તમારા માટે, તમારી સાથે, સતત…

પોતાની બીમારી વિશે ખૂલીને વાત કરતાં બોલિવૂડના કલાકારો

તાજેતરમાં જ કેબીસીના સેટ પર  અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો હતો કે તેમને વર્ષ ૨૦૦૦માં સ્પાઇલ ટ્યૂબરક્લોસિસ થયું હતું.

0 262
  • મૂવીટીવી – ગરિમા રાવ

બોલિવૂડના ઘણા કલાકારો લાંબી બીમારીઓ સામે લડી ચૂક્યા છે જ્યારે ઘણા હજુ પણ લડી રહ્યા છે, પરંતુ એક સમય એવો હતો કે કલાકારો પોતાની બીમારીને લઈને કોઈ ખૂલીને વાત નહોતાં કરતાં, પરંતુ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી જાતે જ પોતાના ચાહકો સુધી બીમારીનો સંદેશ પહોંચાડે છે. તો તેમના ચાહકો પણ પોતાના માનીતા કલાકારો જલદી સાજા થઈ જાય તેવી શુભકામનાઓ પાઠવે છે.

તાજેતરમાં જ કેબીસીના સેટ પર  અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો હતો કે તેમને વર્ષ ૨૦૦૦માં સ્પાઇલ ટ્યૂબરક્લોસિસ થયું હતું. ત્યારે તેમને લાગ્યું હતું કે, કેબીસીના શૂટિંગના કારણે સતત બેસવાથી કમરમાં દુખાવો છે, પણ જ્યારે તપાસ કરાવી ત્યારે બીમારીની ખબર પડી. તો વળી બિગ બીએ એવું પણ સ્પષ્ટ કર્યું છે કે તેમનું લિવર ૭૫ ટકા જેટલું ખરાબ થઈ ગયું છે. જોકે મહાનાયક આજે પણ સારી રીતે અને એનર્જી સાથે કામ કરી રહ્યા છે. જ્યારે દેશીગર્લ પ્રિયંકા ચોપરા અસ્થમાથી પીડાય છે. પ્રિયંકાને સારી રીતે ઓળખતા લોકોને તેની આ બીમારીનો રાજ ખબર છે. તેનું કહેવું છે કે, આ માંદગીના કારણે ક્યારેય તેની કારકિર્દી કે કામમાં કોઈ તકલીફ પડી નથી, કારણ કે અસ્થમાની બીમારી મારી પર કાબૂ કરે તે પહેલાં મેં તેના પર કાબૂ મેળવી લીધો છે. જ્યારે તેના ભાવિ પતિ એટલે કે નીકને પણ ટાઇપ વન ડાયાબિટીસ છે. ટાઇપ વન ડાયાબિટીસ નાની ઉંમરમાં થતી બીમારી છે. નીકને ૧૩ વર્ષ પહેલાં આ બીમારી વિશે ખબર પડી હતી. જોકે બંનેને લાગે છે કે આમાં છુપાવવા જેવું કશું જ નથી.

બોલિવૂડની સુંદર અભિનેત્રી દીપિકા પદુકોણ પણ ડિપ્રેશનનો ભોગ બની ચૂકી છે. હાલમાં તેની એનજીઓ લવ, લીવ, લાફ ફાઉન્ડેશન આ બીમારીથી પીડાતા લોકોની મદદ કરે છે. દીપિકા કહે છે, ‘ડિપ્રેશનનો દોર ઘણો પીડાદાયક હતો. મને લાગતું હતું કે કોઈ મને સમજી નહીં શકે માટે હું કોઈની સાથે વાત નહોતી કરતી. હું જે મહેસૂસ કરતી તે અન્યને સમજાવી શકવામાં હું નાકામિયાબ રહેતી, કારણ કે મારી પાસે શબ્દો જ નહોતા. ઊંઘમાંથી ઊઠવાનું પણ મને નહોતું ગમતું. એવું થતું હતંુ કે એલાર્મ વાગે જ નહીં, એલાર્મ વાગે તો મારે ઊંઘમાંથી ઊઠવું પડે અને મારે ઊંઘમાંથી ઊઠવું જ નહોતું.’ જોકે હવે દીપિકા આત્મવિશ્વાસથી ભરપૂર જીવન જીવે છે.

Related Posts
1 of 258

અનુષ્કા શર્મા બલ્જિંગ ડિસ્ક નામની બીમારીથી પીડાતી હતી. શરીરનાં હાડકાંઓ સાથે જોડાયેલી આ બીમારી કરોડરજ્જુનાં હાડકાંથી શરૃ થાય છે અને ધીરે ધીરે શરીરના બાકી અવયવો સુધી પહોંચે છે. આ બીમારીમાં મસલ્સ કમજોર પડે છે, પરંતુ અનુષ્કાએ પૂરતો આરામ કર્યો અને પોતાની બીમારી સામે ઝઝૂમી. બોલિવૂડના ભાઈજાન એટલે કે સલ્લુમિયાં ટ્રાઇજેમિનલ ન્યૂરોલ્જિયા નામની બીમારીના સકંજામાં છે. આ એક ક્રોનિક પેન કંડિશન છે. દર્દીના ચહેરાની નર્વ સાથે જોડાયેલી આ બીમારીમાં અચાનક જ અસહ્ય દુખાવો અને જલન શરૃ થઈ જાય છે. એવું લાગે છે કે કોઈ તમારા ચહેરા પર શોટ આપી રહ્યું છે. આ દુખાવો બે સેકન્ડથી લઈને બે મિનિટ સુધી રહે છે. સલમાન ખાન આ બીમારી સામે નીડરતાથી લડી રહ્યો છે.

નવાબ પરિવારની સહેજાદી સારા અલી ખાનને અભ્યાસ દરમિયાન પીસીઓડી બીમારી થઈ હતી, જેના કારણે તે વજન ઘટાડવામાં પણ નિષ્ફળ જતી હતી. પોલિસિસ્ટિક ઓવરી ડિસીઝ પર સારા ઘણી મુશ્કેલીઓથી કાબૂ મેળવી શકી છે. આ બીમારીમાંં મહિલાના ગર્ભાશયમાં એટલે કે ઓવરીમાં હોર્મોન્સનું સ્તર વધી જાય છે. જેના કારણે ઓવરીમાં સીસ્ટ બનવા લાગે છે. આ સમસ્યાના કારણે મહિલાઓમાં હોર્મોનલ અસંતુલન, મોટાપો અને તણાવ જોવા મળે છે.

આ ઉપરાંત સોનાલી બેન્દ્રેને હાઈ-ગ્રેડ મેટાસ્ટૈટિક કૅન્સર ડાયગ્નોજ થયું છે જેની સારવાર તે કરાવી રહી છે. સોનાલીએ જાતે જ આ બીમારી વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, ક્યારેક જીવન તમને એવા મોડ પર લાવીને ઊભું રાખે છે જેની તમને ઉમ્મીદ નથી હોતી. મને સામાન્ય દુખાવો થતો હતો અને ટેસ્ટ કરાવ્યા ત્યારે બીમારીની ખબર પડી. મારો પરિવાર અને મિત્રો મજબૂતીથી મારી સાથે ઊભા છે અને મને સાથ આપી રહ્યા છે. તો વળી ઇરફાન ખાન ન્યૂરોઇન્ડોક્રાઇન ટ્યૂમર સામે લડી રહ્યા છે. હાલમાં તે સારવાર માટે લંડનમાં છે. ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ બાસુ ૨૦૦૪માં બ્લડ કૅન્સરની લપેટમાં હતા. ડૉક્ટરે તો તેમને એમ પણ કહી દીધું હતું કે તમારી પાસે ઘણો ઓછો સમય છે. છતાં હિમ્મત હાર્યા વિના તે ત્રણ વર્ષ પોતાની બીમારી સામે લડતા રહ્યા અને અંતે તેમણે બીમારીને હરાવી દીધી. તો મનિષા કોઇરાલા પણ ઓવેરિયન કૅન્સર સામે લડીને બૅક થઈ છે. આવા તો ઘણા કલાકારો છે જે નીડરતાથી પોતાની બીમારી સામે લડીને બહાર આવ્યાં છે. ઘણા એવા કલાકારો છે હજુ પણ બીમારીઓ સામે લડી રહ્યાં છે. સાથે જ પોતાના ચાહકોને પળે પળની જાણકારી પણ આપી રહ્યા છે.

દાયકાઓ પહેલાં પણ બોલિવૂડના ઘણા કલાકારો બીમારીના કારણે મોતને ભેટ્યા હતા, પરંતુ તે સમયે કલાકારો પોતાની બીમારી વિશે ખૂલીને બોલતા નહીં. ઘણા કલાકારો એવા પણ હતા જેમના નિધન પછી તેમની બીમારી પરથી પરદો ખૂલ્યો હોય. જોકે આજના કલાકારો સોશિયલ મીડિયાના માધ્યમથી હંમેશાં પોતાના વિચારો, તકલીફો અને ખુશી ચાહકો સાથે શેઅર કરતા થયા છે.
—————–

Leave A Reply

Your email address will not be published.

Translate »