તમારા માટે, તમારી સાથે, સતત…

પાલિતાણાની પવિત્રતા બચાવો

ગુજરાતના જૈન તીર્થ પાલિતાણાને સરકારે હોલી પ્લેસનો દરજ્જો આપ્યો છે

0 171

કવર સ્ટોરી – દેવેન્દ્ર જાની

ગુજરાતના જૈન તીર્થ પાલિતાણાને સરકારે હોલી પ્લેસનો દરજ્જો તો આપ્યો છે, પણ આ તીર્થને પવિત્ર બનાવવા માટે કોઈ ઠોસ કદમ ઉઠાવ્યું હોય તેવું આ શહેર જોયા પછી લાગતું નથી. ગુજરાતનાં ધાર્મિક સ્થળોમાં પાલિતાણાનું એક વિશેષ મહત્ત્વ છે. શાશ્વત તીર્થ અને મોક્ષ નગરીની ઓળખ ધરાવતું આ શહેર છેલ્લા થોડા સમયથી અરાજકતા, અસલામતી, અસુવિધાઓનો અડ્ડો બની ગયું છે, એવું જૈન સેવકો અને સાધુઓ કહે છે. જૈન તીર્થમાં ખુદ જૈન સાધુ-સાધ્વીજીઓ સુરક્ષિત નથી એવું કહેવાઈ રહ્યંુ છે. પાલિતાણાની પવિત્રતાને બચાવવા ખુદ જૈન સાધુઓએ અભિયાન છેડ્યું છે. શત્રંુજય પર્વત પર ૮૬૩ જેટલાં જૈન મંદિરો છે અને એક હજાર સાધુ – સાધ્વીજીઓનો અહીં કાયમી વસવાટ હોય છે. ઉપરાંત હજારો યાત્રિકોનું આવાગમન થઈ રહ્યંુ છે, ત્યારે પાલિતાણાના વરવા ચિત્રણની ભીતરમાં જવું જરૃરી છે.

પાલિતાણા જવા માટે રાજકોટ – ભાવનગર હાઈ વે પર સોનગઢથી એક અલગ રસ્તો ફંટાય છે. આ રસ્તા પર આગળ વધતા ખૂબ સુંદર રસ્તાઓ હર કોઈને આંજી દે છે. પાલિતાણા પાંચેક કિ.મી. દૂર હોય ત્યારથી માર્ગમાં આવતાં સફેદ ચમકતાં જૈન મંદિરો-ધર્મશાળાઓ નજરે પડતાં જ કોઈ જૈન નગરીની સમીપે જઈ રહ્યા હોવાનો અહેસાસ થયા વિના રહેતો નથી. પાલિતાણામાં પ્રવેશ લીધા બાદ તળેટી તરફ આગળ વધીએ તો ચિત્ર બદલાતું જાય છે. એક પછી એક સમસ્યાઓનાં પગથિયાં જાણે શરૃ થઈ જાય છે. પવિત્ર અને સુંદર શહેર હાલ અસુવિધાઓ અને અસલામતી વચ્ચે ઘેરાઈ ગયંુ છે. તળેટીએ પહોંચીને એક જૈન આચાર્યને મળ્યા અને પાલિતાણાના હાલ હવાલ કેવા છે તેવંુ સહજ રીતે પૂછતાં જ તેમણે જે શબ્દો કહ્યા તેના પરથી પાલિતાણાની વર્તમાન સ્થિતિનો અંદાજ લગાવવો મુશ્કેલ ન હતો. એક વરિષ્ઠ જૈન મુનિએ એક જ વાક્યમાં એવું કહ્યું હતું કે પાલિતાણા હાલ એક પણ બદીથી મુક્ત નથી.જૈન મુનિ માટે એવા શબ્દો બોલવા હોય તો પણ ક્ષોભ થાય તેવા શબ્દોનો ઉપયોગ કરી તેમણે મનની પીડા વ્યક્ત કરી હતી. તેમની આ પીડામાં પાલિતાણાનું પ્રતિબિંબ જોવા મળતું હતું.

