તમારા માટે, તમારી સાથે, સતત…

સુભાષચંદ્ર બોઝના યાદગાર પલાયનનો તથ્યપૂર્ણ ઘટનાક્રમ

સુભાષ બોઝના આ મહાભિનિષ્ક્રમણના ત્રણ તબક્કા છે

0 1,100

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રદાનનું યથાર્થ મૂલ્યાંકન આજ સુધી થયું નથી, પરંતુ તેમણે જ્ઞાન, કર્મ, દૂરંદેશી અને સાહસનાં જે અદ્ભુત ઉદાહરણો પ્રસ્તુત કર્યા છે તેને કારણે જનમાનસમાં તેમની પ્રતિષ્ઠા, તેમની ઇમેજ છે તે જોતાં ભારતીય ઇતિહાસના બે શિખર પુરુષો છત્રપતિ શિવાજી અને ગુરુ ગોવિંદસિંહની શ્રેણીમાં મૂકવાનું કેટલાક વિદ્વાનો પસંદ કરે છે. શસ્ત્ર, શાસ્ત્ર અને ક્ષાત્રતેજનો જે અદ્ભુત સમન્વય તેમના વ્યક્તિત્વમાં જોવા મળ્યો હતો, એ ભાગ્યે જ અન્ય કોઈમાં જોવા મળી શકે. જે રીતે શિવાજી મહારાજે ઔરંગઝેબની કેદમાંથી આગ્રાના કિલ્લામાંથી છટકીને ભાગી આવ્યા હતા એ રીતે નેતાજી સુભાષચંદ્ર બોઝ ત્યારના કોલકાતા હવે કોલકાતાના તેમના એલિંગ્ટન રોડ સ્થિત મકાનમાંથી છદ્મવેશે નીકળીને બર્લિન (જર્મની) પહોંચ્યા હતા.

સુભાષ બોઝના આ મહાભિનિષ્ક્રમણના ત્રણ તબક્કા છે – પોતાના ઘરેથી રવાના થવું, ગોમોહથી પેશાવર અને ત્યાંથી કબાઇલી વેશભૂષામાં કાબુલ પહોંચવું અને એ પછી ત્રીજા તબક્કામાં ત્યાંથી સોવિયેત રશિયા થઈને બર્લિન પહોંચવું.

પ્રથમ તબક્કો ઃ વાતનો આરંભ બીજા વિશ્વયુદ્ધથી થાય છે. અંગ્રેજોની કુટિલ ચાલબાજીથી સુભાષ બોઝ સારી રીતે પરિચિત હતા. તેઓ એવું વિચારતા હતા કે અંગ્રેજોને શિકસ્ત આપવાની આ જ સારી તક છે. તેઓ ગમે તેમ કરીને સોવિયેત સંઘ પહોંચી બીજા વિશ્વયુદ્ધની મહાશક્તિઓને અંગ્રેજ સામ્રાજ્યવાદ વિરુદ્ધ વાળવા ઇચ્છતા હતા. આ પ્રવાસ માટે તેમના ચાર ઉદ્દેશ હતા. એક – કોંગ્રેસમાં સક્રિય મવાળ પરિબળો તેમને પ્રમુખપદેથી હટાવવામાં સફળ થયા હતા. બે – જહાલ પરિબળોને ગાંધીવાદીઓ વિરુદ્ધ વાળી શકાય તેમ ન હતા તો અંગ્રેજો વિરુદ્ધ પણ વાળી શકાય તેમ ન હતા. ત્રણ – જ્યાં સુધી અંગ્રેજોને સમાંતર સશસ્ત્ર શક્તિ ખડી કરવામાં ન આવે ત્યાં સુધી અંગ્રેજોને હટાવી શકાશે નહીં. ચાર – બીજા વિશ્વયુદ્ધે એક એવી તક આપી છે કે જેમાં ભારત એક સૈન્ય શક્તિ સ્વરૃપે અંગ્રેજો સામે ખડું થઈ શકે તેમ છે.

પ્રારંભિક મુશ્કેલીઓ ઃ તેમણે સોવિયેત સંઘ જેવા અંગ્રેજ વિરોધી દેશો પાસેથી શસ્ત્રો લેવાની યોજના બનાવી. ઉત્તર-પશ્ચિમી સરહદી પ્રાંતમાં સક્રિય ક્રાંતિકારીઓની મદદથી તેઓ રશિયામાં પ્રવેશ કરવા ઇચ્છતા હતા. નક્કી થયું કે તેઓ જુલાઈ ૧૯૪૦માં ભારત છોડી દેશે. આ બાબતમાં રવીન્દ્રનાથ ટાગોર, જયપ્રકાશ નારાયણ, લાલા શંકરલાલ, શાર્દૂલસિંહ ક્વીસર વગેરે નેતાઓ સાથે પણ તેમણે વિચાર-વિમર્શ કર્યાે. બધાએ તેમની યોજનાનું સમર્થન કર્યું. ઉત્તર-પશ્ચિમમાં તેમને રશિયા લઈ જવાની તૈયારીઓ પણ થઈ ગઈ, પરંતુ એ દરમિયાન તેમણે કોલકાતામાં હોવેલના સ્મારકને હટાવવાની માગણી અંગે આંદોલનની જાહેરાત કરી દીધી. કદાચ તેઓ અંગ્રેજોનું ધ્યાન પોતાના પ્રત્યેથી હટાવવા ઇચ્છતા હતા, પરંતુ તેમની એ યોજના સફળ થઈ નહીં. કેમ કે તેમની ધરપકડ કરવામાં આવી.

નેતાજી કોઈ પણ ભોગે જેલમાંથી બહાર નીકળવા ઇચ્છતા હતા. આ સમયગાળો વિશ્વના ઇતિહાસ માટે અત્યંત નાજુક અને યુગાંતરકારી હતો. આવા સમયે તેઓ જેલમાં પોતાના દિવસો વ્યર્થ શા માટે જવા દે! આથી સુભાષચંદ્રએ મનોમન જેલમાંથી બહાર નીકળવાની યોજના બનાવી. અંગ્રેજો કોઈ પણ ભોગે તેમને છોડવા ઇચ્છતા ન હતા. અંગ્રેજ સરકારને કદાચ તેમના દેશ-પલાયનની અગાઉની યોજનાની ગંધ આવી ગઈ હતી, પરંતુ સુભાષબાબુએ ૨૯ ઑગસ્ટ, ૧૯૪૦ના રોજ જેલમાં જ આમરણ ઉપવાસ શરૃ કરી દીધા. દિવસે-દિવસે તેમની તબિયત બગડતી ચાલી. પરિણામે પાંચમી સપ્ટેમ્બર, ૧૯૪૦ના રોજ એક એમ્બ્યુલન્સમાં એલ્ગિન રોડ ખાતેના તેમના ઘરે પહોંચાડી દીધા. તેઓ ઘરે તો આવી ગયા, પરંતુ પરોક્ષ રીતે એ પણ એમને માટે જેલ જેવું જ હતું. તેમના ઘરે હંમેશ પોલીસ અને જાસૂસોનો ચોકી પહેરો રહેતો. તેમનું સ્વાસ્થ્ય પણ બહુ કથળી ગયું હતું. આમ છતાં સુભાષ સક્રિય રહ્યા. તેઓ ઉત્તર-પશ્ચિમી સીમા પ્રાંતમાં સક્રિય ફોરવર્ડ બ્લોક અને કોમ્યુનિસ્ટ ક્રાંતિકારીઓ સાથે સતત સંપર્ક જાળવતા હતા, જેથી તેઓ ગમે તે રીતે ઘરેથી નીકળી શકે. આ કામમાં તેમને મોટા ભાઈ-ભાભીની મદદની પણ જરૃર પડી. તેમણે વિચાર્યું કે ભત્રીજા શિશિર બોઝ-જે તે વખતે મેડિકલ કૉલેજમાં ભણતા હતા તેમની મદદથી જ ઘરની બહાર નીકળી શકે તેમ છે.

ડૉ. શિશિર બોઝે લખ્યું કે, ‘જેલમાંથી ઘરે આવ્યાના એક સપ્તાહ પછી એક દિવસ નેતાજીનો પટાવાળો આવ્યો. ત્યારે હું મારા વુડબર્ન પાર્કવાળા મકાન (જે એલ્ગિન રોડવાળા મકાનથી ત્રણ મિનિટના વૉકિંગ ડિસ્ટન્સ પર હતું) માં આરામ કરતો હતો. પટાવાળાએ કહ્યું કે, નેતાજી મળવા ઇચ્છે છે. હું સાંજે તેમને મળવા ગયો. તેઓ થોડા નબળા જણાતા હતા. દાઢી થોડી વધી ગઈ હતી. જ્યારે રૃમમાંથી બાકીના લોકો ચાલ્યા ગયા ત્યારે તેમણે કહ્યું, ‘અમારા એકટા કાજ કોર્તે પાબે?’ (મારું એક કામ કરીશ?) મેં માથું હલાવી હા પાડી. તેમણે કહ્યું – ‘તું ગાડી કેવી રીતે ચલાવે છે?’ મેં કહ્યું – એકંદરે ઠીક જ ચલાવી લઉં છું.’

‘ક્યારે લાંબા અંતરે ચલાવી છે?’

‘ના.’

‘જો તારે મને એક રાત્રે બહુ દૂર સુધી ગાડીમાં લઈ જવાનો છે. માનો કે વર્દમાન સુધી, પરંતુ કોઈને જાણ થવી ન જોઈએ. કરી શકીશ?’

‘હું ચુપ રહ્યો. તેનો અર્થ તેમણે સંમતિનો કર્યો. એ પછી લગભગ રોજ તેમની સાથે મુલાકાત થતી. યોજનાઓ બનતી.’

‘ઘરેથી નીકળવાની અનેક યોજનાઓ બનતી, પછી રદ થઈ જતી. તેઓ એવું માનતા હતા કે ઘરેથી બહાર નીકળવાની યોજના એવી બનવી જોઈએ કે જેના પર તસુભાર પણ શંકા ન થઈ શકે. તેના પર જ આગળની સફળતાનો આધાર રહેશે. એ દરમિયાન તેમણે પોતાની બીમારીનું બહાનું કરીને પોતાની તમામ વ્યસ્તતાઓ, કોર્ટ-કચેરી બધું જ સ્થગિત કરી દીધું.

૨૫ ડિસેમ્બરે તેમણે મને ક્યાંય અટક્યા વિના વર્દમાન જવા અને આવવાનો પૂર્વાભ્યાસ કરવા માટે મોકલ્યો, જેથી પછી કોઈ પ્રકારનો અવરોધ ન આવે. લગભગ બધી તૈયારી થઈ ચૂકી હતી.

બીજી બાજુ ઉત્તર-પશ્ચિમમાં આગળના પ્રવાસની તૈયારી માટે તેમણે ત્યાંના ફોરવર્ડ બ્લોક નેતા મિયાં અકબર શાહને કોલકાતા બોલાવી લીધા. અકબર શાહ લખે છે, ‘ડિસેમ્બર ૧૯૪૦ની વાત છે. હું નૌશેરા જિલ્લાના બદરાશી ગામમાં મારા ઘરે હતો ત્યારે મને એક તાર મળ્યો – ‘રીચ કોલકતા-બોસ.’ મને લાગ્યું કે કામ જરૃરી હશે, એથી તરત બોલાવ્યો છે. હું બીજા જ દિવસે ફ્રન્ટિયર મેલમાં કોલકતા જવા નીકળી ગયો. ચોથે દિવસે સવારે એલિંગ્ટન રોડ પરના તેમના નિવાસે ગયો. તેમણે કહ્યું – તમે જાણતા જ હશો કે હું જેલમાં હતો. અંગ્રેજો મને કોઈ પણ સંજોગોમાં જલ્દી છોેડે તેમ ન હતા. એથી મેં ઉપવાસ કર્યા. તેથી મને છોડવો પડ્યો. હવે હું ગમે તે રીતે કબાઇલી વિસ્તારોમાંથી થઈને કાબુલ પહોંચવા ઇચ્છું છું. ત્યાંથી આગળ જઈશ. મને તેમાં તમારી મદદ જોઈએ છીએ. કેમ કે તમને એ વિસ્તારની માહિતી છે. મેં કહ્યું – ઠીક છે. હું તમને કાબુલ લઈ જઈશ. કોઈ મુશ્કેલી નથી, પરંતુ તમારે પેશાવર સુધી રેલવે પ્રવાસ કરવો પડશે અને ત્યાંથી કાબુલ સુધી કબાઇલી વિસ્તારમાંથી થઈને પગપાળા જવું પડશે.

ડૉ. શિશિર બોઝ લખે છે – મિયાં અકબર શાહના પાછા જતાં પહેલાં અમે ધર્મતલ્લા સ્ટ્રીટમાં આવેલ વાચેલ મુલ્લાના મોહમડન ડિપાર્ટમેન્ટ સ્ટોરમાંથી નેતાજી માટે કપડાં ખરીદ્યા, ફૈઝ ટાઇપ ટોપી અને બે પાયજામા લીધા. એ પછી હેરિસન રોડ પરની એક દુકાનમાંથી તેમને માટે સૂટકેસ, એટેચી અને બિસ્તરો લીધા. તેના પર અંગ્રેજીમાં ‘એમ.ઝેડ.’ (મુહમ્મદ ઝીયાઉદ્દીન) લખાવ્યું. મ્યુનિસિપલ માર્કેટની એક દુકાનમાંથી કાબુલી ચપ્પલ લીધા.

‘એટેચીમાં બાકીની ચીજવસ્તુઓ સાથે ‘કુરાન’ની બે આવૃત્તિઓ, કેટલીક દવાઓ, આયુર્વેદિક ટૉનિક વગેરે પણ રાખ્યા. રાજા બજાર સ્ટ્રીટમાં એક પ્રિન્ટિંગ પ્રેસમાં તેમના વિઝિટિંગ કાર્ડ છપાવ્યા.-

મુહમ્મદ ઝીયાઉદ્દીન

ટ્રાવેલિંગ ઇન્સ્પેક્ટર

ધ એમ્પાયર ઓફ લાઇફ એશ્યોરન્સ કાું. લિ.

સિવિલ લાઇન્સ, જબલપુર.

‘મોટા ભાગનો સામાન મેં મારી પાસે વુડબર્ન પાર્કના મકાનમાં રાખ્યો. હા. બિસ્તરો થોડા સમય પહેલાં એલિંગ્ટન રોડ પર પહોંચાડી દીધો, જેથી નેતાજી તેમાં તેમની ઇચ્છા પ્રમાણે પેકિંગ કરી શકે. અમારી પાસે બે કાર હતી. એક મોટા મૉડેલની સ્ટડબેકર પ્રેસિડેન્ટ અને બીજી જર્મન મૉડેલ નાની વન્ડરર. આ નાની કારનું રજિસ્ટ્રેશન મારા જ નામથી કરાવવામાં આવ્યું હતું અને તેને હું જ ચલાવતો હતો. નક્કી થયું કે આ જ કારમાં પહેલાં બરાડી (ધનબાદ પાસે) જવું, મારા મોટા ભાઈ પાસે, તેઓ ત્યાં કામ કરતા હતા. એક દિવસ ત્યાં રોકાઈને પછી ટ્રેન પકડવી. એ દરમિયાન એક વખત ફરી મને બરાડી મોકલવામાં આવ્યો, રસ્તાનું બરાબર નિરીક્ષણ કરવા માટે.

એકાંતવાસ અને મૌનવ્રતના આવરણમાં ઃ

‘તેમણે આખરી યોજના એવી બનાવી કે જે દિવસે તેઓ ઘરેથી નિકળશે, એ પહેલાં તેઓ એવી જાહેરાત કરશે કે તેઓ આજથી એકાંતવાસ અને મૌનવ્રત રાખી રહ્યા છે. કોઈની સાથે વાતચીત નહીં કરે. કોઈને મળશે નહીં, કોઈને નિહાળશે પણ નહીં. પાર્ટિશનની પાછળથી રૃમમાં ભોજન રાખી દેવામાં આવશે. જે કાંઈ પૂછવું હોય એ માટે લખીને ચિઠ્ઠી મોકલવી પડશે. તેઓ માત્ર ફળો અને સૂકો મેવો તેમ જ શુદ્ધ શાકાહારી ભોજન કરશે. તેમણે ઘણી બધી ચિઠ્ઠીઓમાં સૂચનાઓ લખીને રાખી દીધી. અનેક સાથીઓને ચિઠ્ઠીઓ-પત્રો લખ્યા, જેથી તેમને પછીની તારીખોમાં મોકલી શકાય. તેમના ગયા પછી ઇલા અને ભત્રીજો દ્વિજેન વારાફરતી તેમની આ ભૂમિકા નિભાવશે.’

શિશિર બોઝે આગળ લખ્યું છે કે, ‘કાકાજીએ ૧૪ જાન્યુઆરીએ જ જણાવ્યું કે તેઓ ૧૬ જાન્યુઆરીએ નિકળશે. મેં તુરંત કારને સર્વિસમાં આપી દીધી. કૉલેજમાંથી રજા લેવાની જરૃર જણાઈ નહીં. ૧૬ તારીખે હું કૉલેજ ગયો અને કોઈ બહાનું કાઢી વહેલો પાછો આવી ગયો. સાંજ થતાં જ બેગ-બિસ્તરા તૈયાર કર્યા. ઉતાવળે થોડું ભોજન કરી લીધું. મા પાસેથી થોડા પૈસા માગ્યા. ગેરેજમાંથી કાર કાઢી. ચાલાકીથી સામાન ગોઠવ્યો. લગભગ સાડા આઠ વાગે હું મારા વુડબર્ન પાર્કના ઘરેથી નીકળ્યો. ગેટ પર નોકરોને કહ્યું કે હું રિશડાવાળા ફાર્મ હાઉસ જઈ રહ્યો છું. જો ૧૧ વાગ્યા સુધી પાછો ન આવું તો દરવાજો બંધ કરી દેવો. મેં ગાડીમાં લોઅર સરક્યુલર રોડ પર એક પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવ્યું. એક વધારાનું કેન પણ ભરાવ્યું. ટાયરોમાં હવા ભરાવી, બેટરી ચેક કરી અને પછી ફરતો ફરતો એલિંગ્ટન રોડ પર ઘરની પાછળનાં પગથિયાં પાસે ગાડી રાખીને હું ઉપર ચાલ્યો ગયો.

‘એ દિવસે કાકાજી (સુભાષ બાબુ)એ ઘરના સભ્યો સાથે ભોજન કર્યું. ઘરના બધા લોકોને એકાંતવાસ વિશે જણાવ્યું અને એ વિશે બધાને જરૃરી સૂચના આપી. બધા લોકોના ગયા પછી નેતાજીએ પોતાની જાતને મુહમ્મદ ઝીયાઉદ્દીનના વેશમાં તૈયાર કરી. દ્વિજેનને કહેવામાં આવ્યું કે ઉપર જઈને રસ્તા પર નજર રાખે અને જ્યારે રસ્તો એકદમ સૂમસામ થઈ જાય ત્યારે ઉધરસ ખાઈને તેમને જવાનો સંકેત આપે. અમે લગભગ ત્રણ કલાક સુધી દ્વિજેનની ઉધરસ ખાવાની રાહ જોઈ, એ પછી અમને જવાનો સંકેત મળ્યો. તેમણે ઇલા પાસેથી વિદાય લીધી અને કહ્યું કે, તેમના ગયા પછી એક કલાક સુધી લાઇટ ચાલુ રાખવી.

રાત્રીના લગભગ દોઢ વાગે અમે લોકો નીચે ઊતર્યા. કાકાજીએ ધીમેથી કારનો દરવાજો ખોલ્યો અને કોઈ અવાજ કર્યા વિના બેસી ગયા. તેમણે અવાજના ડરથી દરવાજો પણ પકડી રાખ્યો, બંધ ન કર્યો. જ્યારે હું એકદમ સ્વાભાવિકતાથી આવ્યો અને દરવાજો બંધ કરી ગાડી સ્ટાર્ટ કરવા લાગ્યો. કેટલાંક પક્ષીઓના પાંખો ફફડાવા સિવાય કોઈને કાંઈ ખબર ન પડી. ગુપ્તચરો પોતપોતાના ધાબળા ઓઢીને સૂઈ ગયા હતા, એથી અમે પહેલાં દક્ષિણ દિશામાં ગાડી ફેરવી અને પછી લોઅર સરક્યુલર રોડ તરફ વાળી.

‘હાવડા પુલ પર બેએક ટેક્સીઓ સિવાય સમગ્ર કોલકતા સૂતેલું હતું. હાવડા પુલ પરથી થઈને અમે લિલુવા, ઉત્તરપાડા, બાલી, ભદ્રેશ્વર, કોટરંગ, રિશડા, સીરામપુર થઈને આગળ વધ્યા. એક – બે સ્થળે અમે થર્મોસમાંથી કૉફી કાઢીને પીધી. કોલકતા અને વર્દમાન વચ્ચે એક જગ્યાએ કાર રોકવી પડી. પેટ્રોલ વધારે આવી જવાથી એન્જિન બંધ પડી ગયું. અમે કૉફી પીધી. થોડી વાર પછી ગાડી શરૃ થઈ. ચંદરનગર (ફ્રેંચ શહેર)માં ફ્રાંસીસી પોલીસથી અમારે થોડું વધારે સાવચેત થવું પડ્યું.

‘આસનસોલ પહોંચતા સુધીમાં સવાર થવા આવ્યું. અહીં અમે ફરી પેટ્રોલ ભરાવ્યું. આસનસોલથી ધનબાદ સુધી સવારના અજવાળામાં અમે ગયા. ધનબાદ પાસે એક જગ્યાએ અમારી ગાડીનો નંબર નોંધવામાં આવ્યો અને આમ લગભગ સાડા આઠ વાગે અમે બરાડી પહોંચ્યા. કાકાજીને થોડે દૂર ઉતારી હું ભાઈને ઘરે ગયો અને તરત તેમને સમજાવ્યું કે આગળ શું થવાનું છે. નેતાજી બદલેલા વેશમાં હતા. તેઓ થોડી વાર પછી ઇન્સ્યૉરન્સ એજન્ટ તરીકે ત્યાં આવ્યા. તેમણે તેમના એ ભત્રીજા સાથે સંપૂર્ણ રીતે નાટકીય વાતચીત કરી. પરિવારના કોઈ પણ વ્યક્તિને શંકા ન ગઈ. આખો દિવસ અમે ત્યાં રહ્યા. સાંજ સુધીમાં નેતાજીએ તેમની યોજનામાં એવું પરિવર્તન કર્યું કે તેઓ આસનસોલને બદલે ગોમોહથી ટ્રેન પકડશે. મને ગોમોહના રસ્તાની ખબર ન હતી. એથી મોટા ભાઈ અને ભાભી પણ સાથે આવ્યાં. લગભગ મધ્ય રાત્રીએ અમે ગોમોહ પહોંચ્યાં. તેઓ પુલની પેલે પાર એકલા જ ગયા. કાલકા મેલ આવ્યો અને તેઓ ચાલ્યા ગયા.’

બીજો તબક્કો ઃ મિયાં અકબર શાહે પેશાવર પહોંચીને પોતાના બધા સાથીઓનો સંપર્ક કર્યો. મુહમ્મદ શાહ અને ભગતરામ તલવાર નેતાજીને કાબુલ લઈ જવા માટે ભારે ઉત્સાહ સાથે તૈયાર થયા. ૧૯ જાન્યુઆરીએ નેતાજી ફ્રન્ટીયર મેલ દ્વારા પેશાવર પહોંચ્યા. ત્યાં તેમને પહેલા દિવસની સાંજે તાજમહાલ હોટેલમાં ઉતારો આપ્યો. મિયાં અકબર શાહ પોતાનાં સંસ્મરણોમાં લખે છે – ‘એ જ દિવસે મારી મુલાકાત એક અન્ય સાથી અબાદ ખાન સાથે થઈ, જોકે તેમને હજુ સુધી નેતાજી વિશે જણાવાયું ન હતું, પરંતુ અચાનક પેશાવર શહેરમાં મળતાં જણાવવું પડ્યું.

જ્યારે તેમને ખબર પડી કે નેતાજીને તાજમહેલ હોટેલમાં રાખવામાં આવ્યા છે તો તેમણે કહ્યું, નેતાજીની બધી જવાબદારી મને સોંપી દો. નેતાજીના રોકાણ માટે હોટેલ સુરક્ષિત જગ્યા નથી.

Related Posts
1 of 70

તેમણે ઘણો આગ્રહ કર્યો, તેથી અમે નક્કી કર્યું કે નેતાજીને અબાદ ખાનના ઘરે રાખવામાં આવે. અબાદ ખાન પેશાવર જિલ્લા ફોરવર્ડ બ્લોક કમિટીના સભ્ય અને જૂના ક્રાંતિકારી હતા. અબાદ ખાનના ઘરે નેતાજીને કબાઇલી જીવન અંગે વધુ પ્રશિક્ષણ આપવામાં આવ્યું. અબાદ ખાન ઇચ્છતા હતા કે નેતાજીના આવવાની સૂચના કોઈને પણ ના આપવામાં આવે. તેઓ જાતે જ સીમા પાર કરાવી દેશે. સરહદના ખૂણાખાંચરાથી તેઓ વાકેફ હતા, પણ તેમ છતાં પૂર્વયોજના અનુસાર નેતાજીની સાથે ભગતરામ અને મુહમ્મદ શાહ જ ગયા. અબાદ ખાનનો એક માણસ ગાઇડના રૃપમાં સાથે ગયો. ૨૬ જાન્યુઆરી, ૧૯૪૧ની સવારે એ ચારે અબાદ ખાનના ઘરેથી એક કારમાં નીકળ્યા. મુહમ્મદ શાહ તેમને પેશાવરની સરહદ સુધી મૂકીને પરત ફર્યા. જોકે, ભગતરામે તેમનાં સંસ્મરણોમાં લખ્યું છે કે, તેઓ ૨૧ જાન્યુઆરીએ જ અબાદ ખાનના ઘરેથી રવાના થઈ ગયા હતા.

દેશની સરહદ પાર

મિયાં અકબર શાહ લખે છે, ત્યાર બાદ શું થયું, ખબર નથી. એપ્રિલ, ૧૯૪૧માં મારી ધરપકડ કરી લેવામાં આવી. અન્ય લોકો પણ ગિરફ્તાર થયા. જુલાઈ, ૧૯૪૩માં છૂટ્યા, પણ ત્યાર પછી ભગતરામ સાથે મારી કોઈ મુલાકાત ના થઈ શકી.

હવે આગળની વાત ભગતરામના શબ્દોમાં…

જ્યારે ૨૧ જાન્યુઆરીએ અમે યાત્રા શરૃ કરી ત્યારે નેતાજી ખૂબ પ્રફુલ્લિત હતા. તેમના ચહેરા પર જોશ ઝલકી રહ્યો હતો. જમરોડથી અમે પગપાળા યાત્રા શરૃ કરી. યાત્રા થોડી થોડી પહાડી હતી. અડધી રાત્રે અમે પિશકાં મૈના ગામ પહોંચ્યા. અહીં કબાઇલી પઠાણોની વસ્તી હતી. અહીં એક હુજરા

(સામૂહિક પંચાયત ઘર પ્રકારના શયનાગાર)માં તેઓ ઊતર્યા. એક ખંડમાં આશરે ૨૫ લોકો ઊતર્યા હતા. ખંડમાં ના કોઈ બારી હતી, ના કોઈ જાળિયું. બીજા દિવસે અમને સવારે ચા અને પરાઠા ખાવા મળ્યા. લોકોએ પૂછ્યું કે ક્યાં જઈ રહ્યા છો, અમે કહ્યું અમે રાજમિસ્ત્રી છીએ. પેશાવરથી આવી રહ્યા છીએ અને આગળના ગામમાં મલિક લતીફ ખાનનું મકાન બનાવવા જઈ રહ્યા છીએ. અમે આગળ પણ આવા જ રેડીમેડ ઉત્તર આપ્યા, જેના માટે અમે પહેલેથી જ તૈયારી કરીને ગયા હતા. ૨૩ જાન્યુઆરીએ અમે નેતાજી માટે એક ખચ્ચર લીધું. ૨૪ જાન્યુઆરીની સવારે અર્થાત્ ૨૩ જાન્યુઆરીની રાત્રે લગભગ એક વાગ્યે અમે ભારતની સીમા પાર કરીને અફ્ઘાનિસ્તાનની સીમામાં પહોંચી ગયા. એક જગ્યાએ અમને નવી પરણેલી વધૂએ નમકીન પરાઠા અને ઈંડાંનો નાસ્તો કરાવ્યો. નેતાજી આ વખતે ખરેખર પેટ ભરીને જમ્યા. અહીંથી અમે લોકોને જણાવ્યું કે અમે અડ્ડા શરીફ તીર્થયાત્રા પર જઈ રહ્યા છીએ.

ભાટીકોટ પાસે અમને એક ટ્રક મળ્યો અને તેણે અમને જલાલાબાદ માટે લિફ્ટ આપી. સાંજ સુધીમાં અમે જલાલાબાદ પહોંચી ગયા. બીજા દિવસે (૨૫ જાન્યુઆરી)અમે અડ્ડાશરીફ માટે ટાંગો કર્યો. અડ્ડાશરીફમાં અમારો એક જૂનો ક્રાંતિકારી સાથી હાજી મોહમ્મદ અમીન રહેતો હતો. તેની સાથે મુલાકાત કરી. નેતાજીનું નામ તો તેને ન જણાવ્યું, પણ હા, એટલું ચોક્કસ કહ્યું કે તેઓ ભારતના એક બહુ મોટા નેતા છે. અડ્ડાશરીફથી પરત ફરીને અમે સુલ્તાનપુર, ફતેહાબાદ થઈને બીજા દિવસે સવારે ચાર વાગ્યે બુડખાક પહોંચ્યા. અડધો રસ્તો પગપાળા અને અડધો રસ્તો ટાંગાની મદદથી કાપ્યો. આ રીતે દિવસ-રાત ચાલીને ૨૭ જાન્યુઆરીની સવારે લગભગ ૧૧ વાગ્યે અમે કાબુલ પહોંચી ગયા.

ત્રીજું ચરણ ઃ કાબુલમાં લાહોરી ગેટ પાસેની એક સરાયમાં અમે રોકાયા. એ જ દિવસે સાંજે જ્યારે અમે ખરીદી માટે બજારમાં ફરી રહ્યા હતા ત્યારે એક જગ્યાએ અનાયાસે જ રેડિયોનો અવાજ અમારા કાને પડ્યો – સુભાષચંદ્ર બોઝ પોતાના કોલકાતા સ્થિત ઘરેથી લાપતા.

આખરે સફળતા મળી. ૨૭ જાન્યુઆરીથી ૧૮ માર્ચ, ૧૯૪૧ સુધી નેતાજી અને ભગતરામે કાબુલમાં ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડ્યો. ક્યારેક રૃસી દૂતાવાસના અધિકારીઓને આજીજી કરી તો ક્યારેક જર્મની અને ઇટાલીવાળાઓ આગળ. આ દરમિયાન નેતાજી બીમાર પણ પડ્યા. બજારનું ભોજન જમી જમીને તેમનું પેટ ખરાબ થઈ ગયું હતું. તેમ છતાં તેઓ હિંમત ન હાર્યા. જ્યારે આ ત્રણેય દેશો ( રૃસ, જર્મની અને ઇટાલી) તરફથી નિરાશા પ્રાપ્ત થઈ તો પોતે જ પગપાળા ચાલીને સોવિયેત સીમામાં પ્રવેશ કરવાનો નિશ્ચય કર્યો. આ બધાની વચ્ચે જર્મન દૂતાવાસવાળાએ આજકાલ આજકાલ કરીને કેટલીય વાર સુધી તેમને લટકાવી રાખ્યા. આખરે તેઓ ઇટાલીના સંદેશાવાહક ઓરલાંદો મોજેતોના પાસપોર્ટ પર રૃસી ટ્રાન્સઝિટ વિઝા પર જર્મની ગયા. ત્રણેય સરકારોએ તેમની આ યાત્રાની તૈયારી કરી હતી, જોકે, તેમાં પણ લગભગ બે મહિના નીકળી ગયા.

ભગતરામ લખે છે, આ રીતે કાબુલ જેવા નાના શહેરમાં ૪૨ દિવસ સુધી પોલીસથી બચીને રહેવામાં અમને સફળતા મળી. મોટા ભાગે નેતાજી મૂકબધિરની ભૂમિકામાં રહ્યા, જેમાં તેમને અદ્ભુત સફળતા મળી. અમારી યોજના ડગલે ને પગલે એટલી નક્કર રહેતી કે કોઈને અમારા પર શંકા ન ગઈ.

બર્લિનથી નિરાશા

ઓરલાંદો મોજેતો નામથી નેતાજી

૨ એપ્રિલ, ૧૯૪૧ના રોજ બર્લિન પહોંચ્યા. કાબુલમાં જોકે ઇટાલીના દૂતાવાસે તેમની વધુ મદદ કરી હતી અને તેઓ નેતાજીમાં રસ પણ દાખવી રહ્યા હતા, પણ નેતાજીએ બર્લિન જવાનું પસંદ કર્યું. કદાચ જર્મનીના સૈન્ય મહત્ત્વને જોતાં તેમણે આ નિર્ણય કર્યો હતો.

 

બર્લિન પહોંચ્યા બાદ તેમણે ખૂબ ઝડપથી પોતાનું કામ શરૃ કર્યું. ૯ એપ્રિલના રોજ તેમણે જર્મન સરકારને પોતાનું જ્ઞાપન આપ્યું. ૩ મે ના રોજ તેમણે બીજું જ્ઞાપન પ્રસ્તુત કર્યું, જે ઇરાકમાં બ્રિટિશ વિરોધી વિદ્રોહથી પ્રભાવિત થઈને લખવામાં આવ્યું હતું. ૨૯ એપ્રિલના રોજ તેઓ જ્યારે જર્મનીના વિદેશ મંત્રીને મળ્યા તો તેમની આશ્વાસનજનક શૈલીથી નેતાજી નિરાશ થયા. અંગ્રેજો વિરુદ્ધ સશસ્ત્ર વિદ્રોહમાં મદદ મળવાના આશયથી તેઓ જૂનમાં રોમ ગયા.

૨૦ મે ના રોજ તેમણે રહેમત ખાન (ભગતરામ તલવારનું છદ્મનામ) મારફતે ભારતીય ક્રાંતિકારીઓને નામે જે સંદેશો મોકલ્યો તેમાં તેમણે કહ્યું કે, મને આશા છે કે મહાયુદ્ધની ધરી રૃપ શક્તિઓ પખવાડિયાની અંદર હિન્દુસ્તાનની આઝાદીની ઘોષણા કરી દેશે. આ ઘોષણાની તુરત બાદ મારી યોજના છે કે હું સ્વતંત્ર ભારત આંદોલન નામથી પ્રચાર શરૃ કરી દઈશ. મને વિશ્વાસ છે કે ધુરી રાષ્ટ્રોની ઘોષણામાં એમ કહેવામાં આવશે કે સ્વતંત્ર ભારતના સંવિધાનનું નિર્માણ ભારતની પ્રજા સ્વયં કરશે.

ત્યાર પછીની ઘટનાઓ નેતાજી માટે બહુ દર્દનાક રહી. જર્મની-સોવિયેત સંઘની આંતરિક લડાઈને કારણે ભારતીયોના મનમાં જર્મની પ્રત્યે નફરત આકાર લેવા લાગી. નેતાજીએ કેદ કરવામાં આવેલા ભારતીય ફોજીઓની મદદથી આઝાદ હિન્દ ફોજનું ગઠન કર્યું. જો રૃસમાં તેમને સકારાત્મક મદદ મળી હોત તો તેઓ પશ્ચિમી સીમાંતથી આક્રમણ કરવામાં મોટેભાગે સફળ રહેત. ખેર, વિધિને જે નક્કી હતું એ જ થયું. તેમને જાપાન જઈને પૂર્વી ક્ષેત્રમાં પોતાની લડાઈ લડવી પડી. તેમ છતાં નેતાજી ક્યારેય હિંમત હાર્યા નહીં. તેઓ ભારતની આઝાદી માટેની અદમ્ય જિજીવિષાનું પ્રતીક બની ગયા હતા.

 

આઝાદ હિન્દ ફોજનું ગઠન

પૂર્વી અને ઉત્તરી મોરચાઓ પર ભારતીય સેનાના ગઠનની તૈયારી શરૃ થઈ ચૂકી હતી. મોરચા પર એક અનુભવી અને ક્રાંતિકારી બાબુ રાસબિહારી બોઝ ભારતીય સ્વતંત્રતા લીગની ગતિવિધિઓને ઝડપી બનાવવાના કામમાં જોડાયેલા હતા. જેમાં એમને જાપાની સેનાને હાથ લાગેલા બીજા મહાયુદ્ધના બંદી બનાવવામાં આવેલા ભારતીય સૈનિકોની સ્વતંત્ર સેનાના જનરલ મોહન સિંહની મદદ મળી રહી હતી.

આઝાદ હિન્દ ફોજના આ પ્રકારના ગઠન સિવાય તેમની પોતાની ગતિવિધિઓને ઝડપી બનાવવાનો બીજો કોઈ ઉપાય નજર નહોતો આવી રહ્યો. જાપાનીઓએ યુદ્ધબંદીઓની સાથે વ્યવહારનો એક નવો અજીબો-ગરીબ નિયમ બનાવી રાખ્યો હતો. યુદ્ધકેદીઓને તેઓ જાનથી મારતા તો હતા જ, કેદીઓનાં કપડાંમાં પણ તેમને રુચિ હતી. તેનું કારણ એ હતું કે યુદ્ધના કારણે જાપાનમાં અનાજ અને કપડાંની સમસ્યા ખૂબ મોટાપાયે સર્જાઈ હતી. બીજું, તેઓ કેદીઓને ઘાયલ કરીને તેમના જ કેમ્પમાં ફેંકી દેતા હતા.

તેથી કહેવાય છે કે, ભારતીય યુદ્ધ કેદીઓમાંથી આઝાદ હિન્દ ફોજની પહેલી ટુકડીના સૈનિકોમાં કોઈ પણ પ્રકારની રાષ્ટ્રીયતાની ભાવના નહોતી, પણ તેઓ જ્યારે સમુદ્રની વચ્ચે મોત સામે ઝઝૂમી રહ્યા હતા ત્યારે તેમનામાં જીવન જીવવાની ઇચ્છા પ્રકટ થઈ.

ઇટાલીમાં જ ઇકબાલ શહીદીએ પણ એક ભારતીય ટુકડીનું ગઠન કર્યું, જેને ભારતીય સેન્ટ્રો મિલિટરીનું નામ આપવામાં આવ્યું, પણ તુરત જ આ ટુકડી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો તથા તેને ફરીથી પુનર્જીવિત ના કરી શકાઈ.

આ તરફ નેતાજી સુભાષચંદ્ર બોઝે હિટલર શાસન સામે એવો પ્રસ્તાવ રાખ્યો કે તેઓ ભારતીય ગુપ્તચરો દ્વારા પ્રાપ્ત સૂચનાઓના આધાર પર બ્રિટિશ વિરોધી ગતિવિધિઓનો ખુલાસો પ્રસારિત કરશે. બીજું કે તેઓ ભારતીય કેદીઓને ફરીથી એકત્રિત કરીને સંગઠિત કરવાનો પ્રયાસ કરશે. તેઓ આ પ્રસ્તાવ પર ભારતની આઝાદીના ઘોષણા પત્ર પર ગેરંટી ઇચ્છતા હતા, પણ જર્મનીની પોતાની આંતરિક પરેશાનીઓના કારણે આ પ્રસ્તાવ પર અમલ ન કરી શકાયો. નેતાજીએ ફરી એક યોજના બનાવી. આ યોજના અનુસાર તેમણે ભારતીય પગપાળા ટુકડી અને અનિયમિત ટુકડીનું ગઠન કર્યું. નેતાજીએ આ સૈનિકો સાથે કોઈ પણ પ્રકારનો સોદો કરવાનો ઇનકાર કરી દીધો. મોટા ભાગના સૈનિકોએ તેમનાથી પ્રભાવિત થઈને તેમના નેતૃૃત્વ હેઠળ ટુકડીમાં ભરતી થવાનો નિશ્ચય કર્યો. જાન્યુઆરી, ૧૯૪૨ સુધી આ પ્રકારની ભરતી દ્વારા બે સૈનિક ટુકડીઓની સ્થાપના કરવામાં આવી અને નેતાજીના કાર્યાલયને સ્વતંત્ર ભારતીય કેન્દ્રનું નામ આપવામાં આવ્યું. અહીં જ નેતાજીએ જય હિન્દનો નારો આપ્યો અને અહીંથી જ તેઓ નેતાજીના નામથી ઓળખાવવા લાગ્યા.

આઝાદ હિન્દ ફોજને જર્મનીની સેનામાં અધિકૃત રીતે રેજિમેન્ટના રૃપમાં સ્વીકારી લેવામાં આવી. ઑગસ્ટમાં સેનાને સેક્સોનીમાં કોઇંગ્સબ્રુક મિલિટરી કેન્દ્ર પર પ્રશિક્ષણ માટે મોકલવામાં આવી. અહીં પહેલી બટાલિયનને નેતાજી સુભાષચંદ્રના નેતૃત્વમાં યુદ્ધાભ્યાસ કરાવવામાં આવ્યો. સૈનિકોએ તીવ્ર ગતિ સાથે પ્રશિક્ષણ લીધું અને જાન્યુઆરી, ૧૯૪૩ સુધી બીજી ટુકડી પણ સમગ્ર રીતે તૈયાર થઈ ગઈ તથા ફેબ્રુઆરીમાં ત્રીજી ટુકડીની તૈયારીઓની શરૃઆત કરી દેવામાં આવી.

પણ આ સૈન્ય સંચાલન માટે નાણાકીય સમસ્યા ઉદ્ભવી. સૈનિકોને વેતન આપવા માટે નેતાજીને દર મહિને વિદેશથી મળનારી સહાયનો ઉપયોગ કરવામાં આવ્યો. હવે આ સ્ત્રોત પણ ઓછો પડી રહ્યો હતો. સપ્ટેમ્બર ૧૯૪૨ સુધી જર્મની સૈનિકોને સીધું વેતન ચૂકવવા માટે તૈયાર થઈ ગયું. તેના માટે નેતાજીને હિટલર પ્રતિ વફાદારીની શપથ લેવાની શરત સ્વીકારવી પડી.

૧૯૪૨ની મધ્યમાં આઝાદ હિન્દ ફોજની કાર્યસમિતિના સભ્યો વચ્ચે કેટલીક શંકા અને મતભેદો ઉદ્ભવ્યા. તેનાથી રાસબિહારી બાબુને ઘણુ દુઃખ પહોંચ્યું. છતાં પણ બે મહિનાની અંદર આ સમસ્યા ઉકેલી દેવામાં આવી અને સેનાને ફરી પુનર્ગઠિત કરવામાં આવી. ફેબ્રુઆરી, ૧૯૪૩માં મેજર જનરલ ભોંસલેને કમાન્ડર નિયુક્ત કરવામાં આવ્યા. આ રીતે આઝાદ હિન્દ ફોજનો પાયો નંખાયો. આ સમયે નેતાજીને મોરચો સંભાળવાનું કહેવામાં આવ્યું.

 

સ્વરાજ પાર્ટી કોની જીત, કોની હાર?

ઑગસ્ટ અને ડિસેમ્બર, ૧૯૨૨ની વચ્ચે બે ઉલ્લેખનીય ઘટનાઓ ઘટી. પહેલી ઘટના હતી – ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસનું લાહોર અધિવેશન, જેના સભાપતિ દેશબંધુ ચિત્તરંજનદાસ હતા. પોતાના અધ્યક્ષીય ભાષણમાં તેમણે ખૂબ મહત્ત્વની વાત કહી. તેમણે કહ્યું કે, હું જે સ્વરાજની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ છું, તે કોઈ એક વર્ગ માટે નહીં હોય, પણ સામાન્ય લોકો માટે હશે, જેમની સંખ્યા ૧૮ ટકા છે. આ અધિવેશન પહેલાં અને પછી તેઓ મજૂર આંદોલનમાં ઘણો રસ લેવા લાગ્યા અને થોડા સમય માટે ટાટા આયરન એન્ડ સ્ટીલ કંપની, જમશેદપુરના મજૂર સંઘના પ્રધાન પણ રહ્યા. બીજી ઘટના હતી – કોલકાતામાં નવયુવક સંમેલનની બેઠક. આ સંમેલન પ્રાંતમાં યુવક આંદોલનનું અગ્રદૂત હતું. યુવક સંમેલનમાં એ વાત પ્રકટ થઈ કે નવયુવક ઇચ્છે છે કે તેમનું સંગઠન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસથી બિલકુલ અલગ રહે. તેમનું પોતાનું આંદોલન અને પોતાનું જ સંગઠન હોય.

નવેમ્બરના અંત સુધીમાં કોલકાતામાં અખિલ ભારતીય કોંગ્રેસની બેઠક થઈ, જેમાં દેશબંધુ ચિત્તરંજનદાસ અને મહાત્માજીના સમર્થકોમાં શક્તિ પ્રદર્શન થવાનું હતું, આ કોંગ્રેસના વાર્ષિક અધિવેશન પૂર્વેની સ્થિતિ હતી. ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં ઉત્તેજનાપૂર્ણ વાતાવરણમાં ગયાનું કોંગ્રેસ અધિવેશન શરૃ થયું. શરૃઆતનું અનુમાન કે ભવિષ્યવાણી એ હતી કે દેશબંધુ ચિત્તરંજનદાસની યોજના અવશ્ય અસ્વીકાર થશે, પણ મતદાનના સમયે કોઈ એમ નહોતું કહી શકતું કે ઊંટ કઈ તરફ કરવટ લેશે. ખેર, તો પણ એટલું તો સ્પષ્ટ હતું કે દેશબંધુને બધા પ્રાંતમાંથી ઘણુ સમર્થન મળશે. ખાસ કરીને બંગાળ, સંયુક્ત પ્રાંત, પંજાબ, મધ્યપ્રાંત અને મહારાષ્ટ્ર (એ સમયે મુંબઈ પ્રેસિડેન્સીનો એક ભાગ)થી. વિષય સમિતિમાં આ મુદ્દા પર જોરદાર ચર્ચા થઈ અને ત્યાર બાદ તેને કોંગ્રેસના ખુલ્લા અધિવેશનમાં સામે આવવાનું હતું. મદ્રાસના વિખ્યાત નેતા શ્રીનિવાસ આયંગર કે જેઓ મદ્રાસ વકીલ સંઘના પ્રધાન હતા અને જેમણે મદ્રાસના મહાધિવક્તાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું, આ આશયનું એક સંશોધન મૂક્યું કે કોંગ્રેસ ચૂંટણી તો લડે, પણ વિધાનમંડળોમાં જે કાર્યવાહી થાય છે, તેમાં હિસ્સો ન લે. આ સંશોધન પર મુખ્ય મતદાન થયું અને તેમાં મહાત્માજીના સમર્થકોને ભારે બહુમતી મળી. તેમના આનંદનો પાર નહોતો અને એ દિવસના હીરો હતા મદ્રાસના નેતા રાજગોપાલાચારી, જે કોંગ્રેસની સામે ગાંધીવાદના દૂતના રૃપમાં ઊભરી આવ્યા હતા.

ચિત્તરંજનદાસની સ્થિતિ દુવિધાપૂર્ણ થઈ ગઈ. તેઓ કોંગ્રેસના અધ્યક્ષ હતા, પણ તેમની યોજનાનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. પોતાનુ ભાવિ પગલું નિર્ધારિત કરવા માટે તેમણે પોતાના સમર્થકોની બેઠક બોલાવી. બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું કે તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપે અને સ્વરાજ પાર્ટીના નામથી પોતાની અલગ પાર્ટી બનાવે. બીજા દિવસે જ્યારે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનું અધિવેશન આવનારા વર્ષ એટલે કે ૧૯૨૩ માટે કાર્યક્રમો નક્કી કરવા માટે ફરીથી શરૃ થયું તો પંડિત મોતીલાલ નહેરુએ ઊભા થઈને સ્વરાજ પાર્ટીની સ્થાપનાની ઘોષણા કરી દીધી. આ ઘોષણાથી સૌ દંગ રહી ગયા અને મહાત્માજીના સમર્થકોના ચહેરા પર જે ખુશી હતી તે ગાયબ થઈ થઈ. મોટા ભાગના બૌદ્ધિક દેશબંધુ તરફ હતા અને એ વાતમાં લેશમાત્ર સંદેહ નહોતો કે તેમના વગર કોંગ્રેસ પોતાની મોટા ભાગની શક્તિ અને મહત્ત્વ ખોઈ બેસશે. પંડિત મોતીલાલ નહેરુએ એલાન કર્યું હતું, દેશબંધુએ કાર્યવાહીનું સમાપન કરતા તેની પુષ્ટિ કરી દીધી અને અધ્યક્ષ પદ પરથી પોતાનું રાજીનામું આપી દીધું, કારણ કે તેઓ અધિકૃત પ્રસ્તાવો વિરુદ્ધ દેશને પોતાની યોજના સ્વીકારવા તૈયાર કરવાના ઉદ્દેશ્ય સાથે કામ કરવા માગતા હતા.

ગાંધીજીના સમર્થક ગયાથી પાછા વળતા સમયે પોતાની જીતથી સંતુષ્ટ હતા, પણ જે ફૂટ પડી ગઈ હતી તેના કારણે ખિન્ન પણ હતા. બીજી તરફ સ્વરાજવાદી પરાજયની ભાવના લઈને, પરંતુ લડવાના અને જીતવાના સંકલ્પ સાથે વિદાય થયા.

Leave A Reply

Your email address will not be published.

Translate »