તમારા માટે, તમારી સાથે, સતત…

રમતમાં આઉટ થવાનું તો આવે જ છે!

માણસના જીવનમાં કોઈ ને કોઈ આપત્તિ તેની એક અસર મૂકી જાય છે

0 157
  • પંચામૃત – ભૂપત વડોદરિયા

તાજેતરમાં ચાલીસેક વર્ષના એક યુવાનનો મેળાપ થયો. તેણે પોતાની વાત કરી. તેણે કહ્યું કે હું અને મારી પત્ની હિંમત હારી ચૂક્યાં હતાં. જિંદગીમાં ક્યારેક કશુંક સારું બનવાની આશા પણ અમે ગુમાવી બેઠાં હતાં. મારો દશ જ વર્ષની ઉંમરનો એક પુત્ર છે. તેને લ્યુકેમિયા – લોહીનું કૅન્સર છે. લ્યુકેમિયા માટે તેને અપાતી સારવારને લીધે તેના વાળ ચાલ્યા ગયા છે. એ બાળક જ આમ તો અમારું ભવિષ્ય, અને એ બાળક માટે ઝાઝા દિવસો રહ્યા નથી એટલે અમારું ભવિષ્ય શું રહ્યું? બધું જ કાળુંધબ્બ દેખાતું હતું. હિંમત તૂટી ગઈ હતી. મારો ધંધો, કમાણી, ખુદ જિંદગી બધું જ અર્થહીન લાગવા માંડ્યું હતું. એક દિવસ બાળકે મને રોક્યો. તેની માતાને બોલાવી. માતા રસોડામાંથી એકદમ આંસુ સંતાડતી આવી.

પુત્રે કહ્યું ઃ ‘તમે બેસો અને શાંતિથી મારી વાત સાંભળો. તમે મારી બીમારી વિશે મને જૂઠું કહો છો અને હું નાનો છું, બાળક છું એટલે ગભરાઈ જઈશ એમ માનીને મને આશ્વાસન આપ્યા કરો છો, વહાલ કર્યા કરો છો. તને આ અપાવવું છે અને તે અપાવવું છે એવું મને ખુશ કરવા માટે કહ્યા કરો છો, પણ હું તો બધું જ જાણું છું. મને મારી બીમારીની બધી જ ખબર છે, પણ એમાં આટલાં બધાં ગભરાઈ જવા જેવું શું છે? દસ વર્ષ પહેલાં હું ક્યાં હતો? શું હું આવ્યો તે પહેલાં તમારી જિંદગીમાં કોઈ ખુશી જ નહોતી? મને મુદ્દલ ડર નથી. પછી તમે આટલાં બધાં કેમ ડરો છો? તમે ખરેખર મને ચાહતાં હો તો આટલાં બધાં નાસીપાસ થઈ ના જાઓ. પહેલીવાર જ્યારે મેં જાણ્યું ત્યારે મને ખૂબ દુઃખ થયેલું. હું ખોટું નહીં બોલું. મેં તમને – મારાં માતાપિતાને – સુખી કરવાના કેટલા કેટલા પ્લાન કરેલા! પપ્પા, તમે નહોતા કહેતા કે તમારાથી મોટી બહેન હતી તે સાત જ વર્ષની ઉંમરે ચાલી ગઈ હતી? મારા વિના તમે ખૂબ આનંદથી જીવો એવી મારી ઇચ્છા છે! તમે જ દડા ફેંકતા હતા અને હું એકદમ આઉટ થઈ જતો ત્યારે હું રડવા માંડતો અને તમે હસીને નહોતા કહેતા કે આમાં રડવાનું શું? રમત છે, જલદી આઉટ પણ થઈ જવાય! લાંબું રમો કે ટૂંકું રમો. આઉટ થવાનું તો આવે જ છે.

Related Posts
1 of 281

બાળકો – નાનાં બાળકો – ઘણુબધું કાલું કાલું ડાહ્યું ડાહ્યું બોલે છે. કદાચ એ જે કાંઈ ડાહ્યું ડાહ્યું બોલે છે તેનો પૂરો અર્થ એ જાણતાં પણ નહીં હોય, પણ એ જુવાને કહ્યું કે પુત્રના મોંએ આ બધું સાંભળ્યા પછી પહેલાં તો કોઈક ગુનો કરતાં પકડાઈ ગયાં હોઈએ એવી લાગણી અમને થઈ અને પછી રાહતની લાગણી થઈ. અમને થયું કે અમે જેને અમારી જિંદગીનું એક મોટું દુર્ભાગ્ય ગણીએ છીએ તેને આ એક દશ વર્ષનો બાળક સરળતાથી સ્વીકારી લે છે. અમે તેનાથી વધુ મોટા અને તેનાથી વધુ સમજદાર છીએ એવું અમે માનીએ છીએ તો અમારે પણ આ હકીકત હિંમતપૂર્વક સ્વીકારી લેવી જ રહી. બાળકે કહ્યું કેે મારી બે જ ઇચ્છા છે – પછી હું તમને જણાવી શકું કે ના જણાવી શકું એટલે અત્યારે કહી દઉં છું. હું નહોતો ત્યારે તમે મારા બોજા વગર જેમ આનંદથી જીવતાં હતાં એમ જ જીવો. હું આજે છું ત્યારે તમે મને જેટલો ચાહો છો એટલો હું ના હોઉં ત્યારે પણ મને ચાહતા રહો બસ, આટલું જ મને પૂરતું લાગે છે.

અમે પતિ-પત્નીએ એની લાગણીને મુદ્દલ નહીં દુભાવવાનું નક્કી કર્યું છે. પહેલાં અમે એની પાસે બેસતાં ત્યારે બેચેનીની લાગણી અનુભવતાં. હવે એવી બેચેની થતી નથી. આવું બને ત્યારે સ્વજનો, મિત્રો, પોતપોતાની રીતે સહાનુભૂતિ બતાવે છે. હિંમત આપવા પ્રયાસ કરે છે, પણ અમને બાળકે જે હિંમત આપી તેવી હિંમત તો બીજા કોઈના તરફથી મળી નહોતી.

પુત્રની કેટલી આવરદા બાકી છે તેની તો પાકી ખબર નથી, પણ એક વાત નક્કી કે મારો પુત્ર નહીં હોય ત્યારે પણ એનો ચહેરો મને જિંદગીની કોઈ ને કોઈ પળે મારા અંતરને કંઈક ઉજાસ આપી જશે. મને એ હંમેશાં હિંમત આપનારો તારો બની જશે.

વાત એટલી જ છે કે માણસના જીવનમાં કોઈ ને કોઈ આપત્તિ તેની એક અસર મૂકી જાય છે. કેટલાક માણસોની બાબતમાં આપત્તિ કે દુર્ભાગ્ય તેમને વધુ સારા, વધુ સબળ માણસ બનાવે છે. કોઈ કોઈ કિસ્સામાં માણસ આપત્તિ કે દુર્ભાગ્યના પ્રભાવ હેઠળ નબળો પડે છે. એનામાં કડવાશ અને કઠોરતા ઉમેરાય એવું પણ બને છે. સુખ હોય કે દુઃખ, એનાથી માણસ તરીકેના માણસના દૈવતમાં કાંઈક વધારો થાય તો તે બંને શ્રેયકારક છે, પણ સુખથી કે દુઃખથી જો માણસનું માણસ તરીકેનું હીર ઓછું થાય તો તે બંનેને એકસરખાં જ હાનિકારક ગણવાં જોઈએ.
——————–

Leave A Reply

Your email address will not be published.

Translate »