વર્તમાન સમસ્યાને વધુ ઉજાગર કરતા પહેલાં પાલિતાણાના ભવ્ય ઇતિહાસ અને માહાત્મ્ય ઉપર એક નજર નાખીએ. પાલિતાણા પર્વત ૯૦૦થી વધુ મંદિરો ધરાવતો દુનિયાનો એકમાત્ર પર્વત છે. આ મંદિરોની શૃંખલાનું નિર્માણ ૧૧મી સદીથી એટલે કે ૯૦૦ વર્ષ પહેલાંથી શરૃ થયું હતું. સૂર્યનાં કિરણો આ ચમકતાં મંંંદિરો પર પડે ત્યારે અલૌકિક દૃશ્યો જોવા મળે છે. વહેલી સવારથી સાધુ-સાધ્વીજીઓ અને શ્રાવકો આ પર્વતની પરિક્રમા કરવા નીકળી પડે છે. સાંજ સુધીમાં તમામ લોકો પર્વતની નીચે આવી જાય છે. શત્રુંજય પર્વત ઉપર ૩૭પ૦ પગથિયાં આવેલાં છે. શત્રુંજય પર્વતની ઊંચાઈ તળેટીથી ર૦૦૦ ફૂટની છે.  પર્વતની ૯૯ વાર ચડવા – ઊતરવાની યાત્રાનું વિશેષ મહત્ત્વ છે. લાખો શ્રાવકો આ નવ્વાણુ પરિક્રમા કરવા બે મહિના સુધી રોકાવા માટે શ્રાવકો પાલિતાણા આવે છે. શહેરમાં આશરે ૧પ૦ જેટલી ધર્મશાળાઓ આવેલી છે. પર્વત પર ભગવાન આદિનાથજી અને ઋષભદેવજીનાં મંદિરોનું જૈન સમાજમાં વિશેષ મહત્ત્વ છે. આઝાદી મળી તે અરસામાં પાલિતાણાની વસતી ૩પ હજાર આસપાસની હતી. આજે એક લાખ કરતાં વધુ વસતીનો આંકડો પહોંચ્યો છે.

ડુંગરની ટોચ પર રહેલું મુખ્ય દેરાસર જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથનું છે. વિક્રમ સંવત ૧૦૧૮માં આ દેરાસરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યંુ હતું. આ દેરાસરમાં કોઈ પણ વ્યક્તિએ રાત રહેવાની છૂટ નથી, પૂજારીને પણ નહીં. અહીં આદિનાથે તપ કર્યું હતું. આદિનાથ આ પર્વત પર ૯૯ વાર પધાર્યા હતા અને અજિતનાથ ૩૦૦૦ વાર આવ્યા હતા. એમ માનવામાં આવે છે કે જૈનોના ૨૪ તીર્થંકરો પૈકીના નેમિનાથ સિવાયના ૨૩ તીર્થંકરોનું સમવસરણ અહીં થયું હતું. 

૩૮૦૦ પગથિયાં ધરાવતાં શત્રુંજય પર્વત પર આવેલાં આ મંદિરોનો વહીવટ જાણીતા શ્રેષ્ઠી કસ્તુરભાઈ લાલભાઈ ગ્રૂપના સહયોગથી આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ કરી રહ્યું છે. કેટલાંક મંદિરોમાં તો કિંમતી ઝવેરાત છે અને તેના વિશેષ મંજૂરી સાથે જ દર્શન કરી શકાય છે. જૈન ધર્મીઓએ જીવનમાં એકવાર તો શત્રુંજયના શિખરે જવું જ એવી અભિલાષા હોય છે. શત્રુંજય પર્વત પર અંગાર પીરની દરગાહ પણ આવેલી છે જ્યાં વાંઝિયાઓની માનતા પુરી થતી હોવાનું કહેવાય છે. ૨૦૧૪માં પાલિતાણા કાયદાકીય રીતે દુનિયાનું પહેલું શાકાહારી સિટી બન્યંુ હતું. અહીં માંસ, માંછલી કે ઇંડાંને ખરીદવા, વેચવા વગેરે ઉપર પ્રતિબંધ છે. 

