તમારા માટે, તમારી સાથે, સતત…

ધર્મકથા શ્રવણનું આટલું આકર્ષણ કેમ?

એક પૃથ્વી પરનું જીવન અને બીજું અફાટ અવકાશ. બંને વિશે જેમ-જેમ વૈજ્ઞાનિક સંશોધન આગળ વધતું જાય છે

0 42
  • ભૂપત વડોદરિયા

સામાજિક પ્રવાહોમાં દિલચસ્પી ધરાવતા એક શિક્ષિત ભાઈએ સવાલ કર્યો, ‘તાજેતરમાં તમે કોઈ ધર્મકથા સાંભળવા ગયા હતા? કેટલા બધા લોકો મુરારિબાપુ, રમેશ ઓઝા અગર અન્ય કોઈ ધર્મપુરુષની કથા સાંભળવા જાય છે? શ્રીમંતો, ઉચ્ચ મધ્યમ વર્ગના શ્રમજીવીઓ અને ગરીબો પણ કથા સાંભળવા જાય છે. આનું કારણ શું? લોકોને હજુ ધર્મમાં આટલી બધી શ્રદ્ધા હશે? વ્યક્તિગત જીવનમાં અને સામાજિક જીવનમાં ખાસ વ્યાપક ધર્માચરણ જોવા મળતું નથી તો પછી આ ભીડ શેની? ખરેખર ધર્મનો રસ કે વાર્તાનો રસ?’ આ ભાઈનો સવાલ વિચારવા પ્રેરે એવો તો છે. લોકો આવી કથામાં કલાકો સુધી શું કામ શ્રોતા બની રહે છે? કેમ ભક્તિભાવથી આ વાણી સાંભળે છે? આચરણ કરી શકતા હોય કે ના કરી શકતા હોય તેમની જિજ્ઞાસા શું કામ જીવતી રહે છે? શ્રી મુરારિબાપુ જેવા કથાકારની ભાવ નીતરતી વાણીનું જ આ આકર્ષણ હશે? છેક આવો ખુલાસો ગળે ઊતરે એવો નથી. ધર્મકથાકાર તરીકેની જેમની વ્યાપક નામના ના હોય એવા કથાકારને ત્યાં પણ શ્રદ્ધાળુ જનોની ઓછી તો ઓછી, પણ ભીડ તો જામે જ છે. વધુ કંઈ નહીં તોય રાજકારણ, શિક્ષણ કે સિનેમાના વિષયનાં વ્યાખ્યાનો કરતાં અહીં શ્રોતાગણ વધુ હોય છે.

આનું કારણ શું? એનું કારણ એ છે કે સંસારમાં શ્રીમંત, સુખી, નસીબદાર, ગરીબ, દુઃખી કે દુર્ભાગી તમામ માણસોને મનની શાંતિ જોઈએ છે. જીવન અને સંસારનું રહસ્ય તેમને અકળાવે છે. તેમને મનનું સમાધાન જોઈએ છે. તેમની અંદર ‘ના કહેવાય, ના સહેવાય’ તેવી અનેક અકળામણો પડી છે. સંસારમાં સુખ તો મળે છે છતાં કોઈ ને કોઈ ખૂણે દુઃખ છાનુંમાનું ટપક્યા કરતું હોય છે. ગમે તેટલા સુગમ અને સ્થિર સંજોગો વચ્ચે પણ આવતી કાલની ચિંતા તેમને પજવે છે. ભાવિ તેમને ડરાવતું રહે છે. સદ્ભાગ્ય અને દુર્ભાગ્યના અનેક અકસ્માતોના ખુલાસા એમને જોઈએ છે. કોઈને બાળક નથી તેનું દુઃખ છે. કોઈને બાળક છે, પણ તેની શારીરિક-માનસિક ખામીનું દુઃખ છે, કોઈને બાળક તંદુરસ્ત છે તો તેનાં લક્ષણો વિશે ચિંતા છે. પુત્ર સારો છે, પણ કમાઈ શકતો નથી તે પણ દુઃખનું કારણ. પુત્ર વધુ કમાય છે, પણ દુષ્ટ છે તેની પણ ચિંતા રહે છે.

