તમારા માટે, તમારી સાથે, સતત…

કચ્છમાં રખડતાં ઢોરોની સંભાળ માટે રચાશે ગૌઅભયારણ્ય

આ અભયારણ્યમાં બિનવારસુ ઢોરોનો નિભાવ કરાશે.

0 97
  • પાંજો કચ્છ – સુચિતા બોઘાણી કનર

ગુજરાતનાં બીજા શહેરોની જેમ જ કચ્છનાં ગામડાં અને શહેરોમાં રખડતાં ઢોરોની સમસ્યા વિકરાળ સ્વરૃપ ધારણ કરી ચૂકી છે. નગરપાલિકા કે ગ્રામ પંચાયત આવા ઢોર પકડે પછી પણ તેને સંભાળે કોણ તે સવાલ છે. કોઈ પાંજરાપોળ બિનવારસુ પશુઓને સાચવવા તૈયાર થતી નથી. ત્યારે નખત્રાણા તાલુકાની ૭ ગ્રામ પંચાયતો સાથે મળીને સો એકર જમીનમાં આવાં પશુઓને સાચવવા ગૌઅભયારણ્ય બનાવી રહી છે.

ગૌઅભયારણ્યમાં ચરિયાણ વિકસાવાશે, તળાવો બનાવાશે, સૂકો ચારો સંગ્રહાશે, સારી ઓલાદના બળદોને ઉછેરાશે, પશુઓના આરોગ્યનું ધ્યાન રખાશે. તમામ કામ માટે મૅનેજમૅન્ટ સમિતિ રચાશે. ખર્ચ માટેના નાણા ગ્રામ પંચાયતો, ખેડૂતો, દાતાઓ અને સરકારી યોજનામાંથી મેળવાશે. ગૌઅભયારણ્ય લોકભાગીદારીથી અને લાંબો સમય ચાલે તે રીતે તેનું સંચાલન કરાશે.

કચ્છનાં તમામ ગામો અને શહેરોમાં રખડતાં ઢોરોની સમસ્યા વકરી છે. આવાં પશુઓના કારણે અનેક વખત અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે, પરંતુ નગરપાલિકા કે ગ્રામ પંચાયતો આ સમસ્યા પર કાબૂ મેળવવામાં સફળ થઈ નથી. હકીકતે તો આવાં પશુઓને નિભાવવાની જવાબદારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની હોય છે, પરંતુ તે માટે કોઈ યોજના કે કોઈ ભંડોળ હોતું નથી. અત્યારે ગૌચર જમીનો પરનાં દબાણો પણ વધી રહ્યાં છે. ગૌચરમાં ઘાસ ન મળવાથી રખડતાં પશુઓ ગામમાં આવે છે અને લોકોની સલામતી કે સ્વચ્છતાના પ્રશ્નો સર્જાય છે. બિનવારસુ પશુઓના પ્રશ્નના ઉકેલ માટે નખત્રાણા તાલુકાની ૭ ગ્રામ પંચાયતો આગળ આવી છે. આ ગામોના સહિયારા ગૌચરમાં ગૌઅભયારણ્ય બનાવવાનું આયોજન છે.

નખત્રાણા તાલુકાની નખત્રાણા, નાગલપર, વિથોણ, અંગિયા નાના અને અંગિયા મોટા, ધાવડા નાના અને ધાવડા મોટા ગ્રામ પંચાયતો આ આયોજન કરી રહી છે. આ અભયારણ્યમાં બિનવારસુ ઢોરોનો નિભાવ કરાશે. પાંજરાપોળ કે ગૌશાળા પશુઓને સાચવે છે, પરંતુ દુષ્કાળના સમયમાં તેઓની પણ મર્યાદા આવી જાય છે. આથી જ આ અભયારણ્યનું આયોજન લાંબા ગાળાનું આયોજન થાય તે અત્યંત જરૃરી છે. મોટા અંગિયાના સરપંચની અભયારણ્ય રચવાની કલ્પના ધીરે-ધીરે સાકાર થઈ રહી છે. અત્યારે પ્રાથમિક તબક્કે ગૌચરની ઝાડી કાપવાનું અને તેને વાડ કરવાનું કામ થઈ રહ્યું છે. આગામી માર્ચ-એપ્રિલ સુધીમાં અભયારણ્ય તૈયાર થઈ જવાની શક્યતા છે. જ્યારે દુષ્કાળની મુશ્કેલી ચરમસીમા પર હશે ત્યારે આ અભયારણ્ય રખડતાં પશુઓને સાચવવા સજ્જ બન્યું હશે.

