તમારા માટે, તમારી સાથે, સતત…

મિ. ટ્રમ્પ, તમે શું જાણો તમારા વૈભવ અને અમારી વિરાસત વચ્ચેના ભેદને..

ભારત અફઘાનીસ્તાનીઓની જિંદગીઓ બચાવે છે,તેને માટે અફઘાનિસ્તાનના નાગરિકો અમારો આભાર માને છે.

0 293
  • ઍનાલિસિસ – સુધીર એસ. રાવલ

હમણા વોશિંગ્ટનથી સમાચાર આવ્યા કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજાક ઉડાવી અને નવા વર્ષે આયોજિત પહેલી કેબિનેટ બેઠકમાં તેના સાંસદોને કહ્યું કે, ‘ભારતના વડાપ્રધાન મોદી મને સતત કહી રહ્યા છે કે તે અફઘાનિસ્તાનમાં એક પુસ્તકાલય બનાવી રહ્યા છે! એક યુદ્ધગ્રસ્ત દેશમાં પુસ્તકાલય માટેના ભંડોળની કોઈ જરૃર નથી. એક પુસ્તકાલય જેટલો ખર્ચ તો અમેરિકા અફઘાનિસ્તાનમાં ફક્ત પાંચ કલાકમાં કરી નાંખે છે. હું નથી જાણતો આ પુસ્તકાલયનો અફઘાનિસ્તાનમાં કોણ ઉપયોગ કરશે?’

અમેરિકી પ્રમુખના બકવાસને કચકચાવીને સૌ પ્રથમ જવાબ ભારતની ધરતી પરથી વિપક્ષ એવા કોંગ્રેસે સમય ગુમાવ્યા વગર આપી દીધો. રણદીપ સૂરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યું, ‘ડિયર મિ. ટ્રમ્પ, ભારતના વડાપ્રધાનની ઠેકડી ઉડાડવાનું બંધ કરો. ભારતને અફઘાનિસ્તાનની બાબતમાં તમારી સલાહની કોઈ જરૃર નથી.અહેમદ પટેલે કહ્યું, ‘ભારતના વડાપ્રધાન વિશે ટ્રમ્પ જે બોલ્યા અને જે રીતે બોલ્યા તે સારા અર્થમાં નથી બોલ્યા અને તે તદ્દન અસ્વીકાર્ય છે. આશા રાખીએ કે ભારત સરકાર મક્કમતાપૂર્વક તેનો પ્રત્યુત્તર વાળે અને અમેરિકાને યાદ અપાવે કે ભારતે વર્ષ-૨૦૦૪થી અફઘાનિસ્તાનમાં રસ્તાઓ, ડેમ બાંધકામ સહિત અનેક પ્રકારના તેને મદદરૃપ થવા અઢળક ખર્ચ કર્યો છે.ભારતીય જનતા પક્ષના મહામંત્રી અને વિદેશી બાબતો સંભાળી રહેલા રામમાધવે ટ્વિટર પર લખ્યું કે, ‘ટ્રમ્પ જ્યારે અફઘાનિસ્તાનને કરાતી મદદની ટીકા કરે છે ત્યારે તેમણે જાણવું જોઈએ કે, ભારતે માત્ર પુસ્તકાલયો નહીં, રસ્તાઓ, ડેમ, શાળાઓ અને સંસદભવન સુધ્ધાં નિર્માણ કરી આપ્યાં છે. અમે જિંદગીઓ બચાવીએ છીએ અને તેને માટે અફઘાનિસ્તાનના નાગરિકો અમારો આભાર માને છે. બીજા કોઈ શું કહે કે ન કહે, તેનાથી અમને કશો ફરક પડતો નથી.

સૌ પ્રથમ નોંધપાત્ર બાબત એ કે, અમેરિકાએ નોંધ્યું હશે કે વિદેશી બાબતોમાં ભારત એક સૂરે બોલે છે અને જરૃર હોય ત્યાં ગરજી પણ શકે છે. ભારતની આંતરિક બાબતોમાં ભાજપ અને કોંગ્રેસ ભલે સામ-સામે બાખળ્યા કરે, પરંતુ અમેરિકાને આ વખતે જે રીતે એક સૂરમાં બોલીને જે જવાબ અપાયો છે, તેનાથી વિશ્વમાં મજબૂત સંદેશ ગયો છે. આ અગાઉ પણ વર્ષ-૨૦૦૫માં અમેરિકા ભારતના આવા મિજાજનો પરિચય કરી ચૂક્યું છે અને તે વખતે પણ મામલો નરેન્દ્ર મોદીને લગતો જ હતો. ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકાની યાત્રા માટે અમેરિકાએ વિઝા આપવાનું નકાર્યું  હતું ત્યારે કેન્દ્રમાં યુપીએની સરકાર હતી અને ડૉ. મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે પણ તત્કાલીન વિદેશમંત્રી નટવરસિંહે અમેરિકાનાં પગલાંને નકાર્યું હતું.

હવે વાત કરીએ ટ્રમ્પની. ટ્રમ્પને એવું શું ચચરી ગયું કે એક તરફ મોદીને મિત્ર કહે, ચતુર અને ચાલાક કહે અને પછી ભારત સામે શેરીના છોકરાઓ વચ્ચે બોલાતી હોય તેવી ભાષામાં ભડાશ કાઢે! મુખ્ય મુદ્દો એ છે કે ટ્રમ્પ સીરિયા, અફઘાનિસ્તાન, કોરિયા વગેરે વિસ્તારોમાંથી અમેરિકન સૈનિકોની વાપસી ઇચ્છે છે. તેઓ આગ્રહ સેવે છે કે અફઘાનિસ્તાનના પડોશી ભારત, રશિયા અને ચીન ત્યાં પોતાની સેના કેમ નથી મોકલતા? અમે ૬૦૦૦ માઈલ દૂર પોતાની સેના શા માટે મોકલીએ? ટ્રમ્પની આ વાત બાળક બુદ્ધિ જેવી છે. જેમને આંતરરાષ્ટ્રીય રાજકારણનું જરા પણ ભાન ન હોય તે પણ કદાચ આવંુ વિચારી ન શકે. અફઘાનિસ્તાનનો લોહિયાળ ઇતિહાસ એવો છે કે, ૨૦ વર્ષમાં રશિયાના ૧૩૦૦૦ જવાનોને અફઘાનીઓ મોતને ઘાટ ઉતારી ચૂક્યા છે. તે ઉપરાંત વર્ષ-૧૮૪૨માં તમામ ૧૬૦૦૦ જવાનોને અફઘાનોએ કતલ કરી નાખ્યા હતા. માત્ર એક સૈનિક ડૉ. બ્રાઈડન જીવ બચાવીને ભાગી છૂટેલો. જ્યાં સુધી ચીનનો પ્રશ્ન છે, તે પોતાના સૈનિકો અફઘાનિસ્તાનમાં કોની સામે લડવા મોકલે? શું પાકિસ્તાન સમર્થિત તાલિબાનો સામે લડવા માટે? પાકિસ્તાનને નારાજ કરવાનું ચીન ક્યારેય પસંદ કરે? અને ભારત તો ભૂલેચૂકે પણ પોતાના સૈનિકોને અફઘાનિસ્તાન ક્યારેય ન મોકલે, એ ભારત-અફઘાનિસ્તાનના દ્વિપક્ષી સંબંધોનો એક જુદો જ ઇતિહાસ છે. શું ટ્રમ્પને આ બધું નથી સમજાતું?

Related Posts
1 of 269

સૌ પ્રથમ તો ટ્રમ્પે અરીસામાં જોઈને એ શીખવું અને સમજવું જોઈએ કે, બીજા વિશ્વયુદ્ધ બાદ અમેરિકાએ પોતાની અર્થવ્યવસ્થા બચાવવા માટે અને વિશ્વમાં વર્ચસ્વ વધારવા માટે દુનિયામાં જે રીતે તેણે પોતાના સૈન્યની જાળ પાથરી હતી, તેમાં અનેક દેશોને વગરવાંકે બરબાદ કરી દીધેલા અને ત્યાર બાદ બરબાદ થયેલા દેશોની રક્ષામાટે સહાયકર્યા કરેલી. યુદ્ધમાં શસ્ત્રો પણ વેચાય અને પુનઃસ્થાપનમાં ધંધો પણ થાય. આખી દુનિયા જાણે છે કે અમેરિકા જ્યારે કોઈ દેશ પાછળ એક ડૉલર ખર્ચે છે તે ત્રણ ડૉલર બનીને તેની પાસે પરત પહોંચે છે.

હવે વાત ભારતની નીતિની અને અફઘાનિસ્તાનમાં તેના યોગદાનની કરીએ. ટ્રમ્પ જે પુસ્તકાલયની વાત કરે છે તે લાઇબ્રેરી નહીં, પરંતુ અફઘાનિસ્તાનનું શાનદાર સંસદભવન છે જેનું નિર્માણ ઇન્દિરા ગાંધીના સમયમાં શરૃ થયું હતું. ભારતે બનાવેલું સંસદભવન અફઘાનિસ્તાનનો અણમોલ વારસો છે. જે રીતે બાદશાહ જાહિરશાહના મહેલ કાખે-ગુલિસ્તાનપર દરેક અફઘાનીને ગર્વ છે, તેવી જ રીતે આ સંસદભવન પર પણ તેમને ગર્વ છે. આ સંસદભવનને પુસ્તકાલય ગણાવીને ટ્રમ્પે માત્ર ભારત કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઠેકડી નથી ઉડાવી, પરંતુ પોતાની ઝેરીલી માનસિકતાનો જગતને પરિચય કરાવ્યો છે.

ભારતે અફઘાનિસ્તાનમાં બાળકોની એવી મોટી હૉસ્પિટલ દાયકાઓ પહેલાં જ તૈયાર કરી આપી છે, જેણે લાખો અફઘાની બાળકોને જીવન આપ્યું છે. ભારત ત્યાં લગભગ ૨૫૦૦૦ કરોડ રૃપિયા વાપરી ચૂક્યું છે. નિર્માણકાર્યોમાં ત્યાં અમેરિકા, રશિયા કે ચીન કોઈએ પણ આટલા રૃપિયા વાપર્યા નથી, તે હકીકત છે. વીજળીઘર, વીજળીની લાંબી લાંબી લાઈનો, ઘણા બધા બંધ, ઘણી નહેરો અને પંચાયત ઘરો સુધીનાં નિર્માણકાર્યોમાં ભારતનું સીધું યોગદાન છે. ઈરાન અને અફઘાનિસ્તાનને સીધા સડક માર્ગે જોડવાનું કાર્ય કરતી વખતે માત્ર અબજો રૃપિયા જ નહીં, તાલિબાની હુમલાઓમાં ઘણા મજૂરો અને જવાનોના જીવન કુરબાન કર્યા છે. આવાગમન માટે પાકિસ્તાન પર નિર્ભર રહેવાની અફઘાનિસ્તાનની ૨૦૦ વર્ષ જૂની મજબૂરીને સમાપ્ત કરી છે. અફઘાનિસ્તાનની ઉત્તરે રશિયાએ અને દક્ષિણમાં અમેરિકાએ ૫૦-૫૫ વર્ષ પહેલાં માર્ગોની વિષમ જાળ પાથરી હતી, પરંતુ ભારત દ્વારા નિર્મિત આ માર્ગ પછી અફઘાનિસ્તાન જેવા ઘેરાયેલા દેશને ભારતે ભૂ-રાજકીય સ્વતંત્રતા પ્રદાન કરી છે. એટલું જ નહીં, અફઘાનિસ્તાનમાં ભારતના હજારો તબીબો, એન્જિનિયરો, શિક્ષકો, પત્રકારો અને જુદાં-જુદાં ક્ષેત્રોના તજજ્ઞોએ છેલ્લાં ૭૦ વર્ષ દરમિયાન એવું જોરદાર યોગદાન આપ્યું છે કે, ત્યાંના કટ્ટરવાદીઓ પણ ભારતની પ્રશંસા કર્યા વિના રહી શકતા નથી. એક તરફ અમેરિકાના સૈનિકો પોતાની બખ્તરિયાર ગાડીઓ, બંદૂકો, મિસાઇલો અને તોપો છતાં અફઘાનિસ્તાનનાં ગામોમાં જતા ડરે છે, જ્યારે ભારતીય નિષ્ણાતો હથિયારો વિના જ ગામે-ગામ જઈને લોકોની સેવા કરે છે.

અમેરિકા જેવા મૂડીવાદી દેશની માનસિકતામાં પૈસો જ સૌથી મહત્ત્વનો છે, પરંતુ ભારતના સંસ્કારોમાં માનવતાનું મહત્ત્વ છે. ભારતની સંસ્કૃતિ સ્વાર્થ કરતાં પરમાર્થને મહાન ગણે છે. વસુધૈવ કુટુમ્બકમ્ની ભારતીય સંસ્કૃતિની વિભાવનામાં માનવમાત્ર હોવાની સામે દેશની સરહદો ઓગળી જાય છે. નૈતિક મૂલ્યો અને આદર્શોને વરેલા ભારતમાં માનવજીવન ધોરણનું અને સુખાકારીનું મૂલ્ય પૈસો-વૈભવ કરતાં અનેકગણુ વધારે છે. અને સફળતા અને સિદ્ધિ અંગેની સમજ અમેરિકા જેવા ભૌતિકવાદી દેશ કરતાં તદ્દન અલગ છે. આટલું સમજવા માટે અમેરિકા આવનારા અનેક સૈકાઓ સુધી બુદ્ધુ જ રહેવાનું છે, તે તેના અહંકારી પ્રમુખના આવા વાણી-વિલાસ પરથી સ્પષ્ટ સમજાય છે.

 અમેરિકી પ્રમુખ ટ્રમ્પને કોણ સમજાવે કે તમારી પશ્ચિમી સંસ્કૃતિ અને અમારી પૂર્વની ભારતીય સંસ્કૃતિમાં એવો ભેદ છે કે વિચાર, વાણી કે વર્તનમાં ક્યાંય આપણા વચ્ચે તુલના શક્ય જ નથી. કેટલાંક વર્ષો પહેલાં મનોજ કુમારની હિટ ફિલ્મ પૂરબ ઔર પશ્ચિમઆવી હતી. તેમાં એક ગીત હતું, જેના શબ્દોનો ભાવાર્થ જો ટ્રમ્પને સમજાય તો તેના કોઈ હિતેચ્છુએ તેને સમજવા માટે મોકલવા જેવા છે. ગીતના શબ્દોમાં ભારતની નીતિ-રીતિ, સંસ્કૃતિ, સામર્થ્ય ઉપરાંત પ્રત્યેક દેશવાસીના સ્વાભિમાન અને ભારતપ્રેમનો પડઘો પડે છે. ગીતના શબ્દો છે… કાલે ગોરે કા ભેદ નહીં, હર દિલ સે હમારા નાતા હૈ, કુછ ઔર ન આતા હો હમકો, હમે પ્યાર નિભાના આતા હૈ… જીતે હો કિસીને દેશ તો ક્યા, હમને તો દિલોં કો જીતા હૈ, યહાં રામ અભી તક હૈ નર મેં, નારી મેં અભી તક સીતા હૈ… ઈતની મમતા નદીઓં કો ભી, જહાં માતા કહ કે બુલાતે હૈ, ઈતના આદર ઇન્સાન તો ક્યા, પથ્થર ભી પૂજે જાતે હૈ, ઈસ ધરતી પે મૈને જનમ લિયા યે સોચ કે મૈ ઈતરાતા હૂં.. ભારત કા રહેને વાલા હૂં, ભારત કી બાત સુનાતા હૂં… 

————–

Leave A Reply

Your email address will not be published.

Translate »