તમારા માટે, તમારી સાથે, સતત…

કોર્ટમાં ધ્યેયે સવાલ ઉઠાવતાં લોકોએ આશ્ચર્ય અનુભવ્યું

ફરિયાદીના વકીલ ખોટી રીતે અમારા પર આરોપ લગાવી રહ્યા છે.

0 284

‘રાઇટ એન્ગલ’ ( નવલકથા પ્રકરણ – ૨૫ ) – કામિની સંઘવી

ડોરબેલ વાગતાં મહેન્દ્રભાઈ ઊઠે તે પહેલાં ધ્યેય હળવા પગલે કિચન તરફ ગયો અને બારણા પાછળ ઊભો રહ્યો. કુરિયરવાળો આવ્યો હોવાનું જાણી ધ્યેયને રાહત થઈ. બીજી તરફ મહેન્દ્રભાઈ કુરિયર લઈ પોતાના રૃમમાં જતા રહ્યા. મહેન્દ્રભાઈ સૂઈ જતાં ધ્યેય ફરી વૉર્ડરોબ પાસે આવ્યો અને જ્વેલરી બોક્સ તપાસી જોયું, પણ કશિશનો ઍડ્મિશન લેટર ન મળ્યો. છેવટે તે ઘરની બહાર નીકળી ગયો. આટલું જોખમ ઉઠાવ્યા પછી પણ લેટર ન મળ્યાનો તેને અફસોસ થયો. ધ્યેયે કશિશને ફોન કરી જે બન્યું તે જણાવ્યું. આવું જોખમ ઉઠાવવા બદલ કશિશે તેનો આભાર માન્યો. બીજી તરફ થોડા જ દિવસોમાં ગુજરાતની બધી લોકલ ચેનલો પર કશિશના કેસના સમાચાર પ્રદર્શિત થયા. ઘણી ચેનલોમાં પેનલ ડિસ્કશન પણ થયું. ધીમે-ધીમે લોકોની લાગણીઓનું ઘોડાપૂર કશિશની તરફેણમાં વહેવા લાગ્યું. કૉલેજો-સ્કૂલોમાં ડિબેટો થઈ. પોતાની દીકરી સેલિબ્રિટી બની ગઈ તે જોઈ મહેન્દ્રભાઈને આનંદ થયો. જોકે, ઉદયની નાલેશી થઈ જ્યારે નીતિન લાકડાવાલાની હાલત કફોડી થઈ. તેમને ટીવી પર વિલન ચીતરવામાં આવ્યા. કશિશ તેના સાસરિયાં વિશે કશું જ ઘસાતું બોલી ન હતી. આથી અતુલ નાણાવટીને દીકરાનો સંસાર ઉજાડવામાં પોતે નિમિત્ત બન્યાનો અફસોસ થયો. કૌશલે પણ પોતે હવે ક્યા મોઢે કશિશને ઘરે પરત બોલાવે તેવી લાચારી વ્યક્ત કરી. બીજી તરફ ધ્યેયે કૌશલને મળવા બોલાવ્યો. કશિશ કેસ જીતી જાય તે માટે જુબાની આપવા તેણે કૌશલને તૈયાર કરી લીધો. દસ સપ્ટેમ્બરે કેસની મુદત વખતે કોર્ટમાં લોકોની ભીડ અને મીડિયાની ભરમાર જોવા મળી. લોકોનો આટલો બધો સહકાર જોઈ કશિશ સ્તબ્ધ થઈ ગઈ. કશિશે હાથ જોડી લોકોનો આભાર માન્યો. કેસ શરૃ થતાં ધ્યેયે કશિશને ઊલટતપાસ માટે વિટનેસ બોક્સમાં બોલાવી. કોર્ટ સમક્ષ કશિશે એક વાત શા માટે છૂપાવી તેવો ધ્યેયે સવાલ ઉઠાવતા ત્યાં હાજર લોકોએ આંચકો અનુભવ્યો. ધ્યેય ફરિયાદી તરીકે કશિશની તરફેણમાં કેસ લડે છે કે તેની વિરુદ્ધમાં તેવી અસમંજસમાં લોકો મુકાયા.