આજે પાલિતાણાને પવિત્ર યાત્રાધામ જાહેર કરી સરકારી સ્તર પર સંતોષ માનવામાં આવી રહ્યો છે, પણ પાલિતાણાને શાંત, સલામત અને સુવિધાસભર શહેર બનાવવામાં સરકાર કે સ્થાનિક તંત્રની ઉદાસીનતા દેખાઈ રહી છે. શહેરના રસ્તાઓ પર ગંદકીના થર જોવા મળે છે. રખડતી ગાયો-પશુઓની સમસ્યાઓથી યાત્રિકો પરેશાન છે. એટલું જ નહીં, રિક્ષાવાળાઓ – ડોલીવાળાઓ યાત્રિકોને લૂંટતા હોવાની ફરિયાદો સતત વધી રહી છે. અભિયાનને મળેલી ફરિયાદો પ્રમાણે, કેટલાક યાત્રિકોને તો ધમકીઓ અપાઈ રહી છે. યાત્રિકોની માલ – મિલકત કે પાકીટ ચોરાઈ જવાની ઘટનાઓ સામાન્ય બની રહી છે. આ ઉપરાંત સૌથી વધુ ચોંકાવનારી બાબત તો એ છે કે જૈનોનાં સૌથી મોટા તીર્થ એવા પાલિતાણામાં જૈન સાધુ – સાધ્વીજીઓ પર હુમલાઓ, સાધ્વીજીઓ સાથે અભદ્ર વ્યવહાર તેમના પર થૂંકવાની ઘટનાઓ અને ગંદી ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. આવી ઘૃણાસ્પદ ઘટનાઓ વધી રહી છે. સાધુ-સાધ્વીજીઓને રિક્ષાવાળાઓ હડફેટે લેતાં હોવાની ઘટનાઓ તો સામાન્ય થઈ રહી છે. દારૃ-જુગાર જેવી બદીઓ અને નોન વેજનું વેચાણ વધી રહ્યું છે. આમ પાલિતાણામાં ધીરે-ધીરે અસામાજિક

પ્રવૃત્તિઓ ફૂલી ફાલી રહી છે. પાલિતાણામાં જે કંઈ બની રહ્યું છે તેની સામે જૈન સમાજમાં રોષ છે. પાલિતાણાની પવિત્રતા જાળવવી એ આજે સૌથી મોટો સવાલ ઊભો થયો છે. જૈન સંસ્થાઓ – જૈન સાધુઓએ પાલિતાણાને બચાવવા એક આંદોલનના રૃપમાં કાર્ય છેડવું પડ્યું છે. મોટા શહેરોમાં ધર્મસભાઓ યોજી જાગૃતિ લાવવામાં આવી રહી છે.

પાલિતાણાના સ્થાનિક રહેવાસીઓ, આગેવાનો, વેપારીઓ, જૈન સાધુઓ અને પાલિકાના સત્તાવાળાઓને અમે મળ્યા તો દરેકની વાતનો મુખ્ય સૂર એ હતો કે શત્રંુજય અને પાલિતાણાની પવિત્રતા કોઈ પણ ભોગે જળવાવી જોઈએ. સંસ્થાઓ અને સ્થાનિક લોકો વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત બને, શહેરની પવિત્રતા જળવાય તે માટે દરેક લોકો સ્વયં શિસ્તથી આગળ આવે. આ કામ માત્ર કોઈ એક સંસ્થા, વ્યક્તિ કે સરકાર કરી શકશે નહીં. નાની-મોટી સમસ્યાઓ ઊભી થઈ રહી છે, તેમાં કોઈ એક પક્ષનો વાંક કાઢવાના બદલે આવા પ્રશ્નો કે સમસ્યાઓ ફરી ન ઊભી થતાં પાલિતાણાનું ગૌરવ જળવાઈ રહે તે દરેકની પ્રાથમિકતા હોવી જોઈએ.

પાલિતાણાની વસતી વધતી જાય છે. આ ઉપરાંત યાત્રિકોની સંખ્યા પણ વધી રહી છે, પણ તેની સામે શહેરની સુવિધાઓ વધતી નથી. ઊલટાનંુ સમસ્યાઓ વધી રહી છે. બસ સ્ટેશનથી તળેટી સુધીનો માર્ગ પર મસ મોટા ખાડા હતા. આ બિસ્માર રસ્તા પર ડામર કરવા માટે સ્થાનિક તંત્રને ખૂબ રજૂઆતો કરાઈ, પણ વર્ષો સુધી કોઈ પગલાં ન લેવાતાં અંતે જૈન સંઘોએ પોતાના ખર્ચે તળેટી સુધીનો રોડ આરસીસીનો લાખોના ખર્ચે બનાવી આપ્યો હતો જે સરકાર માટે આ શરમજનક બાબત કહેવાય. વિકાસ પથ જેવી અનેક યોજનાઓ હોવા છતાં સ્થાનિક તંત્રના બદલે કોઈ સંસ્થાઓને ડામર કામ કરવું પડ્યું હતું.

