તમારા માટે, તમારી સાથે, સતત…

સારું અર્થશાસ્ત્ર ખરાબ અર્થશાસ્ત્ર

ખરાબ અર્થશાસ્ત્રએ અમીરોને રાહત આપવા અને કલ્યાણકારી કાર્યક્રમોને સંકુચિત કરવાનો માર્ગ અપનાવ્યો.

0 231
  • અભિજિત બેનરજી  – એસ્થર ડફલો

વિકાસ અર્થશાસ્ત્રી હોવાને નાતે અમે એ તથ્યથી પરિચિત છીએ કે છેલ્લાં ચાલીસ વર્ષ દરમિયાન સૌથી ચોંકાવનારી બાબત પરિવર્તનની ગતિ રહી છે. પછી એ પરિવર્તન સારું હોય કે ખરાબ. છેલ્લા ચાર દાયકામાં આપણે શું શું નિહાળ્યું, સામ્યવાદનું પતન, ચીનનો ઉભાર, વૈશ્વિક ગરીબીને અડધી કરવાના વારંવારના વાયદા, અસમાનતાનો વિસ્ફોટ, એચઆઈવીમાં વધારો અને પછી ઘટાડો, બાળમૃત્યુ દરમાં ભારે ઘટાડો, પર્સનલ કોમ્પ્યુટર અને સેલ ફોનનો ફેલાવો, પછી આવ્યું એમેઝોન, અલીબાબા, ફેસબુક અને ટ્વિટર અને સાથે લાવ્યા, એકાધિકારી રાષ્ટ્રવાદનો પ્રસાર, પર્યાવરણ પર તોળાતો વિનાશનો ખતરો વગેરે.

સિત્તેરના દાયકાના ઉત્તરાર્ધમાં પણ સોવિયેત રશિયા પ્રત્યે થોડો આદર બચ્યો હતો, જ્યારે ભારત તેના જેવું બનવાના પુરા પ્રયાસ કરી રહ્યું હતું. ડાબેરીઓ અતિવાદી ચીનને માનતા હતા, ચીની લોકો માઓની પૂજા કરતા હતા, રીગન અને થેચરે આધુનિક કલ્યાણકારી રાજ્ય પર પોતાના હુમલા શરૃ કર્યા જ હતા અને વિશ્વની લગભગ ચાલીસ ટકા વસતિ ભયંકર ગરીબીમાં જીવતી હતી. ત્યારથી માંડીને અત્યાર સુધી કેટલું બધું બદલાઈ ગયું છે અને તેમાંનું ઘણુ બધું સારા માટે છે.

બધો બદલાવ ખરાબ ન હતો. એ યોગાનુયોગ છે કે કેટલાક સારા વિચારો પ્રજ્વલિત થયા તો કેટલાક ખરાબ વિચારોએ પણ આગ પકડી. કેટલુંક પરિવર્તન તો સંજોગવશાત થયું, જેમ કે કોઈ અન્ય કૃત્યનું એવું પરિણામ કે જેની અપેક્ષા ન હતી. ઉદાહરણ તરીકે અસમાનતામાં થયેલા વધારાનું એક આંશિક કારણ અનુદાર અર્થતંત્રનું રહ્યું. અસમાનતામાં થયેલા વધારાએ નિર્માણ ક્ષેત્રને હવા-પાણી ઉપલબ્ધ કરાવ્યા જેને કારણે વિકાસશીલ દેશોનાં શહેરોમાં અકુશળ બેરોજગારો માટે રોજગારીનું સર્જન થયું જેનાથી આગળ જતાં ગરીબીમાં ઘટાડાનો માર્ગ ખૂલ્યો.

