તમારા માટે, તમારી સાથે, સતત…

અર્બન નક્સલીઓની અસલિયત શું છે?

ઇન્ટીરિયર કે કામો મેં જાનકારી તથા આર્થિક મદદ કા કામ મેં સ્વયં દેખ રહી હું

0 399
  • ષડયંત્ર – હિંમત કાતરિયા

અત્યારે નક્સલી કાવતરાને લઈને દેશના બૌદ્ધિકોની બે છાવણીઓ બની ગઈ છે. એક કહે છે કે નક્સલવાદ આઝાદીના આટલા વરસ પછી ક્રાંતિ વગર આટલું લાંબું જીવે જ નહીં, એ ક્યારનો મરી ગયો છે. છે તો છુટપુટ તકવાદી નક્સલવાદીઓ. તેમને પોતાનું તરભાણુ ભરાય તેમાં રસ છે. બીજી છાવણી કહે છે કે નક્સલવાદની ભૂગર્ભીય ગતિવિધિઓ તેજ થઈ રહી છે, વિદેશી તાકતોના ઇશારે ચાલતી આ ચળવળનો હેતુ દેશને અસ્થિર કરવાનો છે, અરાજકતા ફેલાવવાનો છે. આપણે ઉપરી અવલોકનોના આધારે મત નહીં બાંધતા પોલીસ તપાસમાં હાથ લાગેલા પુરાવાઓ શું કહે છે તે જોઈએ.

મહારાષ્ટ્રમાં પકડાયેલું દેશને રક્તરંજિત અને અસ્થિર કરવાનું નક્સલવાદીઓનું કાવતરું કોઈ પણ દેશપ્રેમીને ચિંતિત કરી મુકે તેવું ખતરનાક છે, કેમ કે તેમાં વડાપ્રધાન મોદીને રાજીવ ગાંધી સ્ટાઇલમાં ઉડાવી દેવાનું આયોજન છે, દલિતોને ભડકાવી આખા દેશમાં હિંસા આચરવાનું આયોજન છે, નેપાળ સરહદેથી ગ્રેનેડ લોન્ચર ખરીદવાની યોજના છે, કાશ્મીરના અલગાવવાદીઓને સાથમાં લેવાની રણનીતિ છે.

૩૧ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ નક્સલોએ ભરેલી એલ્ગર પરિષદને લઈને ૮ જાન્યુઆરીએ પુણે પોલીસે કેસ દાખલ કર્યો હતો. એલ્ગર પરિષદમાં જે હાજર હતા તે મોટા ભાગે કબીર કલામંચ નામની સંસ્થા સાથે જોડાયેલા હતા. તપાસ પાછળથી એસીપી અધિકારીને સોંપવામાં આવી. પહેલી એફઆઈઆરમાં પ્રમુખ આરોપી સુધીર ધાવલે સહિતના ૬ આરોપીનાં નામ હતાં. તપાસ એ દિશામાં પણ કરવાની હતી કે આ કેસમાં અન્ય કોણ સંકળાયેલા છે. ૬ માર્ચે કેસમાં વધુ બે આરોપીઓનાં નામો જોડાયાં, સુરેન્દ્ર ગાડલે અને રોના વિલ્સન. ૧૭ એપ્રિલે પોલીસે ૬ જગ્યાએ દરોડા પાડ્યા. દિલ્હીમાં રોના વિલ્સન, નાગપુરમાં સુરેન્દ્ર ગાડલે, મુંબઈમાં સુધીર ધવલે સહિતના આરોપીનાં સ્થાનકોની તપાસ થઈ. આ દરોડામાં વિપુલ સાહિત્ય પકડાયું. મહારાષ્ટ્ર પોલીસના એડીજી પરમવીર સિંહે પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કર્યો હતો કે આ પંચની હાજરીમાં, આરોપીઓની હાજરીમાં આ સાહિત્ય કબજે કરીને સીલ કરાયું છે, તેની વીડિયોગ્રાફી થઈ છે. ૧૭ એપ્રિલે પકડાયેલું આ સાહિત્ય ૨૦ એપ્રિલે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી દેવાયું. ૨૩ એપ્રિલે પોલીસને તેની ક્લોન કોપી મળી તેના આધારે તપાસ કરવામાં આવી. આ તપાસમાં એવું સાબિત થયું છે કે બહુ મોટું ષડ્યંત્ર રચવામાં આવ્યું હતું અને તેમાં માઓવાદી સંસ્થાઓ સંકળાયેલી હતી. આમ, ત્રાસવાદીઓ સંગઠનોની સંડોવણી પાક્કી થતાં ૧૭ મેના રોજ કેસમાં યુએપીએ(અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ)ની કલમો ઉમેરવામાં આવી. પુરાવાના આધારે આરોપીઓની યાદીમાં સુરેન્દ્ર ગાડલીંગ, મહેશ રાઉત, સોમા સેન, મિલિંદ તેજતુંબડે, રિતુપરન ગૌસ્વામી, કોમરેડ મંગલુ, કોમરેડ દીપુ જેવાં નવાં નામો ઉમેરવામાં આવ્યાં. પોલીસને ખાતરી થતાં મોટું પગલું ભર્યું, ૬ જૂને ધરપકડની કાર્યવાહી હાથ ધરાઈ. સુરેન્દ્રને નાગપુરથી, રોનાને દિલ્હીથી, સુધીર, સોમા અને મહેશની ધરપકડ કરવામાં આવી અને તેમના નિવાસસ્થાનેથી કેટલુંક સાહિત્ય સીઝ કરવામાં આવ્યું.

આ સાહિત્યના અભ્યાસ પરથી ઘણી ગુનાહિત ઘટનાઓ ઈ-મેઇલ, પત્ર, ક્રાંતિ સભાની મિનિટ્સ સ્વરૃપે મેળવાઈ. સીપીઆઈ માઓઇસ્ટના સભ્યો સાથેના વાર્તાલાપને પણ આંતરવામાં આવ્યો. તમામ અભ્યાસને અંતે પોલીસનેે એવી માહિતી મળી કે માઓઇસ્ટની સેન્ટ્રલ કમિટી ઓવર ગ્રાઉન્ડ કેડર સાથે સીધો સંપર્ક નથી કરતી. તેમનું કોમ્યુનિકેશન ગાડલીંગ અને રોના વિલ્સન દ્વારા થાય છે. ઓવર ગ્રાઉન્ડ કેડરને પહોંચાડવા માટેના મેસેજ આ બંનેને કુરિયર દ્વારા અને ડિવાઇસ પર પાસવર્ડથી રક્ષિત મેસેજ સ્વરૃપે મોકલવામાં આવતા હતા.

આ કેસમાં પુણે પોલીસની અત્યાર સુધીની સૌથી મોટી સફળતા પણ એ જ છે કે પાસવર્ડથી રક્ષિત મેસેજને પોલીસ ક્રેક કરવામાં, તોડવામાં સફળ થઈ છે. પોલીસને આ પુરાવા આરોપીઓની હાર્ડડિસ્કમાંથી મળ્યા હતા. પુરાવા અને સંદેશાઓના સંપૂર્ણ અભ્યાસ બાદ એ હકીકત બહાર આવી કે સીપીઆઈ(માઓઇસ્ટ)નું કાવતકરું હતું કે સરકાર સામે આખા દેશમાં એક મોરચો ખોલવો. પહેલા અરાજકતા પેદા કરવી, કાયદો અને વ્યવસ્થાને તોડી પાડવા અને ત્યાર બાદ ઓવર ગ્રાઉન્ડ કેડર મારફતે સરકારને ઉખાડી ફેંકવી. આવા સ્વરૃપના પુરાવાઓ પોલીસને હાથ લાગ્યા છે. આવી ડિઝાઇન પર નક્સલીઓ કામ કરતા હતા અને તેને આ પ્રકારે આગળ લાગુ પાડવામાં આવી રહી હતી.

૨૩ ઑગસ્ટે આરોપીની યાદીમાં સાત નવાં નામો ઉમેરવામાં આવ્યાં. આ કહેવાતા પ્રતિષ્ઠિતો અને હવે આરોપીની યાદીમાં ચડેલાં નામો હતાં, વર્વર રાવ, અરુણ ફરેરા, વેર્નોન ગોન્ઝાલ્વેસ, સુધા ભારદ્વાજ, ગૌતમ નવલખા, અનંત તેલતુમડે, એન્ડીક સસ્પેક અને સ્ટેન સ્વામી. આ નામોને આરોપીની યાદીમાં મુકાતા રાજકીય ભૂચાલ આવ્યો. પૂર્વ નાણાપ્રધાન અને કોંગ્રેસી નેતા પી. ચિદમ્બરમે કહ્યું કે તેઓ આતંકવાદી નથી, સમાજના પ્રતિષ્ઠિતો છે.

સ્પષ્ટ પુરાવા મળતા ૨૯ તારીખે દેશનાં ૯ સ્થાને તપાસ હાથ ધરાઈ. વર્વર રાવના હૈદરાબાદ નિવાસે, અરુણ ફરેરાના થાણેના નિવાસે, ગોન્સાલ્વેઝના મુંબઈના નિવાસસ્થાને, સુધા ભારદ્વાજના ફરિદાબાદમાં, હરિયાણામાં અને ગૌતમ નવલખાના દિલ્હીના નિવાસસ્થાને સર્ચ ઑપરેશન હાથ ધરાયાં અને ત્યાંથી પણ સાહિત્ય કબજે કરવામાં આવ્યું અને તેમને પોલીસ કસ્ટડીમાં લેવાયા. જોકે ત્યાર બાદ સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશ પ્રમાણે ગૃહકેદમાં રખાયા. તેમની પાસેથી મળેલા  સાહિત્યનો અભ્યાસ થઈ રહ્યો છે. કેમ કે આ સર્ચ દરમિયાન હજારો દસ્તાવેજો મળ્યા છે. તેઓ સેન્ટ્રલ કમિટીના આયોજનને કેવી રીતે કેડર સુધી પહોંચાડતા હતા, કેવી રીતે તેમાં પોતાનો અભિપ્રાય સામેલ કરતા હતા અને કેવી રીતે સેન્ટ્રલ કમિટીને રિપોર્ટિંગ કરતા હતા તેની તમામ કડીબદ્ધ વિગતો પોલીસને મળી ગઈ છે.

પોલીસને મળેલા મહત્ત્વના દસ્તાવેજો પૈકી થોડાક ઉપર નજર નાખીએ તો, સુધા ભારદ્વાજે સેન્ટ્રલ કમિટીના કોમરેડ પ્રકાશને પત્ર લખ્યો હતો. પત્રની કેટલીક લાઇનો આ પ્રમાણે છે, જગદલપુર છત્તીસગઢ લિગલ એડ તથા બસ્તર સોલિડારિટી નેટવર્ક ઇસ સંઘટનો કા કામ બહુત અસ્સે સે ચલ રહા હૈ.  ઔર સક્રિય રૃપ સે ઇન્ટીરિયર કે કામો મેં જાનકારી તથા આર્થિક મદદ કા કામ મેં સ્વયં દેખ રહી હું ઔર ઉસકે લીયે મૈ સંઘટના કે એડવોકેટ ….. સે મેં સંપર્ક મેં હું.

