તમારા માટે, તમારી સાથે, સતત…

અમેરિકન યુવતી ગુજરાતી લોકસંગીતની દીવાની બની

અમેરિકન યુવતીને વળી સૌરાષ્ટ્રનાં લોકગીતોમાં આટલો રસ કેમ પડ્યો

0 88

કલા – દેવેન્દ્ર જાની

સંગીતને કોઈ સરહદના સીમાડા નથી હોતા. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. એક અમેરિકન યુવતીને ગુજરાતના લોકસંગીતનું એવું ઘેલું લાગ્યું છે કે તે અમેરિકાથી સૌરાષ્ટ્ર – કચ્છમાં આવીને લોકસંગીતના કલાકારોને મળીને ગીતોના ઢાળ, તાલ, શબ્દો અને સંદેશ જેવાં પાસાંઓનો રસપૂર્વક અભ્યાસ કરી રહી છે.

એક અમેરિકન યુવતી સૌરાષ્ટ્ર – ગુજરાતના લોકસંગીતમાં આટલી ગળાડૂબ છે એ અનુભવથી હું દંગ રહી ગયો. આવી એક પોસ્ટ રાજકોટના જાણીતા લોકગાયક નિલેશ પંડ્યાએ સોશિયલ મીડિયા મારફત મિત્રોને શેઅર કરી તો જેવું આશ્ચર્ય આ કલાકારને થયું તેવંુ જ આ પોસ્ટ જોનારા તેમના મિત્રોને થયંુ. આ પોસ્ટ વાંચીને નિલેશ પંડ્યાને આ યુવતી વિશેની જાણકારી મેળવવા અનેક ફોન આવ્યા હતા. સ્વાભાવિક છે એવો સવાલ થયા વિના રહે નહીં કે અમેરિકન યુવતીને વળી સૌરાષ્ટ્રનાં લોકગીતોમાં આટલો રસ કેમ પડ્યો હશે? વાત માત્ર આટલેથી અટકતી નથી, પણ આલિયા નામની આ યુવતી અમેરિકાથી લોકસંગીતના અભ્યાસ માટે ગુજરાતના પ્રવાસે આવી છે. હાલ તે સૌરાષ્ટ્ર – કચ્છમાં જુદા જુદા કલાકારોને મળીને રસપૂર્વક લોકગીતો, ઢાળ, તાલ, શબ્દો, સંદેશાઓ સહિતનાં પાસાંઓનો અભ્યાસ કરી રહી છે.

Related Posts
1 of 5

રાજકોટમાં છ જેટલા લોકકલાકારોને તે મળી હતી. બેથી ત્રણ કલાક સુધી તે કલાકાર પાસે બેસી સંગીત સાંભળે છે અને લોકગીતોના મર્મ વિશે જાણકારી મેળવે છે. આલિયા જેરાજ નામની આ યુવતીના વર્તમાન ગુજરાત પ્રવાસના અનુભવો વિશે જાણીએ તે પહેલાં તેના બૅકગ્રાઉન્ડ પર નજર કરીએ તો અમેરિકાના મિન્નેસોટા રાજ્યમાં આવેલા મિનિયાપોલીસ શહેરમાં તે રહે છે. આ યુવતીને આમ તો ગુજરાત પ્રત્યેનો પ્રેમ વારસામાં મળ્યો છે. આલિયાનાં દાદા-દાદી મૂળ કચ્છનાં રહેવાસી હતાં. વર્ષો પહેલાં તે યુગાન્ડા રહેતાં હતાં. ત્યાંથી તેનો પરિવાર અમેરિકા શિફ્ટ થયો હતો. આલિયાના પિતા મૂળ યુગાન્ડાના અને માતા અમેરિકન છે. નાનપણથી જ તેને સંગીત પ્રત્યે લગાવ હતો. અમેરિકામાં તે સંગીતનો અભ્યાસ કરતી હતી. હાલ તે એક સિન્ગર તરીકે કામ કરી રહી છે. આ જ વિષયોમાં તે ગ્રેજ્યુએટ થઈ છે. દાદા-દાદી અને પિતા પાસેથી ગુજરાત અને કચ્છ વિશે જાણવાની તેની ઉત્કંઠા હતી. અખબારોમાં કચ્છ અને સૌરાષ્ટ્રના લોકસંગીતના અહેવાલો વાંચ્યા બાદ તેને ધીરે ધીરે ગુજરાતી લોકસંગીતમાં ખૂબ રસ પડતો ગયો.

આલિયા ‘અભિયાન’ સાથેની વાતચીતમાં કહે છે, ‘મારો ગુજરાતના લોકસંગીત પ્રત્યેનો પ્રેમ જ મને અમેરિકાથી ગુજરાતની ધરતી સુધી ખેંચીને લાવ્યો છે. સૌરાષ્ટ્ર – કચ્છના જુદા જુદા વિસ્તારોમાં લોકકલાકારો – સંગીતકારો, સ્થાનિક લોકોને મળીને લોકસંગીતને સમજવાની કોશિશ કરી રહી છું. જુદા જુદા પ્રસંગો અને તહેવારો પરના અલગ અલગ ઢાળ – તાલમાં અહીં ગીત ગવાય છે અને દરેક ગીત પાછળ કોઈ ને કોઈ સંદેશો છુપાયો હોય છે તે ખૂબ જ રસપ્રદ છે. પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવાનો હોય કે લગ્ન પ્રસંગ હોય, દરેક સમય અને પ્રસંગોને દીપાવતાં લોકગીતોનું વૈવિધ્ય કોઈ પણને નવાઈ પમાડે તેવંુ અદ્ભુત છે. ગુજરાતી લોકસંગીતની આ ખૂબી જ તેની દુનિયામાં ઓળખ બની છે.

આલિયા હાલ છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર – કચ્છના પ્રવાસે છે. રાજકોટની મુલાકાત બાદ તે કચ્છના પ્રવાસે ગઈ છે. હાર્મોનિયમના સૂર સાથે તે લોકગીતો સાંભળીને જે સવાલો કરે છે એ જોઈને રાજકોટના કલાકારો પણ તેની લોકસંગીતમાં  રુચિ જાણીને દંગ રહી ગયા છે. લોકગાયક નિલેશ પંડ્યા કહે છે, ‘મારી પાસે લગભગ સવા બે કલાક સુધી બેસીને ગુજરાતના લોકસંગીતની જાણકારી મેળવી હતી. ખાસ કરીને તેને સૌરાષ્ટ્ર – કચ્છ, ઉત્તર ગુજરાત અને આદિવાસી વિસ્તારમાં જે અલગ અલગ લોકગીતો ગવાય છે તેના વિશે જાણવાનો ખૂબ રસ હતો. લોકગીતોના ઉદ્ભવ, તેની થિમ, ઢાળ, તાલ અને તેનાથી મળતા સામાજિક સંદેશ વિશે આલિયાએ સવાલો કરીને માહિતી મેળવી હતી. એક અમેરિકન યુવતી આપણા લોકસંગીતમાં આટલી ઊંડી રુચિ ધરાવે છે તેના પ્રત્યક્ષ અનુભવથી જ હું દંગ રહી ગયો હતો. આલિયા જ્યારે ગુજરાતી સાડી અને ભારતીય પોશાક પહેરે છે ત્યારે ઘડીભર તે ગુજરાતી જ લાગે છે. તે ગુજરાતી લોકસંગીતને અમેરિકન મ્યુઝિક સાથે જોડી લોકો સુધી પહોંચાડવા એક મિશનના રૃપમાં કામ કરી રહી છે.’
———————

Leave A Reply

Your email address will not be published.

Translate »