તમારા માટે, તમારી સાથે, સતત…

પ્રતીક્ષા અપૂર્વનાં અદ્ભુત પેઇન્ટિંગ્સની અકલ્પનીય વાતો

તાજેતરમાં આવેલા તેમના પુસ્તક 'મિસ્ટિક એન્ડ હર કલર'ની ઘણી ચર્ચાઓ થઈ

0 463

-દિવંગત અટલબિહારી વાજપેયીએ પ્રતીક્ષાનાં પેઈન્ટિંગ્સ જોયા, એક્ઝિબિશનના ઉદ્ઘાટન વેળાએ કહ્યું કે, આ કલા સમક્ષ હું નતમસ્તક છું, તેને જાળવી રાખજો.

– એક મહિલા એક્ઝિબિશન જોવા આવી. એક પેઈન્ટિંગ પાસે ઘણીવાર સુધી ઊભી રહી અને પછી કહેવા લાગી – તમારા પેઈન્ટિંગે મને સાજી કરી દીધી.

‘હું જ્યારે ૧૧ વર્ષની હતી, ત્યારે મારાં દાદીની સાથે ઓશોના પુનામાં આવેલા આશ્રમમાં ગઈ હતી. અમે જબલપુરના ગાડરવારા ગામના રહીશ છીએ. ગામમાંથી પુનાના આશ્રમમાં આવ્યાં બાદ ત્યાંનું વાતાવરણ જોઈને તો હું દંગ જ રહી ગઈ. મેં ઓશોને કહ્યું કે, કાકાજી, મારે પણ સંન્યાસ લેવો છે. ઓશોએ જવાબ આપ્યો, તું તારી માતાની પરવાનગી લઈને અહીં આવી છો? મેં ઉત્તર વાળતાં કહ્યું, જ્યારે તમે છો પછી માતાની મંજૂરીની શું જરૃર છેે? કેમ કે, મારાં માતા-પિતા પણ એમનું જ માર્ગદર્શન મેળવતાં હતાં. મારા પિતા વિજય ભારતી ઓશોના મોટાભાઈ થતા હતા. મારો જવાબ સાંભળીને તેમણે મને માળા પહેરાવી. મેં તેમનાં ચરણસ્પર્શ કર્યાં. માળાનું લોકેટ એટલું મોટું હતું કે તરત તેના ખખડાટ સાથે મોટો અવાજ આવ્યો અને આશ્રમમાં તો ખૂબ જ શાંતિનું વાતાવરણ પ્રવર્તતું હતું. ત્યારે તેમણે પોતાની સેક્રેટરી લક્ષ્મીને કહ્યું કે, કાલે પ્રતીક્ષાને માળાની દુકાનમાં લઈ જજો. બાળકો માટે જે માળા બનશે તેની ડિઝાઇનનું કામ હવેથી પ્રતીક્ષા સંભાળશે. ત્યાર પછી મેં માળા ડિઝાઇન કરી અને આજદિન સુધી આશ્રમમાં મારી ડિઝાઇન કરેલી માળા જ બાળકોને પહેરાવવામાં આવે છે.’ આજના સમયમાં મેડિટેડિવ પેઇન્ટિંગ્સના ક્ષેત્રનાં સુપ્રસિદ્ધ આર્ટિસ્ટ એવાં પ્રતીક્ષા અપૂર્વ સાથે વાત કરતાં તેમણે આ રીતે શરૃઆત કરી.

તાજેતરમાં આવેલા તેમના પુસ્તક ‘મિસ્ટિક એન્ડ હર કલર’ની ઘણી ચર્ચાઓ થઈ હતી. આ પુસ્તકમાં પ્રતીક્ષાએ પેઇન્ટિંગ્સની સાથે તે પેઇન્ટિંગ્સની સમજ આપતાં લેખ પણ લખ્યા છે, જે આધ્યાત્મિક્તાને લગતા છે. પ્રતીક્ષાના આ પુસ્તકમાં ૩૩ ચેપ્ટર અને ૪૯ પેઇન્ટિંગ્સ છે, જે ખૂબ જ ગહન વિષયને સંબંધિત છે અને આ બધાં જ પેઇન્ટિંગ્સ બનાવતી વખતે તેમણે પોતાની જાત પર પ્રયોગો કરીને તેને બનાવ્યાં છે. પ્રતીક્ષાએ પેઇન્ટિંગ્સ બનાવવાનું કોઈ શિક્ષણ પણ કશેથી મેળવ્યું નથી. તેમ છતાં આજે તેઓ એક એવા પેઇન્ટર છે કે જે આધ્યાત્મિક્તાના વિષયો ઉપર પેઇન્ટિંગ્સ બનાવે છે. તેમણે બનાવેલાં આવાં જ પેઇન્ટિંગ્સને સમજવા માટે ‘અભિયાન’એ તેમની સાથે વાતચીત કરી હતી. પ્રતીક્ષા દિલ્હીમાં રહે છે, પરંતુ જ્યારે ‘અભિયાન’એ તેમનો ઇન્ટરવ્યૂ લેવાનું નક્કી કર્યું ત્યારે તેઓ ‘અભિયાન’ સાથે રૃબરૃ મળીને ચર્ચા કરવા પુના આવ્યાં અને કોરેગાંવ પાર્કની બ્લ્યુ ડાયમન્ડ હોટલમાં તેમની સાથે મુલાકાત નક્કી થઈ. તેઓ જેવા કૉફી શોપમાં પ્રવેશ્યાં ત્યારે તેમનો ચહેરો ખૂબ જ પ્રફુલ્લિત જણાતો હતો. રવિવાર હોવાના કારણે તેમણે ઓરેન્જ કલરની ખૂબ જ સુંદર મજાની સાડી પહેરી હતી. રંગોની સાથે જોડાયેલા હોવાના કારણે તેમનું એવું માનવું છે કે રંગોનો આપણા શરીર પર ઘણો પ્રભાવ પડતો હોય છે. જેથી અમારી વાતચીત પણ કપડાંના રંગો સાથે શરૃ થઈ કે જે આપણા જીવનમાં વણાયેલા છે.

આપણે જે કપડાં પહેરતાં હોઈએ છીએ તેનો પ્રભાવ કે અસર આપણા શરીર પર પડતી હોય છે? આનો જવાબ આપતાં પ્રતીક્ષાએ કહ્યું, ‘આપણે જે કપડાં પહેરીએ છીએ તેની ગાઢ અસર આપણા મન પર પડતી હોય છે. આપણા શરીરમાં જે ચક્ર આવેલાં છે, તે બધાંનો એક-એક રંગ હોય છે. જો તમારા શરીરમાં પીળા રંગનો અભાવ છે તો ધ્યાનમાં તમે તેને અનુભવી શકો છો. એનો સાફ મતલબ છે કે, તમારી હોજરીમાં સમસ્યા છે. જેથી તમારે પીળા રંગનાં કપડાં પહેરવા જોઈએ. તેની ઊંડી અસર તમારા મન પર પડતી હોય છે. જો તમે લાગણીશીલ નથી, તમારામાંથી લાગણીઓ મરી પરવારી છે તો તમારે લીલા રંગનાં કપડાં પહેરવાં જોઈએ. કેમ કે, લીલો રંગ આપણા હૃદય સાથે જોડાયેલો છે. આપણા હૃદયની નીચે ત્રણ ચક્ર આવેલાં છે અને તેની ઉપર પણ ત્રણ ચક્ર હોય છે. તે બધાંની આપણા પર અસર થતી હોય છે. જેમ કે, તમને બોલવામાં સમસ્યા થઈ રહી છે તો તમારે વાદળી રંગનાં કપડાં પહેરવા જોઈએ, જેનો રંગ આપણા કંઠ સાથે જોડાયેલો છે.’

તો શું આ જ કારણોસર તમે સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીને તેમના લાલ કિલ્લા પર થનારા ભાષણ માટે વાદળી રંગની કોટી પહેરવા માટે આપી હતી? આનો હકારમાં ઉત્તર વાળતાં પ્રતીક્ષાએ કહ્યું કે, ‘મેં તેમના માટે વાદળી રંગની કોટી બનાવડાવી હતી, જેને પહેરવાની તેમણે ના પાડી દીધી હતી. તેઓ હંમેશાં ઓફ વ્હાઈટ કપડાં જ પહેરતા હતા, પરંતુ પ્રધાનમંત્રી બન્યા બાદ જ્યારે ૧૫મી ઑગસ્ટે લાલ કિલ્લા પરથી તેમને ભાષણ આપવાનું હતું ત્યારે મેં તેમને વાદળી રંગની કોટી આપી હતી. પહેલાં તો તેમણે ના પાડી હતી, પરંતુ જ્યારે મેં તેમને ભાષણ આપતાં જોયા ત્યારે તેમણે એ જ કોટી પહેરેલી હતી.’

અગાઉ તમે કપડાં ડિઝાઇન કરતાં હતાં અને હવે પેઇન્ટિંગ્સ. આ સફરની શરૃઆત કેવી રીતે થઈ? પ્રતીક્ષાએ જણાવ્યું, ‘દિલ્હીમાં મારા પતિ અપૂર્વની ગારમેન્ટની ફેક્ટરી છે. હું કપડાં ડિઝાઇન કરતી હતી. પોલિટિશિયન, ક્રિકેટર, ઇન્ડસ્ટ્રિયાલિસ્ટથી લઈને દરેક ક્ષેત્રનાં લોકોનાં કપડાં મેં ડિઝાઇન કર્યાં છે. ઘણા રૃપિયા કમાઈ છું. એક-એક ડિઝાઇનના હું લાખ રૃપિયા લેતી હતી, પરંતુ ત્યાર બાદ મનમાં જ કશુંક ખટકવા લાગ્યું. પૈસા તો ઘણા કમાઈ રહી છું, પરંતુ અંતરમાં ક્યાંયથી સંતુષ્ટિ-શાંતિ મળતી ન હતી. હું લગભગ ૪૦૦ લોકો સાથે ફેક્ટરીમાં કામ કરતી હતી. હું તેમને ડિઝાઇન તૈયાર કરીને આપી દેતી હતી, પરંતુ સિલાઈથી લઈને બટન લગાવવા સુધીનું દરેક કામ કોઈ બીજી વ્યક્તિ કરી રહી હતી. હવે મારે કંઈક અલગ કામ કરવું હતું.

Related Posts
1 of 319

મનની શાંતિ માટે મારે મારું પોતાનું કામ કરવું હતું. એક દિવસ હું ફેક્ટરીથી ઘેર આવી અને મેં મારા પતિને કહ્યું કે, કાલથી હું ફેક્ટરી નહીં જાઉં. તેમણે કહ્યું, ઠીક છે, પરંતુ હવે શું કરીશ? મેં જવાબ આપ્યો કે, હજુ કશી ખબર નથી. મેં કશું વિચાર્યું ન હતું. એક દિવસે હું માર્કેટમાં ગઈ અને કલરની દુકાન સામે ઊભી રહી. મેં રંગો વિશે જાણકારી મેળવી અને તે ખરીદવા લાગી. દુકાનદારે કહ્યું કે, ઓઇલ પેઇન્ટનું કામ સૌથી મુશ્કેલ હોય છે. મેં કહ્યું, મને ઓઇલ પેઇન્ટ જ આપો. ત્યાર બાદ હું એકલી જ પોતાની જાત પર પ્રયોગો કરવા લાગી અને એક-એક ચિત્રને આકાર આપવા લાગી. આરામથી બેસીને આઠ-આઠ કલાક સુધી પેઇન્ટિંગ્સ કરતી હતી. આપોઆપ જ મારામાં કળા નિખરતી ગઈ. ઓશોએ મારામાં પડેલી આ શક્તિઓને મારી ૧૧ વર્ષની ઉંમરે જ પારખી લીધી હતી. જેથી આજે મારું દરેક પેઇન્ટિંગ અલગ છે. જે મારા આધ્યાત્મિક ચિંતનમાંથી બન્યાં છે અને આ વાત મને જ નહીં, તે પેઇન્ટિંગ્સના ખરીદનારને પણ હવે તેનો અનુભવ થવા લાગ્યો છે. મારું દરેક પેઇન્ટિંગ શાંતિ આપે છે.’

તમે આનું કોઈ ઉદાહરણ આપી શકો? પ્રતીક્ષાએ જણાવ્યું કે, ‘મારાં પેઇન્ટિંગ્સ આજે અંબાણી, હિન્દુજા, ઍરટેલ અને મિત્તલથી લઈને દરેકનાં ઘરમાં લાગેલાં છે. તેમનું કહેવું છે કે, તમારાં પેઇન્ટિંગ્સ લગાવ્યાં બાદ અમારી ઘણીબધી સમસ્યાઓ દૂર થઈ ગઈ છે. લોકો જેટલા પ્રસિદ્ધ અને મોટા હોય છે, તેમની સમસ્યાઓ પણ એટલી જ જટિલ હોય છે. જ્યારે કોઈ ભારતીય આવું કહે છે ત્યારે મને થોડી શંકા જાય છે, કેમ કે તેઓ એવું જ વિચારે છે કે આના કારણે આ થયું કે તેના કારણે તે થયું, પરંતુ જ્યારે કોઈ વિદેશી આવું કહે છે ત્યારે આશ્ચર્યની સાથે વિશ્વાસ પણ થાય છે. એક અમેરિકન કપલ મારું એક્ઝિબિશન જોવા ચેન્નઈ આવ્યું હતું. તેમણે મારું એક પેઇન્ટિંગ ખરીદ્યું અને તેને પોતાના ડાઇનિંગ રૃમમાં લગાવ્યું. ત્યાર પછી તેમણે મને મેઇલ કર્યાે કે, પ્રતીક્ષા, અમારાં લગ્નને ૩૦ વર્ષ થયાં છે અને રોજ ડાઇનિંગ ટેબલ પર અમારી વચ્ચે ઝઘડા થતાં હતાં, પરંતુ જ્યારથી તમારું પેઇન્ટિંગ લગાવ્યું છે ત્યારથી અમારા ઝઘડા બંધ થઈ ગયા છે.’

તમે કેવી રીતે ધ્યાનમાં જઈને આ પેઇન્ટિંગ્સ બનાવો છો? જેનાથી તમે પણ શાંતિ અનુભવો છો અને તેનો ખરીદનાર પણ શાંતિનો અહેસાસ કરે છે? પ્રતીક્ષાએ ફરીથી ઉદાહરણ આપતાં જણાવ્યું કે, ‘ગોવામાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો હતો. એક ડાયરેક્ટરે મને ફોન કર્યાે કે, તેઓ મારા પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન રાખવા માગે છે. હું થોડી કન્ફ્યુઝ થઈ ગઈ. ફિલ્મ ફેસ્ટિવલમાં મારું એક્ઝિબિશન કેવી રીતે યોજાશે? ત્યારે તેમણે જણાવ્યું કે, મેં સર્ચ કરીને તમારાં પેઇન્ટિંગ્સ જોયાં છે. લોકો અંદર ફિલ્મ જોશે અને બહાર આવીને તમારા પેઇન્ટિંગ્સનું પ્રદર્શન પણ નિહાળશે. મેં તેમને પેઇન્ટિંગ્સ જોવા ઘરે બોલાવ્યા. નવેમ્બરમાં તેઓ ઘરે આવ્યા હતા અને જુલાઈમાં એક્ઝિબિશન યોજાવાનું હતું. તેઓ પેઇન્ટિંગ્સ જોઈ રહ્યા હતા. તે સમયે હું એક પેઇન્ટિંગ બનાવી રહી હતી. મારા એ પેઇન્ટિંગનું નામ ‘બિયોન્ડ ધ સેન્સસ’ છે. જેમાં આંખ, મોં, કાન અને સ્પર્શની ફિલિંગ્સ સાથે શ્વાસની અનુભૂતિને પણ બંધ કરવાની થીમ છે. હું નાના ચીપિયાથી મારું નાક પકડી રાખી રોજ કોશિશ કરતી હતી, પરંતુ નાક બંધ કરતાં જ મને ગૂંગળામણ થતી હતી. ત્યાર પછી આમ કરતાં-કરતાં હું એ અવસ્થામાં પહોંચી ગઈ જ્યાં શ્વાસની પણ અનુભૂતિ થતી ન હતી. છ મહિના બાદ હું આજ્ઞાચક્ર સુધી પહોંચી. મારાં બાકીનાં પેઇન્ટિંગ્સની જેમ મેં તે પેઇન્ટિંગને પણ પોતાની જાત પર પ્રયોગ કરીને તેનો જાત અનુભવ કરીને બનાવ્યું છે. જ્યારે તે ડાયરેક્ટર આવ્યા ત્યારે તે પેઇન્ટિંગનું કામ ચાલી રહ્યું હતું. તેમને એ પેઇન્ટિંગ ખૂબ જ પસંદ આવ્યું. તેમણે મને તે પેઇન્ટિંગ જલદી બનાવીને તેને પણ એક્ઝિબિશનમાં મૂકવાનો આગ્રહ કર્યાે. ત્યારે મેં તેમને સાફ ના પાડી દીધી કે જલદી નામનો શબ્દ મારા કામમાં ક્યાંય આવતો જ નથી. પહેલાં તો તે પેઇન્ટિંગને હું ખુદ અનુભવું છું. તેની પર એટલું કામ કરું છું કે, તે મારા ઉપરાંત તેને દેખનારને પણ શાંતિની લાગણીનો અહેસાસ કરાવે છે અને પછી હું તે પેઇન્ટિંગથી મુક્ત થઈ જાઉં છું. ત્યાર બાદ તેને કોઈ પણ ખરીદે અને લઈ જઈ શકે છે. આથી જ્યારે તે પેઇન્ટિંગને ખરીદનાર તેને પોતાના ઘરમાં લગાવે છે ત્યારે તે પણ એટલી જ શાંતિનો અનુભવ કરે છે.’

આવાં બીજાં કોઈ ઉદાહરણ છે? પ્રતીક્ષા જવાબ આપતાં કહે છે કે, ‘જ્યારે સ્વર્ગસ્થ અટલજીએ મારાં પેઇન્ટિંગ્સ જોયાં અને તેઓ ખુદ ઉદ્ઘાટન કરવા આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, હું આ કલા આગળ નતમસ્તક થાઉં છું. તમે તમારી આ કલા જાળવી રાખજો. લોકસભાના સ્પિકર સુમિત્રા મહાજન ૧૦ મિનિટ માટે પેઇન્ટિંગ્સ જોવા આવ્યાં હતાં અને એક-એક પેઇન્ટિંગને બારીકાઈથી જોતાં-જોતાં તેમણે મારી સાથે એક કલાક વિતાવ્યો હતો. આ જ પ્રકારે એક મહિલા એક્ઝિબિશન જોવા આવી હતી. તે ઘણીવાર સુધી એક જ પેઇન્ટિંગની પાસે ઊભી હતી. પછી તે કહેવા લાગી કે, તમારા આ પેઇન્ટિંગે મને સાજી કરી દીધી છે. મને ઘણા દિવસોથી જઠરની સમસ્યા હતી, જે હવે દૂર થઈ રહી છે. શું હું મારા સ્ટુડન્ટ્સને પણ સારવાર માટે અહીં લાવી શકું ખરી? તે સ્પિરિચ્યુઅલ હિલર (આધ્યાત્મથી સારવાર કરનાર) હતી. તે એક્ઝિબિશનમાં રોજ પોતાના સ્ટુડન્ટ્સને લાવતી હતી. તેમને સૂચનાઓ આપીને તેમનો ઉપચાર કરતી હતી. એક સાયન્ટિસ્ટ પણ મારા ‘બિયોન્ડ ધ સાઇકોલોજી’ નામના પેઇન્ટિંગથી ખૂબ જ પ્રભાવિત થયા હતા.’

તે પેઇન્ટિંગ તમે તમારા ઑપરેશન પછી બનાવ્યું હતું, શું થયું હતું અને તે પેઇન્ટિંગ કેવી રીતે બન્યું હતું? આ વિશે પ્રતીક્ષાએ જણાવ્યું કે, ‘મારા બ્રેસ્ટના નીચલા હિસ્સામાં એક ગાંઠ થઈ હતી. તે લાયકોમાની ગાંઠ હતી. આવી ગાંઠ કોઈ એક જગ્યાએ ચરબી વધવાથી થતી હોય છે, પરંતુ મારા પતિને થયું કે આમાંથી ક્યાંક કૅન્સર ન થઈ જાય. ત્યાર પછી ગાંઠને ઑપરેશન કરી દૂર કરવામાં આવી. ડૉક્ટરે ત્રણ મહિનાના બેડ રેસ્ટ સાથે ત્રણ મહિના સુધી પેઇનકિલર દવાઓ લેવાનું કહ્યું હતું, પરંતુ હું પેઇનકિલર બિલકુલ લેવા માગતી ન હતી. પેઇનકિલર લેવાથી શરીરનો તે ભાગ ડેડ થઈ જાય છે. મેં પેઇનકિલર લેવાની ના પાડી દીધી અને પોતાના ઉપર પ્રયોગ શરૃ કર્યા. જ્યારે આપણે આપણી સભાનાવસ્થાના સ્તર પર કામ કરીએ છીએ ત્યારે બધુ સારું થઈ જતું હોય છે. તેનાં પણ સાત સ્તર હોય છે. ત્રણ નીચે અને ત્રણ ઉપર. અનકોન્સિયસ, કલેક્ટિવ અનકોન્સિયસ તેમજ કોસ્મિક અનકોન્સિયસ આ ત્રણ સ્તર નીચે હોય છે. જ્યારે સુપર કોન્સસ, સુપરા કોન્સસ અને કોસ્મિક સુપરા કોન્સસ એ ત્રણ સ્તર ઉપરની તરફ હોય છે. મેં આ સ્તરો ઉપર કામ કરીને મારા મગજને હકારાત્મક સૂચનાઓ આપી અને દવા લીધા વગર જ હું સાજી થઈ ગઈ. ડૉક્ટર વિશ્વાસ જ કરી શક્તા ન હતા. તે સમયે મને જે જુદા-જુદા રંગો દેખાયા. તેના પરથી મેં ‘બિયોન્ડ ધ સાઇકોલોજી’ નામનું પેઇન્ટિંગ બનાવ્યું. તે પેઇન્ટિંગ જોઈને એક સાયન્ટિસ્ટ પણ ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમણે આશ્ચર્ય સાથે સવાલ કર્યાે કે, અમે આની ઉપર રિસર્ચ કરી રહ્યા છીએ અને તમને આ રંગો કેવી રીતે દેખાયા? પરંતુ આ તો ઋષિમુનિઓના સમયથી ચાલ્યું આવ્યું છે. જેમ કે આપણા શરીરનાં ચક્ર વિશે ઋષિમુનિઓ જાણતા હતા, પરંતુ હવે તેને સાયન્સ પુરવાર કરી રહ્યું છે અને જ્યાં સુધી સાયન્સ તેને સાબિત નથી કરતું ત્યાં સુધી તેની પર કોઈ વિશ્વાસ નથી કરતું.’

આવા તો તમારા ઘણા બધા અનુભવો હશે જે વિશે તમે અત્યાર સુધી કોઈની સાથે ચર્ચા નથી કરી. એટલા માટે કે તેની પર કોઈ વિશ્વાસ નહીં કરે? પ્રતીક્ષાએ કહ્યું કે, ‘આવું નથી. હું જે અનુભવ કરું છું, તેની પર હું વિશ્વાસ કરું છું. કેમ કે, તે મારા માટે સત્ય છે. વિજ્ઞાન અને આધ્યાત્મ એ બે અલગ-અલગ બાબતો છે, પરંતુ જ્યારે વિજ્ઞાન તેને સાબિત કરે છે ત્યારે આપણે ખુશ થઈએ છીએે. જેમ કે, હું કહીશ કે બાળકો માટે સ્પર્શની કરુણાની ફિલિંગ જરૃરી છે. તેનાથી તેઓ ખુશ થાય છે. પછી કોઈ પેઇનકિલરની જરૃર નથી પડતી. બધો જ મગજનો ખેલ હોય છે. તેની પર કોઈ ત્યાં સુધી વિશ્વાસ નહીં કરે, જ્યાં સુધી સાયન્સ તેને સાબિત નથી કરતું, કારણ કે આપણને પોતાની જાત પર, ખુદની સચ્ચાઈ પર ખૂબ જ ઓછો વિશ્વાસ હોય છે.

આજે સાયન્સ પોતાના ક્ષેત્રમાં ઘણુ જ કામ કરી રહ્યું છે, પરંતુ આધ્યાત્મિક અનુભવો વિશે આપણે બધાં સાથે ચર્ચા નથી કરી શક્તા. મેં પણ કોઈ અલગ જ અનુભવો કર્યા હશે, જેને હું કહીશ તો લોકો મને પાગલ સમજશે, પરંતુ તે અનુભવો મારા માટે સત્ય છે. કેમ કે, હું અંધવિશ્વાસુ નથી. હું ખુદ તેના પર પ્રયોગ કરું છું. ઓશો મારા ગુરુ છે, પરંતુ હું તેમની પર પણ વિશ્વાસ નથી રાખતી. સૌથી પહેલાં હું મારી જાત ઉપર વિશ્વાસ કરું છું, જેના માટે મેં વર્ષાે સુધી પોતાની જાત પર કામ કર્યું છે અને ખુદને અંદરથી અને બહારથી સંતુલિત કરી છે. જેમ ઓશોએ ‘ઝોરબા દી બુદ્ધા’ની જેમ મનુષ્યની કલ્પના કરી હતી, હું પણ તે જ પ્રકારે ભૌતિક સુખોની સાથે ઈશ્વરના પરમ આનંદમાં ડૂબી ગઈ છું. આથી મારી અંદર હવે કોઈ ખાલીપો બચ્યો નથી. હું ખૂબ જ ખુશ છું.’

  • Latika Suman, Mumbai

Leave A Reply

Your email address will not be published.

Translate »