આ અંગે વાત કરતાં મોટા અંગિયાના સરપંચ ઇકબાલ આમદ ઘાંચીએ જણાવ્યું હતું કે, ‘રખડતાં પશુઓનો નિભાવ કરવાનું કામ ઘણું કપરું છે. આથી જ જે અભયારણ્ય બને છે તે સરકાર કે પંચાયતની યોજનાના બદલે લોકોની યોજના બને તો જ કાયમી રીતે  કાર્યરત રહી શકે. આથી જ જ્યારે આ અભયારણ્યના સંચાલન માટે જે સમિતિની રચના કરાશે તેમાં દરેક ગામના સરપંચ ઉપરાંત એક ખેડૂત, એક માલધારી હશે. આમ ૭ ગામોની આ સમિતિ ૨૧ લોકોની બનેલી હશે. ગૌઅભયારણ્ય માટેના ખર્ચમાં પણ લોકભાગીદારી હશે તેથી લોકોને પણ તે પોતાનું જ કામ હોય તેવી લાગણી થશે અને તે લાંબો સમય વ્યવસ્થિત રીતે ચાલશે. પશુઓના નિભાવ માટે અહીં ઘાસ ઉગાડાશે, સૂકા ઘાંસનો સંગ્રહ કરાશે અને પાણી માટે તળાવ બનાવાશે, બોરનું પાણી પણ મળી રહે તે માટે પાઇપલાઇન બિછાવાશે. જો લાંબો સમય આ પ્રયોગ સફળ થાય તો અન્ય વિસ્તારોમાં આવા ગૌઅભયારણ્ય બનાવી શકાય.’

Related Posts
1 of 319

ગૌચર જમીનમાં નજીક નજીકના ગામોનાં બધાં જ પશુઓ ચરતાં હોય છે આથી જો એક જ ગામમાં આવી સમિતિ બનાવાય તો તે પૂરતી ઉપયોગી સાબિત થઈ શકે નહીં. તેથી સાત ગામોના સહિયારા ગૌચરમાં અભયારણ્ય બનાવાઈ રહ્યું છે. ક્યા ગામના કેટલા બિનવારસુ પશુઓ છે તેની નોંધણી પણ તેટલી જ જરૃરી છે. નહીં તો બિનઉપયોગી થતાં ગૌવંશને લોકો નધણિયાતા છોડી દેશે. આથી જ અત્યારે દરેક ગામના પાળેલા અને નધણિયાતા પશુઓની મોજણી ચાલી રહી છે. ભવિષ્યમાં કોઈ માલિકનું પશુ રખડતું દેખાય તો તેને ૨૪ કલાક પછી અભયારણ્યમાં લઈ જવાશે. પછી જો કોઈ માલિકને તે પશુ પરત જોઈતું હોય તો તેણે નક્કી કરાયેલો દંડ ભરવો પડશે. તેમ જ પશુઓની નોંધણી કરીને તેના ફોટા સાથેનું પશુકાર્ડ બનાવાશે. જેમાં પશુ અને તેના માલિકની તમામ વિગતો હશે. વારસુ અને બિનવારસુ પશુઓને અલગ-અલગ પ્રકારનું ટેગિંગ પણ કરાશે. જેથી કોઈ માલિક તેના પશુને છોડી મુકે તો તેની વિગત પણ તરત જ મળી શકશે.

આ અભયારણ્યના સંચાલન માટે જોઈતા નાણા પંચાયતો, સરકારી યોજનાઓ, ખેડૂતો અને દાતાઓની મદદથી ઊભા કરાશે. આસપાસનાં ગામોના મળીને અંદાજે ૧૨૦૦ ખેડૂતો છે. બધા ખેડૂતો ચારાના ઉત્પાદનના ૧૦-૧૫ ટકા ઉત્પાદન અભયારણ્યને આપવા માટે સૂચના અપાશે. તેથી પશુઓ માટે દુકાળના વર્ષમાં ચારાનો પ્રશ્ન હળવો બનશે. ઉપરાંત દરેક ગ્રામ પંચાયત તેમને મળતી ૧૪ નાણાપંચની ગ્રાન્ટમાંથી પોતાના ગામ પાસે આવું નાનું અભયારણ્ય બનાવે તે માટે સરકાર સાથે વાટાઘાટો કરાશે.

