ત્વને આધાર આપનાર માધ્યમમાંથી તમામ આદિ કે આદ્ય જીવડાંને આકર્ષે છે ત્યારે તે ભ્રામરી દેવીનું રૃપ પામે છે. એ જીવડાંમાં મધમાખી, ભમરી, ઉધઈ, મચ્છર ‘ને કરોળિયા હોય છે. કરોળિયા સાથે જોડાયેલી દેવી એટલે ભ્રામરી. કહે છે કે સર્વોચ્ચ તત્ત્વ એટલે પરબ્રહ્મ એટલે શિવ અસ્તિત્વના ચક્રના સર્જક છે. તમામ બ્રહ્માંડ એમણે પોતાની ભીતર પોતાના પ્રતિબિંબમાં રચ્યા છે. શિવ પોતે તે સંરચનાનું કેન્દ્ર છે. એટલે એમને કરોળિયા ‘ને સર્જનને જાળાં સાથે સરખાવવામાં આવે છે. શિવ ‘ને કરોળિયા સાથે જોડાયેલી એક વાત દક્ષિણ ભારતમાં જાણીતી છે.

કાવેરી નદી આસપાસ એક મોટું વન હતું. તેમાં એક સ્થળે જાંબુના ઘણાં ઝાડ હતાં ‘ને એક શિવલિંગ હતું. નજીકમાં એક હાથી રહેતો હતો જે રોજ શિવજીને નમન કરવાં આવતો. ત્યાં જ એક કરોળિયો રહેતો હતો. એ કરોળિયો દરરોજ શિવલિંગ પર જાંબુના ખરેલાં પાંદડા ના પડે એટલે તેની આસપાસ જાળું બનાવી દેતો. હાથીને રોજ થતું કે શિવલિંગ કોઈ મડદું નથી કે તેને આમ બાંધી દેવાય એટલે એ રોજ જાળું ખસેડી દેતો. આમ બંને વચ્ચે એક પ્રકારની અથડામણ ચાલતી. બંનેના અહંકારના ટકરાવમાં એક દિવસ કરોળિયાનો પિત્તો ગયો. હાથી જયારે પૂજા કરવા આવ્યો ત્યારે કરોળિયો તેની સૂંઢમાં ઘૂસી ગયો. યુદ્ધના અંતે બંને માર્યા જાય છે. ત્યારે બંનેની નિષ્ઠા પામી શિવ પ્રસન્ન થઈને બંનેના આત્મા સમક્ષ પ્રગટ થાય છે. બંનેને પોતાના સંતાન હોવાનું સમજાવે છે. લોકો કહે છે મૂળ જન્મે એ હાથી પુષ્પદંત ‘ને એ કરોળિયો મલયવન નામના શિવના ગણ હતાં. સમજ ‘ને આનંદની વાત એ છે કે ત્રિચી, તામીલનાડુ નજીકનું એ સ્થળ જાંબુના વૃક્ષ પરથી જાંબુકેશ્વર મહાદેવથી ઓળખાય છે.

ગીતામાં કૃષ્ણ ભણાવી ગયા છે કે શિવ, વિષ્ણુ ‘ને પરમ તત્ત્વ એ બધું એક જ છે. ભાગવત પુરાણ વિષ્ણુને કરોળિયાની ઉપમા આપે છે. નિરાકારવાદ તરફી શાસ્ત્રોમાં બ્રહ્મનને કરોળિયા સાથે કમ્પેર કરવામાં આવેલ છે. જાળું નિર્જીવ છે. જાળું કરોળિયામાંથી જન્મે છે. કરોળિયો જાળું ખાઈ જાય. જાળામાં ફસાયેલા જીવ ખાઈ જાય. આંધ્ર પ્રદેશની હિંદુ પરંપરામાં કરોળિયાનું સ્થાન પવિત્ર પ્રાણીઓની યાદીમાં છે. ત્યાં શ્રીકાલહસ્તિશ્વર નામનું મંદિર છે. કોઈ ગાથા કહે છે કે હસ્તિ અર્થાત હાથી, કાલ એટલે સર્પ ‘ને શ્રી એટલે કરોળિયો. શ્રીકાલહસ્તિ દક્ષિણનું કાશી કહેવાતું ગામ છે. અગિયારમી સદીમાં બંધાયેલાં ‘ને તિરુપતિથી છત્રીસ કિલોમીટર દૂર આવેલાં એ મંદિરમાં જે શિવલિંગ છે તેની પૂજા બ્રહ્મા ચારે યુગમાં કરે છે તેમ કહેવાય છે. અહીં શિવના ભક્ત સર્પ ‘ને હાથી વચ્ચે લડાઈ થયેલી. કરોળિયો જાળું બાંધી પૂજા કરતો. શિવજી અગ્નિ દ્વારા જાળાં દૂર કરતાં. અંતે કરોળિયો અગ્નિમાં જાત હોમી શિવને પ્રસન્ન કરે છે એવી વાત છે.

