તમારા માટે, તમારી સાથે, સતત…

સત્યેન શાહનું અપહરણ થયું કે મર્ડર?

મિસ્ટર સત્યેન શાહ સામે એમણે કરેલા જાતીય શોષણના આક્ષેપો ખોટા છે.

0 336

સત્ – અસત્ (નવલકથા –  પ્રકરણઃ ૧૭)

સંગીતા-સુધીર

તૈમૂરના ધડાકાથી રહસ્ય વધુ ઘેરાયું

ગામદેવી પોલીસ સ્ટેશનમાં અચલાને જોઈને જાગૃતિને આશ્ચર્ય થાય છે. બીજા ક્રાઇમ રિપોર્ટરોની જેમ તેણે પણ પોલીસ ઇન્સ્પેક્ટરોને સાધી રાખ્યા હશે કે કેમ? તેમ વિચારી સિનિયર રિપોર્ટરની સામે મારું શું ગજું એવો અચલાને ટોણો મારી જાગૃતિ ત્યાંથી નીકળી જાય છે. અચલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટરને કેસ વિશે પૃચ્છા કરે છે. ફરિયાદ ખોટી હોઈ યુવતીએ જાતે જ પરત ખેંચી લીધી હોવાની ઇન્સ્પેક્ટરની વાતથી અચલાને આશ્ચર્ય થાય છે. આવી ગંભીર ફરિયાદમાં પોલીસના આ પ્રકારના વલણથી નારાજ અચલાને દાળમાં કાળંુ લાગતાં તે ઇન્સ્પેક્ટર શિંદે પાસે ફરિયાદ જોવા માગે છે. પ્રેસ કોન્ફરન્સ અગાઉ બનેલી ઘટનામાં મુંબઈથી સત્યેન શાહને લઈને ઉપડેલું પ્રાઇવેટ જેટ ઍરપોર્ટ પર લેન્ડ કરે છે. એક મર્સિડીઝ કાર પ્લેન પાસે આવીને ઊભી રહે છે. સત્યેન શાહ કારની પાછલી સીટમાં જઈને બેસે છે. ત્યાં બેઠેલી વ્યક્તિને જોઈને તે આશ્ચર્ય વ્યક્ત કરે છે. પોતે અચાનક નીકળી ગયા હોઈ બધાં તેમની ચિંતા કરી રહ્યા હશે તેવું સત્યેન શાહ કારમાં બેઠેલી વ્યક્તિને જણાવે છે. બીજી તરફ પોલીસ સ્ટેશન ડાયરી દેખાડવાની અનિચ્છા છતાં ઇન્સ્પેક્ટર શિંદે રિપોર્ટર અચલાને તે જોવા આપે છે. ફરિયાદ વાંચીને અચલાનાં ભવાં ચઢી જાય છે. સોળ વર્ષની કિશોરીએ પોતાના પર ગુજારવામાં આવેલા દુષ્કૃત્યની વિગતો તેમાં બયાન કરેલી હતી. તે કિશોરી ઉપર સાચે જ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો તેની અચલાને ખાતરી થાય છે. ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે આરોપીને બોલાવ્યો હતો, પરંતુ તે પહેલાં ફોજદારી કેસો લડવામાં અવ્વલ નંબરનો એનો વકીલ આવ્યો હતો. ત્યાર બાદ કિશોરીના તબીબી પરીક્ષણની વાત અટકી ગઈ હતી. પછી તેણે ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. જેથી અચલા આવી ગંભીર બાબતને હળવાશથી લેવા બદલ સવાલો ઉઠાવે છે. સામે ઇન્સ્પેક્ટર શિંદે વળતી દલીલો કરે છે. આથી ધૂંવાંપૂંવાં થઈને અચલા પોલીસ સ્ટેશનમાંથી નીકળી જાય છે. આખી વાત તેને સમજાઈ જાય છે. અચલાનો પુરુષો પ્રત્યેનો દ્વેષ વધુ ભભૂકી ઊઠે છે. જેમ સત્યેન શાહે પોતાની પોઝિશનનો ફાયદો ઉઠાવી પાંચ-પાંચ મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યાે તેમ જ આ કેસમાં પુરુષે સોળ વર્ષની કિશોરીનું શોષણ કર્યું છે. આ કેસમાં વધુ તપાસ કરવી નિરર્થક છે તેમ વિચારી અચલા સત્યેન શાહને શોધી કાઢી તેને સજા અપાવવાનો નિર્ધાર કરે છે. આ તરફ પોલીસ સ્ટેશનમાંથી નીકળેલી જાગૃતિ સીધી અટલના ઘેર પહોંચી કિશોરીના કેસમાં શું બન્યું હશે તેનાથી તેને માહિતગાર કરે છે. જાગૃતિ અટલને સત્યેન શાહના ગુમ થવા પાછળના રહસ્ય વિશે પૂછે છે. આપણે બંનેએ સાથે મળીને તે રહસ્ય શોધવાનું છે તેવા અટલના જવાબથી જાગૃતિ મલકી ઊઠે છે. અટલ તેને સમજાવે છે કે આપણે બંનેએ એકબીજાના પ્રતિસ્પર્ધી બનીને કેસ ઉકેલવાનો છે. દરમિયાન તૈમૂર સાથેની વાતચીતમાં આરજે સત્યેન શાહની ટાઢા પાણીએ ખસ ગઈ તે બદલ ખુશી વ્યક્ત કરે છે. સત્યેન શાહનું પોતે અપહરણ કે મર્ડર નથી કરાવ્યું તેવા તૈમૂરના ખુલાસાથી રહસ્ય વધુ ઘેરું બને છે. બંનેની વાતચીતમાં સત્યેન શાહ વિરુદ્ધ ચાર મહિલાઓ પાસે ખોટા આક્ષેપો કરાવનારો તૈમૂર હતો તે બાબત સ્પષ્ટ થાય છે, પરંતુ આક્ષેપો કરનારી પાંચમી મહિલા સાચી છે કે ખોટી તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. સત્યેન શાહ જીવતો હશે તો તેમના કરતૂતો બહાર પાડવા જ ગુમ થયો હશે તેમ વિચારી તૈમૂર અને આરજે સાવધ થઈ જાય છે.