સફળતા-નિષ્ફળતા, ન્યાય-અન્યાય, સુખ-દુઃખ, માન-અપમાન એ બધામાં માનવીને તેનું રહસ્ય અને સંભવિત મર્મના પ્રશ્નો કાનમાં મચ્છરની પેઠે કનડતા-પજવતા હોય છે. આથી એ જીવનની આખી ભાત સમજવા માગે છે. સંસારનો હેતુ જાણવા માગે છે. જીવનમાં મળેલાં સારાં-માઠાં ફળ પાછળ કોઈ યોજના છે કે કેમ તે જાણવા માગે છે. સારાં કે માઠાં કૃત્યોનું કોઈ પણ ફળ અહીં કે બીજે મળવાનું કે નહીં તે જાણવા માગે છે અને આખરે અંત વિશે જાણવા આતુર છે. જીવનનો છેડો અહીં જ આવી ગયેલો સમજવો? આ પૃથ્વી ઉપર જીવનનો અંત આવે એટલે પૂર્ણવિરામ ગણવું? કે આગળ ક્યાંક કશુંક છે? વિજ્ઞાનીઓ કહે છે કે જીવન આ પૃથ્વી ઉપર પેદા થયું નથી. બહારથી આવ્યું છે. વિજ્ઞાનીઓ કહે છે કે રોગો આ પૃથ્વી ઉપર પેદા થતા નથી. અવકાશમાંથી આવે છે! સામાન્યમાં સામાન્ય માનવીને એમ તો લાગે જ કે આ પૃથ્વી માનવીની કોઈ એકલદોકલ વસાહત ના હોઈ શકે. તે પૃથ્વી પરના જીવનનાં જૂજવાં રૃપથી જ અચંબો પામ્યા કરે છે. જાત જાતનાં જંતુઓ જોઈને એના આશ્ચર્યની શરૃઆત થાય છે. આટલાં નાનાં જંતુ કોણે બનાવ્યાં હશે? એકમાત્ર કીડીનો જ વિચાર કરો ને! આટલું નાનકડું જંતુ કોઈ કારખાનામાં બનાવવું હોય તો? કીડી, મંકોડા, મચ્છર, માંકડ, વંદા, તીડ આ બધાની મેન્યુફેક્ચરિંગ કોસ્ટ કાઢવા કોઈ બેસતું નથી, પણ એક વિશાળ યોજનામાં આ બધાનું કોઈક સ્થાન છે તેવું આપણને સમજાય છે. ઉંદરોનો બહુ નાશ ના કરશો. ખેતીનું એ ભક્ષણ જ નથી કરતા, રક્ષણ પણ કરે છે તેવું ખેતીવિજ્ઞાનીઓ કહે છે. દેડકાના પગ પરદેશીઓને ભલે ખૂબ ભાવતા હોય પણ તેનું નિકંદન કાઢશો નહીં, નહીંતર ઊભા પાકને નુકસાન કરતી ઘણી જીવાતો નિરંકુશ બની જશે તે વાત આપણને નિષ્ણાતો કહે છે. આવી મોટી જીવસૃષ્ટિ કશા આયોજન વગરની, કોઈ નિર્માતા વગરની, કોઈ નિર્માણની કલ્પના કે હેતુ વગરની હોઈ શકે તેવી વાત બુદ્ધિમાં પણ ઊતરે તેવી નથી. છતાં જેઓ થોડુંક વિજ્ઞાન જાણે છે તેઓ અજ્ઞાનની પ્રગલ્ભતાથી ‘અકસ્માત’ની મહાયોજના રજૂ કરી દે છે અને સ્થૂળ-ઘટનાનાં સ્થૂળ કારણોથી સંતોષ માનવાનું કહી દે છે. જેઓ વિજ્ઞાનમાં ઊંડા ઊતરે છે તેઓ આ મહાન રહસ્યથી વધુ ને વધુ વિસ્મય પામે છે. અત્યારે એવું બન્યું છે કે અગ્રિમ કોટિના વિજ્ઞાનીઓ ધર્મની પરિભાષામાં વાત કરતા થઈ ગયા છે.

એક પૃથ્વી પરનું જીવન અને બીજું અફાટ અવકાશ. બંને વિશે જેમ-જેમ વૈજ્ઞાનિક સંશોધન આગળ વધતું જાય છે તેમ-તેમ અંતિમ રહસ્ય વધુ ને વધુ અણઉકેલ રહી, સંતાકૂકડી રમ્યા કરે છે. આપણે ઝાઝું જ્ઞાન ધરાવતા ના હોઈએ તો સરસ મજાની વિદેશી ઘડિયાળ કે એચ.એમ.ટી.ની ઘડિયાળની સમયની ચોક્સાઈ ઉપર વારી જઈએ, પણ જ્યારે ઘડિયાળના નાનકડા સમયનો કે આપણા જીવનના સાંકડા દિવસનો વિચાર બાજુએ રાખીને ઘડીક કાળના અનંત પ્રવાહનો વિચાર કરીએ ત્યારે અવાક્ થઈ જઈએ! સમય ક્યાંથી નીકળીને ક્યાં જતો હશે? તમે બાળક હતા, જુવાન થયા, વૃદ્ધ થયા. તમારી આસપાસના માણસોના વાળ અને દાંત ખરતા-પડતા તમે જોયા. સાથે તમે નાનકડાં બાળકોને કિશોર અને જુવાન તરીકે ખીલી ઊઠેલાં જુઓ. તમે તમારા પિતાનો, દાદાનો વિચાર કરો, તમે તમારા જુવાન પુત્ર અને પારણામાં પોઢેલા પૌત્રનો વિચાર કરો. તમને થાય કે આવતી કાલે તમે નહીં હો, સ્થળ અને કાળના ફલક ઉપર તમારી હસ્તી સમાપ્ત થઈ જશે. સ્થળનો તો ક્યારે પ્રલય પણ થતો હશે, પણ આ સળંગ અનંતકાળ! એનો કોઈ ક્ષય છે? તેનો આદિ શું? તેનો અંત શું?

પહેલાં વિજ્ઞાનીઓ આવા પ્રશ્નોમાં પડતા જ નહોતા. હવે વિજ્ઞાનીઓ કહે છે કે, કાળ સીધી લીટીએ આગળ ને આગળ ચાલ્યા કરતો હોય તે કંઈ દિમાગમાં બેસે તેવી વાત નથી! નક્કી કાળનું ચક્ર જ હોવું જોઈએ! તેની ચક્રાકાર ગતિ હોવી જોઈએ.

Related Posts
1 of 264

માણસના મનની શક્તિઓનું માપ કાઢવા અને મગજની કરામતોનું રહસ્ય પામવા દુનિયાભરમાં સંશોધનો હાથ ધરાયાં છે. તેમાંથી તૂટક તૂટક તારતમ્યો બહાર આવે છે તે આપણને વિચારતા કરી મૂકે છે. માનવીનું મન કેટલી બધી છબીઓ ઝીલી શકે છે, સંઘરી શકે છે અને ફરી પ્રગટ કરી શકે છે. માણસના તનમનને પિછાનવા ઊંડા ને ઊંડા ઊતરતા વિજ્ઞાનીઓ, માનવશરીરમાં રસાયણોની અજબ-ગજબની મિલાવટની રંગોળીની વાત કરવા માંડે છે ત્યારે એમ થાય છે કે આ બધું કોઈની આદિ કલ્પનાનું સર્જન હશે કે માત્ર અકસ્માત? નર્યો અકસ્માત તો કેવી રીતે હોઈ શકે?

માણસ ક્યારેક રાતે આકાશનો અડાબીડ ટ્રાફિક જુએ ત્યારે તેને સવાલ થાય કે માત્ર મુંબઈ અને અમદાવાદનાં વાહનો પણ સરખાં વ્યવસ્થિત અને વગર અકસ્માતે દોડી શકતાં નથી, ત્યારે અનંત આકાશી પદાર્થોની આ ગતિનું કોઈક નિયમન તો હશે કે નહીં?

તમે કાળા જન્મો છો. તમે ગોરા જન્મો છો. તમે ઊંચા કે નીચા છો. તમે રૃપાળા કે બદસૂરત છો. આ બધો નર્યો અકસ્માત છે? કોઈ વાર ગરીબ અને બદસિકલ મા-બાપને ઘેર રૃપાળું સંતાન કેમ આવે છે? ખૂબસૂરત દંપતીને ઘેર ખોડવાળું બાળક કેમ જન્મે છે? શું આ નર્યો અકસ્માત છે? તેમના જીવનનો અને તેમના વિચારો તેમ જ કાર્યોનો નકશો કોણ બનાવે છે?

