તમારા માટે, તમારી સાથે, સતત…

કલ, આજ ઔર કલ

પતંજલિ એ કબીરની જેમ 'કલ કરસો આજ ઓર આજ કરસો અભી'થી કામ ચલાવી લીધું હોત

0 175
  • ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન

એકમાં ખીલતાં અનેકમાં ખરતાં સમયના કાંટાથી પાડી ભાગ
ઓછો કે વધુ વસંત ને પાનખરથી અધૂરો રહેતો સૌનો બાગ

નવું વર્ષ શરૃ થઈ ગયું. ઘણા જૂનાં વર્ષો પહેલાં નવું અર્થાત્ ન્યૂ પૃથ્વી પર વિવિધ સ્થળે ન્યોવી, નિઓવ, ન્યેવ, ન્યુવી, ન્યૂશ, નિવાહ, નોવ્યી, નોવસ, નોવુ તરીકે ઓળખાતું. શું જૂનું થયું હશે ને પ્રથમ વાર શું નવું જાહેર થયું હતું એ જાણકારી આપણને નથી મળવાની. હા, સૌથી જૂનું ન્યૂભાષાની રીતે સંસ્કૃતમાં મળી આવેલું છે તેવું કહી શકાય- નવ. નવીન. નવજ. નવીય. નવક. જૂનું રદ થાય છે ને શારડીએ પાડેલા કાણામાંથી લુપ્ત થઈ જવા જે સરે છે તે શારદ. જેને કોઈ સ્પર્શ્યું નથી એવામાં જેને નાહતું કરવાનો અવકાશ નથી તે અહત. અક્ષુણ્ણ. અગાઉ જેવો જ હોઈ શકે છતાં જે નવજાત છે તે પ્રકાશ કે પ્રકાલ અપૂર્વ જ કહેવાય. જેનામાં રજસના રસની ભીનાશ, વહનક્ષમતા ને તરલતા છે તે સરસ તેમ જ આર્દ્ર. નિષ્પુરાણ. બિનઐતિહાસિક. અપુનરુક્ત. વણલિખિત. અશ્રુતા. નૂતન. નવું આપણા કરતાં આગળ હોય છે ને એક ક્ષણ એવી આવે છે જ્યારે એ આપણી સમક્ષ પ્રગટે છે- પ્રત્યગ્ર. નેચરલી નવું તેને જ કહેવાય જે તાજું હોય તથા મૂળભૂત સ્વરૃપમાં હોય. સંસ્કૃતમાં નવું એટલે નગ્ન. દિગંબર હોય કે સ્થાનાંબર, નવું પોતાની આગવી રીતે સ્પષ્ટ હોય છે તથા ઇષ્ટ બની શકે છે.

બાઇબલ કહે છે- સાવધાન, આ જ પાકી ગયેલી વેળા છે, અત્યારે જ મુક્તિનો વખત છે. સ્વાભાવિક રીતે બાઇબલ જેમને અત્યારે એટલે શું એ સમજ પડે છે તેમને કહે છે. મુક્તિ એ ભવિષ્યની વાત છે પણ, એ અત્યારે શું કરવું જોઈએ તે કહે છે. મમ્મી-પપ્પા ને શિક્ષક બાળકને આવનારાં વર્ષો માટે આજે શું કરવું તે કહે છે. અર્થશાસ્ત્રીઓ આવનારાં વર્ષોનું મહાઆયોજન લેખિતમાં આપી અને કહે છે આ વર્ષે આવું કરો. જ્યોતિષ આવતી કાલની વાતો કરી શકે છે એટલે આજે જીવે છે. આજે વીમો ઉતારો તો જીવનની સીડી ચઢીને મૃત્યુ સુધી પહોંચો પછી લાભ થાય છે એટલે આજે વીમો ઉતારવાનું કામ શુભ લેખાય છે. કપૂરી ચલચિત્ર  કલ, આજ ઔર કલએક જ જીવનના સંદર્ભમાં વિચારીએ તો સાહિત્યકાર જે ત્રિભેટો શબ્દ વાપરતાં હોય છે તે વધુ સમજાય. ત્રિવેણીસંગમ અદ્ભુત શબ્દ છે. વારુ, ખરું જાણીએ તો એકશબ્દી કવિતા છે. સમાગમ, સમ્નિર્ગમન નહીં. સમઃસ્થ નથી. સમસ્ત પણ નથી. વાસ્તવમાં સમત્વ કે સમતા એ ગમનમાં છે. જળ ને કાળ બંને કળા કરે છે. કાલ એટલે જે કાલે હતો ને કાલ થશે તે જ છે. વહેતા જળને નદી કહેવાય છે તેમ વહેતા કાલના એક સેક્શનને આજ કહેવાય છે. વહે છે તે જળ છે, શું નદી વહે છે? જે રહેતી નથી તે આજ જેવું કશું છે ખરું? અત્યારે જેવું કશું છે ખરું?

કહે છે સૂર્યના કિરણને સૂર્યથી પૃથ્વી સુધી પહોંચતા આઠ મિનિટ ને વીસ સેકન્ડ લાગે છે. અતઃ સંસારનો કોઈ પણ મનુષ્ય જ્યારે પણ સૂર્ય જુએ છે ત્યારે તે અમુક સેકન્ડ પહેલાંનો સૂર્ય જુએ છે. પીટી ઉષાજી ૮૪માં સેકન્ડના સોમા ભાગ માટે મેડલથી આજીવન દૂર રહેલાં. બીજી રીતે કહીએ તો એ આપણા માટે જે નગણ્ય સમય છે તેટલો સમય જૂના પડ્યા. કમ્પ્યુટરનો કોઈ પ્રોગ્રામ હોય કે જ્યોતિષશાસ્ત્ર મુજબ બનતી કુંડળી, સમયની માપણી અસામાન્ય ચોકસાઈ માગે છે. ભાવાર્થનું કહેવાનું કે આજમાં જીવવાનું કે અત્યારમાં જીવવાનું એ અત્યંત સાંદર્ભિક ને સાપેક્ષ હોય છે. સમયના ભાગ પાડવાથી સમયના ટુકડા નથી થતાં. આજ ને અત્યાર જેવા ચંદ અક્ષરોથી નિરક્ષર યાને જેનો ક્ષર અશક્ય છે તે મહાકાલ ફક્ત કલ્પના કે ઉદાહરણ પૂરતો જ લઘુ કે ક્ષુદ્ર કાલ બને છે. પોતાના ડાબા હાથને ગમે તેટલો દૂર સુધી લંબાવો એ જમણા હાથ માટે પેલો હાથ નહીં થાય, આ હાથ જ રહેશે. સવારે આઠ વાગે જે શ્વાસ લીધેલો તેને લીધે રાતે આઠ વાગે આપણે નથી જીવ્યા તેવું કોઈ ના કહી શકે. ગઈ કાલે સાંજે જે શ્વાસ લીધા હતા તે જો ના લીધા હોત તો આવતી કાલે એક પણ ઉચ્છ્વાસ આપવાનું શક્ય ના બને.

નવું તથા જૂનું એટલે સ્મરણ ને સ્વપ્ન. મોટિવેશન ને ઇન્સ્પિરેશન-એસ્પિરેશનની સર્વિસ કે કેરિયરમાં જીવતા મનુષ્યો આપણા મનને તટસ્થ લાગે છે. એ જાતકો ઝેનેટિક થઈને બોલી કાઢે છે- આજમાં જીવો. યોગ ને સ્પિરિચ્યુઆલિટી અંગેના ક્વોટમાં સૌથી ફેમસ તેમ જ કેચી ક્વોટ છે- બી નાઉ. બુદ્ધવાદીઓ સ્મૃતિપ્રમોષ નામની એક પ્રક્રિયા જાણતા હોય છે જેમાં દિવસ દરમિયાનની મેમરી ભૂંસીને રાતે નીંદર પામવાની હોય છે. કથાકારો કે પ્રવચનકર્તાઓ એવી કોઈ ક્રિયા શીખવાડે તો એમની લાભ-સલાહ ને શુભ-સૂચના પણ ભૂલાઈ જાય. એટલે જ કદાચન એ સુલોકો શ્રોતાજનને પોતાની અમુક તમુક યાદને કેવી રીતે બાજુમાં મૂકવી એ સમજાવે છે. કેટલાક સ્ટેજપતિઓ સારી યાદને નજર સામે રાખવાનું કહે છે તો અમુક સ્ટેજપત્નીઓ સારી યાદનું નિર્માણ કરવાનું કહે છે. ટૂંકમાં મહદ્ સૂર એક હોય છે કે બંને પ્રકારના કાલખંડને ક્યાંક બાજુમાં મૂકી દો.

Related Posts
1 of 53

કિન્તુ, સવાલ એ છે કે હમણા, પછી કે થોડી વાર રહીનેનું શું? આજ ફરજિયાતપણે કુલ ચોવીસ કલાકની હોય છે અને જ્યારે પીટી ઉષા હારી ગઈ છે એ સમજણ માટે એક સેકન્ડનો સોમો ભાગ કાફી હતો ત્યાં ઇમેજિનેશન માટે તો એક સેકન્ડ અધધ થઈ જાય. અહીં હું જે છું એ છું, તે અત્યારે જ છું એ નક્કી કરીને વિચારશૂન્ય તો કેવી રીતે થવાય? એ કોયડો જે ઉકેલી નથી શકતા એ લોકો આજની વાતમાં હાજી હો પુરાવે છે. સત્ય સમજીએ તો એ લોકો આજ વિષયક વાત કરે છે, આજની નહીં અને આજ અંગેની કોઈ પણ વાત પૂર્ણ થઈ અને સાંભળનાર કે વાંચનારના મનમાં પ્રવેશે ત્યાં સુધીમાં એકથી વધુ નાઉ વીતી જાય છે. ભારત પ્રદેશમાં જે તે વર્તમાનકાળમાં જન્મેલા ને આજે ઓલ્ડ, ઓલ્ડર ને ઓલ્ડેસ્ટ કહેવાતાં શાસ્ત્રો એવી વાતો કરનારને ના પાડે છે કે હે ટુડેજી, તમો આગળ વાંચવાનું રહેવા દો, કારણ કે તમે તમારા નેક્સ્ટ, ધેન ને લેટર વગેરેમાંથી બહાર નથી આવી શકતા ને વાર્તા કરો છો પાસ્ટ ભૂલી જવાની, ભૂતકાળ વિસરી ગયાની.

સંસ્કૃત પ્રમાણે નૂનમ અર્થાત્ અત્યારે. વળી અંગ્રેજી નાઉજેના પરથી આવ્યું એ જર્મન શબ્દ પણ નુન. જેના પરથી નવું એટલે આધુનિક આવ્યું છે તે અધુના એટલે અત્યારે. ઇદાનીમ, સદ્યઃ જેવા સંસ્કૃતમાં અન્ય ઘણા શબ્દ નાઉમાટે છે. એક પણ શબ્દ કોઈ ભાષામાં એવો નથી કે જે બોલો ત્યાં સુધી નાઉ થંભેલું રહે. અત્યારેબોલતાં-સાંભળતા કેટલી વાર થાય છે તેનું મહત્ત્વ મૃત્યુ સમયે કહેવા-સાંભળવાનું બાકી રહી જાય તે બે જીવને ખબર હોય. નાઉસ્થિતિ કરતાં પરિસ્થિતિ વધારે ને તેથી વધારે અસ્થિતિ છે. ઇદમ્ કહો કે એતદ. આવત નહીં, પણ અત્યારે એટલે તાવત છે. નાઉ માટેના પર્યાયવાચી શબ્દોના ઢગલામાંથી શાસ્ત્રકારોને ગમતો શબ્દ છે અથ. અથ શ્રી મહાભારત કથા કે અથ શ્રી દેવી સહસ્ત્ર નામાવલિ. મુનિ પતંજલિએ અથશબ્દ કામમાં લઈને યોગસૂત્રોનું રણશિંગું ફૂંકતા અથ યોગાનુશાસનમકીધું. પતંજલિ જેવા એક-એક શ્વાસ ફૂંકીને લેનારા કે કાઢનારા વ્યક્તિ કોઈ પણ શબ્દને અવ્વલ દરજ્જો કંઈ એમ જ ના આપી દે. જેને વીતેલા સમયનો દસ માથાળો અસુર કીધો છે તે રાવણને જો ખબર પડતી હોય કે શુભસ્ય શીઘ્રમ, અશુભસ્ય કાલ હરણમતો પતંજલિ તો ફુલ-ટાઇમ ફક્ત યોગનું કામ લઈને બેઠેલા હતા. એમને કાળની શીઘ્રતાનું ભલીભાંતિ જ્ઞાન હોય જ. રાવણ રામ-લક્ષ્મણને સંબોધીને કહેતા હતા તેમ પતંજલિ યોગના રસ્તા પર નીકળી પડેલાને કહેતા હતા.

બેશક સામાન્યજનને કીધું હોત તો પતંજલિ એ કબીરની જેમ કલ કરસો આજ ઓર આજ કરસો અભીથી કામ ચલાવી લીધું હોત. શ્રી રાવણે ધીરજના ફળ ટેસ્ટી, શ્રદ્ધાના ફળ હેલ્ધી ને કલ નહીં તો પરસોં કિરપા બરસેગી એવું ઉવાચ્યુ હોત. નિઃસંદેહ યોગ ગુરુ પતંજલિને સ્વયં પાક્કો અનુભવ હશે કે જે નાઉમાં પ્રવેશી શકે ને તેમાંથી ન્યૂ નાઉમાં પ્રગમન કરી શકે એ જ ઇમેજરી બાજુમાં મૂકીને કોરો માને શૂન્ય થઈ શકી નવું ભાગ્ય નહીં કુલ્ય લખી-લખાવી શકે. જરૃર ઋગ્વેદનું નાસદીય સૂક્ત એમણે પચાવ્યું હશે. ત્યારે કશું જ અસ્તિત્વ કે અનાસ્તિત્વ જેવું હતું જ નહીં; ત્યારે અવકાશનું રાજ્ય પણ ન હતું કે ન હતું અનંત આકાશ; શું થયું તો? ક્યાં થયું? કોની રાહબરી હેઠળ થયું? ત્યારે શું અગમ અગાધ અતલ જળ હતું ખરું?’ ઋગ્વેદના રચનાકારોએ એમની યાદદાસ્તને શત પ્રતિશત તપાસી તેમ જ ચકાસી, પણ એવી કોઈ ઇમેજ નહીં મળી હોય જેના આધારે બિગ-બેંગ ઉર્ફે બ્રહ્મસ્ફૂટ વખતે શું થયું એવો એસ્ટીમેટ પણ માંડી શકાય. જ્યારે આ સર્જન પ્રગટ થયું; કદાચ તે સ્વયં-પ્રાકટ્ય હતું. કદાચ તેવું ન હતું. તેનું જે પણ સર્વોચ્ચ જન્મ-બિન્દુ છે; ઊંચે છેક સ્વર્ગમાં બિરાજેલ, ફક્ત તે જ જાણે છે; કદાચ તેય નથી જાણતો.વાહ!

શક્યતઃ પતંજલિએ સમયમાં પ્રવાસ કરીને જોયું હશે કે એવા આંટાફેરા એક કે વધુ કર્મ હોઈ શકે છે, કિન્તુ યોગ સાધવા માટે કામના નથી. અનુભવ હંમેશાં વહી ગયેલી ક્ષણો કે વર્ષોનો હોય. અ અનુભવનો અ. માહેશ્વરસૂત્રકહો કે માતૃકાચક્રનો પહેલો અક્ષર શૈવવાદ મુજબ પરમ તત્ત્વ શિવની ને સમસ્ત અસ્તિત્વની પાયાની ચિત્તશક્તિ છે. અધર એટલે હોઠ એ સૌ જાણે છે. આ વાંચનારને હવે વડે એ અથશબ્દનું મૂળ સમજાયું હશે. શિવોહમમાં જે શિવ છે તેમની અને જે અહમ છે તેની છેલ્લી કર્મેન્દ્રિય છે. ઉપસ્થ યાને મળદ્વાર. શિક્ષક પતંજલિ યોગ શીખવા માટે કોઈ આગળના સૂત્રનો અભ્યાસ કરે એ પહેલાં તેને પ્રથમ ચરણમાં જ કહી દે છે કે અત્રે અત્યારે જ યોગનું અનુશાસન લાગુ પડી ગયું છે.

