તમારા માટે, તમારી સાથે, સતત…

બોલિવૂડની અટલજીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ…

બોલિવૂડ અર્પી રહ્યું છે શબ્દાંજલિ

0 113

ગરિમા રાવ

‘ચિઠ્ઠી ના કોઈ સંદેશ, જાને વો કોન સા દેશ, જહાં તુમ ચલે ગયે.’

ભારતરત્ન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીના દેહાંત પછી સમગ્ર બોલિવૂડ જગજિતસિંહની આ ગઝલ જ યાદ કરી રહ્યું છે. જેમાં ફિલ્મ કલાકારોથી લઈને ફિલ્મકારો અને સિંગરોનું દર્દ પણ છલકતું જોવા મળે છે. કોઈક જ વ્યક્તિત્વ એવું હોય છે જેમની ખોટ કોઈ પુરી કરી નથી શકતું. અટલજી પણ તેમાંથી એક છે. બોલિવૂડ અર્પી રહ્યું છે શબ્દાંજલિ.

અટલજીના નિધન પર સ્વર-સામ્રાજ્ઞી કોકિલકંઠી લતા મંગેશકરના ટ્વિટે દેશના કરોડો લોકોની લાગણીને છલકાવી દીધી છે. લતાજીએ ટ્વિટમાં લખ્યું છે કે, ‘ઋષિ તુલ્ય અટલજીના સ્વર્ગવાસના સમાચાર સાંભળીને મને એવું લાગ્યું કે જાણે મારા પર આભ તૂટી પડ્યું છે. હું તેમને પિતા સમાન માનતી હતી. તો તેઓએ પણ મને દીકરી બનાવી હતી. તેઓ મને એટલા બધા પ્રિય હતા કે હું તેમને દાદા કહેતી હતી. આજે મને એટલંુ જ દુઃખ થયંુ છે જેટલું મારા પિતાના નિધન પર થયું હતું. પ્રભુ તેમની આત્માને શાંતિ આપે.’ અમિતાભ બચ્ચને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપતા કહ્યું, ‘એક મહાન નેતા, પ્રખ્યાત કવિ, અદ્ભુત વક્તા પ્રવક્તા, મિલનસાર વ્યક્તિત્વને મારી શ્રદ્ધાંજલિ. બાબુજી તેમના પ્રશંસક હતા અને તે બાબુજીના દરેકના ચહિતા અને સારા લીડર હતા.’

હિમેન ધર્મેન્દ્રને અટલજીની યાદે રડાવ્યા. ધરમપાજી કહે છે, ‘અટલજીના પ્રેમના કારણે જ તેઓ પોલિટિક્સમાં આવ્યા હતા. તેમના દેહાંતના સમાચાર સાંભળી મને ઘણો આઘાત લાગ્યો. તેઓ મારા ઘણા નજીક હતા. હું બતાવી નથી શકતો કે તેમનું કેટલું સન્માન કરતો હતો. અત્યારે મને કંઈ જ ખબર નથી પડતી. હું જ્યારે પણ તેમની પાસે જતો તે ઊભા થતા અને કહેતા, ધર્મેન્દ્ર, પછી મને ગળે લગાડતા. તેઓ મને ખૂબ જ પ્રેમ કરતા હતા. હું તેેમની કવિતાઓ પણ સાંભળતો હતો. એમની સાથે જોડાયેલી વાતો હું વધુ નહીં બોલી શકું.’

Related Posts
1 of 258

‘અમારા ઘરમાં તેમને બાપજી કહેતા.’ તેમ કહેતા શાહરુખ ખાન કહે છે, ‘હું ખુશ કિસ્મત છું કે તેમને મળવાની તક મળી. અમે કવિતા, રાજનીતિ અને ફિલ્મો વિશે ઘણી વાતો કરી હતી. મારા જીવનને બાપજીએ પ્રભાવિત કર્યું છે. દેશે એક પિતાતુલ્ય વ્યક્તિને કાયમ માટે અલવિદા કહી છે. મને તેમની એક કવિતાને ફિલ્મી પરદે ઉતારવાનો મોકો મળ્યો હતો. અંગત રીતે મેં મારા બાળપણનો એક ભાગ હસવાનું, શીખવાનું અને કવિતાઓની યાદોને કાયમ માટે ગુમાવી દીધી છે.’ ‘મારા માટે તો તેમનાથી બેસ્ટ ભારતનું નેતૃત્વ કોઈ ના કરી શકે, તે બેસ્ટ લીડર હતા.’ જ્હોન અબ્રાહમના આ શબ્દો સ્પષ્ટ કરે છે કે તે અટલજીને કેટલું ચાહતો હશે. ફિલ્મકાર સુભાષ ધાઈ કહે છે, ‘પરદેશ ફિલ્મના મ્યુઝિક રિલીઝમાં અટલજી આવ્યા હતા અને મને કહ્યું હતું કે, પરદેશ જાઓ અને ત્યાં દેશની સ્ટોરી સંભળાવો. ત્યારે મેં કહ્યું હતું કે, પરદેશ ફિલ્મ તેવી જ છે.’

‘આવા રાજનેતા હોઈ જ ના શકે.’ તેમ કહેતા મહેશ ભટ્ટ કહે છે, ‘મારો અંગત ઓપિનિયન છે કે છેલ્લા કેટલાક દાયકાઓમાં અટલજી જેવા રાજનેતા બીજા કોઈ જ નથી આવ્યા. તેઓ રાજનીતિ શ્રેણીની એ કેટેગરીમાં આવે છે જે હવે છે જ નહીં. ૧૯૯૯માં દેશ એક નવી સદી માટે જ્યારે તૈયાર થઈ રહ્યો હતો ત્યારે હું કારગિલ યુદ્ધના કારણે વિસ્થાપિત લોકોની સાથે એક પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો હતો. જ્યારે બીજા દિવસે અમારા સમાચાર છાપાંઓમાં છપાયા ત્યારે વાજપેયીજીએ મને ફોન કર્યો. ગંભીર અવાજ સાથે કારગિલના લોકો સાથે મને દિલ્હી આવવાનું કહ્યું. મને યાદ છે કે તેમણે કહ્યું હતું કે, આપણે આમને સામને બેસીને આ મુશ્કેલીઓનું સમાધાન શોધી શકીએ છીએ. બીજા દિવસે અમે દિલ્હી ગયા. અમારી મિટિંગ થઈ અને તેમને પ્રશાસનને વિસ્થાપિત લોકોને છ મહિનાનું કરિયાણુ આપવાનું કહ્યું. જેથી શિયાળાનો સમય નીકળી જાય. ત્યાર બાદ અમને વિદાય આપતા સમયે પણ હાથ જોડીને સમસ્યાના સમાધાન માટે આભાર માન્યો. તેમનો હસતો ચહેરો આજે પણ મારી નજર સમક્ષ છે. અલવિદા સર…’

અભિનેતા દીપક ડોબરિયાએ કહ્યું કે ‘૧૩ દિવસ પી.એમ. બન્યા પછી રાજીનામું આપી ૧૯૯૬માં અટલજી અમારા નાટક કોર્ટ માર્શલ દેખવા દિલ્હીના કમાની ઓડિટોરિયમ આવ્યા હતા અને નાટક પૂર્ણ થતાં બધાને શાબાશી આપી હતી.’ ગાયક કૈલાસ ખૈરે ટ્વિટ કરીને કહ્યું કે, ‘મને અફસોસ છે કે હું તેમને મળી ન શક્યો. માત્ર તેમના કામ અને સાહિત્યને જ મળ્યો છું. તેઓ એટલા શાંત અને તટસ્થ વ્યક્તિ હતા જેમની તુલના કોઈની સાથે કરી શકાય તેવી નથી. તે એવા નેતા હતા જે વિપક્ષને પણ પોતાનો બનાવી લેતા. પોતાના શાસનકાળ દરમિયાન તેમણે કન્ફ્યુઝ ભારતને નવી દિશા આપી હતી.’ અટલજીનું દેશ પ્રત્યેનું યોગદાન હંમેશાં યાદ રહેશે, તેમ કહેતાં પ્રિયંકા ચોપરા કહે છે, ‘દેશ હંમેશાં તેમને યાદ રાખશે. આપણે મહાન કવિ ખોઈ દીધા છે. તેઓ એવા વ્યક્તિ હતા જેમણે સુંદર ભારતનું સપનું જોયું હતું.’ બોમન ઇરાની કહે છે, ‘એવું ઘણી ઓછીવાર બને છે જ્યારે પુરા રાજકારણમાં પ્રેમ અને સન્માન મળે. અટલજી રેયર હતા, અલવિદા.’

સંજય દત્તે ટ્વિટ કરતાં લખ્યું કે, ‘અટલજીનું જવું દેશ માટે મોટું નુકસાન છે. તેઓ મારા પરિવારના ઘણા નજીક હતા. તેમના વ્યક્તિત્વને હંમેશાં યાદ રાખવામાં આવશે. સર, સેલ્ફલેસ સર્વિસ માટે તમારો આભાર.’ જ્યારે ગાયિકા પલક મુચ્છલ ફ્રેન્ડ સાથે લાઇવ ચેટ કરવાની હતી, પરંતુ અટલજીના સમાચાર સાંભળીને તેણે પોતાનો પ્રોગ્રામ રદ કર્યો. જાણીતી અભિનેત્રી દિયા મિર્ઝા કહે છે, ‘૧૯૮૦-૯૦ના દાયકામાં મોટા થયેલા દરેક યુવાન જાણે છે કે તેમનામાં અટલજીનો કેટલો ઊંડો પ્રભાવ હતો. તેઓ એક ઉત્તમ લીડર અને નેતા હતા.’

દરેક દિલોમાં રાજ કરનાર કોઈક જ એવંુ વ્યક્તિત્વ હોય છે જે સમગ્ર વિશ્વ પર રાજ કરતું હોય છે. અટલજી પણ એક એવા નેતા, અને ઊંચા ગજાનું વ્યક્તિત્વ હતું કે તેમની વિદાયથી આંસુ રોકી શકાતા નથી. અલવિદા..દાદા…
—————

Leave A Reply

Your email address will not be published.

Translate »