તમારા માટે, તમારી સાથે, સતત…

હિમાચલઃ ગુજરાતીઓની પહેલી પસંદ બન્યુઃ

હિમાચલમાં નેચરલ બ્યુટીની સાથે સલામત અને સસ્તું હોવાથી પ્રવાસીઓની પહેલી પસંદ બને છે

0 240
  • પ્રવાસન – દેવેન્દ્ર જાની

આકરા ઉનાળાના દિવસોમાં ઠંડા પ્રદેશમાં પરિવાર સાથે ફરવા જવા મહિનાઓ અગાઉ પ્લાનિંગ કરવામાં આવતું હોય છે. ભારતમાં પ્રવાસીઓની સંખ્યા સતત વધતી જાય છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ વધી રહી હોય હિમાચલ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ખાસ કરીને મિડલ અને અપર મિડલ ક્લાસ માટે હિમાચલ હોટ ડેસ્ટિનેશન બન્યંુ છે. ગુજરાતીઓ માટે પણ હિમાચલ પહેલી પસંદ બન્યું છે.

અમરેલીનો એક શિક્ષક પરિવાર ઉનાળાના આ વૅકેશનમાં સંતાનોને ફરવા જવાનો પ્લાન કરતો હતો. સૌથી પહેલાં જમ્મુ-કાશ્મીર જવાનું વિચાર્યું, પણ કેટલાક મિત્રો અને ટૂરિસ્ટ એજન્સીઓએ એવી સલાહ આપી કે પુલવામા હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં સલામતી નથી. આતંકવાદી ગતિવિધિઓ વધી છે. જ્યારે કેરળમાં ગરમી છે અને કુદરતી આફતનું જોખમ વધારે છે. આ સ્થિતિમાં હિમાચલ સલામત, સસ્તું, ઠંડો અને રળિયામણો પ્રદેશ છે. ત્યાં જવાનું ફાઇનલ કરો. આ સલાહ માનીને શિક્ષક પરિવારે હિમાચલ જવાનો પ્લાન બનાવ્યો અને બે દિવસ પહેલાં કુલુ, મનાલી અને ધર્મશાળા જેવાં સ્થળોએ જઈને પરત આવ્યો છે. આ પરિવાર પોતાના અનુભવો વર્ણવતા કહે છે, હિમાચલ તો સ્વર્ગ છે. ઓછા બજેટમાં ફરવા જવું હોય તો હિમાચલ બેસ્ટ છે. રાજકોટના નિલય ઉપાધ્યાય પણ પરિવાર સાથે હિમાચલનો પ્રવાસ પૂર્ણ કરીને થોડા દિવસ પૂર્વે જ પરત આવ્યા. તેઓ પણ હિમાચલના સુખદ અનુભવો વર્ણવે છે. અનુભવો જ નહીં, આંકડાઓ પર નજર કરીએ તો પણ હિમાચલ હિન્દુસ્તાનનું બેસ્ટ ટૂરિઝમ સ્પોટ બન્યું છે, તેનાં કારણો પણ છે.

આંખોને ઠંડક આપતી ગ્રીનરી, ઊંચા પહાડો, ખળ ખળ વહેતી નદીઓ, ઘટાટોપ જંગલ હર કોઈનું મન મોહી લે છે. આ સિવાય સ્થાનિક લોકોનો માયાળુ સ્વભાવ પ્રવાસીઓને સૌથી વધુ આકર્ષે છે. કુદરતે હિમાચલમાં સૌંદર્યને છુટ્ટા હાથે વેર્યું છે. નેચરલ બ્યુટીની સાથે સ્થાનિક લોકાની પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ એ આ પ્રદેશની ખાસિયત છે. ટૂરિઝમ ડિપાર્ટમેન્ટના આંકડા મુજબ દર વર્ષે હિમાચલની મુલાકાતે આવતા પ્રવાસીઓને સંખ્યા આશરે ર કરોડ સુધી પહોંચી ગઈ છે તેમાં પ લાખ જેટલા વિદેશી ટૂરિસ્ટનો સમાવેશ થાય છે. હિમાચલનું ટૂરિઝમ છેલ્લા એક વર્ષમાં ૬.ર૪ ટકાના દરે વધ્યું છે. માત્ર ભારત જ નહીં, વિદેશી પ્રવાસીઓમાં પણ હિમાચલ લોકપ્રિય સ્ટેટ બન્યું છે. એક સમયે શિમલા ઉનાળાના સમયની રાજધાની હતંુ. ઉનાળાની આકરી ગરમીમાં દિલ્હીથી કાર્યભાર શિમલા ફેરવાતો હતો.