ભારતમાં ઈન્દ્રજાળ શબ્દ જાદુઈ સૃષ્ટિ માટે વપરાય છે. કહેવાય છે કે ઇન્દ્રિયોના રાજા ઈન્દ્રએ સંસારનું જાળું બનાવ્યું છે. એ જાળાં પર દરેક ગાંઠના સ્થાને મોતી છે. દરેક મોતીમાં અન્ય તમામ મોતી દેખાય. પ્રત્યેક મોતી એકબીજા સાથે બંધાયેલાં છે, એકમેક સાથે આપલેના વ્યવહારમાં છે. અસ્તિત્વમાં જે કશું પણ છે કે હતું કે હશે એ બધું જ આ મોતીઓમાં છે. એકોએક ધર્મ કે તત્ત્વજ્ઞાન આ મોતીઓમાં છે. બીજી એક રીતે હિંદુવાદમાં જે માયા શક્તિ કુંવારી માતાજી કીધાં છે તેમને પણ કરોળિયાના પ્રતીક તરીકે સમજવામાં આવે છે. તો બ્રહ્મ ઉપનિષદના પ્રથમ અધ્યાયમાં બ્રહ્મને લઈને આવું કશું કહ્યું છે. દેહમાં તમામ દેવ બ્રહ્મને અનુસરે છે. મધમાખીની રાણીને જેમ તમામ મધમાખીઓ અનુસરે તેમ. બ્રહ્મ તેના વડે એક જાળું બનાવીને કરોળિયાની ભાંતિ મધ્યમાં આસન જમાવી દે છે.

મુંડક ઉપનિષદના પ્રથમ અધ્યાયમાં શું કીધું છે? કરોળિયો જાળાંનું પ્લાનિંગ ‘ને મેકિંગ કરે છે. જાળાં માટે જે અક્કલ તથા માલસામાન વપરાય એ તેનાં સ્વયંનો ભાગ હોય છે. કરોળિયો નિમિત્ત તથા ઉપાદાન એમ બંને રીતે અભિન્ન કારણ બને છે. સુથાર લાકડાથી ‘ને સોની સોનાથી ભિન્ન હોય તેવું નથી. બ્રહ્મન સર્જન અંગે વિચારે છે, એ પોતે ઘટક દ્રવ્ય બને છે. બ્રહ્મન સિવાય કશું અસ્તિત્વમાં નથી. એટલે સર્જન પાછળ કોઈ પણ પ્રકારનું બીજું ભૌતિક કારણ શોધવાનો સવાલ જ નથી. અહીં કટાક્ષભર્યા સ્મિત સાથે બબડી શકાય કે ઘરમાં જાળું દૂર કરવું એ નાસ્તિકતા છે, બાકી કરોળિયાનું હોવું એ સત્ય છે. શ્વેતાશ્વતરો ઉપનિષદ છઠ્ઠા અધ્યાનાના દસમાં શ્લોકમાં કહે છે કે કશાથી પણ અલગ નથી તેવાં ઇશ્વર તેમની માયા શક્તિ થકી એક કરોળીયાની જેમ પોતાના પર આચ્છાદન કરી દે છે, મૂળભૂત તત્વમાંથી તંતુઓ ખેંચી આખરે આપણને બ્રહ્મનમાં ભેળવી દે છે.