આ તમામ બદલાવ જે નીતિઓને કારણે થયા તેને ઓછી આંકવાની ભૂલ કરવા જેવી નથી. ખાનગી સાહસો અને વેપાર માટે ચીન અને ભારતના દરવાજા ખૂલવા, બ્રિટન, અમેરિકા અને તેને અનુસરનારાઓને ત્યાં અમીરો પર લગાવતા ટેક્સમાં ઘટાડો કરવો, બચાવી શકાય એવા મૃત્યુ સામે લડવામાં સ્થાયી થયેલો વૈશ્વિક સહયોગ, પર્યાવરણના ભોગે આર્થિક વિકાસને મહત્ત્વ આપવું, વધેલા સંપર્ક સાધનો દ્વારા આંતરિક પલાયનને પ્રોત્સાહન અથવા રહેવાલાયક શહેરી જગ્યામાં રોકાણની નિષ્ફળતાને કારણે તેને નિરુત્સાહી કરવું કલ્યાણ રાજ્યનું પતન પરંતુ વિકસિત દેશોમાં તાજેતરમાં જ સામાજિક હસ્તાંતરણના પુનઃ આવિષ્કાર વગેરે તમામ નીતિઓને ગણાવી શકાય તેમ છે. નીતિઓમાં શક્તિ હોય છે. સરકારો પાસે આ નીતિઓને કારણે એટલી શક્તિ હોય છે કે તેઓ ઇચ્છે તો મોટા પાયે કલ્યાણનાં કામો કરી શકે છે અને ઇચ્છે તો વિનાશ પણ કરી શકે. આ જ સ્થિતિ મોટા ખાનગી અને દ્વિપક્ષીય દાનદાતાઓની છે.

Related Posts
1 of 281

આ પ્રકારની તમામ નીતિઓ સારા અને ખરાબ અર્થશાસ્ત્ર (અને સામાન્ય રીતે જોઈએ તો સામાજિક વિજ્ઞાન પર)ના ખભા પર ટકેલી હતી. સમાજવિજ્ઞાની સતત સોવિયેત શૈલીવાળા રાજકીય નિયંત્રણની મહત્ત્વાકાંક્ષા પર લખતા હતા. તેઓ સતત એ વાત પર ભાર મૂકતા હતા કે ભારત અને ચીન જેવા દેશોમાં સાહસિકતાના બોટલબંધ જિન્નને મુક્ત કરવો પડશે. તેઓ આપણને પર્યાવરણીય વિનાશ પ્રત્યે સાવધ કરતા હતા. તેઓ નેટવર્ક કનેક્શનની અસમાન્ય શક્તિઓ પર લખતા રહેતા હતા અને બહુ પહેલાં જ્યાં સુધી આ ખતરા દુનિયા સમક્ષ આવ્યા નહીં. કેટલાક સ્માર્ટ ધર્માર્થવાદી કરોડો જિંદગીને બચાવવા માટે વિકાસશીલ દેશોમાં એચઆઈવીના દર્દીઓને ઍન્ટિ રેટ્રોવાયરલ દવાઓ વિતરિત કરતા હતા, તેની પાછળ વાસ્તવમાં કલ્યાણકારી સમાજ વિજ્ઞાન જ કામ કરી રહ્યું હતું. અજ્ઞાન અને વિચારધારા પર એ સારા અર્થશાસ્ત્રીની જીત જ હતી જેણે સુનિશ્ચિત કર્યું કે કીટનાશકયુક્ત મચ્છરદાની આફ્રિકામાં વેચવામાં ન આવે, વિતરિત કરવામાં આવે. તેણે બાળકોમાં મેલેરિયાથી થતાં મૃત્યુને પચાસ ટકાથી વધુનો ઘટાડો કર્યો.

ખરાબ અર્થશાસ્ત્રએ અમીરોને રાહત આપવા અને કલ્યાણકારી કાર્યક્રમોને સંકુચિત કરવાનો માર્ગ અપનાવ્યો. તેણે એવો વિચાર આપ્યો કે રાજ્ય ભ્રષ્ટ અને નિરર્થક છે, જ્યારે ગરીબ આળસુ છે. તેનું જ પરિણામ છે કે આજે અસમાનતા વિસ્ફોટના આરે પહોંચી ચૂકી છે અને આક્રોશ જન્માવી રહી છે.

રૃઢિવાદી અર્થશાસ્ત્રએ આપણને જણાવ્યું કે વેપાર બધા માટે લાભકારક હોય છે. તીવ્ર આર્થિક વિકાસ માટે કોઈ પણ કિંમત ચૂકવી શકાય છે અને તેને હાંસલ કરવા માટે વધુ મહેનત કરવી પડશે. તેની આંખ પર પટ્ટી બાંધેલી હોવાને કારણે તેણે દુનિયાભરમાં વધતી અસમાનતા, તેની સાથે આવનાર સામાજિક વિભાજન અને આસન્ન પર્યાવરણીય વિનાશની ઉપેક્ષા કરી નાખી અને તેને અટકાવવા માટે જે પગલાં લેવાના હતા એમાં એટલો વિલંબ કર્યો કે હવે આ પ્રક્રિયાને ઉલ્ટાવી શકાય તેમ નથી.

