તમારા માટે, તમારી સાથે, સતત…

ડિઝાઇનર બેબીઃ  માનવી સર્જનહાર બનશે?

ડિઝાઇનર બેબી વિજ્ઞાન અને તબીબી ક્ષેત્રે અત્યારે ફરી ચર્ચામાં છે.

0 237

કવર સ્ટોરી – નિલેશ કવૈયા

ડિઝાઇનર બેબી વિજ્ઞાન અને તબીબી ક્ષેત્રે અત્યારે ફરી ચર્ચામાં છે. અમેરિકાના સાનડિયાગોની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાની મહિલા પ્રોફેસર પિનાર યોલ્ડસના એક પ્રદર્શનથી. મૂળ તુર્કીની આ આર્કિટેક્ટે ગ્રીક દેવી-દેવતાઓની લાક્ષણિકતાનો આધાર લઈને જિનેટિકલી મૉડીફાઇડ જનરેશન એટલે કે ડિઝાઇનર બેબીઓની કલ્પના કરી છે. તેનું પ્રદર્શન હાલ ઇસ્તંબુલમાં ચાલી રહ્યું છે. ગર્ભમાં બાળક નવ મહિનામાં પૂર્ણ વિકસિત થાય છે, તેથી પિનારે નવ ડિઝાઇનર બેબીના મૉડલ થ્રીડી પ્રિન્ટિંગથી તૈયાર કર્યાં છે. વિઝ્યુલ આર્ટ્સમાં પિનારનું નામ જાણીતું છે એટલે આ પ્રદર્શને ડિઝાઇનર બેબીના ભાવિની સંભાવનાઓ પર ફરી ચર્ચા જગાવી છે.

મોટા શહેરના એક ફર્ટિલિટી સેન્ટરની આલીશાન કન્સલ્ટિંગ ચેમ્બરમાં ડૉક્ટર સામે  યુવાન દંપતી બેઠું છે. ડૉક્ટર પ્રોફેશનલ સ્મિત સાથે તેમની સામે એક ફોલ્ડર સરકાવે છે. ફોલ્ડરમાં આઈવીએફ એટલે કે ઇનવીટ્રો ફર્ટિલાઇઝેશન ટૅક્નિકથી દંપતીના શુક્રાણુ અને સ્ત્રીબીજમાંથી તૈયાર કરેલા ૨૦ જેટલા ભ્રૂણની ડિટેઇલ્સ છે. દરેક ભ્રૂણના જિન્સ એટલે કે જનીનમાં કેટલાક ફેરફાર કરાયા છે. તેથી દરેક ભ્રૂણ વિકસિત કરાય તો કયા અલગ-અલગ રૃપરંગ કે ખાસિયતો સાથે જન્મ લેશે તેની વિગતો લખેલી છે. દંપતી આપસમાં થોડીવાર ચર્ચા કરીને એક ભ્રૂણની પસંદગી કરે છે. ડૉક્ટર તે પછી યુવતીના ગર્ભાશયમાં તે ભ્રૂણને વિકસવા માટે આરોપિત કરે છે. આપણે વાત કરીએ છીએ જેની તબીબી ક્ષેત્રે ફરી ચર્ચા શરૃ થઈ છે તે ડિઝાઇનર બેબીની. ઉપર વર્ણવેલો પ્રસંગ કાલ્પનિક છે,

પણ આગામી દસ કે વીસ વર્ષમાં ડિઝાઇનર બેબી હકીકત બને તેવી શક્યતા છે. મેડિકલ સાયન્સે છેલ્લાં કેટલાંક વર્ષોમાં હરણફાળ ભરી છે. જોકે ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હિમોફિલિયા, થેલિસિમિયા, કેટલાંક પ્રકારનાં કૅન્સર સહિતની અનેક ગંભીર અને વારસાગત બીમારીઓનો ઠોસ ઇલાજ હજુ થઈ શકતો નથી. ડિઝાઇનર બેબીની દિશામાં થઈ રહેલાં સંશોધનનો હેતુ ગર્ભમાં જ આવી બીમારીઓ માટે જવાબદાર જનીન એટલે કે જિન્સને ઓળખીને તેને દૂર કરવાનો છે કે જેથી તે બાળક તેનો ભોગ ન બને. વિજ્ઞાનીઓ તેને જિન એડિટિંગ કહે છે. અમેરિકાના વિજ્ઞાનીઓની ટીમે તે દિશામાં સફળ પ્રયોગ કરીને ડિઝાઇનર બેબી પેદા કરવાની દિશામાં પહેલું કદમ માંડી દીધું છે. એક ખાસ પ્રકારના જનીનના કારણે થોડી મોટી ઉંમરમાં હૃદયની દીવાલ જાડી થઈ જતાં હાર્ટ-એટેકનો ખતરો વધી જાય છે. વિજ્ઞાનીઓએ આઈવીએફથી માનવ-ભ્રૂણ વિકસિત કરીને ક્રિસપર નામની ટૅક્નિકથી તેમાંથી ખામીયુક્ત જનીન સફળતાપૂર્વક દૂર કરી તેમાં સારું જનીન દાખલ કર્યું હતું. વિજ્ઞાનીઓને તે

ભ્રૂણને પૂર્ણ રીતે વિકસિત કરવાની પરવાનગી ન હોવાથી કોઈ મહિલાના ગર્ભમાં આરોપિત કરી શક્યા નહીં. ભારત માટે ગૌરવની વાત એ છે કે આ પ્રયોગ કરનારી ટીમના એક સભ્ય કાશ્મીરમાં જન્મેલા અને દિલ્હીમાં ભણેલા ડૉ. સંજીવ કૌલ પણ છે. ઓરેગન હેલ્થ એન્ડ સાયન્સ યુનિવર્સિટીના બાયોલોજિસ્ટ શુખરાત મિટાલીપોવ કે જે આ ટીમના લીડર છે તેમણે ક્રિસપર ટૅક્નિકની શોધ કરી છે, જેના દ્વારા ખરાબ જનીનને આસાનીથી ઓળખીને તેને દૂર કરી શકાય છે. એટલું જ નહીં, જરૃર પડે સારા જનીનને આરોપિત પણ કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે તે પહેલાં બ્રિટનના વિજ્ઞાનીઓને માનવ ભ્રૂણમાં જનીન પર સંશોધન કરવાની મંજૂરી મળી હતી. તેનો આશય ગર્ભમાં બાળકના વિકાસનો વિસ્તૃત અભ્યાસ કરવાનો હતો. ૨૦૧૫ના વર્ષમાં ચીનના વિજ્ઞાનીઓએ પણ દાવો કર્યો હતો કે તેમણે લોહી વિકાર માટે જવાબદાર જનીનને ઠીકઠાક કરવા માટે માનવ-ભ્રૂણ પર સફળતાપૂર્વક પ્રયોગ કર્યો છે.

Related Posts
1 of 262

હવે સવાલ એ ઊઠે છે કે શું માણસ ભગવાન બનવાની કોશિશ કરી રહ્યો છે! આ સવાલ એટલા માટે છે કે લગભગ તમામ ધર્મ અને સંસ્કૃતિઓમાં એવી માન્યતા છે કે ભગવાન જ માણસની રચના કરે છે. આ શોધથી એવી સંભાવના પેદા થઈ છે કે બહુ નજીકના ભવિષ્યમાં માણસ જ પોતે માણસનું નિર્માણ કરશે અને એ પણ પોતે નક્કી કરેલી ડિઝાઇન મુજબ. જોકે તેનું સારું પાસું એ પણ છે કે ભવિષ્યની પેઢીઓમાં કેટલીક ગંભીર અને નાઇલાજ બીમારીઓને થતી અટકાવી શકાશે. અલબત્ત, આ મુદ્દો માત્ર વિજ્ઞાનનો નથી. તેમાં સમાજ, ધર્મ અને નીતિમત્તા પણ જોડાયેલાં છે. સમાજ આવા પ્રયોગને કેટલો સ્વીકારશે તે એક મોટો સવાલ છે. અત્યારે અમેરિકા કે યુરોપના અત્યંત પ્રગતિશીલ દેશોમાં પણ ડિઝાઇનર બેબીના પ્રયોગને માત્ર ભ્રૂણ સુધીની જ મંજૂરી છે. તેને કોઈ મહિલાના ગર્ભાશયમાં આરોપિત કરવાની પરવાનગી નથી. તેમ છતાં એવી આશા તો જાગી જ છે કે ભવિષ્યમાં આનુવંશિક અને ગંભીર બીમારીઓનો ઇલાજ સંભવ બનશે.

ડિઝાઇનર બેબી વિજ્ઞાન અને તબીબી ક્ષેત્રે અત્યારે ફરી ચર્ચામાં છે. અમેરિકાના સાનડિયાગોની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાની મહિલા પ્રોફેસર પિનાર યોલ્ડસના એક પ્રદર્શનથી. મૂળ તુર્કીની આ આર્કિટેક્ટે ગ્રીક દેવી-દેવતાઓની લાક્ષણિકતાનો આધાર લઈને જિનેટિકલી મૉડીફાઇડ જનરેશન એટલે કે ડિઝાઇનર બેબીઓની કલ્પના કરી છે. તેનું પ્રદર્શન હાલ ઇસ્તંબુલમાં ચાલી રહ્યું છે. ગર્ભમાં બાળક નવ મહિનામાં પૂર્ણ વિકસિત થાય છે, તેથી પિનારે નવ ડિઝાઇનર બેબીના મૉડલ થ્રીડી પ્રિન્ટિંગથી તૈયાર કર્યાં છે. વિઝ્યુલ આર્ટ્સમાં પિનારનું નામ જાણીતું છે એટલે આ પ્રદર્શને ડિઝાઇનર બેબીના ભાવિની સંભાવનાઓ પર ફરી ચર્ચા જગાવી છે. પિનાર માને છે કે ડિઝાઇનર બેબી એ સાયન્સ ફિક્શન નથી. એ દિવસો દૂર નથી જ્યારે આ ટૅક્નોલોજીથી બાળકોનો જન્મ સામાન્ય વાત હશે. દરેક ડિઝાઇનર બેબીને ગ્રીક દેવી-દેવતાનું નામ આપ્યું છે. તેની સાથે ચાર્ટ પણ છે જેમાં કયા જિનમાં એડિટિંગ કરાયું છે તેનો પણ ઉલ્લેખ છે. પિનારનું પ્રદર્શન ભવિષ્યની શક્યતાને ધ્યાનમાં લઈને બનાવેલી એક કલાકારની કલ્પના છે, પરંતુ ડિઝાઇનર બેબી હકીકત બને તે નજીકના ભવિષ્યની વાત છે. માનવીના જનીનમાં ફેરફાર કરવા માટે તેની સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ. તે કામ તો વિજ્ઞાનીઓએ વર્ષો પહેલાં હ્યુમન જીનોમ પ્રોજેક્ટ હેઠળ કરી દીધું છે.

આજે આપણી પાસે માનવીના એક લાખ જિનનો સંપૂર્ણ ડેટાબેઝ હાથવગો છે. જિન એટલે કે જનીન આપણા જીવનની બ્લુ પ્રિન્ટ છે. આપણે કેવા દેખાઈશું? રંગ, ચહેરો, ઊંચાઈ, સ્વભાવ, ગમા-અણગમા  સહિતની લાક્ષણિકતાઓ આ જનીનમાં એક રીતે કહીએ તો કમ્પ્યુટર પ્રોગ્રામની જેમ સચવાયેલી પડેલી હોય છે. બાળકને તેનાં માતા-પિતાના જનીન વારસામાં મળે છે. તેથી જ બાળકનાં શારીરિક દેખાવ અને લક્ષણો માતા-પિતા જેવાં હોય છે. આ આનુવંશિક લક્ષણો પેઢી દર પેઢી આગળ વધતાં રહે છે. કોઈ જનીનની ખામી માતા-પિતામાં હોઈ બાળક પણ તે ખામી સાથે જન્મે તેવી શક્યતા ઘણી વધારે હોય છે. ડિઝાઇનર બેબીનો મૂળ હેતુ તો ભવિષ્યનાં બાળકો તંદુરસ્ત જન્મે અને તે કોઈ આનુવંશિક બીમારીનો ભોગ ના બને તેવો છે, પણ આ ટૅક્નિકથી ઇચ્છિત રંગ, રૃપ, કદ, કાઠીવાળાં બાળકો પેદા કરવા માટે પણ થશે જ તે પણ નક્કી છે. કોઈ માતા-પિતા એવું ના ઇચ્છે કે તેનું બાળક શ્યામ રંગનું, ઠીંગણુ કે પછી મેદસ્વી થાય. ભવિષ્યમાં આવા જનીન એડિટ કરીને સુંદર બાળકો પેદા કરવાનો પણ ટ્રેન્ડ શરૃ થઈ જશે. ડિઝાઇનર બેબી સામે કેટલાક વિજ્ઞાનીઓ લાલબત્તી પણ ધરે છે. તેમનું કહેવું છે કે માનવીના જનીનમાં છેડછાડની કેટલી હદે મંજૂરી આપવી જોઈએ તે તેના દરેક સારાં-નરસાં પાસાંઓને જોઈને નક્કી કરવું પડશે.

દેશના જાણીતા ઓન્કોલોજિસ્ટ અને ‘ધી જિન’ પુસ્તકના લેખક સિદ્ધાર્થ મુખર્જીએ કહ્યું હતું કે, ‘ડિઝાઇનર બેબીની દિશામાં આગળ વધીએ તે પહેલાં રાષ્ટ્રીય સ્તરે ચર્ચાની જરૃર છે. હ્યુમન જિનોમમાં ૩ અબજ લેટર છે. જેમ કે છ,ઝ્ર,્ અને ય્. જે એડિનાઇન, સાયટોસીન, થાયમીન અને ગ્વાનાઇન જેવા ડીએનએના ન્યુકિલિઇક એસિડ છે. આ એસિડની અલગ અલગ શૃંખલા મળીને સર્પાકાર સીડી જેવા જનીન બનાવે છે. જિન થેરાપીથી ભ્રૂણના જિન્સમાં ફેરફાર કરવાની ટૅક્નિક એક પાવરફુલ થેરાપીના દરવાજા ખોલી નાખશે.તેનાથી સિકલસેલ એનિમિયા જેવી અનેક બીમારીઓનો ઇલાજ સંભવ બનશે, પણ આ ટૅક્નિકથી  કોઈ વિજ્ઞાની વધુ પડતાં ચેડાં કરીને જિનેટિક બંધારણ જ બદલી નાખે તો? જિન એડિટિંગથી ભવિષ્યના બાળકની ઊંચાઈ અને બુદ્ધિમત્તા પણ વધારી શકાશે? આવા પ્રશ્નોના જવાબ અત્યારે કોઈની પાસે નથી, ચીનની સુન યેત સેન યુનિવર્સિટીના જુનજીયુ હુઆંગની આગેવાનીમાં વિજ્ઞાનીઓની ટીમે જ્યારે માનવ-ભ્રૂણના જિનમાં સફળ એડિટિંગની જાહેરાત કરી ત્યારે આવા સવાલો ઊઠવા લાગ્યા હતા. આ ટીમે અલગ-અલગ આઈવીએફ સેન્ટરમાંથી ૮૬ ભ્રૂણ મેળવ્યાં હતાં અને જિન એડિટિંગનો પ્રયોગ કર્યો હતો.તેમાંનાં ૭૧ જીવંત રહ્યાં હતાં. ફક્ત ચાર ભ્રૂણમાં જિન અડિટિંગ યોગ્ય થયું હતું.

નુફિલ્ડ કાઉન્સિલના બાયોએથિક્સ ગ્રૂપ સાથે સંકળાયેલા વિજ્ઞાનીઓ કહે છે કે, દુનિયાભરમાં જિન એડિટિંગ પર અત્યારે પ્રતિબંધ છે. જોકે ભવિષ્યમાં તેની મંજૂરી મળશે તે નિશ્ચિત છે. આનુવંશિક કે કૅન્સર જેવી ગંભીર બીમારી માટે જવાબદાર જનીનના રિપેરિંગને છૂટ આપવામાં કોઈ વાંધો હોવો ન જોઈએ. ભવિષ્યમાં જિન એડિટિંગ તબીબી ક્ષેત્રે કેવી ક્રાન્તિ લાવશે અને આવનારી પેઢીઓમાં કેવું પરિવર્તન લાવશે તેની કલ્પના રોમાંચક છે. કેમ કે આ વિજ્ઞાન માનવજાતિને ક્યાં લઈ જશે તેની આગાહી કરવી સહેલી નથી. ચીન અને કોરિયા જેવા દેશોમાં જડબેસલાક સેન્સરશિપ છે. ત્યાં ચાલતા પ્રયોગો પર લોખંડી પડદો હોય છે અને દુનિયાને તેની જાણ પણ થતી નથી. શક્ય છે કે ચીનમાં ડિઝાઇનર બેબીનું અવતરણ થઈ પણ ગયું હોય. જિન એડિટિંગને ઘણા વિજ્ઞાનીઓએ આગ સાથે રમવા સમાન ગણાવ્યું છે. બે વર્ષ પહેલાં નેચર મૅગેઝિનમાં પ્રસિદ્ધ એક લેખમાં વિજ્ઞાનીઓની એક ટીમનો સૂર એવો હતો કે જિન એડિટિંગ માત્ર ગંભીર બીમારીઓને દૂર કરવા માટે જ માત્ર થાય તો પણ તેના દુરુપયોગની શક્યતા નકારી શકાય નહીં. જિન એડિટિંગને પ્રચલિત બનતાં હજુ ઘણા વર્ષો લાગશે, તેમ ન્યુ હેમ્પશાયરની ડર્ટમાઉથ કૉલેજના બાયોએથિસ્ટ રોનાલ્ડ ગ્રીન કહે છે. તેઓ જોકે માને છે કે ડિઝાઇનર બેબી ટાળી ના શકાય તેવું આપણુ ભવિષ્ય છે.

આવનારા દિવસોમાં તેની ઉગ્ર ચર્ચા થશે. જિન એડિટિંગ પહેલાં જનીનનું સ્ક્રિનિંગ શરૃ થશે.બહુ નજીકના ભવિષ્યમાં. ધનવાન દેશોમાં દરેક પાસે ઇલેક્ટ્રોનિક મેડિકલ રેકોર્ડમાં તેમના જનીનના બંધારણની સંપૂર્ણ માહિતી હશે. આઈવીએફ ટૅક્નિકથી બનાવેલા એકથી વધુ ભ્રૂણના સ્ક્રિનિંગમાં કોઈ ભ્રૂણમાં જનીનની ખામી છે કે કેમ તે જાણી શકાશે. જે ભ્રૂણમાં માતા-પિતા તરફથી ખરાબ જનીન ન મળ્યા હોય તેવા ભ્રૂણની ગર્ભાધાન માટે પસંદગી કરી શકાશે. આ ટૅક્નિકને પ્રિઇમ્પ્લાન્ટેશન જિનેટિક ડાયાગ્નોસિસ (પીજીડી) કહે છે. કેમ્બ્રિજ પાસેની યુરોપિયન બાયોઇન્ફોર્મેટિક ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ઇવાન બર્નીના મતે જનીન આપણી ડેસ્ટિની એટલે કે ભાવિ છે તે માન્યતા ભવિષ્યમાં ભૂંસાતી જશે. મારા તમામ જનીનની વિગતો ચીપમાં છે, અત્યારે તેનાથી બહુ જાણકારી મળતી નથી, પણ નજીકના ભવિષ્યમાં સુપરમેન જેવાં બાળકો પેદા થવા લાગશે તેમ કોઈ માનતું હોય તો તે ભૂલ ભરેલું છે. કેમ કે આપણે હજુ ઘણુ ઓછું જાણીએ છીએ, જનીનનાં તમામ રહસ્યો જાણવામાં હજુ વર્ષો લાગશે અને બની શકે કે કેટલાંક રહસ્યો આપણે ક્યારેય ઉકેલી શકીએ નહીં. બીજી તરફ જિન એડિટિંગ લાગે છે તેટલું સહેલું નથી. તે અત્યંત અટપટી પ્રક્રિયા છે. આઈક્યૂ જનીન, ગે જનીન કે કોઈને મહાન સંગીતકાર કે કલાકાર બનાવતાં જનીન ખરેખર કેવી રીતે કામ કરે છે તે આપણને હજુ ખબર નથી. જ્યાં સુધી વ્યક્તિની પર્સનાલિટી કે બુદ્ધિમત્તાનો સવાલ છે તેમાં કોઈ એક નહીં, પણ અનેક જનીનનું યોગદાન હોય છે. તેના વિશે પણ આપણુ જ્ઞાન હજુ સીમિત છે. જોકે ભવિષ્યમાં તેના પરથી પણ પડદો ઊઠી શકે છે. હાલ તો આપણે તેને ગંભીર બીમારીઓના સંદર્ભમાં જ લેવું જોઈએ.
——————–

Leave A Reply

Your email address will not be published.

Translate »