જગત આજકાલ જે જાળમાં બદ્ધ છે તેને ઇન્ટરનેટ કહે છે. વેબ-ક્રાઉલર નામના સ્પેશ્યલ સોફ્ટવેર ઇન્ટરનેટ પર ફરીને અમુકતમુક માહિતી એકત્ર કરવાનું કામ કરે છે જે સર્ચ એન્જિન દ્વારા વપરાય છે. ઘણાં તેને સ્પાઇડર કહે છે. બેશક એ એક્ઝેટલિ કરોળિયાની વ્યાખ્યામાં બંધ બેસે તેમ નથી. એમ તો બાલ્ઝાક કહેતાં કે કાયદા કરોળિયાના જાળાં સમાન છે જેમાંથી મોટી માખીઓ નીકળી જાય ‘ને માત્ર નાની માખીઓ ફસાઈ જાય. એવી જ એક સ્પેનિશ કહેવત છે કે કાયદા કરોળિયાના જાળાં જેવાં હોય છે જેમાં માખી પકડાઈ જાય ‘ને બાજ છટકી જાય. ઈથિઓપિઅન કહેવત છે કે કરોળિયાના જાળાં ભેગાં મળે તો એક સિંહને બાંધી શકે. જમૈકાની કહેવત છે કે કરોળિયો ‘ને માખી આપસમાં કોઈ કરાર ના કરી શકે. ઇટાલીમાં કહેવત છે કે મોટી માખી જાળું ભેદી નાખે. નાનકડાં માલ્ટાની કહેવત છે કે કરોળિયાના જાળાથી મુક્ત થવાં કરોળિયાનો નાશ કરવો પડે.

પરંતુ, જે કરોળિયા પોતાના પાળેલાં હોય તેને પાલક ના મારે. સમજનારા સમજી ગયા હશે. મડાગાસ્કરમાં કહેવત છે કે શબ્દો કરોળિયાના જાળાં જેવાં હોય છે, હોંશિયાર માટે આશ્રય બને તો હોંશિયાર ના હોય તેમના માટે એ ફંદો બની જાય. રાઇટર વર્જીનિઆ વૂલ્ફ વાર્તાને કરોળિયાના જાળાં સાથે સરખાવતી. જે કે રોલિંગને હેરી પોટરની વાર્તામાં કરોળિયો ખુદ કામમાં આવ્યો. ટોલ્કિનને પણ પોતાની વાર્તા હોબિટમાં કરોળિયો ફળ્યો. કરોળિયો શબ્દની નહીં ચિત્રની જાળમાં ખરો દોડ્યો. કોમિક્સમાં છવાયેલાં સ્પાઇડર-મેન ‘ને વુમન ઘરઘરમાં જાળાં બાંધ્યા વિના ઘૂસી ગયાં કે મનમનમાં જાળાં ચણી જીવતાં રહી ગયાં. હોલિવૂડમાં પ્રાણી કરોળિયા પર ઢગલો મૂવિ બની ગયાં છે. છેક ૧૯૫૫માં બ્લેક એન્ડ વ્હાઇટ સાયન્સ ફિક્શન આવેલું ટેરેન્ટ્યૂલા! ત્યાં સ્પાઇડર્સને આપણા કરતાં વધુ ગંભીરતાથી લીધાં છે. આપણે ત્યાં મકડી કરીને ધ વેબ ઓફ ધ વિચ તરીકે માર્કેટ થયલી ફિલ્મ વિશાલ ભારદ્વાજે બનાવેલી. ખેર, સ્વરા ભાસ્કરને મુંબઈ કરોળિયાના જાળાં જેવું લાગે છે. ઘણાં કોઈના હસ્તાક્ષર કે અક્ષર જોઇને કરોળિયો યાદ કરે છે. તો યહુદીઓના ગ્રંથ બુક ઓફ પ્રોવર્બ્સમાં કરોળિયાને ગુરુ બનાવવા જેવી વાત કરી છે. નાના ‘ને નબળા દેખાતા કરોળિયાને એવો ચતુર જીવ કીધો છે જે ઈશ્વર કે રાજાના ઘરમાં જઈને રહી શકે છે.

બુઝારો – વિચારોના ધુમાડા ને લાળ વડે કરોળિયાનું જાળું ના બનાવો. વિચારોનું સંઘટન તથા વણાટકામ અત્યંત નબળું હોય છે, સાવ બટકણું હોય છે. જાઓ, વિચારો તેની પાસે છોડી દો જે અનન્ય એવાં તે એક દ્વારા તમને મળ્યા હોય છે. ખોજ સુલતાનની ચલાવો, નહીં કે વિચારોની. – સૂફી કવિ રૃમી

———————

Leave A Reply

Your email address will not be published.

Translate »