વલોવવા જેવો મુદ્દો છે કે શું આપણે નાઉમાં જીવી શકીએ છીએ? શું હું અથસાથે એકરૃપ થઈ શકું છું? જવાબ નામાં આવે તો યોગની વાત તો બાજુમાં રહી, પણ આપણે હું આજમાં જીવી શકું છુંએ ભ્રમને પણ કડક હાથે ટપારવો રહ્યો. કેવળ સમય અને મન-મગજની છાપવચ્ચેનો સપ્લાય ચ ડિમાન્ડના સેતુ પર સહેલ કરતાં રહેવાનું. આજએ અત્યારનું મોટું સ્વરૃપ નથી. આજએ ગઈ ને આવતીકાલનું જિનિઅસ કોમ્બિનેશન છે. વર્ચ્યુઅલ. સરિઅલ. મેમોરિઅલ. આજ એ માર્ગ છે, મંજિલ નથી. અરે, મુકામ પણ નથી. મોટિવેશન માટે સંસ્કૃતમાં સુંદર શબ્દ છે- પ્રયુક્તિ. જ્યાં યુક્તિ હોય ત્યાં મુક્તિ હોય? યુક્ત ને યોગમાં લાંબો, પહોળો ને ઊંચો, ઊંડો ફરક. યુક્તિ કે પ્રયુક્તિનું ક્ષેત્રફળ અહીંથી ત્યાં અને અત્યારેમાંથી ત્યારે સુધી જ મર્યાદિત હોય. જ્યારે યોગનું ઘનફળ સમય નામક રાશિને પૂર્ણ વા કુલ સ્વરૃપે ગણે છે. આપણે અદ્ય યુક્તિશાસનમ કે અથ ભોગશાસનમ જેવા સૂત્રને ગળે હાર ગણીને બાંધીએ, પણ, જે હતું ને હશે એ સાચું સ્વીકારીએ. સમયને અદ્ય અર્થાત્ આજ નહીં કાલ કહે છે. મહાઆજ નામક કોઈ મહાદેવ નથી. સમયનું કોઈ સમાનાર્થી નવ કે ન્યૂ નથી. વર્ષ નવું હોય તેથી શું? નાઉ જેટલું જલ્દી કશું જ ભૂતકાળ નથી થતું ને ટુડે એ સતત ક્ષર પામતી ગલી છે. તમે ચાલુ લિફ્ટને સ્થિર સ્થિતિ ગણી તેને વિસામો જાહેર કરો એટલે તેની ગતિ રોકાવાની નથી. ચલતા ભલા એ સાધુ બેસી શકે છે, સમય નહીં. સો, આજ ને અત્યારેના કે જૂના ને નવાના મનોરંજનમાંથી નીકળીને ગતિમાં રહેવું એ ખરું અને ખરેખર જો સતત નવી આજ ને નવા અત્યારેમાં જીવવું હોય તો સંવતની સંગતમાં રહેવું, સમ્પ્રતિની સાથે પગલાં પાડવા જેથી સમયની સંપદાનો બહુચર ને બહુરૃપ ભાગ બની કુલ સમયમય થઈ શકાય.

બુઝારો – આંખ સ્વયંને કદી જોઈ શકતી નથી, આંખની આગળ અરીસો હોય તો અરીસા પાછળનું નથી દેખાતું ને આંખ આગળ હથેળી હોય તો અરીસો ઢંકાઈ જાય છે.
——————–

Leave A Reply

Your email address will not be published.

Translate »