ગૌચર જમીનમાં અત્યારે ગાંડા બાવળનું સામ્રાજ્ય છે. તેથી પહેલા જમીન સાફ કરાવી, તેને ફરતે સજીવ વાડ (કાંટાળા વૃક્ષોની વાડ) બનાવાશે. ત્યાર પછી ઘાસિયા મેદાન બનાવવા પ્લોટિંગ કરાશે. સૂકા ઘાસનો સંગ્રહ પણ કરાશે. ઘાસ ઉછેરવા માટે દરેક ગામની ગટરનું પાણી અભયારણ્ય સુધી લાવીને તેને ફિલ્ટર કરીને તે પાણીનો ઉપયોગ ઘાસની ખેતી માટે કરાશે. પ્રથમ ૨૫ એકર જમીનમાં ગટરના પાણીથી ઘાસ ઉગાડવા માટેનો પ્રયોગ કરાશે. ઉપરાંત પશુઓ માટે અતિ મહત્ત્વની એવી પીવાના પાણીની સગવડ પણ ઊભી કરાશે. તે માટે ૪-૫ જગ્યાએ પાણીના આવરા અને આવજ્ઞેત્રનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરીને સીમ તળાવો બનાવાશે, જેથી વધુ ને વધુ પાણીનો સંગ્રહ થઈ શકે. ગૌમૂત્ર અને ગોબરનો ઉપયોગ કરી શકાય તે માટે ઢાળવાળા પ્લેટફોર્મ બનાવાશે અને તેની બાજુમાં બનાવેલી ટાંકીઓમાં તેનો સંગ્રહ કરાશે. સ્થાનિક ખેડૂતોને ઓર્ગેનિક ખાતર અપાશે અને તેમાંથી દવાઓ અને અર્ક પણ બનાવાશે. આ વસ્તુઓના અને ગાયોના દૂધના વેચાણથી થયેલી આવકનો ઉપયોગ અભયારણ્યના નિભાવ માટે કરાશે. ઉપરાંત બહારથી સારી ઓલાદના બળદ લાવીને સારી ઓલાદની ગાયોની સંખ્યા વધારાશે. સારા બળદ ખેડૂતોને, ગૌશાળાને કે પાંજરાપોળને અપાશે. પશુઓનું આરોગ્ય સારું રહે તે માટે જિલ્લા પંચાયત સાથે મળીને વેક્સિનેશન તથા અન્ય જરૃરી સારવાર પશુઓને અપાશે.

અભયારણ્યના કામ માટે સ્ટાફ પણ રાખવો પડશે. સો ઢોર દીઠ એક વ્યક્તિ રાખવાનું અત્યારે આયોજન છે. આ અભયારણ્યમાં પશુઓને જો છૂટા ચરવા દેવામાં આવે તો માત્ર ૫૦૦ પશુઓ રહી શકે, પરંતુ તેમને ચારો અપાય તો ૧૦૦ એકર જમીનમાં ૧૦૦૦થી ૧૫૦૦ પશુઓને રાખી શકાય. તેથી અહીં પશુઓને ચારો આપવાનું જ આયોજન છે. અત્યારે ૭ ગામના મળીને અંદાજે ૫૦૦થી ૭૦૦ રખડતાં ઢોર છે. તેથી જો બીજી નગરપાલિકા કે પંચાયત ઢોર પકડીને અહીં રાખવા ઇચ્છશે તો તેનો પણ સમાવેશ કરી શકાશે.

આ ગૌઅભયારણ્ય માટે સરકારી અધિકારીઓ તરફથી પ્રોત્સાહનાત્મક પ્રતિભાવો મળી રહ્યા છે, પરંતુ તેના માટે નાણા ફાળવી શકાય તેવી કોઈ ખાસ યોજના અત્યારે અમલમાં નથી. તેથી ભવિષ્યમાં સરકારે આ દિશામાં પણ વિચારવું જોઈએ. અત્યારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પાણીના ટાંકા માટે નાણાની ફાળવણી કરવામાં આવી છે.

અત્યારે અભયારણ્ય અસ્તિત્વમાં આવે તે માટે તૈયારી થઈ રહી છે. ગૌચરમાંથી બાવળ કાઢવાનું કામ ચાલુ કરાયું છે. આ ૭ ગામોનાં પશુઓની નોંધણી શરૃ કરાઈ છે. જુવારના પાક માટે પણ તૈયારી થઈ રહી છે. પાણી પુરવઠા ખાતાની યોજના હેઠળ ગટરનું પાણી ગૌચર સુધી પહોંચે તે માટેનું કામ શરૃ થઈ ગયું છે. તેમ જ નજીકમાં જ પાણી પુરવઠાના બોરમાંથી અહીં સુધી પાણી પહોંચે તે માટે લાઇન પણ નખાશે.

આ એક નવતર પ્રયોગ થઈ રહ્યો છે. જો તે સફળ થાય તો અન્ય વિસ્તારમાં પણ તે શરૃ કરી શકાય, પરંતુ આ પ્રયોગ સફળ બનાવવા માટે અભયારણ્ય લાંબો સમય, કાયમી રીતે વ્યવસ્થિત ચાલે તે જરૃરી છે. આ સરકારી યોજના બનવાના બદલે ગામ લોકો માટે રોજિંદી પ્રક્રિયા બને તે જરૃરી છે.
—————

Leave A Reply

Your email address will not be published.

Translate »