જીવન અને જગતનાં આ અપરંપાર રહસ્યોના કોઈ તૈયાર જવાબો કોઈની પાસે નથી. બધા સવાલોના જવાબો હોવાનું અનિવાર્ય પણ નથી, પણ આનો સહેજ અમસ્તો વિચાર આપણને મળેલા અવતારનું વરદાન સમજવા જરૃર પ્રેરે. મહાત્મા ગાંધી કે શેક્સપિયર તેના અસલ સ્વરૃપે આ દુનિયામાં વન્સ મોર કરવા આવી શકવાના નથી કે આપણામાંથી કોઈ ફરી વાર એ જ પોશાકમાં તખતા ઉપર પ્રવેશ મેળવી શકવાના નથી. એક બાજુ જીવનની આ ક્ષણિકતા અને બીજી બાજુ સમયની અનંતતા કોઈ પણ માનવીનું મસ્તક નમાવે તેવી છે. તમે ઈશ્વરમાં માનો કે ન માનો. આકાશ સામે નજર ઝુકાવવી જ પડે. તમે કોઈ પ્રશ્નો તમારી જાતને પૂછવા જ ન માગતા હો તો, અરે! કીડી કે મંકોડાની જેમ તમારી મિથ્યા ચેષ્ટામાં ગળાડૂબ બનીને આંટાફેરા કર્યે જ કરવાના હો તો તેમાં કોઈ વાંધો નથી આવવાનો. કીડી-મંકોડાની જેમ અચાનક કાળનો પંજો તમારા પર પડશે અને ખેલ ખતમ થઈ જશે. તમે કહેશો કે પેલા પ્રશ્નો તમે મનમાં ઊભા કર્યા હોત તોપણ શો ફરક પડવાનો હતો? આમ જુઓ તો કંઈક ફરક છે. આ મોત પણ કંઈ પૂર્ણવિરામ જ ના હોઈ શકે એટલે તમે જે કંઈ જાણ્યું, તમે જે કંઈ સમજ્યા, તમે જે કાંઈ બન્યા તેનું કોઈક મહત્ત્વ છે. આ જન્મમાં આપણે જે સારું કે ખરાબ પામી રહ્યા છીએ તે પૂર્વજીવનનો બાકીનો હિસાબ છે? તે આપણે જાણતા નથી. તમે આ જન્મમાં જે કરી રહ્યા છો તેમાંથી પુનર્જીવનમાં – જો હોય તો શું ઊગી નીકળશે તેની તમને ખબર નથી. પાછલું કે આગલું જીવન બંને અનુમાનની જ બાબતો છે, પણ માનવીનું જીવન જ એવું છે કે તેમાં કાંઈ ને કાંઈ કરવું તો પડે જ છે. ક્રિયા વિના તો જીવન જ નથી અને જો એમ જ હોય તો ક્રિયાને થોડીક અર્થભરી બનાવીએ.

આ વિષય એવો છે જેના પાર પામવાનો કંઈ પ્રયત્ન કરવાનો દાવો પણ ના કરી શકાય. તે મિથ્યાભિમાનમાં જ ખપે. માનવી ઘણુ બધું અનુભવે શીખે છે. ઘણુ બધું સંસર્ગમાંથી પામે છે. કેટલુંક અંતઃપ્રેરણાથી પામે છે. આપણે આ ત્રિપાંખિયો પ્રયાસ કરતા જ રહીએ. ધાર્મિકકથાઓ લાગે છે રસિક અને કંઈક રહસ્યમય, કંઈક વિચિત્ર, પણ તેમાં ઈશ્વરનો નહીં તોય ગઈ કાલના માણસનો સંદેશો પડેલો હોવાનો પૂરો સંભવ છે.

મનને રોજની બળદઘાણીની ગતિમાંથી બહાર કાઢીને સત્સંગમાં પરોવવામાં ઘણી બધી રાહત થાય છે. ઘણા બધાં તાણ, દબાણ હટી જાય છે. વ્યાવહારિક જીવનના ઉધામાનો સરવાળો થાક અને વધુ થાક હોય છે. મન જ્યારે અવકાશી તત્ત્વોની વાર્તામાં નહાય છે ત્યારે તે કંઈક નવી સ્ફૂર્તિ પામે છે. માણસને પોતપોતાની રીતે સમાધાન ખોળવાની એ શક્તિ આપે છે. માણસને કોઈક એવી ચાંપ તેમાંથી મળે છે કે જેના લીધે તે મનના વ્યર્થ ધમધમાટને બંધ કરી શાંતિ મેળવી શકે છે. જીવનમાં ડગલે ને પગલે આ યુદ્ધવિરામ જરૃરી હોય છે.
———————-

Leave A Reply

Your email address will not be published.

Translate »