તમારા માટે, તમારી સાથે, સતત…

હાર્દિક પટેલના ઉપવાસ મોદી વિરોધીઓના મંચમાં ફેરવાયા

ભાજપ નેતાગીરી માટે પહેલો આંચકો

0 246

ગુજરાતકારણ – દેવેન્દ્ર જાની

પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા માફીના મુદ્દાને લઈને હાર્દિક પટેલે જ્યારે આમરણાંત ઉપવાસની શરૃઆત કરી ત્યારે નબળો પ્રતિસાદ મળ્યો હતો, પણ દિવસો આગળ ધપતા ગયા તેમ સ્થિતિ બદલાઈ રહી છે. જે રીતે હાર્દિકને મળવા માટે નેતાઓ આવી રહ્યા છે તે જોતા હાર્દિકના ઉપવાસ હવે મોદી વિરોધના મંચમાં ફેરવાઈ રહ્યા હોઈ સરકાર પણ ડેમેજ કંટ્રોલમાં લાગી છે.

પાસના કન્વીનર હાર્દિક પટેલે જ્યારે રપ ઑગસ્ટથી અનામત સહિતના મુદ્દે આમરણાંત ઉપવાસની જાહેરાત કરી ત્યારે ભાજપ સરકારે બહુ મહત્ત્વ ન આપ્યું. સિનિયર અધિકારીઓ પણ એવું માનતા હતા કે હાર્દિક ફેક્ટરની અસર હવે રહી નથી તો ઉપવાસની મંજૂરી આપી દેવી જોઈએ, પણ સરકારે તેમ ન કર્યું અને હાર્દિકને હાઈલાઈટ્સ થવાનો શરૃઆતથી જ મોકો મળી ગયો. હાર્દિકે તેના નિવાસે જ ઉપવાસ શરૃ કર્યા. ઉપવાસના શરૃઆતના દિવસોમાં નબળો પ્રતિભાવ મળતા સરકાર અને ભાજપ નેતાગીરીએ રાહત અનુભવી હતી, પણ હાર્દિકના ઉપવાસ જેમ જેમ આગળ વધતા ગયા અને રાજ્ય અને રાષ્ટ્રીય નેતાઓ હાર્દિકને જે રીતે મળવા પહોંચ્યા તેનાથી માહોલ બદલાઈ ગયો છે. પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગોડાએ પણ વડાપ્રધાનને પત્ર લખીને પાટીદારોને જાટ પેટર્ન મુજબ અનામત કેમ આપવી જોઈએ તેની ફોર્મ્યુલા સાથે પત્ર લખ્યો છે. ભાજપ નેતાગીરીને કદાચ હાર્દિકના ઉપવાસની રાષ્ટ્રીય સ્તર સુધી આટલી નોંધ લેવાશે તેવો અંદાજ ન હતો. ઉપવાસના સ્થળે હિન્દીમાં બેનરો મુકાયા  છે તે પણ સૂચક છે.

Related Posts
1 of 37

હાર્દિક ઉપવાસ પર છે ત્યારે કોંગ્રેસના નેતાઓ સમર્થન આપવા જશે તે અપેક્ષિત હતંુ. વિપક્ષના નેતા પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા હાર્દિકને મળ્યા હતા અને તેને માગને સમર્થન આપ્યંુ હતું, પણ ભાજપ નેતાગીરી માટે પહેલો આંચકો એ હતો કે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ હાર્દિકની પાટીદારોની અનામતની માગણીને સમર્થન આપીને અને સરકાર સાથે મંત્રણા માટે મધ્યસ્થી થવા પણ તૈયારી બતાવી હતી. આ ઉપરાંત બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને એક સમયના એનડીએના સાથીદાર જીતનરામ માંજીએ પણ હાર્દિકની માગણીને વાજબી ઠેરવી છે. આ ઉપરાંત મોદી અને ભાજપની નેતાગીરીથી નારાજ રાષ્ટ્રીય નેતાઓ સાંસદ શત્રુઘ્ન શર્મા અને યશવંતસિંહા પણ હાર્દિકના ટેકામાં આવી રહ્યા છે. આમ હાર્દિકના આમરણાંત ઉપવાસ એક રીતે મોદી સરકાર અને ભાજપ નેતાગીરીના વિરોધીઓના મંચમાં જાણે ફેરવાઈ રહ્યો છે. ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પણ હાર્દિકની માગને વાજબી ગણાવતા ગુજરાત ભાજપની નેતાગીરી પણ ચોંકી ઊઠી છે.

આ લખાઈ રહ્યું છે ત્યારે ઉપવાસનો ૧૧મો દિવસ છે. હાર્દિકના વજનમાં મોટો ઘટાડો થયો છે. સૌરાષ્ટ્રના પાટીદાર પ્રભાવિત ગામોમાં રામધૂન અને પ્રતીક ઉપવાસો શરૃ થયા છે. ગુજરાત સરકાર પણ હવે હરકતમાં આવી છે. જો ઉપવાસ લંબાય અને હાર્દિકની તબિયત વધુ ખરાબ થાય તો રાજકીય નુકસાન વેઠવું પડે તેવો માહોલ બની રહ્યો છે. સરકાર હવે લાંબો સમય ઉપવાસને નજર અંદાજ કરી શકે તેમ નથી, કારણ કે કેટલીક પાટીદાર સંસ્થાઓ પણ હાર્દિકના ટેકામાં આવી રહી છે. ઉપવાસના ૧૧મા દિવસે મંગળવારે ગુજરાત સરકાર ડેમેજ કંટ્રોલ કરવા સક્રિય બની હતી. ઊર્જા મંત્રી સૌરભ પટેલને આગળ કરી એક નિવેદન આપ્યું હતું. સરકારનો પ્રયાસ હાર્દિકના ઉપવાસને કોંગ્રેસ પ્રેરિત ગણાવવાનો રહ્યો છે. સૌરભ પટેલે પાટીદાર અનામત આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવી એમ કહ્યું હતું કે અમે ત્રણ વર્ષ પહેલાં જે શંકા વ્યકક્ત કરી હતી તે સાચી ઠરી છે. હાર્દિકના ઉપવાસ આંદોલનને કોંગ્રેસનો પાછળથી ટેકો છે અને જે હાર્દિકને મળવા જઈ રહ્યા છે તે ગુજરાત અને નરેન્દ્રભાઈ મોદી વિરોધીઓ છે.

હાર્દિક હાલ હૉસ્પિટલમાં દાખલ થવાનો ઇન્કાર કરી રહ્યો છેે. સરકારે તેના નિવાસે ર૪ કલાક આઈસીયુ યુનિટ સાથેની મેડિકલ વાન ઊભી રાખી છે. સરકાર જો હાર્દિકને બળજબરીથી હૉસ્પિટલમાં દાખલ કરાવશે તો તેના પ્રત્યાઘાતો વિપરીત પણ પડી શકે છે. સરકારના સિનિયર અધિકારીઓ માને છે કે આ મામલે હવે સરકારે સમજદારીથી આગળ વધવું પડશે. અગાઉ આનંદીબહેનની સરકારે જેવી ભૂલો કરી હતી તેવંુ ન થાય તે માટે સાવચેતીથી પગલાં ભરવા પડશે, કારણ કે મામલો હવે સંવેદનાનો બની રહ્યો છે.
——————

Leave A Reply

Your email address will not be published.

Translate »