તમારા માટે, તમારી સાથે, સતત…

પોતાનું વ્યક્તિત્વ પોતે જાણવું એ જાહેર ફરજ છે

ભૌતિકતા વચ્ચે જીવવાનું. સંસાર સજાવવાનો. ઈશ્વરની હેલ્પ લઈએ

0 862

ચર્નિંગ ઘાટ – ગૌરાંગ અમીન

ફ્રન્ટ કેમરામાં જોયા કરી બોલવાનું હું બધાંને ઓળખું છું
જીવન ભલે સાબિત કરે કે કોઈ ના સમજે એવું કોકડું છું

સ્વયંવર એટલે? પોતાની પસંદગી. ના, તમે જે અર્થ જાણો છો તે વ્યવહારમાં સૌએ જાતે પાછળથી દોરેલો અર્થ છે. અસલમાં વર અર્થાત્ પસંદગી. બેશક પેલો વર પણ સાચો જે માટે એક શબ્દ છે વધુયૂ. સ્વયંવધુયૂ જેવો શબ્દ નથી. વધૂ એટલે નવોઢા, યુવાન પત્ની કે ઘરની વહુ. સ્વયંવધૂ જેવોય શબ્દ નથી. અન્યવર કે તદવર સહજ શક્ય છે. મૂળ વાત ચોઇસની. સ્ત્રીને પસંદગીનો અવકાશ રહેતો. પુરુષને પસંદગીનો અવકાશ રહેતો. હવે વિકલ્પ ઘણા છે, પરંતુ પસંદગીનો લોચો કે ગોટાળો થઈ ગયો છે. ઓપ્શનલ માટે સંસ્કૃતમાં ઐચ્છિક, કામ્ય ‘ને કૃતાકૃત જેવા શબ્દો સ્પષ્ટ કરે છે કે મૂળ મામલો મનનો છે. હું તો ગઈતી મેળામાં… મન મળી ગયું. જાહેરાત, સોશિયલ-મીડિયા ‘ને ગીચોગીચ ભાગતાં જીવનમાં પસંદ કરવું એ વાસના કરતાં વધારે ફરજ, સ્વભાવ ‘ને લાચારી બની ગયા છે. કપડાં, ખાવાનું કે સિરિઅલ. પૈસા હોવા છતાં ગાડી કે મકાન પસંદ કરતાં નાકે દમ આવી જાય છે. ક્યાં ફરવા જવું? ક્યા રંગના પડદા? શાળા હોય કે મુલાકાતનું સ્થળ, પસંદ કરવામાં સૌ ઓછાવત્તા અંશે પોતાનાથી હેરાન થાય છે.

માણ’ને પોતાને ખાતરી તો દૂરની વાત રહી, અંદાજ પણ માંડ હોય છે કે પોતાનું માનસ કે વ્યક્તિત્વ ક્યા પ્રકારના પાયા પર ઘડાયેલું છે. બહાર જે દેખાય તે થકી તે અંદરનું જોઈ લે છે. અરીસા વિના આંખ પોતાને નથી જોઈ શકતી એટલે માણસ પોતાની ભીતરનું બંધારણ બીજાની આંખ જે બતાવે તે જોવાનો બંધાણી થયો છે. આર્કિટેક્ટ ધંધાની ઉતાવળમાં ગણીને ત્રણ પ્રશ્ન પૂછે ‘ને ફેમિલીનો એક સભ્ય કોઈ ચોથાના મકાનનો ફોટો બતાવીને આત્મવિશ્વાસથી જાહેર કરશે કે અમારે આવું ઘર જોઈએ છે. લગ્ન અંગેના સુશોભન માટે ફૂલવાળો પૂછે તો કરોડપતિને પોતાને ક્યા રંગના ફૂલ ગમશે એય ખબર નથી હોતી. કઈ હિન્દી ફિલ્મમાં મજા આવશે એ માલૂમ ના હોય તો ચાલે, પણ દૂરથી બુક કરાવવાની હોય તો કેવી હોટલમાં પોતાને વધુ ગમશે એ ખુદ સ્વયંને જાણતું હોય તો પૈસા વસૂલ થાય ‘ને નિરાકાર નફોય મળી શકે. યોગીઝ ઉવાચ નો ધાય સેલ્ફ. ફર્ગેટ સૂક્ષ્મ, યહાં તો સ્થૂલ કો ભી જાને તો કૈસે જાને?

સેલ્ફ યાને આત્મા એવો અર્થ વિવેકાનંદે આપેલો, પરંતુ આપણે રહ્યા નોર્મલ વા જનરલ હ્યુમન. ભૌતિકતા વચ્ચે જીવવાનું. સંસાર સજાવવાનો. ઈશ્વરની હેલ્પ લઈએ, કોઓપરેશન માગીએ, પણ એમાંય દ્વિધા ઊંચીનીચી થતી હોય છે. વાસ્તવમાં એ દ્વિધા નહીં, બહુધા હોય છે કે ક્યો મંત્ર કરવો, ક્યા દેવને પ્રસન્ન કરવા, ક્યારે કરવું. જ્યોતિષ પ્રત્યેક જીવની વ્યક્તિગત કુંડળીને આધારે તેણે ક્યો સ્ટોન ધારણ કરવો વગેરે કહે છે. તો શું અન્ય રીતે કે અલગ સંદર્ભમાં જાતકના મનને શેમાં મજા આવશે, શું બંધબેસશે એવું ના જાણી શકાય? જાતને અનુભવ હોય છે. અનુભવનું અર્થઘટન ‘ને તે અંગેની યાદદાસ્ત હોય છે. સાથે અફસોસ, ગર્વ ‘ને જીદ પણ હોય છે. વાલી ‘ને વડીલથી લઈને શિક્ષક, પાડોશી, સહકર્મી, મિત્ર ‘ને નજીકના સૌ પોઇન્ટ આઉટ કરતાં રહે છે કે તારામાં આવું છે વત્તા આવું નથી. આ ખોટું ‘ને આ સાચું. આ ભૂલ ‘ને આ સારું. મોટા ભાગનામાં સુધારાની જરૃર છે એવું બાકીના માનતા હોય છે. અમુકમાં પરિવર્તન આવે તો તમુકને પોતાને તકલીફ પડશે એવું લાગતું હોય છે. એવામાં મનુષ્યએ પોતાના વ્યક્તિત્વનો બેઝિક ભાગ એવું એનું માનસ જાણવું રહ્યું અને તે માટે સ્વયં પ્રત્યે સાક્ષી ભાવના આભાસ કરતાં કોઈ ત્રીજી તટસ્થ એવં સર્વસામાન્ય મનુષ્યજનક પરખની આવશ્યકતા હોય છે. એકાંતવાસમાં ના જીવતા હોય તેવા તમામ બિનઆદિમાનવ માટે પોતાનું વ્યક્તિત્વ પોતે જાણવું એ જાહેર ફરજ છે.

આઇએનટીજે, આઇએનએફજે, આઇએનએફપી, આઇએનટીપી, ઈએનટીજે, ઈએનએફજે, ઈએનએફપી, ઈએનટીપી, આઇએસટીજે, આઇએસએફજે, આઇએસએફપી, આઇએસટીપી, ઈએસટીજે, ઈએસએફજે, ઈએસએફપી, ઈએસટીપી. આ અંગ્રેજી સંક્ષેપાક્ષર જોઈને તમારું મન શું પ્રતિભાવ આપે છે? આમાં કશું સમજાતું નથી છતાં લાગે છે કે સમજવા જેવું ખરું. આમાં કશું સમજીએ તોય આવું બધું આખરે કામનું નથી હોતું. આમાં કશું સમજવાનું જ નથી કેમ કે હું જે છું તે ‘ને મારું બધું બરાબર જ છે. ઉપરના અક્ષરસમૂહો જોયા પછી આવા ત્રિવિધ પ્રત્યાઘાત શક્ય છે.

આ સાંકેતિક વર્ણજૂથો વસ્તુતઃ સોળ પ્રકારના માયર્સ-બ્રિગ્સ ટાઇપ ઇન્ડિકેટર્સ છે. માયર્સ-બ્રિગ્સ દ્વારા વિકસિત આત્મનિરીક્ષણ અંગેની નિશ્ચિત પ્રશ્ન-શૃંખલાના સાચા ઉત્તર આપવાથી આ સોળમાંથી તમે ક્યા પ્રકારના વ્યક્તિ છો તે તમે જાતે જાણી શકો. મનુષ્ય પોતાની આસપાસની દુનિયાને કેવી રીતે જુએ છે ‘ને નિર્ણય લે છે તે અંગેના વિવિધ માનસિક ઢળાણ આધારિત આ ટેસ્ટ છે, એક્ઝામ નથી. સમજોને દરેકની પોતાના વિષેની ક્વિઝ છે. એમબીટીઆઇની શોધ કૂક બ્રિગ્સ તથા તેમની પુત્રી ઇઝાબેલ માયર્સ દ્વારા થયેલી. કાર્લ યુંગ નામક મહામનોવિજ્ઞાનીના અમુક સિદ્ધાંતો આ ટેસ્ટનો આધાર છે, જેમણે મનુષ્યની માનસિક કાર્યવિધિ ચાર ભાગમાં વહેંચી હતી- સેન્સેશન/સંવેદના, ઇન્ટ્યૂઇશન/અંતર્દ્રષ્ટિ, ફીલિંગ/ભાવનાઓ, થિન્કિંગ/વિચારશીલતા. યુંગનું માનવું હતું કે મોટા ભાગે આ ચારમાંથી એક ફંક્શન પ્રભાવી હોય છે. ટૂંકમાં આ હસ્તીઓનું કહેવું છે કે પ્રત્યેક ઇન્સાન આ સોળ પ્રકારના માયર્સ-બ્રિગ્સ ટાઇપ ઇન્ડિકેટર્સમાંથી એક પ્રકારનો હોય છે.

તમારી આસપાસ લોકો હોય ત્યારે સામાન્યતઃ તમને જોમ મળે છે કે તમે થાકી જાવ છો? આમાં તમે શરમાળ છો કે આત્મવિશ્વાસુ દેખાવ છો એ વાત નથી. પ્રશ્નોત્તરી તારણ કાઢે છે કે તમે I = ઇન્ટ્રવર્ટ/અંતર્મુખી છો કે E = એક્સ્ટ્રવર્ટ/બહિર્મુખી. તમે જગતને કેવી રીતે જુઓ છો, તમે તમારી પાંચ ઇન્દ્રિયને મહત્ત્વ આપો છો કે તમારા ધ્યાનમાં અજાણી શક્યતા આવે છે ‘ને તમે કોઈ પ્રકારની પેટર્ન જુઓ છો? S = સેન્સિંગ/સંવેદનયુક્ત N = ઇન્ટ્યૂઇટીવ/અંતર્દ્રષ્ટિવાન. તમે કેવી રીતે નિર્ણય લો છો? તમે તટસ્થ સિદ્ધાંત ‘ને બિનવ્યક્તિગત હકીકત પર નિર્ભર રહો છો કે તમારી પોતાની બાબતો તેમ જ અન્ય લોકો નિર્ણાયક બને છે? = થિન્કિંગ/વિચારશીલ કે F = ફીલિંગ = લાગણીપ્રધાન/ભાવનાશીલ. તમે ઓવરઓલ કેવી રીતે જીવો છો? આયોજન ‘ને બંધારણ/વ્યવસ્થાને પ્રાધાન્ય આપો છો કે અનુકૂલન સાધો તેવા લવચીક છો? J = જજિંગ/ અભિપ્રાયબદ્ધ કે P = પર્સીવિંગ/ ગ્રહણબોધિત. એ ટેસ્ટમાં સવાલો અલગ હોય છે, જેના જવાબ આપતા મહત્તમ પંદર મિનિટ થાય છે. પ્રશ્નાવલિ અને તે પછીનું પૃથક્કરણ ઇન્ટરનેટ પર વિના કિંમત મળે છે. www.16personalities.com આ માટે સારી વેબસાઇટ છે. ત્રીસ ભાષામાં ઉપલબ્ધ એવી આ કસોટી હિન્દીમાં પણ છે.

Related Posts
1 of 281

દર વર્ષે લાખો લાખો લોકો આ પદ્ધતિથી પોતાને જાણવાની સમજવાની કોશિશ કરે છે. ફોર્ચ્યુન ૧૦૦માંથી ૮૯ કંપની તો આ પદ્ધતિ અનુસરે છે જ. ફોર્બ્સ કોચિઝ કાઉન્સિલ આ ટેસ્ટ લેવાની આગ્રહ પૂર્વક ભલામણ કરે છે. તેમનું કહેવું છે કે આ પરીક્ષણ વડે તમારું વર્તન અન્યને શું અસર કરે છે તેનો અભ્યાસ તમે સારી રીતે કરી શકશો અને તેના થકી તમે તમારી આસપાસ સક્ષમ અસર પાડી શકશો. તમે તમારા દિવસનો વધુ કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકશો. મતમતાંતરને વધુ સમજી અને તેનું સન્માન કરી શકશો. કારકિર્દી ચ પ્રગતિ માટેનું વધુ યોગ્ય આયોજન કરી શકશો. તમે જે બાબત અંગે રક્ષણાત્મક રહેતા હશો તે બાબત અંગે સભાન થઈને હકારાત્મક પરિણામ લાવવા પ્રયત્નશીલ થઈ શકશો. તમારી કોમ્યુનિકેશનની આવડતનો વિકાસ કરી શકશો. તમારી પસંદગીઓને કુશળતા પૂર્વક ગોઠવી તેને પાર જોઈ શકશો. વ્યક્તિત્વ આધારિત અથડામણ ટાળી શકશો. આ સિવાય સાદી રીતે જોઈએ તો જીવનમાં શાંતિનું સ્તર ઊંચું લાવી શકાય. વાત ભૌતિક હોય કે આધ્યાત્મિક, જો જાતને થોડું વધારે સમજીએ તો એ માહિતી નિઃસંદેહ એકથી વધુ રીતે કામમાં આવે જ.

ખેર, એવું નથી કે વિશ્વમાં બધા આ ટેસ્ટ સાથે સહમત છે. ઘણા માને છે કે મનુષ્ય પરિવર્તનશીલ છે એટલે તેને કોઈ એક એક્ઝેટ પ્રકારમાં બાંધવો એ ભૂલ ભરેલું છે. વેલ, એ સંજોગોમાં આ ટેસ્ટ લાંબા અંતરાલે ફરી ફરી આપી શકાય. કેટલાક એવું પણ માને છે કે આ મહા પાંચમાં બીજું એક એચ ઉમેરવા જેવું છે. ઓનેસ્ટી/પ્રમાણિકતા અને હ્યુમિલિટી/દીનતા. એ લોકો હેક્ઝાકો પર્સનાલિટી ઇન્વેન્ટરી રિવાઇઝડ નામનું ટૂલ વાપરે છે. જે મુજબ વ્યક્તિત્વનાં મુખ્ય ૬ પાસાં હોય છે. પ્રમાણિકતા/દીનતા, લાગણીશીલતા, બહિર્મુખતા, સંમતિશીલતા/ક્રોધ, સંનિષ્ઠતા, ખુલ્લાપણું. અલબત્ત, આ પરીક્ષણ ખાસ આવકાર નથી પામ્યું. અમુક એવું પણ માને છે કે એમબીટીઆઇના પ્રશ્નોના જવાબમાં જે સહમત-અસહમત પ્રકારના બે ધ્રુવ આપ્યા છે તેના કરતાં જે-તે મુદ્દાને ટેકારૃપ તથા પડકારરૃપના બે ધ્રુવ વચ્ચે તોલવા જોઈએ. જી વારુ, એમબીટીઆઇ નામના સાધનને ટેકારૃપ ગણવું કે પડકારરૃપ એ પણ અમુક તમુક વ્યક્તિત્વની અસરનું દ્યોતક ગણી શકાય.

નોકરી માટેના ઇન્ટરવ્યૂમાં જો એમ્પ્લોયરને ખબર હોય કે એમને પેલા સોળમાંથી આ, આ ‘ને આ ‘કોડ’વાળો વ્યક્તિ જોઈએ છે તો મામલો ઘણો સરળ થઈ જાય. બીએફ માને બોયફ્રેન્ડ સાથે મગજમારી ચાલતી હોય અને બંનેને પોતપોતાની ટાઇપ ખબર પડે તો એકબીજા સાથે ચર્ચા કરીને ઇસ્યૂઝ ઉકેલવાની પ્રક્રિયા ઘણી આરપાર થઈ જાય. ઇન્ટરનેટ પર તમને તમારી ‘ટાઇપ’ મુજબ કઈ બુક વાંચશો તો કામ લાગશે કે મજા આવશે એવા સૂચન પણ મળી શકે છે.

સૌથી મહત્ત્વનો લાભ આ પરીક્ષણમાંથી પસાર થવાનો એ છે કે તમે એવા પ્રશ્નોના જવાબ આપવા મનોમંથન કરશો કે જે તમને પોતાને તમારા વ્યક્તિત્વ અંગે વિચારતા કરી દેશે. પરીક્ષણનું પરિણામ જે આવે તે, પણ એ પ્રક્રિયામાં તમે તમારી જાતને ત્રીજા વ્યક્તિ તરીકે જોવાનો સક્ષમ પ્રયાસ કરી શકશો. વેપારમય આ વિશ્વમાં એવું પણ શક્ય છે કે કાલે ઊઠીને સાબુ, ડીઓડરન્ટ સ્પ્રે ‘ને વસ્ત્રો પણ ટાઇપના કોડ સાથે બજારમાં આવે. ઓનલાઇન પોતાની એમબીટીઆઇ ટાઇપ છાપેલી હોય એવી ટી-શર્ટ્સ તો મળે જ છે.

જમાનો એ લેવલ પર પહોંચી ચૂક્યો છે કે ઇન્સાનને વાસ્તવમાં પોતાને શું જોઈતું હતું એ પરિશ્રમ આદરે તોય યાદ ના આવે અને એ એ જ વાત કરે જે એને તેની આસપાસના પરિબળો દ્વારા ગોખાવવામાં આવ્યું/આવતું હોય. ટીવી, ઇન્ટરનેટ ‘ને અડી શકાય એવો છતાં અડી ના શકાય તેવો સમાજ સતત ગ્રાહક એવં ઉપભોક્તા બની ગયેલા માનવીના તન-મનને ૩૬૦ અંશથી પોતાના ગર્ભમાં જકડી રાખે છે. આત્મા કે સોલ/સ્પિરિટની તો વાત જ જવા દો, આદમી આજે પોતાના મન-મસ્તિષ્કને પણ જાણવા કાર્યરત નથી થઈ શકતો. પોતાના મૂળભૂત માનસ અંગે એ માન્યતા ‘ને ધારણાથી કામ ચલાવી લે છે. દિવસનું મોટા ભાગનું પ્રભાવી કામ એકનું એક હોય છે એટલે હ્યુમન નામે યંત્ર આખરે વિવિધ ટેવ આશ્રિત ઑટો-પાઇલટ દ્વારા સંચાલિત હોય છે. બાકી બચેલું ઈશ્વર યા ભાગ્ય પર છોડવામાં આવે છે કે પછી મનોરંજનમાં પૂરી દેવામાં આવે છે. પોતાને કે પોતાના જીવનને અક્કલ ‘ને આવડતથી તપાસી તેનું વિશ્લેષણ કરવાની વાત માત્રથી મોટા ભાગના માણ’ને ચીડ આવે, કંટાળો આવે કે આળસ આવે અને કદાચ એવું કોઈ કરે તો બીજો નહીં ‘ને બારમો એને ટોકશે કે શું તું કોઈ તકલીફમાં છું તે તું કેવો છું ‘ને કેવો નથી એવી બધી વિચિત્ર બાબતમાં પડે છે?

ના, ફક્ત રાવણ કે દુર્યોધનને જ એવું નહોતું કે હું જે છું તે સાચો ‘ને સારો જ છું. અહંકાર એ જાદુઈ ગુંદર છે જે શરીર અને આત્માને એકબીજા સાથે ચોંટાડી રાખે છે. આપણે ત્યાં એવો એક પુખ્ત માણસ ના શોધી શકીએ જેણે ‘પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય’ એ ઉક્તિ સાંભળી કે વાંચી ના હોય. ચાલો, તમે જે છો તે બરાબર જ છો અને જીવો ત્યાં સુધી તેમ જ રહેજો, પણ જો તમે કેવા છો એ તમે થોડું વધારે જાણવા મથશો તો કોઈ નુકસાન નથી જવાનું.

એમબીટીઆઈ એ વિજ્ઞાન કે ઈશ્વરનું માનીતું સંતાન છે એવું નથી, પણ એ બાબલો થોડોય આપણા કામમાં આવે તો સારું જ છે. પરીક્ષણના પરિણામ ‘ને તેના તારણો પરથી આપણે આપણું વ્યક્તિત્વ બદલી જ કાઢવું એવું જરૃરી નથી. હા, આપણા મનોશારીરિક વર્તનમાં અમુક-તમુક પરિસ્થિતિ માટે અમુક-તમુક ફેરફાર કરીએ અને તેનો લાભ સૌને કે આપણને મળે તો એમાં કશું ખોટું કે ખરાબ નથી. ત્યાં તો આ ટેસ્ટ યુનિવર્સિટી, હૉસ્પિટલ, ચર્ચ, મિલિટરી જેવા ઢગલો સંસ્થાનમાં વપરાય છે. બેશક એમબીટીઆઇ ટેસ્ટનો ધંધો કરવામાં પણ યુઝ થાય છે અને ટેસ્ટના રિઝલ્ટ ‘ને રિપોર્ટ સો ટકા સત્ય હોય છે તેવું બિલકુલ જરૃરી નથી. લેકિન, એમબીટીઆઈ ચેક ના કરીએ તોય કયું સો ટકાનું સત્ય આપણે જાણી બેઠાં છીએ?

બુઝારો: જ્યારે લોકો એકબીજાથી જુદા પડે ત્યારે તેમના વ્યક્તિત્વના પ્રકારની જાણકારી ઘર્ષણ ઘટાડી શકે ‘ને તણાવ ઓછો કરી શકે. તદુપરાંત તેમ કરવાથી મતભેદોનું મૂલ્ય પ્રગટ થશે. કોઈએ તમામ બાબતે સક્ષમ હોવું જરૃરી નથી. – ઇઝાબેલ બ્રિગ્સ માયર્સ
————————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »