તમારા માટે, તમારી સાથે, સતત…

ગોવા ફિલ્મોત્સવઃ જ્યાં લોકો ૯ દિવસ ફિલ્મો જીવે છે

આવતા વર્ષે IFFI ૫૦ વર્ષનું થશે એટલે કે તેનું 'ગોલ્ડન જ્યુબિલી' વર્ષ છે.

0 207
  • સિનેમા – પાર્થ દવે

વિશ્વભરના સિનેમાના આકંઠ રસિયાઓ, ચાહકો, મર્મીઓ, અભ્યાસુઓ અને સેલ્યુલોઈડ પર પેઇન્ટિંગ સર્જતા કસબીઓ માટે દર વર્ષે નવેમ્બર મહિનાની ૨૦મી તારીખ આસપાસનું ઠેકાણુ ગોવા હોવાનું. ગોવાના પણજીના મધ્ય ભાગમાં આવેલા આઈનૉક્સ થિયેટરના પડદા પર લહેરાતાં સિનેમાનાં દર્શન માટે! આ વર્ષના ૪૯મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા(IFFI)ની અમુક ફિલ્મો વિશે, અમુક ટૉક વિશે, ત્યાંના વાતાવરણ વિશે, ઍવૉર્ડ-એક્ઝિબિશન વિશે… ચાલો ને, થોડી વાતો કરીએ!

ભારતમાં ફિલ્મી તહેવાર IFFIની શરૃઆત વર્ષ ૧૯૫૨માં ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુની પહેલથી થઈ. IFFIની ૩૪ એડિશન સુધી તે ભારતના અલગ-અલગ શહેરોમાં ઊજવાયો. વર્ષ ૨૦૦૪થી તેનું કાયમી સ્થળ ગોવાના પણજી ખાતે આવેલું આઈનૉક્સ થિયેટર બન્યું. પણજીના ડીબી માર્ગ પર આવેલું આઈનૉક્સ દર વર્ષે નવેમ્બર મહિનાના આ નવ દિવસ દરમિયાન સિનેપ્રેમીઓ, સિનેમા સર્જકો તથા સિનેમાના અભ્યાસુઓના અવાજોથી ગાજતું હોય. આ ઉપરાંત આઈનૉક્સના કમ્પાઉન્ડને અડીને આવેલું ‘એન્ટર્ટેઇનમૅન્ટ સોસાયટી ઑફ ગોવા'(ESG)નું બિલ્ડિંગ જેના બે સ્ક્રીન પર પણ ફેસ્ટિવલની ફિલ્મોનું પ્રદર્શન થાય છે. આ

ઉપરાંત આઈનૉક્સથી આશરે ૮૦૦ મીટરના અંતરે આવેલું ‘કલા એકેડમી’ પણ આ ફેસ્ટિવલમાં ભાગીદાર બને છે. ત્યાં ‘દિનાનાથ મંગેશકર કલા મંદિર’ નામનો મસમોટો ઇન્ડોર હૉલ આવેલો છે, જેમાં આ વખતે ફિલ્મો તથા ફિલ્મી હસ્તીઓના કૉન્વર્સેશન રખાયા હતા. ‘કલા એકેડમી’માં હૉલ ઉપરાંત બ્લેક બૉક્સ પણ છે જેમાં નાની-મોટી ટોક્સ રાખવામાં આવે છે. કલા એકેડમીથી ડેલિગેટ્સને આઈનૉક્સ સુધી આવવા-જવા માટે શટલ રિક્ષાની વ્યવસ્થા કરવામાં આવે છે. IFFIની ફી આ વખતે ૧૦૦૦ રૃપિયા રાખવામાં આવી હતી, જેમાં તમે ૯ દિવસ ‘ખરા અર્થ’માં દુનિયાભરની શ્રેષ્ઠ ફિલ્મો જોઈ શકો. (એક દિવસમાં વધુમાં વધુ ત્રણ) દિવસની ત્રણથી વધુ ફિલ્મ જોવી હોય એ લોકો માટે રશ લાઇનની વ્યવસ્થા કરાય છે, જેમાં ટિકિટવાળાઓની લાઇન પૂરી થઈ ગયા બાદ બાકીનાને વહેલા તે પહેલાના ધોરણે એન્ટ્રી આપવામાં આવે છે. ઇન શૉર્ટ, અહીં પોતાની ક્ષમતા ‘ને સમય મુજબ દિવસની પાંચ-છ-સાત ફિલ્મો તમે જોઈ શકો છો!

IFFIનું આયોજન ભારતનું માહિતી અને પ્રસારણ મંત્રાલય, ડિરેક્ટરેટ ઑફ ફિલ્મ ફેસ્ટિવલ અને (વર્ષ ૨૦૦૪ પછીથી) ગવર્મેન્ટ ઑફ ગોવા સંયુક્તપણે કરે છે.

IFFI ૨૦૧૮એ આ વખતે UNESCOની એડવાઈઝરી બૉડી ‘ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર ફિલ્મ, ટેલિવિઝન એન્ડ ઑડિયોવિઝ્યુઅલ કોમ્યુનિકેશન’ (ICFT) સાથે હાથ મિલાવ્યા હતા. જેના અંતર્ગત ૧૨ ફિલ્મોને ‘ICFT-UNESCO ગાંધી મેડલ’ માટે નોમેનિટ કરવામાં આવી હતી. આ શ્રેણી માટેની પૂર્વશરત રૃપે આખી ફિલ્મ દરમિયાન સ્માર્ટલી ગાંધીના વિચારો, તેમના સિદ્ધાંતો અને મૂલ્યો દર્શકો સુધી પહોંચવા જોઈએ. આ વખતે ૧૨ ફિલ્મોમાંથી IFFIના આખર દિવસે ૨૦૧૭માં બનેલી લડાખી ફિલ્મ ‘વૉકિંગ વિથ ધ વાઈન્ડ’ને ‘ICFT-UNESCOગાંધી મેડલ’ અનાયત કરાયો હતો. આ શ્રેણી હેઠળ ભારતમાંથી બે ફિલ્મો પસંદ થઈ હતીઃ એક જે જીતી તે લડાખી અને બીજી તમિલ ફિલ્મ ‘બરમ’. આ ઉપરાંત ‘કફરનિયમ’, ‘લાફ ઑર ડાય’, ‘લોસ સાયલેન્સિઅસ’ઃ આ ત્રણેય ફિલ્મો આ કેટેગરી અંતર્ગત રજૂ થયેલી અદ્ભુત ફિલ્મો હતી.

UNESCO ગાંધી ઍવૉર્ડ’ ઉપરાંત IFFIમાં ‘નેશનલ ફિલ્મ આર્કાઈવ ઑફ ઇન્ડિયા’ (NFAI)એ ‘ધ મહાત્મા ઓન સેલ્યુલોઈડ’ નામનું ગાંધી પરનું મલ્ટિમીડિયા એક્ઝિબિશન યોજ્યું હતું. જેમાં રાષ્ટ્રપિતા ગાંધીજીની જિંદગીના મહત્ત્વના વળાંકો તથા તેમના વિચારોને લોકો વિવિધ સેક્શનમાં જોઈ-વાંચી શક્તા હતા. ઉપરાંત મુલાકાતીઓ ગાંધીજીનો અવાજ સાંભળી શકે તે માટે તેમની સ્પીચની ઓડિયો ક્લિપ્સ ત્યાં મુકાઈ હતી. ગાંધીના જીવન અને વિચારો પર બનેલી શ્યામ બેનેગલની ‘ધ મૅકિંગ ઓફ મહાત્મા’, હેમેન ગુપ્તાની ‘બિયાલીશ’, જી. અરવિંદનની ‘ઉત્તરાયણ’, કેતન મહેતાની ‘સરદાર’, ફિરોઝ અબ્બાસ ખાનની ‘ગાંધી માય ફાધર’ તથા રિચાર્ડ એટનબરોની ‘ગાંધી’ જેવી ફિલ્મો હતી. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી તથા ખેલમંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે કર્યું હતું.

Related Posts
1 of 258

IFFIમાં દુનિયાભરમાંથી ‘ઇન્ટરનેશનલ કોમ્પિટિશન’ સેક્શનમાં મોકલેલી ફિલ્મોને ગોલ્ડન અને સિલ્વર પિકૉક ઍવૉર્ડ આપવામાં આવે છે. IFFI ૨૦૧૮ની જ્યુરીમાં બ્રિટિશ ડિરેક્ટર જોન ઇરવિન, રોમાનિયાના ડિરેક્ટર અને પ્રોડ્યુસર એડ્રિયન સિતારુ, ઇટાલિયન અભિનેત્રી અન્ના ફેરાઓલા રાવલ, પોલેન્ડના ડિરેક્ટર રૉબર્ટ પોલેન્ડ અને ભારતીય ડિરેક્ટર રાકેશ ઓમપ્રકાશ મહેરા હતા. આ વખતે આ સેક્શનમાં ૧૫ ફિલ્મો મોકલવામાં આવી હતી. ૪૯મા ‘ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા’નો ‘ગોલ્ડન પિકોક’ ઍવૉર્ડ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ‘ડોનબાસ’ને આપવામાં આવ્યો. ઍવૉર્ડની સાથે ૪ મિલ્યન એટલે કે ૪૦ લાખ રૃપિયા આપવામાં આવ્યા. આ રકમ ફિલ્મના ડિરેક્ટર અને પ્રોડ્યુસરને સરખા ભાગે વહેંચવાની રહે છે!

‘ડોનબાસ’ એ યુક્રેનના એક પૂર્વીય વિસ્તારનું નામ છે, જ્યાં ખૂલા હથિયારો અને ખૂલા ગુના સરેઆમ થઈ રહ્યા છે. યુક્રેનની સિવિલ વૉરની પૃષ્ઠભૂમિ પર બનેલી ‘ડોનબાસ’ એ ગંભીર અહેવાલ આપતી હોવા છતાં કોમેડી છે. યુક્રેનિયન ફિલ્મમેકર સેર્જેઈ લોઝનીત્સાએ ચાર અલગ-અલગ ટુકડાઓમાં ફિલ્મને વહેંચી નાખી છે. યુક્રેનના ડોનબાસમાં ચાલી રહેલા દેશો વચ્ચેના વિગ્રહની વિકરાળતા અલગ-અલગ એન્ગલથી દર્શાવવામાં આવી છે. માનવીની લાચારી અને નાલાયકી લોન્ગ શૉટમાં ગજબ ત્વરાથી કેપ્ચર થઈ છે. ફિલ્મનો અંતિમ શૉટ પંદરથી વીસ મિનિટ જેટલો લાંબો છે. આ વખતના- ૯૧માં એકેડમી ઍવૉર્ડ(ઑસ્કાર)માં ‘ડોનબાસ’ ઑલરેડી ‘બેસ્ટ ફોરેન લેંગ્વેજ’ તરીકે એન્ટ્રી મારી ચૂકી છે અને ‘૨૦૧૮ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ’માં બેસ્ટ ડિરેક્ટર તરીકેનો ઍવૉર્ડ સેર્જેઈભાઈ મેળવી ચૂક્યા છે.

‘ઇન્ટરનેશનલ કોમ્પિટિશન’માં ‘સિલ્વર પિકોક’ ઍવૉર્ડ મલિયાલમ ફિલ્મ ‘ઈ મા યુ'(Ea Ma Yau)ને એનાયત કરવામાં આવ્યો હતો. ફિલ્મના ડિરેક્ટર લિજો જોસ પેલિસરીને આ માટે ઍવૉર્ડની સાથે ૧૫ લાખ રૃપિયા આપવામાં આવ્યા. Ea Ma Yau ના ડિરેક્ટર ઉપરાંત એક્ટર છેંબન વિનોદ જોસને બેસ્ટ એક્ટરનો સિલ્વર પિકોક ઍવૉર્ડ, દસ લાખ રૃપિયા સાથે એનાયત કરવામાં આવ્યો. આ વર્ષના મે મહિનામાં આવેલી સટાયર ફિલ્મ Ea Ma Yau ના ડિરેક્ટરને ૪૮મો કેરેલા સ્ટેટ ફિલ્મ ઍવૉર્ડ મળી ચૂક્યો છે.

કેરળની લેટિન કેથોલિક કોમ્યુનિટીની પરંપરાઓ રજૂ કરતી અને તેના પર ઠંડા પ્રહાર કરતી Ea Ma Yau. ભારતમાં બનેલી કલ્ટ કોમેડી ફિલ્મો પૈકીની એક છે. ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા-IFFIમાં તેનું બે વખત સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું અને બેઉ વખત પ્રચંડ રશ હોવાના કારણે આ લખનારને ટિકિટ નહોતી મળી! ડિરેક્ટર-એક્ટર-રાઈટર ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન ઉપસ્થિત હતા. ફિલ્મ વિશે ટૂંકમાં માહિતી મેળવીએ તો Ea એટલે Eesho, Ma એટલે Marian અને Yau એટલે Ewaho. ઈ મા યુ એટલે કે ‘જીસસ, મેરી અને જોસેફ’! મૃત્યુ પામનાર વ્યક્તિ માટે બોલાતી પ્રાર્થનાના આ શબ્દો છે. છેલનમ ગામની વવાચન નામની વ્યક્તિ દીકરા ઈજીને પોતાના ભવ્ય અંતિમ સંસ્કારની ઇચ્છા રજૂ કરીને પોઢી જાય છે. આ મૃત્યુની આસપાસ આખી ફિલ્મ વણાઈ છે. જેમાં આગળ જતાં પારિવારિક દ્વંદ્વો, સંપ્રદાયની ખામીઓ, માનવીય સ્વભાવ, અભિમાન, સ્વાર્થવૃત્તિ વગેરે ડાર્ક હ્યુમરસ વેમાં સામે આવે છે. આ ડાર્ક સટાયર ડ્રામાના લેખક પ્રસિદ્ધ રાઈટર પી. એફ. મેથ્યુ છે.

‘સિલ્વર પિકોક બેસ્ટ એક્ટર ફિમેલ’નો ઍવૉર્ડ ફિલ્મ ‘વેન ધ ટ્રી ફોલ્સ’ની એક્ટર એન્સ્ટાસીઆ પુસ્તોવિતને આપવામાં આવ્યો. ‘સ્પેશિયલ જ્યુરી ઍવૉર્ડ’ જર્મન ફિલ્મ ‘અગા’ને આપવામાં આવ્યો. ‘લાઈફટાઈમ અચિવમેન્ટ ઍવૉર્ડ’ ઇઝરાયેલના ડિરેક્ટર તથા પ્રોડ્યુસર ડેન વોલમેનને આપવામાં આવ્યો. ડેન વોલમેનની ત્રણ ફિલ્મોનું સ્ક્રિનિંગ પણ કરાયું હતું. ‘ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઑફ ધ યર’નો ઍવૉર્ડ પટકથા લેખક જોડી સલીમ-જાવેદ પૈકીના સલીમ ખાનને આપવામાં આવ્યો હતો. તેઓ ખુદ ઍવૉર્ડ માટે નહોતા આવી શક્યા માટે પુત્ર અરબાઝ ખાન ક્લોઝિંગ સેરેમનીમાં હાજર રહ્યો હતો અને સલીમ ખાને પાઠવેલ સંદેશ વાંચ્યો હતો. સલીમ ખાને આ ઍવૉર્ડ જન્મભૂમિ ઇન્દોર અને કર્મભૂમિ મુંબઈને સમર્પિત કર્યો અને કહ્યું કે, ‘મિસ્ટર જાવેદ અખ્તર વિના મારા માટે આ શક્ય નહોતું માટે તેમનો પણ ખૂબ ખૂબ આભાર!’

હાય હાય ઈફી (IFFI)!
આઈનૉક્સથી નજદીકના અંતરે આવેલા ‘કલા એકેડમી’માં ૨૨મી તારીખે બપોરે સવા બારે ડેનમાર્કની અફલાતૂન થ્રિલર ફિલ્મ ‘ધ ગિલ્ટી’નો શૉ હતો. ફિલ્મ જોવા માટે ભારે ધસારો હતો. વિથ ટિકિટ અને વિધાઉટ ટિકિટની બે લાઈનો હતી. જેમની પાસે ટિકિટ નહોતી તેમની લાઈન જલ્દી ચાલુ કરી દેવાતા વિરોધનો વંટોળ શરૃ થયો હતો અને સમય જતા ‘હાય હાય IFFI’ના નારા લાગ્યા હતા, જે અમોને થિયેટરમાં બેઠા બેઠા ચાલુ પિક્ચરે પણ સંભળાતા હતા.

દર વર્ષે ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં આવતા લોકોનું કહેવું હતું કે, આ વખતનું મૅનેજમૅન્ટ સૌથી નબળું છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૮ના ફિલ્મ મહોત્સવમાં ૨૦મી તારીખ સુધી ફિલ્મોનું કોઈ શિડ્યુલ જ ડેલિગેટ્સના હાથમાં નહોતું આવ્યું. બીજું એ કે, ફેસ્ટિવલની શરૃઆત પણ ૨૦ના બદલે ૨૧મી તારીખે થઈ. પહેલા દિવસે ફૂડ સ્ટોલ પણ બંધ હતા. દક્ષિણ ભારતના એક ઍડ્ ફિલ્મમેકરનું કહેવું હતું કે, આ વખતે ફિલ્મો પણ પ્રમાણમાં ફિક્કી છે. આયોજન ડલ છે, વોલેન્ટિયર માહિતીવિહોણા રૃડ છે. જોકે, આયોજકોને ‘ગિલ્ટી’ ફિલ થતાં ‘ધ ગિલ્ટી’ ફિલ્મનો તારીખ ૨૫મી નવેમ્બરના રોજ બીજો શૉ રાખવામાં આવ્યો હતો અને ‘પરિસ્થિતિ થાળે’ પડી હતી! એ શૉ પણ ઝટ હાઉસફુલ થઈ ગયો હતો. માટે અહીંથી અમોની નમ્ર વિનંતી છે કે, વર્લ્ડ સિનેરસિયાઓ આ ફિલ્મનું નામ પોતાના વૉચલિસ્ટમાં ઉમેરી દે!

IFFI ૨૦૧૮માં ‘હોમેજ સેક્શન’ અંતર્ગત સ્વ. શ્રીદેવી (તથા સ્વ. વિનોદ ખન્ના, કલ્પના લાઝમી અને એમ. કરુણાનિધિ)ને ટ્રિબ્યુટ આપવામાં આવી હતી. આવતા વર્ષે IFFI ૫૦ વર્ષનું થશે એટલે કે તેનું ‘ગોલ્ડન જ્યુબિલી’ વર્ષ છે. એ નિમિત્તે જાહેર કરવામાં આવ્યું છે કે, આવતા વર્ષે IFFI માટે ખાસ પાંચથી છ હજાર જેટલા લોકોને સમાવી શકાય તેવું કોન્વેન્શન સેન્ટર બનાવવામાં આવશે, જેની ફરતે રહેવા માટે હજારેક રૃમ હશે. આ કોન્વેન્શન સેન્ટર ગોવાના ડોના પૌલા એરિયામાં નિર્માણ પામશે.
——————–

Leave A Reply

Your email address will not be published.

Translate »