હવે આગળ વાંચો…

ઍપૉઇન્ટમૅન્ટ લઈને જાગૃતિ ‘મિસિસ ઇન્ડિયા’ કૉન્ટેસ્ટના વિજેતા મિસિસ મયૂરી મહેશકુમારના ઘરે એમનો ઇન્ટરવ્યૂ લેવા ગઈ ત્યારે મયૂરીએ એને જણાવ્યું.

‘મિસ જાગૃતિ, મને તમને ઇન્ટરવ્યૂ આપવામાં કંઈ વાંધો નથી, પણ સત્યેન શાહે મારા ઉપર જે બળાત્કાર કર્યો હતો એ વાત મેં વારંવાર અનેક રિપોર્ટરોને કરી છે. મુંબઈના નહીં, ભારતના નહીં, પણ વિશ્વનાં મોટા ભાગનાં અખબારો અને મૅગેઝિનોમાં એ છપાઈ છે. હવે એમાં વધુ કંઈ કહેવાનું રહેતું નથી. આમ છતાં તમારે મારો એ જ વિષય ઉપર ઇન્ટરવ્યૂ કરવો હોય તો મને કંઈ જ વાંધો નથી.’ મયૂરીને અન્ય સ્ત્રીઓની જેમ જ પ્રસિદ્ધિ પ્રિય હતી.

‘મને ખબર છે સ્ત્રીઓ માટેના મૅગેઝિન ‘ગજગામિની’ના રિપોર્ટર ધર્મેશ પંડ્યાએ તમારો ડિટેલ્ડ ઇન્ટરવ્યૂ કર્યો છે. મેં એ વાંચ્યો છે. બીજા રિપોર્ટરોએ કરેલા તમારા ઇન્ટરવ્યૂ પણ મેં વાંચ્યા છે, પણ આજે હું તમને સિક્કાની બીજી બાજુ ઉપર પ્રકાશ પાડવાનું કહું છું.’ જાગૃતિએ જવાબ આપતાં ખુલાસો કર્યો.

‘બીજી કઈ બાજુ?’ આશ્ચર્ય પામી મયૂરીએ પ્રશ્ન કર્યો.

‘જુઓ, પચ્ચીસ વર્ષ પહેલાં સત્યેન શાહે તમારું જે જાતીય શોષણ કર્યું હતું એ વિશે તમે ખૂબ જ ઊંડાણપૂર્વક અને રજેરજની માહિતી આપી. જાણે કે એ બીના હજુ આજે જ બની હોય. તમારી યાદશક્તિ માટે આથી મને માન થાય છે, પણ એક રિપોર્ટર તરીકે મારે એ ચકાસવી છે. એટલે તમને તમારા જીવનમાં છેલ્લાં પચ્ચીસ વર્ષ અને એની પહેલાં અને પછી જે બનાવો બન્યા એ આ જ પ્રમાણે યાદ છે કે નહીં એ વિશે હું થોડી પૂછપરછ કરવા ઇચ્છું છું.’

‘એટલે તમે મારી ઊલટતપાસ લેવા માગો છો? મેં જે કહ્યું હતું એ સાચું નહોતું એવું તમે માનો છો?’ જાગૃતિનો ખુલાસો સાંભળતાં મયૂરીનું મગજ ફરી ગયું.

‘નો, નો, મિસિસ મયૂરી, તમારી ગેરસમજ થાય છે. તમારી વાત સાચી છે એની મને સોએ સો ટકા ખાતરી છે, પણ સત્યેન શાહના ઍડ્વોકેટો તમારી ઊલટતપાસ લેશે ત્યારે તેઓ તમને મેં જે પ્રશ્ન કર્યો એવો જ પ્રશ્ન કરશે. તમે એ પ્રશ્નનો બરાબર ઉત્તર આપી શકો એ માટે હું તમને તૈયાર કરવા માગું છું.’ જાગૃતિએ ફોડ પાડ્યો.

‘હં… હં… પણ સત્યેન શાહના ઍડ્વોકેટો મારી ઊલટતપાસ શું કામ લે? હું એમને મારી ઊલટતપાસ લેવા જ શું કામ દઉં?’

‘કારણ કે તમારી સામે બદનક્ષીની ફરિયાદ થશે, પછી કોર્ટમાં કેસ થશે. એ સમયે પોલીસ ઇન્સ્પેક્ટર તમારી યાદશક્તિ ચકાસવા તમારા જીવનમાં પચ્ચીસ વર્ષ પહેલાં બનેલી ઘટનાઓ વિશે પૂછશે. એ પછી ક્રિમિનલ કોર્ટના મૅજિસ્ટ્રેટ તમારી પૂછપરછ કરશે. સત્યેન શાહના ઍડ્વોકેટ આ બાબતમાં તમારી ઊલટતપાસ કરશે.’

‘તમે મને ખોટેખોટી ગભરાવો નહીં. સત્યેન શાહ પોતે ભાગી ગયા છે. મારી સામે ફરિયાદ કોણ કરશે? કેસ કોણ કરશે?’

