તમારા માટે, તમારી સાથે, સતત…

‘સત્તાની સેમિફાઇનલ’નાં પરિણામો ભાજપને આંચકો, કોંગ્રેસને સંજીવની આપી ગયા

રાજસ્થાનમાં પરંપરા પ્રમાણે સરકાર બદલાઈ ઃ કોંગ્રેસે સત્તા છીનવી

0 201
  • જનાદેશ – પ્રજ્ઞેશ શુક્લ

લોકસભા ચૂંટણીના મહાસંગ્રામ પહેલાં ‘સત્તાની સેમિફાઇનલ’ ગણાતી પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે શાનદાર દેખાવ કરીને પોતાના કટ્ટર હરીફ ભાજપને ધોબીપછાડ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાષ્ટ્રીય રાજનીતિમાં ઉદય થયો ત્યાર બાદ પહેલી વખત કોંગ્રેસે સીધા લડાઈમાં ભાજપને આવી કારમી હાર આપી છે. કોંગ્રેસને પણ મિઝોરમમાં જોકે મોટો ઝટકો વાગ્યો છે અને મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ)ની આંધીમાં કોંગ્રેસ લગભગ સમેટાઈ ગઈ છે. બીજી તરફ તેલંગાણામાં ટીઆરએસનો ગુલાબી રંગ એવો તો છવાયો કે પક્ષને બે તૃતીયાંશ બહુમતી આસાનીથી મળી ગઈ છે.

૧૧ ડિસેમ્બરની સવારે પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવવાની શરૃઆત થઈ ત્યારે કોઈએ વિચાર્યું પણ નહોતું કે આજનો આ દિવસ આટલો કશ્મકશભર્યો અને આંચકો આપનારો સાબિત થશે. ખાસ કરીને ફૂલ ફોર્મમાં ફરતા ભાજપના નેતાઓ અને કાર્યકરોના પગ નીચેથી તો જાણે જમીન સરકી ગઈ હોય તેવો ઘાટ થયો હતો.

૨૦૧૯ની લોકસભા ચૂંટણીની સેમિફાઇનલ ગણાતી પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં આમ તો રાજસ્થાનમાં ભાજપની હાર નિશ્ચિત ગણાતી હતી, પરંતુ છત્તીસગઢનાં પરિણામો સૌથી વધુ આંચકાજનક રહ્યાં છે. મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસે કાઠું કાઢતા ભાજપની હાલત કફોડી થઈ ગઈ છે. તેલંગાણા અને મિઝોરમનાં ચૂંટણી પરિણામો કરતાં હિન્દી બેલ્ટના ત્રણ સૌથી અગત્યના રાજ્યનાં પરિણામો પર જ તમામની નજર હતી.

રાજસ્થાનમાં વસુંધરા રાજેને મતદારો જાકારો આપશે તેની પ્રબળ શક્યતા સેવાઈ રહી હતી અને તે સાચી પણ પડી છે. કોંગ્રેસે ગ્રાસ રૃટમાં કરેલી મહેનત ફળી અને મહારાણી વસુંધરાની આગેવાનીમાં ભાજપનો વાવટો લગભગ સંકેલાઈ ગયો.

છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપની તમામ વ્યૂહરચના નિષ્ફળ સાબિત થઈ અને સ્ટાર પ્રચારકોની રેલીઓ-સભાઓની પણ કોઈ ખાસ અસર જોવા મળી નહીં. છેલ્લા ઘણા સમયથી એવું દ્રઢપણે માનવામાં આવતું હતું કે, દેશના હિન્દી બેલ્ટનાંવ રાજ્યોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની કૂટનીતિ-રણનીતિનો કોઈ તોડ નથી અને ભાજપને અહીં હરાવવો લગભગ અશક્ય છે. હવે જોકે આ પરિણામોએ ભાજપ-અમિત શાહની રણનીતિ સામે પણ અનેક સવાલો ઊભા કર્યા છે.

આ ચૂંટણીનાં પરિણામો તમામ રાજકીય પક્ષો માટે સ્પષ્ટ સંકેત લઈને આવ્યા છે કે, દેશની જનતા કોઈ એક પક્ષ કે કોઈ એક નેતાની પાછળ પાગલ નથી. જનતા જનાર્દન ગમે ત્યારે મજબૂત ગણાતા પક્ષને પણ ઊથલાવી શકે છે.

આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી પહેલાં અનેક નવાં રાજકીય સમીકરણો અને ગઠબંધનનો પાયો આ ચૂંટણીનાં પરિણામોએ નાખ્યો છે. હિન્દી બેલ્ટના ત્રણ મુખ્ય રાજ્યનાં ચૂંટણી પરિણામો કોંગ્રેસ અને તેના અધ્યક્ષ રાહુલ ગાંધી માટે સંજીવની સાબિત થશે. કોંગ્રેસ હવે લોકસભા ચૂંટણીમાં આત્મવિશ્વાસ સાથે માયાવતી, અખિલેશ યાદવ, મમતા બેનરજી, શરદ પવાર, ચંદ્રાબાબુ નાયડુ જેવા પ્રાદેશિક પક્ષોના દિગ્ગજ નેતાઓ સાથે પોતાની શરતે ગઠબંધન કરવાની સ્થિતિમાં આવી ગઈ છે.

ખાસ કરીને ‘કોંગ્રેસ મુક્ત ભારત’નો નારો આપનારા ભાજપને તો લોકસભા ચૂંટણી પહેલાં જાણે મોટો ઝટકો લાગ્યો છે. ભાજપે હવે તેની રણનીતિ અને ફોકસ બંને બદલવા પડશે. ભાજપના માસ્ટર સ્ટ્રોક ગણાતા પીએમ મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં જોરદાર ચૂંટણી પ્રચાર કર્યો હતો, પરંતુ આમ છતાં આ ત્રણેય રાજ્યમાં કોંગ્રેસે બળૂકી ટક્કર આપીને ભાજપના તમામ પ્લાનની પોલ ખોલી નાખી છે.

છત્તીસગઢ ઃ ભાજપનું સૌથી કંગાળ પ્રદર્શન, આંચકાજનક પરિણામો
ભાજપની સૌથી મોટી અને કારમી હાર ‘ધાન કા કટોરા’ (ધાન્યનો કટોરો) ગણાતા છત્તીસગઢમાં થઈ છે. છત્તીસગઢના ૧૫ વર્ષના ચૂંટણીના ઇતિહાસ અને ચાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું આ સૌથી કંગાળ પ્રદર્શન રહ્યું છે. મુખ્યમંત્રી ડૉ.રમણસિંહની કેબિનેટના મોટા ભાગના મંત્રીઓ જીતથી જોજનો દૂર છે. ભાજપને લગભગ ૧૦ ટકા વોટ શેરનું નુકસાન થતું દેખાઈ રહ્યું છે. છત્તીસગઢની ૯૦ બેઠકો માટે ૧૨ નવેમ્બર અને ૨૦ નવેમ્બરે બે તબક્કામાં મતદાન થયું હતું. ૨૦૧૩ની વિધાનસભા ચૂંટણીમાં ૪૯ બેઠક જીતીને સત્તા મેળવનારા રમણસિંહ માટે આ વખતનાં પરિણામો હચમચાવી દે તેવા આવ્યા છે. રાજ્યમાં કોંગ્રેસે ૬૨ બેઠકો જીતવાની દિશામાં આગેકૂચ કરી છે અને ભાજપ ફક્ત ૧૩ બેઠકમાં સમેટાઈ જાય તેવી સ્થિતિ છે.

ભાજપની કેન્દ્રીય નેતાગીરી માટે પણ આ પરિણામો આંચકાજનક છે. કોંગ્રેસે ૧૫ વર્ષના લાંબા સમયગાળા બાદ આખરે છત્તીસગઢમાં પુનરાગમન કર્યું છે અને ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી છે. વિધાનસભા ચૂંટણી પ્રચારની બાગડોર ખુદ મુખ્યમંત્રી રમણસિંહે જ સંભાળી હતી અને તેમની રણનીતિ પર હાઈકમાન્ડને પૂરો ભરોસો પણ હતો.

રમણસિંહ છત્તીસગઢમાં ઘણા લોકપ્રિય છે અને તેમણે કરેલાં વિકાસકાર્યોના આધારે ભાજપ અત્યાર સુધી છત્તીસગઢ જીતતો આવ્યો છે, પરંતુ આ વખતે રાજ્યની જનતાનો ચુકાદો રાજકીય સમીક્ષકોની પણ સમજથી બહાર છે. રમણસિંહ સામે લોકોમાં અસંતોષની એવી લાગણી પણ નહોતી કે કોંગ્રેસ પાસે એવો કોઈ મજબૂત ચહેરો પણ નહોતો છતાં ભાજપના સૂંપડાં સાફ થઈ ગયા છે.મોટા ભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ જોરદાર ટક્કર આપશે તેવી આગાહી કરવામાં આવી હતી, પણ ભાજપના આટલા ખરાબ પ્રદર્શનની આશા કોઈને ન હતી.

છત્તીસગઢ પ્રદેશ અધ્યક્ષ ભૂપેશ બઘેલની આગેવાનીમાં કોંગ્રેસે આવો શાનદાર દેખાવ કરતા તેમને જ મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. બઘેલ ઉપરાંત વરિષ્ઠ નેતા ટી.એસ. સિંહ જુદેવ અને ચરણદાસ મહંતના નામ પણ મોખરે છે.

Related Posts
1 of 269

કોંગ્રેસના શાનદાર પ્રદર્શનથી જેસીસીસી (જે)ના નેતા અજીત જોગીને પણ આકરો ઝટકો લાગ્યો છે. જોગી કોઈ પણ પાર્ટીને બહુમતી ન મળે તેવી સ્થિતિમાં ‘કિંગમેકર’ બનવાની આશા રાખીને બેઠા હતા. જોગી અને બસપાના ગઠબંધને કોઈ ચમત્કાર કર્યો નથી અને છત્તીસગઢમાં ત્રિપક્ષીય જંગ ખેલાશે તેવી અટકળો પણ કોંગ્રેસની સુનામીમાં વહી ગઈ છે.

રાજસ્થાનમાં પરંપરા પ્રમાણે સરકાર બદલાઈ ઃ કોંગ્રેસે સત્તા છીનવી
મરુભૂમિ રાજસ્થાનમાં શરૃઆતમાં બરાબરના મુકાબલા બાદ આખરે ચૂંટણી પરિણામો ધારણા મુજબના જ રહ્યાં અને ભાજપ પાસેથી સત્તા છીનવી લેવામાં કોંગ્રેસ સફળ રહી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટની જોડીએ શાનદાર પ્રદર્શન કરીને પક્ષને બહુમતી નજીક પહોંચાડી દીધો છે. મુખ્યમંત્રી વસુંધરા રાજે ચૂંટણી જીતી ગયાં, પરંતુ તેમના ઘણા મંત્રીઓને હારનો સામનો કરવો પડ્યો. ૧૯૯ બેઠકમાંથી કોંગ્રેસે ૧૦૨ બેઠક પર જીત તરફ આગેકૂચ કરી લીધી છે.

માયાવતીની બહુજન સમાજ પાર્ટી (બસપા) મધ્યપ્રદેશમાં ફરી એક વખત કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે. બસપાના સુપ્રીમો માયાવતીએ જીત મેળવનારા ઉમેદવારોને દિલ્હી બોલાવી લીધા છે. બસપાએ સ્પષ્ટ કરી દીધું છે કે, એમપીમાં જો ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ સર્જાય તો તે ભાજપને સમર્થન નહીં આપે.

કોંગ્રેસ બસપા અને અપક્ષ ઉમેદવારોની મદદથી આસાનીથી સરકાર બનાવી લેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. રાજસ્થાનમાં અશોક ગેહલોતને ફરી મુખ્યમંત્રી બનવાનો મોકો મળે તેની પ્રબળ શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ડેવલપમેન્ટથી સચિન પાયલટ નારાજ થયા છે અને હાલ પક્ષના વરિષ્ઠ નેતાઓ તેમને મનાવવાની કોશિશમાં લાગેલા છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રીનો કોયડો પેચીદો બની રહેશે તે પણ નક્કી છે.

ઉલ્લેખનીય છે કે, ૭ ડિસેમ્બરે રાજસ્થાન વિધાનસભાની ૨૦૦માંથી ૧૯૯ બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. સી.એમ. વસુંધરા રાજે તેમનો મજબૂત ગઢ ગણાતી ઝાલરાપાટન બેઠક પરથી અગાઉ પણ ત્રણ વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. કોંગ્રેસે આ બેઠક પર પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહના પુત્ર માનવેન્દ્રસિંહને વસુંધરા સામે મેદાનમાં ઉતાર્યા હતા.

વસુંધરા રાજે સામે જનતામાં ફેલાયેલો રોષ અને અસંતોષ ભાજપની નૈયા ડુબાડશે તે લગભગ નક્કી હતું. રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર પણ રાજ્ય સરકારનાં કામ પર નહીં, પણ કેન્દ્રની મોદી સરકારનાં કામ ગણાવીને જ કરવામાં આવ્યો હતો. રાજસ્થાનમાં ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૧૬૦ બેઠક મળી હતી, જ્યારે કોંગ્રેસના ખાતામાં ફક્ત ૨૫ બેઠક આવી હતી. ૧૯૯૩માં એક વર્ષના રાષ્ટ્રપતિ શાસન બાદ રાજસ્થાનમાં ભાજપની સરકાર બની હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં પાંચ વખત ચૂંટણી યોજાઈ છે અને દરેક વખતે રાજસ્થાનની જનતાએ સત્તારૃઢ પક્ષને જાકારો આપી દીધો છે. રાજસ્થાનની આ પરંપરા રહી છે કે કોઈ પક્ષ સત્તાસ્થાને ફરી આવતો નથી. આ વખતે પણ સત્તા પરિવર્તનનો આ સિલસિલો યથાવત્ રહ્યો છે અને વસુંધરા રાજે સરકારને રાજસ્થાનની જનતાએ સ્પષ્ટ જાકારો આપી કોંગ્રેસ પર પસંદગી ઉતારી છે.

મધ્યપ્રદેશનાં પરિણામો પર દેશની નજર  ઃ ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ
પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીનાં પરિણામોમાં સૌથી કટ્ટર અને નેક ટુ નેક મુકાબલો મધ્યપ્રદેશમાં જોવા મળ્યો છે. અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરોબરીની ટક્કર ચાલી રહી છે અને સમગ્ર દેશની નજર એમપીનાં પરિણામો પર મંડાયેલી છે. શરૃઆતનાં પરિણામોથી લઈને આ લખાય છે ત્યારે મંગળવારે સાંજ સુધી ભાજપ કે કોંગ્રેસ કોઈ સ્પષ્ટ બહુમતી સુધી પહોંચ્યા નથી. ચૂંટણી પંચના તાજા આંકડાઓ અનુસાર, મધ્યપ્રદેશની ૨૩૦ બેઠકોમાંથી કોંગ્રેસ ૧૧૨ અને ભાજપ ૧૦૮ સીટ પર આગળ ચાલી રહ્યા છે. ‘મધ્યપ્રદેશના મામા’ના નામથી જાણીતા શિવરાજસિંહ ચૌહાણ છેલ્લાં ૧૩ વર્ષથી સી.એમ. છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, કમલનાથ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને દિગ્વિજયસિંહે આ વખતે મધ્યપ્રદેશમાં જોરદાર પ્રચાર કર્યો હતો. ૧૫ વર્ષ બાદ કમબૅક કરવા માટે કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. શિવરાજસિંહે એક્ઝિટ પોલ બાદ એવો દાવો કર્યો હતો કે, તેઓ સૌથી મોટા સર્વેયર છે અને ભાજપની જીત નિશ્ચિત છે. રાજ્યના આઠ એક્ઝિટ પોલમાંથી પાંચમાં કોંગ્રેસ સત્તા મેળવશે તેવું દર્શાવાયું હતું.

મધ્યપ્રદેશની ૨૩૦ વિધાનસભા બેઠકો પર આ વખતે ૭૫ ટકા વિક્રમી મતદાન થયું હતું. મધ્યપ્રદેશમાં ભાજપે ૨૦૦૩, ૨૦૦૮ અને ૨૦૧૩માં વિધાનસભા ચૂંટણી જીતીને સરકાર બનાવી હતી. શિવરાજસિંહ સૌથી લાંબો સમય સુધી મુખ્યમંત્રી રહેનારા રાજ્યના એકમાત્ર અને દેશભરમાં ભાજપના બીજા નેતા છે. એમપીમાં કોંગ્રેસના દિગ્વિજયસિંહ ૧૦ વર્ષ સુધી સી.એમ. રહ્યા હતા.

૧૯૫૬માં અલગ રાજ્ય બન્યાનાં ૧૧ વર્ષ બાદ થયેલી ચૂંટણીમાં કોંગ્રેસને જીત મળી હતી, પરંતુ ફક્ત ચાર મહિના બાદ પક્ષમાં ફૂટ પડવાના કારણે કોંગ્રેસને બે વર્ષ સુધી સત્તાથી દૂર રહેવું પડ્યું હતું. ૨૦૦૩માં ઉમા ભારતીના નેતૃત્વમાં લડાયેલી ચૂંટણીમાં ભાજપે ૧૦ વર્ષથી સી.એમ. પદે રહેલા દિગ્વિજયસિંહને સત્તામાંથી બેદખલ કર્યા હતા. ભાજપનાં ૧૦ વર્ષના શાસનમાં ઉમા ભારતી, બાબુલાલ ગૌર અને શિવરાજસિંહ ચૌહાણ મુખ્યમંત્રી રહ્યા હતા.

શિવરાજસિંહ સરકારની બેઠકો ઘટવાના મુખ્ય કારણોમાં બહુચર્ચિત વ્યાપમ કૌભાંડ ઉપરાંત ગયા વર્ષે જૂન મહિનામાં મંદસૌરમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર થયેલા ફાયરિંગનો પણ સમાવેશ થાય છે. મંદસૌરમાં છ ખેડૂતોનાં મોત થયાં હતાં. શિવરાજસિંહ નારાજ મતદારોનો રોષ પારખી શક્યા ન હતા અને તેના કારણે ભાજપે ૬૦થી વધુ બેઠકો ગુમાવવી પડી છે. સવર્ણોના આંદોલનની સીધી અસર પણ આ ચૂંટણીનાં પરિણામો પર જોવા મળી છે. ગ્વાલિયર અને ચંબલમાં તેનાથી ભાજપને મોટો ફટકો પડ્યો છે.

તેલંગાણામાં ટીઆરએસની ગુલાબી ક્રાંતિ ઃ કેસીઆરના સપાટામાં બધા ઊડ્યા
પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં તેલંગાણાના કાર્યવાહક મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ (કેસીઆર) અસલી હીરો સાબિત થયા છે. કેસીઆરનો લગભગ છ મહિના પહેલાં ચૂંટણીના મેદાનમાં ઊતરવાનો નિર્ણય બિલકુલ સાચો સાબિત થયો અને તેમના પક્ષ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) ૮૭ બેઠક પર આગેકૂચ કરી રહી છે. બે તૃતીયાંશ બહુમતી આસાનીથી મેળવીને ટીઆરએસએ તેલંગાણામાં સત્તાસ્થાને આવવાનું સપનું જોઈ રહેલા કોંગ્રેસ-ટીડીપી ગઠબંધનના ઇરાદાઓ ઉપર પણ પાણી ફેરવી દીધું છે. આ ગઠબંધન માત્ર ૨૨ બેઠક પર જ પોતાનો કમાલ બતાવી શક્યું છે. તેલંગાણા ફરી એક વખત ટીઆરએસના ગુલાબી રંગમાં રંગાઈ ગયું છે. ટીઆરએસને વર્ષ ૨૦૧૩ની ચૂંટણીમાં ૬૩ બેઠક મળી હતી. મુખ્યમંત્રી કેસીઆર ગજવેલ બેઠક પરથી જીતી ગયા છે. એઆઈએમઆઈએમના ફાયરબ્રાન્ડ નેતા અસદ્દુદ્દીન ઓવૈસીની પાર્ટી પણ એક બેઠક જીતી ગઈ છે અને છ પર આગેકૂચ કરી રહી છે. અસદ્દુદ્દીનના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી ચંદ્રયાન ગટ્ટા બેઠક પરથી ૮૦ હજાર મતોથી જીતી ગયા છે. ઉલ્લેખનીય છે કે ઓવૈસીની પાર્ટીએ પહેલેથી જ ટીએરએસને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે.

તેલંગાણાની ૨૦૦માંથી ૧૯૯ બેઠક પર જોરદાર મતદાન થયું હતું. વલણો અનુસાર ટીઆરએસને લગભગ ૪૮ ટકા અને કોંગ્રેસને ૨૯ ટકા મત મળ્યા છે. રાજકીય વિશ્લેષકોનું અનુમાન હતું કે, રાજ્યમાં સત્તારૃઢ ટીઆરએસ, કોંગ્રેસ-ટીડીપી ગઠબંધન અને ભાજપ વચ્ચે ત્રિકોણીય મુકાબલો થશે, પરંતુ કેસીઆરે બંપર જીત મેળવીને બધાને ચોંકાવી દીધા છે.

મિઝોરમમાં એમએનએફનું શાનદાર પ્રદર્શન, પૂર્વોત્તરમાંથી કોંગ્રેસનું પત્તું સાફ
મિઝોરમમાં કોંગ્રેસને મિઝો નેશનલ ફ્રન્ટના હાથે કારમી હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. રાજ્યમાં એમએનએફને ૨૩ બેઠક પર જીત મળી છે અને હજુ તે બીજી ત્રણ બેઠક જીતે તેવી શક્યતા છે. ખ્રિસ્તી બહુમતી ધરાવતા મિઝોરમમાં કોંગ્રેસને ફક્ત પાંચ બેઠક મળી છે. આ કારમી હાર સાથે કોંગ્રેસ ભારતના દ્વાર કહેવાતા પૂર્વોત્તરનાં તમામ રાજ્યોમાં સત્તામાંથી ફેંકાઈ ગઈ છે. એમએનએફ સ્પષ્ટ બહુમતી મેળવીને સરકાર બનાવશે તે વાત હવે નક્કી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, મિઝોરમના મુખ્યમંત્રી પી. લલ થનહવલા ચંફાઈ સાઉથ અને સેરછિપ બંને બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. ૧૦ વર્ષ બાદ એમએનએફ ફરીથી સત્તામાં આવી ગઈ છે.

મિઝોરમની ૪૦ વિધાનસભા બેઠકો માટે ૨૯ નવેમ્બરે મતદાન થયું હતું. ચૂંટણીમાં ૨૦૯ ઉમેદવારો મેદાનમાં હતા અને લગભગ ૭૫ ટકા મતદાન થયું હતું. વર્ષ ૨૦૧૩માં એમએનએફને માત્ર પાંચ સીટ મળી હતી. આ ચૂંટણીમાં પહેલી વખત ભાજપે ૩૯ બેઠક પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા, પરંતુ તેને ફક્ત એક બેઠક પર જ જીત મળી છે. ભાજપે પૂર્વોત્તરમાં કોંગ્રેસનો આ આખરી કિલ્લો જીતવા માટે પૂરી તાકાત લગાવી દીધી હતી. ૧૯૮૭માં પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યા બાદ મિઝોરમમાં કોંગ્રેસ અને મિઝો નેશનલ ફ્રન્ટ સત્તામાં રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે, ત્યારથી લઈને આજદિન સુધી કોઈ પણ પક્ષ રાજ્યમાં બે વખતથી વધુ સરકાર બનાવી શક્યો નથી. આ ચૂંટણીમાં પણ એ રેકોર્ડ અકબંધ રહ્યો છે.
————–

Leave A Reply

Your email address will not be published.

Translate »