જૈન સાધુ અને સાધ્વીજીઓની ઉંમર વધવા લાગે એટલે પાલિતાણા તરફ પ્રયાણ કરતા હોય છે. તેઓ એવંુ ઇચ્છતાં હોય છે કે અમારા જીવનનો અંતિમ સમય પવિત્ર પાલિતાણા તીર્થમાં વીતે અને અંતિમ શ્વાસ પણ આ ભૂમિમાં લેવાય. જૈન સમાજમાં ર૪ તીર્થંકર કહેવાય છે. તેમાંના કેટલાક તીર્થંકરોએ અને કરોડો જૈન મુનિઓએ આ ભૂમિમાં દેહ છોડ્યો છે એટલે આ તીર્થ નિર્વાણભૂમિ તરીકે જાણીતંુ છે. પાલિતાણા એ વયોવૃદ્ધ સાધુ-સાધ્વીજીઓ માટેનું સૌથી મોટું આશ્રય સ્થાન છે. આશરે ૭૦૦ જેટલાં સાધુ – સાધ્વીજીઓનો અહીં કાયમી વસવાટ રહેતો હોય છે. વયોવૃદ્ધ જૈન સાધુ-સાધ્વીજીઓ જેઓ હવે વિહાર કે ગોચરી કરવા જઈ શકતાં નથી તેઓ જીવનની પાછલી અવસ્થા અહીં જ ગાળવાનું પસંદ કરે છે. અહીં કેટલીક ધર્મશાળાઓમાં તેમના સ્વાસ્થ્યની ચકાસણી નિયમિત કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે.

Related Posts
1 of 245

સૌથી મોટો સવાલ હાલ એ ઊભો થયો છે કે સાધુ-સાધ્વીજીઓના અપમાન અને હુમલાઓની ઘટનાઓ વધી રહી છે. છેલ્લા બે મહિનામાં પાંચ જેટલી આવી ઘટનાઓ બની છે. આચાર્ય વિમલસાગરજી મહારાજ કહે છે, ‘પાલિતાણા અને પર્વત વિસ્તારમાં હાલ સાધુ-સાધ્વીજીઓ સુરક્ષિત નથી. તે સૌથી મોટી ચિંતાનો વિષય છે. સાધ્વીજીઓ નીકળે ત્યારે તેમના પર થૂંકવામાં આવે છે, ગંદી ટિપ્પણી કરવામાં આવે છે. હદ તો ત્યારે થાય છે કે છેડતીના બનાવો બની રહ્યા છે. અમારી પાસે કેટલીક સાધ્વીજીઓએ આવી પીડા વ્યક્ત કરી છે. છેલ્લા છ મહિનાથી અમે જોઈ રહ્યા છીએ. લગાતાર આવી અપમાનની ઘટનાઓ વધી રહી છે. પાલિતાણામાં કેટલાક અસામાજિક તત્ત્વો સક્રિય થઈ ગયા છે. તેઓ જૈન સાધુ-સાધ્વીજીઓને પરેશાન કરી રહ્યા છે. ડોલીવાળાઓ સાથે ઘર્ષણની ઘટનાઓ વધી રહી છે. પોલીસ સુધી મામલાઓ પહોંચી રહ્યા હોવા છતાં સાધુ – સાધ્વીજીઓની સુરક્ષા માટે કોઈ ઠોસ પગલાંઓ લેવામાં આવી રહ્યા નથી. પાલિતાણાની વર્તમાન હાલતથી જૈન સમાજમાં ભારે રોષ છે. પાલિતાણા બચાવવા હવે જૈન સાધુઓ આગળ આવી રહ્યા છે અને એક અભિયાન છેડાયું છે.