Related Posts
1 of 142

ટૂરિઝમ લીડર્સ કલબના ફાઉન્ડર પ્રેસિડન્ટ અમેષભાઈ દફતરી કહે છે, ‘હિમાચલમાં નેચરલ બ્યુટીની સાથે સલામત અને સસ્તંુ હોવાથી પ્રવાસીઓની પહેલી પસંદ બને છે. અમારી પાસે ડોમેસ્ટિક ટૂર પ્લાન માટે આવનારામાંથી રપ ટકાથી વધુ લોકો હિમાચલ જવાનંુ પસંદ કરે છે. વિદેશ માટે થાઈલેન્ડ – દુબઈ સસ્તું અને સારું પ્રવાસન સ્થળ હોવાથી તેનો ક્રેઝ છે તેમ ડોમેેસ્ટિક ટૂરિઝમમાં હિમાચલ જવાનો ક્રેઝ છે. ખાસ કરીને ઓછા બજેટમાં ટૂર પ્લાન થઈ શકે છે અને એકદમ શાંતપ્રિય અને બરફના પહાડોનો આનંદ મેળવી શકાય છે. હોટેલ ભાડા પણ દરેકને પોષાય તેવા હોય છે. ઓછા બજેટમાં સારી હોટલો મળી શકે છે. બીજું રોડ, રેલવે અને હવાઈ માર્ગે હિમાચલના મોટા ભાગના ટૂરિઝમ સ્પોટ કનેક્ટેડ છે. ખાસ કરીને મિડલ ક્લાસ માટે હિમાચલ સસ્તંુ અને સારું સ્ટેટ છે એ જ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. શિમલા, કુલુ, મનાલી, ચંબા, ધર્મશાલા, ડેલહાઉસી હિમાચલના મુખ્ય પ્રવાસન કેન્દ્રો છે. ધર્મશાલા એ દલાઈ લામાનું રહેઠાણ હોવાથી ધાર્મિક પ્રવાસીઓનંુ એક આર્ક્ષણનું કેન્દ્ર તો છે, પણ અહીં કુદરતી સૌંદર્ય વચ્ચે ઊભા કરેલા ક્રિક્રેટ સ્ટેડિયમે ક્રિક્રેટ પ્રેમીઓને પણ આકર્ષ્યા છે.

ગુજરાતીઓ માટે ઉનાળાના સમયમાં હિમાચલનું આકર્ષણ વધારે એટલા માટે છે કે રાજ્યનાં દરેક મોટાં શહેરોમાંથી રેલ નેટવર્કથી હિમાચલ અથવા નજીકના પ્રવાસન સાથે જોડાઈ શકાય છે. રોડ માર્ગે પણ પઠાણકોટ અથવા દિલ્હીથી આસાનીથી જઈ શકાય છે. પોતાની પસંદ મુજબના પેકેજ મળી શકે છે. ગુજરાતીઓ માટે ઉત્તરમાં હરિદ્વાર પછીનું શિમલા, ધર્મશાલા સૌથી વધુ પસંદગીનંુ સ્થળ છે. એક વ્યક્તિ ૧પ હજારના બજેટમાં એક સપ્તાહ સુધી ફરીને આવી શકે છે. પર્યાવરણની દ્રષ્ટિએ પણ હિમાચલ ખૂબસૂરત રાજ્ય છે. લોકો પણ સ્વચ્છતાના આગ્રહી છે. કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ પ્લાસ્ટિક ફેંકે તો તરત જ દંડ કરવામાં આવે છે. હિમાચલ પ્લાસ્ટિક ફ્રી સ્ટેટ છે. ડેલહાઉસી-ખજિયારની ખૂબસૂરત વાદીઓ તો મિની સ્વિત્ઝરલેન્ડ કહેવાય છે.

