તમારા માટે, તમારી સાથે, સતત…

તર્ક અને ઇતિહાસ, બધું  ‘કર્ણાવતી’ની તરફેણમાં છે

સત્તાધારી ભાજપ અને વિવાદોની કુંડળી એક જ હોય એવું લાગે છે

0 375
  • અલકેશ પટેલ

ભારતમાં એકાએક શહેર કે સ્થળનાં નામ બદલવાની મોસમ શરૃ થઈ ગઈ છે. આમ તો આ પ્રક્રિયા છેક મોગલકાળથી શરૃ થઈને સપ્ટેમ્બર ૨૦૧૮ સુધી ચાલુ હતી, પણ કોઈને વાંધો નહોતો અને હવે અનેકને વાંધો છે…પણ કેમ?

સત્તાધારી ભાજપ અને વિવાદોની કુંડળી એક જ હોય એવું લાગે છે. ભાજપનું કોઈ પગલું વિવાદ વિના નથી હોતું અથવા કહો કે વિવાદ હોય ત્યાં ભાજપની હાજરી હોય છે..! આ માટેનું સીધું કારણ એ છે કે ભાજપને એક ચોક્કસ ધાર્મિક સમુદાયના પક્ષ તરીકે જોવામાં આવે છે અને સામે બાકીના તમામ પક્ષોને સર્વધર્મ સમભાવના પ્રતીક ગણવામાં આવે છે. અલબત્ત, આ ધારણાની વાસ્તવિકતા સાપેક્ષ છે-રિલેટિવ છે અને કદાચ એટલે જ શહેરો કે સ્થળનાં નામ બદલવાની હાલની પ્રક્રિયા વિવાદે ચઢી છે – એ બધે ઠેકાણે હાલ ભાજપ હાજર છે..!

મુદ્દો અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવું કે નહીં તેનો છે. આ મુદ્દે હાલ ગુજરાતની અને ખાસ અમદાવાદની પ્રજા તેમજ રાજકારણીઓ ત્રણ ભાગમાં વહેંચાઈ ગયા છે. એક ભાગ નામ તાત્કાલિક બદલીને કર્ણાવતી કરી દેવાની તરફેણમાં છે, તો બીજો ભાગ તેની વિરુદ્ધમાં છે અને ત્રીજા ભાગને કશો ફેર પડતો નથી. આ ત્રીજો ભાગ ઘણી મોટી સંખ્યામાં છે. તેઓ એમ માને છે કે શહેરનું નામ અમદાવાદ હોય કે કર્ણાવતી – શું ફેર પડે છે? તેમનું વલણ આવું નિસ્પૃહ હોય એ સ્વાભાવિક છે, કેમ કે તેમના રોજિંદા જીવનના પ્રશ્નો આ ‘નામાયણ’થી ઉકેલાવાના નથી.

આ ‘નામાયણ’ માટેના રાજકારણને અલગ રાખીને કર્ણાવતી-અમદાવાદ-કર્ણાવતીના ઇતિહાસ અને ભૂગોળની ચર્ચા કરીશું તો અસમંજસમાં હોય એ લોકોને થોડી વધારે સ્પષ્ટતા મળી શકશે. નોંધાયેલા ઇતિહાસ પ્રમાણે આ શહેર ૬૦૦ વર્ષનું છે. લોકવાયકા પ્રમાણે ‘જબ કૂત્તે પર સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા’. તો સવાલ પહેલો, બાદશાહ સસલાની હિંમતથી પ્રભાવિત થયો હતો અને તેને આધારે અહીંના માણસોની હિંમતની કલ્પના કરી હતી. આમ તાર્કિક રીતે અહીં ગામ હતું અને એ ગામનું કોઈ નામ પણ હશેને! શું હતું એ નામ? આશાપલ્લી? આશાવલ? કે પછી કર્ણાવતી? શું એવું શક્ય નથી કે આશાપલ્લી અને કર્ણાવતી નજીક-નજીકના અથવા સાબરમતી નદીની બંને તરફ આવેલા બે અલગ ગામ હોય? આશા ભીલ અને કરણદેવ કોણ હતા?

Related Posts
1 of 319

સવાલ બીજો, બાદશાહે શહેર વસાવ્યું હતું કે પછી આક્રમણ કરીને કબજો કર્યો હતો? અહમદશાહે જો શહેર ‘વસાવ્યું’ હતું તો સાવ સ્વાભાવિક છે કે તેણે સૌથી પહેલું કોઈ ઇસ્લામિક સ્થાપત્ય જ સ્થાપ્યું હોય… તો એ ક્યાં છે? સૌથી મુખ્ય સવાલ – અહમદશાહે શહેર વસાવ્યા બાદ શું માત્ર હિન્દુઓને અહીં લાવીને વસાવ્યા હતા? કે પછી પહેલેથી જ સુખી-સમૃદ્ધ હિન્દુઓ જ્યાં મોટી સંખ્યામાં હતા એવાં ગામો ઉપર આક્રમણથી કબજો કરીને પછી નામ બદલ્યું હશે?