હવે આગળ વાંચો…

‘જી…મેં કશું છુપાવ્યું નથી. હું શું કામ છુપાવું?’ કશિશને પણ ધ્યેયના સવાલથી અચરજ થયું હતું, પણ એણે સ્વસ્થતા જાળવી રાખી.

‘અચ્છા? પણ મારા જાણવા મુજબ તમે એક વાત ચોક્કસ છુપાવી છે.’ ધ્યેય પોતાની વાતને વગળી રહ્યો. ધ્યેયના ગંભીર ચહેરા પર અનેક રહસ્યમય ભાવ હતા. કશિશ સહિત કોર્ટરૃમમાં હાજર બધાં એને તાકી રહ્યાં. કશિશનો વકીલ આજે જ બદલાયો છે અને આવતાંવેંત એ જે રીતે કશિશને જ સવાલ પૂછીને ગૂંચવી રહ્યો હતો તેથી બધાં આશ્ચર્યચકિત હતાં.

‘હું શું કામ કોઈ વાત કોર્ટથી છુપાવું?’ કશિશ હવે અકળાઈ રહી હતી. એને ધ્યેય પર વિશ્વાસ હતો કે એ જે કરી રહ્યો છે તે એની તરફેણમાં જ હશે, પણ એને અત્યારે એ શું કરવા ઇચ્છે છે તે સમજી શકતી ન હતી.

‘તમે કોર્ટથી એ વાત છુપાવી છે કે તમને મેડિકલમાં ઍડ્મિશન મળતું હતું તે વાતની તમને શી રીતે ખબર પડી? જો આ ઘટના તેર વર્ષ પહેલાંની છે તેની તમને જાણ ન હતી તો રાતોરાત તમને એવું સપનું તો આવે નહીં ને! એવો ક્યો પુરાવો તમારા હાથમાં આવ્યો જેથી તમને આ બાબતની જાણ થઈ? તમે આ વાત કોર્ટને જણાવો.’ ધ્યેયે સ્પષ્ટતા કરી તેથી કશિશના ચાહકોમાં રાહતની લાગણી ફેલાઈ ગઈ. જ્યારે રાહુલ સમજી ગયો કે ધ્યેયસર વાતને કંઈ દિશા તરફ ધકેલી રહ્યા છે.

‘આ વાત મને અત્યારે સુધી પૂછવામાં જ આવી ન હતી. તેથી મેં કોર્ટને જણાવી નથી. હું વકીલ નથી, સામાન્ય માણસ છું. હું જાણતી ન હોવ કે મારે શું કહેવું જોઈએ ને શું ન કહેવું જોઈએ.’ કશિશે સચોટ જવાબ આપ્યો એથી ધ્યેય અંદરખાને રાજી થયો કે એ સાચા ટ્રેક પર છે. એના ચહેરા પર સ્મિત આવ્યું.

‘નામદાર…આ વાતની નોંધ કરવામાં આવે કે બચાવપક્ષના વકીલે જાણીજોઈને આ વાત ફરિયાદીને પૂછી ન હતી, કારણ કે તેઓ પુરાવા રજૂ કરવા ઇચ્છતા ન હતા. કોર્ટને તેઓ ગેરમાર્ગે દોરવા ઇચ્છતા હતા.’

જજ આ વાત નોંધ કરતા હતા અને,

‘ઓબ્જેક્શન માય લૉર્ડ…ફરિયાદીના વકીલ ખોટી રીતે અમારા પર આરોપ લગાવી રહ્યા છે. એવો કોઈ પત્ર મળ્યો જ નથી તો પુરાવો હોવાની વાત જ વાહિયાત છે..’ નીતિનભાઈએ તરત પોતાના અસીલનો બચાવ કર્યો,

‘ઓબ્જેક્શન ઓવરરૃલ્ડ..’ જજે નીતિનભાઈના વાંધાને નકારી કાઢ્યો. એટલે ધ્યેયે પોતાની વાત આગળ વધારી.

‘હા..તો કશિશબહેન, તમને તેર વર્ષ પછી કેવી રીતે ખબર પડી કે તમને મેડિકલમાં ઍડ્મિશન મળ્યું હતું?’

એના જવાબમાં કશિશે અગાઉ ધ્યેયને કહ્યું હતું તે મુજબ આખી ઘટના કોર્ટને સંભળાવી કે એ એના પપ્પાના ઘરે રહેવા ગઈ હતી ત્યારે એની ભત્રીજી સાથેની વાતચીતમાં હકીકત બહાર આવી કે કશિશને જેટલા માક્ર્સ બાર સાયન્સમાં આવ્યા હતા તે મુજબ તો એને મેડિકલમાં ઍડ્મિશન મળવું જોઈએ, કારણ કે એની ભત્રીજીની ફ્રેન્ડના કાકાને એટલા ટકામાં ઍડ્મિશન મળ્યું હતું. પહેલીવાર ત્યારે કશિશને ડાઉટ ગયો કે એની સાથે ચિટિંગ થયું છે. એટલે પછી એણે એના ફાધરને પૂછ્યું તો એમનું વર્તન શંકાજનક હતું. કશિશે ઘરમાં તપાસ કરી તો એના હાથમાં મેડિકલ કૉલેજનો ઇન્ટરવ્યૂ લેટર આવ્યો હતો.

‘તમને એ પત્ર ક્યાં મળ્યો હતો?’

‘જી, મને એ પત્ર મારા પપ્પાના વૉર્ડરોબમાં રહેલા મારા મમ્મીના જ્વેલરી બોક્સમાંથી મળ્યો હતો.’

‘તમે એ પત્રનું પછી શું કર્યું?’

‘જી..મેં વાંચીને ત્યાં જ મૂકી દીધો.’

તમે એ પત્ર ત્યારે જ કેમ નહીં લઈ લીધો?’ ધ્યેયે કોર્ટ સામે વધુ માહિતી લાવવા સવાલ પૂછ્યો.

‘જી…મને ખબર ન હતી કે એ પત્ર ગુમ થઈ જશે કે ભવિષ્યમાં મારે તેનું કામ પડશે.’ કશિશે પોતાની કેફિયત રજૂ કરી એટલે ધ્યેયે સુકાન સંભાળી લીધું.

‘નામદાર, આરોપીએ જે પુરાવાને જાણીજોઈને છુપાવ્યો છે કે રજૂ નથી કર્યો તેની નકલ મેં કૉલેજમાંથી મેળવી છે. તેની સાથે જરૃરી ડોક્યુમેન્ટ્સ પણ રજૂ કર્યા છે. મારી અરજ છે કે કોર્ટ ઝેરોક્ષ નકલને અસલ પત્રની અવેજીમાં મંજૂર રાખે.’

એક મહત્ત્વનો પુરાવો રહી ગયો હતો તેને કોર્ટ સામે અલગ રીતે રજૂ કરીને ધ્યેયે કેસ વધુ મજબૂત કરી દીધો. કોર્ટે એને પુરાવા રૃપે સ્વીકારી લીધો.

નીતિન લાકડાવાલા આ આરોપના બચાવમાં કશું ખાસ કહી શક્યા નહીં. એમણે ફક્ત એક વાતનું રટણ કર્યા કર્યું કે આ વાત તદ્દન ઉપજાવી કાઢેલી છે. મેડિકલ કૉલેજમાંથી આવો કોઈ પત્ર આવ્યો જ નથી. ‘સર..આવો કોઈ પત્ર કૉલેજમાંથી આવ્યો જ નથી. ફરિયાદીના વકીલ મનઘડંત કહાનીઓ દ્વારા કોર્ટનો સમય વેડફી રહ્યા છે.’

કોર્ટમાં નીતિનભાઈની દલીલ પૂરી થઈ તે સાથે તે દિવસની કાર્યવાહી પૂરી થઈ. કોર્ટે બંને પક્ષની મંજૂરી લઈને નેકસ્ટ ડેટ ૧૫ ઑક્ટોબર આપી.

‘તેં તો યાર મને ગભરાવી જ નાંખી હતી…સીધો સવાલ કર્યો કે મેં કોર્ટથી કશું છુપાવ્યું છે.’ કોર્ટરૃમની બહાર નીકળીને કશિશે કહ્યું એટલે ધ્યેય હસ્યો.

‘થોડું એવું કરવું પડે. વાતની રજૂઆત અસરકારક થવી જોઈએ.’ ધ્યેયે એને વાત સમજાવી. કોર્ટમાં કેવી રીતે આવી રમત ચાલતી હોય એની સમજ પાડી.

‘મેં તને પહેલાં એટલે કહ્યું ન હતું કારણ કે તો તું કોન્સિયસ થઈ જાય તો ખબર પડી જાય કે મેં તને પઢાવી હશે.’

‘જો મેં લોચા માર્યા હોત તો?’ કશિશે એની સામે નજર માંડી.

‘તો હું પહોંચી વળેત…બાકી મને તારા પર વિશ્વાસ હતો કે તું આમ જ જવાબ આપીશ…આટલાં વર્ષો થયાં, હવે તો તને જાણું ને!’

‘તને જાણું છું.’ આ વાક્ય કશિશને સ્પર્શી ગયું. એક કૌશલ હતો જેની સાથે જિંદગીનાં બહેતરીન સાત વર્ષ પસાર કર્યાં, પણ એ એને જાણી શક્યો નહીં. એણે ધ્યેય સામે જોયું, એની નજરમાં પારાવાર વિશ્વાસ છલકતો હતો. એ વિશ્વાસની હેઠળના સ્નેહને કશિશ માપી શકતી હતી. કશિશ એ સ્નેહને ઝીલતી રહી. બંને એકબીજા સામે જોઈ રહ્યાં હતાં. ધ્યેય સહેજ કશિશ તરફ આગળ વધ્યો. એનો હાથ પકડવા જતો હતો ત્યાં,

‘સર…ગજબ કર્યો તમે હો…!’ રાહુલનો અવાજ આવ્યો અને બંનેએ નજર ફેરવી લીધી, ધ્યેયનો હાથ અધ્ધર હવામાં જ અટકી ગયો,

‘કબાબમાં હડ્ડી…’ ધ્યેય ધીમેથી બોલ્યો જે કશિશે સાંભળ્યું અને એ ખડખડાટ હસી પડી. કશિશના હાસ્યથી બેખબર રાહુલ તો કોર્ટમાં જે બન્યું તે વિશે ટિપ્પણી કરતો રહ્યો. ધ્યેય સર, તમે તો આમ ને તમે તો તેમ. જે સાંભળવાનો કશિશ અને ધ્યેય બંનેને કંટાળો આવતો હતો, પણ રાહુલને સહન કર્યે જ છૂટકો, તે બેઉં સમજતાં હતાં.

‘રિસેસ પછી રાહુલ તારે કેસ છે ને?’ ધ્યેયે એને અટકાવવા માટે કામ યાદ કરાવ્યું,

‘જી…સર…’

‘હા…તો બસ એની તૈયારી કર..’ ધ્યેયના કહેવાથી રાહુલ તરત પોતાના ટેબલ પર ગયો. ધ્યેય કશું બોલે તે પહેલાં કશિશ બોલી,

‘હું પણ જાવ..સવારથી માલા એકલી જ છે કૉફી હાઉસ પર…એને મદદ કરવી પડે.’

‘લો, તારી સાથે વાત થાય એટલા માટે મેં પેલાને ભગાડ્યો તો મેડમ પણ ભાગવાની વાત કરે છે.’ ધ્યેયના ચહેરા પર રીસ હતી. એથી કશિશને વધુ હસવું આવ્યું.

‘હવે રાતે તો મળીએ છીએ ડિનર પર ત્યારે વાત કરીશું.’

‘ના…બધો સમય રસોઈ કરવામાં જ જાય છે. એટલે જો ડિનર માટે બહાર આવવા તૈયાર હોય તો જ અત્યારે જવા દઉ.’ ધ્યેયના અવાજમાં હુકમ હતો કે શું?

Related Posts
1 of 279

‘તું હુકમ કરે છે?’ કશિશે પૂછ્યું,

‘તું હુકમ માને તેવી છે? રિક્વેસ્ટ કરું છું, તું તો બહુ જબરી છે.’ ધ્યેયે તરત શરણાગતિ સ્વીકારી લીધી તેથી કશિશને ફરી હસવું આવ્યું.