છેલ્લાં રપ વર્ષથી ટૂરિઝમ ઉદ્યોગ સાથે જોડાયેલા સંજયભાઈ મહેતા કહે છે, ‘પરિવાર સાથે રજાઓનો આનંદ માણવા જવા માટે હિમાચલ એ સૌથી સારું રાજ્ય છે. કુદરતી સૌંદર્યની સાથે સલામત અને કોઈ પણ પ્રકારના ભય વિના આરામથી પ્રવાસીઓ અહીં ફરી શકે છે. ટૂરિઝમ બેઇઝ અહીંની ઇકોનોમી હોવાથી સ્થાનિક લોકો પ્રવાસીઓ સાથે સુમેળભળ્યો વ્યવહાર કરે છે. હિમાલયની ખૂબસૂરત વાદીઓ જોવાના આનંદની સાથે એડવેન્ચર ટૂરિઝમ પણ અહીં થઈ શકે છે. દિલ્હી, ચંદીગઢથી આસાનીથી જઈ શકાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી ધરાવતું સ્ટેટ છે. મિડલ ક્લાસ માટેનંુ આકર્ષણ એ છે કે ઇકોનોમી બજેટમાં આરામથી ફરી શકે છે. અગાઉથી પ્લાનિંગ કર્યું હોય તો સારા રિસોર્ટ પણ ઓછા ખર્ચે બુક કરાવી શકાય છે. એક સમયે જમ્મુ-કાશ્મીર જવાનો ક્રેઝ હતો, પણ હાલની ત્યાંની સ્થિતિ સારી નથી એટલે હિમાચલ પહેલી પસંદ બન્યું છે.

ગયા સપ્તાહમાં જ પરિવાર સાથે હિમાચલની ટૂર પરથી પરત આવનાર નોકરિયાત વર્ગમાંથી આવતા નિલય ઉપાધ્યાય કહે છે, ‘હિમાચલની એક સારી બાબત એ પણ છે કે ક્યાંય પણ ચિટિંગનો ભય રહેતો નથી. ટેક્સી કરવાની થાય તો પણ ઍસોસિયેશન સાથે જોડાયેલા તમામ ટેક્સી ચાલકો એક સરખું ભાડું જ લઈ શકે છે. ઉપરાંત, કોઈ ફરિયાદ હોય તો તરત જ એસોસિયેશનને જાણ કરવામાં આવે તો તેનંુ સભ્યપદ રદ થાય છે. કિ.મી. દીઠ ભાવ નક્કી જ હોય છે. આ જ પ્રકારે હોટલ માલિકોનંુ પણ એસોસિયેશન ચાલે છે. પ્રવાસન ઉદ્યોગમાં હાલ સારા પેકેજની ડિમાન્ડ વધારે છે. દરેક વ્યક્તિને તેની જરૃરિયાત મુજબના ટૂર પેકેજ સ્થાનિક ટૂરિઝમ એજન્સીઓ કરી આપે છે.’

હિમાચલ ટૂરિઝમ કોર્પોરેશનના અધિકારીઓ કહે છે, ‘ભારતમાંથી જે પ્રવાસીઓ હિમાચલ આવે છે તેમાં અંદાજે ૪૦ ટકા ગુજરાતમાંથી આવે છે. હિમાચલના મોટા ભાગનાં પ્રવાસન સ્થળો પર ગુજરાતી ભોજન મળે તેવી વ્યવસ્થા એ પણ એક આકર્ષણનું કેન્દ્ર છે. હિમાચલ એક ટૂરિસ્ટ ફ્રેન્ડલી સ્ટેટ છે.’
—————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »