તમારા માટે, તમારી સાથે, સતત…

ઠંડો કે ગરમ, પ્રાણવાયુ  મળશે તો જીવાશે

કચ્છ કે કલહરીના ઉનાળામાં મશક-કોલ્ડ પાણી મળવું એ મોંઘી 'ને મૂલ્યવાન બાબત.

0 192
  • ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન

લાખો વર્ષની ગરમી ઠંડી એવું કશું ના બગાડી શકી
છેલ્લી બે ચાર સદી આખા ગ્રહની વાટ લગાડી શકી

ટેમ્પસ એટલે લેટિનમાં કાળ કે ઋતુ. ટેમ્પરેચર ને ટેમ્પલ જેવા અંગ્રેજી શબ્દના મૂળમાં એ શબ્દ ખરો. આપણે ત્યાં તાપ ને તપ વચ્ચે સીધો સંબંધ છે. સામાન્યતઃ તાપનો મુદ્દો આવે એટલે ભારતીય મન ઉત્તર સિવાયની દિશામાં વિચરવા લાગે, તપની ચર્ચા થાય ત્યારે હિમાલયના ઠંડા પ્રદેશ તરફ. દ્વંદ્વ ને દ્વૈતથી ભરેલી આ દુનિયામાં પૂર્વના દેશોને ગરમીનો લાભ વધુ મળ્યો છે, તો પશ્ચિમના દેશોને ઠંડીનો. વૈશ્વિક પ્રતપન અર્થાત્ ગ્લોબલ વૉર્મિંગની વિભાવના તેમ જ હકીકતના શોધક એવા પશ્ચિમના દેશોના શબ્દ ટેમ્પરેચરને આપણી ભાષામાં તાપમાન કહે છે. તાપક્રમ, તાપ પરિમાણ કે તાપાંશ. સીધી વાત છે કે ભારતના મોટા ભાગના સમાજ પર તાપની અસર પ્રમુખ છે, વધુ છે. શીતમાન કે ઠંડમાન વિચિત્ર કે વિકૃત લાગે. એમાંય આપણા ગુજરાતમાં તો આખો શિયાળો જતો રહે ને સ્વેટર પહેરવાનો મોકો માંડ મળ્યો હોય એવું થતું હોય ત્યારે ખાસ. હા, આ વખતે વિશિષ્ટ ઠંડી પડી. ઘઉં જેવા પાકની સફળતા ને તે સાથે સંબંધિત અર્થતંત્ર ને ક્ષુધા એવં પોષણ માટે એ સારું થયું. એ સિવાય હિટરના વેપાર સાથે જોડાયેલાને લાભ થયો. લોકોની કડકડ કરતી જીભ કહે છે કે આ વખતે ગરમીય બહુ પડશે. જી, આમ તો દર વખત જેવી જ. ત્યારે પંખા, કૂલર ને એસીના કામ સાથે જોડાયેલાને ફાયદો થશે.

સમગ્ર વિશ્વમાં સામાજિક માણસ પોતાના તન ને મનને માફક આવે તેવું તાપમાન હાંસિલ કરવા જે કોઈ યંત્રો વાપરે છે તેને કારણે તેના ઘર કે કામની જગ્યા બહારના વાતાવરણ પર અસર પડે છે. માનસિક કે આધ્યાસ્મિક સંદર્ભમાં શાતા વળવી કે શાંતિ મળવી અને વિજ્ઞાન વા કુદરતના નિયમ મુજબ શરીરનું તાપમાન જાળવી રાખવું એ બે વાત વચ્ચે અંતર છે. યોગ-સાધનામાં પંચતપા કરીને એક રીત હોય છે જેમાં ચાર તરફ અગ્નિ ને માથે સૂર્ય પાંચમો અગ્નિ ગણીને ધ્યાન વગેરે કરવાનું હોય છે. જળમાં બેસીને ધ્યાન કરવાની પણ એક રીત છે. તિબેટના અમુક યોગી બરફમાં સાધના કરતા હોય છે. શીત્કારી પ્રાણાયામ છે, પરંતુ તે બધું જ તપ કહેવાય છે. અરે, આધ્યાત્મ તો વાતાવરણના તાપમાનમાં થતાં ફેરફાર પરત્વે તટસ્થ રહેવું તેને પણ તપ કહે છે. જ્યારે સામાન્ય રીતે મોટા ભાગના માણસો માટે શરીર બરાબર કામ કરે તેવું આસપાસનું તાપમાન કરવું અને તે માટે જરૃરી હોય તે કામ કરવું તે તપ છે. હિટર ને એસી ખરીદી અને તેના વપરાશ પછીનું શક્તિશાળી ઇલેક્ટ્રિકનું બીલ ભરવું તે તપ છે. તો પૃથ્વી માટે હિટર ને એસી મર્યાદિત ખોખાંની બહાર જે ફેંકે છે તે સહન કરવું તે તપ છે. મહદ્ તાપમાન રમાડતાં યંત્રો પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે વીજળી વાપરે છે ને તે માટે વધુ વીજળીની જરૃરિયાત પેદા થાય છે. સો, પૃથ્વી માટે વિદ્યુત ઉત્પાદનની પ્રક્રિયામાં ભોગ આપવો તે પણ તપ છે.

તપેલી શબ્દના મૂળમાં તાપ ને તપવું છે. ફ્રીઝમાં મૂકાય છતાં તપેલી જ રહે કારણ પતેલા કે તપેલાની શોધ અગ્નિ પર રસોઈ કરવા થયેલી. ફ્રીઝમાં મૂકવા કોઈ ટાઢેલું નથી આવતું. તોપ જેવું બરફ ઓકતું કોઈ રેગ્યુલર વા રૃટિન શસ્ત્ર જાણમાં નથી. શિયાળામાં તાપવાની ક્રિયા હોય છે. ઉનાળામાં કોઈ એવું નથી કહેતું કે ચાલો ટાઢીએ. તપ્ત છે તો

તૃપ્તિ ને તર્પણ છે. ગુજરાતમાં આઇસ-કોલ્ડ, ફ્રીઝ-કોલ્ડ ને મટકા-કોલ્ડ જેવી વેરાયટી છે. શિયાળામાં ગરમ કે ગરમાગરમ બે જ પ્રકાર. જૂનાગઢમાં ગ્રેટ ગિરનારની તળેટીમાં તાજો, મસાલેદાર, સ્વાદિષ્ટ, પોષણકર્તા ને ગરમ કે ગરમાગરમ કાવો મળે છે. ઊકળતો કાવો તો રાજકોટમાંય નથી મળતો. આપણે ત્યાં ટપરી માને કીટલી પર ચાની પત્તી ચીસો પાડે ને છેલ્લે જીવતી ભૂંજાઈ ને એના પ્રત્યેક કોષ અતિ બફાઈ જાય તે પછી પણ ચા ઉકાળતા રહેવાનો રિવાજ છે. ઘરે ચા બનાવીએ તોય આપણે ચા રાંધીએ છીએ. છતાં કોઈ મહેમાનને એમ નથી કહેતું કે બેસો બેસો તમારા માટે હમણા જ હૂંફાળી ચા બનાવું છું કે દઝાઈ જવાય એવી ચા પીધા વગર ના જવાય. આપણે ગરમીથી ત્રાસીએ છીએ અને ગરમીથી ટેવાઈ પણ ગયા છીએ.

ઠંડી ને ગરમી બંને પર હસવું એમાં કશું ખોટું નથી, કારણ કે એમાં કુદરતને કોઈ નુકસાન નથી. મનુષ્ય-આલમને કોઈ ખોટ નથી જતી. કાશ્મીર હો કે કેનેડા, પાણી ગરમ કરવા માટે કુદરતે આગ આપી છે, પરંતુ કચ્છ કે કલહરીના ઉનાળામાં મશક-કોલ્ડ પાણી મળવું એ મોંઘી ને મૂલ્યવાન બાબત. રણ ને ઉનાળો હોય ત્યાં સામાન્ય તાપમાનના પાણી માટેય ફ્રીઝ જેવું કશું જોઈએ. વી નો, પરિવર્તન સંસારનો નિયમ છે ને જે સતત ગતિમાં હોય છે તે જગત છે. આઇસ-એજથી આપણે વૉર્મ-એજ તરફ આવ્યા છીએ, બોઇલિંગ-એજ તરફ જઈ રહ્યા છીએ. આપણી સ્થિતિ ને પરિસ્થિતિ એવી છે કે હિટર ને એસીના વેપારની ટોચ પરથી બાષ્પ યાને વૅપરનો કાળ દેખાશે તોય એને મૃગજળ માનીશું. ગ્લોબલ-વૉર્મિંગ ને ક્લાઇમેટ-ચેન્જની વાતો ગપ્પા લાગે કે વધારે પડતી સાચી, આપણે જે સાધનો થકી આસપાસના તાપમાન સાથે વાતાવરણમાં જે ફેરફાર કરીએ છીએ તે જો આપણે જલ્દી નહીં સમજીએ તો કૌભાંડ, આતંકવાદ ને મનોરંજનને લગતી સમસ્યાઓ ક્યારેક નાની લાગશે.

ત્યાં કુલ વપરાશની કમ સે કમ પચાસ ટકા ઇલેક્ટ્રિસિટી હિટિંગ કે કૂલિંગ માટે વપરાય છે. અમુક સ્થળે એ પોણાભાગની એનર્જી વાપરી ખાય છે. યુએસમાં મોટા ભાગના ઘરમાં એસી ને હિટર હોય છે. નવા બનતાં ઘરમાં જ્યાદાતર સેન્ટ્રલ હિટિંગ/કૂલિંગ સિસ્ટમ હોય છે. રસોઈ કે કપડાં-વાસણ ધોવા વગેરે માટે વપરાતી વિદ્યુતશક્તિ અલગ. પશ્ચિમના અમુક દેશ કે પ્રદેશ તો એવા છે કે લગભગ આખું વર્ષ ઘર કે કાર્યાલયનું વાતાવરણ ઠેકાણે રાખવા નિરંતર વીજળી વાપરવી જ પડે. ભેજ કાઢવા ડીહ્યુમિડિફાયર કે પ્રદૂષણ દૂર કરવા ઍરપ્યુરીફાયર ચલાવવા પડે. ઓઝોન-લેયરની વાત થાય છે ત્યારે મહદ્ વાત ફક્ત ક્લોરો ફ્લોરો કાર્બન જેવા વાયુ પર જ અટકે છે. હકીકતમાં વિચારવા જેવો મુદ્દો એ છે કે ઇલેક્ટ્રિસિટીના ઉત્પાદનને કારણે વાતાવરણ ને કુદરત પર કેટલો ગંભીર ને નકારાત્મક દબાવ આવે છે. દુનિયામાં જેટલો ગ્રીન હાઉસ ગેસ ઠલવાય છે તેમાં પોણા ભાગનું ભોગદાન એનર્જી પ્રોડક્શન વત્તા તેનો યુઝ સંભાળે છે અને એમાં કોઈ શક નથી કે હિટિંગ ને કૂલિંગ બંને અંતે પર્યાવરણ ને વાતાવરણને નુકસાન કરે છે, આપણને સીધી ને ખૂબ જલ્દી નકારાત્મક અસર આપે તેવું નુકસાન કરે છે. આખરે ઠંડો કે ગરમ, પ્રાણવાયુ મળશે તો જીવાશે.

Related Posts
1 of 53

ત્યાં એક ગિમિક એવું પણ ચાલે છે કે લાકડા બાળી ને ગરમી પેદા કરો તેમાં પર્યાવરણને નુકસાન ના જાય, જો સામે એટલા વૃક્ષ વાવવામાં આવે જે લાકડા બળવાથી પેદા થતો કાર્બન ડાયોક્સાઇડ ખાઈ જાય. વાસ્તવિક આંકડા બતાવે છે કે દર વર્ષે અંગારવાયુનો જથ્થો વધુ ને વધુ ઠલવાતો જાય છે. ખેર, ફાયરવૂડનું ઉત્પાદન કાર્બન ડાયોક્સાઇડ-ન્યૂટ્રલ ગણાવી ને ઉપભોક્તાને પર્યાવરણને પ્રેમ કરવાનો સરસ મજાનો ભ્રમ એવં દંભ આપનારાને સંશોધનકારોએ ઉઘાડા પાડ્યા છે. તેમણે પુરવાર કર્યું છે કે ઘરના હિટરમાં બાળવામાં આવતા ફાયરવૂડને કારણે મિથેન ને બ્લેક કાર્બન પાર્ટિકલ્સ બને છે જે ગ્લોબલ-વૉર્મિંગ વધારે છે. એમણે બ્રિસ્બેન, પર્થ, સિડની, કેનબરા, મેલબોર્ન વગેરે શહેરનો અભ્યાસ કરેલો. આંકડા એવા છે કે ઉનાળામાં ગાત્રો ધ્રુજાવી દે ને શિયાળામાં પરસેવો પાડી દે, અલબત્ત ભવિષ્યની ચિંતા હોય તો. બાકી, હિન્દુ અગરબત્તીથી થતાં પ્રદૂષણની કચકચ કરીને બ્લિસ મેળવવા કેન્ડલ-માર્ચનું આયોજન થઈ જ શકે છે.

ગુજરાતમાં નર્મદા નદી છે એ આપણને પછી યાદ આવે છે, પહેલાં ડેમ યાદ આવે છે. ડેમ ઇટ. વારુ, તમે નર્મદા નદી અડી શકાય તેમ જોઈ છે? છેલ્લે ક્યારે જોઈ? સવાલ એ છે કે શું ભૂગર્ભમાંથી કોલસા કાઢીને સળગાવ્યા કરીએ ને ધરતી પરથી નદીઓ સૂકવ્યા કરીએ ત્યારે જ જીવી શકાય? ના, પ્રકૃતિ બચાવોના અંતિમવાદી વલણ નીચે પ્રગતિને ધરબી દેવાની વાત નથી. છપ્પનિયો દુકાળ કદાચ ભૂલાઈ ગયો છે, પણ વરસાદની સમસ્યા દર વર્ષે મનુષ્યને પોતાનું મહત્ત્વ સમજાવે છે. અતિવૃષ્ટિ સામે કૃષ્ણએ ગોવર્ધન ઊંચકેલો. આપણે ત્યાં કૃષ્ણ વિષે કોઈ પણ ગમે તેમ લખી શકે છે. શક્ય છે આવનારા સમયમાં કોઈ કૃષ્ણને ધોમધખતાં તાપથી કામદારોની રક્ષા કરવા ગોવર્ધન ધારણ કરતાં લખી વંચાવે. શક્ય તો એ પણ છે કે કાલે ઊઠીને લાકડા સળગાવી રસોઈ કરવા પર પ્રતિબંધ આવે. સાઇકલ પર ફરતાં કે રખડતાં આમ જીવને સર્ટિફાઇડ માસ્ક ના પહેરવા માટે દંડિત કરવામાં આવે. ઓક્સિજન-બારનો ધંધો અલગથી ચાલશે ને સાથે ફૂલી-ઓક્સિજનેટેડ મલ્ટિપ્લેક્સ ને રેસ્ટોરન્ટ ધૂમ મચાવશે.

અમદાવાદ જેવા શહેરમાં અમારે તો એસી વગર ચાલે જ નહીંએ ઉક્તિ જૂની થતી જાય છે. પોતે ઇન્કમટેક્સ ભરે છે તેથી દેશ ચાલે છે એવો ભ્રમ તથા બીપીએલ કાર્ડ ધારકો દેશની સમસ્યા છે એવું જ્ઞાન ધરાવનારાને એસી વગરનું ઘર જોઈને આશ્ચર્ય થતું હોય છે. એસી હવે મૂળભૂત જરૃરિયાત છે, એવું બોલો કે તરત બે જણ ટાપશી પૂરાવે. કારમાં કૂલિંગ કેટલું ઝડપી થાય છે તે જોઈને કાર ખરીદનારા વધવા માંડ્યા છે. એસી વગરના મકાનમાં દીકરી અપાય? એસી વગર બારમામાં કેવી રીતે ભણી શકાય? યોગ એટલે ચિત્ત વૃત્તિ નિરોધ અંગેનું પ્રવચન સહન કરતો પ્રાર્થનાખંડ હોય કે ગરીબોના હિતનું ચિંતન કરતા અર્થશાસ્ત્રીઓનો કૉન્ફરન્સરૃમ, હવે એસી વગર ભક્તિ કે બુદ્ધિ બરાબર કામ ના આપી શકે એ સમજ ઘણામાં ફાર્મહાઉસ કરતી જાય છે. બદનમાં ગરમી પેદા કરીને ચરબી બાળવા માટેના જિમ એસી ના હોય તો ખાધેપીધે સુખી લોકો એવા પરંપરાગત પૂર્વીય કુંડાળામાં પગ નથી મૂકતા. એસીને હેલ્થ તો ઠીક, હાઇજિન સાથે પણ બાંધવામાં આવે છે. સંભવ છે કે એસી પરના ટેક્સમાં રાહત આપે એવી નેતાવાણી જે-તે પક્ષને હજારો ઉષ્માભર્યા નવા મત અપાવે. પોસિબલ છે કે કોક રાજ્યમાં સીએફએલ બલ્બની જેમ સરકારી રાહે એસી મળે.

વેસ્ટર્ન દેશોએ દુનિયાભરનો વેસ્ટ બ્રહ્માંડમાં ખડક્યા પછી હવે તટસ્થતાનું અણીદાર મીટર ભારત, ચીન ને એશિયન દેશો પર ઘોંચવાનું મન બનાવી લીધું છે. એક સમયે ખાધાખોરાકીના ભાવ વધારા પાછળ એશિયામાં લોકો વધુ ખાતા થયા છે. ને ખાનારા વધ્યા છે એવું અતિમાનવીય કારણ શોધી નાખનાર તત્ત્વો પોતાની જોહુકમી ચલાવવા કશું પણ જાહેર કરી શકે છે. એમને પોતાની મલ્ટિનેશનલ્સનું જંગલીપણુ કે પોતાની સરકારોના ખાવાની ચીજોના ઔદ્યોગિક વપરાશ પર બોલવા જેવું નહોતું લાગ્યું. એ જ રીતે એ લોકો એમના દેશોના એસી અને ખાસ કરીને હિટરના વપરાશને કારણે જે પર્યાવરણને નુકસાન ગયું છે તે બાજુમાં હડસેલીને ચાલવાના. ૨૦૫૦માં છ બિલ્યન એસી વિશ્વની ૩૭% એનર્જી ભરખી જશે અને એનું મુખ્ય કારણ એ લોકો ગણાવે છે- ભારત અને ચીન. એમને છેક હવે ભય લાગે છે. કહે છે કે એ ઘટના પર્યાવરણ માટે ઘાતક હશે. એમના અંદાજ મુજબ વિશ્વના ૨/૩ ઘરમાં એસી હશે, જેમાંથી પચાસ ટકા ઘર ભારત, ચીન ને ઇન્ડોનેશિયાનાં હશે.

વિજ્ઞાન અને ધંધાની યુતિ એંશીના દસકની અમુક સામાજિક ફિલ્મમાં બતાવેલી કર્કશા સ્ત્રી ને મનચલું યુવાન જેવો ડિમાન્ડ અને કમ્પ્લેનનો નેચર ધરાવે છે. સ્વચ્છતા ને પોષણના આદર્શ નાનું નહીં, મોટું ફ્રીઝ માગે છે. એક નહીં બે ફ્રીઝ ખરીદાવે છે. એક ઘરમાં અલગ અલગ સિરિયલ જોનારા વધ્યા છે. વલોણીની જગ્યાએ હેન્ડ-મિક્સી આયે વખત થયો, હવે તો ઘરના જ્યૂસરનો જ્યૂસ ને ઘરઘંટીનો લોટ જ હેલ્ધી ગણાતો થયો છે. ગીઝર ને આરઓ પર હવે વૉટર-સોફ્નર પધાર્યા છે. પોતપોતાના મોબાઇલ તો સૌ કોઈ રાખે, પોતપોતાનું લેપટોપ રાખે એ ખરા સુખી કહેવાય. માઇક્રોવેવ ઇઝ મસ્ટ એન્ડ મસ્ત ચીજ. યાદી લંબાવવાની જરૃર નથી. ભાવાર્થનું કહેવાનું કે એનર્જીનો વપરાશ નહીં, વિલાસ વાંદરાની જેમ કૂદકે ને ભૂસકે આગળ કહો કે ઊંચે ભટકવા લાગ્યો છે. બેશક આ બધાં ઉપકરણોમાં હિટર ને એસી બે ઉપકરણ પર ભવિષ્યના વિશ્વનું વાતાવરણ વધારે નિર્ભર છે. એમના રૃમમાં એસી છે તો આપણા રૃમમાં કેમ નહીંં? અમારા નવા બંગલામાં તો અમે સેન્ટ્રલ ઍરકન્ડિશનિંગ સિસ્ટમ જ ફિટ કરાવી દીધી છે. ગ્લોબલ-વૉર્મિંગના ઉપલક્ષમાં ઠંડીમાં રહેવા ટેવાયેલા પશ્ચિમી બૉડી હોય કે ગરમીમાં ત્રાહિમામ્ પોકારતા ભારતીય શરીર, ભવિષ્યમાં એસી આપણા સૌના જીવન પર હાવી બને એ સંભાવના પૂરી છે અને એસી બદલામાં ગ્લોબલ-વૉર્મિંગમાં ઉમેરો કરશે તે ગણિત પણ ખોટું નથી.

ના, ફ્યૂચર ઇઝ અંધેરા જેવી સિચ્યુએશન નથી લાગતી. નેધરલેન્ડની એક સ્ટાર્ટ-અપ કંપનીએ સાચા અર્થમાં જોરદાર એવું ઇનોવેશન કર્યું છે. બે સદી જૂના સ્ટર્લિંગ એન્જિનના સિદ્ધાંત અને થર્મોએકૌસ્ટિકનો યુઝ કરીને એમણે એવી કૂલિંગ સિસ્ટમની શોધ કરી છે જે નહિવત્ એનર્જી યુઝ કરે છે વત્તા વાતાવરણ સાથે સીધી કે આડી કોઈ રીતે ચેડાં નથી કરતી. સાઉન્ડએનર્જી નામની એ કંપનીએ સક્સેસફુલ એક્સપેરિમન્ટ કર્યા છે ને ડેમો આપ્યા છે. એમની આ શોધ મફતમાં ઉપલબ્ધ હોય તે હિટ વાપરે છે. ઇન્ડસ્ટ્રિયલ હિટ હોય કે સોલર હિટ. ના, એ લોકો એવા એસીનથી બનાવતાં જે સોલર-પ્લાન્ટ સાથે જોડાયેલા હોય. એમની સિસ્ટમ કોઈ અસામાન્ય કે ભયજનક વાયુ નથી વાપરતી કે ઓકતી. બને તેટલી સાદી ભાષામાં કહીએ તો એ સિસ્ટમ થર્મલ એનર્જીને એકૌસ્ટિક એનર્જીમાં કન્વર્ટ કરે છે. એ ધ્વનિ તરંગો ભારે દબાણ નીચે અનંત લૂપમાં અમુક પ્રકારની નળીમાં ફર્યા કરે ને તે દરમિયાન પરિવર્ધન યા સંવર્ધન ઉર્ફે એમ્પ્લિફિકેશન પામે. અંતે મજબૂત થતાં જતાં ધ્વનિના તરંગો ગરમીને જુદી પાડે. વેલ, આપણને આ સાયન્ટિફિક ચ ટૅક્નિકલ થિંગ્સમાં લાંબી નહીં, ટૂંકી સમજ પડે એવુંય નથી.

હા, એટલું સમજાય છે કે જો એમનો દાવો સાચો હોય તો પૃથ્વી ને મનુષ્યો બંનેનું સારું એવું કામ નીકળી જશે. ફિલહાલ તો ખૂબ ગરમી ઉત્પન્ન કરતા મશીન હોય એવા ઔદ્યોગિક એકમ માટે આ સિસ્ટમ કામની છે, તેનો સામાન્ય ભાવ પચાસ હજાર ડૉલર્સ છે. કંપનીનું કહેવું છે કે બહુ મોટા ઘર માટે પણ એ લોકો આ સિસ્ટમ બનાવી શકે છે. એ લોકો જરૃરિયાત ને માગ મુજબ સિસ્ટમ બનાવે છે. વારુ, ભવિષ્યના આકરા વીજબિલ સામે એક સામટા રૃપિયા ખર્ચીને આવી સિસ્ટમ મળતી હોય તો ઘણા ઘણા ખરીદશે એમાં ના નથી. લટકામાં પાછું પર્યાવરણ બચાવવાનો આનંદ મળે, કાર્બન-ક્રેડિટ કમાવાય. વળી જો સરકારો ભેગી થાય ને આવા ઇનોવેશનને સક્રિય તેમ જ સમયસર પ્રોત્સાહન આપે તો ક્રાંતિ થઈ જાય. જસ્ટ ઇમેજિન કે મુકેશભાઈનું ખોળિયું એન્ટેલિયા આ સિસ્ટમ વાપરે તો એમના કેટલા પૈસા ને આપણી કેટલી વીજળી બચે. અને એવું જો દરેક અબજપતિ ને કરોડપત્ની કરે તો તો વીજળીના ભાવ પણ માપમાં આવી શકે. જી, મિયાં ફુસકી, દલા તરવાડી ને મહમદ તઘલખ યાદ આવે છે. અંદાજ અપના અપનાનો તેજા પણ યાદ આવે છે. પાણીથી ચાલતાં વાહનો વિષે વારંવાર વાચ્યા પછી અંતે તો પાણી વિનાની નદી જ આપણે જોઈ શક્યા છીએ. કિન્તુ, માનવી આશા પર જીવંત છે.

ના જોયેલા ઈશ્વર ને અનુભવ થયો હોય તે નેતા, બંને પર એ આશા રાખી શકે છે તો સાયન્સ ને ટૅક્નોલોજી પર થોડો ભરોસો ને થોડી શ્રદ્ધા રાખે એમાં કશું ખોટું નથી. ઓફ કોર્સ, પરમ દિવસ સારો આવવાનો જ છે એવી કલ્પનામાં આજે એસી ને ઇલેક્ટ્રિસિટીના ધુમાડા કાઢવા એમાં ઘણી બુરાઈ છેખોટાઈ છે.

બુઝારો –  હે શ્વાસમાં આવતા વાયુ, તમે રોગ દૂર કરતા તત્ત્વ અંદર વહાવો અને હે ઉચ્છ્વાસમાં બહાર જતાં વાયુ તમે સ્વાસ્થ્ય માટે નડતર તત્ત્વ બહાર લઈ જાવ, અવશ્ય ફક્ત તમે સમસ્ત વિશ્વના ઔષધકાર છો તેમ જ બધી સ્વાસ્થ્યપ્રદ કુદરતી શક્તિઓનું અમારી ભીતર સંવહન કરો છો. – ઋગ્વેદ ૧૦.૧૩૭ 
———————-

Leave A Reply

Your email address will not be published.

Translate »