 વિમલસાગરજી આટલેથી અટકતા નથી તેઓ કહે છે, ‘પાલિતાણામાં બીજી સમસ્યાઓ પણ વકરી રહી છે. ઓટોરિક્ષાવાળાઓ રફ ડ્રાઇવિંગ કરીને સાધુ -સાધ્વીજીઓને ઈજા પહોંચાડી રહ્યા છે. અમારા ધર્મસ્થાનોને નુકસાન પહોંચાડવાની ધમકીઓ મળી રહી છે. તળેટીની બાજુમાં રિક્ષાવાળાઓ અને ડોલીવાળાઓની ભીડ જામે છે. તેની પાસેથી પસાર થવામાં સાધુ – સાધ્વીજીઓને ખૂબ પરેશાની વેઠવી પડે છે. યાત્રિકોની વાત કરીએ તો રસ્તાઓ પર રખડતાં ઢોરની સમસ્યા છે. યાત્રિકોના ખિસ્સા કપાય છે. તેમના મોબાઇલ ચોરીની ઘટનાઓ વધી રહી છે. છેલ્લા બે મહિનામાં ૮ જૈન સંઘો પદયાત્રામાં આવ્યાં તેનાથી યાત્રિકો પાસેથી ૩૮ જેટલા મોબાઇલની ચોરી થઈ છે. ફૂટપાથો પર દબાણો વધી રહ્યા છે. પાલિતાણા અરાજકતા તરફ આગળ વધી રહ્યું છે. આ શહેરની પવિત્રતા જાળવવા જિલ્લા કલેક્ટર, પોલીસ વડા અને મુખ્યપ્રધાન સુધી રજૂઆતો કરવામાં આવી છે. સૌથી પહેલી જવાબદારી સરકારની છે. તંત્રને ફરિયાદ કરી, પણ કોઈ પરિણામ નથી.

પાલિતાણાના આગમ મંદિર ખાતે સાગર સમુદાયના હર્ષસાગરસૂરીજી મહારાજે અભિયાનને એવું કહ્યું હતું કે, ‘પાલિતાણા પવિત્ર સ્થળ કહેવાય છે, પણ દુઃખ સાથે કહેવંુ પડે છે કે પાલિતાણા હાલ એક પણ બદીથી મુક્ત નથી. સાધ્વીજીઓ નીકળે તો તેમની સાથે અડપલાંઓ થાય, અભદ્ર વ્યવહાર થાય, ત્યાં સુધીની ચોંકાવનારી ઘટનાઓ પાલિતાણામાં બની રહી છે. એક તરફ નારી ગૌરવની વાતો કરવામાં આવી રહી છે, બીજી તરફ આવી પવિત્ર ભૂમિમાં જ સાધ્વીજીઓનું ગૌરવ હણાય તેવી ઘટનાઓ બની રહી છે. સાધુ-સાધ્વીજીઓ માટે સુરક્ષિત કહેવાતાં આ શહેરમાં જ અમારી અસલામતી વધી રહી છે. ધર્મશાળાઓ – જૈન મંદિરો પર ગેરકાયદે કબજો જમાવવાની કોશિશો વધી રહી છે. દારૃ – નોનવેજ વેચાઈ રહ્યું છે. પર્વતની આસપાસ અનેક આવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ પવિત્ર સ્થળ છે ત્યારે સરકારે ખાસ માંસ-મટન, ઈંડાંના વેચાણ પર પ્રતિબંધ મુકી જીવહિંસા અટકાવવા ખાસ જાહેરનામું બહાર પાડી તેનો કડક અમલ કરાવવો જોઈએ. રસ્તાઓ પર રખડતી ગાયો અને ગંદકીની સમસ્યા છે. પર્વત પર પગથિયાંઓ છે તે પણ ગંદા થઈ રહ્યા છે. સ્થાનિક તંત્રએ પાલિતાણામાં અસામાજિક પ્રવૃત્તિઓને અટકાવવા માટે મુખ્ય રસ્તાઓ અને તળેટીમાં સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ. હાલ તળેટીના મુખ્ય પ્રવેશદ્વાર પર પણ સીસીટીવી નથી. સ્થાનિક પાલિકા અને પોલીસ આા બાબતમાં સક્રિય થાય તેવી અમારી માગણી છે. અમે શહેરથી માંડીને ગાંધીનગર સુધીના સત્તાવાળાઓને રજૂઆતો કરી છે, પણ હજુ સુધી કોઈ પગલાંઓ લેવામાં આવ્યા નથી.

શત્રુંજય પર્વત પર જવા માટે કેટલાક નિયમો છે. નો પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કરાયો છે. પ્લાસ્ટિકની થેલી, પાણીની બોટલ લઈ જવા પર પ્રતિબંધ તેમજ સૂર્યાસ્ત પહેલાં પર્વત પરથી પરત ફરવાનું હોય છે. બર્મુડા કે ટૂંકા વસ્ત્રો પહેરીને પર્વત પર જવાની મનાઈ છે. બહેનોએ દુપટ્ટાનો ઉપયોગ કરવો. સાંજ પછી પર્વત પર કોઈ ભોજન કાર્યક્રમનું આયોજન ન કરવા સહિતના અનેક નિયમો બનાવાયા છે, પણ આવા નિયમોનું ઉલ્લંઘન થતંુ જોવા મળે છે. ઉપરાંત ઋષિકેશ અને હરિદ્વારને હિંસામુક્ત જાહેર કરાય તો પાલિતાણાને કેમ નહીં? તેવા સવાલ સાથેની માગણી બળવત્તર બનતી જાય છે. ભૂવનભાનુસૂરીશ્વરીજી સંપ્રદાયના આચાર્ય યશોવિજયસૂરીજી મહારાજ કહે છે, ‘પાલિતાણાને પિકનિક પોઈન્ટ બનતંુ અટકાવવું પડશે. જો અસામાજિક તત્ત્વો પર લગામ નહીં આવે તો આજે પાલિતાણાની આ હાલત છે, આવતીકાલે પાવાગઢ કે સોમનાથની આવી હાલત થશે. આવારા તત્ત્વોનો કોઈ ધર્મ કે જાતિ હોતી નથી. અમારો પણ કોઈ ધર્મ – જાતિ કે સંપ્રદાય સામે વિરોધ નથી. કેશુભાઈ પટેલની સરકારે પાલિતાણાને હોલી પ્લેસ જાહેર કર્યું હતું તો આ શહેરની શાંતિ અને પવિત્રતા જળવાવી જોઈએ.

પાલિતાણામાં જૈન સમાજના પ્રમુખ શાંતિભાઈ મહેતા સાથે જ્યારે શહેરની વર્તમાન હાલત અંગે વાત કરી તો તેમણે કહ્યું  હતું કે, ‘દરેક વર્ગના લોકોએ સંયમ અને શિસ્તથી વર્તવંુ જોઈએ. તો જ આ સમસ્યાને વકરતી અટકાવી શકાશે. સ્થાનિક લોકોમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે. અભણ લોકોની સંખ્યા વધુ છે, ત્યારે તેમનામાં સલામતી અને સ્વચ્છતાની બાબતમાં જાગૃતિ લાવવી પણ એટલી જ જરૃરી છે. હાલ શહેરની વસતી એક લાખ સુધી પહોંચી ગઈ છે, પણ પોલીસનંુ મહેકમ આઝાદીના સમયમાં પ૦નંુ હતંુ આજે પણ આટલું જ છે. પોલીસ સ્ટાફ અને તેનુ પેટ્રોલિંગ બંને વધવું જોઈએ. શહેરમાં સ્થાનિક લોકો વચ્ચેનંુ વાતાવરણ ન ડહોળાય તે માટે દરેકે સંયમ રાખવો જરૃરી છે.

પાલિતાણામાં હાલ કોઈ મોટો ઉદ્યોગ કે ધંધા નથી. જૈન યાત્રા સ્થળ હોવાથી સંઘો – યાત્રિકો આવે તે અને સ્થાનિક સ્તરે હીરાનો વ્યવસાય આ બે જ સ્થાનિક ઇકોનોમી માટે મુખ્ય છે. હીરા ઉદ્યોગમાં ૬૦ હજાર જેટલા કારીગરો કામ કરીને રોજી મેળવી રહ્યા છે. આ સિવાય શહેર કે આસપાસમાં કોઈ મોટો ઉદ્યોગ નથી. સ્થાનિક લોકો કહે છે, પાલિતાણાએ દિલ્હી સુધીના નેતાઓ આપ્યા છે, પણ આ શહેરના વિકાસ માટે કોઈએ રસ લીધો નથી. પાલિતાણા ડાયમન્ડ એસોસિયેશનના મહામંત્રી બાલાભાઈ વિરાણી કહે છે, ‘દાદા (જૈન) અને ડાયમન્ડને બાદ કરો તો પાલિતાણામાં કંઈ રહે નહીં. આ બે જ પર શહેરજનોનો આધાર રહ્યો છે. શહેર હાલ સલામતી અને અન્ય સમસ્યાઓથી ઘેરાઈ રહ્યું છે ત્યારે સ્થાનિક તંત્રએ શહેરની ઓળખને જાળવી રાખવા ઠોસ પગલાંઓ લેવા જોઈએ.

શહેરની સમસ્યાઓ અંગે ફરિયાદો વધી રહી છે ત્યારે પાલિતાણા ન.પા.ના સત્તાધીશોનું શું માનવું છે એ જાણવા અમે પ્રયાસ કર્યો હતો. પાલિકાના ચીફ ઓફિસર જે.એલ. દવે કહે છે, ‘શહેરની સમસ્યાઓ નિવારવા અમારા પ્રયાસો ચાલુ છે, પણ આમ છતાં રખડતાં ઢોર જેવી સમસ્યાઓ હલ થઈ શકી નથી એ હકીકત છે. રખડતી ગાયોને ડબે પૂરવામાં આવે તો જીવદયાપ્રેમીઓનો વિરોધ ઊઠે છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે ગાયોને રોડ પર ઘાસ ખવડાવાને બદલે અંદરના ભાગે જઈને ખવડાવવામાં આવે જેથી રોડ પર સમસ્યા ન ઉદ્ભવે. પાલિતાણાના સર્વાંગી વિકાસ માટે પવિત્ર યાત્રાધામ બોર્ડ કે પ્રવાસન નિગમ કોઈ ખાસ પેકેજ આપે તે જરૃરી છે અને તેના માટે અમારા પ્રયાસો છે.
———.

પાલિતાણાની પવિત્રતા બચાવવા છેડાયું આંદોલન
જૈન મુખ્યમંત્રીના શાસનમાં પાલિતાણા અસુરક્ષિત, ગંદકીથી અવદશા
હાલ ગુજરાતમાં જૈન મુખ્યમંત્રી શાસન કરી રહ્યા છે, ત્યારે તેમની પાસે પાલિતાણાની સુરક્ષા માટે સોૈથી મોટી અપેક્ષા હોય એ સ્વાભાવિક છે. જૈન સાધુઓ હોય કે સ્થાનિક આગેવાનો, દરેક લોકો એ વાત પર ભાર મુકી રહ્યા હતા કે પાલિતાણા એ જૈન તીર્થ છે અને આ સ્થળનું મહત્ત્વ મુખ્યમંત્રી સારી રીતે સમજી શકે તેમ છે, આમ છતાં પાલિતાણાની આવી અવદશા થઈ રહી છે. જ્યારે સીએમ રૃપાણી પાલિતાણા આવવાના હોય ત્યારે રોડ-રસ્તા સાફ સુંદર બની જાય છે, પણ પછી એ જ હાલત થઈ જાય છે. પાલિતાણામાં સાધુ-સાધ્વીજીઓના અપમાન અને હુમલાઓની ઘટનાઓ વધી રહી છે. શહેરમાં તેઓ અસુરક્ષા અનુભવી રહ્યાં છે. તે અંગેની રજૂઆતો વિજય રૃપાણી સુધી કરવામાં આવી છે. આમ છતાં હજુ તેનું કોઈ પરિણામ જોવા મળ્યું નથી.

મિશન પાલિતાણા..
પાલિતાણાની પવિત્રતાને બચાવવા આંદોલન છેડાયું છે અને તેનું નેતૃત્વ જૈન સંતો-આચાર્યો લઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં આઈ સપોર્ટ મિશન પાલિતાણાના નામે મેસેજ પાસ કરવામાં આવી રહ્યા છે. જૈન સમાજ સહિષ્ણુ છે, તેનો મતલબ એ નથી કે અમારી આસ્થા સાથે ખિલવાડ થાય. પાલિતાણા જૈન ધર્મનું મહાન તીર્થ છે. આ તીર્થને બચાવવું એ પણ અમારો ધર્મ છે. જૈન સમાજ સાથે અન્યાય સામે આંદોલન કરવા જાગૃતિ જરૃરી છે. ઓનલાઈન અભિયાનની સાથે સહી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. કોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવા મિશન પાલિતાણાના નામે એક આંદોલન શરૃ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જૈન આચાર્યો, સંતો મોટાં શહેરોમાં પાલિતાણાને બચાવવા જાગૃતિ લાવવાના હેતુથી ધર્મ સભાઓનું આયોજન કરી રહ્યા છે.

તળેટીમાં એસઆરપી પોઈન્ટ જ બંધ હાલતમાં
પાલિતાણા શહેર અને તળેટીના વિસ્તારોની મુલાકાત લીધી હતી તો સલામતીમાં છીંડાંની કેટલીક ચોંકાવનારી બાબત જોવા મળી હતી. જય તળેટી એ પર્વત પર ચડવા માટેનો મુખ્ય દરવાજો છે. અહીં શ્રાવકો, ડોલીવાળા અને સાધુ – સાધ્વીજીઓની ભીડ રહેતી હોય છે. આ મુખ્ય પ્રવેશદ્વારની આગળ જ એસઆરપી પોઈન્ટ ઊભા કરાયા છે, પણ ચોંકી તો ત્યારે જવાય છે કે આ પોઈન્ટ જ બંધ હાલતમાં પડ્યો છે. કોઈ એસઆરપી જવાન જ જોવા મળતો નથી. સ્થાનિક કેટલાક લોકો સાથે વાત કરતાં એવું પણ જાણવા મળ્યું કે થોડે દૂર તળેટી પોલીસ ચોકી છે, તે પણ મોટા ભાગે બંધ હાલતમાં જ હોય છે. ક્યારેક જ તેના દરવાજા ખૂલે છે..!

———.

શું કહે છે ભાવનગર પોલીસ વડા ?
પાલિતાણામાં યાત્રિકો અને જૈન સાધુ-સાધ્વીજીઓની સુરક્ષાને લઈને પોલીસ સક્રિય નથી તેવા આક્ષેપો વચ્ચે ભાવનગર જિલ્લાના એસ.પી. પ્રવીણસિંહ માલનો સંપર્ક કરતા તેઓ અભિયાનને કહે છે, ‘પાલિતાણામાં જૈન સાધુ-સાધ્વીજીઓ પ્રત્યે પોલીસ વિભાગને હંમેશાં આદર રહ્યો છે. તેમની સુરક્ષા માટે જ્યારે પણ જરૃર પડી છે ત્યારે બંદોબસ્ત આપ્યો છે. માત્ર પાલિતાણા જ નહીં, ભાવનગર જિલ્લાની હદમાં જ્યારે વહેલી સવારે ત્રણ કે ચાર વાગ્યે પણ તેઓ વિહાર માટે નીકળે ત્યારે પણ બંદોબસ્ત જ્યારે પણ માગવામાં આવે ત્યારે પીસીઆર વાન સાથે આપીએ છીએ. સિવિલ ડ્રેસમાં બંદોબસ્ત માગ્યો હોય તો પણ આપીએ છીએ. એટલું જ નહીં, પાલિતાણામાં જૈન સમાજના કોઈ મોટા ઉત્સવો હોય ત્યારે વિશેષ બંદોબસ્ત ફાળવવામાં આવે છે. પર્વત પર પણ સુરક્ષા આપવામાં આવે છે. એટલે પોલીસ સક્રિય જ છે. રહી વાત પોલીસ ચોકીમાં હાજરની તો શહેરની બહાર નવંુ પોલીસ સ્ટેશન બન્યું છે. ત્યાં તમામ વાન સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જૈન સંતોએ બંદોબસ્ત માગ્યો હોય અને ન આપ્યો હોય તેવું ક્યારેય બન્યંુ નથી. ઊલટાનું કોઈ મોટા નેતાના પ્રવાસો હોય તો પણ જવાનો સ્પેર કરીને જૈન સાધુઓની સુરક્ષા માટે મોકલવામાં આવ્યા છે. માત્ર જૈન સમાજના નહીં, દરેક સાધુ સમાજ પ્રત્યે પોલીસનો આદર સાથે વર્તાવ રહ્યો છે.
———–

Leave A Reply

Your email address will not be published.

Translate »