‘ઓ.કે…ડન..રાતે આઠ વાગે મને પિક કરજે. બાય!’ કશિશે એની સામે સ્માઇલ કર્યું અને નીકળી ગઈ, ધ્યેય એને જોઈ રહ્યો. મોટા ભાગે વેસ્ટર્ન ડ્રેસ પહેરતી કશિશ આજે કોર્ટમાં યલો કલરના સલવાર કમીઝમાં આવી હતી. હંમેશની જેમ પોનીટેલના બદલે એણે આગળ પફ વાળીને ચોટલો વાળ્યો હતો. બેહદ ખૂબસૂરત લાગતી કશિશને એ દેખાતી રહી ત્યાં સુધી જોઈ રહ્યો. પછી ઊંડો શ્વાસ લઈને એણે કામમાં મન પરોવ્યું.

રાતે આઠ વાગે એ કૉફી હાઉસ પહોંચ્યો તો કૉફી હાઉસ લોકોથી ધમધમતું હતું. એને જોઈને કશિશે એને બોલાવ્યો,

‘સોરી ડિયર થોડીવાર લાગશે….યુ નો આજે જ કૉલેજમાં એક્ઝામ પૂરી થઈ છે એટલે બહુ રશ છે. માલા એકલી પહોંચી ન વળે..મારે મદદ કરવી પડશે.’

‘કબાબમાં હડ્ડી…બીજું શું! ટેક યોર ટાઇમ.’ ધ્યેય થોડીવાર બધું જોઈ રહ્યો. માલા અને કશિશ કૉફી-સ્નેક્સ બનાવીને સર્વ કરતાં હતાં. કશિશ સાથે-સાથે કાઉન્ટર પણ સંભાળતી હતી. એ જોઈને એ પોતાની જગ્યા પરથી ઊભો થયો,

‘કિશુ, હું કાઉન્ટર સંભાળી લઉં?’ ધ્યેયનો પ્રસ્તાવ સાંભળીને કશિશ આશ્ચર્યથી એને જોઈ રહી,

‘તને ફાવશે?’

‘મને તું સમજે શું છે હેં? વકીલ છું, પણ કમ્પ્યુટર પર હિસાબ કરીને બિલ બનાવતા તો આવડે…ડોન્ટ અન્ડરએસ્ટિમેટ મી..’ એનો જવાબ સાંભળીને કશિશ હસી પડી.

‘ઓ.કે. વકીલ સાહેબ, આજે કેશિયર બની જાવ.’

નવ વાગે કૉફી હાઉસ ખાલી થયું. કશિશ અને એની હેલ્પર માલા બંને થાકીને લોથપોથ થઈ ગયાં હતાં. ધ્યેયે કાઉન્ટર સંભાળી લીધું હતું એટલે થોડી રાહત રહી હતી. બાકી આજે બધું વાઇન્ડ-અપ કરતાં રાતે દસ વાગી જાત.  ત્યાં ધ્યેય કૉફી બનાવી લાવ્યો. માલા ગઈ એટલે બંને હંમેશની જેમ વિન્ડો પાસે રોડ તરફ જોતાં બેઠાં.

‘ફ્યુ…(હાશ)…ફીલિંગ રિલેક્સ…’ કશિશ બોલી એટલે ધ્યેય કશો જવાબ આપવાના બદલે એને નીરખી રહ્યો.

‘ઓયે, બોલ ને શું જોઈ રહ્યો છે?’

‘તને…તને જોઉં છું તો હવે બોલવાનું મન જ થતું નથી. બસ જોયા જ કરું.’ ધ્યેયે એની આંખોમાં જોતાં કહ્યું.

બંને મનોમન એકબીજાને પ્રેમ કરે છે તે બંને જાણતાં હતાં, પણ આજે પહેલીવાર આ વાત ધ્યેયે આડકતરી રીતે કબૂલ કરી. ધ્યેયે એનો હાથ પકડી લીધો. કશિશ કશું બોલ્યાં વિના ધ્યેયને જોતી રહી. બંને ચુપચાપ એકબીજાનો હાથ પકડીને થોડી ક્ષણો બેસી રહ્યાં. એ સ્પર્શમાં કેટલું બધું સુકૂન હતું એ તો એકબીજાની હથેળીમાં રહેલી સંબંધોની ભીનાશથી જ અનુભવાતું હતું. પ્રેમમાં શારીરિક નિકટતા કરતાં ઘણીવાર માત્ર અમાપ પ્રેમ હોવાનો અહેસાસ જ માણસને પાગલ કરવા માટે પૂરતો હોય છે. કશિશ સાત વર્ષના કૌશલ સાથેના લગ્નજીવનથી આટલું શીખી હતી.

કૌશલના પ્રેમમાં કદાચ શારીરિક આકર્ષણ વધારે હતું જ્યારે ધ્યેયના પ્રેમમાં અશરીરી પ્રેમ વધુ આકર્ષે છે. કશિશ આ વિચારમાં મગ્ન હતી અને ધ્યેય વિચારતો હતો તે દિવસે એણે એકદમ સાહજિક રીતે કશિશનો હાથ પકડ્યો હતો ત્યારે કશિશે અનુભવેલી ઝણઝણાટી એને પણ અનુભવાઈ હતી. બસ, આજે ફરી એ અહેસાસે ધ્યેયને રોમાંચિત કરી દીધો. બસ, આ ઘડી આવી ગઈ છે પ્રેમની કબૂલાત કરવા માટે…એ કશિશનો હાથ પોતાના હોઠ સુધી લઈ ગયો અને બોલ્યો,

‘ડુ યુ નો…હાવ મચ આઇ…’ એ વાક્ય પૂરું કરે તે પહેલાં કશિશના સેલફોન પર રિંગ વાગી. કશિશે હળવેથી ધ્યેયના હાથમાંથી હાથ છોડાવ્યો અને ફોન લીધો તો સ્ક્રીન પર ડેડ નામ ફ્લેશ થતું હતું. ધ્યેયે નજરથી જ પૂછ્યું કોણ છે એટલે કશિશ કૉલ પિક કરતાં બોલી,

‘કૌશલના ડેડ..’ એ સાંભળીને ધ્યેયનું મોઢું બગડ્યું,

‘અગેઇન કબાબમાં હડ્ડી..’ કશિશે હસવું ખાળીને ફોન પિક કર્યો,

‘જય શ્રીકૃષ્ણ!’ કશિશે ડેડ બોલવાનું ટાળ્યું તેનો ધ્યેયને પણ ખ્યાલ આવ્યો અને સામે છેડે રહેલા અતુલ નાણાવટીને પણ એનો અહેસાસ થયો.

‘જય શ્રીકૃષ્ણ બેટા! કેમ છે એવું પૂછવાનો અધિકાર તો મેં ખોઈ નાંખ્યો છે, પણ બેટા, તો ય પૂછું છું.’ અતુલભાઈના અવાજમાં પોતે કરેલાં કામનો પસ્તાવો બોલતો હતો.

‘જી…એવું કશું નથી. તમે પૂછી શકો…હું મજામાં છું. તમે કેમ છો?’ કશિશે ભૂતકાળનો ભાર અતુલભાઈના મનમાં ન રહે તેથી ઉમળકાથી જવાબ આપ્યો,

‘બેટા…આઇ એમ પ્રાઉડ ઓફ યુ…જે રીતે તું લડાઈ લડી રહી છે તે જોઈને મને ગર્વ થાય છે કે નાણાવટીની પુત્રવધૂ આટલી તેજતર્રાર છે.’ અતુલભાઈ એના વખાણ કરીને એને મનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે વાત કશિશને સમજાઈ ગઈ હતી, પણ હવે એ મનથી નાણાવટી નથી રહી. એટલે એણે વધુ રિસ્પોન્સ ન આપતાં માત્ર એટલું બોલી,

‘થેન્કસ!’ અતુલભાઈ આટલાં વર્ષોના બિઝનેસ અનુભવથી એટલું તો તારવી શક્યા કે કશિશનો પ્રતિભાવ પ્રમાણમાં મોળો છે. કદાચ એ એમના પરિવારના વર્તનથી નારાજ હોય તેમ બને.

‘બેટા…તારી મોમ તને ખૂબ યાદ કરે છે. એકાદવાર ઘરે આવી જા…એને જરા માઇલ્ડ હાર્ટ એટેક આવી ગયો છે.’ આ બાબત પર કશિશ ઇન્કાર ન કરી શકી,

‘જી…હું સમય મળે ચોક્કસ આવી જઈશ.’ કશિશ ટૂંકમાં પતાવવા ઇચ્છતી હતી, પણ સામેની બાજુએ અતુલભાઈ આ ચાન્સ ગુમાવવા ઇચ્છતા ન હતા. કશિશના સાત વર્ષના લગ્નજીવનમાં એવો નિયમ રહ્યો હતો કે રવિવારે સવારે કૌશલ અને કશિશ લંચ માટે એમને ત્યાં જતાં. બાકી કોઈ ગેસ્ટ હોય તો જ આડે દિવસે જમવા-મળવા જવાનું બનતું. રોજ સાંજે કૌશલ પર એની મોમનો ફોન આવતો અને કશિશ સાથે હાઈ, હલ્લો કે સામાજિક વાતો થતી, પણ અતુલભાઈ સાથે અઠવાડિયામાં એકાદવાર વાત માંડ થતી એટલે આજે ફોન કર્યા પછી ફરીવાર ફોન કરવાથી કશિશને પણ અજુગતું લાગે તેવું એ ઇચ્છતા ન હતા.

‘કંઈ પણ જરૃર હોય તો કહેજે બેટા…’ અતુલભાઈએ વિવેક કર્યો જે એમણે કશિશે ઘર છોડ્યું ત્યારે કરવો જોઈતો હતો. કશિશે એ વિશે ટિપ્પણી કરવાનું ટાળ્યું.

‘જી…બાય.’ કશિશે ફોન મૂકી દીધો.

કશિશે ફોન મુક્યો કે તરત જ ધ્યેયે પૂછી લીધું,

‘કેમ અતુલભાઈએ ફોન કર્યો?’

‘કૌશલનાં મમ્મીને હાર્ટ એટેક આવ્યો છે…એટલે ઘરે મળવા આવવા કહેતા હતા.’

‘ઓહ…યુ શુડ ગો.’

‘યહ…પણ તું સાથે આવીશ?’

‘એમને ગમશે?’ ધ્યેયને આમ કશિશ સાથે જવામાં સંકોચ થતો હતો. એક તો એને સામાજિક સંબંધો જાળવવાનો જ ખૂબ કંટાળો આવે છે. તેમાં ય કૌશલના ઘરે એનાં મમ્મી-પપ્પાને મળવા જવાનું અજીબ જ લાગે, કારણ કે એમને એ માત્ર નામથી જાણે છે. બીજો કોઈ પરિચય નથી.

‘બોલ ને તને પૂછું છું?’ ધ્યેય વિચારમાં હતો એટલે કશિશે ફરી પૂછ્યું, ‘હમ…મને આવવાનું મન તો નથી, પણ તું કહે તો ચોક્કસ આવીશ. આઇ એમ ઓલવેઝ વિથ યુ!’

કશિશે એનો હાથ પકડી લીધો, ‘તારા વિના હવે કશે જવાનું ન ગમે…ચાલ હવે જમવા…તારે ભરોસે રહું તો ભૂખી જ રહું…કાલથી ઘરે જ રસોઈ કરવાની છું….’ કશિશે બોલતાં-બોલતાં એનો હાથ ખેંચીને એને કાર તરફ ઘસેડ્યો. ધ્યેય એની પાછળ ખેંચાતો હતો, પણ મનમાં અફસોસ  હતો કે પ્રેમની કબૂલાત કરવાનો મોકો હાથથી જતો રહ્યો. ફરી એ મોકો મળે કે ન મળે.

બીજા દિવસે સવારમાં જ કશિશનો મેસેજ આવ્યો કે આજે રવિવાર છે, કૉલેજમાં રજા હશે એટલે સાંજે અતુલ નાણાવટીના ઘરે જઈ આવીએ. ધ્યેય સહમત થઈ ગયો. અતુલભાઈને કશિશે જાણ કરી દીધી કે એ સાંજે ઘરે આવશે. એમણે ડિનર સાથે લેવાનો આગ્રહ કર્યો, પણ કશિશે વિનયથી ના પાડી દીધી. સાંજે કશિશ અને ધ્યેય બંને એમના ઘરે પહોંચ્યાં. ડોરબેલ વગાડતા એકાદ મિનિટ માટે કશિશનો હાથ ધ્રૂજ્યો એટલે ધ્યેયે એને હિંમત આપવા માટે એનો હાથ પકડી લીધો. બારણું ખૂલ્યું તો સામે કૌશલ હતો.

(ક્રમશઃ)
—————-.

વધુ વાંચન માટે અભિયાન સબસ્ક્રાઇબ કરો.

Leave A Reply

Your email address will not be published.

Translate »