આ અને આવા તમામ સવાલોના જવાબ બધાને ખબર જ છે. ઇતિહાસનાં પાઠ્યપુસ્તકો દ્વારા ભલે બધા એવું ભણ્યા હોય કે આક્રમણ કરીને લૂંટફાટ કરવા આવેલા મોગલો મહાન અને સેક્યુલર હતા, પરંતુ સાથે જ બધા અંતઃપૂર્વક પોતાનાં વેદ, પુરાણ, રામાયણ અને મહાભારતથી પણ પરિચિત છે. પેઢી દર-પેઢી આપણી સાથે જ વહેતા રહેલા આ સાંસ્કૃતિક વારસાને કારણે આપણે જાણીએ છીએ કે એ કાળમાં હજુ ઇસ્લામનું નામોનિશાન નહોતું. પરિણામે જે નામ હતાં એ આપણા પોતાનાં હતાં. છતાં કોઈક કાળે, કોઈક રીતે એ નામો બદલાઈને કાં તો અહમદાબાદ અને મહેમદાબાદ થયાં હશે.

હવે એ નામો ફરીથી બદલીને મૂળ નામો કરવાથી શું થશે? આક્રમણ અને દમન અને હિંસા પહેલાંનો ઇતિહાસ આપણને પાછો મળશે? દેખીતું છે આશા ભીલ અને કરણદેવ તો આપણને પાછા નહીં મળે, પણ હા, એક વર્ગને સંતોષની લાગણી જરૃર થશે. તો અન્ય વર્ગને અસંતોષ થશે, પણ તો પછી જે વર્ગને અસંતોષ થશે એ વર્ગે છ સદી પહેલાં આશાવલ કે કર્ણાવતીનું અહમદાબાદ થયું ત્યારે જે વર્ગને દુઃખ થયું હશે તેની લાગણીનો વિચાર કર્યો હશે ખરો? કોની લાગણી વધારે અગત્યની – મૂળ નિવાસીઓની કે આક્રમણ કરનાર બાદશાહોની? આક્રમણ, હિંસા, લૂંટફાટ, મંદિરોનો વિધ્વંસ, બળજબરી પૂર્વકનાં ધર્માંતર, નામોની બદલી – એવા કોઈ પણ મુદ્દે જેમને પણ આશંકા હોય તેઓ પોતે મિરાત-એ-સિકંદરી પુસ્તક વાંચવું જોઈએ. આ પુસ્તક ૧૯૧૪માં પ્રકાશિત થયું હતું. તેમાં લેખક સિકંદરે (૧૫૫૩) પૂરી નિષ્ઠા અને હિંમતપૂર્વક મુસ્લિમ બાદશાહોના આક્રમણ, હિંસા અને લૂંટફાટના વર્ણન કર્યાં છે.

ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની વિનંતીથી મૂળ ફારસીમાંથી મિરાત-એ-સિકંદરી (સિકંદરનો અરીસો)નો ગુજરાતી અનુવાદ ભરૃચના આત્મારામ મોતીરામ દીવાનજીએ કર્યો છે. આમ છતાં, જે લોકોને હજુ પણ આશાવલ કે કર્ણાવતી વિશે આશંકા હોય તેમણે પ્રસિદ્ધ ગરબો ‘એકે લાલ દરવાજે તંબુ તોણિયા રે લોલ… કે વહુ તમે ના જશો જોવાને ત્યાં બાદશો બડો મિજાજી’ વારંવાર સાંભળવો જોઈએ, તેના એક એક શબ્દનું અર્થઘટન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. કમનસીબે આજ સુધી મોટા ભાગના લોકો આ ગરબાને અન્ય ગરબાની જેમ ગાતા-સાંભળતા રહ્યા છે, પણ હવે સાંભળો ત્યારે તેની એક એક પંક્તિનું અર્થઘટન કરશો તો આશાવલ કે કર્ણાવતીની લાગણી આપોઆપ તમારા અંતરમાંથી બહાર ઉછળવા લાગશે.

હાલ જે કંઈ વિવાદ ચાલી રહ્યો છે અથવા સામાજિક વાતાવરણ બગડશે એવો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે તેની પાછળ દેખીતી રીતે રાજકારણ જવાબદાર છે. અઢી દાયકા પહેલાં અમદાવાદનું નામ બદલવાની દરખાસ્ત કરનાર અને ઠરાવ કરનાર ભાજપ ત્યાર પછી એકાએક કુંભકર્ણ નિદ્રામાં સરી પડ્યો હતો જે હવે એકાએક જાગીને ‘કર્ણાવતી – કર્ણાવતી’ કરવા લાગ્યો છે. દેખીતી રીતે તેને તેની ‘હિન્દુ વોટબેંક’ની ચિંતા થવા લાગી છે, અને એટલે ભાજપ નામ બદલવાનાં ડાકલાં ધૂણાવે એ સ્વાભાવિક છે. તો સામે કોંગ્રેસને પણ તેની ૭૦ વર્ષ જૂની ‘મુસ્લિમ વોટબેંક’ને નારાજ કરવાનું પોષાય નહીં અને એટલે કોંગ્રેસ નામ બદલવાની દરખાસ્તને ટેકો ન આપે એ સ્વાભાવિક છે. આ બધાની વચ્ચે વળી પોતાને સેક્યુલર – તટસ્થ ગણાવતા બુદ્ધિજીવીઓ ‘હેરિટેજ’ શહેરનો મુદ્દો લઈ આવ્યા છે. અમદાવાદ અને કર્ણાવતી બંને (૧) તરફેણ કરનારા, (૨) વિરોધ કરનારા અને (૩) હેરિટેજ લૉબીના ત્રિભેટે ઊભા છે. હવે શું થશે? આ ‘નામાયણ’ આપણને ક્યાં લઈ જશે?
——————

Leave A Reply

Your email address will not be published.

Translate »