‘તમારી વાત સાચી છે મિસિસ મયૂરી, પણ અખબારના લિગલ ઍડ્વાઇઝર જોડે આ બાબતમાં વાતચીત કરતાં મને એવું જાણવા મળ્યું છે કે સત્યેન શાહનાં ધર્મપત્ની, એમનો દીકરો, એમના પિતા, એમની કંપની જેના તેઓ પ્રેસિડન્ટ અને મૅનેજિંગ ડિરેક્ટર છે, આ લોકો તમારી સામે આવી ફરિયાદ અને કેસ કરી શકે છે.’

‘વ્હૉટ નૉનસેન્સ! તમને જે આ બધી વાતો કહેવામાં આવી છે એ વાહિયાત છે. સૌથી પહેલાં તો મેં જે કહ્યું છે એ સાચું છે. ખોટું હોત તો સત્યેન શાહ તુરંત જ એનો વિરોધ કરત. એમણે તો રિપોર્ટરોને નો કમેન્ટ્સ, નો કમેન્ટ્સ કહીને દિવસો સુધી મળવાની ના પાડી. આખરે પ્રેસ કૉન્ફરન્સ બોલાવવાની ફરજ પડી ત્યારે ભાગી ગયા.’

‘મિસિસ મયૂરી, સત્યેન શાહને પ્રેસ કૉન્ફરન્સ બોલાવવાની ફરજ પડી હતી એવું તમને કોણે કહ્યું?’

‘કોઈએ કહેવાની જરૃર નથી. દિવસો સુધી રિપોર્ટરોએ એમને મળવાનો પ્રયત્ન કર્યો, પણ એમણે એ બધાને ટાળ્યા એટલે એમની કંપનીના ડિરેક્ટરોએ જ એમને ફરજ પાડી હશે. તેઓ જય જનતા પાર્ટીના ટ્રેઝરર છે. એ પાર્ટીએ એમને દબાણ કર્યું હશે. નાછૂટકે એમને પ્રેસ કૉન્ફરન્સ બોલાવવી પડી હશે. પછી એ ગભરાયા હશે. એટલે ભાગી ગયા.’

‘મિસિસ મયૂરી, અખબારી આલમમાં તો એવી વાતો થાય છે કે સત્યેન શાહ નિર્દોષ છે. એમની સામે કરવામાં આવેલા આક્ષેપો સદંતર જુઠ્ઠા છે. પ્રેસ કૉન્ફરન્સમાં તેઓ પુરાવાઓ સહિત જુઠ્ઠાણુ બહાર પાડવાના હતા. આથી તમે સત્યેન શાહને ગુમ કરી દીધા.’

‘વ્હૉટ!’ મયૂરી તાડૂકી ઊઠી.

‘ના, ના, મિસિસ મયૂરી, તમે આમ ગુસ્સો ન કરો. શંકા ફક્ત તમારા ઉપર જ નથી, બાકીની ચાર સ્ત્રીઓ, જેઓ તમારી સાથે જોડાઈ છે એમના પ્રત્યે પણ આવી જ શંકા સેવાઈ રહી છે.’

‘મિસ જાગૃતિ, મેં તો આવું કંઈ સાંભળ્યું નથી.’

‘તમને આ બધી વાતો ક્યાંથી સાંભળવા મળે? હું રિપોર્ટર છું એટલે મને આવા બધા સમાચારો મળતા રહે છે.’

‘તમને બીજા શું સમાચાર મળ્યા છે?’

હવે મયૂરી થોડી ગભરાયેલી લાગતી હતી એને વિચાર આવ્યો. ‘મયંકે તો સત્યેન શાહને ગુમ નહીં કર્યો હોય ને? એનું ભલું પૂછવું? મેં એને આડુંઅવળું કંઈ પણ પગલું ભરવાની ના પાડી હતી, પણ એનો સ્વભાવ જ ઉગ્ર છે. નક્કી મયંકે કંઈક કર્યું લાગે છે? નહીં તો આમ સત્યેન શાહ ગુમ થઈ જાય? એ ક્યાં ગયો છે? એનું શું થયું છે? એની કંઈ ભાળ જ ન મળે? આ શક્ય જ નથી.’

મયૂરીને ચિંતામાં પડેલી જોતાં જાગૃતિ મનોમન રાજી થઈ. ‘મારી સોગઠી બરાબર વાગી છે. હવે એને વધુ ભીંસમાં લેવી જોઈએ.’

‘મિસિસ મયૂરી, તમે ખોટું નહીં લગાડતાં, પણ આ બધું હું તમને સાવધ કરવા કહું છું.’

‘સાવધ કરવા? મારે સાવધ રહેવાની શું જરૃર છે? મેં જે કહ્યું છે એ બધું સાચું જ છે.’ ઊંચા અવાજે એકી શ્વાસે મયૂરી બોલી.

‘જે લોકો ખોટા હોય તેઓ હંમેશાં બરાડા પાડતા હોય છે.’ કશેક સાંભળેલ રૃઢિપ્રયોગ જાગૃતિને યાદ આવી ગયો. એક વધુ મમરો મૂકતાં એણે વાત આગળ ચલાવી.

‘મિસિસ મયૂરી, તમારા હસબન્ડ મિસ્ટર મહેશકુમાર બિઝનેસમાં સત્યેન શાહના પ્રતિસ્પર્ધી હતા, ખરું ને?’

‘એટલે? એમના ઘણા બિઝનેસ છે. એકાદમાં એ સત્યેન શાહના કૉમ્પિટિટર હોઈ શકે, પણ એનું શું છે?’

‘નહીં, નહીં, એનું કંઈ નથી. આ તો રિપોર્ટરોમાં જે ચર્ચાઓ થાય છે, જે તર્ક-વિતર્ક રિપોર્ટરો કરે છે એ તમને કહું છું.’

‘તમે રિપોર્ટરો શું ચર્ચા કરો છો? કેવા તર્ક-વિતર્ક કરો છો?’

‘મિસિસ મયૂરી, હું તમને એ જ કહીને સતર્ક કરવા આવી છું. ચેતવવા આવી છું.’

‘મારે શેના માટે સતર્ક રહેવું પડે? તમે મને શું ચેતવણી આપવા માગો છો?’ હવે મયૂરી થોડી વધુ ગભરાઈ.

‘જુઓ મિસિસ મયૂરી, તમારા હસબન્ડ બિઝનેસમાં સત્યેન શાહના પ્રતિસ્પર્ધી છે. એ વાતની તમારાથી ના પડાય એમ છે જ નહીં. તેઓ રૃલિંગ પાર્ટીના છે. આગામી ઇલેક્શનમાં કૉન્ટેસ્ટ કરવાના છે. તમારો ભાઈ મયંક પણ પોલિટિક્સમાં રૃલિંગ પાર્ટીમાં જ છે. એ પણ ઇલેક્શન કૉન્ટેસ્ટ કરવાનો છે.’

‘હા, તો એનું શું છે?’

‘એનું કંઈ નથી, મિસિસ મયૂરી. લોકો એવી વાતો કરે છે કે સત્યેન શાહ બિઝનેસ રાઇવલ છે, પોલિટિક્સમાં સામેની પાર્ટીમાં છે, એટલે સાળા-બનેવીએ ભેગા મળીને તમારી આગળ એમના ઉપર જાતીય શોષણનો ગંભીર ખોટો આક્ષેપ કરાવ્યો છે.’

જાગૃતિનું કહેવું સાંભળી મયૂરી ધ્રૂજી ઊઠી. એને લાગ્યું કે બૉક્સિંગ ચૅમ્પિયન મહમ્મદ અલીએ એના મોઢા ઉપર એક મુક્કો માર્યો છે. રેસલિંગ ચૅમ્પિયન દારાસિંગે એને ઊંચકીને પછાડી છે. આ બંને સ્ત્રીઓ મયૂરીના દીવાનખાનામાં ઊભાં ઊભાં વાતો કરતી હતી. જાગૃતિનું કહેવું સાંભળી મયૂરી એનું સમતોલપણુ ખોઈ બેઠી અને સોફામાં પડી.

‘શું થયું? મિસિસ મયૂરી, તમે આમ ગભરાઈ કેમ ગયાં?’ જાગૃતિ મયૂરીની બાજુમાં સોફા ઉપર બેસી ગઈ. હાથમાં પકડેલા રાઇટિંગ પૅડનો એણે પંખા તરીકે ઉપયોગ કર્યો અને બૂમ પાડીઃ ‘કોઈ છે? મયૂરીબેનને ચક્કર આવી ગયાં છે. જલદી પાણી લાવો.’

મયૂરીનો નોકર દોડતો દોડતો પાણીનો ગ્લાસ લઈ આવ્યો. એ પોતાના હાથમાં લઈ જાગૃતિએ મયૂરીને પાણી પીવડાવ્યું. થોડીવાર થઈ અને મયૂરીને કળ વળી. એ કંઈ બોલવા જાય એ પહેલાં જ નોકરે પૂછ્યુંઃ

‘મૅડમ, ડૉક્ટરને બોલાવું? સાહેબને ફોન કરું?’

‘ના, ના, એવી કંઈ જરૃર નથી. તું જા.’

નોકરની ખસવાની ઇચ્છા નહોતી. કમને એ અંદર ગયો.

‘મિસિસ મયૂરી, તમે આટલી બધી ફિકર શા માટે કરો છો? તમે તો સાવ સાચાં છો. આ બધું હું તો તમને સાવચેતી માટે જણાવતી હતી. તમારે ગભરાવાની જરૃર નથી.’

‘હં…’ મયૂરીમાં હજુ બોલવાના હોશકોશ નહોતા. એ ખૂબ જ ગભરાઈ ગઈ હતી. એને એવું જ લાગ્યું હતું કે એના ભાઈએ જ સત્યેન શાહને ગુમ કર્યો હશે. કદાચ મહેશે પણ એના માણસો આગળ સત્યેન શાહને ગુમ કરાવ્યો હોય. પતિનાં કામોથી મયૂરી વાકેફ તો હતી જ. ગભરાટ મયૂરીના મુખ ઉપર ચોખ્ખો દેખાતો હતો.

‘જુઓ, તમે હમણા અસ્વસ્થ છો. હું આવતીકાલે તમને મળવા આવીશ.’

‘ના, ના, હું ઓકે છું. મારા વર વિશે, મારા ભાઈ વિશે લોકો શું વાત કરે છે? રિપોર્ટરો કેવા તર્ક-વિતર્ક કરે છે? મને જણાવ.’

‘અરે અમે રિપોર્ટરો તો પાણીમાંથી પોરા કાઢીએ. કોઈકે વાત વહેતી મૂકી કે તમારા હસબન્ડ બિઝનેસમાં સત્યેન શાહના રાઇવલ છે. બસ, એટલે અટકળો શરૃ થઈ ગઈ કે એમણે જ તમને ખોટા આક્ષેપો કરવા ચઢાવ્યા હશે. કોઈ એક બીજા રિપોર્ટરે વળી એવું જાહેર કર્યું કે તમારા હસબન્ડ સત્યેન શાહની વિરુદ્ધની પોલિટિકલ પાર્ટીમાં છે અને હવે ઇલેક્શનમાં ઉમેદવારી નોંધાવવાના છે. એટલે બધા ભળતી જ વાતો કરવા માંડ્યા. એમાં કોઈએ કહ્યું કે તમારો ભાઈ પણ પોલિટિક્સમાં છે. એ પણ સત્યેન શાહની વિરુદ્ધની પાર્ટીમાં છે અને ઇલેક્શન લડવાનો છે. એટલે બધા કહેવા લાગ્યા કે નક્કી સાળા-બનેવીએ ભેગા મળીને તમને સત્યેન શાહ સામે ખોટા આક્ષેપો કરવાનું જણાવ્યું હશે. સત્યેન શાહ એ આક્ષેપો ખોટા છે એવું જણાવવાનો હતો ત્યારે એમણે એનું કાટલું કાઢી નાખ્યું હશે.’

‘મારો ભાઈ કે મારા હસબન્ડ આવું કરે જ નહીં.’ મયૂરીનો અવાજ ઝીણો હતો. એ જે બોલી એમાં એને પોતાને જ વિશ્વાસ નહોતો એવું એના અવાજ ઉપરથી જણાતું હતું.

‘હા, હા, તમારી વાત સાચી છે. મિસ્ટર મહેશકુમાર જેન્ટલમૅન છે અને તમારો ભાઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. રિપોર્ટરો તો ગમે તેમ બોલ્યા કરે. તમે મન પર નહીં લેતાં. હવે હું જાઉં છું. મેં કહેલી વાતો સિરિયસલી ન લેતાં, પણ એના પર વિચાર જરૃર કરજો. હું તમને કાલે પાછી મળીશ. તમારી ઊલટતપાસ લેવામાં આવે તો તમે શું બોલશો એ જાણીને હું તમારે શું બોલવું એ વિશે તમને યોગ્ય સલાહ આપીશ. હું એક રિપોર્ટર ઉપરાંત કાયદાની સ્નાતક પણ છું. તમારી ઊલટતપાસ લેવાય એ પહેલાં જ એને લગતા બધા ખુલાસાઓ આપતો એક રિપોર્ટ હું મારા પેપરમાં છપાવી દઈશ.’

બ્લો હોટ, બ્લો ક્લોડ. એક જ સમયે મયૂરીના હસબન્ડ અને ભાઈની સામે ગંભીર આરોપ મૂકી એ ખોટી છે, એણે સત્યેન શાહ સામે કરેલા આક્ષેપો જુઠ્ઠા છે એવું જણાવીને જાગૃતિએ તમે તો સાચાં છો, તમારા પતિ ખોટું કામ કરે એવા નથી, તમારો ભાઈ પ્રતિષ્ઠિત નાગરિક છે એવું જણાવીને બંને બાજુએ ઢોલકી વગાડી.

* * *

‘સર, હવે તમે આગળ વધી શકો છો. મેં મારી સોગઠી બરાબર મારી છે.’

‘એમ? એટલે આપણુ પહેલું તીર નિશાન પર વાગ્યું છે.’

‘હા, હવે તમે બીજું તીર છોડો.’

‘પણ કહે તો ખરી આપણી ચાલની અસર કેવી થઈ?’

Related Posts
1 of 34

‘અટલ સર, ધાર્યા કરતાં વધારે થઈ. મિસિસ મયૂરીને મૂર્છા આવી ગઈ હતી.’

‘વ્હૉટ? એટલે આપણી ધારણા સાચી છે ને?’

‘હન્ડ્રેડ પરસેન્ટ. એમની સાથે વાતચીત કરતાં મને ખાતરી થઈ ગઈ છે કે મિસ્ટર સત્યેન શાહ સામે એમણે કરેલા જાતીય શોષણના આક્ષેપો ખોટા છે. તમે પણ સર, એમના હસબન્ડ અને મિસ્ટર સત્યેનનું કનેક્શન અને એમના ભાઈને પણ બરોબર વચ્ચે લાવ્યા. આ બધી જાણ તમને કેવી રીતે થઈ?’

‘જાગૃતિ, આપણે રિપોર્ટર છીએ એ તું કેમ ભૂલી જાય છે? દુનિયા આખીની આપણે ખણખોદ કરીએ છીએ. પંચાત એ આપણો ધર્મ છે. પંચાત કરવામાંથી જ આપણને આવી બધી બાતમીઓ મળે છે. પણ ચાલ, તારા ડોઝની અસર ઓસરી જાય એ પહેલાં હવે હું મિસિસ મયૂરીને મારો ડોઝ આપું છું.’ આમ બોલીને અટલે એનો મોબાઇલ કટ કર્યો. પછી તરત જ એણે મયૂરીને મોબાઇલ લગાડ્યો. પાંચ-છ રિંગ પછી મયૂરીએ ફોન રિસીવ કર્યો.

‘હલ્લો, મિસિસ મયૂરી મહેતા, હું રિપોર્ટર અટલ વાત કરું છું.’

‘આજે થવા શું બેઠું છે? એકાએક રિપોર્ટરોને ફરી પાછો મારામાં કેમ રસ જાગ્યો છે?’ મયૂરીથી બોલી જવાયું.

‘સૉરી મૅડમ, શું બીજા કોઈ રિપોર્ટરે મારી પહેલાં તમારો સંપર્ક કર્યો હતો?’

‘હા, પણ તમારે શું કામ છે?’

‘જુઓ મૅડમ, મિસ્ટર સત્યેન શાહના ગુમ થવા પાછળનું કારણ તમે જ છો એવું એમની કંપની માને છે આથી એમણે મને આ બાબત ઈન્વેસ્ટિગેટ કરવા માટે સોંપી છે.’ અટલે એક ગપગોળો ફેંક્યો.

‘સત્યેન શાહના ગુમ થવા પાછળનું કારણ હું છું? વ્હૉટ નૉનસેન્સ!’

‘મિસિસ મયૂરી, એટલું જ નહીં, પણ તમે એમની સામે જે આક્ષેપ કર્યો છે એ સદંતર જુઠ્ઠો અને અંગત કારણોસર કર્યો છે. મને તમારા જુઠાણાનો પર્દાફાશ કરવા માટે રોકવામાં આવ્યો છે.’

‘અને મારી વિરુદ્ધ કામ કરવા માટે તમે મને જ ફોન કર્યો? વાહ! તમારી હિંમતને દાદ દેવી પડે!’

‘જુઓ, તમે જે આક્ષેપ કર્યો છે એ ખોટો છે એ તમે જ કહી શકો. સત્યેન શાહ કેમ ગુમ થઈ ગયા છે એ પણ તમે જ જણાવી શકો.’

‘મિસ્ટર, તમારું કંઈ ચસ્કી નથી ગયું ને? મારી સામે આવો આક્ષેપ કરવાની તમારામાં હિંમત કઈ રીતે આવી?’

‘એ બધું હું તમને રૃબરૃમાં મળીશ એટલે જણાવીશ. મારે સત્ય બહાર લાવવાનું છે અને તમારા મોઢેથી જ એ કબૂલ કરાવવાનું છે કે તમે કરેલ આક્ષેપ ખોટો હતો. હું તમને હમણા મળવા માગું છું.’

‘હમણા નહીં અને ક્યારેય નહીં.’ મયૂરીએ મોબાઇલ કટ કરતાં ગુસ્સામાં કહ્યું, પણ ફોન કટ કર્યા બાદ એને ખૂબ જ ફિકર થવા લાગી. આ રિપોર્ટરોને આવી બધી બાતમીઓ ક્યાંથી મળે છે? પેલી મારો પક્ષ લઈને આ બધી બાતમીઓ કહેતી હતી. આ રિપોર્ટર મારી અગેન્સ્ટમાં આ બધી બાતમીઓ જણાવતો હતો. જો ખરેખર મારી ઊલટતપાસ પોલીસ, મૅજિસ્ટ્રેટ કે સત્યેનનો ઍડ્વોકેટ લેશે તો પચ્ચીસ વર્ષ પહેલાંની વાતને સાચી ઠેરવવા હું પુરાવાઓ ક્યાંથી લાવીશ? ગભરાટમાં ‘ને ગભરાટમાં મયૂરી હજુ સુધી જે વાત એના ભાઈને કે પતિને કહી નહોતી એ હવે કહેવી કે નહીં એ વિચારવા લાગી. એટલામાં જ એનો મોબાઇલ ફરી રણક્યો.

કોઈ અજાણ્યો નંબર હતો. ‘આ પણ કોઈ રિપોર્ટર ન હોય તો સારું’ એવું વિચારતાં એણે ફોન રિસીવ કર્યો.

‘ઓહ હલ્લો, મિસિસ મયૂરી મહેતા?’

‘યસ… હું મિસિસ મયૂરી મહેતા બોલું છું. આપ કોણ છો? રિપોર્ટર નથી ને?’ મયૂરીથી પુછાઈ ગયું.

‘અરે, આપને કેવી રીતે ખબર પડી કે હું રિપોર્ટર છું. હું જર્નાલિઝમના ફીલ્ડમાં નંબર વન મહિલા રિપોર્ટર છું. મારું નામ અચલા છે. તમે મિસ્ટર સત્યેન શાહ ઉપર કરેલ આક્ષેપ ખોટો છે એવું પુરવાર કરવાની ઝુંબેશ ચાલી રહી છે.’

‘આ તમે રિપોર્ટરોએ માંડ્યું શું છે? હું દસ રિપોર્ટરોને મારી આપવીતી જણાવી ચૂકી છું. સત્યેન શાહે એકેનો વિરોધ નથી કર્યો. ઊલટાનું તેઓ નાસી ગયા છે અને આજે સવારથી તમે રિપોર્ટરો ‘હું જુઠ્ઠી છું… હું જુઠ્ઠી છું’ એવું કહેવા માંડ્યા છો.’

‘મિસિસ મયૂરી, હું તમને ‘તમે જુઠ્ઠાં છો’ એવું નથી કહેતી. ઊલટાનું મને તો લાગે છે કે તમે અને બીજી સ્ત્રીઓએ સત્યેન શાહ સામે કરેલા આક્ષેપો સાચા છે એટલે જ તેઓ ભાગી ગયા છે.’

‘એ જે હોય તે, તમે મને શા માટે ફોન કર્યો છે?’

‘મારે તમે સાચાં છો એ પુરવાર કરવા તમારી આગળથી થોડી જાણકારી મેળવવી છે. શું હું તમને મળવા આવી શકું છું?’

‘નો, હું સાચી છું એ પુરવાર કરવા માટે મારે કોઈ રિપોર્ટરની મદદની જરૃર નથી. મારે હવે કોઈ રિપોર્ટરને મળવું નથી.’ મયૂરીએ કંટાળીને ધૂંવાંપૂવાં થતાં અચલાને મળવાની સાફ ના પાડી. આમ છતાં એને લાગ્યું કે હવે સમય આવી ગયો છે કે અત્યાર સુધી એના ભાઈ અને પતિથી જે વાત છુપાવી હતી એ વાત હવે એણે એમને જણાવી દેવી જોઈએ.

* * *

અચલા વિચારમાં પડી ગઈ. હું તો મિસિસ મયૂરીના પક્ષમાં છું. એમને હેલ્પ કરવા માગું છું. તેમ છતાં એમણે મને મળવાની ના શા માટે પાડી? અને મારી પહેલાં કયા કયા રિપોર્ટરો એમને મળ્યા હતા? નક્કી એ અટલ જ હશે.

* * *

જાગૃતિ મયૂરીના ઘરેથી નીકળીને અભિનેત્રી મહેક મોમિનના ઘરે પહોંચી.

પ્રોડ્યુસર તેજાની પણ ત્યાં હતા. મહેક જોડે થોડીક ઔપચારિક વાતો કર્યા પછી અચાનક જ જાગૃતિએ તેજાનીને પૂછ્યું ઃ

‘સર, તમારી મિસ મહેક જોડે પહેલી મુલાકાત ૨૦ વર્ષ પહેલાં જ થઈ હતી ને?’

એકદમ પૂછવામાં આવેલ સવાલ સાંભળીને તેજાની ચોંકી ગયો.

‘હા, યસ, હા, મારી મહેક જોડે ઓળખાણ આજથી લગભગ વીસેક વર્ષ પહેલાં જ થઈ હતી, પણ તમે મને આવું શા માટે પૂછો છો?’

‘અમસ્તા જ. અમારા રિપોર્ટરના સર્કલમાં તમારા વિશે થોડી આડીઅવળી વાતો થાય છે એટલે.’

‘વ્હૉટ ડુ યુ મીન આડીઅવળી વાતો? મારા વિશે રિપોર્ટરના સર્કલમાં શું વાત થાય છે?’

‘સર, એ વાતો સાંભળીને જ હું મિસ મહેક પાસે આવી છું. મારે એમને ચેતવવા છે.’

‘ચેતવવા છે? શા માટે? મહેકે એવું શું કર્યું છે? એણે સત્યેન શાહ સામે જે આક્ષેપ કર્યો છે એ સાચો છે.’ ગુસ્સે થઈને તેજાની મોટેથી બોલ્યા.

જાગૃતિને ફરીથી ‘જે લોકો ખોટા હોય તેઓ હંમેશાં બરાડા પાડતા હોય છે’ એ રૃઢિપ્રયોગ યાદ આવી ગયો.

‘સર, રિપોર્ટરો એવી વાત કરે છે કે સત્યેન શાહે બે વર્ષ પહેલાં તમારી એક ફિલ્મ માટે સો કરોડનું ફાઇનાન્સ કર્યું હતું. એ ફિલ્મ ડબ્બામાં ગઈ છે એવું જણાવીને તમે સત્યેન શાહનું ફાઇનાન્સ રિટર્ન નથી કર્યું. હકીકતમાં તમારી એ ફિલ્મે ઓવરસીસમાં ખૂબ જ સારો બિઝનેસ કર્યો છે. સત્યેન શાહને આ વાતની જાણ થઈ ગઈ આથી એ તમારા ઉપર કેસ કરવાનો વિચાર કરી રહ્યા હતા એટલે તમે મિસ મહેક પાસે એમની વિરુદ્ધ રેપના ખોટા આક્ષેપો કરાવ્યા છે.’

‘હમ્બગ, સાવ જુઠ્ઠી વાત છે. મારી એ ફિલ્મ ફ્લોપ ગઈ છે. હું સાવ સાફ થઈ ગયો છું. સત્યેન શાહ એ બરાબર જાણે છે. તેમ છતાં એ મારી પાસે એનું ફાઇનાન્સ અને એની ઉપર પચ્ચીસ ટકા વ્યાજ માગે છે. એ મારા ઘરબાર વેચાવીને મને રસ્તા પર લાવી દેવા માગે છે.’

‘અને એટલે જ તમે મિસ મહેક પાસે એમની વિરુદ્ધ જાતીય શોષણના ખોટા આક્ષેપો કરાવ્યા છે.’

‘સાવ ખોટી વાત. એ સત્યેન શાહે એના બચાવમાં આવું ખોટું કહ્યું હશે.’ ગુસ્સાથી લાલચોળ થઈ જતાં તેજાનીએ કહ્યું.

‘લોકો તો એમ પણ કહે છે કે મિસ મહેકે કરેલા એમની ઉપરના આક્ષેપો પાછળ તમારો હાથ છે એવું પ્રેસ કૉન્ફરન્સમાં સત્યેન શાહ પુરાવા સહિત જણાવવાના હતા એટલે તમે એમનું અપહરણ કરાવ્યું છે.’

‘વ્હૉટ?!’

કોઈ કોઈ તો એમ પણ કહે છે કે ઇન્ડસ્ટ્રીના ગુંડાઓ આગળ તમે સત્યેન શાહનું મર્ડર કરાવ્યું છે.’

તેજાની હવે ખૂબ ગભરાયો. રિપોર્ટરોના સર્કલમાં જો આવી વાત થતી હોય તો એણે ઇન્ડસ્ટ્રીના મવાલીને સત્યેન શાહને ખોખરો કરવા જે સોપારી આપી હતી એ વાત જરૃરથી કોઈ જાણી ગયું હશે.

‘મિસ્ટર તેજાની, તમે આમ ગભરાઓ નહીં. મને ખબર છે કે આ બધી અફવાઓ છે. એન્ડ આઈ ઍમ શ્યૉર કે મિસ મહેકે સત્યેન શાહ સામે જે આક્ષેપ કર્યો છે એ સાચો જ છે. હું આજે મિસ મહેકને મળવા ખાસ એટલા માટે આવી છું કે મને જાણ થઈ છે કે તમારા બંનેની સામે કાયદાકીય પગલાં લેવામાં આવનાર છે.’ ‘તમને અમારા માટે આટલી લાગણી કેમ ઊભરાઈ આવી છે?’ તેજાનીને જાગૃતિના વર્તન બદલ શંકા આવી. ‘તમે તો અમને ઓળખતાં પણ નથી. અમારા પ્રત્યે આવી કૂણી લાગણી શા માટે?’

‘તમને કોણ નથી ઓળખતું? હું એક સત્યનિષ્ઠ રિપોર્ટર છું. સત્યનું પડખું સેવું છું.’ હળાહળ જુઠ્ઠું બોલતાં જાગૃતિએ કહ્યુંઃ ‘તમારી વિરુદ્ધ ખોટા કેસો ઘડાય અને પેલો બળાત્કારી નાસી જઈને છૂટી જાય એ મને મંજૂર નથી. પાંચ પાંચ સ્ત્રીઓનું જાતીય શોષણ કરનાર એ હવસખોર ઇન્સાનને મારે સજા અપાવવી છે. હું મિસ મહેક પાસે એટલે આવી છું. જુઓ, મારે મિસ મહેકને થોડા સવાલો પૂછવા છે. એ સવાલો પૂછીને હું એમને એમની સામે જો કોઈ આક્ષેપો કરે, એમની ઊલટતપાસ લે તો સજ્જ કરવા માગું છું.’ એક રણચંડીની જેમ જાગૃતિએ તેજાનીને મિની લેક્ચર આપી પ્રભાવિત કરી નાખ્યો, સાથે સાથે એને ગભરાવી પણ નાખ્યો.

‘હા, હા, પૂછો પૂછો. મહેક, મિસ

જાગૃતિનું કહેવું સાચું છે. આપણે ભલે સાચાં હોઈએ, પણ કોઈ વાર આપણે એ પુરવાર પણ કરવું પડે એટલે એ માટે તૈયારી કરી રાખવી સારી.’ આવું કહેતાં કહેતાં તેજાનીએ મનમાં ને મનમાં નક્કી કરી નાખ્યું કે વહેલી તકે એ એની ઇન્ડસ્ટ્રીના પેલા મવાલીને પૂછશે કે એણે સત્યેન શાહનું કર્યું શું છે?

લગભગ બે કલાક અભિનેત્રી મહેક અને પ્રોડ્યુસર તેજાનીએ જણાવેલ વીસ વર્ષ પહેલાંની ઘટના વિશે અનેક સવાલો કરીને જાગૃતિએ યુક્તિપૂર્વક એ બંનેની વિરુદ્ધના અનેક પુરાવાઓ મેળવી લીધા.

સુઝન સેલવમ અને રમણી લચ્છુ અદનાનીની પણ એ ચાલાક રિપોર્ટર એ જ દિવસે મુલાકાત લેવા ઇચ્છતી હતી, પણ સુઝન કોઈ સ્વિમિંગ કૉમ્પિટિશનની જજ હતી અને રમણી સિંધી ઍસોસિયેશનની મીટિંગમાં હતી આથી એ દિવસે તેઓ મળી શકે એમ નહોતાં. હવે જે સ્ત્રી જાતે જ કામોત્તેજક નવલકથાઓ લખવા માટે પંકાયેલી હતી એ સ્ત્રીએ એના પોતાના જાતીય શોષણની જે વાત કરી હતી એ આક્ષેપ પણ ખોટો છે એ જાણવા જાગૃતિએ રંજના સેનને મળવા ચાહ્યું.

‘સૉરી, અમારાં મૅડમ હમણા ડિપ્રેશનમાં છે. તમને એ વાતની જાણ હશે જ કે એમના શૌહર અલ્તાફ અકબરીએ એમને વગર કારણે ડિવૉર્સ આપ્યા છે. મૅડમ આપઘાત કરવાની પરિસ્થિતિએ પહોંચી ગયાં હતાં. તમે થોડા દિવસ એમને ન મળો તો સારું.’

‘મારે એમને ફક્ત બે-ચાર સવાલ જ કરવા છે. એમણે સત્યેન શાહ સામે જે જાતીય શોષણના આક્ષેપો કર્યા છે એ વિશે થોડીક જાણકારી મેળવવી છે. એ આક્ષેપ એમણે ડિવૉર્સ મળ્યાને બીજા દિવસે જ કર્યો હતો.’

‘હા, હા, મને ખબર છે. આઈ મસ્ટ ટેલ યુ, હું મૅડમની છેલ્લાં પાંચ વર્ષથી સેક્રેટરી છું. મૅડમ ક્યારેય ખોટું નથી બોલતાં. આમ છતાં તમારે મૅડમ જોડે વાત કરવી હોય તો થોડા દિવસ પછી ઍપૉઇન્ટમૅન્ટ માટે ફોન કરજો.’

* * *

‘તમારી ફિકર વાજબી છે. તમારા ફૅમિલીને તમારા માટે બહુ જ ચિંતા થાય છે, પણ એમને ચિંતા કરાવ્યા સિવાય આપણો છૂટકો નથી. પ્રેસ કૉન્ફરન્સ કૅન્સલ થવાથી તમારી વધુ નાલેશી થઈ છે. તમે વધુ વગોવાઈ ગયા છો, પણ એનોય છૂટકો નથી. આખી વાતનો આપણે જો તાગ મેળવવો હશે, ગુનેગારોને સજા અપાવવી હશે, લૂંટની રકમ પાછી મેળવવી હશે તો તમારે અજ્ઞાતવાસમાં રહેવું જ પડશે.’ એસ ક્લાસ મર્સિડીઝ બેન્ઝની પાછલી બેઠકમાં બેઠેલ વ્યક્તિએ સત્યેન શાહને જણાવ્યું.

(ક્રમશઃ)
——————–

Leave A Reply

Your email address will not be published.

Translate »