Related Posts
1 of 319

સુધા આ પત્રમાં આગળ જેએનયુ સાથેના નક્સલીઓના જોડાણની કડી પુરી પાડતા લખે છે કે કાશ્મીર કે અલગાવવાદીઓ  સે કોમરેડ અંકિત ઔર કોમરેડ ગૌતમ નવલખા સંપર્ક મે હૈ. વહા દુશ્મનો દ્વારા કિયે જા રહે માનવાધિકાર હનન કે વીડિયો સોશિયલ મીડિયા પર તથા મીડિયા હાઉસ કે માધ્યમ સે પ્રસારિત કરવાના તથા પેલેટ ગન કે બારે મેં સુપ્રીમ કોર્ટ મેં ચલ રહે કેસ મેં લિગલ એડ ઉપલબ્ધ કરવાને કે લિયે કોમરેડ પ્રશાંત સે બાત કિજીયેગા. મેરે દ્વારા ઇન્ટીરિયર મેં ભેજે ગયે કોમરેડ ડિગ્રી પ્રસાદ ચૌહાન યે બતાને ઑપરેશન સફળતા પૂર્વક કરકે વાપસ આ ગયે હૈ. ઉનસે કીયે ગયે વાદે કે મુતાબિત ઉન્હે આર્થિક સહાયતા દેના હૈ તથા મેરી ઇક્કીસ સાલ કી બચ્ચી કી બીમારી મેં બહુત પૈસા ખર્ચા હો રહા હૈ ઔર ઇસ પ્રકાર આપકે દ્વારા બતાયે ગયે જેએનયુ રિચર્ચ ફેલો ઔર મુંબઈ કે આર્ટિસ્ટો કો ઇન્ટીરિયર મેં ભેજને કે લીયે મુજે આર્થિક સહાય કી તુરંત આવશ્યકતા હૈ. પ્રશાંત કે અરેસ્ટ હોને કે બાદ મુજે પૈસા મિલના બંધ હો ગયા હૈ. નાગપુર કી મિટિંગ મેં કોમરેડ સુરેન્દ્રને ભી પૈસે સે ઇન્કાર કર દિયા. કોમરેડ પ્રશાંત દ્વારા પીપીએસ કે કામ કે લીયે નિયુક્ત કિયે ગયે કોમરેડ સ્ટેન સ્વામી સે ભી મૈને બાત કી લેકીન ઉન્હોને ભી પૈસા દેને કા કોઈ નિશ્ચિત વાદા નહીં કિયા.

હવે, સેન્ટ્રલ કમિટીના સુદર્શને કોમરેડ ગૌતમ નવલખાને લખેલા લાંબા પત્રની થોડી વિગતો જોઈને એ જાણીએ કે માઓઇસ્ટ સંગઠનો વિવિધ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીઓનો કેવી રીતે ઉપયોગ કરે છે. આ પત્રમાં કોમરેડ સુદર્શન કોમરેડ ગૌતમ નવલખાને આવી સૂચનાઓ આપે છે. અંગ્રેજીમાં લખેલા પત્રની વિગતો કંઈક આવી છે, અત્યારનો સમય બહુ નાજુક છે. બધે મોરચેથી લોકો ઘાતકી ડિપ્રેશન અનુભવી રહ્યા છે. તેથી આપણે સંગઠિત બની રહેવા માટે અને રાજકીય તેમજ અન્ય એમ બંને પ્રકારે ફાંસીવાદી તત્ત્વોને હરાવવા માટે બધંુ જ કરી છુટીએ. અમે તમારી પાસેથી, બૌદ્ધિક મિત્રો અને જનસામાન્યમાં રહેલા કોમરેડ પાસેથી એ દિશાના સકારાત્મક અને સતત પ્રયાસોની આશા રાખીએ છીએ. તમારી સુરક્ષા જોજો.

નક્સલીઓ ગ્રેનેડ લોન્ચર ખરીદવાનું અને તેને નેપાળ કે મણિપુર સરહદેથી ભારતમાં લાવવાનું આયોજન કરતા હતા. રોના વિલ્સને કોમરેડ પ્રકાશને ૧૮ એપ્રિલ ૨૦૧૭ના રોજ લખેલા પત્રમાં હથિયારોની વાત લખી હતી. અંગ્રેજીમાં લખેલા આ પત્રમાં રોના લખે છે કે અહીંની વર્તમાન સ્થિતિ વિશેનો તમારો છેલ્લો પત્ર મળ્યો. અર્નોન અને અન્ય સૌ શહેરી મોરચે થઈ રહેલા નવા ફેરફારને લઈને સરખા ઉત્સાહિત છે. બસંતાને ડીલ સોંપતી વખતે કોમરેડ કિશન સીધા નહોતા મળી શક્યા. હવે હું આશા રાખું કે તમને મિટિંગની વિગતો મળી હશે અને ગ્રેનેડ લોન્ચર અને ચાર લાખ રાઉન્ડના વાર્ષિક ખરીદી માટે ૮ કરોડ રૃપિયાની જરૃર પડશે, કૃપયા તમારો નિર્ણય જણાવશો. કોમરેડ કિશન અને અન્ય કોમરેડે રાજીવ ગાંધી પ્રકારની ઘટનાથી મોદી રાજનો અંત લાવવાની ભલામણ કરી છે. અમે આ પ્રકારના આયોજન વિશે વિચારી રહ્યા છીએ.

રોના વિલ્સને સેન્ટ્રલ કમિટીના જનરલ સેક્રેટરી ગણપતિ અને બાકી સભ્યોના પ્રતિનિધિરૃપ કોમરેડ પ્રકાશને લખેલા એક અન્ય પત્રમાં લખે છે કે હું મારા નિયુક્ત સંપર્ક થકી નેપાળના સપ્લાયર સાથે સંપર્કમાં છું. આપણા મણિપુરના સંપર્કો પણ આમાં કામ લાગી શકે. જોકે માત્ર વી.વી.(વર્વરા રાવ) જ તેમની સાથે કોમ્યુનિકેશન કરવા માટે અધિકારિક વ્યક્તિ છે. ઝડપથી પ્રક્રિયા પુરી થાય અને આપણને શસ્ત્રો મળે તે લાભકારી રહેશે. આપણે વિવિધ રાજ્યોમાં એન્કાઉન્ટર્સમાં આપણા ડઝનો કોમરેડ ગુમાવી રહ્યા છીએ. તેથી આપણે સમય બગાડવો ન જોઈએ. સુરેન્દ્ર ગાડલીંગ અને વી.વી. બંને ઇચ્છે છે કે દુશ્મન દળને ભારે નુકસાન પહોંચાડવાની તાતી જરૃર છે. કૃપયા આની નોંધ લેશો. ૨૦૧૩થી આપણે ખાસ કશંુ કરી શકતા નથી. આ સાથે તમને ઉપલબ્ધ હથિયારોનું એટેચમેન્ટ મોકલવામાં આવે છે. એટેચમેન્ટમાં વિવિધ હથિયારોના કેટલોગ મોકલવામાં આવ્યા હતા. એટેચમેન્ટ્સ પાસવર્ડથી સુરક્ષિત હતા. તેને તોડીને પોલીસે જોયું તો તેમાં રશિયન ગ્રેનેડ, ગ્રેનેડ લોન્ચર જીએમ-૯૪, ચાઇનિઝ ક્યુએલઝેડ ૮૭ ઓટોમેટિક ગ્રેનેડ લોન્ચર અને મશીનગનના કેટલોગ મોકલાયા હતા.

હવે વર્વરા રાવે કોમરેડ સુરેન્દ્ર ગાડલીંગને લખેલા પત્રની વિગતો જોઈએ. રાવ લખે છે, તમે વિશ્વાસ સંપાદિત રાખવામાં સફળ નથી રહ્યા, તેથી અમારી અર્બન કેડર તૂટી જવાનો ખતરો અનુભવાઈ રહ્યો છે. તમને નોટબંધી દરમિયાન લાખો રૃપિયાનું ફન્ડિંગ આપવામાં આવ્યું હતું. તેમાંથી ગઢચિરોલી અને બસ્તરમાં આપણે જેટલું ફંડ ઉપલબ્ધ કરાવવાનું હતું તે નથી કરાવ્યું. આ વાતોથી સંગઠનમાં તમને લઈને નારાજગીનું વાતાવરણ છે. આ મુદ્દે વર્વરા રાવે કેન્દ્રીય કમિટી(નક્સલીઓની)ને પણ ફરિયાદ કરી છે. જેનો જવાબ સુરેન્દ્ર ગાડલીંગ પણ આપે છે. ૧૭ માર્ચ, ૨૦૧૭ના પત્રમાં સુરેન્દ્ર ગાડલીંગ વર્વરા રાવને જવાબમાં લખે છે કે હું તમને બતાવવા માગંુ છું કે નોટબંધીના કારણે દુશ્મનો દ્વારા સડક અને રેલમાર્ગના કડક ચેકિંગને લઈને અમે ગઢચિરોલી અને છત્તીસગઢમાં સમયસર ભંડોળ ઉપલબ્ધ કરાવી શક્યા નથી. એમાં મારો કોઈ બદઇરાદો નહોતો. છેલ્લા સાત-આઠ દિવસોથી મેં તેમને ફન્ડિંગ મોકલવાનું ચાલુ કરી દીધું છે. મને કેટલાક કોમરેડ દ્વારા મળેલી જાણકારી પ્રમાણે, ઉસુદ, પામેદ, ભિમલાગુંડા, પાલાશલમમલા, ભેજી, કેરલાપાસ વગેરે જગ્યાએ દુશ્મન દળોની હાજરી ઓછી છે એ કારણે આપણે ત્યાં આગ લગાવવામાં સરળતા રહેશે.

ઉપરોક્ત પત્રમાં લખેલાં બધાં સ્થાનક છત્તીસગઢમાં આવેલાં છે અને પોલીસ તપાસમાં જાણકારી મળી છે કે તે તમામ સ્થળે પાછળથી હુમલાઓ કરવામાં આવ્યા હતા. સેન્ટ્રલ કમિટીના સભ્ય અંડરગ્રાઉન્ડ વૉન્ટેડ કોમરેડ મિલિંદ તેલમુમડેએ એક પત્ર મહારાષ્ટ્ર સ્ટેટ ઝોનલ કમિટી(નક્સલીઓની)ને લખેલો પત્ર જોઈએ. વધુ પ્રસિદ્ધિ મળે એવી કાર્યવાહી આગામી દિવસોમાં કરવાની જવાબદારી કોમરેડ સુરેન્દ્ર ગાડલીંગને સોંપવામાં આવી છે. સુરેન્દ્રે તેને જંગલ સુધી પહોંચાડવાની જવાબદારી લીધી છે. આ માટે વર્વરા રાવે તેમને ફંડ ઉપલબ્ધ કરાવ્યું છે. જેમાંથી કેટલુંક ફંડ તમને પહોંચાડવામાં આવશે. તમે તેમની સાથે સંપર્કમાં રહીને કામ કરજો. વર્વરા રાવના કહેવાથી સુરસાગર માઇનમાં ૮૦ વાહનોને સળગાવવાની ઘટનાનો ઉલ્લેખ પણ આ પત્રમાં કરવામાં આવ્યો છે.

રોના વિલ્સનને મિલિંદ તેલતુમડેએ બીજી જાન્યુઆરી ૨૦૧૮ તારીખના લખેલા પત્રમાં ભિમા-કોરેગાંવનું ચિત્ર સ્પષ્ટ થાય છે. જેમાં તેલતુમડે લખે છે કે કોમરેડ મંગલું અને કોમરેડ દીપુ કોમરેડ સુધીર સાથે ભિમા-કોરેગાંવને લઈને બે મહિનાથી કો-ઓર્ડિનેશન કરી રહ્યા છે. તેઓ રાજ્યભરમાંથી વિશાળ દલિત સપોર્ટ મેળવવામાં સફળ થયા છે. હાયર કમિટી આ કામ માટે કોમરેડ સુધીરને બે તબક્કે ફંડની ફાળવણી કરી રહી છે. કોમરેડ શોમા અને કોમરેડ સુરેન્દ્ર વધુ કાર્યક્રમો માટે ફંડની ફાળવણીની સત્તા ધરાવે છે. ભિમા-કોરેગાંવ અશાંતિ ઘણુ અસરકારક રહ્યું છે. ભવિષ્યની અશાંતિ અને પ્રોપેગેન્ડા મટીરિયલ માટે દુઃખદપણે થયેલા યુવાનના મૃત્યુને એક્સપ્લોઇટ કરવું. એ ઘટનાને વધુ હાઈલાઈટ માટે ફેક્ટફાઈન્ડિંગ તપાસો. દલિત ભાવના બ્રાહ્મણ, બીજેપીની વિરુદ્ધ છે તેનો ઉપયોગ મોટાપાયે મોબિલાઇઝેશન અને કેઓસ સર્જવા માટે કરવો.

માઓવાદીઓ પાસેથી જપ્ત પત્રોની સંખ્યા હજારોમાં છે. કેવી રીતે તેઓ અંડરગ્રાઉન્ડ મૂવમેન્ટને ફેલાવી રહ્યા હતા. કેવી રીતે લોકોનું બ્રેઇન-વૉશ કરી રહ્યા હતા. કેવી રીતે જેએનયુમાંથી વિદ્યાર્થીઓને જંગલમાં અંડરગ્રાઉન્ડ વર્ક માટે મોકલવામાં આવતા હતા. કેવી રીતે પૈસા પહોંચાડવામાં આવતા હતા. કેવી રીતે કાયદેસરની સરકારને પાડવા માટે દેશભરમાં એક મારચો ખોલવામાં આવી રહ્યો હતો. માઓવાદીઓના આ લક્ષ્યાંકમાં દરેક માઓવાદીનું કેવું યોગદાન હતું તે બધંુ જ આ દસ્તાવેજોમાંથી બહાર આવ્યું છે. આ દસ્તાવેજોથી કહેવાતા સમાજસેવીઓનો બીજો વિરૃપ અને ઘાતકી ચહેરો સામે આવે છે. જેમાં તેઓ પોતાના નજીવા સ્વાર્થ માટે દેશને અસ્થિર કરવાની અને લોહીની નદીઓ વહાવડાવાની હિમાયત કરે છે. અરે, સ્થાપિત સરકાર માટે કોમરેડ દુશ્મન દળ શબ્દ વાપરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજીવ ગાંધી સ્ટાઇલમાં બોમ્બથી ઉડાવી દેવાની યોજના ઉપર કોઈ કામ થયું હતું? આ પ્રશ્નનો જવાબ આપતા મહારાષ્ટ્ર પોલીસ એડીજી પરમવીર સિંહે કહ્યું હતું કે અમે પત્રમાં રહેલી યોજનાઓ માત્ર જાણી શક્યા છીએ. એ યોજના ઉપર કેટલું કામ થયું હતું તે જાણવા માટે અમારે જેલમાં બંધ આરોપીઓની કસ્ટડીની જરૃર પડશે. સુપ્રીમ કોર્ટે જેની પોલીસ કસ્ટડી નકારી અને ગૃહબંધીનું ફરમાન કર્યું હતું તેવા વર્વર રાવ, અરુણ ફરેરા, વેર્નોન ગોન્ઝાલ્વેસ, સુધા ભારદ્વાજ, ગૌતમ નવલખા, અનંત તેલતુમડે, એન્ડીક સસ્પેક અને સ્ટેન સ્વામીના પોલીસ રિમાન્ડની આ માટે જ જરૃર હતી.
—————–

Leave A Reply

Your email address will not be published.

Translate »