તમારા માટે, તમારી સાથે, સતત…

ગોલ્ડન ઇગલ, પધારો મારે દેશ

ગોલ્ડન ઇગલ પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવ્યું છે.

0 500
  • કૌતુક – હિંમત કાતરિયા

ગરુડની ત્રણ જાતિ પૈકી ભારતમાં માત્ર હિમાલય અને તેની આસપાસના વિસ્તારમાં જ જોવા મળતું ગોલ્ડન ઇગલ પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવ્યું છે. બનાસકાંઠાના આસિદ્રા ગામની સીમમાં એનો મુકામ છે. આ પહેલાં ગોલ્ડન ઇગલ માત્ર એકવાર ૨૦૧૩માં રાજસ્થાનમાં દેખા દીધાં હતાં. આવો, આ ગોલ્ડન ઇગલથી રૃબરૃ થઈએ…

ગરુડ ભગવાન વિષ્ણુનું વાહન છે. ગરુડની ત્રણ જાતિઓ છે, બોલ્ડ ઇગલ, ગોલ્ડન ઇગલ અને સમુદ્રી ઇગલ એમ ત્રણ જાતિઓ ઉપરાંત ૬૦ જેટલી પ્રજાતિઓ છે. બોલ્ડ ઇગલ યુએસએનું રાષ્ટ્રીય પક્ષી છે અને ગોલ્ડન ઇગલ મેક્સિકોનું રાષ્ટ્રીય પક્ષી છે. તેના માથે અને ગરદન પર સોનેરી બદામી રંગના વાળ હોય છે. આપણે ત્યાં જોવા મળતા તમામ પ્રજાતિના ગરુડમાં ગોલ્ડન ઇગલ મોટા કદના હોય છે. તેની પૂંછડીમાં પાછળ સફેદ પેચ છે અને ગરદનમાં સોનેરી વાળ છે. ભારતમાં ગોલ્ડન ઇગલ હિમાલય વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર, લેહ-લદ્દાખમાં જ જોવા મળે છે. ગુજરાતમાં પહેલી વખત બનાસકાંઠાના આસિદ્રા ગામની સીમમાં એક કિશોર વયનું ગોલ્ડન ઇગલ દેખાયું છે.

બનાસ ડેરીમાં કામ કરતા બર્ડ વૉચર કૈલાસ જાનીએ આ ગોલ્ડન ઇગલની સૌ પ્રથમ ઓળખ કરી છે. કૈલાસભાઈ કહે છે, ‘વાસ્તવમાં આ ગોલ્ડન ઇગલને સૌપ્રથમ ઝૂઓલોજીમાં ભણતા મારા વિદ્યાર્થીઓ મયંક ઝુડાલ અને નૈની પ્રજાપતિએ પાંચ ડિસેમ્બરે જોયું હતું. બનાસકાંઠાના આસિદ્રા ગામ પાસે મેરવાડા કસ્બામાં પાંજરાપોળની બાજુમાં મરેલાં પ્રાણીઓની ડમ્પિંગ સાઈટ પર જોયું હતું. પાલનપુરથી ૨૨ કિલોમીટરના અંતરે આ સાઈટ આવેલી છે. આ સાઈટ પર ઇજિપ્શિયન વલ્ચર ઘણા છે અને તેને જોવા માટે અમારા વિદ્યાર્થી ગયા હતા. ત્યાં તેમણે આ અલગ પક્ષી જોયું અને ફોટો પાડીને મને બતાવ્યો. અમે ૯ તારીખે જોવા ગયા. મને પણ ખબર નહોતી કે આ પક્ષી ગોલ્ડન ઇગલ છે. અમે ફોટા પાડ્યા. અમે ફોટા સુરેન્દ્રનગરના પક્ષીવિદ્દ નીરવ ભટ્ટને મોકલ્યા. તેમણે કહ્યું કે, આ પક્ષી ગોલ્ડન ઇગલ હોય એવું જણાય છે. બીજા દિવસે નીરવ ભટ્ટ આવી ગયા અને ખાત્રી થઈ કે આ ગોલ્ડન ઇગલ જ છે. તેને ખલેલ ન પહોંચે એ માટે અમે આ સમાચારને જાહેર કરવા નહોતા માગતા. કેમ કે જો આ સમાચાર ફેલાય તો ગોલ્ડન ઇગલને જોવા માટે ધસારો થાય અને પરિણામે તેને ખલેલ પહોંચે. આમ પણ તેના બિહેવિયરની કોઈને જાણ નથી. કેમ કે ગુજરાતમાં ગોલ્ડન ઇગલ દેખાવાનો આ પહેલો રેકોર્ડ છે.

કૈલાસભાઈની નામરજી છતાં આ સમાચારનો પ્રચાર થયો. પક્ષી નિરીક્ષક આદિત્ય રોય ૧૩મી ડિસેમ્બરે અહીં આવ્યા અને તેમણે ફોટાઓ સાથે આ સમાચારને મીડિયામાં ફેલાવી દીધા. કૈલાસભાઈ કહે છે, ‘તેમણે ગુજરાતમાં ગોલ્ડન ઇગલને પ્રથમ પોતે જોયું છે એવો દાવો કર્યો. અમને પ્રસિદ્ધિની ભૂખ નહોતી, અમારી તો ખેવના એ જ હતી કે આ પક્ષીને ખલેલ ન પડવી જોઈએ. આદિત્ય રોયના દાવા પછી અમે અમારા ફોટોગ્રાફ મુક્યા. એ પછીથી ગુજરાતના અને ગુજરાત બહારના ૧૫૦ જેટલા ફોટોગ્રાફરો અને પક્ષી નિરીક્ષકો ગોલ્ડન ઇગલની મુલાકાત લઈ ગયા છે, કારણ કે ગોલ્ડન ઇગલ ગુજરાતમાં હોવાની વાતને કોઈ માનવા તૈયાર નહોતું, રૃબરૃ જોયા વગર.

Related Posts
1 of 319

અત્યારે પણ આ ગોલ્ડન ઇગલ આ જ સાઈટ પર છે. અહીં ગોલ્ડન ઇગલ સામાન્ય રીતે નાના જંતુને ખાવા આવતા બગલાઓ, મરેલી ગાયોનું માંસ ખાવા આવતાં પક્ષીઓનો અને સસલાઓનો શિકાર કરે છે. એક જ કિશોર અવસ્થાનું ગોલ્ડન ઇગલ છે. ગરમી ચાલુ થશે ત્યારે નીકળી જશે એવું લાગે છે.આ પહેલાંનાં વર્ષોમાં પણ ગોલ્ડન ઇગલ અહીં જોવા મળ્યું છે એવું આજુબાજુના લોકો પાસેથી જાણવા મળ્યું છે? કૈલાસભાઈ કહે છે, ‘ના, એવું કોઈએ નથી કહ્યું. આ સાઈટની બાજુના પરાંમાં સામાન્ય રીતે ગૌશાળા સાચવતા વ્યસ્ત લોકો રહે છે અને તેમણે પણ આવું પક્ષી પહેલા જોયું હોવાનું કહ્યું નથી.ગોલ્ડન ઇગલ ગુજરાતમાં શા કારણે આવ્યું હશે? પ્રશ્નના જવાબમાં કૈલાસભાઈ કહે છે, ‘રેકોર્ડ પ્રમાણે, ૨૦૧૩માં એક જ વાર રાજસ્થાનમાં ગોલ્ડન ઇગલ જોવા મળ્યું હતું.

સારસ, ફ્લેમિંગો સહિતનાં ૬૦૦ જેટલાં પક્ષીઓ ગુજરાતમાં છે અને આ પક્ષીઓ અહીં શા માટે આવે છે એની પક્ષીવિદ્દોને ખબર છે, પણ ગોલ્ડન ઇગલ શા કારણે અહીં આવ્યું તે હજુ કોઈ જાણતું નથી. એ વિષયમાં અભ્યાસ થવો જોઈએ. અનુમાન લગાવતા કૈલાસભાઈ કહે છે કે, ‘બહુ ઠંડી પડી હોય અને ઇન્ટર વિઝિટર તરીકે અહીં આવ્યું હોય એવું બનવા જોગ છે. અહીં જ્યાં ગોલ્ડન ઇગલે રોકાણ કર્યું છે ત્યાં આજુબાજુ પર્વત છે, વૃક્ષો છે અને તેમને જોઈતો ખોરાક છે એટલે તે રોકાઈ ગયંુ હોય એમ બનવા જોગ છે. અમારે ત્યાં અહીં શિયાળામાં ૭૦૦થી ૮૦૦ જેટલા ઇજિપ્શિયન વલ્ચર (ગીધ) આવે છે. અહીં બપોરે આ ગીધો ઊડે છે ત્યારે ગોલ્ડન ઇગલ તેમની વચ્ચે ભળી જાય છે. આ સ્ટ્રેટેજીનો ગોલ્ડન ઇગલને એ ફાયદો મળે છે કે ગીધ પક્ષીઓ ઉપર તરાપ નથી મારતું, પણ ઇગલ તરાપ મારે છે. આ પ્રકારે શિકારને છેતરી પણ શકાય છે. ગોલ્ડન ઇગલ અહીં આવ્યાં પછી હું બીજી કોઈ સાઈટ પર ગયો જ નથી. બસ, તેનું જ નિરીક્ષણ કરું છું. સવારે વહેલા ડમ્પિંગ સાઈટની બાજુમાં આવેલા સૌથી ઊંચા કેસૂડાના ઝાડ પર બેસે છે. શિકાર કરીને આવ્યા પછી પણ એ ઝાડ ઉપર બેસે છે. સવારના અગિયાર વાગ્યા આસપાસ તે એક કિલોમીટર દૂરના પર્વતો બાજુ નીકળી જાય છે. રાત્રે પણ પર્વતો બાજુ જતંુ રહે છે. રાત્રે સાઈટ પર રોકાતું નથી. અમે તેને બગલાનું ભક્ષણ કરતા જોયું છે, પણ હજુ તેનો અવાજ સાંભળ્યો નથી.

અમદાવાદના ફોટોગ્રાફર ભૈરવ દીક્ષિતે તેના ફોટોગ્રાફ્સ લીધા છે અને વીડિયો બનાવ્યો છે. ભૈરવે આ સાઈટ પર બાંકડા પર સૂઈને રાત વિતાવી હતી. ગુજરાતના સૌથી જાણીતા લગભગ તમામ પક્ષી નિરીક્ષકો ગોલ્ડન ઇગલની મુલાકાત લઈ ગયા છે. કેટલાક બર્ડ વૉચર્સ આ ઇગલ પર સંશોધન કરી રહ્યા છે.      

મુખ્યત્વે સાપ સહિતના સરીસૃપ, પક્ષીઓ, નાનાં સસલાં ગોલ્ડન ઇગલનો ખોરાક છે. ગોલ્ડન ઇગલની તાકાતનો એનાથી પણ પરચો મળશે કે તે પુખ્ત હરણ પર હુમલો કરવા માટે જાણીતા છે. હરણ તેનો પસંદગીનો ખોરાક છે. ગોલ્ડન ઇગલ સામાન્ય રીતે પહાડોમાં ૧૨,૦૦૦ ફૂટની ઊંચાઈ સુધી જોવા મળે છે. પહાડની ટોચ પરથી શિકારનું નિરીક્ષણ કરતું ગોલ્ડન ઇગલ કલાકના ૨૫૦ કિલોમીટરથી વધુ ઝડપે શિકાર પર તરાપ મારે છે. હિમાલયમાં ઊંચા પર્વતની ટોચ પર બેસીને એ છેક ખીણના દૃશ્ય ઉપર ઝીણી નજર રાખે છે અને જેવો શિકાર નજરે ચડે કે તુરંત બુલેટ ટ્રેનની ઝડપે શિકાર ઉપર આક્રમણ કરે છે. તેની ચોકસાઈ પણ એટલી કે આટલી સ્પીડ વચ્ચે પણ તે શિકારને છટકવાનો મોકો આપતું નથી અને ઘડીના છઠ્ઠા ભાગમાં શિકારને જડબામાં ફસાવી લે છે.

ગોલ્ડન ઇગલના બિહેવિયર વિશે વાત કરતા કૈલાસભાઈ કહે છે, ‘ગોલ્ડન ઇગલની એક ખાસિયત એ છે કે એ જે ઝાડ ઉપર બેઠું હોય તે ઝાડ નીચે અમે ઊભા હોઈએ કે તેની બાજુના ઝાડ પર લક્કડખોદ ઝાડ કોતરતો હોય તો એવી આસપાસની પ્રવૃત્તિની ગોલ્ડન ઇગલ પર કોઈ અસર થતી નથી. તેને એવું લાગતું નથી કે કોઈ તેને પરેશાન કરી શકે છે. કલાકોના કલાકો સુધી અમારી સામે બેઠું છે. હા, કાગડાઓ તેની આસપાસ બહુ મંડરાય છે. કેમ કે કાગડાઓને લાગતું હશે કે આ નવીન પક્ષીએ તેમના અધિકારક્ષેત્ર ઉપર કબજો જમાવ્યો છે. એટલે ઘણીવાર અમે ગોલ્ડન ઇગલને શોધવા માટે જે જગ્યાએ કાગડાનું ટોળું હોય એ સ્થળે જઈએ છીએ. જોકે કાગડાના કા…કા…થી તેને કોઈ ફરક નથી પડતો.
——.

ગરુડની ઉત્પત્તિની પુરાણકથા
રાજા જન્મેજયને મહાભારત સંભળાવવાની શરૃઆત વૈશંપાયન સર્પસત્ર યજ્ઞથી કરે છે અને તેમાં જ ગરુડની ઉત્પત્તિની કથા સમાયેલી છે. કથા પ્રમાણે, સતયુગમાં દક્ષની બે પુત્રીઓ કદ્રુ અને વિનતાને કશ્યપ ઋષિને પરણાવી હતી. કદ્રુએ કશ્યપ પાસે ૧૦૦૦ તેજસ્વી સર્પપુત્રો આપો. વિનતાની માંગ છે કે મને માત્ર બે પુત્રો આપો, બશર્ત કે તે સર્પો કરતાંય તેજસ્વી હોવા જોઈએ. કશ્યપ ગર્ભોનું જતન કરવા કહીને વનમાં તપ કરવા જાય છે. કદ્રુ એક હજાર ઈંડાંને અને વિનતા બે ઈંડાંને જન્મ આપે છે. તેને ૫૦૦ વર્ષ હૂંફાળા પાણીમાં સેવવામાં આવે છે. બાદ કદ્રુના પુત્રો ઈંડાં ફોડીને બહાર નીકળે છે. વિનતાના પુત્રો ઈંડાંમાંથી બહાર ન નીકળતા તેણે એક ઈંડું ફોડી નાખ્યું. તેમાનો અપરિપક્વ ગર્ભ અપંગ સંતાન રૃપે જન્મ્યું. બાળકે વિનતાને કહ્યું કે, તે કદ્રુ સાથેની સ્પર્ધાને કારણે મને અપંગ જન્માવ્યો. જા, તું ૫૦૦ વર્ષ માટે કદ્રુની દાસી થા. આમ કહી તે આકાશમાં ઊડી ગયો અને સૂર્યનો સારથિ અરુણ બન્યો. બીજું ઈંડંુ હૂંફાળા પાણીમાં રહેવા દીધું. તેમાંથી જન્મ્યંુ તે ગરુડ. ગરુડે જન્મ સાથે જ પોતાના પરાક્રમથી પૃથ્વી ધ્રુજાવી. તેની માતા કદ્રુની દાસી હતી એટલે તે પોતે પણ દાસ બન્યો. દાસપણામાંથી છોડાવવા માટે કદ્રુએ શરત મુકી કે, જા, તું સ્વર્ગમાંથી અમૃત લાવી આપ તો તમે દાસપણામાંથી મુક્ત. ગરુડ ભયંકર અવાજ કરતો સ્વર્ગમાં જાય છે. ઇન્દ્ર અને દેવો સાથે યુદ્ધ થાય છે. આખરે ઇન્દ્ર ગરુડ ઉપર વજ્રનો પ્રહાર કરે છે. ગરુડે ઇન્દ્રને લલકાર્યો કે, તારું વજ્ર મારા પર કોઈ અસર નહીં કરે, પણ તે જેનાં હાડકાંમાંથી બન્યું છે તે દધીચિ ઋષિ અને તારું સન્માન જાળવવા હું મારું એક પીંછું ખેરવી દઉ છું. શરમિંદો ઇન્દ્ર અમૃતનો ઘડો આપવા તૈયાર થાય છે…
———–

Leave A Reply

Your email address will not be published.

Translate »