સામુદાયિક અર્થશાસ્ત્રીય નીતિઓનું રૃપાંતરણ કરનાર લોર્ડ કીન્સે લખ્યું હતું – ‘જે લોકો વ્યાવહારિક હોય છે અને ખુદને કોઈ બૌદ્ધિક પ્રભાવથી મુક્ત માને છે તેઓ સામાન્ય રીતે કોઈ વ્યર્થ અર્થશાસ્ત્રીના ગુલામ હોય છે. સત્તામાં બેસી સનકી હવામાં તરતા અવાજોને સાંભળીને નિર્ણયો કરે છે, તેમની સમક વાસ્તવમાં કેટલાક વર્ષ પહેલાંના કોઈ એકેડેમિક કલમઘસુઓના વિચારોમાંથી ગળાઈને આવતી હોય છે.’ વિચાર શક્તિશાળી હોય છે. વિચાર જ પરિવર્તનની આગેવાની લે છે. સારું અર્થશાસ્ત્ર એકલું આપણને બચાવી શકે નહીં, પરંતુ તેના વિના આપણે અગાઉની ભૂલોનું પુનરાવર્તન કરવા માટે અભિશપ્ત બનીએ છીએ. અજ્ઞાન અતિન્દ્રિયતા, વિચારધારા અને સ્થિતપ્રજ્ઞતા પરસ્પર મળીને આપણને એવા જવાબ રજૂ કરે છે જે વિશ્વસનીય જણાય છે, જેમાં મોટાં વચનો હોય છે, પરંતુ આખરે તેનાથી આપણને માત્ર દગો મળે છે. ઇતિહાસ સાક્ષી છે કે આજે જે વિચાર ચાલી રહ્યા છે તે આખરમાં સારા કે ખરાબ કંઈ પણ પુરવાર થઈ શકે છે. જેમ કે પ્રવાસીઓ માટે ખુદને ખુલ્લા રાખવાથી સમાજ નષ્ટ થઈ જશે, એ વિચાર આજકાલ પ્રભાવી જણાય છે, પરંતુ આપણે જાણીએ છીએ કે તમામ સાક્ષ્ય તેનાથી વિપરીત વાત સિદ્ધ કરે છે.

ખરાબ વિચારો સામે આપણી પાસે એકમાત્ર રસ્તો એ જ છે કે સતર્ક રહેવામાં આવે. ‘જાહેર’ના આકર્ષણનો પ્રતિરોધ કરવામાં આવે, જટિલતાઓ સમક્ષ ધૈર્ય રાખવામાં આવે અને આપણે જેટલું જાણીએ છીએ અને જેટલું જાણી શકીએ તેમ છીએ તેના પ્રત્યે ઈમાનદારી રાખીએ. આ સતર્કતાના અભાવમાં બહુઆયામી સમસ્યાઓ પર કોઈ પણ સંવાદ માત્ર સૂત્રો અને ભૂંડી નકલ સુધી મર્યાદિત રહી જશે. પછી નીતિગત વિશ્લેષણનું સ્થાન બગલથેલાછાપ નુસ્ખા લઈ લેશે. આ વાત માત્ર એકેડેમિક અર્થશાસ્ત્રીઓને નહીં, આપણા બધાને લાગુ પડે છે. અર્થશાસ્ત્રને માત્ર અર્થશાસ્ત્રીઓના વિશ્વાસે છોડી દેવું ન જોઈએ. અમને તમારી જરૃર છે. આપ અમારી સાથે રહો. અમને લાગે છે કે એ શક્ય છે.

( સૌજન્ય ઃ અભિજિત બેનરજી અને એસ્થર ડફલોના પુસ્તક ગુડ ઇકોનોમિક્સ ફોર હાર્ડ ટાઈમ્સ )
——————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »